કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 26

સ્વપ્નસૃષ્ટિ એ મુક્ત આસમાન છે. તેમાં વિહરવાનું સહુને ગમે છે, કારણ કે સ્વપ્નદર્શન મનોભૂમિને એક અલગ જ ઉંચાઈ પર લઈ જાય છે. વાસ્તવિક રીતે ધરતી અને આકાશનું મિલન થાય કે નહિ, પણ સ્વપ્નિલ ભૂમિમાં તે મળતાં હોય છે. તેથી જ સ્વપ્ન આનંદદાયક હોય છે અને યાદ રહી શકે તો યાદગાર પણ બનતું હોય છે. સ્વપ્નમાં આદર્શ  પણ હોય અને સ્વપ્નની ગુણવત્તા પણ આદર્શ હોય તેવું જવલ્લે જ બને. આજે કદાચ આવા સ્વપ્નની સિદ્ધિને કંડારવા કલમ ભાગ્યશાળી બની છે  – વાત છે કનૈયાલાલ મુનશીના અદ્ભુત સર્જન ‘સ્વપ્નદ્રષ્ટા ‘ ની. ચાલો આપણે પણ સહદર્શન કરીએ…

વર્ષો પહેલાં કેટલાક રાજકીય આદર્શોએ ગુજરાતમાં સંચાર કર્યો હતો. તે આદર્શો એ રાજકીય ઝનૂનથી ઊછરતા જીવન પર મોહક છાપ પડી હતી. એ છાયાએ ત્યારના યુવામાનસમાં અનેક ઊર્મિઓ, અદભુત આશાઓ અને ભવ્ય સ્વપ્નાં સર્જાવ્યાં. ઘણાએ તેને સ્વદેશયજ્ઞની શરૂઆત માની. કેટલાક કુમળાં, ઊછરતાં અને આશભર્યાં બલિદાનોએ વંદેમાતરમ્ ગાઇ એ યજ્ઞની જ્વાળામાં ઝંપલાવ્યું. ત્યારે સ્થાપિત સત્તાને સંરક્ષવા મધ્યમ પક્ષ આગળ આવ્યો. આવા સમયે હિંદને રાખવું કે ખોવું એ વિશે અંગ્રેજો વિચારવા લાગ્યા. વ્યવસ્થાપ્રીતિ કેળવનાર સામ્રાજ્યવાદી અને તેના વિકલ્પે આઝાદી ઈચ્છાનાર રાષ્ટ્રભક્ત બંનેની માનવતા જનમાનસના અભ્યાસની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી છે. એ સમયનાં કેટલાંક સ્વપ્નોને વણીને, એ સમયનાં કેટલાક વાસ્તવિક પાત્રોને કથામાં લાવી વાતાવરણમાં વાસ્તવિકતા લાવી, એ સમકાલીન રાજકીય બળોને નવલકથામાં મઢી એક અતિ સુંદર કાલ્પનિક કથા મુનશીએ આલેખી છે.

પોતાની જાતને બ્રિટિશ સામ્રાજ્યના એક સેવક માની મગરૂરી લેતા પ્રમોદરાય, નોકરી અને સંસારમાં મહેનત કરી છૂટવામાં મોટાઈ માનતા.  વડોદરા બોર્ડિંગમાં રહી કોલેજમાં અભ્યાસ કરતાં 19 વર્ષના પુત્ર સુદર્શનનો વિવાહ, પોતાનાથી તદન વિરૂદ્ધ દ્રષ્ટિબિંદુ ધરાવતા મિત્ર નામદાર મિ. જગમોહનલલની પુત્રી સુલોચના સાથે કરવા ઇચ્છા ધરાવતા હતાં. તેમના બાળપણના મિત્ર, બૅરિસ્ટર અને ધારાસભાના સભ્ય નામદાર જગમોહનલાલ પણ એ માટે રાજી હતા. પણ બંનેના સંતાનોની મરજીની કોઈને જાણ ન હતી કે પછી દરકાર ન હતી.

સુદર્શનના મનમાં પિતા, સ્ત્રી કે વિલાસ માટે સ્થાન ન હતું. પ્રોફેસર અરવિંદ ઘોષના હૃદયમાંથી નીકળેલા શબ્દોથી તેની કલ્પના પરાધીનતાના કોયડા ઉકેલાતી હતી. તે માનતો હતો કે ભારત માતાનું સ્વાતંત્ર્ય સાધવા તેને મહામાયાએ અવતાર આપ્યો હતો. તે સ્વપ્નઘેલો હતો. ભારતમાતાએ તેને દર્શન દીધાં હતાં. પોતાની બેડી તોડવાનું શસ્ત્ર તેને માન્યો હતો. સ્વપ્નઘેલછા તો એ નાનો હતો ત્યારથી જ હતી.

સુદર્શનના સપનાઓનું મુનશીએ કરેલું આલેખન અદભુત છે.  સ્વપ્નદ્રષ્ટાનું માનસ શું અનુભવે તેનું રસપ્રદ ચિત્રણ વાચકને મળે છે. બાળક સુદર્શન માટે ધ્રુવ તેનો મિત્ર હતો. પ્રહ્લાદ અગ્નિથી તપતા સ્થંભને ભેટતાં પહેલાં તેની પાસે પ્રેરણા માગતો. પરશુરામ  સહસ્ત્રાર્જુનનો વિનાશ કરતાં પહેલાં તેની જોડે મંત્રણા કરતાં. વિશ્વામિત્ર તેના તરફ ઘણી મમતા દર્શાવતા. યુગો સુધી તે ભીષ્મ સાથે વિહરતોને પિતામહ તેને મિત્ર જેવો ગણતા. કૃષ્ણ કાલયવનથી નાસતાં, ભીમ દુર્યોધનના ચૂરા કરતાં, તેની સલાહ લીધા વિના રહેતા નહીં. તેને લાગતું કે આર્યાવર્તની મહત્તા અને કીર્તિ તેના હાથમાં સોંપાયેલા હતાં. તે માનતો કે કૃષ્ણની માફક લોકોને ભોળવવા આવું નાનું રૂપ લીધું છે અને તે ધારે તો ઘણો પ્રચંડ થઈ શકે છે.

સુદર્શન અંગ્રેજી પાંચમા ધોરણમાં ગયો. એનાં સપનાં ઉંમર સાથે વધતાં ગયા. ગૌતમ બુદ્ધ તેને પૂજ્ય લાગતા પણ તેને બહુ ગમતા નહિ. ચંદ્રગુપ્તના બ્રાહ્મણ મંત્રી ઝપાટાબંધ તેના સ્વપ્નમિત્ર થઈ ગયા. મહમદ ગિઝની પર તેને ગુસ્સો હતો. તે પોતાના સૈન્યથી તેને હરાવતો. ઘોરીનું લશ્કર જ્યારે પૃથ્વીરાજ ચૌહાણની સામે આવે ત્યારે તે તલવાર લઈ પૃથ્વીરાજની મદદે દોડી જતો ને તેને ચક્રવર્તીના સિંહાસને બેસાડતો. અકબર તરફ તેને મમતા હતી તો રાણા પ્રતાપ તેનો મિત્ર હતો. જહાંગીર, નૂરજહાં ને શાહજહાંની જાહોજલાલીમાં તેનો ભાગ હતો. આ બધાં વીરો સાથે મળી અનેક પરાક્રમો કરતાં, સુદર્શનના બાલ જીવનને આગળ ખેંચતાં ગયા. સુદર્શન ઘેરથી નિશાળ જાય ત્યાં સુધીમાં તેને કેટલીય વાર દારુણ યુધ્ધ કરવું પડતું. સોમનાથની વિશુદ્ધતાનું રક્ષણ તેને કરવાનું હતું. મેવાડનું ડગમગતું સ્વાતંત્ર્ય તેને ટકાવવાનું હતું. શિવાજીના પ્રયાસો સફળ કરવાના હતાં. એનાં પ્રાચીન મિત્રો પરશુરામ ને સગર તેની મદદ કરવા તૈયાર હતાં. તો વિશ્વામિત્ર અને ચાણક્ય રાજ્યતંત્ર કેમ ચલાવવું તે વિશે તેની જોડે મંત્રણા કરતાં. તેની આ યુકિતના  પ્રતાપે  શાંતિમય વાતાવરણ પ્રસારતો.

સુદર્શન અંગ્રેજી છટ્ઠા ધોરણમાં ‘એમ્પાયર હિસ્ટરી’ ભણ્યો. હવે ક્રોમવેલ, ચેધામ ને નેલસન તેના જ પૂર્વજ હતા. તેણે સપનામાં જ અંગ્રેજી સામ્રાજ્ય રચ્યું, જેના સ્તંભ તેના પિતા હતા. એક દિવસ તેને પિતાની સાથે કલેકટર સાહેબના ઘેર જવાનું થયું. ત્યાં રોફિલા પિતા  દુર્જેય અને પ્રતાપી અધિકારી નહિ પણ પરાધીન નોકર હતા એ જોઈ તેનો આત્મા ઘવાયો. તેનો અંગ્રેજી ઈતિહાસનો ખ્યાલ બદલાયો.  નિરાશાના પાતાળમાં ડૂબી તે શરમમાં તીવ્ર વેદના અનુભવતો. નિરાશ હ્રુદયમાં સ્વપ્નાં ઉદભવતા નથી. તેથી સપનાં વિહોણો સુદર્શન સહેલાઈથી મેટ્રિક પાસ થઈ ગયો. તેની વ્યવહારુ બુદ્ધિ વધી અને તેની તીવ્ર નજરે વસ્તુઓ ખરે સ્વરૂપે દેખાવા માંડી.

એક બાળકના સ્વપ્નમાં પોતાનાં સમય, સ્થળ ને ઐતિહાસિક સ્થાન છોડી બધાં ભેગાં આવતાં તેનું કલ્પનાતીત વર્ણન વાચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે.  મુનશી કલ્પનાઓના ઘોડા છૂટા મૂકીને કથામાં નાવીન્ય લાવે છે. સુદર્શનના સ્વપ્નદર્શનની વધુ અલપ ઝલપ આવતા અંકે…..

રીટા જાની

૨૭ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. – નટખટ નંદકિશોર

एष : श्रेय आधास्यद् गोपगोकुलनन्दन:
अनेन सर्वदुर्गाणि यूयमञ्जस्तरिष्यथ १६

શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધના ઉપરના શ્લોકમાં જણાવ્યું છે તેમ શ્રી ગર્ગ મુનિ જયારે શ્રી બાલકૃષ્ણના નામકરણની વિધિ માટે પધાર્યા હતા  ત્યારે તેમણે નંદબાવાને કહ્યું હતું કે તમારો આ બાળક હંમેશા ગોકુળના ગોપ-ગોપીઓનું અને ગ્વાલબાલોનું શ્રેય ઇચ્છશે અને હંમેશા તેમનું રક્ષણ કરશે અને તેની કૃપાથીજ તમે સૌ બધી મુશ્કેલીઓમાંથી પાર ઉતરશો.અને શ્રી બાલકૃષ્ણની દરેક વ્રજલીલામાં  “गोब्राह्मण हिताय च” જેમ ગ્વાલબાલોનું હિત કેન્દ્રસ્થાને છે.

આપણો છોટોસો મદનગોપાલ યશોદામૈયા અને નંદબાવા ના લાડ વચ્ચે અને ગોપ-ગોપીઓ અને ગ્વાલબાલના દુલાર વચ્ચે ધીમે ધીમે ગોકુળમાં મોટો થાય છે. જેમ આપણે અગાઉ વાત કરેલ હતી તેમ શ્રી કૃષ્ણ ગોકુળ-વૃંદાવનમાં એક બાળક-એક કિશોર બનીને જ રહ્યા.હા, જરૂર પડી ત્યારે પોતાની દિવ્યતાના દર્શન અચૂક કરાવ્યા પણ બાકી તો એક સામાન્ય બાળક બનીને જ યશોદામૈયા અને નંદબાવાની નિશ્રામાં ગોકુળ-વૃંદાવનની ગલીઓમાં હડિયાપાટી કરતા રહ્યાં અને પોતાના ચરણોની રજથી ભૂમિ પવિત્ર કરતા ગયા. મીરાંબાઈના બાળલીલાના પદોના અક્ષરો પણ આજ વાતની સાબિતી પુરે છે.આ પદોમાં મીરાંબાઈએ બાલકૃષ્ણના માનવસહજ મનોભાવોનું ખુબ સુંદર નિરૂપણ કરેલ છે.જયારે આવા પદ વાંચીએ ત્યારે એમ થાય કે મીરાંબાઈએ શ્યામસુંદરને કેટલો આત્મસાત કર્યો હશે, કેવી રીતે તેમાં પોતે એકાકાર થઇ ગયા હશે કે જેથી આટલી સચોટ રીતે વહાલાના મનોમંથન અને મનોભાવોને અક્ષરદેહ આપી શક્યા હશે.

