૨૨-કબીરા

કબીરબીજક -વસંત-૨

કબીર જ્ઞાનમાર્ગી સંત હતા. જ્ઞાનમાર્ગી માટે ઉપદેશક બની જવું સહજ છે. કબીરમાં પણ ઉપદેશનું તત્વ છે પણ એ ઉપદેશ આપીને
અટક્યા નથી. એમનાં દોહામાં ઉપદેશથી વિશેષ જે દેખાય છે તે તેમની દરેક કૃતિમાં જોવા મળતાં પ્રતીક, પ્રતિરૂપ અને રૂપક છે. તેમના આ
કાવ્યતત્વને કવિની ઊંચી કોટીએ લઈ જાય છે. કબીરબીજકનાં વસંતમાં પણ કબીરે જીવન જીવવાની રાહ અનેક અવનવા પ્રતીકથી
સમજાવી છે.

કબીરબીજક વસંતનાં ત્રીજાં પદમાં કબીર કહે છે:

મૈ આયો મેહતર મિલન તોહિ,અબ ઋતુ વસંત પહિરાઉ મોહિ….

.
હે સદગુરુ દેવ, હું તમને મળવા આવ્યો છું. હવે મને નિત્ય વસંતનો પોષક પહેરાવો. મેહતર એ ફારસી ભાષાનો શબ્દ છે. મેહ એટલે વડો, મોટો. મેહતર એટલે સૌનેા વડો. કબીર કાશીમાં રહેતા અને તે વખતે બનારસ ઉત્તરપ્રદેશની રાજધાની હતું. અનેક જાતિના લોકો બનારસમાં રહેતા હતા. તેમની સાથેના સંપર્ક અને ભારતના જુદા જુદા પ્રાંતોના ભ્રમણને લીધે તેમની વાણીમાં જુદી જુદી બોલીની છાંટ દેખાય છે.

આગળના પદમાં કબીર કહે છે:

લંબી પુરિયા પાઈ છીન, સૂત પુરાના ખૂંટા તીન,
સર લાગે તેહિ તિનસો સાઠ, કસનિ બહત્તરિ લાગૂ ગાંઠ.

કબીર તો તેના સાહેબને કહે છે કે લાંબા સમયથી આ શરીરરૂપી વસ્ત્ર ધારણ કરવાનો મારો ક્રમ ચાલ્યા કરે છે. આ શ્વાસરૂપી સૂતર તો અતિ
પુરાણું છે. વારંવાર હવે જન્મમરણનાં ચક્રમાં ફસાવું નથી. થોડો સમય આનંદ આપે તેવી વસંત નહીં પણ કબીરને તો નિત્ય આનંદ આપે તેવી વસંતનું સુખ પ્રાપ્ત કરવું છે.

કબીરને અને તેની વાણીને જ અનુસરીએ તો તેમાંથી બધાં જ શાસ્ત્રોનો સાર આપણને સમજાઈ જાય. તે આગળના દોહામાં કહે છે. પ્રાણરૂપી
સૂતર ત્રણ ખૂંટા સાથે બાંધેલ છે. ત્રણ ખૂંટા એટલે સત્ય, રજસ અને તમસ અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની ત્રણ અવસ્થા કે પછી કામ,
ક્રોધ ને લોભ પણ હોઈ શકે. પરતું કબીરે અહીં યોગની પરિભાષા પ્રયોજી છે એટલે ઇંગલા, પિંગલા અને સુષુમ્ણા નાડીને ત્રણ ખૂંટા ગણી
શ્વાસને તેની સાથે બાંધી દીધો છે. તેમ સમજી શકાય. શરીરમાં ત્રણસો સાઈઠ હાડકાંની ગણતરી કરવામાં આવી છે તેમજ શરીરના બાંધાને
સારી રીતે બાંધવા માટે બોતેર ગ્રંથિઓ છે જેના નામ આ પ્રમાણે જણાવાયા છે; ૧૬ કંડરા, ૧૬ જાલ, ૪ રજ્જુ, ૭ સવની, ૧૪ અસ્થિસંઘાત, ૧૪
સીમંત/અને ૧ ત્વચા મળી કુલ બોત્તેર ગાંઠ.
સાંખ્યશાસ્ત્રની દૃષ્ટિએ પ્રકૃતિનાં પચ્ચીસ તત્વો અભિપ્રેત છે. પાંચ કર્મેન્દ્રિયો, પાંચજ્ઞાનેન્દ્રિયો, પાંચ મહાભૂતો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બુધ્ધિ, અહંકાર, મૂળ , પ્રકૃતિ અને પુરુષ. આ શરીર રૂપી મહેલના દસ દ્વાર છે; બે આંખ, બે કાન, બે નસકોરાં, મુખ, ગુદા, જનનાંગ અને નાભિ.

આમ, આ શરીરરૂપી વસ્ત્ર ત્રણસો સાહીંઠ હાડકાં, બોત્તેર ગ્રંથી અને પચ્ચીસ તત્વવાળી પ્રકૃતિનું બનેલ છે. શરીરનાં દસ દરવાજાને દસ સખીઓ ગણાવી છે. આ સખીઓ અને પચ્ચીસ પ્રકૃતિનાં તત્વો જીવને અનેક પ્રકારે ભટકાવે છે. પોતાનાં સાચા સ્વરૂપથી હમેશાં દૂર રાખે છે તેથી જીવ હમેશાં દુ:ખ અને અશાંતિનો અનુભવ કરે છે. દરેક ઈન્દ્રિયો પોતપોતાનો ભોગ મેળવવા જીવને ફરજ પાડે છે તેથી જીવ એકેને સંતોષી શકતો નથી અને અતૃપ્ત અવસ્થામાં તે પોતાનું કલ્યાણ કરી શકતો નથી.

વસંતના ચારથી આઠ પદમાં કબીરે માયાને નારી સ્વરૂપે વર્ણવી છે. સમસ્ત જગતને માયા કાયમ ઠગ્યા જ કરે છે તેથી માયા મોટી ઠગારી
કહેવાય અને તે તો ભલભલા પંડિતોને, વિદ્વાનોને અને દેવોને પણ મોહિત કરી દે તેવી છે. તેના મેાહપાશમાંથી છૂટવા પ્રયત્ન કરો તો પણ કોઈ
છૂટી શકતું નથી. કબીર નારીના વિરોધી નહોતા પણ નારીને માયાનાં પ્રતીક તરીકે વર્ણવી છે. માયા રૂપી સર્પિણી ગોળાકારે બેસતી હોય છે. તેણે મૂકેલાં ઈંડાનું તે પોતાનાં કુંડાળામાં સેવન કરે છે. જેમ સર્પિણીનાં ઈંડામાંથી બચ્ચાંઓ બહાર
આવે ત્યારે તે બચ્ચાઓને ખાઈ જતી હોય છે અને જે બચ્ચું કુંડળામાંથી બહાર નીકળી શકે તે બચી જાય છે. તેવી રીતે માયારૂપી સર્પિણીનાં કુંડાળામાંથી સિફતપૂર્વક બહાર નીકળવા બહુ જ સાવધાનીની જરુર પડે છે.

વસંત -છમાં કબીરે માયાને અવિદ્યાની માતા તરીકે નિરૂપી છે. અવિદ્યા પોતાના પતિ જીવને પાલવને છેડે બાંધી રાખે છે. ભ્રમરૂપી પાલવને
છેડે બંધાએલ જીવ સકામ કર્મો કરતો જ રહે છે. તેને લીધે જીવને અનેક યોનિમાંથી પસાર થઈ યાતનાઓ સહન કર્યા જ કરવી પડે છે. વસંત-૭ના પાંચમા દોહામાં કબીર કહે છે:

અબકી બાર જો હોય ચુકાવ, કહંહિ કબીર તાકી પૂરી દાવ…..(વસંત૭-પ)

જો સમયસર સર્વ વાસનાઓ અંતરમાંથી ખતમ કરી દેવામાં આવે તો જીવનની બાજીનો દાવ પૂરો થઈ જાય. માનવદેહ મળ્યો હોવાથી જીવ
સાવધાન થઈ જાય તો જન્મ-મરણનાં ચક્રમાંથી અવશ્ય તેને મુક્તિ મળી જાય. માયા પોતે જ આવરણ છે ચેતન તત્વનું. ચૈતન્ય તેનાથી
ઢંકાયેલું રહે છે. માયા દરેકનાં મનમાં પાર્થિવ પદાર્થો માટે મોહ પેદા કરે છે. પછી મોહમાં જીવને આંધળો બનાવી દે છે. જીવનો સર્વ પ્રકારે
વિનાશ કરી નાંખે છે. જે જીવ માયાને ઓળખી લે છે તે જીવમાં માયા જાણે ગાયબ થઈ જાય છે. સાંખ્યશાસ્ત્રમાં આ અંગે માર્ગદર્શન આપતાં
માયાથી અળગા થવાનો સરસ રસ્તો બતાવ્યો છે કે-

દૃષ્ટા મયેત્યુપેક્ષક એકેા દૃષ્ટાહમિત્યુપરમત્યન્યા ।
સતિ સંયોગઽપિ તયો:પ્રયોજનમ્ નાસ્તિ સર્ગસ્ય ॥

માયાને ઓળખી લીધા પછી ચેતન પુરુષ માયાથી અલિપ્ત બની જાય છે અને પુરુષને જાણી લીધા પછી માયા પણ જાણે નિવૃત થઈ જાય છે. તેવી દશામાં મૃત્યુ સુધી માયા પુરુષ સાથે રહેવા છતાં પુરુષનું કંઈ બગાડી શકતી નથી. તેવો જીવ ખરેખર બચી જાય છે. માયાને ઓળખી જનારનાં ‘દાસન કે દાસ’ એટલે દાસનો પણ દાસ, સેવક બનવામાં પણ કબીરને આનંદ આવે છે અને ગાઈ ઊઠે છેઃ

કહંહિ કબીર જો અબકી, બુઝૈ, સોઈ ગુરુ હમ ચેલા.

— જિગીષા પટેલ

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 23 મેઘાણી પિતા-માતાના રોલમાં

‘ઈન્દુમતી રે મારી ઈન્દુમતી! રુમઝૂમતી બેની મારી ઈન્દુમતી!’

