હાં રે દોસ્ત હાલો અમારે દેશ- 27) મેઘાણીની વ્રત કથાઓ :


આપણે ત્યાં દેશમાં ચોમાસું બેસે એટલે વ્રત વરતોલાં શરું થઇ જાય !
તમને સૌને તમારાં બાળપણનાં એ દિવસો યાદ છે ? ઘરમાં બ્હેનીઓએ વ્રત રાખ્યાં હોય અને એટલા દિવસ જાણેકે બધાંયને મોળાંકત – એટલેકે લગભગ અલૂણું – મીઠા વિનાનું જ ખાવું પડે ? મને યાદ છે એ જયા પાર્વતીનાં, અને ગૌરી વ્રતો! વ્રતના થોડા દિવસો પહેલાં બા નાનકડાં માટીનાં કોળિયા જેવા કુંડામાં જવારા વાવે . .
અમારી કેટલીક બેનપણીઓ એનાં ગીતોએ ગાતી હતી .
“ મારાં જવના જવારા રે , જવ છે ડોલરિયો !
મારા કિયા તે ભાઈએ વાવ્યાં રે , જવ છે ડોલરિયો !
મારી ફલાણી ભાભીએ સીંચ્યાં રે જવ છે ડોલરિયો !
(ઝવેરચંદ મેઘાણીની વ્રતકથાઓ : કંકાવટી !)

પછી વ્રતના દિવસોમાં એનું પૂજન થાય . . અમારી બા કહે:
કંકુ , ચોખા, અબીલ ગુલાલ . ઘીનો દીવડો ,ધૂપ તમામ .
અગરબત્તી ને કપૂર સુગંધી , ને પછી પરસાદની કટકી !

એવરત જીવરતનું વ્રત હોય કે શીતળા સાતમનું , કે વીર પસલી કે રાંધણ છઠ , પણ પ્રત્યેક વ્રત સાથે ફળશ્રુતિએ ખરી જ !
મને નવાઈ તો એ વાતની લાગે કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન !’ કહેતાં આપણે દરેક કાર્યને અંતે કાંઈક ફળ માંગીએ છીએ કેમ ?
કુંવારિકાઓ ગાય: ગોર્યમાં ગોર્યમાં રે ! સસરો દેજો સ્વાદિયો !…. ને પછી સાસુ દેજો ભુખાળવી, નણદલ દેજો સાહેલડી અને પરણ્યો દેજો કહ્યાગરો ! એમ માંગણી થાય !