જેમકે નીચેના એક સુંદર પદમાં મીરાંબાઈએ લાલાના પોતે શ્યામવર્ણી હોવાના પર નારાજગી વ્યકત કરતો કેટલો સુંદર ભાવ રજુ કર્યો છે. જેમ દરેક બાળક જયારે તેને કોઈ ચીડવે ત્યારે પોતાની માતા પાસે ફરિયાદ લઈને આવે છે, તેમજ શ્યામસુંદર પણ મૈયા પાસે અહીં ફરિયાદના સૂર તાણે છે.

मैया मोकू खिजावत बलजोर
जसोदा माता मिल लैजावे, लायो जमना को तीर
जसोदा ही गोरी, नंद ही गोरा, तुम क्यों श्याम शरीर
मीरां के प्रभु गिरिधर नागर, नयन मो बरसत नीर

તો વળી નીચેના પદમાં મીરાંબાઈએ શ્યામસુંદર અને મૈયા વચ્ચેનો મીઠો નટખટ સંવાદ રજુ કર્યો છે.આ પદમાં મૈયાને તો લાલાને પોઢતાં પહેલા ભોગ લગાવવાની ઈચ્છા છે પણ લાલાને તો નિંદ્રારાણીએ પોતાની આગોશમાં બરાબરનો લઇ લીધો છે એટલે મૈયાને કહે છે કે કાલે સવારે કાલેવો કરવાજે પણ અત્યારે તો મૈયા મને તારા ખોળામાં સૂઈજ જવું છે. અને લાલો પાછો સુતા પહેલા મૈયાને એમ કહી  ફોસલાવી પણ લે છે કે આટલી બધી ગૈયા ચરાવતા મારા પગ દુખી જાય છે એટલે ભોળી મૈયા ચિંતિત થઈને કહે છે કે “લાલા, હું કાલે બીજો ગ્વાલ ગાયો ચરાવવા મોકલીશ” એમ કહીને લાલાને બાંહેધરી આપે છે…બસ પછીતો એય નિરાંતે લાલા મૈયાના ખોળામાં પોઢી જાય છે.

अब म्हणे सोवन दो महारी मांय
कनक कटोरे लाल अमृत भर्यो, पिय न पोढो मारा लाल
अभी तो माता म्हणे कछु नाही भावे, अब म्हणे पोढण दो मरी मांय

उठ सवेरे माता करा रे कलेवो, पीछे चरावु थारी गाय
नो लाख धेनु बाबा नंदके चराइये, डोलत दुखे महारा पाँव
उठे जसोदा मैया हिवड़े लगाया, प्रभाते बुलावो दूजो ग्वाल
राधा सेज बिछायो लाल, जायने पोढो मेरा लाल,
सेजड़ल्या तो म्हणे नींद नाही आवे, गोद म्हणे लोने महारी मांय
मीराबाई के प्रभु गिरिधर नागर, सुखभर पोढो जदुराय

કેટલી સહજતાથી શ્યામસુંદરનું નટખટપણું મીરાંબાઈએ આ પદમાં રજુ કર્યું છે.આપણા નટખટ નંદ કિશોરના નટખટપણાની તો હજી આ શરૂઆત છે.જેમ જેમ નંદકિશોર મોટા થતા જાયછે તેમ તેમ તેમના તોફાનો પણ વધતા જાય છે.અને તેમના તોફાનોના શિકારનું વર્તુળ પણ વિસ્તરતું જાય છે. મીરાંબાઈએ આ નટખટપણાને પણ એક ગોપીના ભાવથી પદોમાં શબ્દાંકિત કર્યા છે.જેમકે નીચેના પદમાં એક ગોપી જેની ગગરી આપણા નંદકિશોર કાંકરા મારીને તોડી નાખે છે તેનો મનોભાવ રજુ કર્યો છે

फूटे गागरडी ऐसी कांकरड़ी मत मारो सांवरा
तुम तो थाके घर ठाकुर बाजो मै पण ठाकुरड़ी
जमना के धोरे धेनु चरावो, हाथा लाल छड़ी
मीरांने श्री ठाकुर मिलिया,दूध में साकरडी

આ પદમાં છેલ્લે મીરાંબાઈ કહે છે કે “મીરાંને શ્રી ઠાકુર મિલિયા, દૂધ મેં સાકરડી”. જે દર્શાવે છે કે મીરાંબાઈ તેમના ઠાકોરજી સાથે જેમ દૂધમાં સાકર એકરૂપ થઇ જાય છે તેવીજ રીતે એકાકાર થઇ ગયેલ છે.હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે દૂધમાં સાકર ભળે તેમાં સાકરની સરળતા જવાબદાર છે પણ સાથે સાથે દૂધની એ  સરળતા અપનાવવાની કૃપાદ્રષ્ટિ પણ જવાબદાર છે.તેવી જ રીતે મીરાંબાઈની અનન્ય પ્રેમલક્ષણા ભક્તિ તો શ્યામસુંદર પ્રત્યે હતીજ પણ સાથે સાથે ઠાકોરજીનો પણ અસીમ અનુગ્રહ હતો અને તેથીજ મીરાંબાઈ પ્રભુ સાથે એકરૂપ થઇ શક્યા હતા…. 

જેમજેમ નંદકિશોરના કારસ્તાનો વધતા જાય છે તેમતેમ ગોપીઓ ફરિયાદની વણઝાર લઈને યશોદામૈયા પાસે આવી પહોંચે છે. અને લાલાના તોફાનોની લાંબી યાદી યશોદામૈયા પાસે ગણાવે છે. નીચેના પદમાં મીરાંબાઈએ એવીજ કોઈક ગોપી બનીને તેના મનોભાવો ફરિયાદ રૂપે રજુ કર્યા છે.આ બધા પદોમાં છેવટે મીરાંબાઈની ગિરિધર ગોપાલ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિ દર્શાવતું વાક્ય અંતમાં મીરાંબાઈ અચૂક રજુ કરે જ છે.

जसोदा मैया बरज कन्हैया तेरो, तेरो कन्हैया मोसे करे जोरि
जसोदा मैया जल जमुना मैं जाती, गगरिया मोरी फोड़ डारि
जसोदा मैया डाल कदम की छैया, बहिया मरोड़ डारि
जसोदा मैया मारग रोक लियो है, रंग से भिजोय डारि
मीरां के प्रभु गिरिधर नागर, हरि चरणा बलिहारी.

જોકે યશોદામૈયાને તો પોતાનો લાલો દરેક માંની જેમ ખુબ ડાહ્યો અને શાણો જ લાગે છે એટલે આ બધી ફરિયાદોની અસર મૈયાને અને ખાસ કરીને આપણા નંદકિશોરને થતી નથી.એટલે નીચેના પદમાં મીરાંબાઈ એક ગોપી બનીંને લાલાના કારસ્તાનોની ફરિયાદ પોતાની સખી પાસે કરે છે અને કહે છે કે આ લાલો તો એવી એવી છેડછાડ મારી સાથે કરે છે કે હું કોઈને કહું તો દુનિયા મનેજ જુઠ્ઠી કહે.

કાનુડે વનમાં લૂંટી સખી મને,કાનુડે વનમાં લૂંટી
હાથ ઝાલી મારી બાંહ્ય મરોડી,મોતીની માળા ટુટી
આગળથી મારો પાલવડો સાહ્યો, મહીની મટુકી ફૂટી
પાછળ પડે તેનો કેડો ન મૂકે,નહાસી શકાય નહિ છૂટી
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, કહીયે તો લોકો કહે જૂઠી

આમ મીરાંબાઈની કલમે નંદકિશોરના નટખટપણાની ઝાંખી કરાવતા બીજા ઘણા પદોની રચના કરી છે. આ નંદકિશોર ની નટખટતાને મમળાવતા મમળાવતા હું આજે મારી કલમને પણ આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ વધારીશું..ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image courtesy: noharpatrika.com

૨૬-કબીરા

૨૬કબીરા

કબીરબીજકબિરહુલી

કબીરબીજકને આપણે જેમ જેમ વાંચીને સમજવાની કોશિશ કરતાં જઈએ છે તેમ તેમ જાણે કબીરને દરેક વખતે જુદીજ રીતેઉધડતો અનુભવતાં જઈએ છીએ.કબીર ભારતીય પરંપરાનો એક મહાન

તત્વજ્ઞાની છે ,જે કબીરબીજકનાં દરેક પ્રકરણમાં દરેક પદોમાં થોડામાં ઘણું કહી જાય છે.આપણે જ્યારે કબીરનાં પદ કે દોહાનેવાંચીએ ત્યારે સૌ પ્રથમ એના શબ્દ,અર્થ અને તેની ઉપમાને પામવાના હોય છે.ત્યારબાદ એના તત્ત્વજ્ઞાનને સમજવાનું હોયછે.નારિયેળની ઉપરનું કઠણ કોચલું તોડીએ પછી જેમ સ્વાદિષ્ટ મીઠું મધુર નારિયેળ પાણી પીવા મળે, રીતે કબીરબીજકનાંબિરહુલી પ્રકરણનાં તત્ત્વજ્ઞાનને પામવા માટે પ્રબળ જ્ઞાનપુરુષાર્થ કરવો પડે.કબીર ક્યારેક હસતા હસતા તો ક્યારેક રમત રમતમાંઆપણી આસપાસનાં ઉદાહરણ દ્વારા ગહન સત્ય પ્રગટ કરતા હોય છે.કબીર સરળ અને સુગમ શબ્દોને પ્રયોજી અગમને પકડેછે.કબીરબીજકનાં બિરહુલી પ્રકરણને સમજીએ.

આદિ અંત નહી હોત,બિરહુલી નહિ જર પલ્લવ ડાર બિરહુલી…..

નિસુ બાસર નહિ હોત,બિરહુલી પૌન પાનિ નહિ મૂલ બિરહુલી

બ્રહ્માદિક સનકાદિક બિરહુલી ,કથિ ગયે જોગ અપાર બિરહુલી…..

માસ અસારે સિતલી બિરહુલી,બોઈનિ સાતોં બીજ બિરહુલી

નિત ગૌડે નિત સીંચૈ બિરહુલી,નિવ નવ પલ્લવ ડાર બિરહુલી…….

બિરહુલી એટલે શું? બિરહુલી એટલે વિરહિણી.પણ વિરહી કેવો?

સામાન્ય રીતે તોબિરહુલાનોઅર્થ સાપ અનેબિરહુલીએટલે સાપણ થાય છે.પણ અહીં કબીરબિરહુલીશબ્દ વિરહ રૂપીસાપ દ્વારા દંશ પામવાને કારણે પીડિત એવો વિરહી ભક્તને માટે પ્રયોજે છે. વિરહી ભક્ત સ્વયં પરમાત્માની ખોજમાં નીકળ્યોછે.એના વિયોગથી અતિ પીડિત છે.પોતાની પીડાનાં દર્દને વારંવાર વર્ણવે છે.ક્યારેક પરમાત્માને આજીજી કરે છે,તો ક્યારેકપુષ્કળ આક્રંદ કરે છે.ભીતરમાં વસતો પરમાત્મા તમને બહાર ક્યાંથી મળવાનો છે?પરમાત્માના વિયોગની વાતો કરનાર ભ્રમરચિતવિશ્વમાં વસે છે.જે તમારી નિકટ છે ભીતરમાં વસેલ છે તેને બહાર હોવાનું માની વિયોગ કે વિરહ કેવીરીતે અનુભવાય?

વાસનાઓ ભટકાવનારી છે.સ્વસ્વરુપમાં સ્થિરતાશાશ્વત શાંતિ અને અનંત સુખ આપે છે.કબીરબિરહુલીમાં વેદનાથી તરફડતાઅને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે વિરહની અવસ્થા દાખવતા ભક્તની ભક્તિની વ્યર્થતા બતાવે છે.

કબીર જીવને ઉદ્દેશીને કહે છે કે તારો કોઈ આદિ કે અંત નથી,તું શાશ્વત છે અને શાશ્વત રહીશ.તારું કોઈ મૂળ નથી અને તું કોઈબીજાનું મૂળ નથી.તારી કોઈ શાખા નથી કે નથી કોઈ કૂંપળો.કબીર જીવાત્માને કહે છે તારામાં સઘળું સમાયેલું છે.તું અનાદિ,અજર,અમર,અનંત છે. તું નિત્ય અને શુધ્ધ બુધ્ધ છે.(નિસુનિશિ)રાત,બાસરદિવસ,પૌનપવન,પાનિપાણી તથા મૂલબીજકોઈ તારા સ્વરૂપમાં નથી.દેહ અને ઈન્દ્રિય નાશવંત અને ચંચળ છે દેહને રાતદિવસનો બોધ થાય છે.પરતું આત્માને એટલે શુધ્ધચેતનને મન કે ઈન્દ્રિય સાથે સંબંધ નથી.કબીરના કહેવા પ્રમાણે નિર્વિકલ્પ સમાધિમાં લીન સાધકને કોઈ બાહ્ય અનુભવ હોતોનથી. તો શુધ્ધ ચેતનામાં રાતદિવસ વસતો હોય છે.કબીરના કહેવા પ્રમાણે તો સઘળી યોગપ્રક્રિયાઓ ભીતરમાં રહેલાઆત્માને પામવાની પ્રક્રિયા છે.બ્રહ્મા,વિષ્ણુ,મહેશ,અને સનતકુમારો જેવા મહાપુરુષોએ અનેક પ્રકારના યોગની વાત કરી છે તેપણનિજાત્મ સ્વરૂપ પામવા માટે .