પોતાનાં સંતાનો માટે ગીત પંક્તિઓ લખવી ને ગાવી ઘણાં માબાપ માટે સાવ સહજ હોય છે. પછી રાષ્ટ્રીય કવિનું વ્હાલસોયું બિરુદ મળ્યું હોય તેવા કુટુંબપ્રેમી મેઘાણી જ કેમ ન હોય?

વેણીના ફૂલ કાવ્ય સંગ્રહમાં છે તે :નીંદર ભરી રે ગુલાલે ભરી
બેની બાની આંખડી નીંદર ભરી રે….
નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં
અંકાશી હિંચકાની હોડી કરી.
બેની બાની આંખડી નીંદર ભરી રે….
પોતાની પુત્રી ઈન્દુમતીને હિંચોળતાં એમણે આવાં હલરડાની રચના કરી હતી. એમનાં અનેક બાળ કાવ્યોમાં એ પિતૃપ્રેમ છુપાયેલ છે.

સામાન્ય રીતે સાહિત્યકારની ઓળખ માટે જે તે સાહિત્યકારની સાહિત્યિક રચનાઓનું અવલોકન ને મૂલ્યાંકન થતું હોય છે. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય કવિ તરીકે સમજવા માત્ર એમનાં સર્જનનું મૂલ્યાંકન પૂરતું નથી. એમને સમગ્ર વ્યક્તિ તરીકે ઓળખવું મહત્વનું છે. તેઓ કવિ કે સાહિત્યકાર પહેલાં એક સહૃદય વ્યક્તિ હતા અને તેથીયે વિશેષ તેઓ એક ગૃહસ્થી પિતા હતા.

પિતા શિશુ બન્યો. શિશુ, બની રહ્યાં તમે તાત શા!

આપણે એમનાં છસ્સો જેટલાં પત્રોની વાત કરીએ છીએ. પુત્ર અને પુત્રવધૂને – થનાર પુત્રવધૂને – પણ સાચી સલાહ આપનાર મેઘાણીએ પોતાની પુત્રી ઈન્દુમતીનેય એ જ સાચી શિખામણ આપેલી. ભણતર મહત્વનું છે પણ ગૃહકાર્ય પણ ઓછું મહત્વનું નથી. સંતાનો સ્વાવલંબી બને તે માટે કપડાં ધોતાં, વાસણ માંજતાં, ચૂલો ફૂંકતા, વાસીદું વાળતાં એમ સર્વ કાર્ય કરતાં શીખવાડવા સાથે પત્રો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપતા.
ગાંધીજીને એમની આ પારદર્શકતા પસંદ પડી હશે જેમાં કોઈ જાતનો દંભ નથી, ક્યાંય ડોળ નથી, દેખાડો નથી.

તેમનાં મોટાં પુત્રી ઈન્દુમતીબેન ‘શબ્દોનો સોદાગર શતાબ્દી ગ્રન્થમાં ‘મારા પિતા’ લેખમાં લખે છે તેમ પિતા-પુત્રી વચ્ચે ઊંડાણમાં દરેક વાતની ચર્ચા સંભવતી હશે તેમ લાગે છે.

…અને એ વાત આજે આપ સૌ સુજ્ઞ વાચકો સામે શા માટે રજૂ કરું છું? કારણ કે, એમનાં પત્રો માત્ર ભૂતકાળને મમળાવવા માટે નથી પણ ભવિષ્યની વાટે ભાથું બાંધવા માટે છે. પત્રો દ્વારા તત્કાલીન સમાજ સાથે વ્યક્તિનાં વ્યક્તિત્વનો સાચો પરિચય થાય છે. એવાં જ પાત્રો પાછાં આપણે એમની નવલિકાઓનાં પાત્રોમાં ડોકાતાં જોઈશું.

કુટુંબ માટેનો એમનો પ્રેમ કોઈ નિકટનાં સ્વજન પાસે વ્યક્ત કરતાં એમણે લખ્યું હતું, ‘નાનાં બાળકો સિવાય કોઈમાં મારું દિલ ઠરતું નથી. બાકી તો હું ઊખડી ગયેલ મૂળિયાંવાળું ઝાડવું બન્યો છું’

પોતે જેની હૃદયશૂળ વેઠી છે એનું ક્યાંયે પુનરાવર્તન ન થાય એ માટે રૂબરૂ-પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કે પાત્રો દ્વારા સંતાનોને સાચી સલાહ આપે છે.

ઈન્દુમતીબહેન પોતાના એ મહાન પિતાને યાદ કરીને જણાવે છે કે, ‘મને મારી મા યાદ નથી પણ મારા બાપુ પાસેથી માનું વ્હાલ પણ પામી. મારા અનેક અંગત પ્રશ્નોમાં તે રસ લેતા અને મદદરૂપ થતા.’

એમણે લખેલ એક પત્ર આપણને આજે પણ વિચારમાં મૂકી દે છે કે કેવી નિખાલસ રીતે યૌવનને ઉંબરે ઊભેલી દીકરી પિતાને પોતાની શારીરિક સમસ્યા જણાવે છે.

‘વ્હાલા પૂજ્ય બાપુજીની સેવામાં – એમ પત્રની શરૂઆત કરી અને અંતે, ‘એક વાત લખવી ભુલાઈ ગઈ. મારે જે મેન્સીસને સમયે મુશ્કેલી રહેતી હતી તે હજુ ચાલુ જ છે. ખૂબ વેદના થાય છે. આગળથી જ ચાર-પાંચ દિવસ દુખાવો રહે છે. શું કરવું? દેશી દવા કરી હોય તો?’
કેવી નિખાલસતાથી પિતા-પુત્રી પત્રો દ્વારા એ સંવાદ રચે છે! જાતીય જ્ઞાન બાબત આપણા સમાજમાં એક પ્રકારનો છોછ આજે પણ પ્રવર્તે છે ત્યારે આજથી લગભગ સો વર્ષ પૂર્વે પણ મેઘાણીના વિચારો કેવા નિખાલસ હતા!

સંતાનો સાથે કમ્યુનિકેશનની લિંક ચાલું રહે તે માટે પત્રો દ્વારા જળવાઈ રહેલ આ વિચારસેતુ કેટલો મહત્વનો છે તે અન્ય પિતા-પુત્રીઓના સંદર્ભમાં વિચારતાં ખ્યાલ આવશે.

ફાધર્સ ડે પણ નજીકમાં જ છે તો સરદાર વલ્લભભાઈ અને તેમના પુત્રી મણીબેનને, જવાહરલાલ નહેરુ અને પુત્રી ઇન્દિરા ગાંધીને અને તે સૌ દીકરીઓનાં જીવનને યાદ કરી લઈએ. પિતાનું સ્થાન સંતાનોના ઉછેરમાં ખાસ મહત્વનું છે. એટલું કહીને ખાસ વિષયાંતર કર્યા વિના મેઘાણી જેવા મહાન વ્યક્તિત્વને અહીં અંજલિ અર્પીશું.

એમની નિર્ભીક પર્સનાલિટી, સ્પષ્ટવક્તાપણું વગેરે વિષે આપણે જયારે એમના પત્રકારત્વ વિષે વાત કરીશું ત્યારે ઊંડાણથી વિચારીશું. પણ હવે અહીંથી ઊડીશું એમના નવલિકા પ્રદેશમાં… આવતે અંકે….

૨૩ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ એવા ગીતકાર હતા જેમણે સર્વ વિદિત વિષયો પર ગીત રચના તો કરી છે અને સાથે કેટલાક એવા ગીતોની રચના પણ કરી છે જેમાં પત્થર-કોંક્રીટના બનેલા અડાબીડ જંગલ જેવા શહેરોની સૂરીલી શાબ્દિક ઓળખ થાય.

કહેવાય છે કે અવિનાશ વ્યાસ એક માત્ર એવા ગીતકાર-સંગીતકાર હતા જેમણે ગુજરાતના મોટા ભાગનાં શહેરો વિશે ગીતો રચ્યાં અને એ બધાં ગીતો અત્યંત લોકપ્રિય નિવડ્યા હતાં. સાવ સરળ અને લોકભોગ્ય બોલીમાં આ ગીતોનું લોકમાનસમાં વર્ષો સુધી અનેરું સ્થાન રહ્યું છે.

અવિનાશ વ્યાસનો જન્મ ખાડીયા રાયપુરમાં આવેલી ગોટીની પોળમાં થયો અને બાળપણ પણ એ ગોટીની પોળમાં વિત્યું એટલે સ્વાભાવિક છે કે અમદાવાદ પ્રત્યે એમને સવિશેષ પ્રેમ અને સન્માન હોય.

આ અમદાવાદનું મહત્વ એટલે છે કે અમદાવાદના સાબરમતીના તટ પરથી શરૂ થયેલી દાંડીકુચ ભારતને આઝાદી અપવાનું નિમિત્ત બની હતી. આ વાતને વણી લેતી એમની એક રચના છે જેને આપણે પણ ગર્વથી ગાવી જોઈએ…

અમે અમદાવાદી… અમે અમદાવાદી…

જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાનો ઈતિહાસ ભવ્ય હતો. આ એવા અમદાવાદની વાત છે જ્યાંના સસલાઓએ ડર્યા વગર શિકારી કુતરાઓનો સામનો કર્યો અને અહમદશા બાદશાહે આ શહેર વસાવ્યું. આમ તો આપણે પણ જાણીએ છીએ અમદાવાદ ભારતનું માંચેસ્ટર તરીકે ઓળખાતું એટલે એ મિલો અને કારખાનાઓથી ધમધમતા સમયની કલ્પના કરવી સાવ સહેલી છે. જરાક દૂરના ભૂતકાળ તરફ નજર કરીએ તો લાગે કે એ વાતને લઈને અવિનાશ વ્યાસે દાયકા પહેલાનાં અમદાવાદની અસલી ઓળખ આ ગીતમાં આપી છે.

