૪૨ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

સત્સંગ-મહિમા – મીરાંબાઈના પદોને સથવારે….જ્ઞાન અને ભક્તિ

શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ત્રણ પ્રકારના યોગનું વર્ણન કરેલું છે. જ્ઞાન યોગ (બુદ્ધિ યોગ), ભક્તિ યોગ અને કર્મ યોગ.આ ત્રણેય યોગનું અંતિમ ધ્યેય પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાનું જ છે. માત્ર તે અંતિમ ધ્યેય સુધી પહોંચવાના આ ત્રણ જુદા જુદા માર્ગ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવેલ છે.

જ્ઞાન યોગ કે જ્ઞાન માર્ગમાં બુદ્ધિના ઉપયોગ દ્વારા પ્રભુ વિશેનું જ્ઞાન પ્રાપ્તકરીને પ્રભુને પામવાનો પ્રયાસ કરવાનો છે. જ્ઞાનમાર્ગ થોડોક કઠિન માર્ગ છે અને ગુરુના માર્ગદર્શન અને કૃપા વગર સાધ્ય કરવો મુશ્કેલ છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતાના નીચેના શ્લોકમાં કહે છે તેમ અનેક  જન્મોને અંતે કોઈક એવા દુર્લભ   મહાત્માનો જન્મ થાય છે જે માત્ર જ્ઞાનમાર્ગે જ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે.

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते |
वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ:

ભક્તિ યોગ કે ભક્તિ માર્ગને પ્રભુ પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ ગણાવ્યો છે. ભક્તિએ કોઈ બાહ્ય રીતે મેળવવાની ચીજ નથી એતો એક આંતરિક અનુભૂતિ છે જેમાં તમે પરમાત્મા સાથે ઐક્યની અનુભૂતિ કરી શકો. શ્રવણ, કીર્તન, સ્મરણ,પદ-સેવન, અર્ચન, વંદન, દાસ્યમ અને છેલ્લે આત્મ-નિવેદન એટલે કે સંપૂર્ણ શરણાગતિ એ નવધા ભક્તિના નવ પગથિયાં છે.જયારે તમે પ્રભુ સાથે આત્મ-નિવેદનની અનુભૂતિ કરી શકો ત્યારે ભક્તિમાર્ગ સાધ્ય થયો ગણાય.

મીરાંબાઈ એક સિદ્ધ આત્મા હતા કે જેમને જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બને સાધ્ય થયેલ હતા. પ્રભુ-પ્રીતિ અને સત્સંગ તેમની સાધનાના કેન્દ્રમાં હતો અને તેના કાજે તેમણે લોક-લાજ- કુળ મર્યાદા સર્વની ઉપેક્ષા કરી. મીરાંબાઈએ ભારતવર્ષના અનેક સંતો સાથે સત્સંગ કર્યો અને તેમના અનુભવના નિચોડ રૂપે તેમણે સત્સંગનો મહિમા દર્શાવતા અનેક પદોની રચના કરી.મીરાંબાઈ ના સત્સંગ મહિમાના પદોમાં તેમણે જ્ઞાન અને ભક્તિ બંને માર્ગ થકી સત્સંગ ના મહિમાને શબ્દ દેહ આપેલ છે.

જેમકે નીચેના પદમાં મીરાંબાઈ ખુબ સરળ શબ્દોમાં જીવનની વાસ્તવિકતા અને અંતિમ ધ્યેયને શબ્દ સ્વરૂપે વહેતા મૂકે છે અને હરિના નામ ને હલેસા બનાવીને જીવનસાગર પર કરવાની શિખામણ આપે છે.

સંસાર સાગરનો ભે છે ભારે, માંહે ભર્યો છે બહુ ભાર
કામ ક્રોધ બે કટાક્ષ ઉમરાવ,મદ મમતા મોહવાર
શીલ સંતોષી શઢ ચઢાવો, હરિ નામને લલકાર
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, રામ હૃદય મનમાં ધાર

મીરાંબાઈના સત્સંગ-મહિમા દર્શાવતા જ્ઞાનના પદોની એક વિશેષતા એ જોવા મળી કે તેઓ ખુબ સરળ  અને સાહજિક રીતે ગૂઢ અને ગહન સંદેશાને શબ્દ રૂપે રજુ કરે છે. નીચેના પદમાં મીરાંબાઈ સંતના ચરણોમાં જઈને પોતાના આત્મામાં દીવડો પ્રગટાવવાનો એટલે કે આત્મા-જ્ઞાન પ્રાપ્ત કરવાનો સંદેશો આપે છે.

