मेरे तो गिरधर गोपाल – 20 : અલ્પા શાહ

हे री मैं तो प्रेमदिवानी : મીરાંબાઈનાં પ્રેમરસથી છલકતાં પદો

हे री मैं तो प्रेम-दिवानी मेरो दरद न जाणै कोय।
दरद की मारी बन बन डोलूं बैद मिल्यो नही कोई॥

મીરાંબાઈ પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ટા હતાં. મીરાંબાઈ માટે ગિરિધર ગોપાલ જ સર્વસ્વ હતા; પ્રિયતમ, પ્રેમી, પતિ બઘું જ. મીરાંબાઈનો શ્યામસુંદર સાથેનો અલૌકિક સંબંધ માત્ર અને માત્ર પ્રેમભાવનાં તાંતણે બંધાયેલો હતો. કહેવાય છે કે જયારે ચિત્તમાં કોઈ પણ ભાવનો પ્રમાણથી વધું માત્રામાં આવેશ જાગે ત્યારે મનુષ્યની મન:સ્થિતિ વશમાં નથી રહી શકતી અને એ પરિસ્થિતિમાં મનુષ્ય પોતાનાં હૃદયમાં ઊઠતું લાગણીઓનું પૂર શબ્દો દ્વારા વહાવી દેવાં વિવશ થઈ જાય છે. જો વિરહનો ભાવ અધિક માત્રામાં હોય તો શબ્દોમાં વિરહ વેદના વહે છે અને જો પ્રેમભાવનું પ્રાધાન્ય હોય તો શબ્દોમાંથી પ્રેમરસ છલકે છે. આજે આપણે મીરાંબાઈનાં અમુક પ્રેમરસથી છલકતાં પદોની છોળોમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

મીરાંબાઈનાં આ પ્રેમરસથી છલકાતાં પદોમાં ક્યાંક સખી બનીને પોતાના પ્રિયતમ માટેનો માધુર્યભાવ પ્રગટ કર્યો છે તો ક્યાંક પત્ની સ્વરૂપે પોતાના પતિ માટેનો આદરપૂર્ણ પ્રેમભાવ પ્રગટ કર્યો છે. તો વળી, ક્યાંક ઉત્કંઠા, પ્રતીક્ષા, આશા, કલ્પના અને ક્યાંક અવહેલનાનો ભાવ પણ પ્રગટ થયો છે. નીચેનાં સુંદર પદમાં મીરાંબાઈ શ્યામસુંદરનાં મનમોહક ચંદ્રવદન પર રૂપાસકત થઈ ગયાનો ભાવ કરે છે અને રજુ કરે છે કે, પ્રિયતમની સાંવરી મુખચંદ્રની અપૂર્વ છટા પર પોતે મુગ્ધ થઈ ગયેલ છે અને શ્યામસુંદરનાં કમલનયનની માધુરીએ તેમને આકુળ-વ્યાકુળ કરી દીધેલ છે.

चंद्र वदन पर म्हारो भंवरो बस्यो ए आली
जल बिच कमल कमल बिच कलियाँ
कलियाँने देख्यां म्हारो भवर हस्योँ ए आली
लगन लगी जड़यां लाज कहाँ गई
प्रीत करया पाछो पड़दो कश्यो ए आली
मीरांबाई के प्रभु गिरिधर नागर
हरि का चरणां में महारो जीवड़ो फँस्यो ए आली.

તો વળી, નીચેનાં પદમાં મીરાંબાઈનો પ્રેમરસ સમર્પણ ભાવે પ્રગટ થયો છે. મીરાંબાઈ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને જાણે પોતે હરિના હાથે વેચાઈ ગયાં હોય તેવો ભાવ પ્રગટ થયો છે. આટલા સરળ શબ્દોમાં આવો દ્રઢ પ્રેમાનુરાગ માત્ર મીરાંબાઈ જ રજૂ કરી શકે.

