જ્યારે લેખક, કવિ કે ગીતકારની સંવેદનાઓ વિશે વિચારીએ ત્યારે અવિનાશ વ્યાસ અને એમનાં અમદાવાદ જેવાં અનેક શહેરોને લગતી ગીત રચનાઓ યાદ આવે.
ગયા વખતે આપણે ભારતની આઝાદી અપાવવામાં પાયારૂપ અમદાવાદની સાબરમતીનાં પાણી અને અમદાવાદ શહેરના પાણીદાર લોકોની વાત કરી.
આજે અમદાવાદનું સાવ થોડી મિનિટોમાં દર્શન કરાવતાં એક ગીતને યાદ તો કરવું રહ્યું. કિશોરકુમારના અલ્લડ અને રમતિયાળ અવાજમાં ગવાયેલાં આ ગીતમાં એક લહેરીલાલા જેવો રિક્ષાવાળો હોય તો એ કેવી રીતે અમદાવાદને ઓળખાવે? બસ, એ કલ્પનાને સાકાર કરતી હોય એવી વાત અવિનાશ વ્યાસે કરી છે. શહેરનાં સાંકડા રસ્તા પરથી પણ સર્પાકારે સડસડાટ રિક્ષા હાંકી જતા રિક્ષાવાળાનો તો અમદાવાદમાં રહેનારાને અનુભવ છે. ડાબે જમણે વળવા માટે રિક્ષામાંથી હાથના બદલે પગ બહાર કાઢતા કોઈપણ રિક્ષાવાળાના અસલી મિજાજ સાથે શરૂ થતું આ ગીત…..
હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા
હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષા હાંકું, હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
આ ગીતમાં અમદાવાદની બહારથી આવતા મુલાકાતીઓનેય અમદાવાદની અસલી ઓળખ થઈ જાય એવી રીતે રિક્ષાવાળાના સ્વરૂપે અવિનાશ વ્યાસે આપણને શાબ્દિક રિક્ષામાં ફેરવ્યા છે.
રિક્ષાવાળાની જેમ એ આપણને રીચી રોડનાં ફાફડા-જલેબી જમાડે તો ચેતનાની દાળ પણ એ દાઢે લગાડે. ભદ્રકાળીના દર્શને પણ એ આપણને લઈ જાય. રાત પડે અને અમદાવાદીઓના અને મુલાકાતીના માનીતા માણેકચોક અને એની મોડર્ન પ્રતિકૃતિ જેવા લૉ કે લવ ગાર્ડનની સફર પણ કરાવે..
સાવ મોજીલા શબ્દોમાં ખાવા-ખવડાવવાની વાત કરીને વર્ષો સુધી ભારત પર પોતાની હકૂમત સ્થાપનાર અંગ્રેજો સામે અઝાદીની લડત માંડનાર બાપુને એ ફરી એકવાર યાદ કરતાં કહે છે કે, સાબરમતીનાં પાણીની તાકાત એવી છે કે આ પાણી પીનાર સાચો અમદાવાદી ક્યારેય કોઈની સામે ઝૂક્યો નથી કે ઝૂકવાનો નથી.
એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…
કિશોર કુમાર પાસે ગીત ગવડાવવું કેવું કઠીન છે એ તો સૌ જાણે છે અને તેમ છતાં અવિનાશ વ્યાસે એમની પાસે આ ગીત ગવડાવીને સિદ્ધ કરી બતાવ્યું હતું કે એક ગુજરાતી ધારે એ કરી શકવાને શક્તિમાન છે.
આવી જ બીજી એક રચના છે જેમાં અવિનાશ વ્યાસે અમદાવાદની કેટલીક ખૂબીઓ દર્શાવી છે.
વાત તો એ જાણે કરે છે કોઈ એક ગુલઝારીની નામની કાલ્પનિક વહુની. એ ગુલઝારીને મિજાજી બાદશાહનો ડારો દેતા, મિજાજી બાદશાહની દહેશત બતાવતા આ અમદાવાદી નગરી જોવા જતાં રોકવાની કોશિશ તો કરે છે સાથે આ અમદાવાદી નગરીમાં શું જોવા જાણવા જેવું છે એ કહેતા જાય છે.
