આજે ટેક્નોલોજી વિકસી રહી છે ત્યારે WhatsApp વોટ્સએપ દ્વારા નાનાં નાનાં નાટકો જેવા સંવાદો આપણે રોજ આપણા મેસેજ બોક્સમાં જોઈએ છીએ , વાંચીએ છીએ અને કેટલાક કલાકાર જીવ એવાં નાના મોટા નાટકો પણ બનાવને છે અને આપણને મોકલે પણ છે ! નાટક એટલે જીવનની જ કોઈ વાત જેને પાત્રો દ્વારા જીવંત કરીએ ! નાટક એટલે જીવનની જ કોઈ ચમત્કૃતિ!
પછી ટેક્નોલોજી વિકસી એટલે એને વિડિઓ દ્વારા ફિલ્મ સ્વરૂપે કંડારીને આપણને સૌને આનંદ કરવા , આસ્વાદ માટે રજૂ કરવા માંડી !
તો આ થઇ એક સામાન્ય સરળ ફિલ્મની વાત !
એક સરળ નાટકની વાત !
એક નાનકડા સંવાદની વાત: જેમાં ચમત્કૃતિ હોય ; કાંઈક અદભુત હોય , સામેની વ્યક્તિને ગમી જાય તેવું હોય !
આવા સંજોગોમાંથી જ જો નાટક રચાતું હોય , તો મેઘાણી જેવી વ્યક્તિ નાટક ના લખે તો જ નવાઈ ! આવી રીતે જ જો ફિલ્મ – ચલચિત્રો બનતા હોય તો ઝવેરચંદ મેઘાણી ની નવલકથાઓ ‘વેવિશાળ’ જેવી રસપ્રદ વાર્તાઓમાંથી ફિલ્મ – ચલચિત્રો ના બને તો જ નવાઈ !
મેઘાણીમાં કલાકારનો આત્મા નાનપણથી જ હતો.
એ શાળામાં હતા ત્યારે પણ સુંદર બુલંદ અવાજે ભાવથી ગીતો લોક ગીતો ગાઈને પ્રેક્ષકોને લાગણીમાં જકડી લેતા હતા !
“ માડી હું તો બાર બાર વર્ષે આવીયો ;
માડી મેં તો ના દીઠી ઓલી પાતલડી પરમાર રે જાડેજા માં , ડેલીએ દીવો સગ બળે !”
એ ગાઈને પ્રેક્ષકોને રડાવી પડ્યા હતાં !
તો વાચક મિત્રો , રંગ મંચ કલાકાર તરીકેની તેમની શક્તિ આપણને આમ છેક નાનપણથી જણાય છે.
અરે , કલાપીનાં દર્દીલાં ગીતો ગાઈને સૌને ભાવુક બનાવતા એટલે તો મિત્રો એમને વિલાપી કહેતા !
એ જ રીતે સ્કૂલના વાર્ષિકોત્સવ દરમ્યાન પોતે એક નટની અદાથી એક તાર બાંધીને ઉપરથી ઉતરે અને પ્રેક્ષકોને કોઈ ગીતની પંક્તિઓ ગાઈને ચકિત કરીદે !
આ બધાં લક્ષણો જ જણાવે છે કે ભવિષ્યમાં એ જીવ કોઈ નાટ્યક્ષેત્રે , ફિલ્મ ક્ષેત્રે આગળ આવશે !
કોલેજ કાળમાં એમણે નાટ્યમંડળ સ્થાપ્યું હતું અને જાણીતા સાહિત્યકારોના પુસ્તકોમાંથી નાટકનું બીજ લઈને નાટક રચ્યાં હતાં અને ભજવ્યાં હતાં !
ભગવાને જ જાણેકે મેઘાણીને સાહિત્યકાર બનાવવા હોય તેમ , કોલેજ પતી , ભાવનગરની કોલેજમાં નોકરી મળી ત્યાં જ ભાઈની
માંદગીના સમાચાર આવ્યા એટલે કલકત્તા જવાનું થયું ; કલકત્તા જાણેકે સંસ્કૃતિ -સાહિત્યની જ ભૂમિ ! મેઘાણી ત્યાં રહી ગયા અને બંગાળી ભાષાનો પરિચય થયો ! અરે રવીન્દ્રનાથ ટાગોટને ઘેર તેમનાંજ મુખે તેમનાં કાવ્યો સાંભળ્યાં; સાથે સાથે બંગાળી રંગભૂમિનો પરિચય થયો ! સાથે સાથે એ સાહિત્ય ભૂમિ પર રહીને રંગભૂમિનાં નાટકોની સફળતા નિષ્ફ્ળતા વગેરેનો અભ્યાસ પણ કર્યો !
અને નોકરીના કામે વિલાયત પણ જઈ આવ્યા , જ્યાંથી ત્યાંની રંગભૂનીને જોવાની તક પણ મળી .
એમણે કલકત્તામાં મહારાણા પ્રતાપનું નાટક જોયેલું જેમાં સ્વતંત્રતા માટે મહારાણા પ્રતાપ સમ્રાટ અકબર સામે ઝૂઝે છે અને ખપી જાય છે . બસ એ જ વસ્તુ સ્થિતિથી દેશમાં આઝાદીનું , સ્વાભિમાનનું આંદોલન જગાડવા મેઘાણીએ એ નાટકનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું – હા , માત્ર ભાષાંતર નહીં . રૂપાંતર કર્યું !