જ્ઞાનીઓ  પણ આત્મા પરમાત્માને ભિન્ન જોતા નથી.પોતાના સ્વરૂપની ઓળખ માટે બહાર અહીં તહીં

ભટકનાર કશું પામતો નથી.હકીકતમાં જીવે વિરહ કરવાની કોઈ જરુર નથી,કારણકે તેનો આત્મા તેનાથી વિખૂટો પડ્યો નથીઅને અખંડ ચેતન સ્વરૂપ આત્મજ્યોત સદૈવ ભીતર પ્રજ્વલિત હોય છે.

કબીરની પ્રત્યેક પંક્તિમાં એક વિચાર આલેખાય છે.સામાન્યરીતે કોઈ પદમાં ભક્તકવિ એકજ ભાવ આલેખતા હોય છે ,ક્યાંકતો  તે પ્રભુમિલનનો આનંદ પ્રગટ કરતો હોય છે અથવા તો પ્રભુવિરહનો તરફડાટ દર્શાવતો હોય છે,પરતું જ્ઞાનના પરમ આરાધકકબીર પ્રત્યેક પંક્તિએ એના આગવા મર્મ,અર્થ અને અનુભવ સાથે પ્રગટ થાય છે.

માસ અસારે શીતલની બિરહુલીનાં ત્રીજા પદમાં કબીર કહે છે કે ગરમી પછી અષાઢ મહિનાનો પ્રારંભ થાય છે અને જમીન પોચીઅને શીતળ થતાં ખેડૂત તેમાં બીજ વાવે છે,એવી રીતે અન્ય યોનિઓમાં જન્મ્યા પછી જીવ મનુષ્ય શરીરમાં આવે છે ત્યારેકર્મોના બી વાવે છે.

અહીં કબીર માનવ જીવનમાં થતી કર્મોની વાવણીની વાત કરે છે.કબીર સમજાવે છે કે પાંચેય વિષયોમાં અહંકાર કે આસક્તિરાખવાથી કર્મબીજ જન્મે છે અને આને પરિણામે શબ્દ,સ્પર્શ,રુપ,રસ,ગંધ,મન અને અહંકાર સાતેય બાબતો કર્મબીજ બનીજાય છે.

જ્યાં સુધી જડ અને ભૌતિક વિશ્વમાં વ્યક્તિ જીવતો હોય છે ત્યાં સુધી એને પાંચેય વિષયોમાં સુખ લાગે છે.આવા વિષયોમાંસુખનો અનુભવ અને તેમાં અહંકારનો સાથ માણસને કર્મબંધનમાં બાંધે છે.

અને માનવ વિષયો અને અહંકારનાં કર્મબીજ જીવનની ધરતી પર વાવે છે.આમ કબીર પોતાની આગવી  કલ્પનાથી સ્વરૂપનીઓળખ  આપે છે.

સંસારમાં ડૂબેલો માણસ રાગદ્વેષ દ્વારા વધુને વધુ કર્મો પેદા કરે છે.જેમ ખેતરમાં બીજ નાંખીને છોડ થઈ ગયા પછી ખેડૂત જમીનને(ગૌડે) ખોદે છે અને પાણી પાય છે એવીરીતે સંસારમાં ખૂંપેલો માનવી

રાગદ્વેષ દ્વારા એના કર્મના પાકને ખોદતો રહે છે અને પાણી પાતો રહે છે.પરિણામે સંસારવૃક્ષ ફૂલે ફાલે છે.આમ કર્મો બાંધીનેમાનવ સમગ્ર જીવન બરબાદ કરે છે.દુનિયામાં હોય ત્યાં સુધી માનવ જુદી જુદી વાસનાઓ અને એષણાઓથી ઘેરાએલો રહી તેનીપાછળ આંધળી દોટ મૂકતો રહે છે. તેના મન,વાણી અને ઈન્દ્રિયો વાસનામાં વીંટળાએલ રહે છે.

કબીર સમજાવે છે કે રાગદ્વેષ અને વાસનાઓને ત્યજવા વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે છે.તેને માટે સંત સમાગમ કરવો જોઈએ.સંતજન સદા એષણાનાં ફૂલને તોડતો રહે છે.સંત હંમેશા વાસનાઓને ઇચ્છાઓને ત્યાગતો રહે છે.

સંત કબીરતો ઈચ્છાત્યાગની પરાકાષ્ઠા દર્શાવતા કહે છે પરમાત્મા પામવાની ઈચ્છા પણ અવરોધક છે.કારણ ઈચ્છાઓ બાહ્યવસ્તુ છે અને પરમાત્મા ભીતર છે.રહસ્યવાદી અને સમજવો ખૂબ અઘરો કબીર તો ઉદ્ઘોષ કરે છેકે તમારા આત્માથી અલગકોઈપણ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય તો તે એક સંસારની એષણા થઈ.જે કંઈ આપણા આત્માથી ભિન્ન છે,તે અસલી નથીનકલી છે. તે કોઈ બિંબ કે માયા છે તેથી પરમાત્મા બહાર હોય અને તમેતેનો વિરહ અનુભવો તે યોગ્ય નથી.પરમાત્માની પ્રાપ્તિમાટે મનુષ્યે નિષ્કામ બનવું પડે.તેાજ નિજ સ્વરૂપનો બોધ થાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય.જ્યારે વ્યક્તિનાં આત્મામાં સઘળીકામનાનો અસ્ત થાય ત્યારે તે પરમાત્મા બની જાય છે.

આમ શાશ્વત શાંતિ અને અનંતસુખ મેળવવા નિજ સ્વરૂપમાં લીન થવાની વાત કબીર કહેછે.અવિવેકી મનને સદગુરુની વાણીકરેણનાં કડવાફળ જેવી લાગે છે પણ તે ખાવાથી વાસના રૂપી સાપનું ઝેર ઊતરશે અને સત્ય અને શાંતિ મળશે.

આમ બિરહુલીનાં સાત પદો થકી કબીરે આપણને પરમનાં પારસમણીને પામવાનો અણમોલ પણ અતિ અધરો રાહ ચીંધ્યોછે.અને ગાયુ છે:

જનમ જન્મ જમ અંતર બિરહુલી ,એક એક કનયર ડાર બિરહુલી

કહહિં કબીર સચ પાંવ બિરહુલી ,જો ફલ ચાખહું મોર બિરહુલી ….(કનયરકરેણ)

(ખૂબ અઘરી બિરહુલીને સમજવા અને વાચક સુધી પહોંચાડવા શ્રી કુમારપાળભાઈ દેસાઈ,ઈશ્વરભાઈ પટેલ અને જૈન ક્રાંતિનાસંદર્ભો લીધા તે બદલ આભાર)

જિગીષા પટેલ

૨૭ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસની રચનાઓમાં એમનો પોતાનો સૂર, પોતાની આગવી કલ્પના, આગવી શૈલી ઝીલાયેલી હોય છે. એમની ઘણી રચનાઓ લોકગીતની કક્ષાએ મૂકી શકાય એવી મઝાની બની છે કારણકે એમાં લોકગીતની ઝલક ભારોભાર અનુભવાય છે. સુરેશ દલાલ કહેતા કે, “ગીતનું ગંગોત્રીસ્થાન લોકગીત છે. લોકગીતમાં કાવ્યસૌષ્ઠવ ઓછું હોય પણ એના ભાવ સાવ સ્વાભાવિક અને માર્મિક હોય છે.”

અવિનાશ વ્યાસના ગીતોમાં સુરેશ દલાલે કહ્યું એમ ગંગોત્રીસ્થાને બિરાજેલાં લોકગીતો જેવી અનુભૂતિ છલકાય છે.

લોકગીત એટલે છલોછલ છલકતાં ગ્રામ્યજીવનનું દર્શન. ગામની કલ્પના કરીએ અને આપણાં મનમાં જે દૃશ્ય દેખાય એમાં ઊગતા સૂરજની સાખે થતાં મંદિરના ઘંટારવ સંભળાય, રાશે જોડેલા બળદોને હંકારી જાતા ખેડૂઓ દેખાય, માથે ઈંઢોણી અને એની પર ગોઠવાયેલાં બેડા લઈને હલકભેર હાલી જતી ગામની દીકરી કે નાક સુધી લાજ ખેંચીને નીચી નજરે જતી વહુવારુઓ દેખાય. સાંજ પડે ગામની પાદરે ઘેઘૂર વડલાની છાંયા હેઠળ ભેગા થયેલા વડીલો દેખાય, સમી સાંજે ગોધૂલી એટલે કે ચરીને આવતી ગાયોના લીધે આછી આછી ઊડતી રજ નાક સુધી પહોંચતી અનુભવાય. આ વાત કરવાનો હેતુ એ જ કે હવે આપણે અવિનાશ વ્યાસ રચિત જે ગીતની વાત કરવાના છીએ એ ગીત પણ ક્યાંક અજાણતા લોકગીતની શ્રેણીમાં મુકાયેલું જોયું છે.

“છલકાતું આવે બેડલુ” યાદ આવે છે?

છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું                                     

વાત એમાં સાવ સાદી છે. ગામની એક નારીને, કદાચ ગામની દીકરી પણ હોઈ શકે જેને ગરબો કોરાવવો છે, એ ગરબાને મૂકવા માંડવડી તો જોઈશેને? એ માંડવડી ઘડવા સુથારી, એને મઢવા લુહારી, રંગવા રંગારોય જોઈશે. માંડવડી તૈયાર થઈ ગઈ. હવે જેના માટે આ બધી તૈયારી કરી છે એવો ગરબો તો સૌથી મહત્વનો. વળી  કોરેલા ગરબા માંહી મૂકવા કોડિયું જોઈશે તો એના માટે કુંભાર,  પ્રગટાવવાની દિવેટો માટે પિંજારી, એમાં દિવેલ પૂરવા ઘાંચી અને અંતે એને શણગારવા મોતીઆરો આવશે અને પછી જ એ હિલોળે ચઢશે અને એમ કંઈ એકલાં એકલાં રંગત ના જામે એટલે એ ગામની બેની, દીકરિયું, વહુવારુ અને ભાભીનો પણ સાથ જોડશે.

અહીં અવિનાશ વ્યાસની આ રચનામાં મને ગામમાં એક નાનકડા ઉત્સવને લઈને જે ઉત્સાહ ઊમટે છે એનો પડઘો સંભળાય છે. અહીં સાહેલીનું બેડું જ નથી છલકાતું, એમાં છલકાય છે એ નારીનો ઉમંગ, એની ઊર્મિઓ. કેવાં હેતે, કેવા ભાવે એ દીકરી સૌને પોતાના રાજીપામાં જોડાવાનું ઈજન આપે છે? ગામ આખું જાણે એક થઈને હિલોળે ચઢશે.

એક તરફ છે આવા ઉમંગની છોળો તો બીજીય એક બાજુ છે જે આપણું ભીતર ભીંજવી દે એવી વ્યથાઓ કારણકે કદાચ ગામની દીકરી જેટલી દરેક વહુઓ નસીબની ઊજળી નથી હોતી. ગામની સાહેલી સાથે તો એના ઉમંગો, તરંગો સાથે તાલ મિલાવે એવા સૌ છે પણ આવા ગામમાં ક્યાંક કોઈ એવી માવતરને છોડીને આવેલી વહુવારુ ય છે જેનો સાસરામાં સ્નેહથી સમાવેશ નથી. ઉમળકાભેર આવકાર નથી. ત્યાં એનાં હ્ર્દયની વાત સાંભળનાર, એની વ્યથા સમજનાર કોઈ નથી ત્યારે એના માટે વાતનો વિસામો જ કૂવો છે.

ક્યારેક પેલા વડીલ જેવા ઘેઘૂર વડલાના સ્થાને જેનું તળ ઊંડું છે એવો કૂવોય આ વહુઓની વ્યથાને અને ક્યારેક એ વહુને પોતનામાં સમાવીનેય નિતાંત સ્થિર બની જાય છે.

કૂવાના કાંઠડે હું એકલી

કૂવો જાણે વહુવારુની વાત રે…વહુનો

ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ

હજુય આગળ નોંધારી સ્ત્રીની વેદના ઠાલવતા ગીતકાર લખે છે કે:

ઉરમાં અરમાન પૂર્યા આંસુની સાંકળે,

ઉર બોલ્યું ને મારું દુઃખ કૂવો સાંભળે..

ભર્યા રે સાસરીએ મારી નોંધારી જાત,

સાસુ સતાવે ને ધણી ના બોલે તો

વહુ જઈને કૂવાની કાયા ઢંઢોળે…….

થોડામાં ઘણું કહી જતાં આ ગીતના શબ્દે શબ્દે વ્યથા ટપકે છે.  ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડની શ્રેણીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ યાદ છે ને?

