હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 23 મેઘાણી પિતા-માતાના રોલમાં

‘ઈન્દુમતી રે મારી ઈન્દુમતી! રુમઝૂમતી બેની મારી ઈન્દુમતી!’

પોતાનાં સંતાનો માટે ગીત પંક્તિઓ લખવી ને ગાવી ઘણાં માબાપ માટે સાવ સહજ હોય છે. પછી રાષ્ટ્રીય કવિનું વ્હાલસોયું બિરુદ મળ્યું હોય તેવા કુટુંબપ્રેમી મેઘાણી જ કેમ ન હોય?

વેણીના ફૂલ કાવ્ય સંગ્રહમાં છે તે :નીંદર ભરી રે ગુલાલે ભરી
બેની બાની આંખડી નીંદર ભરી રે….
નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં
અંકાશી હિંચકાની હોડી કરી.
બેની બાની આંખડી નીંદર ભરી રે….
પોતાની પુત્રી ઈન્દુમતીને હિંચોળતાં એમણે આવાં હલરડાની રચના કરી હતી. એમનાં અનેક બાળ કાવ્યોમાં એ પિતૃપ્રેમ છુપાયેલ છે.

સામાન્ય રીતે સાહિત્યકારની ઓળખ માટે જે તે સાહિત્યકારની સાહિત્યિક રચનાઓનું અવલોકન ને મૂલ્યાંકન થતું હોય છે. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય કવિ તરીકે સમજવા માત્ર એમનાં સર્જનનું મૂલ્યાંકન પૂરતું નથી. એમને સમગ્ર વ્યક્તિ તરીકે ઓળખવું મહત્વનું છે. તેઓ કવિ કે સાહિત્યકાર પહેલાં એક સહૃદય વ્યક્તિ હતા અને તેથીયે વિશેષ તેઓ એક ગૃહસ્થી પિતા હતા.

પિતા શિશુ બન્યો. શિશુ, બની રહ્યાં તમે તાત શા!

આપણે એમનાં છસ્સો જેટલાં પત્રોની વાત કરીએ છીએ. પુત્ર અને પુત્રવધૂને – થનાર પુત્રવધૂને – પણ સાચી સલાહ આપનાર મેઘાણીએ પોતાની પુત્રી ઈન્દુમતીનેય એ જ સાચી શિખામણ આપેલી. ભણતર મહત્વનું છે પણ ગૃહકાર્ય પણ ઓછું મહત્વનું નથી. સંતાનો સ્વાવલંબી બને તે માટે કપડાં ધોતાં, વાસણ માંજતાં, ચૂલો ફૂંકતા, વાસીદું વાળતાં એમ સર્વ કાર્ય કરતાં શીખવાડવા સાથે પત્રો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપતા.
ગાંધીજીને એમની આ પારદર્શકતા પસંદ પડી હશે જેમાં કોઈ જાતનો દંભ નથી, ક્યાંય ડોળ નથી, દેખાડો નથી.

તેમનાં મોટાં પુત્રી ઈન્દુમતીબેન ‘શબ્દોનો સોદાગર શતાબ્દી ગ્રન્થમાં ‘મારા પિતા’ લેખમાં લખે છે તેમ પિતા-પુત્રી વચ્ચે ઊંડાણમાં દરેક વાતની ચર્ચા સંભવતી હશે તેમ લાગે છે.

…અને એ વાત આજે આપ સૌ સુજ્ઞ વાચકો સામે શા માટે રજૂ કરું છું? કારણ કે, એમનાં પત્રો માત્ર ભૂતકાળને મમળાવવા માટે નથી પણ ભવિષ્યની વાટે ભાથું બાંધવા માટે છે. પત્રો દ્વારા તત્કાલીન સમાજ સાથે વ્યક્તિનાં વ્યક્તિત્વનો સાચો પરિચય થાય છે. એવાં જ પાત્રો પાછાં આપણે એમની નવલિકાઓનાં પાત્રોમાં ડોકાતાં જોઈશું.

કુટુંબ માટેનો એમનો પ્રેમ કોઈ નિકટનાં સ્વજન પાસે વ્યક્ત કરતાં એમણે લખ્યું હતું, ‘નાનાં બાળકો સિવાય કોઈમાં મારું દિલ ઠરતું નથી. બાકી તો હું ઊખડી ગયેલ મૂળિયાંવાળું ઝાડવું બન્યો છું’

પોતે જેની હૃદયશૂળ વેઠી છે એનું ક્યાંયે પુનરાવર્તન ન થાય એ માટે રૂબરૂ-પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કે પાત્રો દ્વારા સંતાનોને સાચી સલાહ આપે છે.

ઈન્દુમતીબહેન પોતાના એ મહાન પિતાને યાદ કરીને જણાવે છે કે, ‘મને મારી મા યાદ નથી પણ મારા બાપુ પાસેથી માનું વ્હાલ પણ પામી. મારા અનેક અંગત પ્રશ્નોમાં તે રસ લેતા અને મદદરૂપ થતા.’

એમણે લખેલ એક પત્ર આપણને આજે પણ વિચારમાં મૂકી દે છે કે કેવી નિખાલસ રીતે યૌવનને ઉંબરે ઊભેલી દીકરી પિતાને પોતાની શારીરિક સમસ્યા જણાવે છે.

