૧૭ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

પરમેશ્વર, પ્રકૃતિ, પ્રણય, પીડા વગેરે વિષયો કવિઓ, ગીતકારો, ગઝલકારોના પ્રિય રહ્યા છે પણ બહુ ઓછા ગીતકાર કે કવિએ પરિવારને સાંકળી લેતી રચનાઓ કરી હશે.  જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી બોટાદકર પછી જો પરિવારની સંવેદનાઓ કોઈએ શબ્દોમાં વણી લીઘી હોય તો એ છે અવિનાશ વ્યાસ.

અવિનાશ વ્યાસે પ્રિયા-પ્રીતમને જ નહીં, પતિ-પત્નીથી માંડીને જાણે આખેઆખા કુટુંબમેળાને, પરિવારના સ્નેહને એમની રચનાઓમાં સાંકળી લીધા છે. નારીની સંવેદનાઓને એમણે આબાદ ઝીલી છે. 

સમય બદલાયો છે. સંવાદિતા કદાચ ખોરવાઈ છે. એવા સમયમાં અવિનાશ વ્યાસની એ રચનાઓ સુખની, સ્નેહની ઝાંખી કરાવે એવી છે. આજે એવી કેટલીક રચનાઓને યાદ કરવી છે.

સુરેશ દલાલ કહેતા કે, “આપણે કોઈપણ  કલાકારને એની સમગ્રતામાં મૂલવવો જોઈએ. પ્રભુલાલ દ્વિવેદી કે રઘુનાથ બ્રહ્મભટ્ટ હોય તો એમની ગીતસૃષ્ટિને નાટ્યકારની સૃષ્ટિ તરીકે જોવી જોઈએ. અવિનાશ વ્યાસ કે નીનુ મઝુમદારની ગીતસૃષ્ટિને સંગીતકારની ગીતસૃષ્ટિ તરીકે જોવી જોઈએ. પ્રજામાં વ્યાપકપણે પહોંચેલા આવા કવિઓને વિવેચકોએ હંમેશા અવગણ્યા છે અને સાવકી આંખે જોયા છે. જ્યારે આપણે કોઈની અવગણના કરીએ છીએ ત્યારે કશુંક આપણે જ ગુમાવીએ છીએ. અવિનાશ વ્યાસનાં ગીતોને આવા સાક્ષરો સાચવે કે ના સાચવે,પ્રજા તો ક્યારનીય એમનાં ગીતોને કંઠમાં સાચવીને બેઠી છે.”

આજે તો સુરેશ દલાલ કે અવિનાશ વ્યાસ બંનેમાંથી કોઈ હયાત નથી પણ સુરેશ દલાલે કહેલી આ વાત આજે પણ એટલી જ સત્ય સાબિત રહી છે.

દરેક સંબંધ એક સમજ આપે છે. આ સંબંધને ઉજાળતી રચનાઓ શાબ્દિક નહીં, પણ હાર્દિક બનીને હૃદયને કે માર્મિક બનીને આપણા મનને સ્પર્શે છે. કહેવાય છે કે કોઈપણ પરિણીતા માટે, એના સંસારમાં છેક સુધી સાચવવામાં અઘરો લાગતો સંબંધ છે સાસુ સાથેનો – નણંદ સાથેનો. પણ જો ભાભી અને નણંદ વચ્ચે સુમેળ હોય તો એક વિશિષ્ટ સંબંધ અને સખી જેવો ભાવ સ્થપાય.

જોકે, આજના સમયમાં તો કોઈપણ યુવતિને વરણાગી થવાનું કહેવાની જરૂર પડે એમ છે જ નહીં પરંતુ જ્યારે ૧૯૪૮ના સમયમાં આ ગીત લખાયું અને ગવાયું હશે ત્યારના સમયની કલ્પના કરીએ તો આ સંબંધ એકદમ સુમધુર ભાસે, કારણકે એ સમયે તો અમથો ય આ સંબંધ સ્ત્રીસહજ ઇર્ષ્યા અને ખટપટથી વગોવાતો આવ્યો હતો. આ ગીતમાં નણંદની મીઠી ટકોર, થોડી સખીભાવની ઝલક ભાભીને જ નહીં, સૌને સાંભળવી ગમે એવી છે.

ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી,

ઓ ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી.

નવી ફેશનની ધૂન બધે લાગી

ઓ ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી….