અવિનાશ વ્યાસ કહે છે કે અહીં મિલનું ભુંગળું પહેલાં બોલતું અને પછી કૂકડો બાંગ પોકારતો.  અહીં રોટલીનો ટુકડો રળવા સાઇકલ લઈને મિલ મજદૂર ભાગતા અને એ મિલ મજદૂરની મજદૂરીથી શહેરની આબાદી વધી.

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

જો કે આજના અમદાવાદને જોઈએ તો સવાલ થાય કે સાચે અમદાવાદ આવું હતું ખરું? એ મારું અમદાવાદ તો જાણે ક્યાંય ખોવાઈ ગયું.

અમદાવાદીઓની ફિતરત કેવી છે એ તો જગ જાહેર છે. અવિનાશ વ્યાસે અમદાવાદીઓના વલણની સાવ સાચૂકલી છબી દોરી છે. કહે છે કે અમદાવાદીઓ સમાજવાદી, કોંગ્રેસવાદી, શાહીવાદીને ટપી જાય એવા મૂડીવાદી છે પણ સાથે આપણે સૌ એ જાણીએ છીએ કે આ મૂડીવાદી અમદાવાદ જે ગુજરાતની આ એક સમયની રાજધાની હતી એ આઝાદીની ચળવળનું મધ્યબિંદુય હતું

અમદાવાદીઓ પાછા ખાવાનાય શોખીન. એમના એ શોખનો પણ અવિનાશ વ્યાસે ઉલ્લેખ કરતાં કહે છે કે આ ફાફડા જલેબીનાની જ્યાફતના શોખીનો ભલે લાગે સાવ સુકલકડી પણ હા, મિજાજના મક્કમ. ધારે તો ભલભલાની ગાદીને ઉથલાવવામાં એ પાછા ના પડે. અંગ્રેજોની ગાદી ઉથલાવવામાં મૂઠ્ઠીભર હાડકાના, સાવ સુકલકડી એવા બાપુ જ નિમિત્ત બન્યા હતા ને? 

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,

આ અમદાવાદીઓને પારખવા અઘરા એવું અમદાવાદનું, એ પણ સાવ અટપટું. અમદાવાદની પોળમાં જેમનું બાળપણ વિત્યું હોય એવા અવિનાશ વ્યાસે અમદાવાદની પોળની વાત કેવી મઝાની કરી છે?

અમદાવાદની અટપટી પોળોની વાત અવિનાશ વ્યાસે સાવ હળવાશથી આલેખી છે. કહે છે કે મુંબઈની મહિલા જેવા આ પોળોથી અજાણ છે એવા લોકો અહીં ચોક્કસ ભૂલા પડે. જવા નીકળે જમાલપુર અને માણેકચોક પહોંચે અને માણેકચોકમાંથી નિકળીને પાછા માણેકચોકમાં જ પહોંચે. આ હળવાશે લખેલી વાત જરા જુદી રીતે સાચી છે. અત્યારે આ વાત લખતાં વર્ષો પહેલાં સાંભળેલી વાત યાદ આવે છે કે જ્યારે અંગ્રેજોને હટાવવાની ચળવળ ચાલતી હતી ત્યારે છમકલા કરીને નાસી જવા એ ક્રાંતિકારી યુવાનો માટે પોળો આશીર્વાદ સમાન હતી. ક્યાંથી છટકીને ક્યાંય પહોંચી જતા અને અંગ્રેજ પલટન હાથ ઘસતી રહી જતી.

પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…

જો કે અવિનાશ વ્યાસે આવી એકાદી નહીં અમદાવાદ પર અન્ય રચનાઓ પણ કરી છે. ગુજરાત આવે ત્યાં ગરબા આવે. અવિનાશ વ્યાસે આ અમદાવાદને સરસ રીતે સનેડામાં ઢાળ્યો છે . સનેડો આવે તો સૌ તાનમાં આવી જાય ને?

હે કાંકરિયાની પાળે ને આથમતા અજવાળે, ને આંખડીયુંના ચાળે

મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી રે, હો જી રે મારો હેલો સાંભળો જી રે..

આ સનેડામાં પોળની નહીં પણ પોળમાં રહેતી નારીની વાત જરા જુદી રીતે મુકી છે. કહે છે કે રાયપુરની રાણી ને સારંગપુરની શાણી, શાહીબાગની શેઠાણી નીકળે ત્યારે સૌ એમને ટીકી ટીકીને જોઇ રહે એવો તો એમનો ઠસ્સો હતો.

બની ઠનીને જ્યારે તમે પોળમાં નીકળતાં

ટીકી ટીકી જોનારાનાં હૈયા રે ઉછળતાં…

રાયપુરની રાણી ને સારંગપુરની શાણી, શાહીબાગની શેઠાણી

મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી…..

અવિનાશ વ્યાસના ગીત, ગરબાની જેમ સનેડા માણવા જેવા ખરા.

હવે આગળ આપણે કરવાના છીએ અવિનાશ વ્યાસ રચિત અમદાવાદની અને અમદાવાદની તાસીરની જે અલગ અલગ રૂપે એમના શબ્દોમાં વણાઈ છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

-“वाचिकं सर्व वाङ्ग्मयम ”-7-વાગ્મી કચ્છી

મિત્રો હું નાની હતી ત્યારે વાર્તા સંભાળવી બહુ ગમતી..હું આંખ બંધ કરી સંભાળતી ત્યારે દ્રશ્યો આંખ સામે તરવરે ….હરણપગી વાર્તા અને ભાષા બન્ને હૃદય સુધી પહોંચી જાય. બસ એજ હેતુથી આ વિડીયો બનાવીએ છીએ ,જયશ્રીબેનની કલમ અને વાગ્મની પ્રસ્તુતિ બન્ને એમની રીતે શ્રેઠ. સાંભળો મજા આવશે.જો તમને આ વાર્તા સંભાળવી ગમી હોય તો તમારા બીજા મિત્રોને વાર્તા સંભાળવા જરૂર મોકલશો.

 

 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 21


ગત અંકોમાં આપણે ઐતિહાસિક નવલકથાકાર મુનશીને માણ્યા. તેમની આત્મકથા દ્વારા તેમના જીવન અને લેખનના અનુભવો જાણ્યા ને માણ્યા. મુનશી ભલે એક ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ હોય પણ તેમણે વિવિધ સાહિત્યપ્રકાર પર કામ કર્યું હતું.  આજે મુનશીજીની કલમના કસબ સાથે પ્રસ્તુત છે  પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ .

મહાભારત અને પુરાણો દ્વારા પ્રેરિત થઈ મુનશીએ પૌરાણિક વિષય પર નાટક લખ્યા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ગુજરાતી વાચકોને નાટકો ખાસ પસંદ નથી પડ્યાં. આથી આ મહાનાટકનો  ઉત્તરાર્ધ તેઓએ નવલકથા રૂપે જ લખ્યો. તેના બે ભાગ કર્યા: ‘લોમહર્ષીર્ણી’ અને ‘ભગવાન પરશુરામ’.

ભગવાન પરશુરામના જીવન પર આધારિત આ નવલકથાનું કથાવસ્તુ મુનશીએ પુરાણોમાંથી લીધું છે. આ કથા દર્શાવે છે કે ઋગ્વૈદિક કાળ અને બ્રાહ્મણોમાં દર્શાવેલા કાળ વચ્ચે ફેર કેમ પડ્યો. આ પુરાણકથા એ મુનશી જેવા સમર્થ અર્વાચીન નવલકથાકારે રચેલી કૃતિ છે. મહાભારત, રામાયણ અને ભાગવતના કર્તાઓએ પણ કાલ્પનિક સામગ્રીઓ ઉમેરી છે, જે સૈકાઓ બાદ પુનિત બની રહી છે. આ નવલકથામાં પણ મુનશીએ કેટલીક કાલ્પનિક સામગ્રી ઉમેરી છે. આ કથા દ્વારા મુનશી વાચકને ઋગ્વેદની મદદથી વૈદિક અને પુરાણકાળનાં  દર્શન કરાવે છે. મુનશી પાસે અદ્ભુત સર્જનશક્તિ છે તો માનવજીવનના તેમના આદર્શો પણ કથામાં ઝળકે છે. પરશુરામ સમાન પ્રચંડ વ્યક્તિત્વના વિશિષ્ટ પ્રસંગોના મુનશીના સ્વપ્નાં અતિ સુંદર રીતે આલેખાયા છે. તેથીજ અતિ પ્રાચીન કથાવસ્તુ ધરાવતી નવલકથા આજની પેઢીને પણ વાંચનમાં જકડી રાખવા સક્ષમ છે.

મુનશી તેમની લાક્ષણિક શૈલીમાં કથાની શરૂઆત કરે છે. દ્વારાવતીના દરિયાકિનારે સ્તબ્ધ ઊભેલી મેદની ક્ષિતિજ પરથી હાલકડોલક થતાં  બાર – પંદર  વહાણો અને તેમાં આવતાં રાજા સહત્રાર્જુન અને ભાર્ગવ મહર્ષિ જમદગ્નિના પુત્ર અને મહાઅથર્વણ ઋચિકના પૌત્ર રામને સત્કારવા  રાહ જોતી હતી. જાણે વરુણદેવ સાગર પર શાસન કરતા હોય એમ પંદરેક વર્ષનો ગૌરવર્ણ, પ્રચંડ દીસતો છોકરો ડોલતા વહાણમાં પણ સ્થિર ઊભો હતો. તેના લાંબા વાળ એના ખભા પર વિસ્તરી રહ્યા હતા. નમતા પહોરના સૂર્યકિરણો એનાં શ્વેત અંગોને દેદીપ્યમાન બનાવતાં હતાં. એના મુખ પર ઉગ્રતા હતી. એકાગ્ર દૃષ્ટિએ જાણે તોફાને ચઢેલા સાગરજળને એ વશ રાખતો હોય એવો ભાસ સૌને થયો. એને જોઈ મેદનીના હૃદયમાં ડર અને આનંદની લાગણી થઇ. કારણ કે પાપાચારના યુગનો અંત થઈ શાપમુક્ત થયા હોય એમ તેમને લાગતું હતું. આશ્ચર્ય એ વાતનું હતું કે પંદર વહાણો દરિયાના કોપમાં ડોલતાં હોય તેમાંથી એક જ વહાણ નિર્ભય બને! તોફાન છતાં દેવ જેવો છોકરો તૂતક પરથી મોજાંઓને આજ્ઞા કરે! અને તે ભાર્ગવ રામ હોય! ન સમજાય એવો ધાક આ પ્રેક્ષકવૃંદમાં પ્રસર્યો. બધાંનાં ચિત્તને હરનાર બાળક, તૂતક પર પર્વત સમો નિશ્ચલ ઊભો હતો.  આમ મુનશી વાચક સમક્ષ શબ્દચિત્ર વડે સાક્ષાત પરશુરામને ખડા કરી દે છે.