વ્રત કરવામાં વાર્તાનું એ ખાસ મહત્વ ! વાર્તા સાંભળવાં અમે બધાં ઉત્સુક હોઈએ !
વાર્તા સાંભળવાનો શોખ અને સ્વભાવ માનવ જગતમાં લગભગ સર્વત્ર છે . વરસો પછી , અને હજ્જારો મેલ દૂર , અમેરિકામાં પણ જયારે હું અમારાં બાલમંદિરમાં વાર્તા માંડું તો બધાં જ બાળકો ઘોઘાટ બંધ કરીને વાર્તા સાંભળવાં કાન માંડે ! Once upon a time there was a king .. હું હાથમાં રાજાના મોં વાળો કોઈ ઢીંગલો લઈને વાર્તા માંડું.
નાનપણમાં સાંભળેલી એ વ્રત કથાઓ , મને કોલેજ જીવનમાં સાહિત્યનો અભ્યાસ કરવાનો આવ્યો ત્યારે સમજાયું કે ઘણું ખરું એ વ્રત સાહિત્ય ઝવેરચંદ મેઘાણી રચિત વ્રત કથાઓ ; ‘ કંકાવટી’ માંથી જ લેવામાં આવેલું હતું !
મોટાભાગની વ્રત કથાઓમાં વાર્તા જ જાણે કે વ્રત બની જાય છે .
આ જુઓ કંકાવટી ભાગ -૧;
વ્રત કરીએ તો વાર્તા કહેવી !
નરણાં -ભૂખ્યાં વાત કહેવી !
પીપળાને પાન કહેવી ,
કુંવરીને કાંન કહેવી ,
તુલસીને ક્યારે કહેવી , ગામને ગોંદરે કહેવી , ઘીના દીવે કહેવી …વગેરે વગેરે .
મને લાગે છે કે આ વ્રત કથાઓમાં વાર્તાઓનું ખાસ મહત્વ છે , કારણકે આપનો દેશ આમ પણ અંધશ્રદ્ધા અને અજ્ઞાનથી ઘેરાયેલો હતો , તેમાં અંગ્રેજોની ગુલામી ! અને મુસ્લિમ સુબાઓના જુલ્મોથી દટાયેલો !! શ્રધ્ધાજ એક એવો તંતુ હતો જેના આધારે જીવન બળ ટકી રહ્યું હશે ! કઠિયારાએ વ્રત કર્યું એટલે આમ થયું ! સાધુ વાણિયાને તેમ થયું ! વગેરે વગેરે ..
ત્યારે આ બધી વ્રત કથાઓ દીવડામાં તેલ પૂર્વનું કામ કર્યું હશે .
તેમાં વળી જે વાર્તા ના સાંભળે એને જમનાં તેડાં ય આવે.! એવો ભય પણ ઉભો થયો હશે ! પણ સુધારાવાદી મેઘાણીએ શું કર્યું ??
….’ એક જણે વ્રત કર્યાં:એમાં વાર્તા કહેવા સાંભળવાની વિધિ અનિવાર્ય હતી !’
મેઘાણી વાત માંડે છે : સવારમાં નહિ ધોઈ , હાથમાં ચોખા લઇ બા તો ભાઈ પાસે ગયાં.
ભાઈ ભાઈ મારી વાર્તા સાંભળો !
બા , મારે તો ડેલીએ જાવું, બા , મારે તો દરબારે જાવું .. કોઈ વાર્તા સાંભળનાર ના મળ્યું એટલે બાને તો ઉપવાસ થયો !
બીજે દિ , ભાભી કે’ મારેય નવરાઇ નથી ..
ત્રીજે દિ પાડોશણ કે’ મારે ખેતર જાવું , શેઢે ને સીમાડે જાવું ,
બાને ત્રણ ત્રણ દિના ઉપવાસ થયા .
ભાઈએ બૂંગિયો ઢોલ વગડાવ્યો .
એક ડોશી વાર્તા સાંભળવા તૈયાર થઇ .
‘ હું પાંચ રૂપિયાનો દરમાયો દઈશ .. ‘ભાઈએ કહ્યું
વાર્તા આગળ વધે છે .. તમારી જેમ મનેય ઇંતેજારી થઇ હતી :
હવે શું થશે ?શું ડોશી બાની વાર્તા રોજ સાંભળશે ? ને નહીં સાંભળે તો બા ને ઉપવાસ થશે ? બા પાપમાં પડશે ?
પણ આજે જયારે આ લખું છું ત્યારે મને સમજાય છે કે મેઘાણી આ વ્રત કથાઓ પાછળ પણ કોઈ ઉપદેશ આપતા હશે કે શું ?
મેઘાણીની એજ તો કલમની કુશળતાછે !
લખ્યું :
બાએ તો વ્રતનું ઉજમણું કર્યું . બાને તેડવાં તો સરગમાંથી જમડા નહીં પણ વેમાન આવ્યાં !
બા કહે , હું તો સરગમાં આવું , પણ મારી ભેરી વાર્તા સાંભળનાર ડોશીએ આવે !!
મેઘાણીએ લોકોને આમ કેવી કેવી રીતે વાસ્તવાભિમુખ કર્યાં!
એમણે લોક સાહિત્ય શોધ્યું , પણ એમ ને એમ આપણને નથી પીરસ્યું . એમાં એક છબી નહીં , એક ચિત્રકારની કલમ છે . જ્યાં જરૂર પડી છે ત્યાં સુધારા વધારાંએ કર્યાં છે . જાણે કે , એમને સાહિત્યકારનો ખિતાબ નહીં , લોક જાગૃતિની ઝંખના હતી !
હા , એના લીધે એમને લોકસાહિત્યમાં પાઠાન્તરં કર્યાનું મહેણું પણ મરાયું છે , એનાં ઉપર પુસ્તકો ભરાય એટલું વિવેચન થયું છે ! પણ એની ચર્ચા અહીં અસ્થાને છે.
એમણે , આમ જોવા જઈએ તો સોળ જેટલાં પુસ્તકો લોક વાર્તાઓ ઉપર લખ્યાં છે .
સાહિત્ય વાર્તા અને લોકવાર્તા વચ્ચે પાયામાં ફેર છે .
‘ લોક ‘શબ્દમાં એક કરતાં વધુ વ્યક્તિઓ અભિપ્રેત છે . લોકસાહિત્ય ! લોક જાગૃતિ ! આપનો દેશ તો પરંપરાઓથી સભર છે . એમાં બદલાવ લાવવો હોય તો કેવી રીતે લાવી શકાય ?
સદીઓથી અજગરની જેમ ઊંઘતો દેશ !
એને કેવી રીતે જગાડવો ?
મેઘાણીની આ પણ એક મુંઝવણ હતી . ગાંધી યુગમાં જીવેલ આ જીવે લોકોને , લોકોની પાસે જઈને , એમની વચ્ચે રહીને , સાચા અર્થમાં રાષ્ટ્રીય કવિ તરીકેનો સેતુબંધ બાંધવાનો જે પ્રયાસ કર્યો હતો તે સતત જ્યાં ત્યાં ડોકાય છે !
વાચક મિત્રો ! જો તમે પરદેશમાં રહેતાં હશો તો આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાશે . અહીં અમેરિકામાં નિત નવું શોધવામાં આવે અને સમાજ તરત અપનાવી લે .
પણ દેશમાં , પરંપરાઓથી જડ થઇ ગયેલ વિચારને ઝટ બદલવો મુશ્કેલ છે .
બસ , મેઘાણીએ આજથી સો વર્ષ પૂર્વે , સૌ પ્રથમ વાર્તા સંગ્રહ બહાર પાડ્યો : કુર્બાનીની કથા ; તે તેમાં પણ આ જ વાત કહે છે .

