હાં રે દોસ્ત હાલો અમારે દેશ – 24 મેઘાણીનું વાર્તા વિશ્વ

મારી કલમ ઘણા સમયથી આ વિષય પર લખવા થનગની રહી હતી, મેઘાણીની વાર્તાઓ વિષે. અને કેમ નહીં? કેટલો રસપ્રદ વિષય છે આ!

તમે પોતે જ એક પ્રયોગ કરો. શાંતિથી એક નાનકડાં સમુદાયમાં વાત માંડો, “એક હતો રાજા-” અને તરત જ બધાના કાન સરવા થશે. “પછી શું થયું એ રાજાને?” કોઈ પૂછશે. અને તમે કહેશો, “એ રાજાને એકવાર શિકાર કરવાનું મન થયું!” અને શબ્દોને લડાવતા સ્વર સહેજ ઘેરો કરી તમે વાત આગળ ચલાવો છો. ‘રાજા જંગલમાં ગયો જ્યાં રાતનું મારણ કરીને ધરાયેલો એક દીપડો ધરતીના એક પોલાણમાં હાંફતો હાંફતો આરામ લેતો હતો.” વાત પાણીના રેલાની જેમ આગળ વહેવા માંડે. શ્રોતા હોય કે વાચક શરૂ કરેલી વાર્તા પૂરી ના થાય ત્યાં સુધી અધૂરી તો મુકાય જ શાની? બસ, મેઘાણીની વાર્તાઓ વાંચતાં આવી જ અનુભૂતિ થાય. જેટલું સુંદર એમનું પદ્ય સાહિત્ય છે; લોકગીતો, ગરબા, બાળગીતો, શૌર્ય ગીતો, સ્વરચિત અને અનુસર્જિત કાવ્યો, લગ્નગીતો અને ઋતુગીતો. તે સૌથીએ વધુ સુંદર તેમનું વાર્તા વિશ્વ છે. વાર્તા કહેવાની કલા તેમનામાં શાળા જીવનથી જ કેળવાયેલી. તેમાંયે ચારણ, રાજપૂત જેવાં વિવિધ જાતિના મિત્રોની એમના પર અસર પડી એટલે મેઘાણી વાર્તા કહેતા ખાસ શીખ્યા. પછી પિતાની રાજ્ય પોલીસની નોકરીને કારણે જયાં માથાભારે લોકો હોય તેવી ખીણ, કોતરો, ડુંગર, જંગલોમાં પિતાને રહેવાનું હોઈ મેઘાણી પણ રજાઓમાં ત્યાં જતા. અવનવા અનુભવો થાય. ક્યારેક પગપાળાં, ક્યારેક ઘોડા ઉપર, ક્યારેક ગાડામાં ને ક્યારેક ઊંટ સવારી કરીને પિતાનાં ઘેર જવું પડે. ક્યારેક વરસતા વરસાદમાં, નદી ગાંડી થઈ હોય ને પૂર આવ્યું હોય કે અંધારામાં જે તે જગ્યાએ કોઈ રબારીવાસ કે એકલદોકલની ઝુપડીમાંયે રાતવાસો કરવો પડે. આ બધું એમણે જીવનમાં અનુભવેલ અનુભવોનું ભાથું. ઝવેરચંદ મેઘાણીનાં વાર્તાવિશ્વમાં આ બધું એવું સુંદર રીતે ગુંથાઇને આવે છે કે સમગ્ર દૃશ્ય આપણી નજર સમક્ષ ઊભું થઈ જાય. આપણે તો સિંહની ત્રાડ સાંભળીએ અને ભડકી ઊઠીએ પણ મેઘાણી પોતે ખુલ્લી આંખે અને દિલથી બધું જોનારા સંવેદનશીલ વ્યક્તિ હતા. એમણે પોતે ઘણું બધું જે અનુભવ્યું છે તેમાં કલ્પનાના રંગો પૂર્યા છે. એમાં નરી કલ્પના નથી. એમની વાર્તાઓમાં વાસ્તવિકતાનું બીજ કલ્પનાથી પાંગર્યું છે એટલે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને યોગ્ય સ્થળે અભિવ્યક્તિ તેમની વાર્તાઓમાં આપણને જકડી રાખે છે.

લોકભારતી (સણોસરા)ના નિવૃત્ત આચાર્ય મનસુખભાઈ સલ્લા લખે છે તેમ, ‘મેઘાણી દેહ વર્ણન કરતા હોય કે સ્થળ વર્ણન, ભાવ છબી આપતા હોય કે વાસ્તવ, ચિત્ર આલેખતા હોય એવા તો એ અસરકારક હોય. એ પાત્રોને તાદૃશ્ય કરે છે.