આર્યજીવનનો પ્રાત: કાળ હતો. આર્યોની મુખ્ય જાતિઓ પંજાબ, ગંગા અને યમુનાના તીરે, મથુરા અને છેક નર્મદાના તીરે વસી હતી. એ જ ખરું આર્યાવર્ત હતું. તે જ આર્યોની પવિત્ર ભૂમિ હતી. ત્યાં આર્ય સંસ્કાર ને ધર્મના સ્થાપક મહર્ષિઓ – વશિષ્ઠ ને વિશ્વામિત્ર, જમદગ્નિ ને અંગિરા, ગૌતમ ને કણ્વના આશ્રમોમાંથી નીકળતી  દિવ્ય ઋચાઓનો ધ્વનિ આર્યોના ઉત્કૃષ્ટ આત્માને શબ્દોમાં વ્યક્ત કરી રહ્યો હતો. આ ભૂમિમાં જે રાજાએ સત્તા ભોગવી તે ચક્રવર્તી; જેણે તપ આચર્યું તે ઋષિ; જેણે ઋચા ઉચ્ચારી તે મંત્રદૃષ્ટા; જે પ્રથાઓ પડી તે આચરણનું ધોરણ અને જે સંસ્કારો પ્રગટ્યા તે ધર્મ – કર્મના ફળ. વારાણસીનાં તટથી લઈને નર્મદાના તટ સુધી પ્રસરી રહેલી બીજી આર્ય જાતિઓ વિગ્રહો કરતી, રાજ્યો સ્થાપી આગળ વધતી; છતાં  પ્રેરણા અને શાંતિ માટે આર્યાવર્ત તરફ ફરતી.

નવલકથાના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડમાં  જે પાત્રો છે, જેવું સમાજજીવન છે, તેમના આંતર કલહ, તેમના પ્રશ્નો – એક યા બીજા સ્વરૂપે આજે પણ વિદ્યમાન છે એવું લાગ્યા વગર રહેતું નથી. રાજા સહત્રાર્જુન વિકરાળ અને ખંધો છે જે આજનો મદાંધ સત્તાધીશ લાગે છે. સેનાપતિ ભદ્રશ્રેણ્ય મુત્સદ્દી અને ડહાપણભરેલો હતો પણ રાજાએ તેને પદભ્રષ્ટ કર્યો હતો. આજે પણ કેટલીક વાર કાબેલ અધિકારીને રાજકારણીઓ બદલી કરીને બીજે મોકલી દે છે. તેનો નાનો પુત્ર મધુ તોફાની, ક્રોધી  હતો જે બધાને મારતો, ડરાવતો અને સ્વચ્છંદતાથી બીજા છોકરાઓને બગાડતો. એની મા રેવતી એને ફટવતી હતી. આજે પણ પુત્રપ્રેમમાં આંધળી મા કુમાર્ગે જતાં પુત્રનો પક્ષ  ક્યાં નથી લેતી? પાખંડકલામાં પ્રવીણ , આડંબર ને ખટપટથી વહેમી અને અજ્ઞાની યાદવોને વશમાં રાખતો કુક્ષિવંત ગુરુ હતો. તપ તેને સ્પર્શતું ન હતું. સારું ખાવું, પીવું ને મોજ કરવી એ તેને ગમતું. આજે પણ અભણ અને અજ્ઞાની લોકોને ભોળવીને તાગડધિન્ના કરતાં કહેવાતા ધર્મગુરુઓ નીકળી જ આવે છે ને?  પાણીની તંગી હતી અને સ્ત્રીઓ પાણી માટે મારામારી પણ કરતી. તો નિર્દોષને રંજાડતા મધુને રોકી શિક્ષા કરનાર પરશુરામ પણ હતા. ને રાજા દિવોદાસની  રૂપવાન પુત્રી લોમહર્ષીર્ણી પણ હતી.  ત્યારના એક એક પાત્ર ને જોઈએ તો આજના સમયમાં પણ કંઇક એવા જ પાત્રો નજરે પડે છે. ત્યારે સ્વાભાવિક જ મનમાં પ્રશ્ન થાય કે જો પ્રશ્નો સરખા હોય તો ઉકેલ પણ સરખા  હોઇ શકે?

  પૌરાણિક પાત્રો એ માત્ર ઇતિહાસ નથી પણ જે તે સમયની જીવંત ક્ષણોનું રસદર્શન છે. એ ક્ષણોને આપણી દ્રષ્ટિએ નિહાળીએ , એ સમયચિત્રોના રંગ વડે આપણી સૃષ્ટિને રસસભર બનાવીએ એ પણ છે કસબ .નવલકથાના દ્વિતીય અને તૃતીય ખંડની વાત કરીશું આવતા અંકે….

રીટા જાની

૨૨ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

મીરાંબાઈનો દર્શનાનંદ

દર્શનાનંદ એટલે દર્શન દ્વારા પ્રાપ્ત થતો આનંદ. દર્શનાનંદ માત્ર બે શબ્દોની સંધિ નથી પણ  એક અલૌકિક અનુભૂતિ છે જે મીરાંબાઈ જેવો ઉચ્ચ આત્મા જ કરી શકે. આ દર્શન વિષે થોડું લખવું છે.

હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે, જયારે તમે પરમાત્માનાં કોઈપણ સ્વરૂપ કે સદગુરુ કે કોઈ પવિત્ર વસ્તુ કે સ્થળની સન્મુખ થાઓ ત્યારે તમે એનાં દર્શન કર્યા કહેવાય. પરંતુ, મારા મતે દર્શન એટલે માત્ર એકપક્ષીય દૃષ્ટિ વડે થતી પ્રક્રિયા નથી. એને તો માત્ર જોવું અથવા નિહાળવું કહેવાય. દર્શન એટલે દ્વિપક્ષીય દૃષ્ટિ વડે પરમાત્મા સાથે સંધાતું અનુસંધાન જેનાં પ્રતિબિંબો માત્ર આંખની કિકીમાં જ નહિ પણ હૃદય અને આત્મામાં પણ ઝીલાય. દર્શન તો જે તે સમયે અને જે તે સ્થળે કરી શકાય, બંધ તેમજ ખુલ્લી આંખે પણ કરી શકાય. એવું જરૂરી નથી કે દર્શન કરવા માટે કોઈ ધાર્મિક સ્થળે જવું જ પડે. દર્શન તો તમે જ્યાં બેઠા હો ત્યાંથી પણ થઈ શકે; જો એ અનોખું અંતરનું અનુસંધાન સધાય તો.

આનંદ એ તો જીવ માત્રનું પરમ લક્ષ્ય છે. આનંદ અને સુખ બંને સમાનાર્થી લગતા શબ્દો છે પણ તેના ગૂઢાર્થમાં ઘણું અંતર છે. સુખનો ક્યારેક તો અંત આવે છે એટલે કે, સુખ આવે અને જાય. સુખ જાય પછી દુઃખ આવે અને એમ ને એમ ચક્ર ચાલ્યા કરે. જયારે આનંદ એ તો અનંત છે, શાશ્વત છે ને તેની અનુભૂતિ તો કોઈ વીરલ આત્માને જ થાય છે.

મીરાંબાઈને તો દર્શન અને આનંદ બંને આત્મસાત થયેલ હતાં. મીરાંબાઈના પરમપ્રિય ઇષ્ટ ગિરિધર ગોપાલનું દર્શન તેમનાં જીવનનું પરમ લક્ષ્ય હતું. જે રીતે આપણે સતત મધ્યાન્હના સૂર્ય સમક્ષ સતત જોયા કરીએ ત્યારપછી અંધારામાં પણ આપણી નજરની સમક્ષ એ સૂર્યના તેજની ચમક છવાયેલી રહે તેવી જ રીતે મીરાંબાઈ પણ સદૈવ પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને પોતાનાં નેત્રની આગળ નિહાળતાં, પ્રેમ અને આનંદથી વિહ્વળ બની જતાં અને પછી શ્યામસુંદરની મધુર છબીનું વર્ણન કરતાં સુંદર શૃંગાર, નેત્ર, તીરછી નજર જેવા વિલક્ષણ ગુણોના ગુણગાનના ભાવ તેમનાં દ્વારા રચાયેલાં પદોમાં વહી નીકળતા. આ સર્વ દર્શનાનંદના પદોમાં ક્યાંક મીરાંબાઈની રુપાસક્તિ છલકાય છે તો ક્યાંક તેમનો તેમના પ્રિયતમ સાથેનો ભાવાવેશનો પ્રેમાલાપ વહી નીકળે છે. તો ક્યાંક મીરાંબાઈ દર્શનમાં તલ્લીન થઈને વિનય અને સ્તુતિ પદો સ્વરૂપે રજૂ કરે છે.


જેમકે, નીચેનાં પદમાં મીરાંબાઈ પોતે શ્યામસુંદરનું દર્શન કરે છે અને અપલક નેત્રે માધવને નિહાળતાં નિહાળતાં આપણને સ્વરૂપ દર્શન કરાવે છે.

मेरे नैना निपट बंकट छबि अटके
देखत रूप मदनमोहन को,पियत पियूख न मटके.
बारिज भाव ालक टेढ़ी मनो,अति सुगंध रस अटके
टेढ़ी कटि टेढ़ी कर मुरली, टेढ़ी पाग लर लटके
मीराँ प्रभु के रूप लुभानी, गिरिधर नगर नाटके

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ ગિરિધર ગોપાલના શૃંગારનું અક્ષરસઃ વર્ણન કરે છે અને પોતે કેવી રીતે ગિરિધર ગોપાલની એકેક છટા પર મોહિત થઈ ગયા છે તેનું વર્ણન કરે છે.

