ગાંધીજી અને કબીર
સત્યનાં પૂજારી છે બંને,સંત – મહાત્મા છે ઓળખ,પ્રેમ -અહીંસા પરમો ધર્મ શીખવે,
સાચું કહેતાં ન ડરે દુનિયાથી,નિહાળી સૌમાં રામ ,ભીતરનાં રામમાં વિહરે.
જિગીષા પટેલ
જીવનની સાર્થકતા જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે એક ઘટના બને છે.માણસ વ્યક્તિ મટીને વિષય બની જાય છે.જનચેતના પર એણે છોડેલી અસર એટલી પ્રચંડ હોય છે કે તેમના વિશે સતત ચર્ચાતું રહે છે.એમનું બદલાતું કર્મ બદલાતી પેઢીઓનાં નવા દિમાગને હંમેશા ટ્રિગર કરતું રહે છે. આવો આજે આપણે આવી બે વ્યક્તિવિશેષ કબીર અને ગાંધીજી એકબીજાની કેટલા અડોઅડ છે તે બે સાહિત્યકાર એક ગાંધીવાદી ગુણવંત શાહ અને એક ધર્મના ઊંડા અભ્યાસી કુમારપાળભાઈ દેસાઈની નજરે જોઈએ.
આપણા વિદ્વાન સાહિત્યકાર ગુણવંત શાહ ગાંધીજીનાં પરમ ભક્ત અને ગાંધી વિચારધારાનાં પ્રશંસક.તેમણે ‘ગાંધીની લાકડી’, ‘ગાંધીનાં ચશ્મા’, ‘ગાંધીની ચંપલ’,’ગાંધીની ઘડિયાળ’ જેવા પુસ્તકો
ગાંધીજી પર લખ્યાં.ગાંધીજીનાં વિચારો અને તેમના જીવનનો તેમનો અભ્યાસ ખૂબ ઊંડો ,તો જોઈએ તેઓ શું કહે છે ગાંધીજી અને કબીરની વિચારધારા અંગે,
“ કબીરજી અને ગાંધીજી ને જોડતો સેતુ એટલે માનવધર્મનો સેતુ.એ સેતુ પર ડગ માંડવામાં જ ભારતનું અને જગતનું કલ્યાણ રહેલું છે.બંને મહામાનવો કર્મકાંડ અને બાહ્યાચારમાં સમાઈ જતાં religion ને બદલે ધર્મતત્વનો આદર કરનારા હતા.બંને રામ રહીમ કે ઈશ્વર-અલ્લાહને એક ગણાવનાર હતા.બંને અભયસિધ્ધિ પામેલા મહામાનવો હતા.બંનેને લોકોનું અજ્ઞાન ન ગાંઠ્યું તે ન જ ગાંઠ્યું.બિશપ વેસ્કોટે કબીરને ‘ભારતીય લ્યુથર ‘ તરીકે બિરદાવે છે.અતિ સંવેદનશીલ ગાંધીભક્ત શ્રી સાને ગુરુજીએ કહ્યું:’જે ધર્મમાં અદ્વૈતનો મહિમા હોય તે ધર્મમાં અસ્પૃશ્યતા શી રીતે ટકી શકે?જે ધર્મનો પાયો જ ‘તૌહીદ’ હોય ,તે ધર્મમાં કત્લેઆમ શી રીતે ટકી શકે?હિદુંઓ કબીર પ્રત્યે આકર્ષાયા,પરતું મુસલમાનો કબીરથી લગભગ વેગળા જ રહ્યા.બારડોલી પંથકના હજારો પાટીદારો મોટી સંખ્યામાં કબીરપંથી બન્યા.તેઓ મળે ત્યારે ‘રામ કબીર ‘ કહીને સામેવાળાનું અભિવાદન કરે છે.ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગાં થઈ જાય ત્યારે સમાજને કબીર પ્રાપ્ત થાય છે.ચંદ્રની ચાંદની મનને શીતળતા આપે છે અને સૂર્યનો તડકો પ્રજાળે છે,પરતું ગંદકી દૂર કરે છે.કબીરમાં ચાંદની અને તડકો સાથો સાથ વસેલાં છે.કબીરમાં ભક્તિની શીતળતા સાથે ક્રાંતિની ઉષ્ણતા પણ હતી.હા,કબીર અંદરથી સમશીતોષ્ણ ,જ્યાં પ્રેમ હોય ત્યાં કોમવાદ કદી નથી હોતો. કબીર આવા સમાજનાં મહાન જ્યોર્તિધર હતા.તેઓ સમાજમાં વ્યાપેલ અંધકારથી હારી ગયા ત્યારે એમના ઉદગાર કવિતા બનીને સાર્થક થયા.એમને નિરાશાની કોઈ પળે કહ્યું હતું:
સુખિયા સબ સંસાર હૈ,ખાવા ઔર સોવૈં,
દુખિયા દાસ કબીર,જાગૈં રોવૈં.”
