૧૫ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસે ગુજરાતી ફિલ્મજગતમાં પોતાની બહુમુખી પ્રતિભાથી મોટું યોગદાન આપ્યું. એમણે આપેલ યોગદાન બદલ તેઓ સદાય માટે અવિસ્મરણીય બની રહેશે. અવિનાશ વ્યાસ, એક એવું નામ જે ભૂતકાળમાં તો હતું પણ વર્તમાન એને અનુસરશે અને ભવિષ્યકાળમાં પણ દીવાદાંડી જેમ સુગમ સંગીતના ગાયકો અને ચાહકોને માર્ગદર્શન આપશે.


સુરેશ દલાલે અવિનાશ વ્યાસ માટે બહુ સરસ વાત કરી છે કે, વીસમી સદીના ગુજરાતી સુગમ સંગીતના પર્યાય જેવા અવિનાશ વ્યાસ ગુજરાતી પ્રજાના કંઠમાં અને કાનમાં કાયમ માટે વસી રહેલા સંગીતકાર અને ગીતકાર છે. આ જ વાતને સહેજ સમજાય એવી રીતે કહેવી હોય તો કહી શકીએ કે એક અવિનાશમાં બે અવિનાશ છે; સંગીતકાર અવિનાશ અને ગીતકાર અવિનાશ. ક્યારેક એકમેક સાથે મીઠી સ્પર્ધા કરે છે. કોઈકવાર સંગીતકાર આગળ નીકળી જાય છે તો કોઈક વાર ગીતકાર. ક્યારેક સૂર શબ્દને ખેંચે છે તો ક્યારેક શબ્દ સૂરને. સંગીતકાર અવિનાશનાં ફ્લાવરવાઝમાં ગીતકાર અવિનાશના બગીચાનાં કેટલાય ફૂલો લય અને તાલની હવામાં ઝૂલ્યા કરે છે.


આવા ગીતકાર-સંગીતકારનું નામ સદાય અવિસ્મરણીય રહેવાનું જ કારણ કે, એમણે સાવ સરળ લાગતાં અને તેમ છતાં ઘણું કહી જતાં ભાતીગળ ગીતોની રચના કરી છે. આ વાત જરા સમજવી હોય તો આપણાં ઑલ ટાઈમ ફેવરિટ ગીતને યાદ કરવું પડે. વાત છે હૂતુતુતુની.. એક શ્વાસે ગવાતું આ ગીત સાંભળીને કોઈને એમ થાય કે આ તો રમતની વાત છે. પણ રમતની સાવ સરળ લાગતી વાતમાં પણ  કેટલો મોટો ગૂઢાર્થ અવહી છતો થાય છે, નહીં?


હવે આ રચના પણ રમતાં રમતાં જ કેવી રીતે રચાઈ છે, એની વાત પણ રસપ્રદ છે. અને આ વાત માંડે છે અવિનાશ વ્યાસના સુપુત્ર અને ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસ. એ કહે છે કે, ક્યારેક એવું બને કે કેટલીક સ્વર રચનાઓ એવી હોય છે જે કોઈના સૂચનનું  નિમિત્ત બને. એમાં બન્યું એવું કે, જ્યારે ગૌરાંગ વ્યાસ એમના પિતા અવિનાશ વ્યાસના સહાયક સંગીતકાર તરીકે  કામ કરતા હતા એ વખતે, આપણા મહાન ગાયક મન્ના ડે ફિલ્મનાં ગીતો ગાવા આવતા.  મન્ના ડેને એવું હતું કે જેવું રેકોર્ડિંગ પતે એટલે ગૌરાંગ વ્યાસને હાર્મોનિયમ પર બેસાડે અને કહે કે “कुछ नया सुनाओ, कुछ अच्छा सुगम संगीत का गाना सुनाओ!” એટલે ગૌરાંગ વ્યાસ એમના કંપૉઝ કરેલા ગીતો મન્ના ડેને સંભળાવતા અને મન્ના ડેને એ ખૂબ ગમતાં. એમાં એકવાર મન્ના ડેએ એવું કીધું કે “गौरांग, ईतना अच्छा कंपोझिशन करते हो तो हम लोग HMV करते है. “એમાં ભજન, ગઝલ અને  ગીત હોય. એ સમયે ભજન અને ગઝલ તો નક્કી થઈ ગયા પણ ગીત નક્કી કરવાનું બાકી હતું એટલે મન્નાબાબુએ ગૌરાંગ વ્યાસને કહ્યું કે, તું અવિનાશભાઈને કહે કે કોઈ રિધમેટિક સોંગ લખી આપે તો જરા મઝા આવે. ભજન અને ગઝલ તો બરાબર છે.” એટલે ગૌરાંગ વ્યાસે એમના પિતાશ્રી અવિનાશ વ્યાસને કહ્યું કે, એક રમતિયાળ ગીત જોઈએ છે. 

બીજા દિવસે શાંત, સ્વસ્થ મને પડકાર ઝીલનારા અવિનાશ વ્યાસે ગૌરાંગ વ્યાસને બોલાવીને કહ્યું કે, તું રમતિયાળ ગીતની વાત કરતો હતો તો આપણે રમતનું જ ગીત કરીએ અને અવિનાશ વ્યાસે ગૌરાંગ વ્યાસને લાઈન લખી આપી.

હૂ તુ તુ તુ તુ તુ તુ તુ, જામી રમતની ઋતુ
આપ આપો એક મેકના થઈને ભેરુ 
સારુ જગત આખું રમતું આવ્યું છે 
ને રમે છે હૂ તુ તુ તુ …

અને કહ્યું કે આની પર તું કર. ગૌરાંગ વ્યાસ તો હાર્મોનિયમ લઈને બેસી ગયા અને અવિનાશ વ્યાસે જે ટેમ્પોમાં સંભળાવ્યું હતું એ ટેમ્પો એમણે પકડી રાખ્યો. ઢીન ચાક ઢીન ચાક.. અને ગૌરાંગ વ્યાસને મુખડું સૂજ્યુએ અવિનાશ વ્યાસને બોલાવીને સંભળાવ્યું તો એમને પણ મઝા આવી ગઈ અને કહ્યું કે, બહુ સરસ થઈ ગયું છે. થોડું શબ્દોના હિસાબે ગોઠવવું પડે બાકી ટ્યૂન તો સરસ બેસી ગઈ છે. ગૌરાંગ વ્યાસે કીધું કે, ‘ભઈ, સરસ તો થઈ ગયું પણ હવે આગળ શું? અવિનાશ વ્યાસના મનમાં થોડા થોટ્સ હતા એટલે એમણે ગૌરાંગ વ્યાસને કહ્યું કે, ‘તને જે ટ્યૂન સુઝે એ તું ગા અને હું ટ્રાય કરું.’ ગૌરાંગ વ્યાસે એમની રીતે રાગ છેડ્યો. એ રાગ સાંભળીને અવિનાશ વ્યાસે આગળની પંક્તિઓ ઉમેરી. “એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે…આ રીતે અવિનાશ વ્યાસે ત્રણ અંતરા લખ્યા. ગૌરાંગ વ્યાસ ટ્યૂન ગાતા જાય અને અવિનાશ વ્યાસ લખતા જાય અને આવી રીતે આ ગીત લગભગ બે કલાકમાં પુરુ થઈ ગયું.

આ દર્શાવે છે કે ગીતકાર અવિનાશ વ્યાસ મનથી કેટલા સજ્જ હશે કે એમણે ટ્યૂનની સાથે સાથે જ શબ્દોની એટલી ત્વરિત રચના કરી હશે! અથવા એમ પણ કહી શકાય કે, ગીતકાર અવિનાશ વ્યાસનું મન, ચિત્ત હરદમ સંગીતમય જ રહેતું હશે ને? એમની ચેતામાં પણ ચોવીસે કલાક ગીત-સંગીત જ વહેતતાં હશેને?  એ સમયે તો અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ કે મન્ના ડેને  સપનેય ખ્યાલ નહોતો કે, મન્નાબાબુનું રમતિયાળ ગીત માટેનું સૂચન અને સૂચનના આધારે બનેલું એમના ઈજારા સમું આ ગીત અત્યંત પ્રચલિત અને લોકપ્રિય બની જશે. એ પછી આ ગીત મહેન્દ્ર કપૂરે પણ ફિલ્મ ‘સાત કેદી’ માટે ગાયું હતું. એમને ગાવામાં ખૂબ તકલીફ પડી હતી તેમ છતાં એમણે નિભાવી જાણ્યું હતુ.

બીજી એક વાતે મારું ધ્યાન ખેચ્યું કે, પિતા-પુત્રએ એકબીજાની મૈત્રીને સર્જનાત્મક કામોમાં જ ઉત્તમ રીતે વાપરી અને કેવું સુંદર રીતે સંયોજન થયું? સંગીતમાં વિવિધ વિષય સાથે બંને એક બીજાના પૂરક બન્યા. જેનાં ફળ ગુજરાતી પ્રજાને મળ્યાં. એક વાત નક્કી છે કે પરિવાર સાથે કામ કરે તો અનુભવ અને ઉત્સાહ બને સર્જનને વૈવિધ્યસભર બનાવે છે નહિતર હરીફાઈનાં જગતમાં નવી પેઢી માટે તો આટલું સિદ્ધ થવું સહેલું નથી. ગુજરાતીઓ જેટલા બિઝનેસ માટે ઉત્સાહી છે એટલા નિરુત્સાહ પોતાની માતૃભાષામાં સંગીત માટે છે અને આ હકીકત છે.

આ જ કારણે તો આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવુડ સામે સાવ નબળી પડી ગઈ છે. મારે અફસોસ સાથે અને એક ગુજરાતી હોવા છતાં કહેવું પડશે કે, જે ઉત્સાહ મન્ના ડેએ ગૌરાંગની નવી રચના સાંભળવા દેખાડ્યો એ ગુજરાતીઓ ભાષા, સાહિત્ય અને સંગીત પ્રત્યે દેખાડતા નથી. આ બાબતમાં મરાઠીઓ અને બંગાળીઓ ગુજરાતીઓ કરતાં ક્યાંય ચડિયાતા છે. આપણે તેમને આદર્શ બનાવવા જોઈએ. આવું જ વલણ ગુજરાતી સંગીતના પીઢ સંગીતકારે નવી પેઢીને આગળ લાવવા દેખાડવું જોઈએ. જો કે આશિત દેસાઈ અને હેમા દેસાઈએ પણ આવો અભિગમ રાખી તેમના દીકરા આલાપ દેસાઈને અને નવી પેઢીને પ્રોત્સાહન આપી આગળ લાવી રહ્યાં છે. તેઓ પણ અવિનાશ વ્યાસની જેમ જ ગૌરવને પાત્ર બન્યા છે એ પણ અત્રે ઉલ્લેખનીય છે.

