હાં રે દોસ્ત હાલો અમારે દેશ- -28) માણસાઈના દીવા!


ઝવેરચંદ મેઘાણીનાં લોકસાહિત્ય , લોકગીતો અને સામાન્ય જનની લોકવાર્તાઓ , દાદાજીની વાતો અને દાદીમાની વાતો વગેરે વિષે આપણે આ કોલમમાં થોડું થોડું – આચમન લઇ શકાય એટલું – સાહિત્ય જોયું અને એનો આછેરો આસ્વાદ રસાસ્વાદ માણવા પ્રયત્ન કર્યો. આમ તો મેઘાણી કે જેને રાષ્ટ્રીય કવિનું અજોડ હુલામણું બહુમાન મળ્યું છે , તેમના વિષે આવી નાની લેખમાળામાં કેટલું લખી શકાય ? પણ , જો ટૂંકમાં જ એમનાં સાહિત્યનો ખ્યાલ મેળવવો હોય તો આ એક વાક્ય બસ થશે !
નાનપણમાં અમે આ રીતે મેઘાણીનું સાહિત્ય યાદ રાખતાં!
આ છે એ એક વાક્ય:
સૌરવ પ્રભુ , ધરતી લોકકુ સો વેંતુ માપ છે!

તમે પૂછશો : “સૌરવ પ્રભુ , ધરતી લોકકુ સો વેંતુ માપ છે? ? એ વળી શું ? “
એટલે કે દરેક અક્ષર પરથી એમનાં સાહિત્ય નું એક એક પુસ્તક યાદ આવે !
એમનું સૌથી વધું જાણીતું , અને ગુજરાતી સાહિત્યમાં આંગળીને વેઢે ગણાય એ પૈકીનાં પુસ્તકોમાં જેની ગણના થાય છે તેવું
સૌ: સૌરાષ્ટ્રની રસધાર ! ર : રઢિયાળી રાત !વ : વસુંધરાનાં વ્હાલાં દવલાં
પ્રભુ: પ્રભુ પધાર્યા
ધ : ધરતીનું ધાવણ ! ર :રઢિયાળી રાત , ( સોરઠને) તીરે તીરે !
લો :લોક સાહિત્યનું સમાલોચન ! ક : કંકાવટી ! કુ : કુર્બાનીની કથાઓ !

સો : સોરઠ તારાં વહેતા પાણી
વેં: વેવિશાળ ; તુ : તુલસી ક્યારો
મા : માણસાઈના દીવા પ : પરિભ્રમણ !
છે : છેલ્લું પ્રયાણ ( લોકસાહિત્ય સંશોધન વિવેચન )
મેઘાણીનાં સો જેટલાં પુસ્તકોમાંથી થોડા અમે આ રીતે યાદ રાખતાં !!!
પણ , બધાં પુસ્તકો વિષે લખવું શક્ય નથી ; પણ હા ,
આજે હું તમને ‘માણસાઈના દીવા ‘વિષે વાત કરીશ ; કારણ કે એ સાહિત્ય જગતમાં કાંઈક આગવી જ ભાત ઉભી કરે છે .
આ એક એવું પુસ્તક છે કે ગુજરાતની એન્જીનીઅરીંગ કોલેજોમાં પણ માનવતા વિષયમાં શીખવાડવામાં આવતું !
રવિશંકર મહારાજને મુખેથી સાંભળેલી આ સત્ય કથાઓમાં મેઘાણી જેવી લોક પ્રેમી મહાન પ્રતિભાના દ્ર્ષ્ટિકોણનું રસાયણ ભળ્યું અને પ્રગટ થઇ આ સત્ય ઘટનાઓ !
૧૯૧૮ થી ૧૯૨૪ ના સમય ગાળામાં બનેલ આ ઘટનાઓ પહેલી નજર આપણને અસંભવિત -કાલ્પનિક જ લાગે ! પણ વાચક મિત્રો !આ ગાંધી યુગની વાતો છે ! જે વ્યક્તિ માટે આઈન્સ્ટાઈન જેવી મહાન વિભૂતિએ કહ્યું હતું કે સો વર્ષ પછી લોકો પૂછશે , કે શું આવો ગાંધી ખરેખર આ પૃથ્વી પર જન્મ્યો હતો ? અને રવિશંકર મહારાજ આ જ ગાંધીજીના પ્રભાવ નીચે ઘડાયા હતા ! ગાંધીજીની નિર્ભયતા અને સ્પષ્ટભાષિતા રવિશંકર મહારાજને પ્રથમ નજરે જ 1915 સ્પર્શી ગઈ હતી . નાની ઉંમરે માતા પિતાનું છત્ર ગુમાવનાર રવિશંકર માં પ્રેમ અને કરુણા તો હતાં જ . હવે તેમાં અહિંસા અને અભયપણું – નિર્ભયતા પણ ભળ્યાં!
ઝવેરચંદ મેઘાણી સરસ રીતે એ પ્રસંગો એમની આગવી અદાથી વ્યક્ત કરે છે :