हो राज, तारे ललवट तिलक बिराजे
हो काने कुण्डल छाजे हो
ो राज तारे मुख पर मोरली बिराजे
मधुर सुर बाजे हो
हो राज,तारे पीला पीताम्बर शोहिये
तने हरखी नारखी मोदिये हो
हो राज, तारे चरने ते नेपुर बाजे हो,
तू नटवर थईने नाचे हो
हो राज, तारी शोभा ते कही नव जाय
हु रूपल देखि लोभनी हो
हो राज, म्हारे मंदिरे पधारो
कहे मीराँ बलिहारी हो

મીરાબાઈ તો ગિરિધર ગોપાલનું દર્શન એક પ્રિયતમા તરીકે કરતાં. આ પદમાં તેમના પ્રિયતમના ગુણગાન ગાતાં કહે છે કે, ‘મારા મહારાજ તો વૈકુંઠ છોડીને પવન વેગે મારી પાસે આવે છે. મારી દૃષ્ટિ તેમના પર પડતાં જ હું પ્રેમ-ભક્તિરસ પીને ધન્ય થઈ જાઉં છું.

आये आये जी महाराज आये
तज वैकुण्ठ तज्यो गरुड़ासन, पवन वेग उठ धाये
जब ही दृष्टि परे नंदनंदन, प्रेम भक्ति रस प्याये
मीराँ के प्रभु गिरिधर नागर, चरण कमल चित लाये

આવાં તો બીજાં ઘણાં પદો મીરાંબાઈએ રચ્યાં છે જેમાં તેમનો દર્શનાનંદ વહી રહ્યો છે. એનો રસાસ્વાદ આપણે આગળના મણકાઓમાં કરીશું. મીરાંબાઈએ આત્મસાત કર્યું હતું કે સર્વ સમર્થ ભગવાન જ એક માત્ર આનંદ સ્વરૂપ છે. પરમાનંદ તો માત્ર ભગવદ્ વિચાર, ભગવદ્ સત્સંગ, ભગવદ્ સ્મરણ અને ભગવદ્ સમર્પણથી જ પ્રાપ્ત થાય છે. જયારે આપણી ચિત્તવૃત્તિ બહારની બધી મોહમાયા છોડી આપણી અંદર રહેલ સ્વ તરફ ડગલાં માંડે ત્યારે જ સાશ્વત આનંદની અનુભૂતિ થાય છે. પોતાના સગુણ ઇષ્ટસ્વરૂપ કે નિર્ગુણ નિરાકારનું દર્શન પોતાનાં હૃદયમાં જ થવાં લાગે. મીરાંબાઈને આવાં ભગવદ્ દર્શનનો પરમ આનંદ પ્રાપ્ત થયેલ હતો. પ્રેમની પરાકાષ્ઠામાં તેમની આંખ હસતાં હસતાં પણ અશ્રુ વહાવી રહી હતી. કવયિત્રી પન્ના નાયક લખે છે:

હું તો મુખડાની માયામાં મોહી પડી,
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી.

તો ચાલો આજે હું મારા ઇષ્ટદેવ ઠાકોરજીની છબીનું દર્શન-સ્મરણ કરતાં કરતાં મારી કલમને વિરામ આપું છું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે.

— અલ્પા શાહ

૨૧ -કબીરા

કબીરબીજક : વસંત-૧
કબીર પ્રજાનાં હૃદય સુધી પહોંચી શકે છે એનાં ઘણાં કારણો છે. પોતાની વાણીનાં સત્યને પોતે અનુભવીને જાણ્યું છે. તેઓ સામા માણસને ગળે પોતાની વાતનો ઘૂંટડો કેવી રીતે ઉતારવો તેના પણ પારખું અને જાણકાર હતા. પોતાને થયેલી પ્રતીતિને કઈ રીતે સામાનાં ચૈતન્યમાં ઉપસાવવી એ જ એમનો હેતુ હતો.
કબીરબીજકનાં ‘વસંત’નું નામ સાંભળતાં જ આપણાં સૌનાં દિલોદિમાગ પર ઋતુઓની રાણી વસંત છવાઈ જાય. સંગીતશાસ્ત્રમાં પણ એક રાગ વસંત પ્રચલિત છે. પરંતુ તે સાથે ‘વસંત’ નામના આ કાવ્ય પ્રકારનો મેળ કેવી રીતે બેસે? કબીરનું તત્વજ્ઞાન તો વસંત શબ્દને પરમાનંદનાં કે પરમપદનાં પ્રતીક તરીકે આલેખે છે. સદગુરુનો શબ્દ અથવા સદગુરુની શ્રીવાણી પોતે જ વસંતનો રાગ છે એવું સ્પષ્ટીકરણ કબીરે કર્યું છે.
જબ બસંત નહિ રાગ લીન્હ, સતગુરુ સબદ ઉચાર કીન્હ

કહૈ કબીર મન હૃદય લાઈ, નરક ઉધારન નાંઉ આઈ
જહં સતગુરુ ખેલત રિતુ બસંત
પરમ જ્યોતિ જંહ સાધ સંત.


અર્થાત્ સદગુરુ સાર શબ્દનો ઉચ્ચાર કરે છે ત્યારે તેઓ સાક્ષાત વસંતનો જ રાગ ગાય છે. હૃદય અને મન જેમાં એકાગ્ર કરી શકીએ તે દ્વારા જ નરકમાંથી જીવનો ઉધ્ધાર થાય છે. જ્યાં સદગુરુ વસંતૠતુનો પરમાનંદ માણી રહ્યા છે ત્યાં સાધુસંતો પણ એકતાન બની જતા હોય છે. આ પ્રકારની આગવી દૃષ્ટિથી જ કબીરે આ કાવ્ય પ્રકાર કબીરબીજકમાં નિયોજ્યો છે. વસંતનાં પહેલાં પદમાં જ કબીર કહે છે:
જા કે બારી માસ વસંત હોય, તા કે પરમારથ બૂઝે કોય!….
કુદરતની દેન એવી આપણી ૠતુઓની રાણી વસંતના તો બે મહિના ચૈત્ર અને વૈશાખ ગણાય પણ કબીર તો બારેમાસ વસંતની વાત કરે છે. બારેમાસ એટલે નિત્ય વસંત. પરમાનંદની દશા બારેમાસ અનુભવવાની વાત છે. ચૈત્ર મહિનામાં તાપ પુષ્કળ પડે ત્યારે વનસ્પતિ બળી જવાને બદલે લીલીછમ થઈ જાય છે. તે જ રીતે સાધકનાં હૃદયરૂપી વનમાં જ્ઞાનરુપી તાપ પડતો રહે અને  પરમાનંદની હરિયાળી છવાઈ જવી જોઈએ. પ્રત્યેક વનસ્પતિ પર વસંતનો પ્રભાવ જણાય છે તેવી રીતે સાધકનાં રોમેરોમમાં પરમ આનંદની મસ્તીનો પ્રભાવ પથરાવો જોઈએ. કબીર વસંત-૨માં કહે છેઃ
રસના પઢ લેહુ સિરી બસન્ત, બહુરિ જાય પરિહાઁ જમકે ફના.

મેરુ દંડ પર ડંક દીન્હ, અષ્ટ કંવલ પર જારિ દીન્હ
બ્રહ્મ અગનિ કિયો પરકાસ, અરધ ઉરધ તહાં બહૈ બતાસ…


કબીર વસંતમાં હઠયોગીઓની પ્રક્રિયાનું વર્ણન કરી લાક્ષણિક સૂચન કરે છે. શ્વાસ લેવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે. યોગી શ્વાસ અંદર લે અને બ્રહ્મરંધ્ર સુધી ખેંચે અને ત્યાં કુંભક કરી શ્વાસને રોકી રાખે ત્યારે યોગીને પ્રકાશનું દર્શન થતું હોય છે. તે પ્રકાશનાં દર્શનથી બ્રહ્મનું દર્શન થયું હોય એવું માનતો હોવાથી તેને કાલ્પનિક સુખનો અનુભવ થતો હોય છે. કબીર તેને આભાસી સુખ ગણાવે છે. તેવી સાધનાની માયાજાળમાં જીવ ન ફસાય તે માટે જીભને ઉદ્દેશીને ક્ષણિક સુખના રસાસ્વાદથી મોહિત ન થવાનું કહે છે.
હઠયોગીઓ ચક્રોનું વેધન કરવામાં રાચતા હોય છે. આપણાં શરીરમાં કુલ સાત ચક્રો મેરુદંડની જેમ શરીરના મધ્યભાગમાં નીચેથી ઉપર સુધી આવેલ છે. આ સાત ચક્ર એટલે મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપૂર ચક્ર, અનાહત ચક્ર, વિશુધ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રનાં નામથી ઓળખાય છે. મૂલાધાર ચક્રમાં કુંડલિની શક્તિ રહેલી હોય છે પણ તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. તેને પ્રાણાયામ દ્વારા જગાડી ઉર્ધ્વગામી બનાવવામાં આવે છે. આ શક્તિ સર્પાકારે રહેલી હોવાથી તે દરેક ચક્રને વેધતી શરીરનાં મૂળથી ડૂંટી અને છાતીની મધ્યમાંથી, કપાળ વચ્ચેથી ઉપર જાય છે. જ્યારે આઠમા ચક્રમાં જાય છે ત્યારે તેજસ્વી પ્રકાશની જ્યોતિના દર્શન થાય છે. તે વખતે પ્રાણની ગતિ અતિસૂક્ષ્મ હોય છે. પછી આગળ કબીર કહે છે:
નવનારી પરિમલ સો ગાંવ, સખી પાંચ તહાં દેખન ધાવ

અનહદ બાજા રહેલ પૂરું, પુરુષ બહત્તર ખેલે ધૂરિ…..