મારી વાત અહીં જોર આપીને ફરી ફરી કહીશ કે, આ ગીતના રચયિતા અવિનાશ વ્યાસ કે ગાયક મન્ના ડે હયાત નથી પરંતુ આજે પણ કોઈપણ સુગમ સંગીતનો કાર્યક્ર્મ જાણે અવિનાશ વ્યાસની આ રચના વગર અધૂરો જ છે.

જ્યારે આવી ઘટના બને ત્યારે સહજ એક વિચાર આવે કે,  કોઈપણ ગીત, કાવ્યની રચનાની શૈલી, માત્રાઓ અને છંદ કે ગઝલના રદીફ કે કાફિયાનો અવિનાશ વ્યાસે અભ્યાસ કર્યો હશે?  ત્યારે એક સરસ જવાબ મળ્યો જે અહીં ટાંકુ છું… “આદ્ય કવિઓએ પણ ક્યાં આ બધા અભ્યાસ કર્યા હશે પણ એમની રચનાઓ પરથી જ કદાચ આ કાવ્ય શૈલી, એમાંની માત્રા કે છંદમેળ નિશ્ચિત થયા હશે.”

અવિનાશ વ્યાસ માટે પણ હું એટલું તો ચોક્કસ કહીશ કે એમણે જે રચનાઓ આપી એ એટલી તો આપણા મન, હ્રદય સોંસરવી ઉતરી ગઈ કે એમાં આપણે શૈલી, માત્રા કે છંદમેળનો તાલ શોધ્યા કે મેળવ્યા વગર પણ માણતા જ રહ્યા અને ભવિષ્યમાં પણ માણતા જ રહીશું.  

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com


બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’-1 : વાગ્મી કચ્છી

મિત્રો, હમણાં નયનાબેન તબિયત સારી ન હોવાથી થોડા સમય માટે એમની ‘વાચિકમ્’ રજૂઆત કરી શકે તેમ નથી. તો ચાલો, તમને ઓળખાણ કરાવું મારી દીકરી જેવી જ વાગ્મી કચ્છીની. ગુજરાત સમાચારના કટાર લેખક ભવેનભાઈ કચ્છી ‘બેઠક’માં આવ્યા ત્યારે તેમની પુત્રવધૂ વાગ્મી સાથે આવ્યા હતા. સરળ વાગ્મી તેના મનની મોસમમાં સંગીત થકી સદાય વસંતની જેમ ખીલતી રહી છે. તે એક પ્રોફેશનલ સીંગર છે. ક્લાસિકલ મ્યુઝિકમાં તાલીમ લીધેલ છે. દુરદર્શનમાં એન્કર તરીકે પણ કામ કરેલ છે. હાલની વાત કરવામાં આવે તો તેઓ વૉઇસ આર્ટિસ્ટ તરીકે જાણીતાં છે. હવે, તેઓ નયનાબેનની જેમ આપણી ‘બેઠક’માં નાની વાર્તાઓની રજૂઆત કરી સાહિત્ય પીરસશે. તેમનો અવાજ પણ એવો જ સરસ અને વાર્તાની રજૂઆત – પ્રસ્તુતિ પણ ઘણી સુંદર છે. હા મિત્રો, બીજી કોલમ વધાવી એટલાં જ પ્રેમથી આ નવા પ્રયત્નને પણ વધાવશો.

વિસરાતી ગુજરાતી ભાષાને વાચા આપવાનો આ ‘બેઠક’નો એક નમ્ર પ્રયત્ન છે. આપણી માતૃભાષા વાંચવા, લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ, સાંભળવાથી સમજણનાં અને વિચારોનાં મૂળ સુધી પહોંચે છે. ‘બેઠક’નો હેતુ; વાર્તાને સાંભળી શકાય, તેને માણી શકાય, તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી સાહિત્‍યનાં ગદ્ય ક્ષેત્રમાં ઉત્તમ કામ કરવાનો છે. જેમાં નયનાબેનની સહાયતાથી આપણા યજ્ઞને બળ મળ્યું છે એ માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે. વાગ્મી કચ્છીનું ‘બેઠકસ્વાગત કરે છે.

સંસ્થાપક : પ્રજ્ઞા દાદભાવાળા

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 14

 

પ્રશ્ન થાય કે, શું મુનશી જેવા સમર્થ વાર્તાકારને ગુજરાતના રસિક વાચકવર્ગ આગળ ઓળખાવવાની કશી જરૂર ખરી? આજે એક શતાબ્દી પછી પણ એમની વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય રહી છે. તે વાંચીને મને જે આનંદ મળ્યો તે આજના પરિપ્રેક્ષ્યમાં નવી પેઢીને અવગત કરાવવાનો આ પ્રયાસ છે. મુનશી  કરતાં પણ વધુ પાંડિત્ય ધરાવતા, વધુ અવલોકનશક્તિ ધરાવતા કે વધુ શ્રમ લેતા વાર્તાકારો થઈ ગયા છે છતાં મુનશીની નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નરૂપ બની છે તેનું કારણ તેમની શૈલી અને કથનરિતી છે.

આપણે લેખમાળાની શરૂઆત મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’થી કરી હતી. ત્યારબાદ, તેમની કેટલીક ઐતિહાસિક નવલકથાઓનો રસાસ્વાદ કર્યો અને હવે, ફરીને જવું છે તેમની આત્મકથા ‘સ્વપ્નસિદ્ધિની શોધ’તરફ. આ એમની આત્મકથાનો ત્રીજો ભાગ છે જેમાં 1923 થી 1926ના સમયખંડની વાત મુનશી કરે છે. તેમના માટે આનું મહત્વ અધિક એટલા માટે છે કે, એ સમયગાળો એમનાં જીવનનો સૌથી અગત્યનો અને સર્જનાત્મક છે. એ વર્ષો દરમ્યાન એમનું નવું જીવન ઘડાયું હતું.

પુસ્તકની શરૂઆત થાય છે, લીલાવતી સાથેના ‘પ્રથમ પરિચય’ પ્રકરણથી. મુનશી કહે છે કે ઘણા વાચકો અને મિત્રોને લાગતું કે, આ ભાગ ન લખાયો હોત તો સારું હતું.  ટીકાકારોને તો ખૂબ મજા પડતી હતી. પણ તેઓ કહે છે કે, તેમનું એકપણ કૃત્ય અથવા વર્તન એવું ન હતું કે જેથી તેમણે શરમાવું પડે કે પશ્ચાતાપ થાય. તેમનાં પ્રથમ પત્ની – અતિલક્ષ્મી જીવિત હતાં ને તેમનાં ત્રણ બાળકો પણ હતાં.  તેમણે બાળપણમાં સેવેલી કલ્પનાના પરિપાકરૂપે આ અનુભવો છે – જે તેમનાં જીવનની શક્તિ અને પ્રેરણા છે. તેમની બાળપણની સખી ‘દેવી’ તેમને લીલાવતી રૂપે મળી હોય તેમ તેમનાં હૃદયનાં તરંગો લીલા સાથે સ્નેહબંધનથી જોડાવા ઈચ્છતા હતા.

1919માં તેઓ પહેલી વાર મળ્યા. 1922માં તેમની વચ્ચે અંતરાયોનો સાગર ઊછળતો હતો. 1922માં મુનશીએ ‘ગુજરાત’ માસિક બહાર પાડ્યું ત્યારે તેના ગ્રાહક બનવા તેમની વચ્ચે પત્ર વ્યવહાર થયો. આ શિષ્ટાચારી પત્ર વ્યવહાર પછી તેમની વચ્ચે સાહિત્ય વિષયક પત્ર વ્યવહાર શરૂ થયો. એમાં એકબીજાની ઠેકડી કરી તેઓ અંતરાયો ભેદી રહ્યા. પછીથી બાબુલનાથમાં ફ્લેટમાં ઉપર નીચે રહેતા થયા.

આઠ વર્ષ બાદ મુનશીને લીલામાં પોતાની ઝંખનાની ‘દેવી’ મળી ગઈ. નાનપણથી જેને જીવનની સ્વામિની માની, જેની કલ્પનાવિલાસની પ્રેરણાથી જીવન વીતાવતા હતા તે સાક્ષાત આવીને ઊભી હતી. આ ભાન તેમનાં મગજનો કબજો લઈ બેઠું. ખરી વાત એ હતી કે, પ્રણયે તેમની બધી શક્તિઓને તીવ્ર અને અસામાન્ય બનાવી દીધી હતી. આથી મુનશીએ ત્રણ સંકલ્પ કર્યા. એક : સંસાર અભેદ્ય રાખી પત્ની અને બાળકોને અન્યાય ન કરવો. બે : પ્રણયધર્મનો દ્રોહ ન કરવો ને કાયેન્દ્રિય શુદ્ધિ પર જ પ્રણયસંબંધ રચવો અને ત્રણ : સંસાર પ્રત્યે કર્તવ્યભ્રષ્ટ થઈ સમાજમાં પ્રતિષ્ઠા ન ખોવી. તો બીજી તરફ, લીલા સાથે અપૂર્વ આત્મીયતાનો સાક્ષાત્કાર હતો. તેમની વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો. મુનશીના પત્રો દ્વારા લીલાએ તેમનું હ્રુદય પારખ્યું. ને લીલાના પત્રોમાં મુનશીએ તેમનાં જીવનમાં પ્રવેશવાની લીલાની ઉત્કંઠા તેમણે વાંચી. સામાન્ય રીતે પ્રેમ શરૂ થાય ત્યારે એક જણ પ્રેમમાં પડે ને બીજું તેને ઝીલે. પણ અહીં તો બંને સાથે જ પ્રેમમાં પડ્યાં ને સાથે જ પ્રેમ ઝીલી રહ્યાં હતાં. એક પ્રબળ શક્તિ તેઓને એકબીજાનાં બનાવી રહી હતી.

પ્રેમનાં બે સ્વરૂપ છે; એકમાં વ્યક્તિ પ્રેમ દ્વારા કંઇક પ્રાપ્ત કરવા માંગે છે, પ્રેમનાં સ્વપ્ન જુએ છે ને એમાં સુખ શોધે છે, બીજા પ્રકારના પ્રેમમાં ફક્ત આપવું છે – પ્રેમ આપવો છે, સુખ આપવું છે, સર્વસ્વ સમર્પિત કરવું છે ને સ્વપ્ન સાકાર કરવું છે. મુનશીને પ્રિયજનની હાજરી એ જ સૌથી મોટું સુખ છે. તેઓ જે વાત સ્પષ્ટ રીતે બોલી ન શકતાં તે સાહિત્ય દ્વારા ઉચ્ચારતા થયા. ઘણીવાર તેઓ એકબીજાને વસિષ્ઠ અને અરુંધતીનાં નામે સંબોધતાં. આ રીતે તેમની મૈત્રીની આસપાસ રસનું એક વર્તુળ રચાતું ગયું. વફાદાર પ્રેમનું પોત ક્યારેય પાતળું નથી હોતું. પ્રેમની તાકાત એવી છે કે, એક વ્યક્તિના પ્રવેશથી આખી સૃષ્ટિ હરી ભરી થઈ જાય તો ક્યારેક વ્યક્તિનાં જવાથી પૂરી દુનિયા ખાલી લાગે. પ્રિય વ્યક્તિનું સાંનિધ્ય પ્રેમને સબળ કરે છે. આ વાત સો વર્ષ પહેલાં મુનશીના સમયમાં જેટલી સત્ય હતી એટલી આજે પણ છે અને આજથી સો વર્ષ પછી પણ રહેશે. બધો આધાર પ્રેમની ઉત્કટતા પર છે.

