૪૩ -સદાબહાર સૂર- અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

ઈશ્વરીય આશીર્વાદ સમી આ પ્રકૃતિનું સોળે કળાએ ખીલેલું સૌંદર્ય કોને કહીશું?

વસંતમાં ચારેકોર લૂમીઝૂમી રહેલી કૂંપળોમાંથી પૂર્ણ સ્વરૂપે પ્રગટ થતા ફૂલોનું? વર્ષાની રીમઝીમ વચ્ચે ક્યાંકથી ફૂટી નીકળેલા તડકામાં દેખાતા પેલા સપ્તરંગી મેઘધનુષના રંગોનું કે પાનખરમાં ખરીને વેરાતા પહેલાંય અવનવા રંગોથી અવનીને શોભા દેતી વનરાજીનું? આ બધાની સાથે પૂનમની રાતે પૂર્ણ કળાએ ઉગેલા ચંદ્રના સૌંદર્યને કેમ ભૂલાય?  

ક્યાંક રંગોની બિછાત છે, ક્યાંક રંગોની જાણે ઓઢણી છે તો મેઘધનુષે આકાશમાં સજાવેલું રંગોનું તોરણ છે. આ અત્યંત મનોરમ્ય રંગોના સૌંદર્યની વચ્ચે ધવલતાની અનોખી શોભાય છે જેની કદાચ સૌ ચાતક નજરે રાહ જોતા હશે. એવી અનોખી એક રાત બસ હમણાં જ બે દિવસ પહેલાં આવી.

શરદપૂનમની રાત એટલે ચારેકોર વેરાયેલી ચાંદનીનો ચમકતો દમામ. આ દમામ વચ્ચે શોભી ઉઠતો પૂનમનો ચાંદ. આ એક એવી રાત હતી જેની કલ્પનાય ના કરી હોય. ચંદ્રના અજવાળાને પૂરેપૂરું ઝીલી લીધું હોય, એની સાથે સ્પર્ધામાં હોય એવી રીતે આ ધરા પણ પૂરેપૂરી ધવલતાથી સોહી રહી રહી હતી. અણધાર્યા સ્નો ફૉલે તો ચાંદની જેટલા ચમકતાં કણોથી ધરાની ઢાંકી દીધી. હજુ તો જાણે શીતળ વાયરા વિંઝાવાના શરૂ થયા છે ત્યાં આ પૂનમની રાતની ચાંદનીને સાથ દેવા આકાશે હિમવર્ષા આરંભી. ચારેકોર નજર જાય ત્યાં સરસ મઝાના પીંજેલા રૂ જેવા બરફની ઓછાડની શુભ્રતાએ પૂનમના રૂપેરી ઉજાસને વધુ ઉજાસમય બનાવી દીધો. કણ કણમાં ચોમેર વેરાયેલી ચાંદની અને આવી રઢિયાળી રાત હોય તો આપણને ય એવું જ થાય કે થોડીવાર આ રાત લંબાઈ જાય. એવું તો અનુપમ દ્રશ્ય હતું!

ત્યારે આ ચાંદની, પૂનમની રાત પર લખાયેલા અનેક ગીતો અને કાવ્યો યાદ આવે. હરીન્દ્ર દવેએ આવી કોઈ રાત જોઈને લખ્યું હશે ને,

“રૂપલે મઢી છે સારી રાત,

એનું ઢુંકડું ન હોજો પ્રભાત”

કવિઓની, ગીતકારોની કલ્પના એક સમાન ધારાએ વહેતી હશે. સમય જુદો હશે, સ્થળ જુદા હશે પણ વાત એક સરખી વ્યકત થતી રહે પછી ભલેને એ કવિ હરીન્દ્ર દવે હોય કે ગીતકાર અવિનાશ વ્યાસ હોય.

અવિનાશ વ્યાસ પણ આવી કોઈ પૂનમની રાત જોઈને આનંદી ઉઠયા હશે અને એમણે પણ એવું જ કહ્યું,

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,

કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો.

એમની એક એવી બીજી રચનાનો અહીં ઉલ્લેખ કરવાનું મન થાય છે. વાત જ્યારે વહાલની કે વ્હાલમની આવે ત્યારે છલકવાનોય એક સમય હોય. આવી રૂપલે મઢેલી રાત હોય, આભમાં ચંદ્ર ચમકતો હોય, ભલે શ્યામલ રજની હોય પણ માથે તારા મઢી રાત હોય ત્યારે પ્રેમભર્યા સહવાસનો અંત જ ન આવે એવું કોઈપણ ઇચ્છે.