અહીં પણ પિતૃ-પતિ-પુરુષપ્રધાન સંસ્કારો વચ્ચે પીસાતી સ્ત્રીઓની વાત છે. દરરોજ સવારે દૂરનાં સ્થળે પાણી લેવા જાય ત્યારે એમને આ બંધિયાર હવામાંથી થોડો સમય છૂટકારો મળે છે. ત્યાં તેઓને જાણે ખુલ્લી હવામાં શ્વસવાનો, મુક્તપણે કંઈક કહેવાનો, એમની લાગણીઓને વહેવાનો, થોડીક ક્ષણો જીવી લેવાનો સમય મળે જે એને અવસર જેવો લાગે જ્યારે અહીં આ ગીતમાં વહુઓને કૂવો એમની વ્યથા ઠાલવવા મા કે બાપના ખોળા જેવો લાગે છે.

અવિનાશ વ્યાસની આ રચના અંગે એક જરા અજાણી રહી ગયેલી વાત હું રજૂ કરવાની હતી. યોગાનુયોગે ૧૧મી જુલાઈએ યોજાયેલા વ્યક્તિ અને અભિવ્યક્તિ એટલેકે અવિનાશ વ્યાસ અને એમની સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓની અભિવ્યક્તિનાં આ કાર્યક્રમમાં આ ગીત ખાસ જેના માટે લખાયું હતું એવી એક કલ્ચરલર અકાદમીની ડિરેક્ટર ( કેતા ઠક્કર) હાજર હતાં અને એમણે એ સ્ટેજ પર પરફોર્મ કર્યું એ સમયની વાત કરી હતી. આ પ્રસંગે હાજર શ્રોતા મિત્રો તો જાણે જ છે પણ આ લેખમાળાના વાચક માટે એનો ઉલ્લેખ કરવો છે.

આ પરફોર્મન્સમાં એક નવિનતાની દૃષ્ટિ  ઉમેરાઈ હતી. એમાં ન તો તાળીનો અવાજ હતો કે ન તો ચપટીનો અવાજ. જાણે તાળી – ચપટીને મ્યુટ પર મૂકી દીધી હતી.  કલાકારોએ આ વ્યથાનાં પ્રતીકરૂપે કાળાં કપડાં પસંદ કર્યા હતાં. સૌ કોઈએ એ સમયની વહુવારુઓની સામાજિક સ્થિતિ દર્શાવતો માથેથી ગળા સુધી ઘૂમટો તાણ્યો હતો. સ્ટેજ પર આછા પ્રકાશ પર આછા લાલ અને ભૂરા રંગના ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગીતના અંતે કલાકારોએ જ વર્તુળમાં ગોઠવાઈને જાણે કૂવો, એના થાળાનો અને એમાં એક કલાકાર પડતું મૂકશે એવો આભાસ સર્જી ગરબાનો અંત આણ્યો હતો.

અવિનાશ વ્યાસે શબ્દોમાં રજૂ કરેલી નારીના મનની વેદના, વ્યથાને આવી હ્રદયસ્પર્શી રીતે, હ્રદયને ઝંઝોડી મૂકે એવી રીતે કૉરિયૉગ્રાફ થયેલી જોઈને આખુય સભાગૃહ સ્તબ્ધ અને સ્થિર બની ગયું હતું.

આજે પણ આ ગરબો સાંભળું એટલીવાર એ પરફોર્મન્સ નજર સમક્ષ દેખાય છે.

આવી તો અવિનાશ વ્યાસની કેટલીય સાવ અનોખી રચનાઓ અને અનોખી વાતો છે જેના વિશે આપણે વાત કરવા મળતાં રહીશું.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 25

ગત અંકમાં આપણે વાત કરી રહ્યા હતા મુનશીની પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન કૌટિલ્ય’ ની. તેમાં આપણે આચાર્ય વિષ્ણુગુપ્તની પ્રતિજ્ઞાની વાત જાણી. આજે એ પ્રતિજ્ઞાની સંકલ્પસિદ્ધિની વાત કરવી છે.  નૈમિષારણ્યના ભવ્ય ભૂતકાળની છાપ આચાર્ય વિષ્ણુગુપ્તની પ્રતિજ્ઞા પર હતી. તેથી આચાર્ય પ્રતિજ્ઞા લઈને નૈમિષારણ્ય જવા નીકળી પડ્યા. સહજ કુતૂહલ જાગે કે કેવું હતું આ નૈમિષારણ્ય?

‘નૈમિષારણ્યમાં ધુમ્રમય પણ પારદર્શક વાતાવરણ ચારે તરફ વિસ્તરતી પર્વતમાળાઓ પર પ્રસરી રહ્યું હતું. ઉત્તરમાં દૂર ને દૂર મોટા પર્વતો વધતા હતા અને વાદળોની પેલી તરફ એક ગિરિરાજનું હિમશૃંગ ગગન ભેદતું હતું. ગરમી, ઠંડી, તેજ ને છાયા બધાંનો અદ્ભુત સમન્વય જોનારની દરેક ઇન્દ્રિયને મુગ્ધ કરતો હતો. નાનામોટા ઝરાઓ હીરાની માફક ચમકતા હતા. અનેક ઠેકાણે મંત્રોચ્ચારનો મીઠો , પ્રેરણાવાહક ધ્વનિ બીજા ધ્વનિ સાથે મળી આ શાંત અને રમણીય સ્થળનો વિશુદ્ધ અને સમૃદ્ધ પ્રાણ હોય એમ ઉપર ને ઉપર આવતો હતો. આ અરણ્યની મોહિની અને તેનો પ્રતાપ જાણે આત્મામાં અમી રેડતા હોય એમ લાગતું. અહીં સવિતાનારાયણના કિરણો તેજછાયાના ચંચળ પાથરણા પર જુદી જુદી ભાત પાડતા હતાં. સ્વપ્નામાં સુલભ એવું સુકુમાર વાતાવરણ અનંત અપૂર્વતાની ઝાંખી કરાવતું હતું. કિરમજિયાં, પારિજાત અને જાસૂદના પુષ્પો આનંદથી ડોલતી સૃષ્ટિમાં રંગવૈવિધ્યની છાંટ પાડતાં હતાં. અહીં ભગવાન વેદવ્યાસે વર્ષોની તપસ્યા કરી ત્રણ વેદ અને ઈતિહાસનો ઉદ્ધાર કર્યો. તેમને અહીં વિદ્યા અને વાચાનું ઐશ્વર્ય હાથ લાગ્યું. તેમના નેત્ર આગળ સકળ સૃષ્ટિ શબ્દરૂપે ને શબ્દસામર્થ્ય પ્રણવરૂપે પ્રગટ્યાં. તેમને શબ્દબ્રહ્મનો સાક્ષાત્કાર થયો. ત્યારથી આ નૈમિષારણ્ય શબ્દનું વિશુદ્ધ સામર્થ્ય સાચવવાનું કોષાગાર બન્યું. અહીં એવા મહર્ષિઓ થયા જેમના શબ્દો સંજીવની સમા હતા, જેમની દૃષ્ટિ ત્રિકાળને પોંખતી, જેમની તપશ્ચર્યાને ધારતી, જેમના સંસ્કારે નૈમિષારણ્ય બ્રહ્માંડનું કેન્દ્ર બન્યું હતું. અહીંયાથી ધર્મનો સ્રોત પ્રગટતો, રાજત્વને નિર્મળ કરતો, લોકસંગ્રહને મોક્ષમાર્ગ બતાવતો, બધાને ઇન્દ્રિયવિજય સરળ કરી આપતો, આર્યાવર્તને દેવભૂમિથી ઉજ્જવળ ને પિતૃલોકથી નિર્મળ બનાવતો.’

આવા પવિત્ર વાતાવરણમાં કોઈ શસ્ત્ર સાથે ન આવતું. પણ કહેવાય છે ને કે જ્યારે અશક્તિમાન અશક્ત બને ત્યારે સાધુ થાય છે; શક્તિમાન અશક્ત બને ત્યારે ઝનૂની બને છે. નંદો બ્રાહ્મણોના દ્વેષી હતા, વિદ્યાના શત્રુ હતા. વેદ ને વર્ણાશ્રમ, મોક્ષ ને તપશ્ચર્યાને તે તિરસ્કારતા. તેમની સત્તાના સ્રષ્ટા તે પોતે જ હતા.  તેમને પોતાના બળ ને નીતિથી કોઈથી ન થઈ શક્યું એવું રાજ્ય સ્થાપ્યું હતું. તેને પડકારનાર આચાર્ય વિષ્ણુગુપ્તની પાછળ સેનાપતિ સેનાજિતને મોકલ્યો. આવા રમણીય સ્થળમાં, જ્યાં મૃગો અને સારસ નિર્ભય રીતે વિહરતાં ત્યાં સેનાજિત બ્રાહ્મણને મારવા શસ્ત્રસજ્જ સૈનિકો લઈને જતો હતો.

વનના ભયંકર એકાંતમાં મૃત્યુ ચારે તરફ ઝઝૂમતું હતું, છતાં ચાણક્યના ડગલાં દ્રઢ હતાં, દૃષ્ટિ સચોટ હતી અને દંડો અડગ હતો. હંમેશના જેવી શાંતિથી આ જંગલની વિનાશક શક્તિઓનો સંદેશો તે સ્થિર ચિત્તે સાંભળી રહ્યા હતા. અનુભવ, સંસ્કાર ને સ્વભાવના આવરણો દૂર કરી  તેમણે આત્મા ને પ્રકૃતિના સમાન તત્વોને એકરસ થવા દીધા. તેમના આ અનુભવો ઇન્દ્રિયોની લાલસામાંથી ઉદભવ્યા નહોતા. એમણે મંત્રભૂમિમાં, રણમાં, આશ્રમમાં, એકાંતમાં એક અને અવિયોજ્ય આત્માનું દર્શન કર્યું હતું. ચારે તરફ તરવરી રહેલી શકિતઓને તે પોતાના તરફ આકર્ષી રહ્યા. તેમના આત્માની સર્જક અને વિનાશક વૃત્તિઓ ચારે તરફ ફરી વળતી હતી. બ્રહ્માંડના એ આત્માએ તેમની બુદ્ધિ સંસ્કારરૂપે વ્યક્ત કરી હતી. આ નૈમિષારણ્ય એ બ્રહ્માંડનો આત્મા છે , સંસ્કારસરિતા છે , ઋષિઓની પરંપરાનો આવિર્ભાવ  છે . અહીં વિષ્ણુગુપ્ત, ઉદ્દાલકની ગુફામાં ચંદ્રગુપ્તને મૂકી મહર્ષિ વેદવ્યાસની પાદુકાના દર્શન માટે આગળ વધે છે કારણ કે વેદવ્યાસની પાદુકાઓ તેમનો પ્રેરણાસ્ત્રોત હોય તેમ લાગે છે . અહીં તેમને પ્રતીતિ થાય છે કે નૈમિષારણ્ય એ વિદ્યાના સર્જનની દિવ્ય મંદાકિની છે જ્યાં બ્રહ્માંડનો પરમ આત્મા વિશુદ્ધ અને પૂર્ણતામાં અદ્ભુત અને સનાતન શબ્દ બ્રહ્મસ્વરૂપે પ્રગટે છે .

આ મંદાકિની ડહોળાઈ હતી…અનેક અંતરાયો તેના પ્રવાહ અને નિર્મળતાને કલુષિત કરતાં હતાં ….રાષ્ટ્રો અંદરોઅંદર કપાતાં હતાં… છિન્ન ભિન્ન પ્રજાઓ લોકસંગ્રહમાં ઘડાતી નહોતી. કોઈ સરિતાને રોકતા, તો કોઈ એને મલિન કરતાં.
કલિ જેવા પ્રચંડ મહાપદ્મના કુળે  આ સરિતાના શોષણને કુળધર્મ બનાવ્યો હતો. અજ્ઞાન, અધમતા ને દ્વેષ ચારે તરફ પ્રવર્તતા. આ સરિતાની દિવ્યતા જાળવતો એક તરંગ એટલે વિષ્ણુગુપ્ત ચાણક્ય. સરિતાની મંદ ગતિ થવાનું રહસ્ય તે જાણતા હતા. સ્વચ્છંદી, અસંસ્કારી મહાપદ્મ નંદ, ગતિ રોધી ઊભો હતો. આ રાજત્વને સદાને માટે ખસેડવા કુમાર ચંદ્રગુપ્તને  પોતાનો કરી , તેમણે નંદના રાજ્યને હચમચાવવાનો આરંભ કર્યો હતો.  રાજત્વ, શસ્ત્રવિદ્યા,દંડનીતિ, વાર્તા, અર્થશાસ્ત્રના અંગ છે. અર્થશાસ્ત્ર વિદ્યાનું અંગ છે. વિષ્ણુગુપ્તને ઇન્દ્રિયજય કરી હવે પોતાની શક્તિ વડે રાજત્વને વિનયદોરીએ નાથી તેને સરિતામય બનાવવું હતું. દુ:સાધ્ય ને ભયંકર મહત્વાકાંક્ષા!….સમય વહી ગયો, દૃષ્ટા પ્રગટ્યો. નૈમિષારણ્યમાં અગાધ શક્તિ પ્રગટી, એ શક્તિથી તેણે રાજત્વને પોતાનું કર્યું, વિદ્યાને પોતાની કરી, વિનયને પોતાનો કર્યો. આ ત્રણેના એકીકરણના બળથી પ્રચંડ અસ્મિતા પ્રગટી;  તે ચણકનો પુત્ર વિષ્ણુગુપ્ત થઈ ગઈ..આ શક્તિ એ વિષ્ણુગુપ્ત પાસે ચંદ્રગુપ્તના રાજત્વની સ્થાપનાનું કારણ બને છે . અને એ જ વિષ્ણુગુપ્તના સંકલ્પની સિદ્ધિ છે.

