૨૭ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસની રચનાઓમાં એમનો પોતાનો સૂર, પોતાની આગવી કલ્પના, આગવી શૈલી ઝીલાયેલી હોય છે. એમની ઘણી રચનાઓ લોકગીતની કક્ષાએ મૂકી શકાય એવી મઝાની બની છે કારણકે એમાં લોકગીતની ઝલક ભારોભાર અનુભવાય છે. સુરેશ દલાલ કહેતા કે, “ગીતનું ગંગોત્રીસ્થાન લોકગીત છે. લોકગીતમાં કાવ્યસૌષ્ઠવ ઓછું હોય પણ એના ભાવ સાવ સ્વાભાવિક અને માર્મિક હોય છે.”

અવિનાશ વ્યાસના ગીતોમાં સુરેશ દલાલે કહ્યું એમ ગંગોત્રીસ્થાને બિરાજેલાં લોકગીતો જેવી અનુભૂતિ છલકાય છે.

લોકગીત એટલે છલોછલ છલકતાં ગ્રામ્યજીવનનું દર્શન. ગામની કલ્પના કરીએ અને આપણાં મનમાં જે દૃશ્ય દેખાય એમાં ઊગતા સૂરજની સાખે થતાં મંદિરના ઘંટારવ સંભળાય, રાશે જોડેલા બળદોને હંકારી જાતા ખેડૂઓ દેખાય, માથે ઈંઢોણી અને એની પર ગોઠવાયેલાં બેડા લઈને હલકભેર હાલી જતી ગામની દીકરી કે નાક સુધી લાજ ખેંચીને નીચી નજરે જતી વહુવારુઓ દેખાય. સાંજ પડે ગામની પાદરે ઘેઘૂર વડલાની છાંયા હેઠળ ભેગા થયેલા વડીલો દેખાય, સમી સાંજે ગોધૂલી એટલે કે ચરીને આવતી ગાયોના લીધે આછી આછી ઊડતી રજ નાક સુધી પહોંચતી અનુભવાય. આ વાત કરવાનો હેતુ એ જ કે હવે આપણે અવિનાશ વ્યાસ રચિત જે ગીતની વાત કરવાના છીએ એ ગીત પણ ક્યાંક અજાણતા લોકગીતની શ્રેણીમાં મુકાયેલું જોયું છે.

“છલકાતું આવે બેડલુ” યાદ આવે છે?

છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું                                     

વાત એમાં સાવ સાદી છે. ગામની એક નારીને, કદાચ ગામની દીકરી પણ હોઈ શકે જેને ગરબો કોરાવવો છે, એ ગરબાને મૂકવા માંડવડી તો જોઈશેને? એ માંડવડી ઘડવા સુથારી, એને મઢવા લુહારી, રંગવા રંગારોય જોઈશે. માંડવડી તૈયાર થઈ ગઈ. હવે જેના માટે આ બધી તૈયારી કરી છે એવો ગરબો તો સૌથી મહત્વનો. વળી  કોરેલા ગરબા માંહી મૂકવા કોડિયું જોઈશે તો એના માટે કુંભાર,  પ્રગટાવવાની દિવેટો માટે પિંજારી, એમાં દિવેલ પૂરવા ઘાંચી અને અંતે એને શણગારવા મોતીઆરો આવશે અને પછી જ એ હિલોળે ચઢશે અને એમ કંઈ એકલાં એકલાં રંગત ના જામે એટલે એ ગામની બેની, દીકરિયું, વહુવારુ અને ભાભીનો પણ સાથ જોડશે.

અહીં અવિનાશ વ્યાસની આ રચનામાં મને ગામમાં એક નાનકડા ઉત્સવને લઈને જે ઉત્સાહ ઊમટે છે એનો પડઘો સંભળાય છે. અહીં સાહેલીનું બેડું જ નથી છલકાતું, એમાં છલકાય છે એ નારીનો ઉમંગ, એની ઊર્મિઓ. કેવાં હેતે, કેવા ભાવે એ દીકરી સૌને પોતાના રાજીપામાં જોડાવાનું ઈજન આપે છે? ગામ આખું જાણે એક થઈને હિલોળે ચઢશે.