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો, છે તારાઓની છાંય,

 હજુ રજનીના શ્યામલ પગલાં, થોડું દૂર રહ્યું છે પ્રભાત,

જરી જંપ્યુ ગગન વિરાટ, ના જા ના જા સાજના

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ

બાર મહિનામાં બાર પૂનમ આવે છે પણ શરદપૂનમની રાતનું મહત્વ સૌ સૌની રીતે અલગ છે. આરોગ્યથી માંડીને આધ્યાત્મ સુધી જોડાયેલી આ શરદપૂનમની રાત એટલે પૂર્ણતાનો એહસાસ. પૂનમની આ રાત સાથે ક્યાંક પૌરાણિક કથાય જોડાઈ છે. શ્રીમદ ભાગવત કહે છે કે કૃષ્ણની નગરી વૃંદાવનમાં શરદપૂનમની-‘રાસ પૂર્ણિમા’ની આ રાત્રે રાધા-કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચી. વાયકા એવી છે કે આજે પણ સાંજ પડતાં રાધા-કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમે છે. અર્થાત શરદપૂનમની રાત સાથે રાધા-કૃષ્ણનો સંદર્ભ સદાનો પણ અવિનાશ વ્યાસ એવી કોઈ એક પૂનમની રાત સાથે મીરાંની વાત લઈને આવ્યા છે. રાધાના શ્યામ તો મીરાંના ગિરધર. મીરાંના મનથી માનેલા માણીગર. મીરાંએ એમના હર એક શ્વાસ પર ગિરધરનું નામ લખી દીધું હોય. જીવનની પ્રત્યેક પળને ગિરધર સાથે સાંકળી હોય ત્યારે એ કઈ કલ્પનામાં રાચતા હશે એનો જરા અમસ્તો ચિતાર અહીં આલેખ્યો છે.

જોઈએ મીરાંની ભાવના અવિનાશ વ્યાસના શબ્દોમાં,

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો,

હું તારી મીરાં તું ગિરધર મારો…

મીરાંનેય ગિરધર સાથે આવી રમણીય રાત વિતે એવી ઝંખના હશે. આકાશમાંથી વરસતા અમૃતનો મહિમા તો એક જ પૂનમની રાતનો જ્યારે મીરાંને જન્મો જન્મ ગિરધરની પ્રીતનો અમૃત પ્યાલો પામ્યાની, ક્યારેય ન મળીને પણ સતત મળતા રહેવાની અનુભૂતિ સાથે એ જીવ્યા.  એક અભિલાષી સ્ત્રી જેમ પ્રિતમનો સહવાસ ઝંખે એમ જ એમણે ગિરધરને ઝંખ્યા હતાં. ક્યારેય સંસાર માંડ્યો નહોતો તેમ છતાં પત્નીની જેમ સાત જન્મ નહીં પણ જન્મો જન્મનો સથવારો છે એમ માનીને જીવ્યા હતાં તો સ્વભાવિક છે કે એમણે મનથી શમણાંનો જે મહેલ રચ્યો હતો એ વિખાય નહી એવી ભાવના સેવી હશે.

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,

આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;

જોજો વિખાય નહીં શમણાનો માળો,

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

દો રંગી દુનિયાની કેડી કાંટાળી,

વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?

લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

મીરાં સામે સતત ભૌતિક સંસારની કાંટાળી કેડી હતી, અનેક પડકારો હતા ત્યારે ગિરધર એમનો હાથ ઝાલે એવો એક વિશ્વાસ જરૂરી હતો. મીરાંના ગિરધર સાથે જોડાયેલા શ્વાસ અને વિશ્વાસની વાત અવિનાશ વ્યાસે મીરાંના ભાવથી મૂકી છે. કોઈ એક પ્રસ્થાપિત વાતથી જરા અલગ રીતે, અલગ વ્યક્તિના સંદર્ભે, રસભર રાતને રાધાના બદલે મીરાંની નજરે રજૂ કરવાની વાત પણ અનોખી તો ખરી જ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

3 thoughts on “૪૩ -સદાબહાર સૂર- અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

  1. આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,

    કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

    વાહ વાહ બહુ જ સરસ..તમારું લખાણને અભિવ્યક્તિ🙏🙏

    Liked by 1 person

  2. ‘ચાંદને કહોકે આજે આથમે નહીં….’ તારા શરદપૂનમનાં બર્ફીલી ચાંદનીનાં વર્ણનથી યાદ આવી ગયું સુંદર આલેખન.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.