૧૯૧૯ ની એ ઘોર અંધારી રાતે કપડવંજ તાલુકાના એક નાનકડા ગામ છીપીયાલથી મહારાજ પોતાને ગામ સરસવણી જય રહ્યા હતા. રસ્તામાં બહારવટિયો નામદારીયો અને ટોળીનો ભેટો થાય છે .
ટોળીના એક સાગ્રીતે મહારાજને પૂછ્યું ;” સીસપેનનો કકડો હશે તમારી કને ?”
“હા “
“કાગર ?’
“છે !”
“ તો આલશો?તમારા ગામના બામણ સોમા માથુર પર અમારે જાસા ચિઠ્ઠી લખવી છે કે રૂપિયા પાંચ સે પોગાડી જાય ; નકર ઠાર માર્યો જાણે . એ ચિઠ્ઠી સોમા માથુરને અલી આવજો .”
એટલું વાંચતા આપણાં યે હાડ ગળવા માંડે ..અંધારી રાત , બે ગામ વચ્ચેનો ભેંકાર માર્ગ ! હવે શું થશે ? આપણે વિચારીએ- આ સુકલકડી, પાતળો બ્રાહ્મણ શું કરશે ?
પણ જુઓ , મહારાજે શું કર્યું !
(આ તો સત્ય કથા છે !)
“એના જવાબમાં અત્યાર સુધી સમથળ રહેલો મહારાજનો સ્વર ઊંચો થયો ;” મેઘાણી લખે છે ,”
મહારાજે કહ્યું ;” એવી ચિઠ્ઠીઓ લખવા માટે મારાં સીસપેન અને કાગળ નથી . હું તો મારે ગામ જઈને કહેવાનો કે ખબરદાર બનો !બહારવટિયા આવે છે તેની સામે આપણે લડવાનું છે તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે !
ગાંધી ટોળીના બહારવટીયાઓ એ લૂંટફાટ કરનારી બહારવટિયાઓની ટોળીને આપેલો સંદેશ સોંસરો ઉતર્યો હોવો જોઈએ , કારણકે પછી એ ટોળી મહારાજના એ ગામ સરસવણીને પાદરે ક્યારેય ઢુંકી નહોતી !
માણસ ખરાબ શા માટે બને છે ? મહારાજનો એ પ્રશ્ન હતો . અને એવાં તરછોડાયેલ સમાજ સાથે ઐક્ય સાધવાનો સાહિત્યની શોધમાં ભટકતા મેઘાણીનો પણ એજ પ્રયાસ હતો!
પ્રિય વાચક મિત્રો ! માણસાઈના દીવા આપણી કલ્પના બહારના પ્રસંગોનું આલેખન છે એ માટેનો આ એક પ્રસન્ગ ટૂંકમાં જુઓ :
કેવા સડેલા, ગુલામ દેશમાં ગાંધીજીને પરિવર્તન લાવવાનું હતું તેનો આછો ખ્યાલ આવશે : સરકારે ગામના ઉચ્ચ વર્ગના પટેલો પાસેથી જમીન લઈને નીચલા વર્ગના પાટણવાડીયા લોકોને આપી હતી .. સ્વાભાવિક રીતે જ એક બીજા પ્રત્યે ટેનશન તો હતું જ (અને અંગ્રેજો એવું જ તો કરતાં હતાં!)