એક વળાંક જેમ દિશા બદલી નાખે છે, એ જ રીતે કોઈ એક સ્વપ્ન કે જીવનલક્ષી વિચાર જીવનની દશા બદલી નાખે છે. મુનશી પોતે સ્વપ્નદૃષ્ટા તો છે જ પણ અહીં એ સ્વપ્ન સિદ્ધિની શોધમાં નીકળ્યા છે. આપણને એ પ્રશ્ન જરૂર થાય કે, મુનશીનું સ્વપ્ન શું છે? મુનશીને તેમનાં સ્વપ્ન દ્વારા કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે? સ્વપ્નને સિદ્ધ કરવાની શોધમાં ક્યાં નીકળ્યા છે? તેમની શોધની ફલશ્રુતિ શું?  આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ માટે મળીશું આવતા અંકે…..

રીટા જાની

 

https://youtu.be/z815Gbei4G8

मेरे तो गिरधर गोपाल – 14 : અલ્પા શાહ

મીરાંબાઈના લૌકિક સંબંધો : ઝેર તો પીધા જાણી જાણી.

કહેવાય છે કે, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. Change is the Only Constant thing in Life. કોઈની પણ જિંદગી એકસરખી સદાયને માટે ચાલી નથી અને ચાલવાની પણ નથી. મીરાંબાઈના પતિ અલ્પ લગ્નજીવન બાદ વીરગતિને પ્રાપ્ત થયા ને બીજી બાજુ, મીરાંબાઈનાં માતા-પિતા પણ તેમના પતિની પાછળ પાછળ સ્વર્ગે સિધાવી ગયાં. મીરાંબાઈ આ અફાટ દુનિયામાં સાવ એકલાં થઈ ગયાં. મીરાંબાઈના પતિનાં મૃત્યુ બાદ તેમના અનુજ રાણા વિક્રમાદિત્યે મેવાડની ગાદી સંભાળી. મીરાંબાઈને સાંસારિક દૃષ્ટિએ વૈધવ્ય આવ્યું પણ તેઓ મનથી તો અખંડ સુહાગણ જ રહ્યાં. તેમનો મનમિત તો પેલો અજરામર ગિરિધર ગોપાલ હતોને! મીરાંબાઈનો સત્સંગ અને પ્રભુપ્રીતિમાં લૌકિક વૈધવ્યથી કોઈ ફેરફાર ન આવ્યો. રાણા વિક્રમાદિત્ય દુષ્ટ પ્રકૃતિ ધરાવતો હતો એથી એના શાસનકાળ દરમ્યાન મીરાંબાઈની ભગવદ્ ઉપાસનાની સફરમાં ઝંઝાવાતોની પરંપરા ચાલું થઈ. રાણાએ સૌ પ્રથમ મીરાંબાઈનાં ભજન-સત્સંગ-સંતદર્શન પર પ્રતિબંધ લગાવ્યો અને બહેન ઉદાબાઈ દ્વારા મીરાંબાઈને કહેવડાવ્યું કે, આ બધી પ્રવૃતિઓ કુળને કલંક લગાડનાર છે. નણંદબાએ ભાઈની વાતમાં આવી જઈને ભાભીને ઘણી ખરીખોટી સંભળાવી પણ મીરાંબાઈ પોતાના સ્વીકૃત પથથી જરા પણ વિચલિત ના થયાં અને ભક્તિમાર્ગ પર અડગ રહ્યાં અને જવાબ આપ્યો કે,

अब नहीं बिसरू, महारे हिरदे लिख्यो हरि नाम
म्हारे सतगुरु दियो बताय, अब नहीं बिसरू रे
मीरा बैठी महल में रे, उठत बैठत राम
सेवा करस्यां साध की म्हारे और न दूजो काम
राणाजी बतलाइए कई देणो जवाब
पण लागो हरिनाम सू, म्हारे दिन दिन दुनो लाभ

ત્યારબાદ, રાણાએ મીરાંબાઈ પર અત્યાચારોની પરંપરા ચાલું કરી. યોજના અનુસાર ઉદાબાઈએ એક રાતે મીરાંબાઈની ગિરિધર ગોપાલની પ્રતિમા તેમનાં મંદિરમાંથી ચોરી લીધી અને રાણાને પહોંચાડી. રાણાએ જમીનમાં ખાડો ખોદાવી દાટી દીધી કારણ કે તેની સીમિત સમજણ એવું માનતી હતી કે, આ પ્રતિમા જ બધી મુશ્કેલીઓનું કારણ છે! સવારે મીરાંબાઈ જગ્યાં અને જોયું કે, તેમના પ્રાણેશ્વર ગિરિધર ગોપાલ સિંહાસન પરથી ગાયબ છે. મીરાંબાઈએ વિરહભાવથી કરુણ સ્વરે તાનપુરા-કરતાલ સાથે ગિરિધર ગોપાલને અંતરથી પોકાર્યાં અને આ પદ લલકાર્યું. ભક્તનો પોકાર સાંભળી ભગવાન જાતે જ આ સિંહાસન પર પ્રગટ થઈ ગયાં.

्रभुजी थे कहा गए नेहड़ो लगाय.
छोड़ गए अब कोण बिसासी, प्रेम की बाती जलाय
विरह समंद में छोड़ गया छो, नेह की नाव चलाय
मीरा के प्रभु कबरे मिलोगे, तुम बिन रहोइ न जाय.

આ ષડયંત્ર વિફળ ગયું એટલે રાણાએ મીરાંબાઈને સાપ અને વીંછીવાળી કોટડીમાં પૂર્યાં પણ મીરાંબાઈનો ગોપાલ ત્યાં પણ તેમની રક્ષા કરવાં હાજર જ હતો. હવે રાણાએ પોતાની ભાભીને પ્રાણદંડ દેવાનું નક્કી કર્યું. રાણાએ દયારામ પાંડા સાથે એક વિષનો કટોરો શ્રી દ્વારકાધીશનાં ચરણામૃતનાં નામે મોકલ્યો. ઉદાબાઈ પણ તેમની સાથે ભાભી પાસે ગયાં. મીરાંબાઈ તો દ્વારકાધીશનાં ચરણામૃતનો પ્રસાદ પામીને ધન્ય ધન્ય થઈ ગયાં અને વિષનો કટોરો હાથમાં લીધો, ભગવદ્ પ્રાર્થના કરી અને એકદમ નિર્દોષ ભાવે કટોરો મોઢે માંડવાની શરૂઆત કરી. ત્યાં તો અચાનક ઉદાબાઈનાં કુત્સિત હૃદયમાં જ્યોતિ પ્રગટ થઈ અને તેમને પોતાના કલુષિત વિચારો અને વર્તણૂંક પર પસ્તાવો થવાં લાગ્યો. ભાભી અને તેમની ભક્તિ પ્રત્યે એક નિર્મળ આદર ઊમટી આવ્યો. તે તરત ભાભી તરફ દોડી અને બોલી, “ભાભી ના પીશો, આ ઝેર છે.” પરંતુ મીરાંબાઈએ તો પૂર્ણ શ્રદ્ધાથી ચરણામૃતનો ઘૂંટ પોતાના કંઠમાં ઉતારી લીધો હતો. મીરાંબાઈએ દબાઈને કહ્યું, “આ તો મારા ગિરિધર ગોપાલનું ચરણામૃત છે!” ને ઝેરનો આખો કટોરો ગટગટાવી ગયાં. જેવો ઝેરનો કટોરો મીરાંબાઈએ પૂરો કર્યો કે જાણે ઠાકોરજીએ પોતાના ભક્તનું વિષ પોતાનામાં ન સમાવી લીધું હોય તેમ તેમના ઠાકોરજીની આખી પ્રતિમા નીલી થઈ ગઈ. મીરાંબાઈનો વાળ પણ વાંકો ના થયો. મીરાંબાઈના ગિરિધર ગોપાલે તેમના પરના વિશ્વાસની લાજ રાખી અને મીરાંબાઈએ ભાવાવેશમાં આ પદની રચના કરી:

गिरिधर न जानू कब ासी, मेरे वृन्दावन को वासी जी
विष का प्याला भेजिए राणाजी, पीसी जो मर जासी
कर चरणामृत बाई मीरा पि गई, हो गई चंद्रकलासी
मीरा दासी रावलीजी, श्याम बड़ा विश्वासी
मीरा ने गिरिधर मिलिया, काट गई जम की फांसी

જયારે રાણાને સમાચાર મળ્યા કે મીરાંબાઈ તો હેમખેમ છે તો તેણે ક્રોધિત થઈ, રાજવૈદ્ય કે જેણે એ ઝેર બનાવ્યું હતું તેને રાજસભામાં બોલાવ્યો અને જબરજસ્તી બાકી રહેલાં ઝેરનાં બે ટીપા પીવડાવ્યાં. રાજવૈદ્યનો પ્રાણ તત્કાલ નીકળી ગયો. રાજસભામાં હાહાકાર મચી ગયો. શાણા માણસોની સલાહથી મીરાંબાઈને રાજસભામાં બોલાવવામાં આવ્યાં અને સર્વ વિગત જાણ્યા બાદ મીરાંબાઈએ તંબુરો હાથમાં લઈને સુરીલા આવાજમાં રાગ મલ્હારના વિશેષ પ્રકારના આરોહ-અવરોહ અને આલાપ છેડ્યાં. એ ગિરિધર ગોપાલના ગુણગાન ગાવાં લાગ્યાં. આ અભૂતપૂર્વ સંગીતના પ્રભાવથી રાજવૈદ્યે ધીમેધીમે આંખો ખોલી. મીરાંબાઈ અને તેમનાં દિવ્ય સંગીતની ખ્યાતિ ચારે દિશામાં ફેલાવા લાગી. મીરાંબાઈએ એ જે રાગ લલકાર્યો હતો એ ‘મીરાં કી મલ્હાર’ તરીકે આજે પણ પ્રચલિત છે.