આમ ગાંધી અને કબીરને ગુણવંત શાહે પોતાની રીતે મૂલવ્યા.
અને જ્યારે મેં કુમારપાળભાઈની મૂલવણી વાંચી તો મને થયું કે તેમના કબીર અને ગાંધીજીનાં મૂલવણીનાં વિચારો પણ મારાં વિચારો સાથે પરિપૂર્ણ રીતે સહમત લાગ્યા તો તેમનાં જ શબ્દો મને વાચકો સુધી પહોંચાડવા યોગ્ય લાગ્યાં તો ચાલો જોઈએ વિદ્વાન સાહિત્યકાર કુમારપાળભાઈનાં
વિચારોઃ
“ગાંધીજીનાં જીવનસંદેશનો વિચાર કરતાં કરતાં છેક સંત કબીરની વાણી સુધી પહોંચી જવાય છે.મહાત્મા ગાંધીએ સત્યની ઉપાસના કરી અને બાહ્યાડંબર અને દાંભિકતાનો વિરોધ કર્યો.
સંત કબીરે પણ એજ રીતે સત્યનાં માર્ગે ચાલતા પાખંડોનો ઉપહાસ કરીને ‘સંતો સહજ સમાધિ ભલી’ કહ્યું.
ગાંધીજીએ દેશપ્રવૃત્તિ અને અધ્યાત્મપ્રવૃત્તિને સાવ નવા મૌલિક સંદર્ભમાં દર્શાવી.એમના ઈશ્વરને ફૂલમાળા ન ખપે,એ જ રીતે સંત કબીરે પણ દેશની અધ્યાત્મિકપ્રવૃત્તિ નવા આગવા સંદર્ભમાં મૂકી.બંનેએ સામાજિક વિરોધ થવા છતાં પોતાની વાતમાં મક્કમ રહ્યા અને પોતાના વિચારનું આચરણ કરી બતાવ્યું.
ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ ની વાત કરી,તો સંત કબીરે ધર્મ અને સંપ્રદાય વચ્ચેની ભીંતોને જમીનદોસ્ત કરી નાંખી.ગાંધીજી વાસ્તવિકતાને નજરમાં રાખીને વાત કરે છે,આથી કુંભમેળો એમનામાં અણગમો પેદા કરે છે.તો સંત કબીર પણ એ જ રીતે પોતાની આસપાસની નક્કર વાસ્તવિકતા જોઈને સમાજવ્યવસ્થા પર પ્રહાર કરે છે.
ગાંધીજીએ ‘સત્યનાં પ્રયોગો’ નામે પોતાની આત્મકથા લખી અને સંત કબીરે પણ વૈષ્ણવો,પંડિતો,મૌલવીઓ,સૂફીઓ,સિધ્ધો અને નાથો પાસે જઈને સત્ય પ્રાપ્તિના પ્રયાસ કર્યો.ગ્રંથોમાં (વેદ,કુરાનમાં) ડૂબીને મોત શોધવાનો પ્રયાસ કર્યા અને પછી બંનેને જે સત્યસમજાયું,તેની વાત કરી.એક અર્થમાં કહીએ તો કબીર અને ગાંધીમાં સત્યની તપશ્ચર્યા જોવામળે છે.બંને સત્યની ખોજ માટે અનુભવનો આધાર લે છે અને અનુભવની એરણ પર સિધ્ધ થાય તેવા સત્યની વાત કરે છે.ગાંધીજીનું એ સત્ય છેક અહિંસાનાં કિનારે લાંગરે છે અને તેથી તે સત્ય સૌમ્ય રૂપે પ્રગટ થાય છે.સત્યની ખોજમાં નીકળેલો કબીર પ્રેમના કિનારે પહોંચે છે.પરતું જે સત્ય ગાંધીજીમાં સ્પષ્ટ અને સૌમ્ય રૂપે પ્રગટ છે એ જ સત્ય કબીરમાં ક્યાંક આક્રોશથી તો ક્યાંક પ્રહારથી પ્રગટે છે.