ધર્મજ સ્ટેશને કોઈને મુકવા ગયેલ મુખી નજીકની વાડીએ જાય છે અને ત્યાં પાટણવાડીયા વાઘલો અને બીજા બે સાગરીત વાડીમાં કાંઈ કામ કરતા હતા ને આ તુંડ મિજાજી મુખી કાંઈક ગાળો બોલે છે પણ પછી વાડીમાંથી થોડું શાક લઈને પીઠ ફેરવે છે ત્યાં વાઘલો અચાનક જ ભાલાથી મુખીને મારી નાખે છે ! ખેડે તેની જમીન માં આ પાટણવાડીયાઓને જમીન મળી હતી , અને કોંગ્રેસની લડતમાં આ મુખીઓએ મુખીપણું છોડ્યું હતું ! બન્ને પક્ષ આમ તો ગાંધીજીના પ્રભાવ હેઠળ કામ કરતા હતા . મરતાં પહેલા આ મુખીએ વાઘલાનું નામ આપેલું , પણ કોઈ માથાભારે પટેલે એ ત્રણ જણને બદલે સાત જણના નામ લખાવીને સાત જણને જેલ ભેગાં કરાવ્યા !!
એકને ફાંસીની સજા થઇ , બીજાઓને દસ વર્ષની જેલ . પણ જેને ફાંસીની સજા થઈ તે કોઈક નિર્દોષ હતો . રવિશંકર મહારાજને ખબર પડી કે અન્યાય થઇ રહ્યો છે . પણ પેલા આગેવાને ચેતવણી આપી ; “ રવિશંકર! સીધા રેજો , હું તમને કહી દઉં છું !
રવિશંકર મહારાજે ગાંધીજીને કહ્યું કે આ કેસમાં આ બધાં નિર્દોષ છે પણ બીજા ગુના તો કર્યા જ છે . વળી , પાટીદાર લોકોનો ખોફ સહેવો પડશે !
ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું ,” આ કિસ્સામાં જો એ નિર્દોષ હોય તો તેમને છોડાવવા આપણો ધર્મ છે .
કેસ લોકોમાં ચકચાર જમાવતો હતો ત્યાં મહાદેવભાઈ દેસાઈની નજર પડી કે ફાંસીની સજા પામેલ એ નિર્દોષ ને સરકાર પાસેથી ફ્રીમાં જમીન મળી છે .. એ જમીન જો એની પાસેથી રાજીખુશીથી પાછી મળેવવાની હતી .. ને પાછી પાટીદારોને આપવાની હતી .. અને એ કામ રવિશંકર મહારાજે કરવાનું હતું !!
જે માણસ નિર્દોષ હતો એને ફાંસી આપવાની હતી , અને જેમણે એ નિર્દોષને ખોટી રીતે સઁડોવ્યો હતો એ પાટીદારોને જમીન પાછી સોંપવાની હતી !
મહારાજ એ માણસની પાસે ગયા ; વાત કરી. કહ્યું; ગાંધીજીએ કહ્યું છે ..
ને એણે તરત જ આનાકાની વિના જમીન પાછી સોંપવાની હા કહી દીધી !ને કહ્યું ;’ ગાંધીજીને કહે જો કે અમને આશિષ આલે !
આ ગાંધીજીનો પ્રભાવ હતો! જો કે , પછી બધાયે આરોપીઓને છોડી મુકવામાં આવ્યાં…