તે સમયે શરીરમાં અંદર રહેલી નવ નાડીઓ દ્વારા મનોહર સુગંધયુક્ત સુખદ અવસ્થાનો અનુભવ થાય છે. આ નવ મુખ્ય નાડીનાં નામ અને તેના સ્થાન પણ નક્કી જ છે. ડાબા કાનમાં પુહુખા, જમણા કાનમાં પયસ્વિની, ડાબી આંખમાં ગંધારી, જમણી આંખમાં હસ્તિની, કુહૂ લિંગમાં, શંખિની ગુદામાં, અલંબુષા મોઢામાં, ગણેશની ડાબા હાથમાં અને વારુણી જમણા હાથમાં.
આ નવ નાડીને સુખદ અવસ્થાનો અનુભવ થતાં જ તેને જોવાં પાંચ પ્રાણોરૂપી સખીઓ દોડી આવે છે. આપણાં શરીરમાં પાંચ પ્રાણો કાર્ય કરે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. ખરેખર તો પ્રાણ એક જ છે. પણ જે અંગમાં તે જે રીતનું કામ કરે છે તે રીતનું તેને નામ આપવામાં આવ્યું છે. પ્રાણનું સ્થાન હૃદયમાં, અપાનનું સ્થાન કેડમાં, સમાનનું સ્થાન ડૂંટીમાં, ઉદાનનું સ્થાન કંઠમાં અને વ્યાનનું સ્થાન સમગ્ર શરીરમાં. વ્યાન સમગ્ર શરીરમાં લોહીનાં પરિભ્રમણનું કાર્ય કરે છે. ઉદાન સર્વ ચીજોને ગ્રહણ કરી અંદર પહોંચાડવાનું કામ કરે છે. સમાન ભોજન પચાવવાનું કામ કરે છે. અપાન મળમૂત્રના નિકાલનું કામ કરે છે. પ્રાણ હૃદયમાં પ્રાણવાયુ પહોંચાડી અને કાર્બન ડાયોક્સાઈડ જેવા બિનજરૂરી વાયુને બહાર કાઢવાનું કામ કરે છે.
એવું કહેવાય છે કે શરીરમાં બોતેર હજાર નાડીઓ છે. પ્રશ્ન ઉપનિષદને હિસાબે બોતેર કરોડ, બોતેર લાખ, દસ હજાર બસો નાડીઓનો સમૂહ પ્રત્યેક શરીરમાં હોય છે. તે સૌ નાડીઓમાં વ્યાન નામનો પ્રાણ સંચાર કરતો રહે છે. આ રીતે સમગ્ર શરીર પુલકિત બની જતું હોવાથી યોગીને પરમ આનંદનો ભાસ થાય છે. તે દશામાં તે રમમાણ રહેતો હોવાથી તેને હોરી ખેલતો વર્ણવ્યો છે.
પૌરાણિક સાહિત્યમાં અનેક લોકની કલ્પના કરવામાં આવી છે જેવાકે, બ્રહ્મલોક, શિવલોક, સત્યલોક, વૈકુંઠલોક વિગેરે. તે લોકમાં પણ પુણ્ય ક્ષીણ થયા પછી દરેક જીવે ફરીથી મૃત્યુલોકમાં આવવું જ પડે છે. અમર રહેવાતું નથી. તેથી તે પરમપદ કહેવાય નથી. ભક્તિના બદલામાં લાલચુ લોભી વૈકુંઠલોકનો વાસ માંગે તે સાચા હરિના ભક્તને છાજતું નથી. હરિનો સાચો ભક્ત તો પોતાનાં સ્વરૂપમાં સ્થિત થવામાં જ પરમપદની પ્રાપ્તિ થયેલી માને છે.
વૃક્ષો વિના પણ જાણે આકાશ ફૂલોથી છવાઈ ગયું હોય છે અને શિવ તેમજ બ્રહ્મા જેવા દેવો પણ તેની સુગંધ માણતા હોય છે. સનકાદિક ઋષિઓરૂપી ભમરાઓ પણ તેની સુગંધમાં ભૂલા પડ્યા છે એટલું જ નહી, પણ ચોર્યાસી યોનિઓમાં જેટલા જીવો છે તે સૌ થાપ ખાઈ ગયા છે ત્યારે કબીર સદગુરુએ આપેલ જ્ઞાનને યાદ કરી આત્મસ્વરૂપ જ અમરલોક છે અને માણસે પોતાનાં મનને તેમાં જ સ્થિર કરવાની ઈચ્છા રાખવી જોઈએ. તે જ પરમપદને પામે છે તેમ કહે છે.
કબીરાને હું શું કહું? તેના વસંત-રનાં ચાર પદમાં તેણે શરીરવિજ્ઞાન, હઠયોગ, ઉપનિષદ સૌનો બોધ સમાવી પોતાનો સંદેશ સરળ ભાષામાં આપ્યો છે. વસંત આટલેથી અટકતું નથી એને સંપૂર્ણ રીતે જાણવાં આવતા અંકે આગળ જોઈશું……. 

— જિગીષા પટેલ

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 22 સ્નેહાધીન ઝવેરચંદ

સમગ્ર ભારતમાં જે ગ્રંથની જોડી જડવી મુશ્કેલ છે એવો ગ્રંથ એટલે મેઘાણીના પત્રોનો સંચય છે તે. ‘લિ. હું આવું છું’. એમાં લગભગ છસ્સો જેટલા મનનીય પત્રો સંગ્રહાયેલાં છે. તે અજોડ અને અમૂલ્ય છે એમ શ્રી કનુભાઈ જાની મેઘાણી શતાબ્દી ગ્રંથમાં જણાવે છે.

પત્રો તો આપણે ત્યાં અને વિશ્વની અન્ય ભાષાઓમાંયે અનેક લખાયેલાં છે. જવાહરલાલ નહેરુએ પુત્રી ઈન્દીરાને લખેલ પત્રો મશહૂર છે. ગાંધીજીનાં પત્રો અને અન્ય લખાણો મહાદેવભાઈ દેસાઈની ડાયરીઓમાં સચવાઈને વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. પણ મેઘાણીનાં પત્રો ઐતિહાસિક અને રાજકીય પરિસ્થિતિ ઉપરાંત સામાજિક અને અંગત જીવન પર પ્રકાશ પાથરે છે તેથી જ તો કનુભાઈ જાનીને લખવું પડ્યું કે તે અજોડ છે.

યુવાન વયના ઝવેરચંદ મેઘાણી કલકત્તાની સારી નોકરી મૂકીને કાઠિયાવાડ પાછા આવવાનું નક્કી કરે છે ત્યારે મિત્રને લખે છે, ‘ગોધૂલીનો સમય થયો છે. મને મારો ગોવાળ બોલાવે છે.’
આ અંતરનો અવાજ છે. મોટા પગારની મેનેજર કક્ષાની નોકરી છોડીને વતનમાં કોઈ જ ખાસ યોજના વિના માત્ર અંતરની ઈચ્છાથી એ કાઠિયાવાડ પાછા આવે છે. શા માટે?

મેઘાણીના પત્રો વિશે પ્રો. યોગેન્દ્ર છાયા સમજાવે છે કે જેમ સર્જનહારને આપણે જોયા નથી પરંતુ તેમના સર્જન ઉપરથી આપણે એમને પિછાણીએ છીએ, એવી જ રીતે સાહિત્યકારની કૃતિઓ ઉપરથી, શબ્દો કે વાણી દ્વારા સર્જકનાં જીવનવિચાર પારદર્શક બનીને ઉપસી આવે છે. અંગ્રેજીમાં જેને Revelation of the writer’s personality કહે છે તે એમાંથી બહાર આવે છે.

‘જખ્મી હૃદય’ લેખમાં પ્રો. પ્રકાશ શાહ લખે છે, ‘મેઘાણીના મૃત્યુ બાદ તરત જ ‘સ્નેહાધીન ઝવેરચંદ’ નામનાં પુસ્તકમાં બસ્સો જેટલાં પત્રોનો સંગ્રહ પ્રાપ્ત થયેલ. એમાંનાં અનેક પત્રોમાંથી એક જેમાં પોતાની પત્ની ‘વ્હાલી ચિત્રાદેવીને’ લખે છે.
એમાં કુટુંબ જીવનનું સુંદર ચિત્ર ઊભું થાય છે.
‘બધાં રાતે સૂતાં પહેલાં થોડીવાર ભેળાં બેસીને વાતો કરવાનું રાખજો.’ મેઘાણી લખે છે
પુત્રવધૂ નિર્મળાને પણ આ જ વાત દોહરાવ્યા કરી છે. વાળુ વેળાએ ભેગાં બેસવાનું કે રાત વખત તાપણું તાપતા કુટુંબ મેળાનાં સૂચનો આ સૌમાં કૌટુંબિક પ્રેમબંધન જણાવે છે.’

એમાં હૃદયના ભાવો છે. એમાં ઝુરાપો પણ છે. યુવાનીને ઉંબરે પ્રથમ પત્નીની ક્સમયની વિચિત્ર વિદાય બાદ પોતાનાં એ દુઃખદ અનુભવને એ ક્યારેય ભૂલ્યા નથી. તેથી જ, પુત્રની વાગ્દત્તાને એ નિખાલસ ભાવે લખે છે : તું મારી પુત્રવધૂ બને કે ના બને પણ મારાં તારા પરનાં વાત્સલ્યની આસ્થા જરૂર રાખજે.
અને સ્પષ્ટ શબ્દોમાં લખે છે: ‘સામા પાત્રનો ઉમળકો ન હોય તેવા લગ્નને સ્વીકારીશ નહીં. કોઈનો પ્રેમ તારા પ્રેમના દબાણ વડે પ્રાપ્ત કરતી નહીં.’
મારી કલમ મેઘાણીના આ શબ્દો પર અટકી જાય છે. કયા સમયે, કેવા જુનવાણી દેશમાં એમણે આવું હિંમતથી લખ્યું છે? જયારે કન્યાને નાની ઉંમરે પરણાવી દેતાં હતાં. બાળલગ્નો અને માબાપે નક્કી કરેલ લગ્નોનો જ મહિમા હતો ત્યારે પોતાની થનાર પુત્રવધૂને પત્ર લખવો અને તે પણ આ વિષયનો!

વાચકમિત્રો, કદાચ એ જ કારણથી મેં મેઘાણીના ગદ્ય સાહિત્યની આલોચના એમનાં પત્રોથી કરી છે. કદાચ સાચો મેઘાણી એનાં પત્રોમાં જ છુપાયેલો છે.