આ પ્રત્યક્ષ ઘટનાનો ઉદાબાઈ પર વિશેષ અને વિલક્ષણ પ્રભાવ પડ્યો અને એ જ ક્ષણે પોતાનું મિથ્યાભિમાન છોડીને મીરાંબાઈની શિષ્યા બની ગઈ. ઉદબાઈએ ભાભી સામે આત્મસમર્પણ કરી લીધું. ઉદાબાઈની આત્મગ્લાનિ અને ચિંતન મીરાંબાઈએ આ પંક્તિઓમાં પ્રગટ કર્યું છે:

मैं बोरी अबला रही, डरी किनारे बैठी.
जिन ढूंढा तीन पाइया, गहिरे पानी पैठी.
प्रेम तो एसो चाहिए, जस मजीठ को रंग
धोये से छुटत नहीं, जाय जिया के संग.

મીરાંબાઈનાં વ્યક્તિત્વને એક પારસમણિ સાથે સરખાવી શકાય. જેમ પારસમણિના સંપર્કમાં આવવાથી લોખંડ સુવર્ણ થઈ જાય તેમ મીરાંબાઈની શુદ્ધ ભક્તિના પ્રભાવથી ઉદાબાઈની કથીર મનોવૃત્તિ પણ કંચનમાં પરિવર્તિત થઈ ગઈ. જયારે તમે તમારાં વાણી અને વર્તનથી બીજા કોઈનાં જીવનમાં સાચી દિશામાં પરિવર્તન લાવો, કોઈ બીજા માટે તમે એક પથદર્શકની ગરજ સારો, Be the light that helps others see, ત્યારે મારા મતે તો એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. મીરાંબાઈએ પણ જાણતાં કે અજાણતાં ઉદાબાઈની જેમ બીજી ઘણી વ્યક્તિઓનાં જીવનને સાચી દિશા આપી છે. મીરાંબાઈએ પોતાનો કોઈ પંથ નથી સ્થાપ્યો કે નથી કોઈ શિષ્યગણ ઊભો કર્યો અને એ જ બતાવે છે કે, મીરાંબાઈએ ખરેખર રાણાએ આપેલાં ઝેરની જેમ જ અહંકાર જેવા મનુષ્યસહજ અવગુણોને પણ બરાબર પચાવી જાણ્યાં છે. મીરાંબાઈ જીવનમાં આવેલી અનેકાનેક આંધીઓ વચ્ચે પણ ગિરિધર ગોપાલનાં સાનિધ્યમાં ભક્તિમાર્ગ પરથી વિચલિત થયાં વગર પોતાના ધ્યેય તરફ આગળ વધતાં ગયાં. પરમકૃપાળુ પરમેશ્વર આપણને સૌને પણ આપણા ધ્યેય તરફ નિષ્ઠાપૂર્વક આગળ વધી શકીએ એવી શક્તિ અને મતિ અર્પે એવી પ્રાર્થના સાથે વિરમું છું.

ચાલો, આજે મનને શાંત કરતું સરસ ભજન સાંભળીએ...

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે....

 અલ્પા શાહ

૧૩ – કબીરા

કલમ વિનાનો કવિ કબીરો

મારી કબીર સાથેની ઓળખ એનાં ભજનો અને દોહાથી થઈ ગણાય. દોહા વાંચતી ગઈ તેમ તેમ તેના અંગે અનેક પ્રશ્નો મારાં માનસ પર ઊપસી આવ્યા.

જો કબીરો ભણેલો નહોતો અને તેણે કદી કાગળ પેન્સિલ લઈ કશું લખ્યું નહતું તો આ લેખિત દોહા આવ્યા ક્યાંથી? કબીરવાણી અને કબીર સદીઓ પછી આજે પણ પ્રચલિત શા માટે છે? તે અંગે જે જાણકારી મેં મેળવી તેના વિષે વાત આજે કહેવી છે.

સૌ પ્રથમ, આ કબીરવાણી એટલે શું? અને કબીરવાણીમાં એવું તે શું છે કે જેણે કબીરને આજે પણ જીવંત રાખ્યા છે. કબીર ભણેલા નહોતા તો કબીરવાણી અને ગ્રંથ પ્રગટ કેવી રીતે થયા?

યોગસાધના, અદ્વૈતવાદ, સૂફીમત અને વૈષ્ણવભક્તિનાં સારતત્વનું સુભગ સંમિશ્રણ એટલે કબીરવાણી. કબીરનાં વિચારો અને સર્જન જીવનનાં મૂળથી જોડાયેલાં છે અને થોડામાં ઘણી સમજ આપે તેવાં છે. કબીરની રચનાઓ અને અભિવ્યક્તિને ‘પીથી -અર્થી રાઈટીંગ સ્ટાઈલ’ તરીકે વિશ્વમાં ઓળખાય છે. ‘પીથી’ એટલે થોડામાં ઘણું અને ‘અર્થી’ એટલે લોકોનાં હ્રદયની જડથી જોડાયેલું.

આમ જોવા જઈએ તો, કબીરની રચનાઓની ભાષા સાધુકડી ભાષા કહેવાય. કબીરનાં સર્જનમાં રાજસ્થાની, હરિયાણવી, પંજાબી, ખડી, અવધિ, વ્રજ, ભોજપુરી વગેરે જેવી હિન્દી ભાષાની પ્રાંતીય બોલીઓ સમ્મિલિત છે. ભાષાઓનો શંભુમેળો કબીરનાં સર્જનમાં વહેતો રહ્યો છે. સંત કબીરના વિચારોનું અદ્ભુત અને મજબૂત પ્રભાવનું એક પ્રમાણ એ છે કે, ૧૫મી સદીમાં જન્મેલા કબીરના વિચારો છેક ૧૭મી સદીમાં ‘કબીરબીજક’ ગ્રંથમાં પ્રગટ થયાં. એટલે કે, બે સદી સુધી કબીરના વિચારો કંઠોપકંઠ વહેતા રહ્યા. કબીરના અનુયાયીઓએ તેમની વાણીના સંગ્રહને ‘બીજક’ અને ‘અનુરાગ સાગર’ નામના ગ્રંથમાં સંકલિત કર્યા અને સાખી, શબદ અને રમૈની એમ ત્રણ ભાગમાં પ્રસ્તુત કર્યા. સાખી સંસ્કૃત શબ્દ સાક્ષી ઉપરથી અપભ્રંશ થઈને આવેલો શબ્દ છે.

કબીરજીની વાણી, શિક્ષણ અને સિધ્ધાંતોનું નિરુપણ આ સાખી વિભાગમાં નિરૂપાયેલ છે. શબદ વિભાગ લયબધ્ધ ગીતોથી બનેલો છે. એમાં સંત કબીરે પ્રેમ અને અંતરંગ સાધનાની કરેલી અભિવ્યક્તિની લયબધ્ધતા છે. જ્યારે ત્રીજો વિભાગ ચોપાઈ છંદમાં લખાયો છે. જેમાં કબીરજીએ રહસ્યવાદી સાત્વિક વિચારોને સુપેરે પ્રગટ કર્યા છે. ભક્તિ, જ્ઞાન અને સંદેશના આધારસ્તંભ પર અડગ ઊભેલા કબીરજીના વિચારો આજે પણ જનમાનસ પર છવાયેલા છે. ગુરુ રામાનંદજીથી પ્રભાવિત કબીરની અદ્વૈતવાદની ફિલોસોફીને જનમાનસમાં જબરજસ્ત સ્થાન પ્રાપ્ત થયું છે.

જીવનના ગુઢ રહસ્યોની ખૂબ મોટી વાતો અત્યંત સરળતાથી ટૂંકમાં સમજાવતાં કબીરાની વાત દરેકનાં હ્રદયમાં આજે પણ સોંસરવી ઊતરી જાય છે. કબીરો પોતાના દોહામાં, શું કરવું જોઈએ અને શું નહીં એની સમજ તદ્દન સરળ અને તળપદી ભાષામાં આપે છે. ખોટા રીતરિવાજો અને કોઈપણ ધર્મમાં રહેલી અણસમજ અને ગેરસમજને ફેલાવતી વાતોનું કબીરે તેમનાં સર્જનમાં બેબાક રીતે ખંડન પણ કર્યું છે. ‘અનુભવે શીખ્યા તે જીવન’ની ફીલોસોફીને કબીરાએ સાદગીથી સહજ ગાઈ પ્રસ્તુત કરી છે. જે જ્ઞાન આજે પણ લોક જીભે ચડીને લોકોનાં હૃદયમાં સોંસરવું ઊતરી જાય છે. આ બે પંક્તિ તો આપ સૌ કોઈ જાણો જ છો…

કલ કરે સો આજ કર, આજ કરે સો અબ,
પલમેં પ્રલય હોયેગી,બહુરી કરે વો કબ!

એમની સુખ દુ:ખની પરિભાષા અને અદ્ભૂત અભિવ્યકતી એક જ્ઞાની કે વિદ્વાન જેવી છે, જુઓ;

દુ:ખ મેં સુમીરન સબ કરે, સુખ મેં કરે ન કોય,
જો સુખ મેં સુમીરન કરે, દુઃખ કાહે કો હોય!

કબીર માળા ફેરવતાં બગભગતને ઉદ્દેશીને આડંબરના પડદાને ચીરીને સત્ય પ્રગટ કરે છે. એક અભણની નીડરતા તો જુઓ..તેની તીખી વાણીથી તીખાં બાણ ફેંકયાં છે.

માલા ફેરત જુગ ભયા, ફીરા ન મન કા ફેર,
કર કા મનકા ડાર દે, મન કા મનકા ફેર.

કબીરે આંખ અને કાન ઉઘાડા રાખીને, મન અને બુદ્ધિને કોઈપણ વાદ કે સંપ્રદાયના વાડામાં જોડ્યા વગર, માન્યતા કે વિચારધારાનાં બંધિયારપણામાંથી સદંતર મુક્ત રહીને જ્ઞાન વહાવ્યું. આ જ્ઞાન સત્સંગની સર્વોત્તમ યુનિવર્સિટીમાંથી અને વિવિધ યાત્રાઓમાંથી મેળવ્યું. કબીરના મુખ્ય ગ્રંથમાં તેમના શિષ્ય ધર્મદાસે સંવત ૧૫૨૧માં ‘કબીરબીજક’નું સંકલન કર્યું. આજે પણ ‘કબીરબીજક’ વાચક અને અનુયાયીઓ માટેનો મહત્વનો આધારગ્રંથ ગણાય છે. શીખોના પાંચમા ધર્મગુરુ શ્રી અર્જુનદેવે સંવત ૧૬૬૧માં તૈયાર કરાવેલ ‘ગુરુ ગ્રંથસાહેબ’માં કબીરસાહેબના લગભગ સવા બસો પદ અને અઢીસો શ્લોક કે સાખીઓનું સંકલન કર્યું છે. આમાં કબીરની વાણી તે સમયના મૂળ પ્રમાણે સચવાયેલી છે.

ડો.શ્યામસુંદરદાસે બે હસ્તલિખિત ગ્રંથોમાં કબીરની રચનાઓનું પ્રમાણિત સંકલન સંવત ૧૫૬૧ અને સંવત ૧૫૮૧માં કરેલ છે. એ ‘કબીર ગ્રંથાવલિ’ નામે ઓળખાય છે. આજે પણ વિદ્વાનો આ ગ્રંથને સૌથી વિશેષ પ્રમાણભૂત માને છે.

