કલમના કસબી : કનૈયાલાલ મુનશી -35



આપણે છેલ્લા બે હપ્તાથી ‘જય સોમનાથ’ની વાત કરી રહ્યા છીએ. આજે વાત કરીશું તેના ત્રીજા અને અંતિમ ચરણની.આ કથામાં તત્કાલીન ગુજરાતી સમાજનું તથા દેશના વહીવટનું જીવંત નિરૂપણ છે. અહીં ભીમદેવ, ચૌલા, ઘોઘાબાપા, સામંત, વિમલ મંત્રી, ગંગ સર્વજ્ઞ જેવાં જીવતાં જાગતાં પાત્રો સર્જી, પાત્રોની ઐતિહાસિક ઘટનાઓની રસિક ગૂંથણીથી એકધારો રસ પ્રવાહ અસ્ખલિત વહાવીને સર્જકે લોકહૃદયમાં ચૈતન્ય પ્રગટાવ્યું છે. અતીતની અસ્મિતાના ભક્ત ને પ્રશંસક તથા ભારતીય સંસ્કૃતિના ઉપાસક મુનશીજી ભાવક – વાચક સમક્ષ પ્રગટે છે. તેમની ઐતિહાસિક નવલકથાઓ હકીકતે ઇતિહાસરંગી રોમાન્સ છે. સોમનાથ મંદિરનું પુનનિર્માણ હકીકતે સ્વપ્નદૃષ્ટા મુનશીનું સ્વપ્ન હતું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુએ મુનશીને આમંત્રણ આપી મંદિરનું કામ શરૂ કરાવ્યું. ત્યારે એમણે કહ્યું હતું કે “નવસર્જનની શક્તિ હંમેશા વિધ્વંસક શક્તિ કરતાં વધુ હોય છે એ વાત સોમનાથ મંદિર સિદ્ધ કરે છે.’

હમ્મીર પ્રભાસ તરફ ચઢી આવે છે એ કરતા ભીમદેવ મહારાજ સેના સાથે આવે છે તે ખબરથી પ્રભાસમાં અજબ ચેતન આવી ગયું. ચૌલા પણ તેને બચાવનાર પ્રતાપી ભીમદેવને પોતાની અકથ્ય ઉર્મીઓથી આવકારવા વ્યાકુળતાથી રાહ જોઈ રહી. ‘જય સોમનાથ ‘ ની ઘોષણા સાથે પાટણના નરેશનો ભવ્ય સત્કાર થયો. ગુરુદેવ ગંગ સર્વજ્ઞએ દેવીની પૂજાના પુણ્યધામોમાં ચાલતો અત્યાચાર બંધ કરાવ્યો. ત્યાંથી ચૌલાને છોડાવી તથા શિવરાશિને પ્રાયશ્ચિત આપ્યું. તેથી તેમનો પટ્ટશિષ્ય શિવરાશિ એમ માનતો હતો કે એ મહાપાપને લીધે જ ગુરુને વિનાશવા હમ્મીર આવતો હતો. ભીમદેવની પ્રેરણાથી પ્રભાસમાં તૈયારીઓ શરૂ થઈ. ચૌલાને ભીમદેવ અને ગુરુદેવની સરભરાનું કામ સોંપાયું ને ભીમદેવની સેવા કરવી એ તેના શ્વાસ ને પ્રાણ થઈ ગયા.

ક્યાંક શંખનાદ થયા તો ક્યાંક રણશિંગુ ફૂંકાયું તો વળી ક્યાંક ભેરીનાં નાદ થયા. જાણે મોટી રેલ આવતી હોય એમ હમ્મીરની સેના અભેદ્ય વ્યુહમાં પ્રભાસના આસપાસ પ્રલયની માફક વીંટળાઈ વળી. દરિયા સિવાયની ત્રણ બાજુએથી પ્રભાસ ભીડાઈ ગયું. હમ્મીરે જગત જીતવાના એમના ક્રમમાં અનેક વાર આવા ગઢો પર આક્રમણ કરેલું. પણ આ ધામ બધાથી શ્રેષ્ઠ હતું. અહીં આવવા એમણે અણખેડેલા રણ ખેડ્યાં હતા ને અપ્રતિમ સાહસ કર્યાં હતાં. આસુરી પ્રાબલ્ય ધરાવતાં હમ્મીરના પ્રચંડ સૈન્ય સામે ભગવાન સોમનાથની લાજ રાખવાની ભયંકર પ્રતિજ્ઞા લઈ નાનકડું ક્ષત્રિય સૈન્ય ખડું હતું.