મેઘાણી પોતાના પુત્ર મહેન્દ્રનો ઉલ્લેખ કરી પુત્રવધૂને સ્પષ્ટ લખે છે, ‘મહેન્દ્રને તું એ ઉમળકાની શરતે જ જો ન મેળવી શકે તો તું એને જતો કરજે.’ કેવી સ્પષ્ટ સલાહ! અને તે પણ પોતાનાં જ ઘરમાં આવનાર સૌભાગ્યાકાંક્ષિણી પુત્રવધૂને!

પ્રિય વાચક મિત્રો, શરૂઆતમાં આ કોલમમાં મેં મેઘાણીના જીવનસંઘર્ષ વિશે લખ્યું હતું તે અહીં ફરી યાદ કરાવું. પુત્ર મહેન્દ્ર માટે એ ક્યાંક લખે છે તેમ ‘મારે પણ મારો નમાયો બાળક વધારાનો નથી એટલે જીવ બળ્યાં કરે છે.’ પણ લગ્નને ઉંબરે ઊભેલ સૌને સાચી જ સલાહ.

મિત્રો, આગળ ઉપર મેઘાણીની નવલિકાઓમાં આ પ્રકારની નવલિકાઓનું આપણે અવલોકન કરીશું ત્યારે મેઘાણીનાં આ અંગત પત્રો દ્વારા તેમનાં સાહિત્ય ઉપર તેની અસર ફરીથી નોંધીશુ.
તત્કાલીન સમાજ અને આજના આધુનિક સમાજમાં અમુક મૂલ્યો જે શાશ્વત છે તે જુઓ.
એ જ નિર્મળાને લખે છે કે જેનાં હજુ લગ્ન નથી થયાં. ‘અભ્યાસ કરવા સાથે બાને મદદ કરો છો તે પણ સાચો અભ્યાસ છે. સર્વ વિદ્યાનું સુફળ તો સંસાર જીવનને મધુર બનાવવામાં જ આવવું જોઈએ.’ શિક્ષણની કેવી સાચી વ્યાખ્યા! અને આપણે પશ્ચિમની સંસ્કૃતિમાં જોઈએ છીએ તે ‘ગૃહકામ એ તો સ્ત્રી અને પુરુષ સર્વને માટે વિદ્યાનો એક મહાન અંશ છે તે વગર સંસાર જીવનની મધુરતા જામતી નથી.

‘કાવ્યમાં જેમ છંદ છે તેમ જીવનમાં શ્રમ છે.’

ઓહો ! સાહિત્ય જગતનું આ સુંદર વિધાન આપણે વાસ્તવ જગત સાથે પણ સંધાન કરે છે.
એમના પત્રોમાં ‘રાત વરત ભેળું મળતું અને દિલની વાતું કરતું’ જે કુટુંબ કલ્પેલ છે એમાં શ્રમ અને છંદ એકાકાર થઈ ગયેલ છે. એમની કુટુંબની વ્યાખ્યાય નિરાળી છે જેમાં બદૂડી માટેય ચિંતા વ્યક્ત કરે છે. બદૂડી એક નાનકડી વાછડી છે. પિતા-પુત્રીના સંવાદો તો મને અદભુત જ ભાષ્યા છે.

અને હા, તેમનાં સાહિત્ય સર્જનમાં એ કેવા દૃષ્ટિગોચર થાય છે તેની વાત હવે આગળ ….

૨૨ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ- રાજુલ કૌશિક

ગીત, સંગીત વિશે સારું, સાચું ઉપરાંત રસપ્રદ રીતે કંઈપણ આલેખવા માટે ખરેખર તો સંગીતની જાણકારી હોવી જરૂરી છે. સંગીતને સાચી રીતે માણવાં માટે પણ સંગીતની સાચી સમજ હોવી એટલી જ જરૂરી છે. શાસ્ત્રીય સંગીત માટે આ વાત ઘણી મહત્વની છે.
પરંતુ, સુગમ સંગીતને માણવા માટે જો ગીત, સંગીતની જાણકારી હોય તો તો ઉત્તમ પણ ન હોય તો પણ ચાલે. બસ, મનથી ગીત-સંગીત સાથે જોડાતાં જઈએ તો પણ એમાં આનંદ મળે છે.
આવાં સુગમ સંગીતને જેણે ઘર ઘર સુધી પહોંચાડ્યું છે એવા અવિનાશ વ્યાસનાં ગીત, સંગીતનો વ્યાપ ઘણો વિશાળ છે. તેમનાં ગીતોમાં માનવીનું મન, માનવીની લાગણીઓ સાવ સરળ શબ્દોમાં આકાર લઈ લે છે.
અગાઉ આપણે માનવીનું મન, માનવીની લાગણીઓને સૂરમાં પરોવેલાં, અવિનાશ વ્યાસનાં આવાં કેટલાય ગીતોની વાત કરી. માનવીની વાત આવે ત્યાં સંબંધોની વાત પણ આવે જ. સંબંધોના પણ અનેક સૂર આપણે સાંભળ્યા. પ્રેમગીત, વિરહગીતની પણ વાત કરી. આમ તો વિરહની વાત આવે એટલે વાત સીધી જ પ્રિયતમ-પ્રિયાના વિરહ પર જ જઈને અટકે.
પણ, એક એવો વિયોગ છે જેમાં ચારેકોર સુખની છોળ હોવા છતાં ડૂમો બનીને દિલમાં બાઝે છે. એને તો અવગણી જ નથી શકાતો કે નથી દૂર કરી શકાતો. એ વિયોગ છે એક નારીની ગર્ભનાળ સાથે જ સંકળાયેલા સંબંધનો વિયોગ. એ સંબંધ છે પોતાનાં કંકુવર્ણા પગલાની અને મેંદી મૂકેલા હાથની છાપ જ્યાં મૂકીને આવી છે એ માવતરનો. આ સંબંધ એક કસક સાથે, એક યાદની જેમ પણ સતત જીવાતો જાય છે.
માણસ માત્ર એના સંબંધોના આધારે જીવે છે. કેટલાક સાથે જીવાતા સંબંધો અને કેટલાક પાછળ છૂટી ગયેલા હોય છતાં મન-હૃદયનાં ઊંડાણમાં સતત ધબકતા સંબંધ. સાથે જીવાતો સંબંધ એટલે પતિ સાથેનો સંબંધ અને પતિના ઘેર અઢળક સુખ વચ્ચેય જીવતી એ નારીનાં હૃદયનો ખૂણો સદાય કંઈક ઝંખતો હોય એવી સતત અધૂરપની, ઝુરાપાની લાગણી સાથે ધબક્યા કરતો હોય એવો એ સંબંધ એટલે માવતર સાથેનો સંબંધ.
અવિનાશ વ્યાસે આ એક ગીતમાં પાછળ છોડીને આવેલા સંબંધને લઈને એક નારીનાં મનની સઘળી આર્દ્રતા છલકાવી દીધી છે.
કોઈ એક પુરુષના વિચારોમાં કેવી રીતે ઊગી આવતા હશે આવા ભાવ? કેવી રીતે શબ્દોમાં ઊતરી આવતી હશે સ્ત્રીનાં મનની સંવેદના? કેવી રીતે એ ઝુરાપાની વ્યથા વ્યકત થતી હશે? આ ગીત જ્યારે પણ સાંભળવામાં આવે ત્યારે કોઈનું પણ મન આર્દ્ર થયાં વગર નહીં જ રહેતું હોય.
 
પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાંને સોના કેરી ચાંચ રે..
પારેવડાંને કોઈ ના ઉડાડશો..
 
અવિનાશ વ્યાસે આ ગીતની રચના કરી હશે ત્યારે ચોક્કસપણે પારેવાની ડોકે બાંધીને સંદેશો મોકલવાનો સમય તો દાયકાઓ પહેલા પૂરો થઈ ગયો હતો. પીયરની યાદમાં વ્યથિત નારીથી દૂરથી ઊડીને આવેલાં એ પારેવામાં માવતર, ભાઈ-ભોજાઈ અને બેનનું ઊભરાઈ આવતું વહાલ અનુભવાય છે.
 
મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવાં મારાં મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઊની આંચ રે.
પારેવડાંને કોઈ ના ઉડાડશો.
એ રે પારેવડામાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઈ.
એ રે પારેવડામાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઈ.
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે.
પારેવડાં ને કોઈ ના ઉડાડશો..
 
એ પારેવું જાણે કાનમાં આવીને માવતરની વાત એને કહેવાનું ના હોય એમ એને ઉડાડવાની એની જરાય મરજી નથી! ને ઝાડ પર બેઠેલાં એ પારેવાં પરથી વહી આવતા પવનમાં એને મૈયરની ગાવડીના દૂધની સોડમ આવતી હશે કે પછી તલાવડીની છાલક અનુભવાતી હશે? આ એક કલ્પના છે પણ એ કલ્પનાની સાથે આપણી નજર સમક્ષ એ નારીનાં મૈયરનું આખું  ચિત્ર તાદશ્ય થયાં વગર નથી રહેતું.
મૈયરની કોઈપણ વાત કે વસ્તુ એને ન ગમતી હોય એવું બને? ભલેને નાનું પણ એ તો મૈયરનું ખોરડું છે, ભાઈ!  એ તો એને મહેલ જેવું જ લાગેને? જન્મતાં જ જેની સાથે એ હેતે બંધાઈ છે એવી ગાવડી, એ તલાવડીની વાત લઈને આવેલું એ પારેવડું જ છે કે પછી પારવડાના વેશે આવેલું માવતર પોતાને આંગણે આવી બેઠું છે? એને તો જ્યાં સુધી એની મરજી હોય ત્યાં સુધી ડાળે ઝૂલવાં જ દેવાનું હોયને?
 
એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઈ ના ઉડાડશો..
 