એક તરફ છે આવા ઉમંગની છોળો તો બીજીય એક બાજુ છે જે આપણું ભીતર ભીંજવી દે એવી વ્યથાઓ કારણકે કદાચ ગામની દીકરી જેટલી દરેક વહુઓ નસીબની ઊજળી નથી હોતી. ગામની સાહેલી સાથે તો એના ઉમંગો, તરંગો સાથે તાલ મિલાવે એવા સૌ છે પણ આવા ગામમાં ક્યાંક કોઈ એવી માવતરને છોડીને આવેલી વહુવારુ ય છે જેનો સાસરામાં સ્નેહથી સમાવેશ નથી. ઉમળકાભેર આવકાર નથી. ત્યાં એનાં હ્ર્દયની વાત સાંભળનાર, એની વ્યથા સમજનાર કોઈ નથી ત્યારે એના માટે વાતનો વિસામો જ કૂવો છે.

ક્યારેક પેલા વડીલ જેવા ઘેઘૂર વડલાના સ્થાને જેનું તળ ઊંડું છે એવો કૂવોય આ વહુઓની વ્યથાને અને ક્યારેક એ વહુને પોતનામાં સમાવીનેય નિતાંત સ્થિર બની જાય છે.

કૂવાના કાંઠડે હું એકલી

કૂવો જાણે વહુવારુની વાત રે…વહુનો

ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ

હજુય આગળ નોંધારી સ્ત્રીની વેદના ઠાલવતા ગીતકાર લખે છે કે:

ઉરમાં અરમાન પૂર્યા આંસુની સાંકળે,

ઉર બોલ્યું ને મારું દુઃખ કૂવો સાંભળે..

ભર્યા રે સાસરીએ મારી નોંધારી જાત,

સાસુ સતાવે ને ધણી ના બોલે તો

વહુ જઈને કૂવાની કાયા ઢંઢોળે…….

થોડામાં ઘણું કહી જતાં આ ગીતના શબ્દે શબ્દે વ્યથા ટપકે છે.  ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડની શ્રેણીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ યાદ છે ને?

અહીં પણ પિતૃ-પતિ-પુરુષપ્રધાન સંસ્કારો વચ્ચે પીસાતી સ્ત્રીઓની વાત છે. દરરોજ સવારે દૂરનાં સ્થળે પાણી લેવા જાય ત્યારે એમને આ બંધિયાર હવામાંથી થોડો સમય છૂટકારો મળે છે. ત્યાં તેઓને જાણે ખુલ્લી હવામાં શ્વસવાનો, મુક્તપણે કંઈક કહેવાનો, એમની લાગણીઓને વહેવાનો, થોડીક ક્ષણો જીવી લેવાનો સમય મળે જે એને અવસર જેવો લાગે જ્યારે અહીં આ ગીતમાં વહુઓને કૂવો એમની વ્યથા ઠાલવવા મા કે બાપના ખોળા જેવો લાગે છે.

અવિનાશ વ્યાસની આ રચના અંગે એક જરા અજાણી રહી ગયેલી વાત હું રજૂ કરવાની હતી. યોગાનુયોગે ૧૧મી જુલાઈએ યોજાયેલા વ્યક્તિ અને અભિવ્યક્તિ એટલેકે અવિનાશ વ્યાસ અને એમની સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓની અભિવ્યક્તિનાં આ કાર્યક્રમમાં આ ગીત ખાસ જેના માટે લખાયું હતું એવી એક કલ્ચરલર અકાદમીની ડિરેક્ટર ( કેતા ઠક્કર) હાજર હતાં અને એમણે એ સ્ટેજ પર પરફોર્મ કર્યું એ સમયની વાત કરી હતી. આ પ્રસંગે હાજર શ્રોતા મિત્રો તો જાણે જ છે પણ આ લેખમાળાના વાચક માટે એનો ઉલ્લેખ કરવો છે.

આ પરફોર્મન્સમાં એક નવિનતાની દૃષ્ટિ  ઉમેરાઈ હતી. એમાં ન તો તાળીનો અવાજ હતો કે ન તો ચપટીનો અવાજ. જાણે તાળી – ચપટીને મ્યુટ પર મૂકી દીધી હતી.  કલાકારોએ આ વ્યથાનાં પ્રતીકરૂપે કાળાં કપડાં પસંદ કર્યા હતાં. સૌ કોઈએ એ સમયની વહુવારુઓની સામાજિક સ્થિતિ દર્શાવતો માથેથી ગળા સુધી ઘૂમટો તાણ્યો હતો. સ્ટેજ પર આછા પ્રકાશ પર આછા લાલ અને ભૂરા રંગના ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગીતના અંતે કલાકારોએ જ વર્તુળમાં ગોઠવાઈને જાણે કૂવો, એના થાળાનો અને એમાં એક કલાકાર પડતું મૂકશે એવો આભાસ સર્જી ગરબાનો અંત આણ્યો હતો.