આજની હાઈ ટેક પેઢીને કદાચ આ યુદ્ધનો અંદાજ પણ ન આવે. પણ ત્યારે યુદ્ધમાં કુશળ વ્યૂહ રચના ને સાધનોની સાથે શારીરિક બળનો પણ મોટો ફાળો રહેતો. ભીમદેવ મહારાજ ક્યારેક ઘોડા પર તો ક્યારેક પગ પર ફરીને સૈનિકોને આજ્ઞા કરતાં, અચૂક બાણો છોડતા ને ‘જય સોમનાથ’ની ગર્જનાથી બધાને પ્રોત્સાહિત કરતા. મંદિરના શિખર પરથી ચૌલા અને ગુરુદેવ રુદ્રના અવતાર સમા ભીમદેવ મહારાજનું શૌર્ય નિહાળતાં. ગુરુદેવે ભીમદેવના અદભુત શૌર્યની વાત સાંભળી હતી, પણ નજરે આજે જ જોયું. હમ્મીરનું સૈન્ય ધાર્યું હતું તેનાથી મોટું હતું તો ભીમદેવનું બળ પણ ધાર્યું હતું તેનાથી વધુ હતું. મધ્ય દરવાજા પર ભીમદેવ મહારાજ અને દ્વારકા દરવાજા પર રા’ એ રંગ રાખ્યો અને પોતાની બાહોશીથી દુશ્મનના સૈન્યને ફાવવા ન દીધું. જૂનાગઢ દરવાજે પરમારે સૈનિકોને પ્રેરવામાં અને પોતાનું શૌર્ય બતાવવામાં કોઈ કસર છોડી ન હતી. છતાં ત્યાં પરિસ્થિતિ કઠણ બની. ભીમદેવની ઈચ્છાને અનુસરી વૃદ્ધ માતાપિતા ને નવપરિણીત વધૂને છોડી તે રણે ચડ્યો હતો ને બહાદુરીથી દુશ્મનો સામે ઝુઝતા મૃત્યુના મોંમાં પડ્યો હતો.

ભીમદેવ મહારાજ પોતાના ઉતારે ગયા ત્યારે તેમના કાનમાં સ્વર્ગીય સંગીત ગુંજતું હતું .એમણે અપ્રતિમ શૌર્ય દાખવ્યું હતું . દાવાનળ સમા હમ્મીરને પાછો હટાવી સત્કાર અને કીર્તિ મેળવ્યા હતા. હર્ષથી પ્રફુલ્લ તેમનું મન ચૌલાનો વિચાર કરવા બેઠું. પોતાની જાતને પાર્વતી માનતી એ અદ્ભુત બાલિકા હતી. જગતની જંજાળ એને સ્પર્શતી નહિ. ચંદ્રિકા મઢી એક નાનકડી ઊર્મિ હોય તેમ જ આખા જીવનની પળેપળમાં અપૂર્વ છટાથી નાચતી હતી. એ તો ચંદ્રના તેજની, પુષ્પોની સુવાસની, જળતરંગોના નૃત્યની બની હતી. આવા વિચાર કરતાં તેઓ અધીરા બની ચૌલાને ઝંખતા હતા. ને ચૌલા તો એક અંધારા ખૂણામાં લપાઈને અધીરા થતાં મહારાજને હસતે નયને જોઈ રહી હતી. એની દૃષ્ટિએ તો પાટણ પતિ ભીમ રણે ચઢયા ન હતા, પણ ભગવાન શંભુ પોતે ત્રિપુરાસુર સાથે યુદ્ધે ઉતર્યા હતા. કૈલાસ પર એ – હિમવાન પર્વતની કન્યા – પતિની વાટ જોતી બેઠી હતી. વિજયી શિવ અત્યારે એની વાટ જોતાં હતા. અચાનક તેનાથી હસી દેવાયું ને ભીમદેવે એને પકડી પાડી ને ફૂલની માફક હાથમાં લઈ આલિંગન આપ્યું. પાર્વતી અને પરમેશ્વર કહી ચૌલા ભીમદેવ હાથમાં લપાઈ ગઈ. અદ્ભુત રાત્રિ હતી, ચંદ્ર અમી વરસાવતો હતો, આંખો મીંચી પોતાના ભગવાનને શરણે ચૌલા ગઈ.