ચાલો, હું તમને એકાદ બે પ્રસંગોથી મારી વાતની પુષ્ટિ કરાવું. હા, એમણે દોઢસો જેટલી વાર્તાઓ લખી છે. આમ તો લોકોએ એમને લોકસાહિત્યના સંશોધક અને સંવર્ધક તરીકે ઓળખ્યા. સાહિત્ય જગતમાં એમના પગરણ મંડાયાં અને સાતેક વર્ષમાં તો રણજિતરામ સુવર્ણ ચંદ્રક પણ એ વિષયમાં એનાયત થયો. જોકે, એમની સાહિત્ય કારકિર્દીની શરૂઆત ટૂંકી વાર્તાઓથી થયેલી. એ કલકત્તા હતા ત્યારે કવિ નાન્હાલાલના પુત્ર અનુપમ કવિને ઘેર સાહિત્ય પ્રવૃત્તિઓમાં જોડાતા. પોતે બંગાળી વાર્તા સંગ્રહ ‘કથાઓ કહાની’માંથી ગુજરાતીમાં વાર્તા કરતા. એમનું સાહિત્ય જગતનું પ્રથમ પુસ્તક પણ આ વાર્તાઓનું રૂપાંતર ‘કુરબાનીની કથાઓ (૧૯૨૨)’ હતું. એમની અમુક વાર્તાઓ મને ગમતી. સાહિત્ય જગતમાં સ્થાન પામેલી વાર્તાઓનું અહીં વિહંગલોકન કરવાનો ઈરાદો છે. આમ તો એમની વાર્તાઓનું વિષય વૈવિધ્ય અપાર છે. પણ આજે હું તમને ‘શિકાર’ વાર્તાની વાત કરું. એક તો એમાં દેશી રજવાડાઓનું ચિત્ર ઊભું થયું છે તેથી મેં એને પસંદ કરી છે. આપણો ભારત દેશ કેવી ભયંકર ગુલામીમાં સબડતો હતો, આપણે કેવી દયાજનક કફોડી સ્થિતિમાં રહેતાં હતાં તેની યાદ અપાવવાનો પણ પ્રયાસ છે. કલકત્તા સ્થિત જયંતીલાલ મહેતાએ ઝવેરચં મેઘાણી શતાબ્દી ગ્રંથમાં ‘શબ્દોનો સોદાગર’ માં લખ્યું છે તે મુજબ : દેશી રજવાડાના ‘બાપુ’ની લાચારી, ગોરા અમલદારની ક્રૂર ને છતાં કાયરતાભરી વર્તણુકની હાંસી ઉડાવતી આ વાર્તા કટાક્ષ કડવી શૈલીથી શોભે છે. જોકે, પ્રિય વાચક મિત્રો, જયારે પહેલી વાર મેં આ વાર્તા વાંચી ત્યારે વાંચતાં વાંચતાં હું દુઃખ, આક્રોશ અને દિલગીરીથી ઘેરાઈ ગઈ હતી. મારા પોતાના જ દેશમાં, સો વર્ષ પૂર્વેની મારા દેશબંધુઓને સહેવી પડતી આવી લાચારી અને અંગ્રેજોની જોહુકમીએ મને અસ્વસ્થ કરી દીધી. હું એ સમયના ઇતિહાસ તરફ ખેંચી ગઈ.

વાર્તાનું કથાવસ્તુ આવું છે :

અંગ્રેજ અમલદાર મહેમાન થઈને ગામમાં આવ્યો છે. એને દીપડાનો શિકાર કરવો છે પણ એને પકડવા જંગલો કોતરોમાં દોડવું નથી. એ દીપડાને એક જગ્યાએ ખીણમાં ખૂણામાં લઈ જવાનું કામ બિચારાં ગ્રામવાસીઓનું છે.
મેઘાણી લખે છે, ‘ચાર પાંચ રજપૂતો, ચાર છ સંધીઓ, કોળી પગીઓ, રબારી ને આહિરો સૌ એમાં જુવાનિયાઓ અને બુઢ્ઢાઓ હાથમાં લાકડીઓ અને ગાંઠવાળા ગોબા અને બંદુકો લઈ નીકળ્યા હતા પણ એમાં શિકારે નીકળેલા સેલાણીની છટા નહોતી. આશા અને ચિંતાની ગંગા જમની ગુંથાયેલી હતી. દીપડાને પકડવાનો છે પણ મારી નાખવાનો નથી. એ કામ તો ગોરા અમલદારે મોટો શો કરીને ડઝન જીપ ભેગી કરીને બધાને પોતાનું પરાક્રમ બતાવવા બાકી રાખવાનું છે. અંધારું થાય તે પહેલાં દીપડાને એ કોતરનાં એક ખૂણામાં ઘાયલ કરીને રાખવાનો છે.