ભગવાન કૌટિલ્ય કે આચાર્ય વિષ્ણુગુપ્ત  એ વ્યક્તિલક્ષી કથા નથી પણ બે સમાંતર પ્રવાહોની કથા છે . કૌટિલ્ય છે સંમિલિત બિંદુ, જેની શક્તિ વિદ્યા અને વિનયને રાજત્વ સાથે સંમિલિત કરે છે. કૌટિલ્ય સમયના દ્રષ્ટા છે અને આ દ્રષ્ટિ – આ દર્શન, સમયાતીત છે . સમય એક મહાતરંગ છે અને વિષ્ણુગુપ્ત તેની સાથે એકાકાર બને છે . હવે તેની શક્તિ અને દ્રષ્ટિ સમયાંતર બને છે અને બ્રહ્માંડના તરંગો સાથે એકાકાર બને છે.  અને જ્યારે વ્યક્તિ સમયની આરપાર દ્રષ્ટિ વિસ્તારી શકે ત્યારે જ પ્રગટે છે અલૌકિક શક્તિઓ. જે નંદ તો શું પણ સ્થળ અને કાળના બંધનો તોડી કોઈ પણ સ્વચ્છંદી સત્તાધીશને જડમૂળથી ઉખેડી નાખવા સક્ષમ છે. વ્યક્તિ હોયકે વ્યક્તિવિશેષ, છેવટે તો એ બ્રહ્માંડની ચેતનાનો એક તરંગ માત્ર  છે. મહામાનવ, મહર્ષિઓ કે યુગપુરુષો પણ આ ચેતનાના મહાતરંગો જ છે. મુનશી પોતાની કલમના કસબ દ્વારા એક ઐતિહાસિક કથાને નૈમિષારણ્યના રૂપક દ્વારા એક તત્વદર્શન અને આધ્યાત્મિક સ્પર્શ આપે છે, જે ‘ભગવાન કૌટિલ્ય’ ને એક અવિસ્મરણીય કૃતિ બનાવે છે.

રીટા જાની

૨૬ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. – છોટો સો મેરો મદનગોપાલ

भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं
स्वभक्तचित्तरंजनं सदैव नन्दनन्दनम् |
सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं
अनंगरंगसागरं नमामि कृष्णनागरम् || ||

શ્રી આદિ શંકરાચાર્યએ શ્રી કૃષ્ણાષ્ટકમના પ્રથમ શ્લોકમાં જેમ કહ્યું છે તેમ, શ્રી કૃષ્ણ કે જે વ્રજભૂમિના એકમાત્ર આભૂષણરૂપ અને સઘળાં પાપોનો નાશ કરવાવાળા, પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા છે અને જેના મસ્તક પર મનોહર મોરપીંછનો મુગટ શોભે છે, હાથમાં સૂરીલી બંસરી છે,કામકળાના જેઓ સાગર છે એવા નંદનદનને હું હંમેશાં ભજું છું. વ્રજભૂમિના પટાંગણમાં અને વાત્સલ્યમયી યશોદામૈયાના પ્રાંગણમાં બાળલીલાઓ કરતા કરતા ધીમે ધીમે બાલકૃષ્ણલાલજી મોટા થતા જાય છે. મીરાંબાઈએ પણ આ બાળલીલાને વધાવતા અમુક પદોની રચના કરી છે. બાળલીલાના અમુક પદોમાં મીરાંબાઈ પોતે યશોદામૈયા બનીને કાલી કમલીવાળા મદનગોપાલને લાડ કરે છે તો અમુક પદોમાં મીરાંબાઈ પોતે નંદનંદન બનીને યશોદામૈયા પાસે લાડ કરે છે તેવો ભાવ વહેતો મુક્યો છે.   

જેમકે નીચેના વાત્સલ્યસભર પદમાં મીરાંબાઈએ તેમના લાડીલા નંદલાલને પારણીયે ઝુલાવતા ઝુલાવતા વહાલની પોટલી વહેતી મૂકી દીધી છે. મીરાંબાઈ અહીં યશોદામૈયા બનીને  તેમના લાલા માટે સર્વશ્રેષ્ઠ શૈયાની જ ભાવના કરીને તેને અક્ષરદેહ આપેલ છે.મીરાંબાઈ માટે શ્રી કૃષ્ણ સર્વેસર્વા હતા અને શ્રી કૃષ્ણ દર્શન એજ તેમનું અંતિમ ધ્યેય હતું તે પણ તેમને પદની છેલ્લી લીટીમાં વ્રજરાયાને વિનંતી સ્વરૂપે મુકીજ દીધું છે.

પારણીયે ઝૂલો ઝૂલો નંદલાલ
નૌતમ નંગ જાડિયા પારણીયે, હીરા નીલમ ન્યારા ન્યારા
ગાદીને ટાકિયા ગાલ મસુરિયાં, રેશમ દોરડીવારા
સોનેરી પામરી તળાઈ મખમલી છે, મધુરીશી મોરલીવારા
ઝૂલણ હરિ વ્રજની કિશોરી, જશોદાજીના જાયા
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, દર્શન દો વ્રજરાયા.

આવા પારણીયે ઝૂલતો ગોપાલતો  મોહકતા અને માધુર્યની પરાકાષ્ટા છે.શ્રીકૃષ્ણનું શું મધુર અને મોહક નથી? શ્રી કૃષ્ણના પ્રત્યેક અંગ,ગતિવિધિ અને ક્રિયા-ક્રીડા મોહક છે અને તેમના સંપર્ક અને સ્પર્શમાં આવતી સજીવ અને નિર્જીવ ચીજો પણ મોહકતાના આગોશમાં આવી જાય છે.અને એટલેજ કદાચ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમની રચના કરી હશે ને!  મીરાંબાઈ પણ શ્રી કૃષ્ણની મોહકતાની આગોશમાં લપેટાઈ ગયા છે અને એટલેજ તો નીચેના પદમાં મીરાંબાઈ કાન્હાના ઘુંઘરાળા કાળા કેશ પર મોહિત થઇને  કહે છે કે હે શ્યામસુંદર તમારા કાળા સુંદર કેશ જે રીતે યશોદામૈયાએ પોતાના પ્રવીણ હાથોથી સજાવ્યા છે એને લઈને જો તમે મારા આંગણામાં પધારશો તો હું આ ઘુંઘરાળા વાળ પર ઓવારી જઈશ…

हो काना किन गुंथी ज़ुल्फा करियाँ
सुघर कला प्रवीन हाथां सू, जसुमतिजू ने संवारिया
जो तुम आओ मरी बाखरिया, जारी राखु चन्दन किवारिया
मीरां के प्रभु गिरिधर नागर, इन जुल्फें पर वारिया

મીરાંબાઈ તેમના ભાવવિશ્વમાં શ્રીકૃષ્ણ સાથે એટલા નિકટતાથી જોડાયેલ હતા કે શ્રી કૃષ્ણ ગિરિધર ગોપાલ મીરાંબાઈના અસ્તિત્વનું એક અંગ બની ગયા હતા અને મીરાંબાઈનો માતૃત્વભાવ તેમના અમુક પદોમાં ઉછાળા મારતો હતો. જેમકે નીચેના પદમાં મીરાંબાઈ કનૈયાની એક માં સહજ ચિંતા વ્યક્ત કરે છે અને પોતાના લલનાને બહુ દૂર રમવા ના જવાની સલાહ આપે છે.

कहन लगे मोहन मैया मैया
नंदराय के बाबा बाबा बलदाऊ के भैया
दूर खेलन मत जावो प्यारे ललना, मारेगी काहू की गैया
सिंहपोल चढ़ टेरत जसोदा, ले ले नाम कन्हैया
मीरां के प्रभु गिरिधर नागर, जसोदाजी लेत बलैया

આ ભક્ત અને ભગવાન વચ્ચેનો કેવો વિશિષ્ટ પણ વિરોધાભાસી ભાવ છે. આમ તો ભક્ત પોતાની જીવનનૈયા ઠાકોરજીના હાથમાં સોંપી દે છે અને પ્રભુ હંમેશા ભક્તની રક્ષા કરે છે. એટલે કે, “ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું, ભક્ત સૂવે ત્યાં હું જાગું રે…”. પણ મીરાંબાઈના આ પદમાં એક ભક્તને, એક માં ને પ્રભુની ચિંતા થાય છે કારણકે પ્રભુની સુખાકારીજ મીરાંબાઈ માટે સર્વસ્વ છે.

નીચેના નટખટ પદમાં મીરાંબાઈનું ભાવવિશ્વ બદલાય છે અને પોતે કનૈયો બનીને યશોદા મૈયાથી રિસાઈ જાય છે અને કહે છે કે “લો આ તમારી લાકડી અને અને આ તમારી કામળી. હવે હું કાલથી ગૈયા ચરાવવા જવાનો નથી…” અને મીરાંબાઈએ ગ્વાલબાલ કનૈયાને ગાયો ચરાવવા જતા કેટલી તકલીફ પડે છે તેનું વર્ણન કરેલ છે. કેટલો નિર્દોષ અને નટખટ ભાવ પ્રગટ કર્યો છે મીરાંબાઈએ આ પદમાં! જાણે નજર સામે કનૈયો મોં ફુલાવીને રિસાઈ જઈને કહેતો ના હોય!

मैया ले थारी लकड़ी,ले थारी काबरी
बछिया चरावन हूँ न जाऊ री
संग के बळिभद्र को न मोकलो
एक्लो बन में डराओ
सघन बन में कछु खबर नाही परे,
संग के ग्वाल सब मोहे डरावे
दादुर मोर पंछी युंह रटे
कृष्ण कृष्ण काहू मोहे खिजावे

આવુજ એક બીજું નટખટ પદ મીરાંબાઈએ લાલાના ભાવવિશ્વમય થઇ જઈને રચ્યું છે જેમાં નાનકડા નંદકુંવરને જલ્દી જલ્દી મોટા થઇ જવું છે.અને મૈયાને કહે છે કે “માં મને મેવા-મીઠાઈ ખવડાવ તેથી હું બીજા બધા ગ્વાલબાલ જેવો મોટો થઇ જવું. હું મોટો થઈને ગાયો ચરાવવા જઈશ અને મારા બધા વેરીઓને મારીશ..”

मोहि बड़ो करले मोरी मैया, मोहि बड़ो करले मोरी मैया
मधु मेवा पकवान मिठाई, जब मांगू तब दे री
सब लड़कन में बड़ो कहावु, तेरो पुत्र बड़े री
चङो होवू जो टहल करुँगो, मारूंगा सब वैरी
मार मल्ल अखाड़े जीतू, कंस को मारू वैरी
मीराबाई के प्रभु गिरिधर नागर, मथुरा राज करो री.

