૨૦ – કબીરા

કબીરબીજકના કહરામાં કબીરે જીવન જીવવાની અણમોલ ચાવીઓ બતાવી છે એટલે કહરા પ્રકરણને આપણે વિસ્તારથી સમજીએ. માનવ માત્ર બંધનમાંથી મુક્ત થઈ શકે તેવા વિચાર કબીરે જગતનાં બજારમાં વ્યક્ત કર્યા છે. જે કોઈ આ વિચારોને સાંભળશે અને ધ્યાન દઈ તેના પર ચિંતન-મનન કરશે તેને જરુર મુક્તિનો માર્ગ મળશે, એવી ખાતરી સાથે કબીરે આ કહરાની રચના કરી છે.
મનુષ્યનું આયુષ્ય એળે જાય છે. એની વ્યથા કે એની કથા વિધવિધ રીતે કબીરના પદોમાં અંકિત થઈ છે. માણસ કેટલું બધું આનંદ-પ્રમોદને નામે ગુમાવતો હોય છે અને જીવવાનો ઢોંગ કરતો હોય છે. આખું આયુષ્ય જાણે કશી બેહોશીમાં વીતી જાય છે! જ્યારે જાગીએ છીએ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. કબીર પાસે વાતને સાંકેતિક રીતે રજૂ કરવાનો એક વિશિષ્ટ તરીકો છે.
અટપટ કુંભરા કરે કુંભરૈયા, ચમરા, ગાંવ ન બાંચે હો
નિત ઉઠિ કોરિયા પેટ ભરતુ હૈ, છિપિયા આંગન નાચે હો….
મન રૂપી કુંભારનું રૂપક આપીને કબીરે સંસારની રચનામાં મનનાં મહત્વને અને તેના તરંગી અને અટપટા સ્વભાવને દર્શાવ્યો છે. માનવ મનને રંગરેજની ઉપમા આપી છે. માનવ શરીર જડ છે એટલે તેને ચામડાનું બનેલ ગામ કહે છે. તે નિત્ય પરિવર્તનશીલ છે. તે ટકાઉ નથી તેથી સ્મશાનમાં રાખ થઈ જાય છે. પણ આપણાં મને ડગલે પગલે ગ્રહણ કરેલા સંસ્કાર જતા નથી. તે સંસ્કારની છાપ તેવી જ રહે છે તેને કારણે માણસને બીજીવાર શરીર ધારણ કરવું પડે છે. આમ, મન રૂપી રંગરેજનું કામ ચાલ્યાં કરે છે.
આમાંથી નીકળવના ઉપાય તરીકે આત્માને પ્રિયતમ- પતિ કહી, શરીર રૂપી ગામમાં વસેલ પાંચ તરુણી એટલે પાંચ જ્ઞાનેન્દ્રિય પર જો મનથી સંયમ કેળવી શકાય તો મુક્તિનો માર્ગ સહેલો થઈ જાય અને ચોર્યાશી લાખ ફેરા મટી જાય.
કબીરની વાત આપણે સરળતાપૂર્વક સમજવાં કોશિશ કરીએ તો આપણું મન મર્કટ એટલે માંકડાં જેવું છે. આપણે ઘરડાં થઈ જઈએ છીએ; વાળ ધોળા, શરીર પર કરચલી, મોમાં દાંત ન હોય પણ મનની સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છાઓ જતી નથી. શરીર ઘરડું થાય પણ વિષયવાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ પર મન વિજય મેળવી શકતું નથી.
રામનામ કાે સેવહુ બીરા, દૂરિ નહિ દૂરિ આશા હો
ઔર દેવ કા સેવહુ બૈારે, ઇ સબ જૂઠી આશા હો….
રામ રામ માણસ જપ્યા કરે છે પણ તેનું મન તો મલિન છે. હ્રદયમાં રહેલા રામને ભૂલીને બીજા દેવની પૂજા કરવામાં આપણી ભ્રમાત્મક મનોદશા સારી રીતે વ્યક્ત થાય છે કે દેવ પ્રસન્ન થશે અને આપણી મનોકામના પૂર્ણ થશે. આવી મિથ્યા આશામાં આપણું જીવન વેડફાય છે. તે દુ:ખનું કારણ બની જાય છે. તેથી જ, બગભગત જેવા ગુરુઓ લોકોને તેમની મનોકામના પૂરી કરી આપવાનાં બહાનાં હેઠળ પૈસા પડાવે છે. શ્રીમદ ભાગવત પણ કહે છે કે
આશા હિ પરમં દુઃખ નૈરાશ્ય પરમં સુખમ્ (૧૧-૪૩)
આશા જ પરમ દુ:ખનું કારણ છે. આશા વિહિનતા પરમ સુખનું કારણ છે. આત્મદેવને જ
એકમાત્ર દેવ ગણવો જોઈએ તે સિવાયના બધાં દેવો કલ્પિત છે. આત્મદેવની ફરતે આપણે જાતે જ વૈચારિક પડદાઓ ઊભા કર્યા છે. તેથી, આપણી અંદર હોવાં છતાં આપણે તેનાં દર્શન કરી શકતાં નથી. પડદાઓ હટી જાય તો આત્માની અનંત શક્તિનો અનુભવ થઈ શકે. આત્માથી અલગ કોઈ રામની કલ્પના કબીરને માન્ય નથી.
બીજુ, રોજબરોજનું જીવન જીવવાં વિશે કહેતાં કબીર પ્રામાણિકતાથી ધંધો કરી લોકોને છેતરવાનું બંધ કરવાનું સમજાવે છે. ચાર શેર આપવાનું કહી ત્રણ શેર આપતો વેપારી ચોર જ છે. કબીર તો તેની કડવી વાણીમાં સમજાવતાં કહે છે: તારા પિતા, દાદા અને પરદાદા બધી સંપત્તિ છોડીને ચાલ્યા ગયા છે. તો શું તારી આંખો ફૂટી ગઈ છે કે તને એ દેખાતું નથી? મેળવેલું તમામ ધન દરેક માણસે અહીં જ મૂકીને જવું પડે છે છતાં માણસ મરણ સુધી ધન પાછળ આંધળી દોટ લગાવતો રહે છે.
અહીં મહાભારતનો યક્ષ-યુધિષ્ઠિર સંવાદ યાદ આવે છે. યક્ષ પ્રશ્ન કરે છે કે, જગતનું મોટું આશ્ચર્ય શું? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે, દરેક જીવ અહીં કાયમ રહેવાનો હોય તે રીતે વર્તે છે તે મોટું આશ્ચર્ય છે. પ્રત્યેક માણસ સ્મશાનયાત્રામાં જાય છે અને જાણે છે કે મારો પણ એક દિવસ આવો જ વારો આવશે છતાં અભિમાનમાં બધું ભૂલી કાયમ રહેવાનો હોય તેવી રીતે વર્તે છે. મનની અનંત કોટિ કામનાઓને કારણે આત્મારૂપી હીરો બંધનમાં પડે છે.
કબીર તો કહરામાં પોતાની સરળતા થકી સમજાવે છે કે વિવેક જ્ઞાનથી સમજદાર વ્યક્તિ હ્રદયમાં રહેલા રામનો સાક્ષાત્કાર કરી લેશે તો તેનો જન્મ સાર્થક થઈ જશે. હ્રદયમાં રહેલ આત્મતત્ત્વ શિવ સ્વરુપ છે. આકાશમાં ચંદ્ર તો એક છે છતાં પાણીથી ભરેલા નાના મોટા ઘડામાં તેનું પ્રતિબિંબ અનેક ચંદ્ર હોવાનો ભાસ પેદા કરે છે. તે જ રીતે આત્મતત્ત્વ એક અને અખંડ છે છતાં તે અનેક સ્વરુપે દેખાય છે. તેવી રીતે સર્વશક્તિમાન એક અને અખંડ હોવાં છતાં સર્વમાં જુદાજુદા દેખાય છે. માનવનું મન પોતાનાં ચેતન સ્વરુપમાં મગ્ન રહે તો કાળભેદનો અનુભવ થતો નથી અને સર્વ પ્રકારના ભેદો ઓગળી જાય છે.
કહરામાં છુપયેલ આ વેદ, ઉપનિષદ, ગીતા અને રોજબરોજનાં વહેવારમાં ઉપયોગી કબીરની વાણી સાંભળીને મને લાગે છે કે માનવો, દેવો અને મુનિઓ હર હંમેશ જેની શોધ કર્યા કરે છે તે આત્મતત્ત્વ કબીરે ચોક્કસ પામી લીધું હશે. અને એટલે જ છેલ્લે કહરામાં તે કહે છે કે માયાથી કોઈપણ રીતે માનવે વિમુખ થવું જોઈએ. વિશ્વામિત્ર અને નારદજી જેવા મુનિઓ પણ માયાના મોહમાં આવી ચલિત થઈ ગયા હતા તો સામાન્ય માણસને તો માયાથી છૂટવાં મક્કમ મનોબળ અને ધીરજની જરુર પડે જ. આમ, કબીરે કહરાનાં બાર પ્રકરણમાં જીવન જીવવાનો સાચો રાહ બતાવી દીધો છે.
જિગીષા પટેલ