અવિનાશ વ્યાસે શબ્દોમાં રજૂ કરેલી નારીના મનની વેદના, વ્યથાને આવી હ્રદયસ્પર્શી રીતે, હ્રદયને ઝંઝોડી મૂકે એવી રીતે કૉરિયૉગ્રાફ થયેલી જોઈને આખુય સભાગૃહ સ્તબ્ધ અને સ્થિર બની ગયું હતું.

આજે પણ આ ગરબો સાંભળું એટલીવાર એ પરફોર્મન્સ નજર સમક્ષ દેખાય છે.

આવી તો અવિનાશ વ્યાસની કેટલીય સાવ અનોખી રચનાઓ અને અનોખી વાતો છે જેના વિશે આપણે વાત કરવા મળતાં રહીશું.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

2 thoughts on “૨૭ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

 1. તરસ..,
  હવે તો આ બળબળતો,
  માથે તપે પેલો હૂરજ…
  મારી બઈ ભલભલા ના,
  મગશ જ ગરમ કરી મેલે..
  તંઈ આ કૂવાની કેડીએ,
  પુંગતા જ પગે છાલા પડે,
  હેલ માથે સડાવીને ઘરે,
  જઈ પણિયારે માટલું મૂકે,
  ત્યાં તો હજાર લખણ વાળ
  ધણી ને પોર્યા કેવા …
  જળ પીવા મંડે ને હે સખી,
  પરસન થાય મારા મગશમા
  આપણને કુણ જળ પાહે?
  દસ વરસની જયુ આ વાર્તાલાપ સાંભળી ને ત્યારે તો કશુંય સમજી નહોતી. હા ત્યારે નાનું અમથું માટલું જરૂર માથે રાખી મામીઓ ને બેનો સાથે રાજી થતી ચાલી આવતી ને ત્યારેઆ “તરસ”ની સમજ નહોતી..
  સ્ત્રી નું સ્વમાન માન કે મર્યાદા એટલે ગરમ ગરમ ભાખરી ને રોટલા ઉતારતા મામી કે દૂધ દોહી દૂધ દેતી નાની ..એ જ ખબર હતી.પણ આજે કૂવે પાણી ભરતી પાણિયારી કે દૂધ દહોતી સ્ત્રી તો જોવા મળતી નથી પણ તેમના જ સ્વમાન વિષે વિચારૂ તોઆ જગતની દરેક સ્ત્રીની અંદર એક ઘાયલ વાઘણના દર્શન થાય છે જે આજે પણ દફતરો માં કામ કરતી હોય, ઘરની કામવાળી હોય કે,ઘરની ગૃહિણી હોય કે દુનિયા ના કોઈ પણ કાર્ય માં રત હોય..શું આજે પણ આ પ્રશ્નમાં અટકેલી નથી…”આપણને કુણ જળ પાહે..?
  આજે પણ પ્રૌઢા અવસ્થાએ પણ “તરસ” તો ત્યા જ ઉભી છે ને??
  તમારા આજના ગરબાને અનુસરીને મારા મનની વ્યથા
  ત્રણ વર્ષ પહેલામે લખી હતી…

  તમારા લખાણે મને ફરી જાગૃત કરી દીધી.સરસ અભિવ્યક્તિ ને આસ્વાદ માંણવા મળે છે.👌🌹🙏✍️

  Liked by 1 person

  • જયશ્રીબેન,
   કેટલીક વેદનાઓ અને સંવેદનાઓનો અનુભવ તો સનાતન કાળથી સ્ત્રીને થતો આવ્યો છે. સમય અને સંજોગો, કદાચ થોડી ઘણી સામાજિક વ્યવસ્થા બદલાઈ હશે પણ
   “આપણને કુણ જળ પાહે” વાળો તમારો પ્રશ્ન તો આજે પણ અને આવતી કાલે પણ અનુત્તર જ રહેશે……

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.