હાં રે દોસ્ત હાલો અમારે દેશ- 29)આજના કરોના કાળમાં મેઘાણી !આ મહીને ઝવેરચંદ મેઘાણીની ૧૨૩મી જન્મ જયંતિ આવે છે. જે વ્યક્તિને આ પૃથ્વી પરથી વિદાયને લગભગ પોણી સદી વીતી ગઈ હોય , જેણે માત્ર અર્ધી સદીનું જ આયુષ્ય ભોગવ્યું હોય , જેણે માત્ર પા સદી જ સાહિત્ય સર્જન કર્યું હોય , અને એટલા અલ્પ કાળમાં જે ગુજરાતની ભૂમિની આંગળીને વેઢે ગણાય એટલી મહત્વની પ્રતિભાઓમાં સ્થાન પ્રાપ્ત કરે, એ વ્યક્તિની એ સફળતા માટે બે ઘડી વિચારવાનું મન થાય છે.
શું હતું મેઘાણીમાં જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ ?
ગુજરાતમાં જ નહીં વિશ્વમાં વસેલ પ્રત્યેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીને એક યા બીજી રીતે જરૂર ઓળખે છે . તેમનાં કાવ્યો – ગીતો , હાલરડાં , ગરબા , શૌર્ય ગીતો , કે પછી તેમની બાલ વાર્તાઓ , તેમની લોકસાહિત્યને ઉજાગર કરતી સોરઠી વાર્તાઓ – બહારવટિયાઓની વાતો કે એમની વ્રત કથાઓ કે ગાંધીજીના રંગે રંગાયેલ સામાન્ય માનવીની અસામાન્ય વાતો ! ક્યાંક , ક્યારેક આપણે એમને વાંચ્યા છે , સાંભળ્યા છે ! એ સાહિત્ય એમને શાશ્વતતા બક્ષે છે .
વિશ્વનાં સાહિત્યકારો વિષે અભ્યાસ કરવો અને તેઓમાં રહેલ કાંઈક ‘ વિશિષ્ટ ‘ તત્વ ઉપર પ્રકાશ પાથરીને લોકો સમક્ષ પિરસવાનો ઉમદા ચીલો એ આજના યુગની દેણ છે . ગુગલ અને અન્ય સર્ચ એન્જીનને લીધે આવી માહિતી સોસ્યલ મીડિયા ઉપર સહેલાઈથી વહેતી થઇ શકી છે !ને તેથી જ આજે મેઘાણી જન્મ જયંતી મહિને તેમના એ સાહિત્ય સર્જનનું એ ‘ વિશિષ્ટપણું ‘ શોધવાનો અત્રે પ્રયાસ કરીએ!
એક નાનકડી પચાસ પાનાંની પુસ્તિકા છે. ‘ઝવેરચંદ મેઘાણી સાથે વાંચન યાત્રા’ [ સંપાદન તેમના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણી નું છે ] એમાં પ્રસ્તાવનાનમાં પ્રકાશક લખે છે કે સમયનો અભાવ હોય અને વાંચવાની રુચિ ઓછી હોય તો યે સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવાય તે ધ્યાનમાં રાખીને આવી નાની નાની પુસ્તિકાઓ મહેન્દ્ર મેઘાણી પ્રગટ કરી રહ્યા છે . જે તે સાહિત્યકારનો સંક્ષેપ્તમાં પરિચય અને તેમની કૃતિઓ વિષે આછેરો પરિચય આ પુસ્તિકાઓ કરાવે છે .
સ્વાભાવિક રીતે જ ઝવેરચંદ મેઘાણી ઉપરની આ ૫૦ પાનાંની પુસ્તિકા મારા માટે એક મહત્વની કડી બની જાય ! કારણકે મેઘાણી ઉપરનાં એમના વિષે લખાયેલ અને એમણે લખેલ મહત્વનાં પ્રસંગોનું આચમન આ પુસ્તકમાં કરાવ્યું છે .
‘ મારી સર્જનકલા’ પ્રકરણમાં ઝવેરચંદ મેઘાણીએ લખેલ પ્રત્યેક શબ્દ વાચક મિત્રો , આપણને સૌને એમને સમજવા અને વધુ તો એમની જેમ લખવાનું ઇચ્છતાં સૌ સર્જકને પ્રેરણા રૂપ થશે તેમાં કોઈ જ શંકા નથી . એટલે એ વિષે ઉલ્લેખ કરું છું . આજે કરોના કાળમાં ઘેર બેસીને વાંચવા લખવાનો સમય હોય તેમને પ્રેરણા મળે એ જ હેતુ રહેલો છે .
કેવા કપરા , વિચિત્ર સંજોગોમાં પણ આ ‘શબ્દનો સોદાગર’ સાહિત્ય અને સમાજ માટે શબ્દોનો અલૌકિક સોદો કરતો હતો , સરસ્વતીની ઉપાસના કરતો હતો ! આજના યુગમાં એ વાંચતાંય અનુકંપા જન્મે એવું આ વર્ણન જુઓ :
મેઘાણી લખે છે:
“દિલ કોઈ ફૂલ ગુલાબી વાતાવરણમાં ડોલતું , મસ્ત બની ગયું હોય તો જ લખાય તેવું મેં ક્યારેય અનુભવ્યું નથી . બોટાદની અસહ્ય ગરમી , અને એક બાળકને શીતળામાતાએ વાળે વાળ શૂળ પરોવ્યા છે ,એના પાણીપેશાબની મિનિટ મિનિટની હાજતોની સંભાળ, પત્નીની માંદગી, વહેલા ઉઠી ચૂલો ફૂંકવાનો ,ધુંધવાતા છાણાંનો ધુમાડો જાણે આંખોનાં પાણી બરછીઓ મારી મારીને કાઢતો હોય, મારા પોતાના હરસના દર્દની કાળી વેદના, બીજાં નાનાં બાળકોનાં હાથધોણા, એમને પખાળવાં, ને એમનો ઝાડો ઉપાડવાની પણ ચાલુ સ્થિતિ , રાત્રિઓના ઉજાગરા , અને બીજી અનેક સાંસારિક જંજાળોની હૈયું શોષતી જટિલતાઓ ! અને આ બધાની વચ્ચેથી થોડી મિનિટો ઝડપીને હું ટાગોરની કાવ્યસમૃધ્ધિનું ભાષાંતર કર્યે જાઉં .. ક્યાં પસ પરુ અને વિષ્ટા ? અને ક્યાં રવીન્રનાથનાં કાવ્યોનાં કાવ્યોનાં ગુલાબ ? ‘
મેઘાણી લખે છે ,
‘આ બન્ને પડખો પડખઅને અડોઅડ ! પણ માં શારદાએ સૂગ ચઢાવી નથી , એ તો મા છે ! એ તો માંગે છે દિલના સચ્ચાઈ પૂર્વકના અતૃટ પરિશ્રમને !’
હા , મેઘાણીએ કહેલી આ વાત આજે પણ એટલી જ સત્ય છે ! અથાગ પરિશ્રમ.
સાહિત્ય સર્જન માટે હિલ સ્ટેશને જવું જરૂરી નથી . ઝવેરચંદ મેઘાણીએ આગળ લખ્યું છે : હા , પરિશ્રમ મહત્વનો છે ; સસ્તે ભાવે જે તે ઢસળી નાખવામાં એ નથી માનતા . “ જાહેર સંસ્થાઓની વાંઝણી કડાકૂટ ,મોખરે સ્થાન મેળવવાની મહત્વકાંક્ષા , અને બંધારણ અને વાદ વાડાઓના ઝગડા એ બધાથી દૂર રહીને સાહિત્યની તપશ્ચર્યા કરી છે !’
જો કે જયારે હું આ લખું છું ત્યારે એમણે ચાલતી કલમે લખેલ લેખો પણ મારી સ્મૃતિને ઢંઢોળે છે . એ લખે છે ,” કેટલીક વાર દર અઠવાડીએ છેલ્લા કલાકોમાં , હફતો પડવા ના દેવાય એ વિચારે લખાયું છે . એમની બહુ પ્રસંશા પામેલ ‘વેવિશાળ ‘ અને ‘તુલસી ક્યારો ‘નવલકથાઓ આવી રીતે જ લખાયેલી , ને વાચકોની પ્રશંશા પામેલી . એમની એક કૃતિ ‘ ઝંખના’ જેને બ ક ઠાકોર જેવા સાહિત્યકાર , વિવેચકે વખાણેલી તે વિષે મેઘાણીએ લખ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર ‘ અઠવાડિક મેગેઝીન માટે છેલ્લી દશ મિનિટમાં કાંઈજ છેક છાક કર્યા વિના લખી અને પ્રિન્ટીંગમાં મૂકી દીધી હતી!

