૨૪ – કબીરા

કબીરબીજક- ચાચર

કબીરબીજક વાંચતા કબીર એક અદનો અને કોઈની પણ સાથે જેની સરખામણી ન કરી શકાય તેવો કાવ્ય તત્ત્વથી છલોછલ ભરેલો કવિ જ દેખાય છે.પોતાનાં ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યના અનુભવને તેમણે કોઈ સિધ્ધિ કે પ્રસિદ્ધિ માટે નથી ગાયા પણ પોતાની સાથે આખા સમાજને બલ્કે આખી દુનિયાનાં દરેકે દરેક માનવને તે પરમની સાચી ઓળખ કરાવી, તે તરફ ગતિ કરાવવા મથે છે. તેમને મન કવિતાતો તેમની આડપેદાશ છે.આ ભાવ સાથે તેમની કરેલ કબીરબીજકની એકેએક પ્રકરણની રચનામાં દરેકમાં તેમણે પોતાની આગવી કવિ તરીકેની પ્રતિભાનાં દર્શન કરાવતાં લોકોને સત્ય તરફ જવાનો સાચો માર્ગ પણ ચીંધ્યો છે.

કબીરબીજકનાં ચાચર પ્રકરણનાં ૧ અને ૨ ભાગનાં કુલ ૪૦ પદોમાં વર્ણાનુપ્રાસ કરી છેલ્લે ‘મન બૌરા હો’ તેમ ગાયું છે.
ખેલિત માયા મોહિની મન બૌરા હોજિન જેર કિયા સંસાર સમજુ મન બૌરા હો….(ચાચર -૧-૧)
રચ્યો રંગ તિનિ ચૂનરી મન બૌરા હોસુન્દરિ પહેરે આય સમુજુ મન બૌરા હો…(ચાચર-૧- ૨)

ચાચરનાં બંને પ્રકરણમાં કબીરે માયા કેવી રીતે માનવ મન પર કબ્જો કરીને બેઠી છે અને સંતો અને જ્ઞાનીઓ પણ તેની ચુંગાલમાં ફસાયા વગર રહી શક્યા નથી તે જુદા જુદા અનેક ઉદાહરણ થકી સમજાવ્યું છે.કબીર સમજાવે છે કે આ વિશ્વમોહિની માયા તો તેનાં ખેલ ખેલવા માટે અને સમગ્ર સંસારને પોતાનાં વશમાં કરવા માટે આ ખેલ ખેલી રહી છે. આ સૌને વશ કરનાર માયાએ વિષય અને વાસનાનાં રંગોથી રચેલી એવી સુંદર સાડી પહેરી લીધી છે કે આવી સાડી ભાગ્યેજ કોઈ સુંદરી પહેરી શકે.

નારદજી જેવા સંતજ્ઞાની મુનિનો દાખલો આપતા કબીર કહે છે. મોહિની સ્વરૂપમાં મોહાંધ બનેલા મુનિનું મોંઢું વાંદરા જેવું માયા થકી જ બન્યું હતું. માયાએ તો ઠગવા માટે શિવ,બ્રહ્મા જેવા દેવો અને યોગી ગોરખ,સનક,સનંદન જેવા ઋષિઓને પણ છોડ્યા નથી.

કબીર તો કહે છેઃ
જ્ઞાન ઢાલ આગે દરિયો મન બૌરા હોટારે ટ્રંક ન પાંવ સમજુ મન બૌરા હો…..

આવું ગાતા કબીર કહે છે.ચાચરની આ રમતમાં સાચા જ્ઞાની પુરુષો જ્ઞાનરૂપી ઢાલ પોતાના બચાવમાં ધરી દેતા હોવાથી તે પોતાના લક્ષ્યમાંથી સહેજ પણ વિચલિત થતાં નથી તે હકીકત બરાબર માણસે સમજી લેવી જોઈએ.આ માયાથી તે જ બચી શકે ,જે તેના મોહપાશમાં બંધાતો નથી.

ચાચરનાં બીજા પ્રકરણનાં પદોમાં કબીરે સામાન્ય માણસને સમજાઈ જાય તેવા હાથી,વાંદરો અને પોપટનાં દાખલા આપી માયાની જાળમાં આ પ્રાણીઓની જેમ આપણે પણ કેવી રીતે ફસાઈ જઈએ છીએ તે સમજાવવા કોશિશ કરી છે.
કામ અંધ ગજ બલિ પરે,મન બૌરા હો અકુંસ સહિયર સીસ ,સમજુ મન બૌરા હો…

હાથીને જંગલમાંથી પકડવા માટે એક ખાડો ખોદીને તેને લીલા ઘાસથી ઢાંકી દેવામાં આવે છે.અને ખાડાની એક બાજુ હાથણીનું સુંદર ચિત્ર બનાવી મુકવામાં આવે છે. તે આબેહૂબ ચિત્રને જોઈ ને હાથી કામાંધ બની જાય છે. હાથી તેને આલિંગવા જાય છે અને ખાડામાં પડી જાય છે. પરાધીન બનેલો હાથી ઊંડા ખાડામાંથી નીકળી શકતો નથી. અને માણસ તેના માથા પર અંકુશ મારી તેને પાળે છે તે દુ:ખ પછી તેને સહન કરવું પડે છે.માનવ પણ શરીરનું રૂપ જોઈ ને આસક્ત બની ગૃહસ્થાશ્રમના ખાડામાં પડી પાર વિનાની પીડા ભોગવે છે. પરમાત્મા ચિત્રકાર છે અને સંસાર તેનું ચિત્ર છે. તે ચિત્ર હકીકતે મિથ્યા છે.તેમાં આસક્તિ કરનાર ભ્રમમાં પડે છે.આમ સંસારનાં ખાડામાં પડી માનવ જીવનભર દુ:ખમાં ભટક્યા કરે છે.

