ક્યારેક મન સતત જે વિશે વિચારતું હોય અનાયાસે એ વિચારોની પૂર્તિ જેવા સંજોગો સામે આવીને ઊભા રહે. આજે મારી સાથે પણ કંઈક એવું જ બન્યું. આજે અવિનાશ વ્યાસ, એમના ગીત-સંગીત વિશે મનમાં ઘણાં વિચારો આવ્યા. એમણે લખેલા ગીતો, ગીતોના સ્વરાંકન વિશે આજ સુધી ઘણું લખાયું છે. કહેવાયું છે. એમની ભાગ્યેજ કોઈ એવી વાત હશે જે સુગમ સંગીતના ચાહકોથી અજાણી હોય ત્યારે એવો વિચાર આવ્યો કે ગીત-સંગીત દ્વારા એ આપણાં સુધી, આપણાં હ્રદય સુધી પહોંચ્યા પણ આ ગીત-સંગીત સુધી એ કેવી રીતે પહોંચ્યા હશે? એ ક્ષણ કેવી હશે જ્યારે અવિનાશ વ્યાસે પ્રથમ ગીત લખ્યું હશે કે પ્રથમ સ્વરાંકન કર્યું હશે? એમની એ ક્ષણની અનુભૂતિ કેવી હશે?
ગીતની વાત આવે ત્યારે શબ્દની ઉત્પત્તિના મૂળના છેડા સુધી પહોંચીએ એવી રીતે સંગીતની વાત આવે ત્યારે સંગીતની ઉત્પત્તિ ક્યારે, ક્યાંથી થઈ હશે એના વિચાર આવે.
સંગીતની ઉત્પત્તિ વિશે અનેક વાયકા અથવા વાતો છે. શક્ય છે ક્યારેક સદીઓ પહેલાં આપણાં પૂર્વજોએ કોઈ એક ગુફા કે બે કંદરાઓ વચ્ચેથી ઉઠતા પડઘાનો અવાજ પકડ્યો હોય. શક્ય છે પત્થર પર ટપ ટપ ટપકતાં પાણીની બુંદોનો લય પકડ્યો હોય. પહાડ પરથી વહી આવતાં ઝરણાનો ખળખળ અવાજ ઝીલ્યો હોય. સાગરના ઘૂઘવાટામાંથી સા સાંપડ્યો હોય. પવનના લીધે થતો પાંદડાનો મર્મરધ્વનિ સાંભળીને કશુંક સમજ્યા હોય. શક્ય છે એમની આસપાસ વિચરતાં પશુ-પંખીની બોલીમાંથી સૂરોનું સર્જન થયું હોય. સંગીતના સૂરમાં કોમળ, મધ્યમ કે સપ્તકનો ઉદ્ભવ આવા જ કોઈ આસપાસ વિચરતાં પંખીઓના ટહુકા કે કેકારવમાંથી કોમળ અને એવી રીતે મધ્ય્મ અને સપ્તક લાધ્યાં હોય.
શક્યતાઓ વિચારીએ તો અનેક મળી આવે. એ સાથે સંગીતની ઉત્પત્તિ માટે એક કાર્યક્રમાં સાંભળેલી વાત યાદ આવી. લોકોક્તિ એવી છે કે સંગીતની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ. બ્રહમાજીએ એને મા સરસ્વતીને સંગીત આપ્યું, મા સરસ્વતીએ નારદમુનિને આપ્યું. નારદમુનિએ એને સ્વર્ગલોક સુધી પહોંચાડ્યું. સ્વર્ગલોકમાંથી ધરતી પર આવીને ભરતમુનિ સાથે એનો પ્રચાર કર્યો.
એ પછી તો એ વહેતાં ઝરણાંની જેમ એ ઘણાં બધા સ્વરકારો થકી આપણાં સુધી વહી આવ્યું. સ્વર જુદા, સૂર જુદા, સંગીતકાર જુદા પણ એક વાત તો એમની એમ જ કે જેમ સૂર વિના સંગીત સૂનું એમ સંગીત વિના જીવન સૂનું. આપણા જીવનને સંગીતથી સભર કરનાર અનેક ગીતકાર-સંગીતકારના નામો હંમેશ માટે આપણાં મનમાં ચિરસ્થાયી બન્યાં છે.
અવિનાશ વ્યાસ આવા જ એક ચિરસ્થાયી નામોમાંનું એક નામ છે. આજે આસો મહિનાના આ અજવાસથી ભરેલા આકાશ તરફ નજર કરું છું ત્યારે એમની એક રચના યાદ આવે છે.
હે આકાશ તું અજવાળાનું ઘર,
પહેલું અજવાળું પરમેશ્વરનું
બીજું અજવાળું સૂરજનું
ત્રીજું અજવાળું ચંદરને તારા
ચોથું સંધ્યાની રજનું.
કેટલી સરસ વાત ! આપણી ઉપર ઝળૂંબી રહેલું આખું આકાશ અજવાળાનું ઘર છે એ જ કેવી સુંદર કલ્પના! સવારમાં આંખ ખુલે અને નજર સામે ફેલાયેલો ઉજાસ જોઈને સાવ સ્વભાવિક રીતે આપણે હાથ જોડીને, શિશ નમાવીને આંખ અને આત્માને અજવાળતા પરમેશ્વરને વંદન કરીએ છીએ. પરમેશ્વરને જોયા નથી. એ આપણી શ્રદ્ધામાં, વિચારોમાં છે પણ દેખીતી રીતે જેના થકી ઉજાસ ફેલાયેલો જોઈએ છીએ એ સૂરજ, ઢળતી સંધ્યાની રતાશ કે રાત પડે ગગનના ગોખમાં દેખાતા ચંદ્ર-તારાના અજવાળાનું સરનામું આપવું હોય તો મુકામ આકાશ એમ જ લખવું પડે ને?