અને એ સમયે ગુજરાતી રંગભૂમિ પર માત્ર પ્રેમાલા પ્રેમલીની વાતોજ કજાળતી હતી ત્યારે નવું વસ્તુ બીજ લઈને મેઘણીએ નાટ્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો .
આપણામાં કહેવત છે ને , કે ફરે તે ચરે!
મેઘાણીએ જેમ કલકત્તા અને લંડનમાં ઘણું જોયું અને જાણ્યું તેમ નસીબ જોગે મુંબઈ પણ જવાનું થયું .
સૌરાષ્ટ્ર મેગેઝીન બંધ પડી જતા , અને નવું ફૂલછાબ ન જચતાં, અને પત્ની દમયન્તિબેને અગ્નિસ્નાન કરતાં અને ચાર નાનાં બાળકોની સંભાળનો પ્રશ્ન ઉભો થતાં , મેઘાણી મુંબઈ જાય છે ! ત્યાં ગુજરાતની રંગભૂમિ અને ચિત્રપટ ક્ષેત્રનો અનુભવ થાય છે ! મેઘાણીની વાર્તાઓ – પછી એ મૌલિક હોય કે લોકસાહિત્યની , પણ એમની વાર્તા કલા રસપ્રદ હોવાથી તેમાં નાટયબીજ છુપાયેલ હોવાથી , તેમની નવલકથાઓમાંથી ગુજરાતી ફિલ્મો બનાવવાનો વિચાર પણ મુંબઈમાં આવેલો . પોતાની વાર્તાઓ ઉપરથી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો , તો એ જ રીતે અન્ય ફિલ્મો જોઈને વાર્તા બીજ પણ હાથ લાગ્યા એમણે પ્રતિમા અને પલકારા વાર્તાઓ આ રીતે રચી હતી એમ તેઓ નિખાલસ રીતે જણાવે છે .
એમની વાર્તાઓમાંથી નાટકો પણ રચાયાં છે . એમનાં ગીતોની ગ્રામોફોન રેકોર્ડ પણ બની , ત્યારે ફિલ્મ બનાવી એ ગીતો ગૂંથી લેવાનો વિચાર આવેલો. .
ફરી પાછાં અપને એમની નાટ્ય અને ફિલ્મ કારકિર્દી તરફ નજર કરીએ .
એ એ ક્ષેત્રોમાં સફળ કેમ ના થયા?
વાચક મિત્રો ! વાર્તાઓ લખવી કે કાવ્યો રચવા એ વ્યક્તિની માનસિક અવસ્થા ઉપર નિર્ભિત છે . કુશળ કવિને વિચાર સ્ફુરે અને એ કાવ્ય રચે .બસ! વાત ત્યાં પુરી થઇ . કવિના ભાવ પ્રદેશમાંથી સંવેદનાઓને પ્રગટ કરતું શબ્દ સ્વરૂપ ! એમાં બીજી વ્યક્તિ પ્રવેશી શકે નહીં . એમાં માત્ર કવિ અને કવિનો શબ્દ , બસ બે જ જણ હાજર હોય .
પણ નાટક અને ફિલ્માં?
પાત્રોને સમજવા , એને રજૂ કરવા વગેરે એક બીજી જ વાત છે ! બીજું જ ક્ષેત્ર છે!
વળી તેમાં પ્રોડ્યુસર અને પ્રેક્ષકો સૌનો મહત્વનો ફાળો છે . કલાકારોને વેતન આપવું, નાટક અને ફિલ્મનું પ્રસારણ થયા તે માટે યોગ્ય ડિરેક્ટર , પ્રોડ્યુસર અને સેલ્સમેન સૌની કાબેલિયત ઉપર નાટક કે ચિત્રપટની સફળતા નિષ્ફ્ળતાનો આધાર રહે છે !
હા , કહેવાનું તાતપર્ય એ જ છે કે , થોડા પ્રયોગો બાદ મેઘાણીને લાગ્યું કે એ એમનું કામ નથી : એમણે એ ક્ષેત્ર છોડી દીધું ! બધાંને બધું જ આવડવું જરૂરી નથી . આપણાં રાષ્ટ્રીય કવિ , લોકસાહિત્યના અગ્રેસર સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ થોડી મહેનત કુસ્તી એ ક્ષેત્રોમાં પણ કરી છે પણ અંતે તેમને એટલે સફળતા મળી નહીં – એમ કહો કે એમનું વ્યક્તિત્વ એ બીબામાં બંધાવા તૈયાર નહોતું !!
પણ એમના વ્યક્તિત્વનો નિખાર જે ક્ષેત્રમાં ઉપસી આવે છે તે – એમના ભજન સાહિત્ય વિષે આવતે અંકે વિચારીશું !
મેઘાણી જી નો માહિતી સભર લેખ છે ધન્યવાદ ગીતાબેન તમને ધન્યવાદ .
LikeLike