मेरे तो गिरधर गोपाल – 19 : અલ્પા શાહ

મીરાંબાઈના નીડર આત્મ-નિશ્ચયનાં  પદો.

सन्तुष्ट: सततं योगी यतात्मा दृढनिश्चय: |
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय: || 14||

શ્રીમદ ભગવદ્ ગીતાના ભક્તિયોગના ચૌદમા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે ભક્ત હંમેશા સંતોષી અને દ્રઢનિશ્ચયી બની મારી ભક્તિમાં જ મન અને બુદ્ધિ પરોવી રાખે એ ભક્ત મને ખૂબ પ્રિય છે. આમ, દ્રઢનિશ્ચય એ એક યૌગિક લક્ષણ માનવામાં આવે છે અને મન અને બુદ્ધિનાં સમન્વયથી જ તેનો જન્મ થાય છે. મન અને બુદ્ધિ એક સિક્કાની બે બાજુઓ હોય તેમ કલ્પી શકાય. મન અને બુદ્ધિ એકબીજાથી સાવ અલગ પણ તેઓની સરહદો એકબીજામાં ઓગળી જાય. મનુષ્યનનાં મનમાં કોઈપણ કાર્યના આરંભમાં  અનેકાનેક વિચારો હિલોળા લેવા માંડે છે. સારા-નરસા તર્ક-વિતર્કનાં ટોળાનું તુમુલ યુદ્ધ ચાલે છે. મનની આવી ડામાડોળ પરિસ્થિતિ હોય ત્યાં સુધી કાર્ય પૂર્ણ થવું અસંભવ છે. મન દ્વારા ઊમટતા વિચારોનાં ટોળાની વચ્ચે બુદ્ધિ સારા-નરસાનો વિચાર કરી પછી કાર્ય પૂર્ણ કરવાનો નિશ્ચય કરે છે અને ત્યારપછી જ એ કાર્ય પૂર્ણ થાય છે. પ્રતિજ્ઞા અને નિશ્ચયમાં થોડોક ફરક છે. પ્રતિજ્ઞાની મર્યાદા અથવા ક્ષેત્ર સીમિત હોય છે જયારે નિશ્ચયનું ક્ષેત્ર અમાપ અને વ્યાપક હોય છે. પ્રતિજ્ઞા ક્યારેક ભાવાવેશમાં કે આઘાતની સ્તિથીમાં લેવાઈ જાય છે જયારે નિશ્ચય હંમેશા વિવેક-બુદ્ધિનો ઉપયોગ કરી ને જ લેવાય છે.

આ સંસારમાં ઉચ્ચ કોટિના સંત-મહાત્માઓએ તેમનાં જીવનમાં પોતાની બુદ્ધિ દ્વારા વિવેકપૂર્વક નિશ્ચય કરીને દ્રઢતાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવતા આવ્યા છે. મીરાંબાઈની પરિસ્થિતિ બીજા બધા સંતમહાત્માઓથી સર્વથા વિપરીત હતી. એક તો તેઓ અબળા નારી હતાં, પછી જન્મ રાજકુળમાં અને લગ્ન એક ક્ષત્રિયકુળમાં જ્યાં નારીઓ પર અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. જીવનના સંજોગોએ તેમને એકબાજુ સાંસારિક સંબંધો અને બીજી બાજુ પ્રભુભક્તિની વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની ફરજ પાડી અને તેમણે પ્રભુભક્તિની પસંદગી કરી. આમ, સર્વ પ્રકારની પરતંત્રતાની પરિસ્થિતિમાં પણ તેમના દ્રઢનિશ્ચયના લીધે તેઓ આત્મકલ્યાણનો માર્ગ પસંદ કરી શક્યાં.

મીરાંબાઈ માટે તેમનો દ્રઢનિશ્ચય પ્રભુ પ્રાપ્તિના ધ્યેયને સિદ્ધ કરવા માટેનું અવિભાજ્ય અંગ હતો. મીરાંબાઈનાં ઘણાં બધાં પદોમાં તેમણે આ ભાવ પ્રદર્શિત કર્યો છે.  એક વખત તેમણે દ્રઢનિશ્ચય કરી લીધા પછી તેમની સાધનામાં આવતાં બાધક તત્વોને પણ પોતાના નિશ્ચયની ચોખવટ ખૂબ જ સ્પષ્ટતાથી કરી દીધી છે. જેમકે, નીચેનાં પદમાં મીરાંબાઈ બાધક તત્વોને ખૂબ નીડરતાપૂર્વક ચેતવણીના સૂરમાં સંદેશો આપે છે.