આપણને આશ્ચર્ય થાય કે આપણા દેશમાં લોકો કેવી મામૂલી બાબતો માટે ઝગડતાં હતાં અને જે મહત્વનું હતું તેની તો કોઈને કાંઈ જ ચિંતા નહોતી ! અંદર અંદર ઝગડાં!ઉંચ નીચનાં ભેદભાવ ! માણસાઈના દીવા’ માં બારૈયા , ગરાશિયા , પાટણવાડીયા , રબારાં ઇત્યાદિ કોમોના જીવન સંઘર્ષની વાતો છે . એ બધા જન્મજાત ખરાબ નથી . ક્યાંક સંજોગો , ક્યાંક અજ્ઞાન, વેર બુદ્ધિ , અપમાન , ગરીબાઈ , વગેરે પરિબળો તેમને હીન કૃત્ય કરવા પ્રેરે છે . રવિશંકર મહારાજ તેમને દિલના પ્રેમથી , એક માં ની મમતાથી એ પાતકોને ઓળખે છે અને એમની લાચારીને સમજીને સાચો માર્ગ સમજાવે છે . અને મહદ અંશે એમાં સફળતા મળી છે !
આપણો આ ભદ્ર સમાજ , જે અમુક આખે આખી કોમને જ ચોર તરીકે વગોવે છે ! આપણા સમાજની સભ્યતા એક દંભ છે . ને એમાં રવિશંકર મહારાજને વિશ્વાશ નથી , એમને એ સમાજ છીછરો અને નિર્બળ લાગે છે.
ને પેલા ચોર , બંડખોર , નામચીન ડાકુ , બહારવટિયાઓને ગળે લગાડી , એમને પ્રેમથી સાચે માર્ગે ચઢાવે છે તેની અજોડ અદભુત સત્ય કથાઓ આ પુસ્તકમાં મેઘાણીએ સંચિત કરીને માનવ જાતનું એક અકલ્પ્ય અદભુત પાસું આપણને દર્શાવ્યું છે !
ઝવેરચંદ મેઘાણીએ ફુલછાબના એક તંત્રી લેખમાં ગુંડાઓ વિષે લખ્યું હતું : બહારવટિયાઓ અને ધાડપાડુઓથી વધુ ભયંકર તો આપણા ગામ વચ્ચે રહેતા એકાદ બે ગુંડાઓ છે . પ્રજાની છાતી પર દિવસ રાત ઉભા રહી ને ધોકો બતાવીને નાણાં પડાવે છે અને આબરૂના કાચના કુંપા એક જ ટકોરે તોડી શકે છે એવો દર આપણને સતત રહે છે ..પણ ગુંડાઓનો દર એ સાધુતા નથી , એ નમ્રતા નથી .. એ અધોગતિની નિશાની છે ! (ફુલછાબ 1940)
કેટલી સાચી વાત ! આજથી એંસી વર્ષ પૂર્વે એમણે કહી હતી ! ઘણું બધું આપણે ભૂલી ગયાં છીએ અને કૈક ભળતુંજ પકડી બેઠાં છીએ !!!
બસ !આજે હવે અહીં જ વિરમશું!