પ્રિય વાચક મિત્રો ! અહીં આપણને મેઘાણી જેવી મહાન વ્યક્તિના જીવનનું સરળ નિખાલશ પાસું દેખાય છે ! કેવી સહજ રીતે એ પોતાની અંતરની વાત વાચક આગળ રજૂ કરે છે ? એ પોતાના મનના વિચારો અને સંઘર્ષ પણ જણાવે છે :
‘ લખવાનું શરૂ કરું ત્યારે મનોદશા અત્યન્ત અકળાવનારી હોય છે . ચેન પડે નહીં , અને લખવાની ફરજમાંથી છટકી જવાની ઈચ્છા થાય . લખવાના આ વ્યવસાયનેય મનમાં ગાળો ભાંડી લઉં. … પણ આજે મારી એ કૃતિઓ વાંચતા વિસ્મય પામું છું કે આવી સુંદર દ્રષ્ટિ મને કોને સુઝાડી હશે ?’
જો કે આપણાં જેવા નવા નિશાળિયાઓને એક સાચી શિખામણ કે દિલની વાત પણ કહે છે કે ; “અકસ્માતો સર્જનની સૃષ્ટિમાં કઈ એમ ને એમ સર્જાતા નથી , પ્રેરણા કાંઈ એકાએક અજવાળાં કરી આપતી નથી . એ તો પુષ્પના ખીલવાની જેમ , પ્રકૃતિના તાલબદ્ધ નિયમબધ્ધ મહાપ્રયત્નને જ આધીન હોય છે .
મેઘાણીએ જે પણ લખ્યું તે એમની કલમની તાકાત હતી , એમના અનુભવોનો અમૂલ્ય ખજાનો હતો , એમના ઉછેર , એમના સંસ્કાર અને દેશ માટે , સમાજ માટે , પીડિત અને દલિત વર્ગ માટે કરી છૂટવાની ઉદ્દાત્ત ભાવનાનો પરિપાક હતો .
તમને ખબર છે ને કે જે કાવ્ય ‘ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ એમણે ગાંધીજી જયારે ઇંગ્લેન્ડ ગોળમેજી પરિષદ માટે જતા હતા ત્યારે લખ્યું હતું તે માટે ગાંધીજીએ કહ્યું હતું કે ,’એમાં મારાં મનની સ્થિતિ આબેહૂબ ચૈત્રી છે ! ‘ એ જ વહાણમાં એક સંત પણ પ્રવાસ કરી રહ્યા હતા એમણે ગાંધીજીને સલાહ આપી હતી કે તમે આ દેશ કે જે ગુલામીમાં સદીઓથી સબડે છે તેને બદલવા વ્યર્થ કોશિશ ના કરો , એમને એમના કર્મોનું ફળ ભોગવવા દો. કૂતરાની પૂંછડી વાંકી જ રહેવાની . ગાંધીજે એ લખ્યું છે કે ‘એ કહેવાતા સંતની વાત સાંભળીને મને ખુબ દુઃખ થયું . ‘ એ સમાજ જયારે બધું “ દ્રષ્ટા” બનીને બધું જોઈ રહ્યો હતો અને પાંડિત્યની મોટી મોટી વાતો કરતો હતો ને દિવ્ય ભૂતકાળની મિથ્યા વાતોમાં રાચતો હતો ત્યારે મેઘાણીએ ચાલતી કલમે રાત દિવસ દરિદ્ર નારાયણ માટે લખ્યું છે અને ગુજરાતને ગાંધીયુગમાં આઝાદીનો રંગ લગાડ્યો છે ! દેશની આઝાદીમાં આ રાષ્ટ્રકવિનું પ્રદાન અમૂલ્ય અને અજોડ છે ! બસ , એટલે જ , આજે એમની વિદાયને પંચોતેર વર્ષ વીત્યાં છતાં આપણે એમને યાદ કરીએ છીએ !
ગાંધીયુગના એમનાં સાહિત્યની વાત આવતે અંકે !