माई हूँ श्याम के रंग राची
मेरे बिच परो मत कोऊ. बात चहुँ दिशि मांची
जागत रैनि रहै ुर ऊपर, ज्यूँ कंचन मणि साँची
होय रही सब जग में जहर, फेरी प्रगट होइ नांची
मिली निसान बजाय कृष्ण सूं, जो कछु कहो सो साँची
जन मीराँ गिरिधर की प्यारी, मोहोबत है नहीं काची

મીરાંબાઈ જાણતાં હતાં કે તેમની સાધનાના માર્ગે આગળ વધવામાં તેમને ઘણી નિંદા-સ્તુતિનો સામનો કરવો પડશે અને પોતાના ધ્યેય સુધી પહોંચવાં તેમણે એ સર્વ વાતો મનમાં ના લાવતાં અવગણવી પડશે. આવો જ કંઈક  ભાવ મીરાંબાઈ પોતાનાં નીચેનાં પદમાં રજૂ કરે છે. મીરાંબાઈ દ્રઢનિશ્ચય સાથે દુનિયાનાં મહેણાંટોણાં સહન કરીને પણ પોતાના પથ પર આગળ વધતા રહેવાનો ભાવ આ પદમાં પ્રગટ કરે છે.

કોઈ કહે તેને કહેવાં રે દઈએ, આપણે હરિ ભજનમાં રહીએ રે,
ઉગત ભગત બે જુદાં બસે છે, તેમાં ભક્તપણું કોને કહીએ રે,
ભક્તપણું તબ જાણીએ આપણે, સૌનાં મેણાં સહીએ રે,
હીરા ને કંકર એક જ રંગા, તેમાં હીરાપણ કોને કહીએ રે,
હીરાપણું તબ જાણીએ આપણે, ઘાવ ઘણેરા સહીએ રે
બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર, ચરણ કમલ પર ચિત્ત દઈએ રે.

મીરાંબાઈનાં આ પદ પરથી એટલું ફલિત થાય છે કે, મીરાંબાઈએ સ્થિતપ્રજ્ઞની અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગના છપ્પનમાં શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તેમ: જે મનુષ્ય સુખ અને દુઃખ, પ્રસંશા અને નિંદાથી વિચલિત થયા વગર અનાસક્ત રહી શકે એ સ્થિતપ્રજ્ઞતાની અવસ્થા સુધી પહોંચવાને સમર્થ છે.

दु:खेष्वनुद्विग्नमना: सुखेषु विगतस्पृह: |
वीतरागभयक्रोध: स्थितधीर्मुनिरुच्यते || 56||

આપણે સામાન્ય મનુષ્યો તો માનવ સહજ સ્વભાવને લીધે કોઈપણ અપ્રિય પરિસ્થિતિનો સામનો થાય ત્યારે વિચલિત થઈ જ જઈએ છીએ. પણ આપણે જો એટલી સમજણ કેળવી લઈએ કે, આ દુનિયામાં આપણે ગમે તે દિશામાં આગળ વધીશું પણ આપણે નિંદા અને ટીકાનો સામનો તો કરવો જ પડશે. આ વિશ્વમાં નકારાત્મકતાનાં ઉદ્ભવસ્થાનોની કોઈ જ ખોટ નથી. દિવસે ને દિવસે એ વધતાં જવાનાં છે અને તેને અટકાવવાં આપણા માટે શક્ય નથી. આ નકારાત્મકતાઓ આપણને કેવી રીતે અસર કરે છે તે નક્કી કરવાનું આપણા જ હાથમાં છે.An entire sea of water can’t sink a ship unless it gets inside the ship. Similarly, the negativity of the world can’t put you down unless you allow it to get inside you.” જ્યાં સુધી આપણે આ નકારાત્મકતાઓને આપણી અંદર નહિ પ્રવેશવા દઈએ ત્યાં સુધી આપણી જીવનનૈયાની સફરને પ્રભુ સિવાય કોઈ ડગાવી નહિ શકે.

ચાલો આજે આ વિચાર સાથે અને સ્થિતપ્રજ્ઞતાની અવસ્થા તરફ એક ડગલું આગળ વધવાના દ્રઢ નિશ્ચય સાથે મારી કલમને વિરામ આપું છું.

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

— અલ્પા શાહ

1 thought on “मेरे तो गिरधर गोपाल – 19 : અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.