મઝાની વાત તો એ છે કે, એ સમયના સુખ્યાત સંગીતકાર રોશનજીને ‘ગુણસુંદરી’નું આ ગીત એટલી હદે ગમી ગયું હતું કે, એમણે ત્રણ વર્ષ પછી ૧૯૫૧માં બનેલી ફિલ્મ ‘મલ્હાર’નાં ગીતની ધૂન ‘ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી’ પરથી તૈયાર કરી હતી. “ બડે અરમાન સે રખ્ખા હૈ બલમ તેરી કસમ, પ્યાર કી દુનિયામેં યે પહેલા કદમ…” એનો અર્થ એ થયો કે, આપણા જેવા સુજ્ઞ શ્રોતાઓને જ નહીં, ઉચ્ચ કોટીના સંગીતકારોનાં મનને પણ અવિનાશ વ્યાસની રચનાઓ સ્પર્શી જતી.

અવિનાશ વ્યાસે આ સંબંધને વધુ મધુરો બનાવતી સામે વળતી એક ગીત રચના કરી જેમાં ભાભીને વરણાગી અર્થાત સ્ટાઈલિશ બનવા કહેતી નણંદને ભાભી વળતા જવાબમાં કહે છે.

આજ મારી નણદીએ મેણું માર્યું

ભાઈ ખોવાઈ ગયો ભાભીના આવતાં

બોલ્યાં…બોલ્યાં નણંદબા નૈનો નચાવતાં

ઘરમાં બધું થાય મારી ભાભીનું ધાર્યું.. એવું મારી નણદીએ મેણું માર્યું

સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું વહાલભર્યું બહેન કેરું સગપણ હાર્યું

એવું મારી નણદીએ મેણું માર્યું

આગળ કહ્યું તેમ, એ સમય એવો ય નહોતો જેમાં ભાભી-નણંદમાં જરાપણ સખ્ય હોય. એવા સમયમાં આવા નવા અંદાજમાં સંબંધને પ્રસ્થાપિત કરવાની વાતને તો વધાવી જ લેવાની હોય ને?

વળી, કોઈ નણદી એવી પણ હોય જે પરણીને આવેલી ભાભીને નવાં ઘરમાં, સાસરવાસમાં કેવી રીતે રહેવું એ હળવી ટકોરે સમજાવે..

‘મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં..

પ્રેમ કેરા પંથમાં કહ્યાગરો કંથ મળ્યો, હવે સમજુ થઈ રહેજો સંસારમાં

પ્રેમ કેરી મર્યાદા જીરવીને જાણજો

ઊઘાડું માથું રાખી ઘૂંઘટડો તાણજો

બહુ ઘેલાં ન થાશો ભરથારમાં

વર ઘેલાં થોડાં થોડાં ઘર ઘેલાં ઝાઝા

રાખીને રહેજો ભાભી સાસરની માઝા

બહુ શોભે ન ગળપણ કંસારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં

વાત બહુ જ સીધી સાદી છે પરંતુ એ વાતોને થોડી ટીખળ, થોડી સમજણમાં ઢાળીને કહેવાની રીત અનોખી છે.

ભાભી નણંદની જેમ, અવિનાશ વ્યાસે પરિવારના બીજા એવા અઘરા લાગતા સંબંધોને પણ પોતાની રચનાઓમાં વણી લીધા છે જેની વાત હવે આગળ કરીશું.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

4 thoughts on “૧૭ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

 1. ભાભી નણંદના ખટમીઠા સંબંધોની નવા અંદાઝથી અવિનાશભાઈએ કરેલી વાત જ ,અવિનાશભાઈને બીજા કરતા અલગ તારવે છે.તેમની કંઈ કેટલીએ ધૂનો બોલીવુડનાં નામી સંગીતકારોએ હીન્દી પીક્ચરમાં લીધી છે. તેમની અને તેમના સંગીતની અવનવી વાતો જાણવાની મજા પડે છે.

  Liked by 1 person

 2. વાત તમારી સાચી છે. કૌટુંબિક સંબંધો વિષયના કાવ્યો અને તેમાં પણ નણંદ- ભાભીના સ્નેહ સંબંધના ? અવિનાશ વ્યાસના આ બંને ગીતો બહુ નાનપણમાં મોટી બહેનો પાસેથી સાંભળેલા . કવિ બોટાદકરની રચના
યાદ આવી ગઈ . “ ટહુકે વસંત કુંજ કોકિલા રે લોલ ,ઘરમાં ભાભીના એવા ભાવ જો,ભાભીના ભાવ મને
ભીંજવે રે લોલ “ અવિનાશ વ્યાસનું ગીત “હું હરતી ફરતી રસ્તે રઝળતી વારતા… વિષે જરુર લખજો ,ઓછું
જાણીતું પણ અર્થ સભર ગીત છે .

  Liked by 1 person

 3. Good , Rajulben !
  ‘મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં..
  પ્રેમ કેરા પંથમાં કહ્યાગરો કંથ મળ્યો,
  હવે સમજુ થઈ રહેજો સંસારમાં…

  ઝવેરચનદ મેઘાણી યાદ આવે!
  I always enjoy Avinashbhai’s songs..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.