8 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ- -28) માણસાઈના દીવા!

  1. વાહ સરસ છણાવટ ને સુંદર વર્ણન બેન…

    મે પણ હમણાં જ બાળકોની વાર્તામાં તેમનો પરિચય કરાવી દીધો…

    *બાળવાર્તા**પરિચય* *નં: ૪૨*
    મૂઠી ઊંચેરો માનવી…

    કોણ? ખબર છે..?આપણા રવિશંકર મહારાજ તેઓ રવિશંકરદાદા પણ કહેતા.તેમનો જન્મ સવંત ૧૯૪૦
    માં મહાશિવરાત્રીએ તા ૨૫/૨/૧૮૮૪માં ખેા જિલ્લાના માત્ર તાલુકાના રઢુ ગામે થયો હતો.પિતાનું નામ શિગરામ પીતાંબર વ્યાસ ને માતાનું નામ નાથીબા હતું.
    તેમના બાળપણના પરાક્રમો મારે તમારા સુધી પહોંચાડવા છે..જેથી તમે પણ સાહસી બનો.તેઓ નાના હતા ત્યારથી નદી તો ચપટીમાં તરી જતા.એકવાર તેમના પિતાજીને એ બન્ને સામેપારથી ગામ તરફ આવતા હતા ત્યારે તેમના પિતાએ તેમને ધોતિયાથી બાંધ્યાને તરવા લાગ્યા પણ પાણીના પ્રવાહમાં ધોતિયું છૂટી ગયું ને રવિશંકર તો પિતાજીથી છૂટા પડી ને ઝડપભેર નદી તરી ગયા.પિતાજીને તો આશ્ચર્ય થયું કે તે એક તરવૈયાની જેમ તરી ગયા.
    બીજી વખત પણ એવું જ થયું કે ૧૯૦૫ની વાત કે તેઓ નદીના પટમાં ખીચડી પકવતા હતાને તેમણે સાંભળ્યું કે કોઈ ત્રણ જણ સંઘમાં આવ્યા હતા તે નદીમાં નહાવા પડ્યા હતા તે નદીના પ્રવાહમાં તણાયા છે તો રવિશંકર મહારાજ તો પડ્યા નદીમાં ને ત્રણેયને બચાવી લાવ્યા પણ ત્રીજાને બચાવતા બચાવતા તો તે એવા થાકી ગયા કે પોતે જ ડૂબવા લાગ્યા તો લોકોએ તેમને મોતના મુખમાંથી બચાવ્યા.
    ત્રીજી વાર બે આખલાઓ માં ઘમાસાણ યુધ્ધ
    થયું તેમણે જોયુંકે તેમાંથી એક છૂટો પડી દોડ્યો જાય છે ને વચ્ચે એક બાળક છે તો સામી છાતીએ દોડી તેમણે આખલા સાથે ભયંકર યુધ્ધ કર્યું ને બાળકને બચાવી લીધું.નીડરતા તો તેમના નસ નસ માં ભરેલી હતી.એમને ભય કે જોખમ જેવું કશામાં જ ન લાગતું.
    તરુણવયે આર્યસમાજના પ્રચારક બન્યા.૧૯૧૬માં ગાંધીજીના પરિચયમાં આવ્યા.ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્ર પર ભાષણ આપ્યું ને તેઓ ગાંધીજીના જાદુમાં સપડાયા.
    દિવસે દિવસે તેઓની સાહસિકતા વધતી ગઈ.૧૯૧૮માં મહેમદાવાદ તાલુકામાં બહારવટિયાનો ખૂબ ત્રાસ હતો.એક પગી તેનો લાભ ઉઠાવી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો ને ગામ વાળાને બે તીરકાંમઠાવાળા ઉભા રાખી ડરાવા લાગ્યો..તે વખતે રવિશંકર મહારાજે પગીની પોલ ખુલ્લી કરીને ડર્યા વગર ગામને જીવતા શીખવ્યું.
    બારૈયા કોમને ગંદકીમાંથી સ્વચ્છતા શીખવી.
    પાટણવાડિયા કોમને તો તેમણે ચોરમાંથી સુધારી પોતાના ઉપવાસથી સુધાર્યા.પોલીસચોકીમાં થી બધા ચોરોની હાજરી કઢાવી,દારૂ છોડાવ્યોને ખેતી કરતા કરી દીધા.તો ડાકોરના મંદિરમાં હરિજનને પ્રવેશ કરાવ્યો.વિનોબા ભાવે સાથે ભૂદાન યજ્ઞ નો આરંભ કર્યો. ઠેર ઠેર ખેડૂતોને જમીન અપાવી.
    આમ અવિરત યાત્રા કરી,ગાંધીજીના સાચા પંથી બન્યા..હજુ તો કેટ કેટલાય કામ તેમણે આદર્યાને પૂરા કર્યા..ક્યાંક તમને મળી જાય તેમની આત્મકથા તો જરૂર નીડર સાહસી બાળકના પરાક્રમો વાંચજો..તેઓની ઊંચાઈ નહોતી પણ કાર્યોથી તે*મૂઠી ઊંચેરા માનવી કહેવાયા*

