હાં રે દોસ્ત હાલો અમારે દેશ – 18 : ગાંધીયુગના રાષ્ટ્રીયકવિ મેઘાણી


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે;
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે!

આ પંક્તિઓ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાએ (1930-1947) રાષ્ટ્રગીત જેવી બની ગઈ હતી. અને આ ગીતના રચનાર ઝ.મે.ને શબ્દો તોળીને બોલનાર ગાંધીજીએ રાષ્ટ્રીયકવિ કહ્યા હતા.
તો એ રાષ્ટ્રીયકવિ મેઘાણી વિષે વાત કરતાં પહેલાં એ ગાંધીયુગનો આછો ખ્યાલ મેળવીએ.

આપણે મેઘાણીનાં લોકસાહિત્ય સર્જન વિષે આછો ખ્યાલ મેળવ્યો. બરડાડુંગર અને ગિરનારનાં પહાડો-કોતરો વચ્ચે જન્મ અને ઉછેરને લીધે તેઓ ગ્રામીણ પ્રજા – સામાન્ય લોકોના સંપર્કમાં આવેલા, અને એનાથી પ્રેરાઈને લોકસાહિત્યનો અમૂલ્ય વારસો એમણે આપણને આપ્યો.
એ સમયે ગાંધીજીનું હજુ સ્વદેશાગમન થયું નહોતું. ગાંધીજી હજુ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ્ય સામે લડત (અસહકારની લડત) આપી રહ્યા હતા. ગાંધીજી તેમની ભારતની ટૂંકી મુલાકાતો દરમ્યાન મહારાષ્ટ્રના ગોપાલ કૃષ્ણ ગોખલેને અને અન્ય પોલિટિકલ લીડરોને મળતા અને દેશની સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રયાસ કરતા હતા.
જો કે, ગોખલે અને બીજા અનેક દેશભક્તો પણ અંગ્રેજોની જોહુકમી દૂર કરવાનો ઉપાય શોધી રહ્યા હતા. પણ દેશમાં અંગ્રેજો કરતાંયે ઘણાં મોટા પ્રશ્નો હતા. તેમાંનો એક પ્રશ્ન અસ્પૃશ્યતાનો હતો. અને તેના ભાગ રૂપે, ગોખલેએ મહારાષ્ટ્રમાં અંત્યજ શાળા શરૂ કરી હતી.

એવી એક શાળા ભાવનગરમાં ૧૯૧૦માં ગોખલેની પ્રેરણાથી ઠક્કરબાપાએ પણ શરૂ કરેલી. આગળનાં પ્રકરણોમાં જણાવ્યું છે તેમ, ભાવનગરમાં કોલેજમાં ભણતા મેઘાણી મિત્રો સાથે એ શાળાના ઉત્સવમાં ગયેલા. ત્યાં હરિજન છોકરાના હાથમાંથી પાનબીડું લીધેલું અને બીજાં બધાની જેમ લઈને ફેંકી દીધું નહોતું – એમણે એ પાન ખાધું. હાહાકાર મચી ગયો. અછૂતનાં હાથને અડકેલું પાન ખાધું? બે વર્ષ સુધી હોસ્ટેલમાં એમને જમતી વખતે બધાથી દૂર બેસવું પડેલું. બીજે વર્ષે હોસ્ટેલ બદલી પણ ત્યાંયે જમવા માટે જુદાં જ બેસવાનું.

આવી હતી દેશની પરિસ્થિતિ. દલિત વર્ગ સાવ અભણ, ગરીબ અને અસ્પૃશ્ય હતો ઉપરાંત, અંગ્રેજોની જોહુકમી સાથે સાથે રાજા રજવાડાઓનો ત્રાસ પણ ખરો.

આ લખતાં શરમથી અને ક્રોધથી ધ્રુજી ઉઠાય છે. કેવા અંધકારમાં ડૂબેલો હતો આપણો દેશ! અને તેની સામે અંગ્રેજ જેવી જબરદસ્ત સરકાર હતી જેનું ધ્યેય દેશમાં અંદરોઅંદર ફાટફૂટ પડાવીને રાજ્ય કરવાનું હતું. હા, બ્રિટિશ સરકારે દેશમાં શિક્ષણ સંસ્થાઓ ખોલી, રેલવે લાઈન નાંખી વગેરે દ્વારા થોડી પ્રગતિનો પવન ફૂંકાયો એ વાત સાચી. રાજ્ય કરવાં પ્રજાને આટલું આપ્યું તો દલપતરામે લખ્યું,
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન!

ત્યારે પ્રશ્ન હતો કે, આવા અજગર જેમ ઊંઘતા દેશને જગાડવો કેવી રીતે? ક્રાંતિ કરવાની ભાવના, નવી દિશા શોધવાની તીવ્ર ઝંખના, કોઈક ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાની તાલાવેલી એ સમયે પણ ઘણાં દેશભક્તોમાં હતી જ. રાજા રામમોહન રાય જેવા સમાજ સુધારકોએ સતી પ્રથા માટે જીવન ખર્ચ્યું. બાળગંગાધર તિલક, કાકાસાહેબ કાલેલકર, મહર્ષિ અરવિંદ વગેરે દેશભક્તો ગાંધીજીના સંપર્કમાં આવ્યા. તેઓ પહેલાં ઉદ્દામમતના હિમાયતી હતા. સાવ અહિંસક રહીને દેશ આઝાદ થાય તેવું કોઈ માનવાં તૈયાર નહોતું.

