૨૨-કબીરા

કબીરબીજક -વસંત-૨

કબીર જ્ઞાનમાર્ગી સંત હતા. જ્ઞાનમાર્ગી માટે ઉપદેશક બની જવું સહજ છે. કબીરમાં પણ ઉપદેશનું તત્વ છે પણ એ ઉપદેશ આપીને
અટક્યા નથી. એમનાં દોહામાં ઉપદેશથી વિશેષ જે દેખાય છે તે તેમની દરેક કૃતિમાં જોવા મળતાં પ્રતીક, પ્રતિરૂપ અને રૂપક છે. તેમના આ
કાવ્યતત્વને કવિની ઊંચી કોટીએ લઈ જાય છે. કબીરબીજકનાં વસંતમાં પણ કબીરે જીવન જીવવાની રાહ અનેક અવનવા પ્રતીકથી
સમજાવી છે.

કબીરબીજક વસંતનાં ત્રીજાં પદમાં કબીર કહે છે:

મૈ આયો મેહતર મિલન તોહિ,અબ ઋતુ વસંત પહિરાઉ મોહિ….

.
હે સદગુરુ દેવ, હું તમને મળવા આવ્યો છું. હવે મને નિત્ય વસંતનો પોષક પહેરાવો. મેહતર એ ફારસી ભાષાનો શબ્દ છે. મેહ એટલે વડો, મોટો. મેહતર એટલે સૌનેા વડો. કબીર કાશીમાં રહેતા અને તે વખતે બનારસ ઉત્તરપ્રદેશની રાજધાની હતું. અનેક જાતિના લોકો બનારસમાં રહેતા હતા. તેમની સાથેના સંપર્ક અને ભારતના જુદા જુદા પ્રાંતોના ભ્રમણને લીધે તેમની વાણીમાં જુદી જુદી બોલીની છાંટ દેખાય છે.

આગળના પદમાં કબીર કહે છે:

લંબી પુરિયા પાઈ છીન, સૂત પુરાના ખૂંટા તીન,
સર લાગે તેહિ તિનસો સાઠ, કસનિ બહત્તરિ લાગૂ ગાંઠ.

કબીર તો તેના સાહેબને કહે છે કે લાંબા સમયથી આ શરીરરૂપી વસ્ત્ર ધારણ કરવાનો મારો ક્રમ ચાલ્યા કરે છે. આ શ્વાસરૂપી સૂતર તો અતિ
પુરાણું છે. વારંવાર હવે જન્મમરણનાં ચક્રમાં ફસાવું નથી. થોડો સમય આનંદ આપે તેવી વસંત નહીં પણ કબીરને તો નિત્ય આનંદ આપે તેવી વસંતનું સુખ પ્રાપ્ત કરવું છે.

કબીરને અને તેની વાણીને જ અનુસરીએ તો તેમાંથી બધાં જ શાસ્ત્રોનો સાર આપણને સમજાઈ જાય. તે આગળના દોહામાં કહે છે. પ્રાણરૂપી
સૂતર ત્રણ ખૂંટા સાથે બાંધેલ છે. ત્રણ ખૂંટા એટલે સત્ય, રજસ અને તમસ અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની ત્રણ અવસ્થા કે પછી કામ,
ક્રોધ ને લોભ પણ હોઈ શકે. પરતું કબીરે અહીં યોગની પરિભાષા પ્રયોજી છે એટલે ઇંગલા, પિંગલા અને સુષુમ્ણા નાડીને ત્રણ ખૂંટા ગણી
શ્વાસને તેની સાથે બાંધી દીધો છે. તેમ સમજી શકાય. શરીરમાં ત્રણસો સાઈઠ હાડકાંની ગણતરી કરવામાં આવી છે તેમજ શરીરના બાંધાને
સારી રીતે બાંધવા માટે બોતેર ગ્રંથિઓ છે જેના નામ આ પ્રમાણે જણાવાયા છે; ૧૬ કંડરા, ૧૬ જાલ, ૪ રજ્જુ, ૭ સવની, ૧૪ અસ્થિસંઘાત, ૧૪
સીમંત/અને ૧ ત્વચા મળી કુલ બોત્તેર ગાંઠ.
સાંખ્યશાસ્ત્રની દૃષ્ટિએ પ્રકૃતિનાં પચ્ચીસ તત્વો અભિપ્રેત છે. પાંચ કર્મેન્દ્રિયો, પાંચજ્ઞાનેન્દ્રિયો, પાંચ મહાભૂતો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બુધ્ધિ, અહંકાર, મૂળ , પ્રકૃતિ અને પુરુષ. આ શરીર રૂપી મહેલના દસ દ્વાર છે; બે આંખ, બે કાન, બે નસકોરાં, મુખ, ગુદા, જનનાંગ અને નાભિ.