આજે આપણે અમેરિકામાં પણ નાનાં છોકરાંઓને વ્રત કરતાં જોઈએ છીએ ; તે શું ભુખાળવી સાસુ કે સસરો મળે તે માટે ? વ્રત એટલે એક પ્રકારનો સંયમ . બાળકોમાં આપણી સંસ્કૃતિની આછી સમજ આવે , વનસ્પતિ માટે પૂજ્ય ભાવ ઉભો થાય અને સંયમનો પાઠ શીખે , પૂજન સાથે કુટુંબ ભાવ ઉભો થાય એટલે સાચા અર્થમાં આ નવી પેઢી પણ વ્રત કરે છે . અને ત્યારે મેઘાણીની આ વ્રત કથાઓ દિશા સૂચક બની જાય છે

પંડિત યુગનું ભારેખમ વિચાર વાણીથી લદાયેલું પાંડિત્ય ભરપૂર સાહિત્યને બદલે સરળ સહજ સાહિત્ય પીરસનાર પ્રથમ સાહિત્યકાર મેઘાણીની બીજી વાતો આવતે અંકે !

6 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ- 27) મેઘાણીની વ્રત કથાઓ :

 1. ખૂબ સરસ..ભારત આમ પણ। વ્રત તહેવારોનો દેશ છે..તેમાં આપનો લેખ વાંચ્યો તેથી આનંદ થયો..ઝવેરચંદ મેઘાણી ને સતસત પ્રણામ🙏

  Liked by 1 person

 2. Thank you , Jayshreeben !આમ પણ , હવે શ્રાવણ મહિનો શરૂ થયો છે ; અને ત્યારે મેઘાણીની વ્રત કથાઓનું વિહંગાવલોકન કરતાં મને થયું કે શું લખું ને શું નહીં ! શ્રાવણના સોમવારોનીએ પાછી જુદી જુદી વાર્તાઓ ! હા , ઝવેરચં મેઘાણીએ એમનાં યુગમાં , જે સમાજને ઢંઢોળવાનું કામ કર્યું હતું તેથી મને એમના વિષે લખવામાં વિશેષ આનંદ આવે છે ! કહો કે મને પણ અહીં કાંઈક સર્જનાત્મક કરવાની પ્રેરણા મળે છે ! આપના અભિપ્રાયો માટે આભાર !

  Like

 3. ગીતા બેન, મેઘાણી ના જીવન અને સાહિત્યનું તમારું વિહંગાવલોકન શરૂઆત થી વાંચ્યું. મઝા આવી. ઘણું જાણવા મળ્યું. લંડનમાં આવી તક ઓછી મળેછે..

  Liked by 1 person

  • Thank you Ilaben !તમારી વાત સાચી છે ; દેશ બહાર રહીને એટલે આવાં બધાં પુસ્તકો મેળવવા મુશ્કેલ હોય છે ! સદ્ નસીબે અહીં લોસ એન્જલસમાં રહેવા છતાં મારી પાસે પુસ્તકો નું સરસ કલેક્શન છે ; એટલે અને શોખ હોવાથી આવું શોધીને પિરસી શકાય છે ! આપના સુંદર અભિપ્રાય માટે આભાર !

   Liked by 1 person

  • Thanks Bhartiben ! મેઘાણી જેવી મહાન પ્રતિભાના સાહિત્ય વિષે લખવું એ પણ એક લ્હાવો છે ! તમારા પ્રતિભાવ બદલ આભાર !

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.