    જયશ્રી પટેલ
    ૮/૭/૨૦૨૦

    Liked by 2 people

    • Thank you જયશ્રીબેન ! તમારો આખ્ખો લેખ મેં એક ફોલ્ડરમાં સેવ કરી દીધો ! સાચે જ નાના બાળકોને આવી વાતો કહી હોય તો કેવું ? પણ દરેક પેઢીને એની આગવી પહેચાન હોય છે ! આજનાં બાળકોને હેરી પોટરની વાર્તાઓ ગમે તે સ્વાભાવિક છે. મેઘાણીની કોલમમાં રવિશંકર મહારાજના પ્રસંગો આલેખતું પુસ્તક માણસાઈના દીવા પસંદ કર્યું તેનું કારણ પણ રવિશંકર મહારાજ અને ગાંધીજી પ્રત્યેનો પ્રેમ જ સમજો ને ! અને દરેક પ્રસંગ પણ એવો કે ક્યારેક આપણા મનમાં પણ ના ઉતરે ! ઘણા પ્રશ્નો અનુત્તર જ રહી જાય ! ડાકુઓ ઉપર વિશ્વાશ મૂકી એમને જેલમાંથી છોડાવવાનાં – કે જેમણે કોઈના ખૂન કર્યા હોય !! પણ એ માટે રવિશંકર કે ગાંધીજી જેવું હૈયું જોઈએ ! As I tell everyone ; “ I m writing for the blog ; and I’m learning a lot too! “

      Like

  2. સ્મૃતિમાં એટલું છે કે કુટુંબી જેવો ઘરોબો હતો..રાત્રે કરાત્રે તેઓ ઘર સમજી વિસામો કે ભોજન કરવા પધારતા કારણ દાદી ગાંધીવાદીને સામાજિક કાર્યકર હતા..ભરૂચ જિલ્લાના ગામડામાં મફત વૈદિક દવાનું વિતરણ કરતા તેથી રવિશંકરદાદા લેવા આવતા🙏

    Liked by 2 people

    • સ્મૃતિમાં એટલું છે કે કુટુંબી જેવો ઘરોબો હતો..રાત્રે કરાત્રે તેઓ ઘર સમજી વિસામો કે ભોજન કરવા પધારતા ….! Wah ! You are blessed ! And proud of your Dadima too .. Thanks Jayshreeben for sharing !

      Like

  3. ગીતાબેન, માણસાઈનાં દીવાની સરસ વાતો માણવાની મઝા પડી. રવિશંકરદાદા સાથે મારી પણ યાદોં જોડાએલી છે.મારા માતાપિતાનાં લગ્નમાં તેમની હાજરી હતી.દાદા કેટલીએ વાર મારાં ઘેર જમવા આવ્યા છે અને મેં તેમને મગ અને રોટલી પીરસ્યા છે.મારી ઉંમર ત્યારે છ કે સાત વર્ષની હતી.મારા કાકા ગાંધી સ્મારક નિધિનાં મંત્રી અને ગાંધી આશ્રમમાં રહેતા,હ્રદયકુંજની સામેની બાજુએ.કાકા કાકી દાંડીકૂચમાં પણ ગયેલા અને ભૂદાનમાં વિનોબાજીને ગામની બધી જમીન દાન અમારા કુંટુંબે કરી દીધેલ.ગાંધી વિચારસરણીને વરેલ મારા કુંટુંબની આવી અસંખ્ય યાદોથી ભરપૂર છે મારું બાળપણ

    Liked by 1 person

  4. ગીતાબેન,
    તમારી કલમે ‘ માણસાઈના દીવા ‘ વાંચવાની મજા આવી. સાથે જયશ્રીબેન અને જિગીષા બેનના સ્વાનુભવ પણ સુંદર છે. અને હા, મેઘાણીના પુસ્તકો યાદ રાખવા જે વાક્ય બનાવ્યું છે…વાહ!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.