भाई मेरे नैनन बन परी री
जा दिन नैना श्याम न देखौ बिसरत नाही घरी री
चित बस गई सांवरी सूरत उरते नाही टरी री
मीरां हरि के हाथ बिकानी सरवस दे निबड़ी री

મીરાંબાઈનાં અમુક પ્રેમરસનાં પદો તેમણે નૈવૈદ્ય-સમર્પણના ભાવથી રચ્યાં છે. જે સામાન્ય રીતે થાળ તરીકે ગવાતાં હોય છે. નીચેનાં પદમાં તેમનો ભારોભાર વિનમ્રતાનો ભાવ પણ પ્રગટ થાય છે અને પ્રભુ તો ભાવનાં જ ભૂખ્યા છે. તેની પ્રતીતિ પણ મીરાંબાઈ આ પદમાં કરાવે છે.

હરિ મેં તો કીધી છે ઠાકોર થાળી રે, પધારો વનમાળી રે વનમાળી
પ્રભુ કંગાળ તોરી દાસી, હાંરે પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી
દાસીની પૂરજો આશી!
પ્રભુ સાકર, દ્રાક્ષ, ખજૂરી, માંહે નથી બાસુંદી કે પૂરી
મારે સાસુ નણદીની સૂળી
પ્રભુ ભાત ભાતના મેવા લાવું, તમે પધારો વાસુદેવા
મારે ભુવનમાં રજની રહેવાં
હાંરે મેં તો તજી છે લોકની શંકા, પ્રીતમ કે ઘર હે બંકા
બાઈ મીરાંએ દીધા ડંકા

શ્રીમદ ભાગવતના ૧૧મા સ્કંધનાં ૧૪મા પ્રકરણના નીચેના શ્લોકમાં ભગવાન પ્રભુપ્રીતિનું માહાત્મ્ય સમજાવે છે.

वाग् गद्गदा द्रवते यस्य चित्तं
रुदत्यभीक्ष्णं हसति क्व‍‍चिच्च
विलज्ज उद्गायति नृत्यते
मद्भ‍‍क्तियुक्तो भुवनं पुनाति २४

અર્થાત, હરિનું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્યની વાણી ગદગદિત થઈ જાય છે, હૃદય દ્રવિત થઈ જાય છે તે ક્યારેક ઊંચા સ્વરે સ્મરણ કરે છે, ક્યારેક અશ્રુઓની વર્ષા થાય અને ક્યારેક બધી લાજશરમ છોડી મુક્ત મને નાચતાં નાચતાં હરિનું ગુણગાન ગાય છે. એ મનુષ્ય સ્વયં તો પવિત્ર આત્મા હોય જ છે પણ તે પોતાના સત્સંગથી તેની આજુબાજુનાં જગતને પણ પવિત્ર કરી દે છે. મીરાંબાઈ પણ આવો એક પવિત્ર આત્મા જ હતો. ગિરિધર ગોપાલ પ્રત્યેના પ્રેમમાં મીરાંબાઈની ઉત્કટતા પણ હતી અને ઉત્કંઠા પણ હતી, વિરહ પણ હતો અને વહાલ પણ હતું. મીરાંબાઈનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ unconditional (બિનશરતી) હતો. ઘણીવાર એવો વિચાર આવે કે, શું આ રીતે કોઈને ચાહવું આ કળિયુગમાં શક્ય છે? આ સંસારના મોટા ભાગના લૌકિક સબંધો conditional હોય છે કે જ્યાં બંનેને એકબીજા પાસેથી કંઈક અપેક્ષા હોય છે. માત્ર મા-બાપનો સંતાન સાથેનો સબંધ મહદંશે unconditional હોય છે. એટલે જ કદાચ મોટા ભાગના લૌકિક સબંધોમાં અપેક્ષા પૂરી ન થતાં હચમચવાં લાગે છે. મીરાબાઈનો કૃષ્ણપ્રેમ તો અલૌકિક અને અમાપ હતો અને એ જ તો પ્રેમ કરવાની સાચી રીત છે. The measure of love is to love without measure.

તો ચાલો, આજે મીરાંબાઈના અદભુત કૃષ્ણપ્રેમને મનમાં મમળાવતાં મમળાવતાં મારી કલામને વિરામ આપું છું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.