આમ જોવા જઈએ તો, કબીરસાહેબનાં પદો મૌખિક પરંપરામાં જળવાયા કહેવાય. શાંતિ નિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેને ઝવેરચંદ મેઘાણીની જેમ ગામડે ગામડે ફર્યા અને સંતો અને ભજનિકોનાં મુખેથી સાંભળીને કબીરનાં પદો એકઠાં કર્યાં. એને ચારભાગમાં છપાવ્યા છે. એ પદોનો ગુજરાતી અનુવાદ મોહનદાસ પટેલે કરેલ છે. રવીન્દ્રનાથ ટાગોરે ક્ષિતિમોહન સેનના કબીરવાણી સંગ્રહમાંથી પસંદ કરેલા સો પદોનો અનુવાદ કરીને ‘Hundred Poems of Kabir’ નામે પશ્ચિમી દેશોને કબીરની ઓળખ કરાવી છે. આ નિર્દેશ કરે છે કે ટાગોર પણ કબીરથી પ્રભાવિત હતા.

કબીરસાહેબના નામે કેટલુંક કબીરપંથી સાહિત્ય પ્રગટ થયું છે. જેમાં કબીરનો ઉપદેશ અને શાસ્ત્રાર્થના ગ્રંથોનો પણ સમાવેશ છે. તેવી જ રીતે, ‘ગોષ્ઠી-ગ્રંથ’ કે ‘બોધગ્રંથ’ પણ કબીરનાં જ્ઞાનને પ્રકાશિત કરે છે. તેમાં ‘ગોરખ ગોષ્ઠી’, ‘કબીર-શંકરાચાર્ય ગોષ્ઠી’, ‘કબીર-દત્તાત્રેય ગોષ્ઠી’, ‘કબીર-રઈદાસ ગોષ્ઠી’ મુખ્ય ગણાય છે. ગુજરાતીમાં અનુવાદ થયેલ કબીર સાહિત્યમાં હજારીપ્રસાદ દ્વિવેદીનું ‘કબીર’ મુખ્ય છે જેનો અનુવાદ કિશનસિંહ ચાવડાએ કર્યો છે.

હજારીપ્રસાદે કબીરની યોગ્ય મુલવણી કરતાં કહ્યું, ‘કબીર નખશિખ મસ્તમૌલા, સ્વભાવથી ફક્કડ, આદતથી અક્કડ, ભક્તની સામે વિનમ્ર, વેષધારી આગળ પ્રચંડ, દિલના સાફ, અંદરથી કોમળ, બહારથી કઠોર, જન્મથી અસ્પૃશ્ય, કર્મથી વંદનીય છે.” કહો તો, આ સાથે કોણ સહમત નહી હોય? કબીર પોતાની જાતને અક્ષરજ્ઞાની તરીકે ઓળખાવતા નથી.

મસિ કાગજ છુઆ નહીં, કલમ ગહી નહિ હાથ,
ચારિઉ જુગકો મહાતમ કબીરા મુખહિં જનાઈ બાત.

કબીર ભલે ભણેલા નહોતા પણ તેમને મુખપાઠ વિદ્યા વસી હતી એટલે બની શકે કે, બીજા પાસે લખાવ્યું હોય અથવા તેમના કુશાગ્ર બુદ્ધિ શિષ્યોએ લખ્યું હોય. પરતું કબીરની સાખીઓ, દોહાઓ અને અનેક પદો દ્વારા સ્પષ્ટ થાય છે કે, કબીર તીક્ષ્ણ બુધ્ધિ ધરાવતા અનુભૂતિજન્ય જ્ઞાની પુરુષ હતા.

-જીગીષા પટેલ

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 14 : મેઘાણીનું અનુસર્જન

કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે
ઘેરી ઊંઘમાં પોઢેલ ભઈલાને કોણ જગાડે રે?
આવું કોઈ બાળગીત, હું મારાં બાળકોને ગાઈ સંભળાવતી – જે પંક્તિઓ અમને ભાંડરવાઓને બાળપણમાં અમારાં પેરેન્ટ્સ સવારે અમને ઊંઘમાંથી જગાડતી વખતે ગાતાં હતાં :કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
ઘેરી ઊંઘમાં પોઢેલી બેનીને કોણ જગાડે રે?આમાં પહેલી પંક્તિ ઝવેરચંદ મેઘાણીની છે અને બીજી પંક્તિ અમારાં કુટુંબનું ઉમેરણ! પણ વર્ષો બાદ, ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ વખતે સમજાયું કે, એ પ્રભાતિયાંના ઢાળનું, હાલરડાં જેવું ગીત મેઘાણીનું પણ અનુસર્જન છે. મૂળ કાવ્ય છે રવીન્દ્રનાથ ટાગોરનું : નિર્ઝરેર સ્વપ્નભંગ. એનું મેઘાણીએ કાવ્ય રૂપાંતર ‘જાગેલું ઝરણું’ કર્યું છે. અને એ કાવ્યની આ પ્રથમ પંક્તિ છે.

ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ ‘રવીન્દ્રવીણા’ (૬૪ કાવ્યોનો સંગ્રહ) રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ છે.
કેટલાંક વાચકમિત્રોની જીજ્ઞાશા છે અને સૂચન છે કે, ઝવેરચંદ મેઘાણીનાં અનુસર્જનનું રસ દર્શન કરાવવું જોઈએ. જોકે, આ એક અભ્યાસનો વિષય છે, થોડો ભારેખમ પણ ખરો. પણ વાચકોની માંગ છે તો એકાદ કાવ્યની ચર્ચા કરીશું.

મેઘાણી પોતે જ પ્રસ્તાવનામાં કહે છે :
‘આ કૃતિઓને તમે મેઘાણીની કહેશો? કે ટાગોરની? એમની પ્રતિભાને રજૂ કરતી ગુજરાતી રચનાઓમાં અનુવાદની કોઈ કચાશ કળાઈ જાય નહીં તેવી તકેદારી મેં રાખી છે, પણ તેથી ગેરલાભ એ છે કે, મૂળને મોટેભાગે પાછળ નાખી દઈને રચના થઈ છે.’ આમ, ઝ.મે. કાવ્યનું હાર્દ પકડીને એને પૂરા ગુજરાતી પોશાકમાં લઈ આવે છે. આમ જોવા જઈએ તો, આપણને (વાચક વર્ગને) રોટલા સાથે કામ છે કે ટપટપ સાથે? એક સ્વતંત્ર કૃતિ તરીકે એ તમને ગમે છેને? તો બસ, એ જ રીતે તેને આસ્વાદો!

આમ પણ, અનુવાદ કાર્ય માટે કહેવાયું છે કે, વરસાદ અને વહુની જેમ એમાં જશ ઓછો અને એને માટે સૌને કાંઈક સારું કે ઘસાતું બોલવાનું હોય જ! તો આ કાવ્ય વાચક મિત્રોને સ્વયમ્ અનુભવવા અને નક્કી કરવા રજૂ કરું છું. રવીન્દ્રનાથ ટાગોરનાં આ કાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર મેઘાણી સિવાય પણ અન્ય કવિઓએ કર્યું છે, એટલે આ કાવ્યને સવિસ્તાર સમજવાથી ઝ.મે.ની અનુસર્જન કલાનો ખ્યાલ આવશે. જાણીતા વિદ્વાન વિવેચક અને આઠ જેટલી ભાષાના જાણનાર ભોળાભાઈ પટેલે લખ્યું છે કે, ખુદ ટાગોર પોતે પોતાની બંગાળી કૃતિઓનું અંગ્રેજી રૂપાંતર સિફતથી કરી શકયા નથી, ત્યારે મેઘાણીનાં મૂળ બંગાળીમાંથી થયેલાં અનુસર્જનો વિચારવાં જેવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરનું ૨૧ વર્ષની ઉંમરે, ૧૮૮૨માં રચેલ ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ મનોરમ્ય કાવ્યત્વ સાથે એક વિચારબીજ લઈને આવે છે: પહાડની શિલાઓની અંધારી ગુફાઓમાં એકાએક સૂર્ય કિરણો પહોંચે છેઃ

‘નિર્ઝરેર સ્વપ્નભંગ’
આજિ એ પ્રભાતે રવિર કર કૈમને પશિલ પ્રાણેર’ પર,
કેમને પશિલ ગુહાર ઓંધારે પ્રભાત પાખિર ગાન,
ના જાનિ કેતરે ઍતદિન પરે જાગિયા ઉઠિલ પ્રાણ.
જાગિયા ઉઠિ છે પ્રાણ, ઓરે ઉદથલિ ઊઠે છે વારિ,
ઓરે પ્રાણેર વેદના પ્રાણેર આવેગ રુધિયા રાખિતે નારિ,
થર થર કરિ કાંપિ છે ભૂધર શિલા રાશિ રાશિ પડિ છે ખસે,
ફુલિયા ફુલિયા ફેનિલ સલિલ ગર્જિ ઊઠે છે દારુણ રોષે ……

એક પછી એક વેગે વહેતી પંક્તિઓ આપણી સમક્ષ કુદરતનું એ રમ્ય દ્રશ્ય આક્રોશમાં સરી પડતું દેખાય છે. ઉમાશંકર જોશીએ પણ આ કાવ્યનો ગદ્યાનુવાદ કર્યો છે. આ રહ્યો ઉમાશંકર જોશીનો તેમનાં ‘એકોત્તરશતી’માંનો અનુવાદ:

‘આજે આ પ્રભાતે રવિનાં કિરણોએ કઈ રીતે પ્રાણમાં પ્રવેશ કર્યો? કઈ પેરે પ્રભાત પંખીઓનાં ગાને ગુફાના અંધારામાં પ્રવેશ કર્યો? મને ખબર નથી શા માટે આટલા દિવસે પ્રાણ જાગી ઊઠ્યો. પ્રાણના આવેગને હું રૂંધી રાખી શકતો નથી. ઢગલે ઢગલાં શિલાઓ ખસી પડે છે. ફીણવાળું પાણી ઊછળતાં ઊછળતાં દારુણ રોષથી ગરજી ઊઠે છે.’
પણ, મેઘાણીનું જાગેલું ઝરણું મૂળ વિષયથી શરૂ થાય છે. એની રજુઆત તદ્દન જુદી છે.
એક તો એનો ઢાળ પ્રભાતિયાં જેવો. અમારાં કુટુંબમાં અમે બાળકોને સુવડાવવાં અને જગાડવાં પણ ગાઈએ, તેવો લોકગમ્ય, લોકભોગ્ય! તો માણો મેઘાણીનું : જાગેલું ઝરણું!

કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
જુગ-જુગોની નિંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે!
ગોમ-ગુફાની ગોળમાંથી મારાં નેણને કોણ જગાડે રે!
આંહી ક્યાંથી પરભાતનું કિરણ પેઠું ઘોર અંધારે રે!
પંખી કેરું ગીત ત્યાંથી શરણાઈ લલકારે રે.
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
થીજેલ મારાં પ્રાણમાં જળની ઝાલક કોણ ઉડાડે રે?
ફૂટ્યાં ક્યાંથી રંગ ફુવારા ધધખ ધધખ ધારે રે?
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
ધરણી કેરાં પડ ધ્રૂજે ને ફાટ પડી પ્હાડે પ્હાડે રે!
ભેખડ કેમ ભેદાઈ રહી છે આજ મારી ચોધારે રે?
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?

ફીણવાળાં મારાં નીર ઘોડીલાં આકુળ થઈ ખોખરે રે!
ઘૂમરી ખાતાં રોષમાં તાતા પાગલ પગ પછાડે રે.
ને મેઘાણીનું પોતાનું ઉમેરણ :
કેમ કરી આજે જાગિયો આતમ, પુરાયેલ પાતાળે રે!
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?

મૂળ કાવ્યમાં પાતાળની કલ્પના છે જ નહીં
પછી મેઘાણી કોઈ સાચા ગુરુને શોધે છે. એક સોરઠી ભજન જેવું એ બની જાય છે અને મૂળ કૃતિનો ભાવ પણ અહીં બદલાઈ જાય છે!
સહસા ભાવથી ઝરણું જાગી ઊઠે છે. તે વિસ્મય પામે છે વગેરે વગેરે ત્વરિત વેગ મેઘાણીનાં આ કાવ્યમાં નથી. એને બદલે એ ફરી ફરીને એ પંક્તિનું પુનરાવર્તન કરે છે. એક કાવ્ય જાણે કે સુંદર ભજન કે ગીત બનીને નવાં સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં આકાર લે છે! નાનકડું કાવ્ય દીર્ઘ ગીત બની જાય છે! અને છતાં, ક્યાંયે કોઈને અણસાર સુધ્ધાં ના આવે કે આ અનુવાદિત રચના છે!

શ્રી ભોળાભાઈ પટેલે મેઘાણીના આ અનુસર્જનનું શબ્દ સહ વિશ્લેષણ કર્યું છે; ‘પણ, ઝવેરચંદ મેઘાણીનાં વ્યક્તિત્વની અહીં પહેચાણ થાય છે. એમની અનુવાદ માટેની માન્યતાઓ તેમની પોતાની જ – સેલ્ફજશટિફિકેશનની – છે તે આપણે જોઈ શકીએ છીએ. એ પોતે જ કહે છે કે, અસલ કૃતિને હ્ર્દયમાં એકાકાર કરી લીધાં પછી નવેસરથી નિપજાવેલ કૃતિઓ છે! એમનાં ઘણાં કાવ્યો આમ રૂપાંતરો જ છે.’

સુરેશ દલાલ મેઘાણીની આ વિશિષ્ટ શૈલી માટે કહે છે તેમ, ‘રવીન્દ્રનાથની વીણામાંથી મેઘાણી અહીં એકતારાનું સંગીત રજૂ કરે છે!’

અને ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘ઢાકાની મલમલ અહીં સોરઠી લોબડી બનીને આવી છે!’ લોબડી શબ્દનો સ્પષ્ટ અર્થ જાણી લઈએ. કાઠિયાવાડમાં એક શબ્દ છે પાણકોરું. કણબીઓનો પહેરવેશ છે જે પાણકોરામાંથી બનાવેલ હોય. સામાન્ય રીતે પીળાશ પડતું, ઓફ-વ્હાઇટ કલરનું આ જાડું કપડું બધાં મેલ, પરસેવો વગેરે લઈ લે. મહિને એકવાર માંડ પૂનમે ન્હાતો કણબી આ જાડાં કપડામાં હોય. કાપડાંને પાણાં પર પછાડી પછાડીને બનાવાય તે આ પાણકોરું! ને તેનું લૂગડું એટલે લોબડી. કેવો સુંદર ગંભીર અર્થ!

ઝવેરચંદ મેઘાણીને જે રીતે આપણે જાણીએ છીએ તે જોતાં એમ જ લાગેને કે રાષ્ટ્રીય કવિ એટલે તો કહેવાયા કારણ કે નાજુક મલમલ આપનારાં તો અનેક વિદ્વાન પંડિતો હતાં જ પણ આવું સુંદર પાણકોરું આપનાર કેટલાં? મેઘાણીએ ઘણાં સુંદર અનુસર્જનો કર્યાં છે તેમાં મારું પ્રિય ‘સૂના સમદરની વાટે રે’ની વાત આવતે અંકે!

૧૪ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ એક એવું નામ જેના વિશે, જેમની રચનાઓ વિશે કશું પણ કહેવું હોય તો શબ્દો ખૂટે, પાનાં ઓછાં પડે પણ ક્યારેક અવિનાશ વ્યાસ માટે બે-ચાર વાક્યોમાં પણ ઘણું કહેવાઈ જાય. એ કહેવા માટે અવિનાશ વ્યાસને એમના જ શબ્દ અને સૂરથી ઓળખવા પડે. એમની સૂઝ પારખવી પડે. એમની અભિવ્યક્તિને પામવી પડે.

આવા, એમને પારખી ગયેલા, પામી ગયેલા એક ઉચ્ચ કોટીના ગાયક-સ્વરકારે એમના માટે જે કહ્યું છે એ આજે અહીં ટાંકુ છું.

“આજે આખાય વિશ્વનો વ્યાપ લઈને બેઠેલો છે એ માણસ, જેનાં નામનો કદી નથી નાનો વ્યાસ, જેનું નામ હતું, છે અને રહેશે એ છે અવિનાશ વ્યાસ.” પુરુષોત્તમ ઉપાધ્યાય જેવી વ્યક્તિ અવિનાશ વ્યાસ માટે આ વાક્ય બોલ્યા એ જાણે એક આખા સંદર્ભગ્રંથ જેવું છે.

વા જ એક બીજા ગાયક-સ્વરકાર આશિત દેસાઈએ કહેલી વાત આજે જો પુનરુક્તિ જેવી લાગે તો પણ કહેવાની ઈચ્છા થાય જ છે. એમણે કહ્યું હતું કે, “અવિનાશભાઈ એટલે ગુજરાતી સુગમ સંગીતના ભિષ્મપિતામહ એટલે માતા અને પિતા એમ બંનેનું કામ એમણે સંભાળ્યું. સુગમ સંગીતનો પાયો મજબૂત કરવામાં એમનો ફાળો ખુબ મહત્વનો છે.” અવિનાશ વ્યાસ પોતાની રચનાઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. એમની રચનાઓ કાવ્યત્વથી ભરપૂર તો હતી જ પણ એની સાથે ખૂબ સૂરીલી પણ હતી.

અવિનાશ વ્યાસે સરળ અને મધુરા ગીતો તો આપ્યાં જ છે પણ એ સરળતાની સાથે ક્યારેક સાવ ઓછા વપરાતા એવા શબ્દોને પણ સરસ રીતે એ પોતાનાં ગીતમાં ગૂંથી લેતા. આજે એક એવા જ શબ્દપ્રયોગને યાદ કરવાનું મન થયું છે.

આ એકદમ મસ્તીભર્યું  ગીત ગાયું છે  આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરે…..

આપણે આગળ વાત કરી હતી એમ, અવિનાશ વ્યાસે બીન ગુજરાતી ગાયકો પાસે અનેક ગીતો ગવડાવ્યાં. એમાં આશા ભોંસલેએ તો અનેક ગીતો ગાયા છે. સાથે ઘેઘૂર અવાજ ધરાવતા ગાયક મહેન્દ્ર કપૂરે પણ સાથ આપ્યો છે.

એક પાટણ શહેરની નાર પદમણી, આંખનચાવતી ડાબી ને જમણી

સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય, ભાતીગળ ચૂંદડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય….

એક વાગડ દેશનો બંકો જુવાનીયો, રંગ જાણે એનો લાલ ફાગણીયો

કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વર્તાય,નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય…

સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય, ભાતીગળ ચૂંદડી લહેરાય

ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય….

એક વાગડ દેશનો બંકો જુવાનીયો, રંગ જાણે એનો લાલ ફાગણીયો

કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વર્તાય,નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય…

સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય, ભાતીગળ ચૂંદડી લહેરાય

ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય….

એક વાગડ દેશનો બંકો જુવાનીયો, રંગ જાણે એનો લાલ ફાગણીયો

કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વર્તાય,નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય…

અહીં વાત તો પ્રેમમાં રસ તરબોળ દિલની જ છે પણ ગીતકાર અવિનાશ વ્યાસે ગીતમાં ભાવની સાથે શબ્દોને એવા તો રમતીયાળ રીતે રમતા મૂક્યા છે કે સાંભળીને એ ઝાંઝરનો ઝમકાર કાનને સંભળાવા માંડે. ઝમક ઝમકની જેમ જ ધબક ધબક શબ્દને ભારે લહેકાપૂર્વક એકથી વધારે વાર મૂકીને એ શું પ્રસ્થાપિત કરવા માંગે છે?

આ ઝમક ઝમક કે ધબક ધબક શું છે? આમ તો કાના-માત્રા વગરના શબ્દો જ ને! પણ આ કાના-માત્રા વગરના શબ્દોને અવિનાશ વ્યાસે ગીતમાં એવી રીતે વણી લીધા છે કે, સાંભળતાની સાથે એ નારીનાં હ્રદયના ધબકારા આપણા કાન સોંસરવા ઊતરી દિલ સુધી પહોંચી જાય. આપણા હાથની થાપ આપોઆપ એની સાથે તાલ મેળવી લે.

વળી આ ગીતમાં અંગ, રંગ, ઢંગ જેવા શબ્દોને પણ કેવા અલગ રીતે અજમાવ્યા છે !

રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

બંકડી મૂછો અરે બંકડી પાઘલડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

શબ્દોની જાણે સાતતાળી માંડી ના હોય!

એવું જ બીજું ગીત…..

ચરરર ચરરર મારું ચકડોળ ચાલે, ચાકડચું ચીં ચીં ચાકડચું ચીં ચીં તાલે

હવે આમ તો સામાન્ય રીતે આપણે આ ચરરર કે ચાકડચું ચીં ચીં જેવા શબ્દો ક્યાં અને ક્યારે વાપરીએ છીએ? પણ જ્યારે અવિનાશ વ્યાસ આ ગીત રચે અને પાછું સંગીતે પણ મઢે ત્યારે આવા શબ્દો પણ આપણને ગમતા થઈ જાય. આપણે પણ ગણગણતા થઈ જઈએ અને મઝાની વાત તો એ કે, આ ગીત એમણે મન્ના ડે પાસે ગવડાવ્યું. હવે આ બંગાળી ગાયક માટે આ ગીત ગાવું સાવ સહેલું તો નહીં જ હોય ને? પણ અવિનાશ વ્યાસે એ શક્ય કરી બતાવ્યું અને આજે પણ આ ગીત એટલું જ ગવાય છે.