આ પદ વાંચી મને વિચાર આવ્યો કે આપણે નાના હતા ત્યારે આપણને પણ કેવા જલ્દી જલ્દી મોટા થઇ જવું હતું અને હવે મોટા થયા પછી એમ લાગે છે કે બાળપણના દિવસો સોનેરી હતા ….લાગે છે કે લાલનને પણ આજ રીતે જલ્દી જલ્દી મોટા થઇ જવું છે. શ્રી કૃષ્ણ આ ધરતી પર જયારે સદેહે હાજર હતા ત્યારે તેમના દરેકે દરેક મનોભાવો અને દરેકે દરેક આચરણમાં મનુષ્ય સહજ મનોભાવો અને વર્તણુકનું પ્રતિબીંબ જોવા મળે છે અને એટલે જ શ્રી કૃષ્ણને “માનવ” બનીને અવતારેલા ભગવાન કહી શકાય. અને શ્રીકૃષ્ણએ બાલકૃષ્ણથી માંડીને દ્વારકાધીશ સુધીની બધી જ લીલાઓ જગત કલ્યાણ અને માનવ કલ્યાણ માટેજ કરી હતી…મીરાંબાઈતો આ દરેક સ્વરૂપ અને દરેક લીલાઓ સાથે સમાન ભાવસ્તરે જોડાયેલા છે. તો ચાલો આજે મારી કલમ ને હવે વિરામ આપું અને આવતા અઠવાડિયે આપણે પણ મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શન આગળ વધારીશું…

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image Courtesy: https://depositphotos.com/vector-images/krishna.html

૨૫ – કબીરા

કબીરબીજક – બેલિ

         કબીરને ઓળખીને, ખુદને પામતાં અને તેની ઓળખાણ સૌને કરાવતાં આજે પચીસમાં પ્રકરણે પહોંચી છું તો મને એવી અનુભૂતિ થાય છે કે જાણે કબીર મારાંમાં ઓગળી રહ્યા છે.તેમની અનુભવેલી જીવન અને પરમ અંગેની સમજ એટલી સહજ અને ઊંડી છે કે જો ખરા અર્થમાં આપણે તેમની વાણી જીવનમાં સ્વીકારીને ચાલીએ તો આપણો બેડો પાર થઈ જ જાય.
‘હો રમૈયા રામ’ નાં વર્ણાનુપ્રાસનાં કબીરબીજકના બેલિ પ્રકરણમાં કુલ ૨૪ પદો છે.બેલિ એટલે વેલ.
આપણા શરીરને વેલી રૂપે વળગેલી માયારૂપી વેલ.સાખી પ્રકરણમાં પણ કબીરે માયાને વેલ તરીકે વર્ણવતાં કહ્યું છે:
યે ગુણવંતી વેલરી,તવ ગુન બરની ન જાય,
જવું કાંટે ટહુ હરિયરી,સંચે તે કુમ્હિલાય !
       કબીર સમજાવે છે કે માયાનું વર્ણન થઈ શકે તેમ નથી.જેમ જેમ તેને કાપવા પ્રયત્ન કરીએ તેમ તેમ તે લીલીછમ બનતી જાય છે અને ભક્તિની વાણી રૂપી પાણીનું સીંચન કરીએ છીએ તેમતેમ તે કરમાવા લાગે છે.એટલે માયાથી છૂટવું હોય તો ખરા હ્રદયથી પરમની ભક્તિ કરો.
હંસે સરવર સરીરમેં,હો રમૈયા રામ
જાગત ચોર ઘર મુસૈ,હો રમૈયા રામ…
જો જાગલા સો ભાગલા,હો રમૈયા રામ
સોવત ગૈલ બિગોય,હો રમૈયા રામ….
આજુ બસેરા નિયરે,હો રમૈયા રામ
કાલ બસેરા દૂરિ,હો રમૈયા રામ….
      ઉપરોક્ત પહેલાં બેલિનાં ત્રણ પદોમાં કબીર આપણા સૌની અંદર રહેલા જીવાત્માને ‘હો રમૈયા રામ’તરીકે ઉદ્દેશે છે.શરીરને સરોવર અને આત્માને હંસ તરીકે ઓળખાવે છે. કબીર આપણને સમજાવે છે કે તું જાગતો હોવા છતાં તારા હ્રદયરૂપી ઘરમાંથી કામ અને ક્રોધ રૂપી ચોર વિવેક રૂપી ધનની ચોરી કરે છે.જો આપણામાં જ્ઞાનથી જાગૃતિ આવી જાય તો પ્રપંચો દૂર ભાગી જાય અને જે અજ્ઞાનતાનાં ઘોર અંધકારમાં ડૂબેલો રહે તે જીવનનું સાચું ધન ગુમાવી બેસે છે.અને પોતે જ પોતાના વિનાશને નોતરે છે.જેને આ સમજાઈ જાય છે તે પરમની નજીક પહોંચી શકે છે અને નાસમજ ,અજ્ઞાની પરમથી દૂર થઈ જાય છે.
          કહેવાય છે કે માનવ જન્મ અતિ દોહ્યલો છે.ખૂબ સારા કર્મો કર્યા પછી ચોર્યાશીલાખ યોનિમાં સર્વોત્તમ એવો માનવ જન્મ મળે છે અને કબીર માનવ જન્મને સ્વદેશ તરીકે ઓળખાવે છે.અને બીજી બધી યોનિને પરદેશ ગણાવે છે.આપણે મુ્કિત એટલે કે મોક્ષ જોઈતો હોય તો માનવ જન્મ થકી જ મળશે.જેમ મહેમાન જેને ઘરે આવ્યો હોય તેને તે પોતાનું ઘર સમજતો નથી તેમ આ દુનિયામાં પણ આપણે મહેમાન થઇને જ આવ્યા છીએ.જગતમાં આસક્ત થયા વગર સારા કર્મ કરી પોતાની ભીતરમાં સ્થિર થવા પ્રયત્ન કરવાનું કબીર કહે છે.અહીં કબીર ગીતાનાં કર્મનાં સિધ્ધાંતની વાત જ આપણને સમજાવી રહ્યા છે.
       આગળની બેલિમાં મનનાં નિરોધની આવશ્યકતા કબીરે સમજાવી છે.કામ,ક્રોધ,લોભ,મદ ,મોહ જેવી સાહજિક વૃત્તિઓને વશમાં કરવા પહેલાં મનને વશ કરવું પડે.માણસ જો ભક્તિને નામે ચાલતાં ધતિંગમાં રચ્યો પચ્યો રહે તો રામનામની ભક્તિનું ફળ મળતું નથી.કબીર પોતાનાં અવનવા રૂપક અને ઉદાહરણ આપી જીવનનો સાચો માર્ગ ચીંધવા પ્રયત્ન કરે છે. જીવને સંબોધીને કબીર કહે છે કે જીવ પાંચ તત્ત્વોનાં શરીરરુપી બળદ પર,ઇચ્છાઓનો ભાર લાદીને,નવ નાડીઓ રૂપી વાહકને સાથીદાર બનાવી,દસ ઈન્દ્રિયો રુપી કોથળો ભરી વેપાર કરવા નીકળ્યો છે.પરતું જ્યારે આ ભાર સાથે નીકળેલ બળદ મોતનાં ખાડામાં પડશે ત્યારે શું ? તેનો વિચાર તો માણસ કરતો જ નથી.કબીર જેવા અભણ વણકરે વેદાંતનાં ઉત્તમ પાઠ સરળ ઉદાહરણ થકી આપણને સમજાવવા કોશિશ કરી છે.પંચમહાભૂતોનાં બનેલ શરીરનો બળદની જેમ ઉપયોગ કરવો તે શરીરનો દૂર ઉપયોગ કર્યો ગણાય.
     મૃત્યુની ભયાનકતા બતાવી આપણને ચેતવતા કબીર કહે છે આપણું મૃત્યુ થતાં શરીરને ચિતા પર સુવાડી અગ્નિદાહ દેશે અને તે બરાબર સળગી જાય માટે ખોપરી પર ડાઘુઓ વાંસનાં ફટકા મારશે.
     આ શરીર તો આત્માનું મિત્ર છે અને મિત્ર તો કલ્યાણનું ઘણું કામ કરી શકે છે તેથી તો શાસ્ત્રોમાં તેને“શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનમ્” એવું કહ્યું છે.આ માનવ શરીર દ્વારા જ આપણે મોક્ષ તરફ ગતિ કરી શકીશું,એટલે કબીર પોતાની જડબેસલાક વાણીથી આપણને સત્યનેા રાહ ચીંધે છે.
ફિર પાછે જનિ હેરહુ,હો રમૈયા રામ
કાલબૂત સબ આહિ, હો રામ રમૈયા રામ….(બેલિ-૨-૭)
કહહિં કબીર સુનો સંતો, હો રામ રમૈયા રામ
મન બુધ્ધિ ઢિગ ફૈલાવહુ,હો રામ રમૈયા રામ….(બેલિ -૨-૮)
કબીર આપણને સાવધાન કરતા કહે છે બનાવટી ગુરુઓની વાતો સમજ્યા વગર માનીને ન ચાલો.આપણી મન અને બુધ્ધિથી તે વાતનો મર્મ જાણવા, સમજવા પ્રયત્ન કરો.કબીરતો આપણને વગાડી વગાડીને એક જ વાત સમજાવે છે કે આપણાં ચૈતન્યની ખોજ માટે ક્યાંય ફાંફાં મારવાની જરૂર નથી આપણી ભીતર જ ડોકિયું કરવાનું કહે છે.તેનાથી જ આત્મકલ્યાણ થશે.કબીરની આટલી નાની વાત સમજવાની આપણને સૌને જરૂર છે.અને આ વાંચી મને યાદ આવે છે એ પ્રાર્થના……
આપને તારા અંતરનો એક તાર બીજુ હું કાંઈ ન માંગું રે….
સૂણજે મારો આર્દ તણો પોકાર બીજુ હું કાંઈ ન માંગું રે…..
જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ-26) મેઘાણી, અને મારી ઓરેન્જ ની વાર્તા !

મેઘાણી, અને મારી ઓરેન્જ ની વાર્તા !

ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘ વહુ અને ઘોડો’ વાંચતા ન જાણે કેમ મને મારાં શાળા જીવનનો એ ભૂગોળનો પાઠ યાદ આવી ગયો!
ભૂગોળ અને મેઘાણીને શું લાગેવળગે ? તમે શંકાશીલ બની આશ્ચર્યથી પૂછશો .
પણ યાદ આવી જાય છે મને અનાયાસેજ મેઘાણી, અને મારી એ ઓરેન્જ ની વાર્તા !
આમ તો ભૂગોળ અને સાહિત્યને શું લાગેવળગે ?
દેશ પ્રદેશની ,ત્યાંના હવામાનની વગેરે વાતોમાં સાહિત્ય ક્યાં આવ્યું ? પ્રશ્ન થશે .
પણ પહેલા મેઘાણીની વાર્તા જરા જોઈ લઈએ !
‘વહુ અને ઘોડો ‘
આ વાર્તામાં વાર્તાની નાયિકા તારાને નાનપણથી જ પોતાના ઘરની નજીક આવેલ હવેલીમાં રહેતાં લોકો કેવાં સુખી હશે ,એ લોકો કેવી રીતે રહેતાં હશે …તે બધું જાણવાની ઈચ્છા થતી ! ‘તે સૌ સોનાના ઘરેણાં પહેરીને ઘોડાગાડીમાં કેવાં સરસ તૈયાર થઈને ફરવા જાય છે! ઓહો ! એ બધાં કેવાં સુખી છે ! ‘ તારા વિચારતી .

