૪૪ -કબીરા

કબીરની કાયામાં મીરાંની માયા


કબીર આમતો વેદાંતી,આધ્યાત્મવાદી,રહસ્યવાદી,મૂર્તિપૂજા વિરોધી ,ફકિર કે સંતકવિ તરીકે ઓળખાયા.ભીતરમાં જ રામના દર્શન અને દરેકે દરેક પરમનાં સર્જનને પ્રેમ કરવાનો શબદ તેણે સ્થાપ્યો.કબીરબીજકમાં ઉપનિષદ ,વેદ અને ગીતાનાં જ્ઞાનનો પ્રકાશ ઊંડા આધ્યાત્મ સાથે સમજાવ્યો.તો શું તે પ્રભુભક્તિમાં નહોતા માનતાં? અરે ,કબીરનું આ પદ વાંચીને થશે કે કબીરનાં પદમાં પણ પ્રભુ માટે મીરાં જેવી જ ભક્તિનો તલસાટ છે! કબીરની કાયામાં મીરાંની ભક્તિની માયાનાં જ દર્શન થશેઃ
અબિનાસી દૂલહા કબ મિલિ હૈં ભક્તન કે રછપાલ.
જલ ઉપજી જલહી સોં નેહા રટત પિયાસ પિયાસ,

મેં ઠાડિ બિરહિન મગ જોઉં પ્રિયતમ તુમરિ આસ.
છોડે ગેહ નેહ લગિ તુમસો ભઈ ચરનન લવલીન,

તાલાબેલિ હોત ઘટ ભીતર જૈસે જલબિનુ મીન.
દિવસરૈન ભૂખ નહિ નિદ્રા ઘર અંગના ન સુહાય,

સેજરિયાં બૈરીના ભઈ હમકો જાગત રેન બિહાય.
હમ તો તુમરી દાસી સજના તુમ હમરે ભરતાર,

દીનદયાલ દયા કરિ આઓ સમરથ સિરજનહાર
કૈ હમ પ્રાન તજત હૈં પ્યારે કૈ અપના કર લેવ,

દાસ કબીર વિરહ અતિ બાઢ્યો હમ કૈ દરસન દેવ.


આ પદ વાંચીને તો એમ લાગે કે કબીરનાં શબદમાં મીરાંનાં જ ધારદાર ભક્તિસભર ઉદ્ગાર છે.જ્ઞાની કબીર જાણે ભક્તિમાં ઓગળીને એકાકાર થઈ ગયો છે.પરમને શોધતાં શોધતાં તેનાં અંતરનાં તાર ભક્તિનાં ઉદ્ગારથી ઝણઝણી ઊઠ્યાછે.પ્રભુને આર્તનાદ સાથે પોકારીને કબીર પૂછે છે ,”હે ભક્તોનાં રક્ષણહાર મારાં પ્રિયતમ ,તું મને ક્યારે મળીશ?જળમાં રહેલી માછલી પણ પાણી માટે પ્યાસી હોય છે તેમ હે પ્રિય પરમ ,હું તારા વિરહમાં ઝૂરી રહી છું.”જ્યારે પણ ભક્ત પ્રભુ સાથે એકાત્મ કેળવવા માંગતો હોય ત્યારે તે નર હોય છતાં નારી બની પ્રિયતમાનાં સ્વરૂપે પરમ સાથે એકરુપ થવાં મથે છે.અહીં કબીર પોતે દુલ્હન અને અવિનાશી પ્રભુને પોતાના પ્રિયતમ તરીકે સંબોધે છે.તેમાં કોઈ વેવલાઈ નથી. નવી નવેલ દુલ્હન પોતાના પિયુની જે ઉત્કંઠાથી ઝંખતી હોય,તેના વગર વિહ્વળ હોય તેટલા કબીરજી વિરહી છે.જાણે આંસુની અવેજીમાં લખાયેલ પદ હોય તેમ લાગે છે.એકીસાથે વિરહની આગ અને વિરહનાં અશ્રુનો સંગમ અનુભવાય છે અને મીરાંની પંક્તિઓ યાદ આવે છે:


તુમ જો તોડો પિયા મૈં નહીં તોડું,

તુમ ભયે સરુવર મેં તેરી મછિયા

તુમ ભયે ચંદા હમ ભયે ચકોરા…


ઈશ્વર રખેવાળ છે,છતાંય ભક્તની ભક્તિનું જતન કરતો હોય એવું નથી.પ્રતીક્ષાના ભંગ્યાતૂટ્યાં ઝરૂખામાં વિરહિણી વાટ જોયા જ કરે છે અને પ્રિયતમ આવતો નથી.પાણીમાં રહીને પાણી માટે તરસતી વિરહિણીની વાત છે.બળબળતી ઝંખના છે અને બેચેન કરે એવો ઝુરાપો છે.નેહ એવો લાગ્યો છે ચરણમાં લયલીન થઈ ગઈ છું. જળ વિના માછલીની જેમ તડપું છું.ભૂખ નથી,નિદ્રા નથી,સંસારમાં કંઈ ગમતું નથી.સંસારનાં આંગણામાં અસુખનેા જ અનુભવ થાય છે.સેજ સુની છે. જાણે કાયમની વેરણ ન હોય એમ આખી રાત જાગરણમાં પસાર થાય છે. 
બધું જ સમર્પિત કરી દીધું હોય. દાસી થઈને જીવવાની ઝંખના હોય.ઈશ્વર જેવો પ્રિયતમ હોય.સમર્થ સર્જનહાર હોય અને છતાંય એ આવવાની વાત ન કરે તો ભરથાર હોવા છતાંય આખું આયુષ્ય ઓશિયાળું લાગે છે. મને પૂર્ણ પણે અપનાવી લો નહીં તો મારી પ્રાણ ત્યજવાની તૈયારી છે.આ વિરહનો દાવાનળ એટલો વધી ગયો છે કે ઈશ્વર તમારા દર્શન વગર આ દાવાનળ શાંત થવાનો નથી.જાણે મીરાં બોલી રહી છે:

ગોવિંદો પ્રાણ અમારો રે…મને જગ લાગ્યો ખારો રે..મને મારા રામજી ભાવેરે…બીજું મારી નજરે ના આવે રે.

.અને

અખંડ વરને વરી સાહેલી હું તોસંસાર સાગર ભયંકર કાળો,તે દેખી હું થરથરી


કબીરમાં મીરાંની આવી આદ્રતાનો પ્રવેશ થયો હોય તેવી અનુભૂતિ થાય છે.અને જાણે અખો બોલતો સંભળાય છે”ભક્તિરૂપી પંખિણી જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ રે…”કોણ પહેલાં જન્મ્યું કે કોઈ પછી જન્મ્યું એની વાત નથી.પણ કબીર સર્વસમર્પણ કરીને નરી ભક્તિથી ઈશ્વરને પ્રાર્થે તો તેમાં મીરાંનો ભક્તિસભર આત્મા તો દેખાયને? અને કબીરમાં પણ જ્ઞાન,વૈરાગ્ય અને ભકિતનો ત્રિવેણી સંગમ વહેતો અનુભવાય.પરમને ખરા દિલથી પામવાંનાં રસ્તા જુદા હોય તો પણ તેમાં તડપ અને પ્રેમ તો એકસરખો જ હોય છે.આ પદ વાંચીને કબીરને માત્ર શુષ્ક વેદાંતી જ નહીં ,પણ ભક્તિથી લદબદ બાવરા ભક્ત પણ કહેવા જ પડશે.


જિગીષા પટેલ

1 thought on “૪૪ -કબીરા

  1. ભક્તની ભગવાન તરફની ભક્તિ એને એકતાન બનાવે ત્યારે એ સમય,સ્થળ, સંજોગો સઘળાથી પર બની જાય. આ બાવરાપણું, આ પરમાનંદ અવસ્થા એને ભગવાન સમીપે લઈ જાય.
    મીરાં શું કે કબીર, આવી પરમાનંદ અવસ્થા પામ્યા હતા જ્યાં એમને ઈશ્વર સન્મુખ હશે એવી ભ્રાંતિ અથવા એવી અનુભૂતિ થઈ હશે.
    ધન્ય છે આ પરમને પામવાની ભક્તિને…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.