વાંદરાનું ઉદાહરણ આપી કબીર કહે છે સ્વાદ લોલુપ વાંદરો સાંકડાં મોંનાં ઘડામાં પડેલા બોર લેવા જાય છે અને તેનો હાથ ફસાઈ જાય છે. માણસ તેને પકડી લે છે અને એનો માલિક ઘેર ઘેર ફેરવી તેને નચાવે છે.શરીરનાં મોહમાં આસક્ત થનાર માનવ પણ જીવનનો ઉદેશ ભૂલી શરીરનાં સાજ શણગારમાં પડી જાય છે. શરીરમાં અંદર રહેલા આત્માનું જતન કરવાને બદલે તે શરીરનું જતન કરે છે. કબીર તો સમજાવે છે કે આત્મદેવનાં મંદિર જેવું શરીર ક્યારે કડડભૂસ કરતું પડી જશે તે કોણ કહી શકે? તે તો સિમેન્ટ નહીં કાચી માટીનાં ચણતરથી ચણાયેલું છે. શરીર તો સ્મશાનમાં બળીને ભસ્મ થઈ જવાનું છે તો માનવ તું સમજીને તેનો મોહ કરવાનું છોડી દે.

જૌ સુવના લલની ગહ્યો, મનબૌરા હોઐસો ભ્રમ બિચારુ સમજુ મન બૌરા હો….(ચાચર-૨ -૯)

ઉપરોક્ત ચાચરનાં પદમાં પોપટનું ઉદાહરણ આપી કબીર આપણને સમજાવે છે કે વાંસની પોલી નળી પર બેઠેલો પોપટ નળી ફરી જવાનાં ડરથી જોરથી એના પગથી નળીને પકડી રાખે છે.પોપટ માને છે કે તેને નળીએ પકડી લીધો છે.વાસ્તવમાં નળીએ પોપટને પકડ્યો જ નથી.પોપટે નળીને પકડી રાખી છે અને તેમાં નીચે પડેલ લાલ મરચું પણ તેને દેખાય છે તે ખાવાની લાલચ પણ તે છોડી શકતો નથી.અને છેવટે તેને પાંજરાંમાં પુરાવાનો વારો આવે છે.માણસનું પણ આવું જ છે. વિષયોની લાલચમાં જીવ પણ આવી જ રીતે ભ્રમથી માની લે છે કે મને કોઈ છોડતું નથી હકીકતમાં તેણે જ સંસારને પકડી રાખ્યો છે.અને માણસ માયાની જાળમાં ફસાએલો જ મૃત્યુ પર્યંત રહે છે.

પોપટ પારાયણ કરનાર વિદ્વાનોને અનુલક્ષીને પણ કબીર કહે છે કે વિદ્વાનો શાસ્ત્રો કંઠસ્થ કરીને પારાયણ કર્યા કરે પણ પોતાની અંદર રહેલી અશુદ્ધિને દૂર ન કરે તો પારાયણનો કોઈ લાભ નથી.માત્ર પારાયણ કરવાથી પંડિત પણ જન્મ મરણનાં ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી.
ચાચરનાં છેલ્લાં ચાર પદમાં કબીરે ખૂબ સુંદર સૌએ જીવનમાં અપનાવવા જેવી વાત કરી છે.કબીર કહે છે જે ઘરમાં કોઈ રહેતું ન હોય ત્યાં કોઈ કદી મહેમાન બનીને જાય તો તેની ભૂખ કે તરસ છીપતી નથી કે નથી મળતું તેને મહેમાનગતિનું સુખ.તેવી રીતે જીવે માનવ રત્ન ચિંતામણિ ગણાતો દેહ મેળવ્યો છે પણ આત્મકલ્યાણ માટે કોઈ પ્રવૃત્તિ જ ન કરી હોય તો તે મુક્તિનું સુખ કેવી રીતે પામી શકે? ભલે તેણે ખૂબ સમૃદ્ધિ ભેગી કરી હોય.મહેલાતોનો માલિક હોય અને લોકોમાં ગમે તેટલી પ્રતિષ્ઠા મેળવી હોય પણ આત્મ કલ્યાણની પ્રવૃત્તિ ન કરી હોય અને પોતાની મલિનતા દૂર કરવા કોશિશ ન કરી હોય તો તેનો જીવનનો ફેરો સાવ નકામો જ છે.
આમ કબીરે ચાચરમાં સુંદર ઉદાહરણો દ્વારા જીવન જીવવાની સાચીરીત સરળતાથી શીખવીને વેદ અને ઉપનિષદનાં સાર સમજાવી દીધા છે.
જિગીષા પટેલ

2 thoughts on “૨૪ – કબીરા

  1. આ સંસારમાં ઈશ્વરનું મનુષ્ય એક માત્ર એવું વિશિષ્ટ સર્જન છે જેને વિચારશક્તિ, બુદ્ધિપ્રતિભાની આગવી ભેટ મળી છે. જો માનવી સાચા અર્થમાં આ સંસારની માયા સમજી શકે અને પોતાનું મન વશમાં રાખી શકે તો એ એમાં એની સમજની સાર્થકતા છે બાકી તો કબીરે કહ્યું એમ એ મોહ,માયા, મદ કે લોભને વશ થયો તો એ પશુ સમ પામર છે.

    Like

  2. આ બધું જ્ઞાન હોવા છતાં માયામાં અટવાયેલો માનવ કાવાદાવા કર્યાં કરે છે.જ્ઞનોદય થવો પામર માનવ માટે સરળ છે. કર્મોદય ના થાય ત્યાં સુધી તે ક્યારેક પશુતા પર પણ ઉતરે છે.વિચારવા જેવા પદ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.