આ તરફ સામંત ચૌહાણ વહાણમાં જરૂરી સામાન સાથે આવી લાગ્યા. ને તેમણે યવનોએ બાંધેલા તરાપાના સેતુના દોરડા કાપી દુશ્મનનો વ્યૂહ ઊંધો પાડ્યો. સામંતે ભીમદેવને કહ્યું કે ચૌલા મારી ધર્મની બહેન છે. જો આજ રાત પછી એ પાટણના ધણીની પત્ની ન થવાની હોય તો અહી જ ફેંસલો કરી લઈએ. એમ કહી સામંતે ખંજર કાઢી ભીમદેવની છાતી પર ધર્યું. ભીમદેવે કહ્યું કે યુદ્ધ પતે એટલે તું જ કન્યાદાન દેજે. પણ સામંતના કહેવાથી ગુરુદેવને બોલાવી ભીમદેવ અને ચૌલાના ઘડિયા લગ્ન લેવાયાં. બહેનને રક્ષા બાંધવા આવનું કહી તે દ્વારિકા દરવાજે દોડી ગયો. બીજી તરફ ચૌલા પોતાના હાથમાંથી ગઈ જાણી ગાંડા બનેલા શિવરાશિએ કપટપૂર્વક પોતાના એક માણસને સામંતની પાછળ દ્વારિકા દરવાજેથી બહાર મોકલી યવનોને સુરંગમાં થઈને આવવાનો છુપો રસ્તો બતાવ્યો. ભીમદેવ અને રા’ બહાદુરીથી દુશ્મનોને રોકી રાખવામાં સફળ થયા હતા પણ છુપા રસ્તે આવેલા દુશ્મનોએ જૂનાગઢી દરવાજો ખોલી નાખ્યો ને રજપૂત સેનામાં હાહાકાર મચ્યો. રા’ એ અભૂતપૂર્વ પરાક્રમો કરી શહીદી વ્હોરી. ને મહારાજ પણ પડ્યા. હજુ થોડો જીવ હતો. ત્યાં સામંત આવ્યો ને એણે મહારાજ અને ચૌલાને મોકલી આપ્યા કે જો એ જીવતાં હશે તો ગુજરાત ભસ્મમાંથી ઊભું થશે.

પ્રભાસમાં કતલ, લૂંટ ને આગનું સામ્રાજ્ય હતું. શિવરાશિએ હમ્મીરને મંદિરમાં જતા રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે એના માથામાં તલવાર મારી મંદિરમાં ગયો. હમ્મીરે ઘણા મંદિરો જોયા હતા ને તોડ્યા હતા. પણ અસ્ત થતાં સૂર્યના પ્રકાશમાં ઝગમગતો આવો મણિમય પ્રાસાદ એણે જોયો ન હતો. તેણે લોખંડની ગદા મારી. સૃષ્ટિ વખતે સર્જાયેલા ભગવાન સોમનાથના બાણના ત્રણ કકડા થઈ ગયા.

ભીમદેવને કંથકોટ ને ચૌલાને ખંભાત લઈ જવામાં આવ્યા. હમ્મીરનું સૈન્ય થાકીને બળવો કરે એવું લાગવાથી તે પાછો ફર્યો. ઘોઘાબાપાની યશગાથા ઘેર ઘેર ગવાતી થઈ. મહારાજ પાટણ આવ્યા ને ગઢ નવો થવા લાગ્યો. મહારાજે સોમનાથ પાટણ ફરી બંધાવી સ્થાપના કરવાનો હુકમ આપ્યો. ચૌલાને ભાન થયું કે એ સગર્ભા હતી. પણ એ ભ્રષ્ટ ને અધમ બની હતી એમ તે માનવા લાગી. તેણે પાટવી કુંવરને જન્મ આપ્યો. તેણે વ્રતનું બહાનું કરી મંદિરની સ્થાપના સુધી પ્રભાસમાં રહેવાનું નક્કી કર્યું. દેવને રીઝવવાનું મૂકી મનુષ્યને પ્રેમ કરવાનો તેને અફસોસ હતો. તેને લાગતું હતું કે ભગવાનના કકડા થયા ને તે – ભગવાનની દાસી – શા માટે જીવતી રહી. આ જગત એને પોતાનું ન લાગતું. તે યંત્રવત ખાતીપીતી ને નૃત્યના કપડામાં હીરા, મોતી, માણેક ભર્યા કરતી.

