હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 19 : મેઘાણી અને દાંડીકૂચ


હજારો વર્ષની જુની અમારી વેદનાઓ!
કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.

હા, જીવનમાં ક્યારેક એવું બને કે ગુનો કર્યો ના હોય, કોઈ ખોટા પુરાવાઓ રજૂ કરે અને નિર્દોષને જેલમાં જવાનો વારો આવે! પણ તમે એવું જોયું છે કે જે ગુનો કર્યો જ નથી  તેને માટે જેલમાં જવાનો પણ આનંદ આવે? ગાંધીયુગમાં એવાં ઘેલાં લોકોનો તોટો નહોતો. ઝવેરચંદ મેઘાણી એ જ ગાંધીયુગના બડભાગી ઇન્સાન હતા!

૧૯૩૦ના માર્ચ મહિનામાં ગાંધીજીએ બ્રિટિશ રાજ્ય સામે ‘સવિનય કાનૂન ભંગ’નું એલાન કર્યું . એ વખતે ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમ અને ખુમારીથી ભરેલ ‘સિંધૂડો’ કાવ્ય સંગ્રહ લોકોને આપ્યો હતો. સરકાર મેઘાણીને પકડવા પેંતરો રચતી જ હતી કારણ કે મેઘાણીનાં કાવ્યો લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનો એક જુવાળ ઊભો કરતાં હતાં.

ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
પૂરપાટ ઘોડલે છૂટો,
ઓતરાદા વાયરા ઊઠો, ઊઠો રે તમે ઓતરાદા વાયરા, ઊઠો!
મેઘાણી લખતાં, ગમે તે જુવાનિયાનું લોહી ગરમ થઈ જાય તેવા શબ્દો. આ પંક્તિઓ જુઓ :

આવો વિપ્લવ! આવો જ્વાળામુખી? આવો રૂડા ભૂમિકમ્પ રે!
મેઘાણીનાં એક એક કાવ્યમાંથી સ્વાતંત્ર્ય માટેની તીવ્ર અભિલાષા પ્રગટતી હતી: આઝાદીનો પવન ફરી વળ્યો હતો. દેશ દાઝ, દેશપ્રેમ અને આ દેશ્ભક્તિનાં કાવ્યો!

શિવજીનાં હાલરડાંના ઢાળ ઉપરની આ પંક્તિઓ જુઓ:

માતા તારો બેટડો આવે, આશાહીન એકલો આવે!
જ્વાળામુખી એને કાળજડે રે, ને આંખમાં અમૃત ધાર!
ભેળાં કાળ નોતરાં લાવે, માતા તારો બેટડો આવે!

ગાંધીજી માટે લખાયેલ આ આખું જ કાવ્ય સરસ છે. પણ અહીં, એનો ઉલ્લેખ માત્ર કરીને આપણે દાંડીકૂચના એ પ્રસંગ તરફ પ્રયાણ કરીએ.
..
દાંડી સત્યાગ્રહનો એ ૨૧મો દિવસ હતો. હજુ દાંડી સુધી પહોંચવાને ચાર દિવસની વાર હતી. સમગ્ર દેશ હવે શું થશે તેવા વિચારમાં હતો. ત્યાં રસ્તામાં અમુક સત્યાગ્રહીઓને ગિરફ્તાર કર્યાનાં સમાચાર મળ્યાં એટલે ઝવેરચંદ મેઘાણી એ લોકોને જેલમાં મળવા ગયા. પોલીસ ઇન્સ્પેકટર પાસે ‘સિંધૂડો’ દેશભક્તિનાં કાવ્યોનો સંગ્રહ લખનાર મેઘાણીનું નામ જાણીતું હતું જ. એણે જોધાણી નામના એક ભાઈને સ્થાને મેઘાણી લખીને ઝવેરચંદ મેઘાણીને ગિરફ્તાર કર્યા. પોલીસ કેસમાં ખોટી માહિતી ભરી દીધી, ‘ફલાણી જંગી સભામાં ભાષણ આપીને લોકોને ઉશ્કેરવાનું કામ એમણે કર્યું છે.’