આમ, આ શરીરરૂપી વસ્ત્ર ત્રણસો સાહીંઠ હાડકાં, બોત્તેર ગ્રંથી અને પચ્ચીસ તત્વવાળી પ્રકૃતિનું બનેલ છે. શરીરનાં દસ દરવાજાને દસ સખીઓ ગણાવી છે. આ સખીઓ અને પચ્ચીસ પ્રકૃતિનાં તત્વો જીવને અનેક પ્રકારે ભટકાવે છે. પોતાનાં સાચા સ્વરૂપથી હમેશાં દૂર રાખે છે તેથી જીવ હમેશાં દુ:ખ અને અશાંતિનો અનુભવ કરે છે. દરેક ઈન્દ્રિયો પોતપોતાનો ભોગ મેળવવા જીવને ફરજ પાડે છે તેથી જીવ એકેને સંતોષી શકતો નથી અને અતૃપ્ત અવસ્થામાં તે પોતાનું કલ્યાણ કરી શકતો નથી.

વસંતના ચારથી આઠ પદમાં કબીરે માયાને નારી સ્વરૂપે વર્ણવી છે. સમસ્ત જગતને માયા કાયમ ઠગ્યા જ કરે છે તેથી માયા મોટી ઠગારી
કહેવાય અને તે તો ભલભલા પંડિતોને, વિદ્વાનોને અને દેવોને પણ મોહિત કરી દે તેવી છે. તેના મેાહપાશમાંથી છૂટવા પ્રયત્ન કરો તો પણ કોઈ
છૂટી શકતું નથી. કબીર નારીના વિરોધી નહોતા પણ નારીને માયાનાં પ્રતીક તરીકે વર્ણવી છે. માયા રૂપી સર્પિણી ગોળાકારે બેસતી હોય છે. તેણે મૂકેલાં ઈંડાનું તે પોતાનાં કુંડાળામાં સેવન કરે છે. જેમ સર્પિણીનાં ઈંડામાંથી બચ્ચાંઓ બહાર
આવે ત્યારે તે બચ્ચાઓને ખાઈ જતી હોય છે અને જે બચ્ચું કુંડળામાંથી બહાર નીકળી શકે તે બચી જાય છે. તેવી રીતે માયારૂપી સર્પિણીનાં કુંડાળામાંથી સિફતપૂર્વક બહાર નીકળવા બહુ જ સાવધાનીની જરુર પડે છે.

વસંત -છમાં કબીરે માયાને અવિદ્યાની માતા તરીકે નિરૂપી છે. અવિદ્યા પોતાના પતિ જીવને પાલવને છેડે બાંધી રાખે છે. ભ્રમરૂપી પાલવને
છેડે બંધાએલ જીવ સકામ કર્મો કરતો જ રહે છે. તેને લીધે જીવને અનેક યોનિમાંથી પસાર થઈ યાતનાઓ સહન કર્યા જ કરવી પડે છે. વસંત-૭ના પાંચમા દોહામાં કબીર કહે છે:

અબકી બાર જો હોય ચુકાવ, કહંહિ કબીર તાકી પૂરી દાવ…..(વસંત૭-પ)

જો સમયસર સર્વ વાસનાઓ અંતરમાંથી ખતમ કરી દેવામાં આવે તો જીવનની બાજીનો દાવ પૂરો થઈ જાય. માનવદેહ મળ્યો હોવાથી જીવ
સાવધાન થઈ જાય તો જન્મ-મરણનાં ચક્રમાંથી અવશ્ય તેને મુક્તિ મળી જાય. માયા પોતે જ આવરણ છે ચેતન તત્વનું. ચૈતન્ય તેનાથી
ઢંકાયેલું રહે છે. માયા દરેકનાં મનમાં પાર્થિવ પદાર્થો માટે મોહ પેદા કરે છે. પછી મોહમાં જીવને આંધળો બનાવી દે છે. જીવનો સર્વ પ્રકારે
વિનાશ કરી નાંખે છે. જે જીવ માયાને ઓળખી લે છે તે જીવમાં માયા જાણે ગાયબ થઈ જાય છે. સાંખ્યશાસ્ત્રમાં આ અંગે માર્ગદર્શન આપતાં
માયાથી અળગા થવાનો સરસ રસ્તો બતાવ્યો છે કે-

દૃષ્ટા મયેત્યુપેક્ષક એકેા દૃષ્ટાહમિત્યુપરમત્યન્યા ।
સતિ સંયોગઽપિ તયો:પ્રયોજનમ્ નાસ્તિ સર્ગસ્ય ॥

માયાને ઓળખી લીધા પછી ચેતન પુરુષ માયાથી અલિપ્ત બની જાય છે અને પુરુષને જાણી લીધા પછી માયા પણ જાણે નિવૃત થઈ જાય છે. તેવી દશામાં મૃત્યુ સુધી માયા પુરુષ સાથે રહેવા છતાં પુરુષનું કંઈ બગાડી શકતી નથી. તેવો જીવ ખરેખર બચી જાય છે. માયાને ઓળખી જનારનાં ‘દાસન કે દાસ’ એટલે દાસનો પણ દાસ, સેવક બનવામાં પણ કબીરને આનંદ આવે છે અને ગાઈ ઊઠે છેઃ

કહંહિ કબીર જો અબકી, બુઝૈ, સોઈ ગુરુ હમ ચેલા.

— જિગીષા પટેલ

4 thoughts on “૨૨-કબીરા

 1. કબીરની નિત્ય વસંત પામવાની મહેચ્છા ..ને નિત્ય વસ્ત્ર ધારણ કરવાની તેમની આત્મા સાથેની અભિવ્યક્તિ સુંદર 🙏👌

  Like

 2. કબીર સાહેબની નિત્ય વસંત પામવાની અર્થાત એક જ જીવનચક્રમાંથી અળગા થઈને હમેંશ માટે પ્રભુ તરફ પ્રયાણ કરવાની વાત ગમી ગઈ.

  આજનો જે સમય મળ્યો છે એ આનંદપૂર્વ જીવી લઈને પરમ આનંદ તરફની ગતિ તો વળી
  સૌના મનની ગમતી વાત….

  Like

 3. ખૂબ ઊંચી અને ગહન વાત…જે કબીરજીએ કહી છે..પામર માનવને સમજવા માટે જન્મો નીકળી જાય અને જે બધાથી પર છે એના માટે વીજળીના ચમકારે મોતીડાં પરોવવાં જેવી વાત છે. જિગીષા બેન, તમે સરસ સમજાવી!

  Like

 4. કબીરજી નિત્ય વસંત પામવાની ઈચ્છા તો બધાને જ હોય પણ કબીરજી એ માટેનો માર્ગ પણ બતાવે છે, એ માર્ગે ચાલનારા કેટલા? જિગીષાબેન, ગહન વિષયની સુંદર સમજ આપી છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.