તમે જાણી લો સમુદ્ર સરીખા, મારા વીરા રે,આ દિલ તો ખોલીને દીવો કરો રે, હોજી
આ રે કાયામાં છે વાડીઓ રે હોજી, માંહે મોર કરે છે ઝીંગોરા રે
આ રે કાયામાં છે સરોવર રે હોજી,માંહે હંસ તો કરે છે કલ્લોલ રે
આ રે કાયામાં છે હાટડાં રે હોજી,તમે વણજ વેપાર કરોને અપરંપાર રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હોજી,દેજો અમને સંત ચરણે બસેરા રે.

મીરાંબાઈ અમુક પદોમાં ચેતવણીના સૂરમાં પણ જ્ઞાનનો સંદેશો આપે છે અને આ દુર્લભ મનુષ્ય દેહને ના વેડફવા ની ચેતવણી આપે છે. મીરાંબાઈ કહે છે કે તું ચારે બાજુ ભટકીશ પણ પ્રભુના ચરણકમલ સિવાય તને ક્યાંય શાંતિ નહિ મળે  

लोभी जिवडा यूं ही जनम गमायो रे
जा दिनते तैं जनम लियो है,हरी को भजन नहीं गायो रे
भटकत फिरयो लोभ के खातिर, हाथ कछु नहीं आयो रे
मात-पिता अरु सुजन सनेही, वोहो जनम तैं पायो रे
मीरां कहे प्रभु हरी अविनाशी, चरण कमल चित लायो रे.

મીરાંબાઈએ ગિરિધર ગોપાલની ભક્તિ આત્મસાત કરેલ હતી. ગિરિધર ગોપાલ પ્રત્યેની પ્રીતિ અને ભક્તિજ તેમના માટે જીવન જીવવાની ધગશ અને જીવન નું ધ્યેય હતા. પોતે આત્મસાત કરેલી આ ભક્તિનિધિ ને તેઓએ શબ્દો સ્વરૂપે તેમના પદ દ્વારા રજુ કર્યા. જેમકે નીચેના પદમાં મીરાંબાઈ ભગવદ્કથા અને સત્સંગ ગંગામાં મગ્ન થઇ જવાનો સંદેશો આપે છે.

ગોવિંદ ગાવ મન ગોવિંદ ગાવ, રામ કૃષ્ણ ભજવાનો આવ્યો છે દાવ
દુર્લભ નર દેહી તમે તત્પર થાવ, ભવસાગર તરવાને બેસવાને નાવ
ભગવદકથા સાંભળો ને હૃદયે રાખો ભાવ, સત્સંગ રૂપી ગંગામાં પ્રેમે કરી ન્હાવ
બાઈ મીરાં કહે તમે હરિજન થાવ, હરિ ના ચરણોમાં ચિત્ત લગાવ.

આવાજ ભક્તિ સભર પદમાં મીરાંબાઈ હરિગુણ અને સત્સંગનો મહિમા વર્ણવતા હરિ રંગમાં ભીંજાવાનું આમંત્રણ આપે છે.

હો ભાગ્યશાલી આવો તો રામ રસ પીજીએ
તાજી દુ:સંગ સત્સંગમાં બેસી, હરિગુણ ગઈ લ્હાવો લીજીએ
મમતા ને મોહ જંજાળ જગકેરી, ચિત્ત થકી દૂર કરી દીજીએ
દેવોને દુર્લભ દેહ મળી આ, તેને સફળ આજ કીજીએ
રામ નામે રીઝીએ, આનંદ લીજીએ, દુરિજનિયાં થી ન બીએ
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હેતે હરિ રંગમાં ભીંજીએ રે

આમ મીરાંબાઈએ સત્સંગ મહિમા વર્ણવતા બીજા અનેક પદોની રચના કરી. મીરાંબાઈએ તો જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ આત્મસાત કરેલ હતો.જ્ઞાન અને ભક્તિ આ જીવનરથના બે પૈડાં જેવા છે. આ જીવનરથને આપણે સ્વયં ચલાવવા અસમર્થ છીએ તેથી પ્રભુને સારથી બનાવીને આ જીવનરથનું સુકાન સોંપીને નચિંત થઇ જવાની જરૂર છે. જેમ મીરાંબાઈ થઇ ગયા હતા તેમ…તો ચાલો આજે એ પરમસખા અને પરમસારથિનું સ્મરણ કરતા કરતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે મીરાંબાઈના પ્રભુપ્રીતિ ને ઉજાગર કરતા અન્ય પદો ને માણીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.