છેવટે, ભગવાનની પ્રતિષ્ઠાનો એ શુભ દિવસ આવી ગયો. નવું પ્રભાસ અનુપમ સૌંદર્યથી શોભતું હતું. ભીમદેવ મહારાજના વૈભવ અને કીર્તિને સીમા ન હતી. ગર્વમાં હરખાતા ને યુદ્ધની રાત્રે માણેલા ક્ષણિક આનંદને વિસ્તારવાના સપનાં જોતાં તે પ્રિયતમા ચૌલાને મળવા ગયા. પણ કોઈ પરલોકવાસીની હોય એમ તેને જોતાં આભા બની ગયા.

સાંજની આરતીનો સમય થાય છે. ઝાકઝમાળ સભામંડપમાં મણિમય સ્તંભો ને દિવાઓના તેજ છે. ચંદનચર્ચિત, બીલીના ઢગમાં શોભતા ભગવાનના દર્શન થાય છે. ઉપર સુવર્ણની જલાધરી લટકે છે. ‘જય સોમનાથ’ની ઘોષણા થાય છે અને પ્રભાસ આખું સોમનાથમય બને છે. નૃત્ય શરૂ કરવાનો પોકાર થાય છે. હીરા, મોતી, ને રત્નોથી ઝળકતી દિવ્ય કો દેદીપ્યમાન અપ્સરા બધાને આંજી દેતી નૃત્ય શરૂ કરે છે. અદ્ભુત નૃત્યથી શિવને વિનવે છે, પ્રાર્થે છે, રીઝવે છે, ક્ષમા યાચે છે , શિર પટકે છે ને આક્રંદ કરતી હોય તેવું નૃત્ય કરે છે. ચિત્રવત્ બનેલી મેદની ગાંડી બની જોઈ રહી છે. અચાનક નર્તકીના મુખ પરનું લૂગડું ખસી જાય છે ને એના સ્વરૂપવાન મુખ પર દિવ્ય સુખનું અમર તેજ તપે છે ને આંખોમાં પ્રણયની વિદ્યુત લેખા ચમકે છે. તે ઉમરા પર માથું ટેકવે છે….મૃદંગ અટકે છે….ઝાંઝર પણ અટકે છે….નિશ્ચેતન શરીર શિથિલ બની ઢગલો થાય છે…આ ધન્ય પળે, ચૌલાએ, અધ્યાત્મિક પ્રેમની પરાકાષ્ટાએ, એના ભોળાનાથને સર્વસ્વ સમર્પણ કરી દીધું હતું….

ગંગા સ્નાનની ડૂબકી એ સ્નાન સાથે આધ્યાત્મિક અનુભૂતિ પણ છે. આવું જ કંઇક ‘જય સોમનાથ’ દ્વારા અનુભવી શકાય છે. યુગો બદલાય, પણ મુલ્યો અવિચળ રહે છે…શ્રદ્ધા અને ભક્તિ, દેશદાઝ અને દેશપ્રેમ , પ્રણય અને સમર્પણ .. રંગોનું મેઘધનુષ્ય યુગો પછી પણ અનુભવાય તે છે કસબ…’જય સોમનાથ’…

રીટા જાની

4 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી -35

  1. વાહ! સરસ મુમશીના કસબી તમે જ બની ગયા..મુનશીને પણ ત્યારે જાણ નહિ હોય…આટલું કોઈ મને કલમથી ઓળખશે..✍️👌

    Like

    • આભાર, જયશ્રીબેન. સાચી વાત છે. આજે હું જ્યારે મુનશી વિશે લખું છું તો એમનો શબ્દવૈભવ મારી અંદર અનુભવું છું.

      Like

  2. જય સોમનાથ નવલકથાનું અત્યંત સરસ, રસપ્રદ એવું સંક્ષિપ્તમાં આલેખન..
    રીટાબેન, અભિનંદન

    Like

Leave a reply to Rajul Kaushik Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.