પાર નથી જગે અજવાળાનો,એ તો સૌથી પર
આકાશ રડે સારી રાત
પ્રથમ એના અશ્રુ બિંદુથી,ઘડાયો ચંદ્રનો ઘાટ
લખકોટી તારા આંસુ છે કોઈના, કોણ જાણે એના મનની વાત
આંસુના તેજ આકાશમાં રહીને,આજ બન્યા છે અમર.
સૂરજ આથમી જાય પછી સૂનું પડેલું આકાશ આખી રાત રડતું હોય અને એના આંસુથી આ ચંદ્રનો ઘાટ ઘડાયો હોય એવો વિચાર પણ સાવ અનોખો. એના મનની વાત તો ક્યાં કોઈ જાણી કે સમજી શક્યું છે? અને આ લખકોટી તારા એ એના અસ્ખલિત વહેતાં આસું છે એવી કલ્પના ક્યારેય કરી જોઈ છે આપણે? આજે માનવીએ અવકાશયાત્રા તરફ ઉડ્ડાન ભરી છે. ચંદ્ર પર માનવજીવનની શક્યતા શું છે એ જાણવા ઉત્સુક છે કારણકે આજના માનવીને બ્રહાંડ, અવકાશ, તારા, નક્ષત્ર કે ગ્રહો વિજ્ઞાનથી જાણવા છે ત્યારે કવિ કલ્પના સાવ જુદી દિશાએ લઈ જાય છે. સાવ સ્થિર કે સ્થગિત લાગતા આકાશની પરિકલ્પના બદલી નાખી છે. કોઈ એક વડીલને એના ઘરના સદસ્યો નજર સામેથી દૂર જતાં જોવા જેટલું વસમુ આ આકાશનેય લાગતું હશે અને એ એની વ્યથામાં આંસુ સારતું હશે?
રજનીની શૈયાથી જાગીને, સૂરજે ઉષાનાં ઓજસથી મુખ ધોયું
કિરણોની અંગુલી અવનીને અડકી, જગ જાગ્યું ને તેજ રૂપ જોયું
તિલક કર્યું ભાલે, કંકુનું ક્ષિતીજે, સાંપડ્યો સોહાગી વર
વળી આ સાવ અનેરી કલ્પના!
જગમાતાના ભાલેથી કંકુ ખરે અને સૂરજ ઉગે એવી કલ્પના લઈને “માડી તારું કંકુ ખર્યુને સૂરજ ઉગ્યો”ની રચના અવિનાશ વ્યાસે કરી. હવે અહીં એનાથી જરાક જુદી વાત લઈને આવ્યા છે.
રજનીની શૈયા, રજનીના આગોશમાંથી જાગીને પૂર્વ દિશામાંથી રેલાતી ઉષાની રાતી ઝાંયથી સૂરજ એનું મુખ ધોવે અને એના ચહેરા પર જે ચમક આવે એનાથી તો આખું જગ ઝગમગ ઝગમગ. કિરણોરૂપી આંગળીઓ આ પૃથ્વીને સ્પર્શે. એ સ્પર્શ માત્રથી જગત આખું જાગે. જાગે અને દૂર ક્ષિતીજ પર આકાશના ભાલે કંકુના તિલકરૂપી સૂરજને ઝગારા મારતો દીસે.
વાતને જરા જુદી રીતે કહ્યા પછીય એક ઘટના તો સરખી લાગે છે કે કંકુ ખરીને સૂરજ ઉગે કે સૂરજ જ કંકુનું તિલક સમ બનીને સોહે પણ આરંભે કે અંતે જગ માથે રેલાતા અજવાળાનું એક જ ધામ.. આકાશ એ અજવાળાનું ઘર.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
વાહ!
સુંદર આલેખન👌🌹
LikeLiked by 1 person
રાજુલ બેન,
સંગીતની ઉત્પત્તિની લોકોક્તિ ની વાત ખૂબ ગમી. ને
“રજનીની શૈયાથી જાગીને, સૂરજે ઉષાનાં ઓજસથી મુખ ધોયું” – કેવી સુંદર કલ્પના!.સુંદર લેખ.
LikeLiked by 1 person
“કંકું ખરે ને સૂરજ ઊગે” અને “સૂરજ ઉષાનાં ઓજસથી મુખ ધોવે” શું કલ્પના છે અવિનાશભાઈની !અદભૂત!” હે આકાશ તું અજવાળાનું ઘર” ગીત જાણવાની મઝા પડી!
LikeLiked by 1 person
રીટાબહેનની વાત સાથે સંપૂર્ણ સહમત. સંગીતની ઉત્પત્તિ અંગે લોકોક્તિની વાત રાજુલબહેને બખૂબી આલેખી.
વાત કે લેખની અસરકારકતા, શૈલીમાં કેવી ઉભરતી હોય છે?!
LikeLiked by 1 person