એવી રીતે  હુતુતુતુ જેવું ગીત હોય અને મન્ના ડે જેવા ગાયકે ગાયું હોય ત્યારે એ એક ઈતિહાસ જ રચે ને? પણ આ ગીતની રચના પાછળનો ઇતિહાસ આપણે આવતા લેખમાં જોઈશું .

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 12 : નયનાબેન પટેલ

મિત્રો, બસ આજે આટલું જ ….

 

ખુલ્લી બારીએથી – રમણલાલ વ. દેસાઈ : વાચક, જયશ્રી પટેલ

રમણલાલ . વ.દેસાઈ

મારી નજરે “* દિવ્યચક્ષુ”*(૧૯૩૧/૩૨)-
(ગુજરાતી ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખક શ્રી રમણલાલ વ. દેસાઈની કલમે લખાયેલ નવલકથા )
તેમના પરિચયમાં હું મારા કોલેજકાળ દરમ્યાન આવી.૧૯૭૧/૭૨ ના બી.એ ના પહેલા વરસમાં એક નોવેલ પાઠ્યક્રમમાં જોડાય..વાંચન તો મૂળ શોખ એટલે એક જ બેઠકે વાર્તા પૂર્ણ કરી..ને લેખક તરીકે વસી ગયા.તેથી..એક પછી એક ગ્રંથાલયમાંથી પુસ્તકો લઈને પૂર્ણ કરવા માંડ્યા આજે પણ મારી પોતાના પુસ્તકાલયમાં તેમના અનેક પુસ્તકો છે.
                        પરિચય : *રમણલાલ.વસંતલાલ.દેસાઈ*નો જન્મ૧૨ મે ૧૮૯૨માં વડોદરા રાજ્યના શિનોર ,ગુજરાતમાં થયો હતો.પિતા વસંતલાલ ને માતા મણિબેનન ના સંતાન હતા.તેઓ કલોલના વતની હતા. પિતા નાસ્તિક ને માતા ચુસ્ત વૈષ્ણવ.પિતા *દેશભક્ત*નામનું સામાયિક ચલાવતા.તેઓ ૬ઠ્ઠા ધોરણ સુધી શિનોરમાં ભણ્યાને પછી વડોદરાની શાખાશાળામાં દાખલ થયા.બાળ લગ્ન થયા ને પત્નીનું નામ કૈલાસવતી હતું.મેટ્રિક પાસ થયા ને કોલેજમાં સાહિત્યનો જીવ એટલે ગણિતમાં નાપાસ થયા.પણ મન થોડું સ્વતંત્ર વિચારોવાળું ને સુધારાવાદી તેથી મિત્રો સાથે સમાજવાદને બાળલગ્ન પર ચર્ચા કરતા, ઠેર ઠેર વ્યાખ્યાનો આપતા.આખરે ૧૯૧૪માં પ્રથમ વર્ગમાં બી.એ ની પદવી મળી.કોલેજકાળમાં કવિતા,નાટકો રચતા તો થઈ જ ગયા હતા.૧૯૧૬માં અંગ્રેજીને ગુજરાતી સાહિત્યમાં એમ.એ ની પદવી મેળવી.પણ પ્રથમ ન આવતા તેઓ પ્રાધ્યાપક ન બની શક્યાને શ્રી સયાજી માધ્યમિક શાળાના શિક્ષક બન્યા.૧૯૧૬માં તેઓ બરોડા રાજ્યના ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારીને આઝાદી સુધી ૧૯૪૮ માં નિવૃત્ત થયા ત્યાં સુધી અલગ અલગ પદવી પર પદ સંભાળતા રહ્યા.
૨૦મી સપ્ટેમ્બર ૧૯૫૪માં હૃદયબંધ થવાથી મૃત્યુ પામ્યા.
જ્યારે હું ફક્ત એક વરસને ચાર મહિનાની જ હતી.
                તમને થશે તો મે કેવી રીતે લખ્યું કે ૭૧/૭૨ માં હુ પરિચયમાં આવી? હા ૧૯૫૪ થી ૧૯૭૧ સુધી કે તે પછી પણ તેઓ લોકોના હૃદયમાં શબ્દો રૂપી વસતા હતા.તેમના જીવનકાળ દરમ્યાન કવિતા *શું કરું* એ કોલેજના મુખપત્રમાં પ્રકાશિત થઇ હતી.ત્યારબાદ ૧૯૧૫માં સંયુક્તા નાટક રચ્યું જે સુરત ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભજવાયું. કલમ ને કાગજ ભરાવા માંડ્યા એક પછી એક રચનાઓ રચાતી ગઈ.તેમણે ૨૭ નવલકથાઓ રચી છે.સાથે સાથે ટૂંકીવર્તાઓ,નાટકો,કાવ્યો,રેખાચિત્રો,પ્રવાસ વર્ણનો,વિવેચન,ઐતિહાસિક નિબંધો અને જીવનવૃતાંત પણ રચ્યા છે.કનૈયાલાલ મુનશી ને ધુમકેતૂના તેઓ સમકાલીન હતા.તેઓની વાર્તા કે નવલકથામાં હમેશાં ગુજરાતી પ્રજાના મધ્યમવર્ગના જીવન અને પાત્રો ખૂબ જ જાણીતા હતા.ગાંધીયુગને સમાંતર ગામડાંની પરિસ્થિતિનો આબેહૂબ ચિતાર તેમની શૈલીની ખાસિયત હતી.
                 આજે આપણે *દિવ્યચક્ષુ* વિશે કે તેની વાર્તા વિશે જરૂર જાણીશું..એમ તો *ગ્રામલક્ષ્મી*પણ ૧૨૨૩ પાનાંની વિશાળ નવલકથા છે…પણ *દિવ્યચક્ષુ* મારા મનોમંથન કે નવા નવા યુવાન વયના હૃદયને સ્પર્શી ગયેલી નવલકથા છે..આજે પણ તેના અંત ને વાંચતા મારૂ હૃદય દરેકના પ્રથમ પ્રેમનું આલોકન કરી જાય છે.
                  તેમની નવકથા વિશે તેમના જ શબ્દોમાં..*કૌમુદી ના તંત્રી ભાઈ વિજયરાયે એક લાંબી વાર્તા તેમના સુપ્રસિદ્ધ પત્ર લખવા માટે મને જણાવ્યું ,અને દર માસે બે ત્રણ પ્રકરણ લખવાની સગવડ મળશે એમ ધારી મે વાર્તા લખવાની હા પાડી.અને *દિવ્યચક્ષુ* વાર્તાનો ઉદ્ ભવ થયો.પ્રથમ તો એકાદ વરસ ચાલે તેટલીજ લખવી હતી પણ લખતા લખતા દોઢેલ વર્ષ ચાલે તેટલી લાંબી વાર્તા થઈ ગઈ.હું પોતે લાંબી વાર્તા વાંચવાથી કંટાળું છુ તો આ કોણ વાંચશે???એ વિચારે પછી નવલકથા રૂપે ન છાપવી એ નિર્ણય કર્યો પણ ભાઈ મૂળશંકરે તે બહાર પાડીને આજે તેની બીજી આવૃતિ છપાઈ રહી છે…વિચારો એવું તે શું હશે એ વાર્તામાં કે જે ૨૪ માર્ચ૧૯૩૧। ને ૨૧ ડિસેમ્બર ૧૯૩૧ ના સમયગાળામાં જ.તેમની આ નવલકથા માટે શ્રી બળવંતરાય ઠાકોરે વિવેચન પણ લખ્યું ને તેમના વખાણ પણ થયા.
*દિવ્યચક્ષુ*
               પહેલા પ્રકરણથી જ આપણને સમજાય જાય કે આ નવલકથા ગાંધીની વિચારધારાને સ્પર્શતી જ નવલકથા છે.ત્યારનો યુવા વર્ગ આમેય ગાંધીજીની ઘેલછાનો વર્ગ હતો..દેશના સુસુપ્ત યુવા વર્ગને તેમણે ઊંઘમાંથી ઉઠાડ્યા હતા જાગૃતિનો જુવાળ હતો…
૧૯૩૦ ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી, લેખક શ્રીરમણલાલ ની લોકપ્રિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતાનિવારણ, સમાજસેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. પણ જોડે નાયક અરૂણ અને નાયિકાના પ્રેમની સુંદર અભિવ્યક્તિ પણ રચી છે.
સાથોસાથ અરુણ અને રંજનના પરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને અંતે એક અંગ્રેજ કુટુંબને આગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીના નિષ્ઠા તથા અહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રદ્ધા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કરે છે.
                   અંતિમ પ્રકરણના એ સંવાદો અરૂણ અને રંજનના પ્રેમની પરાકાષ્ઠાનું દર્શન કરાવે છે
અંધ થતા અરૂણ રંજનને સમજાવાનો પ્રયત્ન કરેછે કે..દયા આખી જિંદગી નહિ પહોંચે..
રંજનનો પ્રત્યુત્તર પણ કેવો સચોટ…” માનવીના હૃદયમાં દયા સિવાયના પણ બીજા ભાવ હોય છે.”
ક્યા ભાવ..? અંત:કરણથી કરેલા પ્રેમના..શું પ્રેમ શારિરીક જ હોય..ના અહીં મજબૂત મનોબળની વાત રંજને થોડા જ શબ્દોમાં કરી દીધી..
અરુણને લાગે છે તે સ્વાર્થી કહેવાશે,”પણ સ્વાર્થ નો કટંક મને તો જીવનભર વાગ્યા કરશે.”
રંજન તેને કહેછે,”શા માટે? તમને મારી મિલકતનો ડર છે?તો તે તો મે આશ્રમમાં આપી દીધી છે.”
અહીં અરુણને સ્તબ્ધ થવાનો વારો આવે છે.
તો અંતિમ વાત કરતા પોતાના અંધપણાને કારણે એને જીવવાનું કારણ નથી સમજાતું..,”પણ હું જીવીને કરીશ શું??
રંજન તેના હાથમાં નાનો ધ્વજ આપી કહે છે આ લઈ આગળ દોડજો…
ધ્વજનો સ્પર્શ થતા અરુણનાં ચેતના જીવંત થાય છે ને લેખકે જે વર્ણવ્યું છે અદ્વતીય છે…
તે રમકડું હતું ;ઘરેણું હતું ; આંગળીથી ઊંચકાય તેવું ધ્વજનું પ્રતીક હતું.પરંતું તે પ્રતીકમાં હિંદના પ્રાચીન ગૌરવ ,વર્તમાન તપશ્ચર્યા અને ભાવી મુક્તિના સંભાર ભરેલા હતા.*સર્વ વ્યાપી પ્રભુ હૃદયમાં અંગુષ્ટ જેવડો બની રહે છેને? હિંદમૈયા પણ ધ્વજ રૂપે નાનકડું સ્વરૂપ ધારણ કરી હિંદીઓના હૃદય પર કેમ ન બિરાજે ?
આ વિચારે નાયક ની નિરાશા દૂર થઈ તેજ પ્રકાશવા માંડે છે…ને તે પણ હાથમાંથી પડે છે ત્યારે રંજનનો આધાર ભર્યો સ્વર…” બીશો નહિ ધ્વજતો હું ઉપાડી પાછો રોપીશું..”
અહીં જુઓ લેખક લખે છે “*પુરૂષથી ન રોપાયેલો ધ્વજ સ્ત્રી રોપશે?રંજનનું કથન એ હિંદના અને જગતના ભાવિની આગાહીતો નહિ હોય??આગાહી કેમ? એ તો બનવા જ માંડ્યું છે ને??*
અહીં જુઓ વાર્તા રચાય છે ૧૯૩૧ માં ને આજ છે ૨૦૨૦..સ્ત્રીના સ્થાનની વાત ત્યારે પણ સચોટ રૂપે આલેખ્ય છે…ઘૂમટાના જમાનામાં..સંકુચિત સમાજમાં નો બદલાવ આપણને સૂચવવામાં આવે છે.૧૯૭૧ માં ત્યારે હું પણ વીસી નહોતી વટાવી ચૂકી ત્યારે જ પચ્ચીસ ગુણને આ પૂર્વાપર સંબંધ કેટલા જોશીલા મનથી લખ્યો હશે…
અંતિમ ચરણમાં બન્ને ની પ્રેમભરી ચર્ચા હતી તમે ને તુંકારની..
વ્યાકરણનો ઉલ્લેખ કરી સર્વનામ ના બીજા પુરૂષને શું કહી શકાય…એકવચનમાં *તું* નો હક રંજન માંગે છે.જેના માટે અરૂણનો ખચકાટ..
“ ના ના એકવચનમાં હું તમને સંબોધી શકું નહિ.તમે તો પૂજ્ય..”
ને રંજનનો પ્રત્યુત્તર…ને પ્રેમ નો એકરાર સુંદર અભિવ્યક્તિ છોડી જાય છે,
“ જો હવે તમે કહીને તો ગળે ફાંસો જ દઈશ!”
ને અરૂણનો જવાબ,”દ્યો”…
એમ કે? કહી રંજને અરુણના ગળાની આસપાસ બે હાથે જોરથી ભેરવી આશ્લેષ લીધો! અરૂણનો ગભરાટ ને છોડી દેવાની વિંનતી..ન માની રંજન તેને ..
“કોને કહે છે?”
“કોણે હાથ ભેરવ્યો છે”?
તમે…
તમે એટલે કોણ??
ને અંતે અરૂણનો જવાબ છે….
“ તું રંજન તું”
રંજન પૂછે છે,”શા પરથી કહે છે?”
અરુણનો જવાબ …વાર્તાનો અંતિમ ચરણ છે કે,”*હું તને
હવે દેખું છું”*
ખરેખર પ્રેમીઓને આંખ હોતી નથી,દિવ્ય ચક્ષુ હોયછે..પ્રેમમાં ડૂબેલા બે પ્રેમીને બેન સુરભી આવ્યાને પણ ખ્યાલ રહેતો નથી..ઓરડામાં ફક્ત “એક ભણકારો વાગે છે” તું હી તું હી.”
 