બાકી એટલી વાત તો સાચી કે બંનેએ પોતાને જે અસત્ય લાગ્યું,તેના પર પ્રહાર કરવામાં એક તસુ પણ પીછેહઠ કરી નથી કે નથી કરી બાંધછોડ પોતાનાં સિદ્ધાંતોની સાથે.પોતાના આદર્શને ઊની આંચ ન આવે એનો ખ્યાલ રાખ્યો છે અને તેથી ગાંધીનું કે કબીરનું સત્ય એ જન જનનાં હ્રદયમાં પ્રતિષ્ઠા પામ્યું.એ કોઈ સંતોનો ઉપદેશ બનવાને બદલે જનસમાજની ઊર્ધ્વીકરણ ભાવનાઓમાં એકરસ બની ગયું.
બંનેએ ભૌતિકતાને બદલે આધ્યાત્મિકતાનો પંથ બતાવ્યો અને એટલે જ ગાંધીજી મોક્ષપ્રાપ્તિનો વિચાર કરે છે.તો સંત કબીર સહજ સમાધિ ના અનંત સુખની મસ્તાનગીની વાત કરે છે.મહાત્મા ગાંધી અને સંત કબીરે આપણા દેશમાં પ્રવર્તતા ભેદભાવો સામે અવાજ ઊઠાવ્યો.જાતિ વ્યવસ્થાની પોકળ ખુલ્લી પાડી.વર્ણવ્યવસ્થા ને નામે ચાલતાં દંભ ,આડંબર અને છલનાને ખુલ્લા પાડ્યા.કબીરે ધર્મસંસ્થાઓ પર પ્રહાર કર્યા. હિંદુ-મુસલમાન જેવા ભેદોને ઇન્કાર કર્યો.
ધર્મસ્થાનોમાં ગોંધાયેલા ધર્મને એમાંથી બહાર લાવ્યા અને માનવવેદનાની વચ્ચે એને સ્થાન આપ્યું.બંને પાસે પોતીકી જીવનદ્રષ્ટિ હતી.ગાંધીજી અપરિગ્રહની વાત કરે છે અને એક નાનકડી પેન્સિલની પણ ચિંતા કરે છે, તો એ પૂર્વે જાણે સંત કબીર એ જ સંતોષની વાત કરતા જણાવે છે:
સાંઈ ઇતના દીજિયે ,જામે કુંટુંબ સમાય,
મૈં ભી ભૂખા ના રહૂં,સાધુ ન ભૂખા જાય.
હિંદુ ધર્મમાં કર્મકાંડોનાં ચોકઠામાં ક્યાંય ગાંધીજી બેસી શકતા નહીં.તો એજ રીતે કબીર પણ હિંદુ કે મુસલમાન બેમાંથી એકેયને રાજી રાખી શકતા નથી.કબીર વારંવાર રામનું નામ લે છે ,એ કારણે મુસલમાન લોકોનો રોષ વહોરવો પડ્યો હતો,તો બીજીબાજુ એ જ કબીર મૂર્તિપૂજા પર પ્રહાર કરે છે.અસ્પૃશ્યતામાં માનતા લોકો પર ઉપહાસ કરે છે,તેથી હિંદુઓ પણ તેમનો વિરોધ કરતા હતા.મુસલમાન ધર્મમાં જન્મેલા કબીરે એકવાર કાજીને કહ્યું હતું,
છાંડિ કતેવ રામ ભજું બૌરૈ,જુલુન કરત હૈ ભારી,
કબીરૈ પકડી ટેક રામકી,તુરક રહે પચિ હારી.
( તમે ચોપડી રટવાનું છોડો અને રામનું ભજન કરો,નહીં તો ભારે જુલમ કરશો,મેં તો રામનો આશરો લીધો છે,તુર્ક લોકો મને સમજાવતા સમજાવતા ભલેને થાકીને હારે.)