આચાર્ય કૃપલાણીજીએ ગાંધીજીને કહ્યું, “હું ઇતિહાસનો પ્રોફેસર છું અને અહિંસાથી કોઈ પણ દેશ કે પ્રદેશ આઝાદ થયો હોય તેવું માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં મેં જોયું નથી.”
ગાંધીજીએ નમ્રતાથી કહ્યું, “હું એ કરીશ, પછી તમે એ ભણાવી શકશો. (૧૯૧૫, શાંતિનિકેતન આશ્રમ) અંગ્રેજોને જીતતાં પહેલાં પ્રજાને જીતીએ” ગાંધીજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે, એમને અસ્પૃશ્યતાના ભેદભાવવાળું સ્વતંત્ર ભારત નહોતું જોઈતું. એમનું માનવું હતું કે, પ્રજાને જીતવાં તેમનાં મગજમાં ઘર કરી ગયેલ વિસંવાદને જીતવો જરૂરી છે.

૧૯૨૧માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થવાની હતી. જો હરિજનોનો પ્રશ્ન પડતો મૂકવામાં આવે તો કેટલાક ધનવાનો સાત લાખ રૂપિયા આપવા તૈયાર હતા. ગાંધીજીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “વિદ્યાપીઠ ફંડની વાત બાજુએ રાખો પણ અસ્પૃશ્યતા કાયમ રાખવાની શરતે મને કાલે હિન્દુસ્તાનનું સ્વરાજ્ય આપે તો તે સુધ્ધાં હું ન લઉં.”

અને ઝવેરચં મેઘાણીનાં લાગણીશીલ, ઊર્મિલ, કવિ હૃદયમાં એ દલિત, પીડિત, કચડાયેલ, ઉપેક્ષિત અને ગરીબ પ્રજા પ્રત્યે સહાનુભૂતિ હતી. કિશોરાવસ્થામાં ઘણીવાર બોર્ડિંગ સ્કૂલમાંથી ડુંગરાળ પ્રદેશમાં, પિતાને ત્યાં વેકેશનમાં ઘેર જતી વેળાએ, વરસાદ વાવાઝોડાઓ વચ્ચે એમણે જ્યાં ત્યાં રાતવાસા કર્યા હતા. એ લોકોનાં દિલની અમિરાતને માણી હતી. એટલે એમની રાષ્ટ્રભક્તિની કવિતાઓમાં બે પ્રકારની કવિતાઓનાં દર્શન થાય છે; સ્વાતંત્ર્ય ઝંખના કરતાં ઉદ્દામ મનોવૃત્તિનાં ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ!’ જેવાં કાવ્યોમાં સાથે સાથે દબાયેલ-કચડાયેલ પીડિત વર્ગને પણ વાચા આપે છે. ‘..પીડિતની આસુંડા ધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ!’

પંડિત યુગ હતો. એમાં ગાંધી વિચારધારા એક સુનામીની જેમ ફરી વળી હતી. ગાંધીજીએ પ્રજામાં રાષ્ટ્રપ્રેમ અને દલિત સમભાવ જગાડ્યાં. ને મેઘાણીએ એને કવિતાઓ, દુહા, છંદ, ભજન, લોકગીત ઢાળોમાં ઢાળીને લોક જીભે રમતાં કર્યાં.

અમે ખેતરેથી, વાડીએથી, જંગલ ને ઝાડીએથી, સાગરથી, ગિરિવરથી આવ્યાં,
અમે સુણી સાદ આવ્યાં.
અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પરે આજ
પીડિત જનતાને કાજ આવ્યાં.

મેઘાણીનાં કાવ્યો જનજીવનમાંથી પ્રેરણા લઈને જનતાને પ્રેરણા આપે છે.

ઓતરાદા વાયરા ઊઠો
ઊઠો રે તમે ઓતરાદા વાયરા ઊઠો.
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે પુરપાટ ઘોડલે છૂટો, ઓતરાદા વાયરા ઊઠો

‘યુગવંદના’; એમનો કાવ્યસંગ્રહ, દેશભક્તિનાં કાવ્યોથી વંદનિય છે. તેમનાં દેશભક્તિનાં કાવ્યોની વાતો આવતે અંકે…

6 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ – 18 : ગાંધીયુગના રાષ્ટ્રીયકવિ મેઘાણી

    • Thanks Surekhaben ! Welcome to this blog! તમને સાહિત્યમાં રસ છે એટલે અહીંથી ઘણું ઘણું અવનવું સાહિત્ય વિષયક જાણવાનું મળશે 🙏

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.