‘વ્હાલા પૂજ્ય બાપુજીની સેવામાં – એમ પત્રની શરૂઆત કરી અને અંતે, ‘એક વાત લખવી ભુલાઈ ગઈ. મારે જે મેન્સીસને સમયે મુશ્કેલી રહેતી હતી તે હજુ ચાલુ જ છે. ખૂબ વેદના થાય છે. આગળથી જ ચાર-પાંચ દિવસ દુખાવો રહે છે. શું કરવું? દેશી દવા કરી હોય તો?’
કેવી નિખાલસતાથી પિતા-પુત્રી પત્રો દ્વારા એ સંવાદ રચે છે! જાતીય જ્ઞાન બાબત આપણા સમાજમાં એક પ્રકારનો છોછ આજે પણ પ્રવર્તે છે ત્યારે આજથી લગભગ સો વર્ષ પૂર્વે પણ મેઘાણીના વિચારો કેવા નિખાલસ હતા!

સંતાનો સાથે કમ્યુનિકેશનની લિંક ચાલું રહે તે માટે પત્રો દ્વારા જળવાઈ રહેલ આ વિચારસેતુ કેટલો મહત્વનો છે તે અન્ય પિતા-પુત્રીઓના સંદર્ભમાં વિચારતાં ખ્યાલ આવશે.

ફાધર્સ ડે પણ નજીકમાં જ છે તો સરદાર વલ્લભભાઈ અને તેમના પુત્રી મણીબેનને, જવાહરલાલ નહેરુ અને પુત્રી ઇન્દિરા ગાંધીને અને તે સૌ દીકરીઓનાં જીવનને યાદ કરી લઈએ. પિતાનું સ્થાન સંતાનોના ઉછેરમાં ખાસ મહત્વનું છે. એટલું કહીને ખાસ વિષયાંતર કર્યા વિના મેઘાણી જેવા મહાન વ્યક્તિત્વને અહીં અંજલિ અર્પીશું.

એમની નિર્ભીક પર્સનાલિટી, સ્પષ્ટવક્તાપણું વગેરે વિષે આપણે જયારે એમના પત્રકારત્વ વિષે વાત કરીશું ત્યારે ઊંડાણથી વિચારીશું. પણ હવે અહીંથી ઊડીશું એમના નવલિકા પ્રદેશમાં… આવતે અંકે….

9 thoughts on “હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 23 મેઘાણી પિતા-માતાના રોલમાં

  1. ગીતાબહેન,આ આર્ટિકલમાં આપે પિતા-પુત્રીનાં આટલા નિખાલસ સંબંધની વાત કરી અને તેપણ સો વર્ષ પહેલા તે ખરેખર ખૂબ બિરદાવવા લાયક અને મેઘાણી એ જમાનાથી કેટલા આગળ હશે તે દર્શાવે છે.સમાજની આંખો ખોલે તેવી આ વાત મને ખૂબ ગમી ગઈ.આવી અને બીજી અનેક વાતો અમને મેઘાણીની આપ થકી જાણવા મળશે ….અભિનંદન

    Liked by 1 person

  2. બહુ જ સરસ પિતાપુત્ર ને સુંદર રીતે બિરદાવ્યા..મેઘાણી ને તેમના કાવ્યો ખૂબ જ સુંદર ને તમારા જેવા તેની પર અભિવ્યક્તિ કરી લોકો સુધી પહોંચાડે..ધન્ય છે👌

    Liked by 1 person

  3. ખૂબ સરસ ગીતાબેન! સો વર્ષ પહેલાં અને આજે ઘણું બદલાયું.પણ ના બદલાયો આ પિતા, પુત્રી વચ્ચેની સાહજિકતા. Happy Father’s Day!

    Liked by 1 person

  4. Thank you Jigishaben , Jayshreeben , Kalpnaben , Prakashbhai , Bhartiben and all my column readers! મિત્રો ! આજે દિવસે બે ત્રણ મિત્રોએ પણ વાતચીતમાં ઝવેરચંદ મેઘાણી અને તેમના પત્રોનો ઉલ્લેખ કર્યો અને મન આનંદથી પુલકિત થઇ ગયું એક મહાન વ્યક્તિને અંજલિ અર્પતાં આપણે પણ ધન્યતા અનુભવીએ ! Happy Father’s Day to all Dads and dad- like figures !

    Like

  5. અંક ૨૩ પિતા પુત્રી નો પ્રેમ તો વરસો વિતે તો પણ બદલાતો નથી મારા બચપન ની જિંદગી ની યાદ તાજી કરાવી દિધી મને મારી માં મને સખત પ્રેમ વરસાવતી પરંતુ મેં પિતાનો અખૂટ પ્રેમ અનુભવેલો છે આજ પણ યાદ આવે છ
    ગીતાબેન ખુબખુબ અભિનંદન 👌👌❤️

    Liked by 1 person

  6. ગીતાબેન મેઘાણી ના ગૃહ સઁસાર સમાજ નિરીક્ષન નિ તમારી લેખન માં સરસ રજુઆત કરીછે અભિનંદન
    નલિની ત્રિવેદી

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.