આજે દૂર દૂર દેશાવર રહેતા અને તેમ છતાં ચપટી વગાડતાં જ એકબીજા સાથે કનેક્ટ થઈ જતા સંબંધોના સમયમાં પણ આ વાત આપણને સ્પર્શી જાય છેને? પણ અહીં વાત માત્ર સંબંધોની જ ક્યાં છે? વાત તો એમાં છલોછલ છલકાતી લાગણીની છે અને લાગણીને તો ક્યાં કોઈ સમયની કે ભાષાની અવધિ નડે છે?
એ સમયે અને આજે પણ આવાં કોઈપણ ગીતો આપણાં હૃદય, મન પર એની અસર મૂકતાં જાય છે.
આજે આ ગીતની વાત લખતાં ક્યારેક સાંભળેલો પ્રસંગ યાદ આવી ગયો.
એક કૉન્સર્ટમાં પુરુષોત્તમ ઉપાધ્યાય અવિનાશ વ્યાસે લખેલું અને સ્વરબધ્ધ કરેલું વિદાયગીત, “ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં” ગાઈ રહ્યા હતા. સાવ અજાણી ભાષા, સાવ અજાણ્યા શબ્દો અને સૂર તેમ છતાં એક રશિયનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
અવિનાશ વ્યાસનાં શબ્દો, સંગીત અને સૂરમાં આ અદ્ભૂત અસર હતી.

 

૨૧ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

પ્રેમની અનુભૂતિ અને મીરાંબાઈનો પ્રેમાનંદ

Darkness cannot drive out darkness; only light can do that. Hate cannot drive out hate; only love can do that.” ~ Martin Luther King, Jr.

જેમ અંધકારથી અંધકાર ન કાપી શકાય માત્ર પ્રકાશથી જ કાપી શકાય તેવી જ રીતે, ઘૃણાથી ઘૃણા કાપી ન શકાય, માત્ર પ્રેમથી જ કાપી શકાય.

પ્રેમ – મનુષ્યનો સૃષ્ટિના દરેક જીવ પ્રત્યેનો પ્રેમ એ જ તેના માણસ હોવાની સાબિતી છે. એ જ ખરી માનવતાની નિશાની છે. અને જયારે એ પ્રેમનો કોઈપણ કારણસર ક્ષય થાય ત્યારે જ માનવતા પર એક પ્રશ્નચિન્હ ઊભું થાય છે અને અક્ષમ્ય અપરાધોની પરંપરા ચાલું થાય છે. અત્યારે વૈશ્વિક સ્તરે આપણે એવી અનેક ઘટનાઓના સાક્ષી બની રહ્યા છીએ. જયારે પ્રેમનું પલ્લું સત્તાનાં પાલ્લાં કરતાં ભારે બનશે ત્યારે જ વૈશ્વિક શાંતિ સ્થાપાવાની શરૂઆત થશે.

પ્રેમ એ માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ થાય એવું જરૂરી નથી. કોઈપણ બે મનુષ્ય વચ્ચે કે મનુષ્ય અને કોઈપણ પ્રાણી વચ્ચે પ્રેમ પાંગરી શકે છે. પ્રેમ – એક એવી અનુભૂતિ છે કે જેનો આરંભ અને અંત હૃદયથી જ થાય છે. આ અનુભૂતિની નથી કોઈ વ્યાખ્યા કે નથી તેનું વર્ણન. હા, આપણે પ્રેમની મહાનતા અને માહાત્મ્ય વિષે પુસ્તકો ભરીને લખી શકીએ, પણ એ જે હૃદયમાં અનુભવાતી અનુભૂતિ છે – તેનું સચોટ વર્ણન કરવા માટે દુનિયાની દરેક ભાષા વામણી પડે છે. પ્રેમ તો એક લાગણી છે જે હૃદયના કોઈક અંદરના ખૂણે ધબકતી રહે છે અને આપણને ધબકતા રાખે છે.

આ તો થઈ લૌકિક પ્રેમની વાત. મીરાંબાઈનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ તો અલૌકિક હતો. પ્રભુને કોઈ સગુણ-સાકાર કહે તો કોઈ દુર્લભ. કોઈ ત્યાગ દ્વારા પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે તો કોઈક સંસારમાં રહીને પ્રભુને પામવાના પ્રયત્ન કરે. પણ મીરાંબાઈ તો માત્ર અને માત્ર પ્રેમથી જ શ્યામને પામવાનો પ્રયત્ન કરે છે. મીરાંબાઈ નીચેનાં પદ દ્વારા શ્યામની પ્રીત ફલિત કરે છે.

माई री मैं तो लियो गोविन्दो मोल
कोई कहे हलकों कोई कहे भारी, लियोरि तराजू तोल
कोई कहे मुंहघो कोई कहे सोघो, लियोरि अमोलक मोल
कोई कहे कालो,कोई कहे गोरो,आवत प्रेम के मोल
वृन्दावन की कुञ्ज गलिन में, लियोरि बजंता ढोल
कोई कहे घर मैं कोई कहे बन में, राधा के संग किल्लोल
मीरां के प्रभु गिरिधर नागर, पूर्व जनम के बोल

ગયા અઠવાડિયે આપણે મીરાંબાઈના પ્રિયતમા અને પત્ની તરીકેનો પ્રેમભાવ અને સમર્પણભાવને પ્રદર્શિત કરતાં અમુક પદોની ઝાંખી કરી. જયારે હૃદયમાં કોઈ પ્રત્યે ઉત્કટ પ્રેમભાવ હોય ત્યારે માત્ર પ્રેમ અને સમર્પણભાવ જ નહિ, પણ સાથે સાથે બીજા અનેકવિધ ભાવોનો દાબડો પણ ખુલી જાય છે. મીરાંબાઈનો શ્યામસુંદર પ્રત્યેનો એ પ્રેમભાવ ક્યારેક આકાંક્ષાભાવ બનીને અવતરે છે, તો ક્યારેક અનન્યભાવની આલબેલ પોકારતો પોતાનું આધિપત્ય જમાવે છે. ક્યારેક વિનયથી ભરપૂર પ્રાર્થનાભાવ તરીકે પ્રગટ થાય છે તો ક્યાંક પ્રેમ-દીવાની મીરાંનો જોગણ ભાવ પ્રગટ થાય છે. નીચેનાં પદમાં મીરાંબાઈ પ્રભુ સાથે પ્રેમભાવે એક્ય સાથી જોડાઈને સમર્પિત થઈ જવાનો ભાવ પ્રગટ કરે છે  

अखिया प्यारी लगी रे सांवरिया थी
चालोजी कृष्ण आपां बाग़ लगावा, आप छेड़ा हम क्यारी
चालोजी कृष्ण आपां मेल चनावा, आप झरोखा हम बारी
चालोजी कृष्ण आपां चौपट खेला, आप पासा हम सारी
बाई मीरां के प्रभु गिरिधर नागर, आप जीत्या हम हारी.

ક્યાંક ક્યાંક મીરાંબાઈના પ્રેમભાવને થોડી દીવાનગીની છાંટ ઉડે છે અને એ પ્રેમભાવમાં થોડી જીદ પણ મિશ્રિત થાય છે.આ પદ માં મીરાંબાઈ પોતાના લાડલા કૃષ્ણને પોતાની ચિત્ત-વૃત્તિ રૂપી  ચુનરીને પ્રેમ ના ગહેરા રંગ થી રંગવાની વિનંતિ કરી છે કે જે કદાપિ છૂટે નહિ. અને પોતે જાણે જીદ લઈને બેસી જાય છે કે જ્યાં સુધી તેમ નહિ થાય ત્યાં સુધી પોતે ઘરે નહિ જાય-પછી ભલે ને આખી જિંદગી રાહ જોવી પડે.

कृष्ण पिऊ मेरी रंग दे चुनरिया
ऐसी रंगत रंगवादे सांवरिया, धोबी धोबे चाहे सारी उमरिया!
बिना रंगाया घर नाही जाऊ, बीत जाये चाहे सारी उमरिया
बाई मीरां के प्रभु गिरिधर नागर, हरि चरणा गुण गइया

મીરાંબાઈનો માધવ પ્રત્યેનો પ્રેમભાવ આટલે અટકતો નથી. ક્યારેક ક્યારેક એ પ્રેમભાવ વ્યંગ, ઉપહાસ અને ઉપાલંભનું પણ સ્વરૂપ લે છે. એનો મતલબ એ નથી કે મીરાબાઈને માધવ પ્રત્યે કોઈ નારાજગી છે. આ ભાવ તો એ વાતની સાબિતી પૂરે છે કે મીરાંબાઈ માટે તેમનો સાંવરિયો જ સર્વસ્વ હતો. જેને તમે સર્વસ્વ માનતા હોવ તેની જ પાસે તમે મનુષ્ય સહજ દરેક ભાવ પ્રગટ કરી શકોને! જેમકે, નીચેનાં પદમાં મીરાંબાઈ શ્યામની ઉલાહના કરતાં તેમની જરાક ખબર લઈ કાઢે છે. કોઈ ભૌતિક ચીજ માટે નહિ, પણ ક્યારે પ્રભુ પોતાની સાથે એકરૂપ થશે તે માટે.

ित्नु काई छे मिजाज,महारे मंदिर आ, ठाणे ित्नु काई छे मिजाज
तन,मन,धन सब अर्पण कीनू, छाड़ि छे कुल की लाज
दो कुल त्याग भई बैरागन, आप मिलण की लाग के काज
मीरां के प्रभु कबरे मिलोंगे, कुबज्या आई काई याद.

મીરાંબાઈએ આ વિશ્વને સાચો પ્રેમ કેવી રીતે થાય તે શીખવ્યું. મીરાંબાઈની  પ્રેમલક્ષણા ભક્તિ હંમેશા બેમિસાલ રહી છે અને રહેશે જ.  મીરાંએ પોતાના અસ્તિત્વને પ્રેમપૂર્વક ગિરિધર ગોપાલમાં ઓગાળીને સમર્પિત કરી દીધું. મીરાંબાઈનાં હૃદયના ભાવો તેમના પદો દ્વારા અક્ષરોની ધારાએ વહી નીકળ્યા અને એ પદો આપણને સૌને પ્રેમાનંદમાં તરબોળ કરતાં ગયાં.

તો ચાલો આજે એ પ્રેમાનંદમાં ભીંજાતાં ભીંજાતાં મારી કલામને આજે વિરામ આપું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