સત્સંગ-મહિમા – મીરાંબાઈના પદોને સથવારે….. તત્વજ્ઞાનના પદો
यावत्स्वस्थमिदं कलेवर गृहं यावच्च दूरे जरा
यावच्चेन्द्रिय शक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः
आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नों महान
प्रोदिप्ते भवन तू कूप खनन प्रत्युद्यम कीदृश
ભર્તૃહરિ લિખિત ઉપરના કથનમાં જણાવ્યું છે તેમ જ્યાં સુધી આપણો દેહ સ્વસ્થ છે અને ઇન્દ્રિયોમાં શક્તિ છે ત્યાં સુધી વિચારશાળી વ્યક્તિએ આત્મ-કલ્યાણ માટેના બધાજ પ્રયત્નો કરી લેવા જોઈએ. ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ તેનો શું અર્થ? એટલે કે જયારે દેહ અને ઇન્દ્રિયો ક્ષીણ થવા લાગે ત્યારે આત્મ-કલ્યાણના સાધનો શોધવા જવાનો શું અર્થ?
પણ આ આત્મ-કલ્યાણ એટલે શું? સીધોસાદો અર્થ આત્માનું કલ્યાણ.આપણા જીવન દરમિયાન આપણે આપણા શરીરના કલ્યાણ માટે તો અવિરત પ્રયતનશીલ રહીએ છીએ અને એ જરૂરી પણ છે, પણ આપણા શરીર થી પર આપણી અંદર રહેલા આત્માના કલ્યાણ માટે સજાગ અને સભાન બનીએ ત્યારે આપણે આત્મ-કલ્યાણના પ્રયત્નો કર્યા કહેવાય.આપણને સૌને અનુભવ છે કે સાંસારિક વિષય ભોગો આપણને ક્ષણિક આનંદ અને તૃપ્તિ આપી શકે પણ શાશ્વત આંતરિક શાંતિ આ વિષયભોગો થી મળી શક્તિ નથી. મારી દ્રષ્ટિએ, જયારે તમે બાહ્ય પરિબળો થી વિચલિત થયા વગર શાશ્વત આંતરિક શાંતિનો સદૈવ અનુભવ કરી શકો, તો તમે આત્મ-કલ્યાણના માર્ગની સફર નું પહેલું પગલું ચઢ્યા કહેવાઓ. આત્મ-કલ્યાણના માર્ગની સફર શરુ કરવા પહેલા આપણા મન ને મનાવવું રહ્યું કારણકે આપણું આ મર્કટ મનને તો વિષયભોગ આસક્ત છે.
मन एवं मनुष्याणं कारण बंध मोक्षयोः
बन्धोस्य विषया सङ्गो मुक्ति निर्विर्षय स्मृतम
જેનું મન વિષયોમાં રત છે તે બદ્ધ છે અને જેનું મન વિષયોમાંથી જયારે વિરક્ત થઇ જાય ત્યારે તે ખરેખર મુક્તિનો અનુભવ કરી આત્મ કલ્યાણના માર્ગે પર આગળ વધી શકે. શાસ્ત્રોમાં વિદિત કર્યા મુજબ આ આત્મ-કલ્યાણનું સૌથી સરળ અને સર્વપ્રધાન સાધન છે – સત્સંગ. આમ તો સત્સંગનો અર્થ પ્રભુભજન-કીર્તન-પઠન એવો થાય છે, પણ આપણે સૌ સંસારી જીવો માટે આપણા બધાજ કામ છોડીને ૨૪ કલાક માત્ર પ્રભુ ભજન જ કરવું તો કદાચ શક્ય નથી. મારી દ્રષ્ટિએ જો આપણે કર્મફળથી અનાસક્ત રહીને આપણું કર્મ નિષ્ટાપૂર્વક પ્રભુ સ્મરણ સાથે કરતા રહીએ અને દરેકે કર્મ આપણે પ્રભુને કેન્દ્રમાં રાખીને કરીએ અને સાથે સાથે ત્યાગ અને પરોપકારની ભાવના સાથે સંતોષ પૂર્વક જીવન પસાર કરીએ તે પણ એક પ્રકારનો સત્સંગ છે.
મીરાંબાઈ તો એક સિદ્ધ આત્મા હતા, જેમના માટે હરિ સત્સંગ જ તેમની સાધનાના કેન્દ્રમાં હતો. આ પ્રભુ-પ્રીતિ અને સત્સંગ માટે તેમણે લોક-લાજ-કુલ મર્યાદા સર્વની ઉપેક્ષા કરી. મીરાંબાઈએ અનેક સંતો સાથે સત્સંગ કર્યો અને તેમના અનુભવના નિચોડ રૂપે તેમણે સત્સંગનો મહિમા દર્શાવતા અનેક પદોની રચના કરી.