4 thoughts on “૨૦ – કબીરા

  1. માનવો, દેવો અને મુનિઓ હર હંમેશ જેની શોધ કર્યા કરે છે તે આત્મતત્ત્વ કબીરે ચોક્કસ પામી લીધું હશે અને એટલે જ આટલી ગહન વાતો એમના માટે સાવ સહજ બની રહી હશે.
    કહે છે ને કે સત્ય તો કડવું જ હોય એટલે જ કદાચ કબીરની વાણી કડવી લાગતી હશે પણ કડવો લીમડો કે કડવા ઔષધ કેટલા ગુણકારી છે એ આપણે ક્યાં નથી જાણતા?

    કોઈ કડવાશ જુએ તો કોઈ ગુણ… કોણ શું જુએ છે એ તો પોતાના પર નિર્ભર છે ને?
    સરસ લેખ જિગીષા

    Liked by 1 person

  2. દેવની પૂજા કરવામાં આપણી ભ્રમાત્મક મનોદશા સારી રીતે વ્યક્ત થાય છે કે દેવ પ્રસન્ન થશે અને આપણી મનોકામના પૂર્ણ થશે. આવી મિથ્યા આશામાં આપણું જીવન વેડફાય છે. તે દુ:ખનું કારણ બની જાય છે. તેથી જ, બગભગત જેવા ગુરુઓ લોકોને તેમની મનોકામના પૂરી કરી આપવાનાં બહાનાં હેઠળ પૈસા પડાવે છે……. આજથી ચાર સદી પહેલાં કબીરે આમ કહ્યું પણ હજુ આજે પણ …? Very nice article , Jigishaben!

    Liked by 1 person

Leave a Reply to Kalpana Raghu Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.