મેઘાણીએ એ ઉપજાવેલી વાતની સ્પષ્ટતા કરી કે એ દિવસે હું મારે ગામ રાણપુરમાં હતો પણ આવી વાત ઉપજાવીને મને કીર્તિ બક્ષવા બદલ તેમને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું, ‘મને ફાંસીના માંચડાની ભેટ થઈ હોત તો હું તેને વધાવી લેવાં પણ તૈયાર છું. એ ભેટને હું મારું પરમ સૌભાગ્ય સમજીશ.’

એમનું આખું બયાન હૃદયદ્રાવક છે. હા, અને એવું કહેનારાં એ વખતે અનેક હતાં. મા ભોમ કાજે ખપી જવાની તમન્ના. એમને બે વર્ષની જેલની સજા થઈ.

આજે અહીં આ પ્રસંગનો ઉલ્લેખ કરવાનું ખાસ કારણ છે. પ્રત્યેક સાહિત્યકાર કે નેતા આખરે તો એ સમયના સમાજ અને સંજોગોને સીધી કે આડકતરી રીતે પ્રતિબિંબિત કરે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસનથી વાજ આવેલી પ્રજાને જગાડનાર ગાંધી સાથે સમાજનો આવો વર્ગ પણ હતો. ગાંધીજીએ મેઘાણીને તેથી જ લોકોના કવિ કહ્યા હતા. મેઘાણીને સજા થઈ.

મેઘાણીએ એક આઈરીશ કવિ મેક્સવિનની કવિતાનું અનુસર્જન બુલંદ અવાજે કોર્ટમાં ગાઈ સંભળાવ્યું:

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.
મરેલાનાં રુધિર ને જીવતાનાં આસુડાંઓ
સમર્પણ એ પ્રભુ સહુ તારે ચરણ હો.
ન્યાયાધીશ આપણો દેશવાસી જ હતો ને? એમની આંખો પણ ભીંજાઈ ગઈ. બહાર બે હજાર લોકોની મેદની ઊભરાઈ હતી. સાબરમતી જેલમાં મેઘાણીને સરદાર વલ્લભભાઈ, મહાદેવભાઈ વગેરે સાથે રાખવામાં આવ્યા. આ પણ એક યોગાનુયોગ જ કહેવાયને? આ બધી મહાન પ્રતિભાઓને મળવાનો સંજોગ નહીંતો ક્યારે થાત?

એક આડ વાત, પ્રિય વાચક મિત્રોની જાણ માટે: અહીં બીજા એક કવિ રામનારાયણ વિ. પાઠક પણ હતા જેમણે આ તેત્રીસ વર્ષના નવયુવાન ઝવેરચંદ મેઘાણી ઉપર કાવ્ય લખ્યું હતું : ‘કોઈ કહેશો યુવાન ક્યાં સિધાવતો હતો?’ અને અહીં જેલમાં જ દેવદાસ ગાંધીએ એમને પેલું અંગ્રેજી કાવ્ય વંચાવ્યું હતું જે ઉપરથી મેઘાણીએ ‘કોઈનો લાડકવાયો’ કાવ્ય રચ્યું.

આ અને આવી ગાંધી યુગની, એનાં કાવ્યો અને કહાનીની રસપ્રદ કથા આવતે અંકે….

— ગીતા ભટ્ટ

5 thoughts on “હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 19 : મેઘાણી અને દાંડીકૂચ

  • Thanks Rajulben !એવા કવિઓને લીધે તો ગાંધી યુગમાં સ્વતંત્રતાનો પવન ફુંકાયો ..

   Liked by 1 person

  • Thank you Nilaben ! ગાંધીજી જેવા મહાત્મા એમને આપણા દેશમાંથી ઊંચ નીચના ભેદભાવ દૂર કરવા હતાં અને એમને મેઘાણી જેવી મહાન વ્યક્તિ જેને લોકો સાથે આત્મીયતા હતી , તેને લીધે ગાંધીજી ઘણું કરી શકયા. Welcome to Bethak , Nilaben !

   Liked by 1 person

 1. મેઘાણીના દેશભક્તિના કાવ્યો અને તમારું તે અંગેનું રસદર્શન વાંચીને જાણે આપણી અંદર દેશપ્રેમની સંવેદના ઊભરાઈ આવે છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.