જુવાન છોકરા આ નાટકથી કંટાળ્યા છે. અકળાઈને બાપાને કહે છે, ‘તમે બાપુ કોઈ ધિંગાણે પડકારતા હોત તો અમારાંય પારખાં થાત પણ આ અઘરણીનાં પગલાં ભરતા કુત્તા માથે અમારું શું જોર ચાલે? કયો તો લાકડિયે લાકડિયે ટીપી નાખીયે. એ દીપડો એક કવાડીનો ઘરાક છે.”
“ના બાપ, જીવતો ને જીવતો જ એને ગવન્ડર સા’બ સામે પોગાડજો નીકર વાટકીનું શિરામણ રિયું છે એય આપણે હારી બેસશું.” ને અંગ્રેજ ગવન્ડર (ગવર્નર)નો માણસ -અમલદાર – ન સંભળાય તેવી ગાળો વરસાવતો દીપડાને ફસાવવા આ લોકોને સંભળાવે છે, “દોડો , મલકના ચોરટાઓ,” એણે દાંત ભીંસીને કહ્યું, “ભેંસુના ખાડુને વાળી આવો, ને નાખો જરમાં (ધરતી- ધરતીના એ ખાડામાં આખાં ગામની ભેંસોને એક દીપડાનાં મોઢામાં ઓરવાની વાત) થીજી કેમ રિયા છો ?” અધિકારી જીભ પરઘસતા વિશેષણો દબાવી બોલ્યો, “આ દી આથમશે ત્યારે તમે ને તમારાં છોકરાં….” અધિકારી દાટી ભિડાવે છે. લાચાર બે જુવાનિયા કોતરમાં બખોલમાં સંતાઈ રહેલા દીપડાને છંછેડવા નીચે ખીણમાં ઊતરે છે. નીચે કરાડમાં બેઠેલા દીપડાએ છલાંગ મારી. નીચે ઊતરેલા સંધીની ગરદન દીપડાના દાંત વચ્ચે ગઈ. નીચે પાણીનો ખાડો ભર્યો હતો ને ખાડામાં દીપડાએ સંધીનું માથું ઝબોળી નાખ્યું. પોતાના ભાઈને ચુંથાતો જોઈ પાછળ પહોંચેલા સંધીએ ચીસ પાડી, “પગી, પગી, ભડાકો કર મારા ભાઈ ..!” પણ હાકેમ (મોટા સાહેબ)ના શિકાર માટે નક્કી થયેલ દીપડાને પગી કેમ મારી શકે?’

અહીં આપણાં હૃદયના ધબકારાય વધી જાય છે. પણ મેઘાણીની કલમનો જાદુ જુઓ. એ લખે છે, ‘સંધીએ બંધુકની વાટ જોવાનું છોડી દીધું ને દોટ કાઢી. લાકડીનો ઘા કર્યો. દીપડાનાં જડબામાં ઝીક્યો. એ ભાગ્યો.’

જુવાનિયો બચી ગયો તેનો આપણે હાશકારો અનુભવીએ છીએ. અંદરથી અમલદાર તરફ જુગુપ્સા ને ગ્રામવાસીઓ માટે પ્રાર્થના કરતું આપણું હૈયું વાર્તા સાથે ઐક્ય ધારણ કરે છે. આખરે અંગ્રેજ સાહેબ ઘવાયેલા લંગડા દીપડાનો શિકાર કરે છે અને આપણને ત્રાસ, દુઃખ અને હાશકારો થાય છે. મેઘાણીની વાર્તાઓની વધુ રસપ્રદ વાતો અને તેનું રસદર્શન આવતે અંકે…..

2 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ – 24 મેઘાણીનું વાર્તા વિશ્વ

  1. વાહ:! ગીતાબેન મેઘાણીની વાર્તાઓનો રસપ્રદ ઇતિહાસ તાજો થઈ ગયો. ‘ શિકાર ‘ ની દિલધડક વાર્તા વાંચી રોમાંચ અને દુઃખ મિશ્રિત લાગણી થઇ.સુંદર લેખ.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.