6 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ- 29)આજના કરોના કાળમાં મેઘાણી !

 1. ગીતાબહેન,મેઘાણીનાં કાવ્યો,પુસ્તકો કે તેમની સાહિત્ય રચના વિશે તો ક્યાંક ને ક્યાંક વાંચ્યું હોય પરતું સાહિત્યસર્જન કરતી વખતની તેમની પોતાની અંગતજીવનની જાણકારી તેમજ કેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં ટાગોરનો અનુવાદ કરી હકારાત્મક અભિગમ પોતાની જાત સાથે કેળવ્યો છે તે ખૂબ જાણવાલાયક અને સૌ સર્જનાત્મક કાર્ય કરનારે શીખવા જેવું છે.
  સરસ આલેખન.

  Liked by 1 person

  • હા , જિગીષાબેન ! આ લેખ લખવાનો ઉદ્દેશ એ જ હતો કે જેથી આપણા જેવાં નિશાળિયાઓને એ વાંચીને પ્રેરણા મળે ! અને એમણે જણાવ્યું છે એમ , ફૂલ એક જ દિવસમાં ખીલતું નથી , એની શરૂઆત ઘણી પહેલાં થાય છે ; એ જ રીતે આપણે પણ ખુબ વાંચન બાદ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંયે લખી શકીએ ! Thanks !

   Like

 2. ગીતાબેન,
  ખૂબ સુંદર છણાવટ મેઘાણીની સર્જન યાત્રાની. આપણા જેવા નવોદિતો માટે માર્ગદર્શક અને દિશાસૂચક બની રહેશે.

  Liked by 1 person

 3. શ્રી ઝવેરચંદ મેઘાણીના ઉત્કૃષ્ટ સાહિત્યથી તો આપણે પરિચિત છીએ પરંતુ જે રીતે
  કપરા કાળમાં એમણે સાહિત્ય સર્જન કર્યું એ વિશેની વાત જાણીને મનમાં એમના માટે આદર અનેકઘણું વધી ગયું.
  લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું સ્થાન અત્યંત આદરથી લેવાય છે એવા સાહિત્યકાર માટે તમારું લેખન પણ રસપ્રદ છે.

  Liked by 1 person

  • Thanks Rajulben ! Yes, it was not easy road of success .., There was a lot about him that we didn’t know .. Thanks to the research work many have done for us!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.