તો અમદાવાદ રહેતાં અમને સૌને પણ માધ્યમિક શાળામાં ભણતાં ત્યારે આ પ્રકારની કોઈક કલ્પના તરંગોની અનુભૂતિ થયેલી !
‘આ પ્રકારની એટલે ‘વહુ અને ઘોડાની’ વાર્તા જેવી?’ તમે પૂછશો .
ના , જુઓ , વાત એવી બની ને કે અમને અમેરિકાની ભૂગોળ વિષે કાંઈક શિખવાડતાં શિક્ષિકા બેન કહે; ‘ દુનિયામાં સૌથી વધારે ફળ અમેરિકામાં થાય છે , તેમાંયે કેલિફોર્નિયામાં તો દુનિયાનાં સૌથી વધુ મોટાં મોટાં ખેતરો છે … માઈલો સુધી લાંબા ! સફરજન , કેળાં, દ્રાક્ષ , નારંગી ,મોસંબી ,અખરોટ અને અંજીર વગેરે વગેરે પુષ્કળ જાત જાતનાં ફળ ત્યાં પાકે છે ..‘ . શિક્ષિકા બેન અમને રસથી શીખવાડતાં હતાં . અમારાં ભૂગોળ નાં પુસ્તકમાં અસંખ્ય નારંગીઓથી લચેલ ઓરેન્જનાં ઝાડવાંઓનો ફોટો હતો ..!
હજુ આજે પણ એ પાનું મારી સમક્ષ તાદ્રશ્ય થાય છે ..
ને ત્યારે અમને થાય કે એવાં કેવાં ખેતરો હશે ને કેવી હશે એ ફળની વાડીઓ !
અને માઈલો સુધી લાંબા ખેતરોમાં ખેતીએ કેવી રીતે થાય ? ખેડૂત બળદને હળ જોડીને માઈલો સુધી કેવી રીતે જાય ? અને પછી પછી કેવી રીતે આવે ? મગજમાં મને આવા કારણ વિનાના પ્રશ્નો ઉપજ્યાં ! પણ એ બધાનું કારણ હતું પેલું ચિત્ર!
બસ ,મેઘાણીની વાર્તાઓમાં પણ આમ સામાન્ય માનવીની અંતર્ગત સંવેદનાઓ સિફ્તથી વણી લીધી છે .
સામાન્ય માનવીને ,એની સંવેદનાઓને સહજ સ્વાભાવિક રીતે આલેખનાર , તેમનાં સુખ દુઃખ , આશા આકાંક્ષા , મનોપ્રદેશમાં ઉઠતાં સહજ ભાવ વિપુલ પ્રમાણમાં ,સચોટ રીતે દર્શાવનાર તેઓ પ્રથમ સાહિત્યકાર છે !
ધૂમકેતુ કે મુનશીનાં પાત્રો કરતાં મેઘાણીનાં પાત્રો વધુ સાચુકલાં લાગે છે. એમાં ભવ્ય ભૂતકાળની જાજરમાન રાજરાણીઓ ને શૂરવીર રાજવીઓની વાત નથી , એમાં તો છે નરી વાસ્તવિકતા !
‘વહુ અને ઘોડો ‘વાર્તામાં ધનવાન ઘરનો દીકરો વાર્તાની નાયિકા તારાને ધમકાવે છે , ‘ લાયકી મેળવજે નીકર પતો નહીં લાગે , તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે.’
પાંચ વર્ષની ઉંમરની હતી ત્યારથી તારા એ હવેલીમાં રહેવા ઝંખતી હતી , કારણ કે એના કુમળા માનસ પર એ હવેલીની ઘોડાગાડીમાં ફરવા નીકળતી વહુવારુઓ , ઘરેણેથી મઢેલ હાથ પગ અને દોમ દમામ સજાયેલ સ્ત્રીઓ અને શણગારેલ ઘોડો અને ઘોડા ગાડી છવાઈ ગયાં હતા . પંદર વર્ષની થઇ ત્યાં સુધીમાં શેઠના ચાર છોકરાઓની કાંઈક કેટલીયે વહુઓ બદલાઈ ગઈ હતી ,અને શણગારેલા ઘોડાઓ પણ સાત બદલાઈ ચુક્યા હતા !પણ મનોમન તારા હવેલીમાં હવે કોઈ મરે ને પોતાને એ હવેલીમાં વહુ થવાનો અવસર મળે એની પ્રાર્થના કરતી હતી ..
હા , મેઘાણીની આ બધી વાર્તાઓ વાંચતાં ત્યારના સમાજના દર્શન થાય છે , અને સાથે સાથે દેશમાં જાગૃતિ લાવવા મથતા મહાત્મા ગાંધીજીને કેટ કેટલી મુશ્કેલીઓ પડી હશે તેની કલ્પનાથી ધ્રુજી ઉઠાય છે ! કેવો રૂઢિચુસ્ત અને અજ્ઞાની અંધકારમાં રાચતો હતો એ સમાજ !
ગાંધીજીએ તેથી જ તો ક મા મુન્શીના એક પુસ્તક Gujarat and It’s Literature ની પ્રસ્તાવનામાં મેઘાણીની પ્રશંશા કરતા લખ્યું , ‘ ભણેલા અને અભણ વચ્ચે સેતુરૂપ ભાષા એક માત્ર મેઘાણીએ જ પ્રયોજી છે …
ત્યારના સમાજથી અલગ રીતે , ગાંધીજીની જેમ ગરીબ ગ્રામ્ય માનવી અને અભણ , નિરક્ષર અને સ્ત્રી વર્ગ પ્રત્યે તેમને પક્ષપાત છે . તેમના ઉત્થાન માટે રાજકીય ,આર્થિક અને સામાજિક ન્યાયની વાતના મેઘાણી અગ્રેસર હતા . પાછળથી તો અનેક સાહિત્યકારોએ આવી વાર્તાઓ લખી , પણ વહુ અને ઘોડો , કે ચિતાના અંગારા , કે બુરાઈના દ્વાર પરથી , કે મારો વાંક નથી … વગેરે વાર્તાઓ આ જ વસ્તુ પ્રસ્થાપિત કરે છે .
સામાન્ય માનવીની સામાન્ય આકાંક્ષાઓ !
અને એ સામાન્ય આકાંક્ષાઓ પણ ઠોકર વાગે ?
આપણું દિલ રડી ઉઠે છે !
પણ આજે તો માત્ર ‘વહુ અને ઘોડો ‘- ૨૫ પાનાથી પણ લાંબી લઘુ નવલ જેવી વાર્તાની જ વાત કરવી છે .
૧૫ વર્ષની તારા તેની ઈચ્છા પ્રમાણે , શેઠના નાનદીકરાની ત્રીજી વારની વહુ બને છે .
લગ્નની પહેલી રાત !
તારા કેટ કેટલી આશાઓ સંઘરીને બેઠી છે : ‘ મારુ આખું શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાંકરની કણી જેમ ભળી જશે .. રૂના પૂમડાં જેવી બની હું પવનવેગે ઉડી જઈશ .. કપૂરની સુગંધની જેમ હું મહેકી ઉઠીશ .. નવોઢા તારાના એ અરમાનો છે !
અને શેઠ પુત્ર પધારે છે :
એનું મોં માતેલું દેખાયું , આંખોમાં રુઆબનો તાપ બળતો હતો . કબૂતરને દાઢમાં ભીંસનાર કોઈ બિલાડીની જેમ એણે એની બેહોશ ઈચ્છાને તારા ઉપર ભીસી દીધી !કપૂરની ગાંગડીને જાણે કે કોઈએ છુન્દે છૂંદો કરીને માટીની ભઠ્ઠીમાં ભભરાવી દીધી .. સુગંધ આપ્યા વિના યૌવન ભસ્મ બની ગયું !
આખી વાર્તા રઘુવીર ચૌધરીએ કહે છે તેમ ; ‘નારીની અવહેલના અને કરુણા જે શબ્દ રૂપ પામી છે તે ગુજરાતી સાહિત્ય જગતની નોંધ પાત્ર ઘટના છે ! ‘ વાર્તામાં ઘોડો પણ એક પ્રતીકાત્મક બની જાય છે . જાણે કે પોતાનો ભાઈ હોય તેમ તારા છાનીમાની એ ભૂખ્યા જનાવરને , આખો દિવસ ઢસરડો કરતા ઘોડાને ઘાસનો પૂડો આપે છે , એને વેચી દેવામાં આવે છે ત્યારે એ બોલે છે ,” ઘોડાની માફક માણસને શા સારું કાઢી નાખતા નહીં હોય ? હવે એને પેલો છાપ વેચતો ગરીબ પણ મહેનતુ છોકરો રસિક યાદ આવે છે .. ઉપેક્ષિત, એકલી , અસહાય ,અને અપમાનિત તારા ભદ્ર સમાજની ઉધઈ ખાધેલી પ્રતિષ્ઠાથી વાજ આવી ગઈ છે .. એને થાય છે કે પેલા ઘોડાની જેમ જો કોઈ એનેય અહીંથી લઇ જાય … એક કટાક્ષ વાર્તા કલાત્મક કૃતિ તરીકે પણ સાંગોપાંગ ઉતરે તેવી છે . ને તેથી જ વાચકને એ ગમી જાય છે .
અને હા , પેલી ભૂગોળની ચોપડીમાં જોયેલ ઓરેન્જની વાડી અને શિક્ષિકા બેને કહેલ વાતો જે દિલમાં ભંડારાયેલી હતી તેનું શું થયું ?
તમે પૂછશો!
કેલિફોર્નિયામાં લોસ એન્જલસથી સાનફ્રાન્સિસ્કો જતાં એક બે માઈલ નહીં પણ દશ દશ માઈલ લાંબી ફળોની વાડીઓ અને હજ્જારો નહીં પણ લાખ્ખો છોડવાં જોઈને, ક્યારેક વાવણી ચાલતી હોય તો ક્યારેક લણણી ! ક્યારેક ટ્રેકટરથી વાવણી થતી હોય ઓ ક્યારેક મોટાં પાણીના પાઇપો ને મશીનો દ્વારા પાણી પીવડાવવામાં આવતાં હોય ; ને કયારેક એય મોટાં મસ મશીનોથી નવા ફસલનાં ફળોની કાપણી થતી હોય.. એ જોઈને મન હજુ પણ આશ્ચર્યથી ધરાતું નથી! ઘણાં ખેતરો અને વાડીઓમાં ટ્રેકટરમાં અને પગપાળા ચાલવાનો લ્હાવો મળ્યો પણ હજુયે પેલું ભૂગોળનું ચિત્ર વિસરાતું નથી! કોઈ સુંદર કવિતા કે વાર્તાની જેમ જ કહોને !!!

ઝવેરચંદ મેઘાણીની સામાજિક વાર્તાઓને ક્યાંય ઝાંખી પાડીદે તેવી સોરઠી બહારવટિયાઓ અને સૌરાષ્ટ્રની રસધાર જેવાં અપ્રતિમ પુસ્તકોની થોડી વાર્તાઓનો રસાસ્વાદ હવે પછી !

૨૬ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

આપણે તો સૌ શહેરી.. શહેરમાં જન્મ્યા, ઉછર્યા પણ ક્યારેક તો આપણે શહેરના વાતાવરણથી દૂર જઈને કોઈ નાનકડા ગામમાંથી કે ગામ પાસેથી પસાર થયા હોઈશું. એવા કોઈ ગામનો ખુલ્લો કે પુરાઈ ગયેલો કૂવો કે વાવ પણ નજરે આવ્યા હશે પણ અમસ્તા એની હાજરી નોંધીને કે ક્યારેક નોંધ્યા વગર આપણે આગળ વધી ગયા હોઈશું પણ અવિનાશ વ્યાસ પાસે એક એવી નજર છે, એક એવી કલ્પના છે જે સાવ આમ નિષ્પ્રાણ જેવા લાગતા કૂવા, વાવની આસપાસ ઉદ્ભવી શકે એવી ઘટનાઓની કલ્પના કરીને એમાં અનોખા રંગ ભરી દે છે.

આમ તો આ કૂવા કે વાવ એક સમયે લોકો માટે જીવનજળના માધ્યમ. શક્ય છે ત્યારે એ કૂવા કે વાવની આસપાસ ઘણી ઘટનાઓ આકાર પામી હશે. સરખે સરખી સહિયરો માટે એ મળવાનું સ્થળ હશે કે ગામની વહુવારુઓ માટે વાતોનો વિસામો હશે. ક્યાંક કોઈકની પ્રણયકથા અહીંથી વિકસી હશે તો ક્યાંક કોઈ દુખિયારીએ જીવનનો અંત પણ અહીં આવીને આણ્યો હશે.

આ બધું જ જાણ્યું પણ એથી શું? ઘડી-બે ઘડીની વાત અને વિચારોથી વિચલિત થયા અને વાત વિસારે પાડી આગળ વધ્યા.

ત્યારે વિચાર આવે કે કોને ખબર કઈ કલ્પના, કયા વિચારોથી પ્રેરાઈને ગીતકાર અવિનાશ વ્યાસે આ કૂવા-વાવ પર પાણી ભરવા જતી બહેનો, એ સમયની સ્ત્રીઓ વચ્ચેના સંવાદો કે સંવેદનોની આપ-લે, ભાતીગળ ગ્રામ્ય જીવન-ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી એમની વિવિધ ભાવ ભરેલી અનન્ય રચનાઓ કરી હશે!

એ ક્યારેક કોઈ ઘાટે ગયા હશે? કે પછી એમણે એ ઘાટ, એ કૂવા, વાવ કે માથે બેડું લઈને જતી પનિહારીઓને માનસિક ચક્ષુ માત્રથી જોઈ-વિચારી હશે અને શબ્દોમાં નિરૂપી હશે?

આવી તો એકથી વધારે રચનાઓ છે જે આજે પણ આપણે ગાઈએ છીએ અને કદાચ એવી રચનાઓ થકી જ એ ભાતીગળ સંસ્કૃતિ આજે પણ આપણને આકર્ષે છે. ગામ ભૂલાઈ ગયા પણ એ ગીતોમાં, એ ગરબાઓમાં ધબકતી એ સંસ્કૃતિ ભૂલાઈ નથી . એમની રચનાઓમાં લોકજીવન ભારોભાર ધબકે છે.

ધબકતા આ લોકજીવન-ગ્રામ્યજીવનનું એક મહત્વના અંગ એ કૂવાનું થાળું,વાવનું મથાળું, સરવરનો આરો કે નદીનો ઓવારો . આમ તો સાવ સૂના કે શાંત લાગતા આ કૂવા કે વાવ કેટલીય પાંગરતી પ્રીતના સાક્ષી બન્યા હશે ત્યારે એમનું હોવું સાર્થક લાગ્યું હશે, ધન્ય લાગ્યું હશે! 

અવિનાશ વ્યાસની આવા થાળે, મથાળે, આરે કે ઓવારે  પાંગરતી પ્રીતની રચનાઓને આજે યાદ કરવી છે.

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,…
..

એ બાંકો જુવાન માથે પાણીનું બેડું લઈને શેઢે શેઢે પનઘટની વાટે હાલી જતી કોઈ કન્યાને જોઈને મોહી પડ્યો હશે ત્યારે એના મનમાં કેવા ભાવો ઉમટ્યા હશે? એ કોઈ કવિ નથી કે ઝાઝી ઉપમા કે રૂપક અલંકારોથી શણગારીને એના ભાવો વ્યક્ત કરી શકે. સાદો સીધો જુવાન છે એટલે એની વાત પણ સાવ સાદી અને સીધી..

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

આ ગીતના શબ્દોથી એ રૂપાળી, ગોરી, ઘાટીલી કન્યાનું ચિત્ર આપણી નજર સામે ઉપસી આવે. લાલ લહેરીયાળા ઘમ્મર ઘેરવાળા ઘાઘરા પર એની લચકતી ચાલ સાથે જરા અમસ્તા રણકી ઉઠતા કંદોરાનો હળવો અવાજ પણ કાન અનુભવે. આ યુવાન તરફ જર તીરછી નજરે જોઈને હાલી જતી એ કન્યા પર આપણે ય મોહી પડીએ.

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેડલું માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

અને મોહ પામવાની અવસ્થા એક પક્ષે ન હોય. આ તો પેલા ઇકો પોઇન્ટ પર જઈને ઊભા રહીએ અને જે બોલીએ એ જ પડઘો સામે સંભળાય એવી અવસ્થાનો ચિતાર આપતી એક એવી બીજી રચના જોઈએ.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો…
..