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
‘લાલ દરવાજો’ એટલે તો જૂનાં અમદાવાદમાં પ્રવેશવાનો દરવાજો. અહીંથી શરૂ થાય એક એવું અમદાવાદ જે આજે ‘જૂનું અમદાવાદ’ તરીકે ઓળખાય છે.
એ સમય તો મને પણ યાદ છે જ્યારે સાબરમતીના પટમાં તંબુ તાણીને દિવસો સુધી સરકસના ખેલો થતાં. અત્યારે તો કોઈ કોટ કે કોટ ફરતે કાંગરીય રહી હોય એવું યાદ નથી આવતું પણ અવિનાશ વ્યાસની એ રચના જરૂર યાદ આવે છે. અમદાવાદનો ઈતિહાસ યાદ છે ને?
કહેવાય છે કે બાદશાહ જ્યારે શહેર ફરતે કોટ બનાવે અને માણેકબાવા સાદડી વણે. એ સાદડી વણે ત્યાં સુધી કોટ બંધાય અને માણેકબાવા સાંજ પડે સાદડી ખોલી નાખે અને કોટ પડી જાય. છે ને રસપ્રદ? અને પછી તો સાંભળ્યા પ્રમાણે આ માણેકલાલ બાવાજીએ બાદશાહ પહેલાં એમનાં નામનો બુરજ બાંધે તો આગળના કામમાં એ નડતર નહીં ઊભું કરે અને એ માણેક બુરજ હશે ત્યાં સુધી બાદશાહનું શહેર સલામત રહેશે એવી ખાતરી આપી અને કોટ બંધાયો. એલિસબ્રિજના છેડે ઊભેલા આ માણેક બુરજને જોયાનું યાદ છે?
અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નો જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
અમદાવાદના આ કોટની, માણેકબાવાની મઢીની વાત આ રચનામાં અવિનાશ વ્યાસે કરી છે. સીદી સૈયદની જાળી, કાંકરિયાનું પાણી અને ભદ્રકાળીમાં બિરાજેલા માડીને પણ આ ગરબામાં ગાયા છે.
કહે છે કે ભદ્રકાળી મંદિરના ચોકથી ગરબો ચઢતો અને ત્રણ દરવાજા સુધી ફરીને પાછો આવતો. દસ-વીસ હજાર લોકોના પગ ઢોલીડાના તાલે ઝૂમે. આપણે તો જરા આંખ બંધ કરીને આ મેદનીની કલ્પના જ કરવાની રહી.
લોકકથા જેમ વરસો વરસ યાદ રહે એમ આ લોકકથાને વણીને લખેલો ગરબોય વરસો વરસ યાદ રહેશે.
સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નો જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એકદમ લોકગીત લાગે એવા તળપદી શબ્દોમાં લખાયેલા આ ગરબાના તાલે તો કેટલીય ગુજરાતણો શેરીમાં, સ્ટેજ પર ઉત્સાહભેર ઘૂમી હશે. તમે પણ એ લહાવો લીધો તો હશે જને?
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
રાજુલબેન,
અવિનાશ વ્યાસના શબ્દો અને સંગીતના માધ્યમથી એક અમદાવાદીને પણ મજા પડી જાય એવું સુંદર આલેખન.
LikeLiked by 1 person
આભાર રીટાબેન
LikeLike
રાજુ,
અમદાવાદ શહેરની વાત આવે અને લાલદરવાજાની વાત આવે એટલે વતનની માટીની સુગંધ જાણે આવવા માંડે.’એક લાલદરવાજે’ ગરબાનું નામ આવે અને એ ગીત સંગીત કાનમાં ગુંજવા માંડે અને પગ થીરકવા માંડે……શું અવિનાશભાઈની રચનાને સંગીતનો કમાલ છે અને તારી રજૂઆત પણ એવીજ સુંદર….
LikeLike