મીરાંબાઈ ના સત્સંગવિશેના પદો જોતા આજે મને મીરાંબાઈના વ્યક્તિત્વના એક બીજા પાસાનો અહેસાસ થયો. મીરાંબાઈ ખુબ ઊંડું તત્વજ્ઞાન ધરાવતા હતા અને અમુક પદોના શબ્દોમાં તેમની એક પ્રખર તત્વજ્ઞાની અને વિદ્વાન તરીકેની છાપ ઉપસી આવે છે. આજે આપણે મીરાંબાઈના એ પાસાને ઉજાળતાં પદોને માણીશું
જેમકે નીચેના પદમાં મીરાંબાઈ મનની ચંચળતા અને માનવ સહજ દુર્ગુણો પર પ્રકાશ પાડતા આ ચંચળ મનને પરોપકાર અને સત્સંગ દ્વારા સંયમિત કેવી રીતે કરવું તેનો નિર્દેશ કરે છે.
अपने मन को बस करे
घाट अवघट बिकट यह लाख में इक टारे
काम क्रोध बिकार जगमे मोह माध से हरे
सत्य परोपकार कर नर ध्यान प्रभु का धरे
दास मीराँ शरण प्रभुका चरणमे आ परे
તો વળી નીચેના પદમાં મનુષ્ય દેહ ની નશ્વરતાનું ભાન કરાવતા મીરાંબાઈ નિર્ગુણભાવ થી કહે છે તારી કાયા માં જ્યાં સુધી જ્યોત જલે છે ત્યાં સુધીજ આ બધી પ્રકાશ છે.
વાગે છે રે વાગે છે, તારી કાયા માં ઘડિયાળ વાગે છે
આરે કાયાના દસ દરવાજા, નીતિની નૌબત ગાજે છે
આરે કાયા માં બાગ-બગીચા, ભમરો સુગંધી માંગે છે
આરે કાયા માં જ્યોત જલે છે, તેજના બીમ્બકાર વાગે છે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સંતો અમરાપુર મ્હાલે છે
મીરાંબાઈનું જે વિદ્વાન તરીકેનું સ્વરૂપ છે તે નીચેના પદમાં સુપેરે પ્રદર્શિત થાય છે. મીરાંબાઈના પદો માં ઉપદેશની સાથે સાથે તાર્કિક સાબિતીઓ પણ હોય છે. નીચેના પદમાં મીરાંબાઈ આ ક્ષણનું મહત્વ સમજાવે છે.
प्रभु से मिलना कैसे होय
पांच प्रहर धंधे मैं बीते, तीन प्रहर रहे है सोय
मनुष्य जनम अमोलख पायो, सो तै सभी ढारयो खोय
मीराँ के प्रभु गिरिधर भजिये, होनी होय सो अभी होय
તો નીચેના પદમાં મીરાંબાઇમાં જીવન જીવવાની થોડી સચોટ ચાવીઓ ને શબ્દ દેહ આપે છે.આ પદ દ્વારા એવું ફલિત થાય છે કે મીરાંબાઈએ તેમના જીવનના અનુભવો પર થી જીવન જીવવાની કળા “Art of Living” હસ્તગત કરી હતી
અજાણ્યા માણસનો સંગ ન કરીએ, એના હાથમાં હીરો ના દઈએ રે
મનડાની વાતું રે દિલડાની વાતું રે, ભેદ વિના કેને કહીએ રે
ઊંચા ઝાડની આશ ન કરીએ, હેઠેથી વીણીને ફળ ખાઈએ રે
ઊંડા જળનો વિશ્વાસ ના કરીએ, કાંઠે બેસીને નાહીએ રે
પારકા ધનની આશ ના કરીએ, પ્રભુ દીએ તો ખાઈએ રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, આપણે હેત કરીને ગાઈએ રે
તો ચાલો આજે મીરાંબાઈના “Art of Living” ના ઉપદેશને મમળાવતા મમળાવતા, હું મારી કલામને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે મીરાંબાઈના સત્સંગ મહિમા અને પ્રભુપ્રીતિ ને ઉજાગર કરતા અન્ય પદો ને માણીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ! તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….
– અલ્પા શાહ
બહુ સરસ 👌👍💐
LikeLike
Thank You Jayshreeben
LikeLike