એક તરફ આવો ગળકતો મોરલો છે તો સામે એવી જ ઢળકતી ઢેલ છે…એ ય આડી નજરે તો પેલા ગહેકતા મોરલા જેવા સાહ્યબાને જોવા એનીય નજર તો તરસતી હશે પણ એમ કંઇ સીધી નજરે કંઈ એને જોવાય છે? ઢળેલી નજરે એ ચાલી જાય છે પણ પાછું એ કોઈકની નજરથી એ વિંધાય એવી મનમાં અપેક્ષાય ખરી.. એ એ કહે છે..

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની

વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો……
.

તો વળી કોઈ નારીની ફરીયાદ સાવ જુદી છે. એને તો સૂના સરવરીયાને કાંઠડે પાણી ભરવા અને નહાવા જ એટલે જવું છે કે જેને એ દિલ દઈ ચૂકી છે એવો એના મનનો કોઈ માણીગર સૂના કાંઠે એને એકલી ભાળીને  આવે. ઊભા ઊભ ઘડી-બેઘડીમાં દિલની આપલે થાય અને જીવનભર સાથના બોલે બંધાઈ જાય.

એના મનનો માણીગર આવેય છે પણ એનું દલડું ચોરવાના બદલે એનું બેડલું ચોરી લે છે. બોલો આવું તે શું હોતું હશે? જ્યાં દિલ દેવા બેઠા હોય ત્યાં બેડા જેવી નજીવી ચીજ લઈને હાલતો થાય એ માણહ કેવો?

પણ સાચે જ એવું બન્યું છે એવી એની ફરીયાદ લઈને અવિનાશ વ્યાસે બીજી એક મસ્ત મઝાની રચના આપી છે.

સૂના સરવરીયાને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.

કેટલુંયે કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી વળે ના કંઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી…
.

જે નારી દલડું આપવા બેઠી છે એનું બેડલું લઈ જનારને એ ખોળે પણ કેવી રીતે? કાનુડો તો વસ્ત્રો હરીને કદંબના ઝાડ પર ઝાડ પર ચઢી બેઠો હતો પણ હા, જો એનો કાન મળે તો એના બેડલાની સાટે એનું દલડું દેવા તૈયાર બેઠી છે એવી વાત કોણ પહોંચાડશે?  

અવિનાશ વ્યાસ કહે છે…

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલા નો ચોર મારે કેમ લેવો ખોળી
દઈ દે મારું બેડલું મારા દલડા ને લઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી …

અવિનાશ વ્યાસની આવી અનેક રચનાઓ છે અને દરેકમાં કંઈક અલગ ભાવ, અલગ અર્થ લઈને એ આવે છે. વળી મળીશું આપણે આવા કોઈ કાંઠે આવતા સપ્તાહે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 24

આપણે ગત અંકમાં પૌરાણિક ઐતિહાસિક નવલકથા’ ભગવાન પરશુરામ ‘ ની વાત કરી. આજે એક બીજી પૌરાણિક ઐતિહાસિક નવલકથાની વાત કરવી છે. એ છે ‘ભગવાન કૌટિલ્ય’. મુનશી આ કથાની પ્રસ્તાવનામાં ખૂબ સુંદર વાત કરે છે. આ વાત કોઈને કલ્પનામાં પણ ન આવે કે માનવામાં ન આવે એવું પણ બને. મુનશી કહે છે કે તેઓ પાત્રો સર્જતા નથી, પાત્રો પોતે જ બળજબરીથી સર્જાવા માગે છે. મુનશી તો ફક્ત એ પાત્રોના સર્જનના નિમિત્ત બને છે. એટલું જ નહિ પણ એ નિમિત્ત ક્યારે બને એનો આધાર પણ મુનશી પર નથી, એ પાત્રો પર છે. વાચકોને પણ આ રસપ્રદ સંવાદ જરૂર ગમશે.
‘ જરા મારું સાંભળશો? ‘ એક અવાજ આવ્યો. ‘મારો અધિકાર બધાથી વધારે છે. જો, નાનપણથી હું તારા બારણાં ઠોકું છું.’
‘ કોણ ભગવાન કૌટિલ્ય?’
હા! તેં કેટલીયે વાર મને આવવા દેવાનું વચન આપ્યું. તેં કેટલીયે વાર સંકલ્પ કર્યો કે મને આવવા દેવો.’
‘ખરી વાત છે. શસ્ત્ર ને શાસ્ત્ર ને નંદપીડિત પૃથ્વીના ઉદ્ધારનાર પ્રભો! તમે સિકંદરને પણ કાઢ્યો. તમે મૌર્યને મહારાજપદે સ્થાપ્યો.’
‘ મને ખુશામત નથી જોઇતી. મને સર્જાવ! હવે હું વધારે વાટ જોવાનો નથી.’
મુનશીને ઊંઘતા ને જાગતાં કૌટિલ્યની અધીરાઈ ઘેલા બનાવી રહી. તેમને ડર લાગ્યો કે નંદ અને સિકંદરની સત્તા તોડનાર મુનશીને છોડશે?  આમ નિરાધારીમાં મુનશીએ આજ્ઞા સ્વીકારી ને આ કથા લખાઈ….

ઋષિ જેવા મહાનુભાવોના કુળમાં જન્મેલા, વેદોમાં પારંગત, અગ્નિ સમ ઝળકનાર, શક્તિના કાર્તિકેય સમા, જગતમાં પ્રખ્યાત, નંદને મૂળથી ઉખેડનાર  નરચંદ્ર ચંદ્રગુપ્તને પૃથ્વી મેળવી આપનાર, અર્થશાસ્ત્રના સમુદ્રમાંથી નીતિશાસ્ત્રના અમૃતનું મંથન કરનાર આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય એટલે કે ભગવાન કૌટિલ્યની કથા  સૌને વિદિત જ છે. તો અહીં એનું પુનરાવર્તન કરવું નથી. પણ મુનશીની કલમે આલેખાયેલ આ કથામાં જે જીવનની શીખ છે, પાત્રોની ખાસિયતોના ચમકારા છે, નૈમિષારણ્યનું અદભુત વર્ણન છે, તેનું પાન કરાવવું છે.

આચાર્ય વિષ્ણુગુપ્ત ! શાંત મુખ, તટસ્થ અવાજ, આકર્ષક સત્તા, એનાં અનેકર્થી સૂત્રો, એની ભસ્માલંકૃત ભવ્યતા – આ બધામાં નવો જાદુ હતો.પ્રતાપી માણસો પણ તેમના તરફ પૂજ્યભાવ દર્શાવતા. નૈમિષારણ્ય જેવી પુણ્ય ભૂમિના ભૂત ને વર્તમાન મહર્ષિઓની આશિષો એને રક્ષે છે.

વિષ્ણુગુપ્તનો સમુદ્રના ગર્જનની માફક વધતો અને ઘટતો શાંત અવાજ હૃદયને ભેદતો હતો: ” વિદ્યા વિના વિપ્ર નહીં. જ્યારે ધર્મને ચારે વિદ્યા પ્રેરશે, ત્યારે આર્યાવર્ત પર ધર્મ પ્રવર્તશે. ‘

આચાર્ય વિષ્ણુગુપ્ત કુમાર ચંદ્રગુપ્તને તેની જન્મ કથા કહે છે.  મૌર્ય દાસીપુત્ર નથી પણ મહારાજ મહાનંદીનો પ્રપૌત્ર છે એની ખાતરી કરાવે છે અને તેને કુલહીનતાની ખીણમાંથી કાઢી વ્યોમસ્પર્શી ગિરિરાજ પર ક્ષત્રિયકુલોદ્ધારક બનવા પ્રેરે છે. આચાર્ય વિષ્ણુગુપ્તની સંકલ્પ સિદ્ધિનું દર્શન કેવું ભવ્ય!
‘ તને હું રાજદંડ હાથમાં લેતો જોઉં છું ત્યારે સર્વ ધર્મના આશ્રયરૂપ વિદ્યા તને પ્રેરતી જોઉં છું; લોકકલ્યાણમાં તને મચ્યો રાખતી જોઉં છું; ત્રણે વેદો વડે લોકને રક્ષતો, વર્ણાશ્રમ સાચવતો, આર્ય મર્યાદાઓને જાળવતો, સ્વધર્મમાં પ્રજાને પ્રવૃત્ત રાખતો હું તને જોઉં છું. હું તને ખેતી, વાણિજ્ય વધારતો ને સુયોગ્યમાં વહેંચતો જોઉં છું. અને મૌર્ય શ્રેષ્ઠ! ચારે વિદ્યાથી રાજ્યચક્ર ચલાવતો, તારા ચક્ર નીચે અનેક રાષ્ટ્રોને સંઘરતો, આર્યોના ધર્મો વડે લોકસંગ્રહને ઉદ્ધારતો, મહર્ષિઓના જીવનમંત્ર સનાતન કરતો, અવનિ અને આર્યાવર્તની સીમાઓ એક કરી નાખતો હું તને જોઉં છું. ચંદ્રગુપ્ત! એ સ્વાર્થ સાધવા તત્પર થા! ચાલ!’  આચાર્યની આજ્ઞાની ગર્જના બધાના હૃદયમાં ભય પ્રસારતી, ભયંકર પ્રતિશબ્દ કરતી દૂર ને દૂર જતી સંભળાઈ. ચંદ્રગુપ્તે હાથ જોડી માથું પગ પર મૂકી કહ્યું: ‘ આચાર્યદેવ! તમારો સ્વાર્થ તે મારો ધર્મ; હું તૈયાર છું. ‘

નંદ એટલે કે નરેન્દ્ર દેવ,અમાત્ય વક્રનાસ ,સેનાપતિ સેનાજિત ,આચાર્ય વિષ્ણુગુપ્ત જે શકટાલના ઘેર રોકાયા હોય છે એ ઘર બાળી તેમને પણ સાથે બાળી નાખવા કાવતરું કરે છે. પણ બીજા દિવસે આચાર્યને જોતાં જ નંદની ઘાતક વૃત્તિ તેની રગોને પ્રેરી રહી. તેણે હાથ લંબાવ્યો ને આચાર્યની જટા બે હાથે પકડી. આચાર્યે મુખ પર સનાતન નિશ્ચલતા ધરી અભેદ્ય શાંતિથી લોખંડી હાથે નરેન્દ્રદેવનું કાંડું પકડીને કચર્યું.  તો રવિકિરણ સમી દઝાડતી તેજરેખાઓ આચાર્યના નયનોમાં ફૂટી. આચાર્યની જટા, તેના સ્પર્શથી ઢીલી થયેલી, તેના ખભા પર પડી. ‘ નંદ! તારા અગ્નિએ જેને બાળ્યો નહિ તે તારા હાથે મરશે? જવા દે! બધા મશ્કરી કરશે. હું હમણાં જાઉં છું. પાછો ફરી આવીશ. પણ મારી પ્રતિજ્ઞા સંભળાતો જા. જ્યારે ભૂતલ પરથી નંદોને ઉખેડી કાઢશે ત્યારે કૌટિલ્ય તારી છોડેલી શિખા બાંધશે.’ ….અને હજારો નયનોએ શંકર સમા કૌટિલ્યના ખાંધે નંદોના કાળ સમા કોઈ કર્કોટકને વિસ્તરતો જોયો. એ અવાજમાં
મહાતાંડવ ગર્જનાનો પ્રતિશબ્દ હતો.  

પ્રિય વાચક, ભારતભૂમિ કહો કે આર્યાવર્ત, તેનો ઇતિહાસ અતિપ્રાચીન છે અને તેના પાત્રો વિશિષ્ટ છે . ક્યારેક તેમાં ભિષ્મપ્રતિજ્ઞાનો જયઘોષ છે તો ક્યારેક પરશુરામની પ્રતિજ્ઞાનો રણટંકાર છે તો ક્યારેક કૌટિલ્યની નંદશાસનનો નાશ ન થાય ત્યાં સુધી શિખાબંધન ન કરવાની પ્રતિજ્ઞા પણ છે. દરેક પ્રતિજ્ઞા ઇતિહાસના જુદા જુદા સમયગાળામાં છે, પણ દરેક પ્રતિજ્ઞા શૌર્ય અને પરાક્રમની ગાથા છે. કૌટિલ્ય પણ માત્ર વ્યક્તિ નથી પણ એક વિચારધારા છે અને શિખાબંધન ન કરવાની પ્રતિજ્ઞા પણ સમાજમાં અધર્મ, અનીતિ , દુરાચાર અને અન્યાયના શાસન સામેનો વિદ્રોહ છે – પરાક્રમ છે.

પણ આ પરાક્રમ, શાસ્ત્ર અને શસ્ત્રનો સમન્વય છે. કૌટિલ્યની વેધકતા અને વિચક્ષણતા તેને કઈ રીતે સંકલ્પસિદ્ધિ સુધી લઈ જાય છે તેની વિશેષ વાતો આવતા અંકે…

રીટા જાની