જ્યાં બાહ્ય આડંબર જ ધર્મની ઓળખ બંને છે એવા ધર્મનો બંનેએ વિરોધ કર્યો.ગાંધીજીએ સત્ય,અહિંસા અને અપરિગ્રહને જેમ નવો સંદર્ભ આપ્યો, એ જરીતે કબીરે પણ ધાર્મિક,અધાર્મિક,આસ્તિક કે કાફીરનો નવો સંદર્ભ આપ્યો.નોંધપાત્ર બાબત એ છે કે કબીરનાં સમયમાં જેવી ધર્માંધતા પ્રવર્તતી હતી તેવીજ ધર્માંધતા મહાત્મા ગાંધીનાં સમયમાં હતી.ગાંધીજીએ હિંદુ મુસલમાન એકતા માટે કરેલ પ્રયત્ન આપણે જાણીએ છીએ.
જેમ મહાત્મા ગાંધીએ ‘હરિજન’ શબ્દની વ્યાખ્યા કરી,એ જ રીતે સંત કબીર પણ ધર્મ ક્ષેત્રે પ્રયોજતા શબ્દોની નવી વ્યાખ્યા આપે છે.સંત કબીર કહે છે :કાફર એ છે કે જે પારકું ધન લૂંટતો હોય ,ઢોંગ કરીને દુનિયાને ઠગતો હોય,નિર્દોષ જીવોની હત્યા કરતો હોય.આરીતે કબીર હિંદુ મુસલમાનના સમન્વયની વાત કરે છે.ગાંધીજી તો આને માટે જીવનભર પ્રયાસ કરતા રહ્યા.ગાંધીજીની જીવનકથાનો પરિચય એમની આત્મકથા અને એ પછી એમની લખાયેલાં ચરિત્રોમાંથી મળે છે.તો એવી જ રીતે કબીરનાં પણ કેટલાક પદો જ એવા મળે છે કે જેમાંથી આપણે કબીરસાહેબની જિંદગીનો પરિચય પામી શકીએ.
કબીર અને ગાંધીએ સત્યને નામે ચાલતી દુકાનો,ધર્મના નામે થતો વ્યાપાર અને વર્ણને નામે થતો અનાચાર ખુલ્લો પાડ્યો.માત્ર દયાદાન કરીને વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેમ કહેવાનો બદલે પ્રામાણિક જીવન જીવીને સત્યની પ્રાપ્તિ થાય છે તેમ કહ્યું. કર્મકાંડ અને આડંબરોનો વિરોધ બંને કરે છે.મુસ્લિમ સલ્તનતકાળમાં અને યથેચ્છ નિરંકુશ ચાલતા શાસનમાં સત્યની કેવી દશા છે એ કહેતા કબીર કહે છે,
સાધો!દેખો જગ બોરાના,
સાંચ કહે તો મારન ધાવે
ઢૂંઢે જગ પતિયાના,
કહે છે કે સત્ય બોલનારને મૃત્યુને ભેટવું પડે છે.જરા વિચાર કરીએ કે કબીર પોતાના સમયની આ વાત કરે છે અને જાણે મહાત્મા ગાંધીની હત્યાનો પ્રસંગ આપણી નજર સમક્ષ ઊભો થાય છે.સત્યની ઉપાસના કરતા કબીરે કહ્યુંકે જેણે સત્યને ઓળખી લીધું છે એ પુરુષરત્ન ખોટા કુળ જાતિના પક્ષને વળગીને નહીં ચાલે.”આમ ગાંધીજી અને કબીરનાં જીવન જાણે એકબીજાની અડોઅડ હતા.
સંપાદન જિગીષા પટેલ
જીવનની સાર્થકતા જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે એ માણસ વ્યક્તિ મટીને વ્યક્તિ વિશેષ બની જાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ બને ત્યારે એમની વાણી, વિચારો અને વર્તન સૌના મનને સ્પર્શે અને એમના આચરણને અનુસરવાનું ઈચ્છે એ સ્વાભાવિક છે. વર્તમાન પેઢી દરેક વાતને લાગણીની સાથે બુદ્ધિના ત્રાજવે પણ તોળે છે અને એટલે જ એ વાતો નવી પેઢીઓનાં દિમાગને હંમેશા ટ્રિગર કરે છે.
કબીરની વાતો આજે જ નહીં વર્ષો સુધી સૌના મનને અસર કરતી રહેશે.
LikeLike