અહીં નવલકથા પૂર્ણ થાય છે.
ગાંધી વિચાર સાથે સામ્યવાદ વિચાર ધરાવતા પાત્રોનું આલેખન એમની નવલકથામાં દેખાઈ છે.પરંતુ ગાંધી પ્રત્યેનો અનુરાગ કૃતિના અંતે વિજયી બને છે.
ગાંધીયુગીન આદર્શો અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા ‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨) છે. અસ્પૃશ્યતા, સ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ અશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો-ભાવનાઓને આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે
તેમની દરેક નવલકથામાં ગ્રામ્ય જીવનને મહેકતું કર્યુ છે. સરળ ભાવવાહી શૈલીના લેખકને વંદન
જયશ્રી પટેલ
૧૦/૪/૨૦૨૦

 

વિશેષ માહિતી -સંકલન

ર.વ દેસાઈએ નાટક, નવલકથા, વાર્તા, કવિતા, આત્મકથા અને જીવનચરિત્રો ઉપરાંત ઈતિહાસ અને સંસ્કૃતિ જેવા વિષયોને કુશળતાપૂર્વક ખેડ્યા છે.છતાં એકંદરે તેમની છબી નવલકથાકાર તરીકેની રહી છે.100 ઉપરાંત પુસ્તકોના રચયિતા ર.વ દેસાઈની 32 જેટલી નવલકથા”માં ‘દિવ્યચક્ષુ’, ‘ભારેલો અગ્નિ’, શૌર્ય તર્પણ, ઠગ, ક્ષિતિજ, ગ્રામલક્ષ્મી, જયંત  વગેરે જાણીતી નવલકથા” છે .’અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.ગુજરાતમાં ઈતિહાસના વિષયવસ્તુની સજ્જતા સાથે નવલકથા” લખનારા સર્જકોમાં દેસાઈ શીર્ષસ્થ સ્થાને છે. તે”એ ‘ગઈકાલ’ શીર્ષકથી રસિક આત્મકથા પણ લખી છે. 1932મા તેમને ગુજરાતી સાહિત્યનો માનવંતો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. નવલકથાના ક્ષેત્રે મળેલી લોકપ્રિયતાને કારણે તે” ‘યુગમૂર્તિ’ સ્વભાવને લીધે સૌજન્ય મૂર્તિ અને અંગત વર્તુળોમાં ‘ભાઈસાહેબ’ તરીકે જાણીતા થયા હતા.-

શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈના પિતા વસંતલાલ દેસાઈ વડદોરાના ‘દેશભક્ત” વૃત્તપત્રના તંત્રી હતા. 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 13

ગત ત્રણ અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની પ્રસિદ્ધ નવલકથા ‘ગુજરાતનો નાથ’ની. આ અંકમાં આપણે એક એવા પાત્રનો પરિચય મેળવવો છે જે આમ તો નાનું છે પણ છે ખૂબ તેજસ્વી. માળવી યોદ્ધો કિર્તીદેવ; તેનાં જીવનનું મહાકાર્ય આરંભવા તત્પર થયો હતો. તેનાં જીવનની બે નેમ હતી; તેના પિતાની શોધ અને તેના દેશનું ઐક્ય. એ સિદ્ધ કરવા તે અમાનુષી – અચેતન સૃષ્ટિનાં મહત્વ જેવો નિશ્ચલ – સચોટ બની રહેતો. એક કામ સાધવા તેણે કાળભૈરવને આરાધ્યો હતો, ને બીજું કામ સાધવા રાજખટપટમાં ભૈરવ સમા મુંજાલ મંત્રીને મનાવવા પણ જતો હતો.

કીર્તિદેવ મહાપુરુષ હતો છતાં તેની વય કોમળ હતી. તેની ભાવનામય દૃષ્ટિ, વણઘડાયેલી કલ્પનાશક્તિ – એ બેથી મુંજાલના પૌઢ વ્યક્તિત્વનો ખરો પ્રભાવ તે પારખી શક્યો નહીં . મુંજાલના પ્રભાવમાં જે પ્રતાપી સર્જકશક્તિ હતી એ પણ જોઈ શક્યો નહીં. મુંજાલનાં અદભુત વ્યક્તિત્વનો અસહ્ય પ્રતાપ તેણે જોયો ન હતો. નાનાં ગામડાના માલિકમાંથી આજે પાટણનાં બાર મંડળ ને બાવન શહેર પર એકહથ્થુ સત્તા એને લીધે ચાલતી હતી તેની કીર્તિદેવને ખબર ન હતી. મુંજાલ મનુષ્યોનો હીરાપારખુ હતો. જ્યારથી તેણે કીર્તિદેવને જોયો ત્યારથી તેના પ્રભાવના તેને ભણકારા વાગ્યા હતા. એની મોહક મુખમુદ્રા તેના મનમાં રમી રહી હતી. તેણે આ નવાં ઝગમગતાં રત્નને મીઠાશથી ભરપૂર હાસ્યથી આવકાર આપ્યો. મંત્રીએ કીર્તિદેવને પૂછ્યું,”બોલો શું કામ છે?”
કીર્તિદેવે કહ્યું, “ભરતખંડનું ભાગ્ય તમારા હાથમાં છે. જેમ ગુજરાતનું રાજ્યતંત્ર એક આંગળીએ ધારો છો, તેમ આર્યાવર્તનું રાજ્યતંત્ર પણ ધારો. તમારા જેવાએ માત્ર એક રાષ્ટ્રની રાજનીતિ પાછળ જીવન જીવવું ન જોઇએ. આખા આર્યાવર્તની રાજનીતિ હાથ ધરો. છિન્નભિન્ન થઈ ગયેલાં રાષ્ટ્રોને, કુસંપી બનેલાં રાજ્યોને એક તંતે બાંધો.”

મુંજાલનાં મુખ પર એકાગ્ર થયેલી કીર્તિદેવની આંખોમાંથી તેજના તણખા નીકળવા માંડ્યા. જેમ તેની વાચાનો પ્રવાહ વધ્યો તેમ મુંજાલના પ્રભાવનો ખ્યાલ ઓછો થયો. કીર્તિદેવ એક દેવદૂત હોય તેવો લાગતો હતો. તેની નિર્મળ કાંતિ ભભૂકી ઊઠી. તેણે કહ્યું કે, “આર્યાવર્તને માથે ભય ઝઝૂમે છે મંત્રીરાજ. એટલે આપણા રાજ્યો વચ્ચે સંધિ કરાવી એ અરિદલો સંહારવા છે અને મ્લેચ્છને હાંકી કાઢવા છે.” મુંજાલ મનમાં આ બાલયોદ્ધાની પ્રશંસા કરી રહ્યો હતો. તેણે કહ્યું કે, “તમારી વાત સાચી છે પણ મારાથી કે ગુજરાતથી એમાંનું કંઈ નહીં બને. શક્ય વસ્તુ ન હોય તે હાથમાં ન સાહવી એ મારું સૂત્ર છે.”

મુનશીએ કીર્તિદેવનું પાત્રાલેખન અતિસુંદર અને ખૂબ નાટ્યાત્મક ઢબે કર્યું છે. કીર્તિદેવ કોણ છે, કોનો પુત્ર છે, પિતાને શોધવા શું કરે છે ને ક્યા સંજોગોમાં પિતાને મળે છે ને પાછો દૂર થાય છે. તેની કથા થોડી રહસ્યમય અને  નાટ્યાત્મક પણ છે. પણ આપણે તે ટુંકમાં જાણીએ. મીનળના પ્રેમમાં પડેલો મુંજાલ તેની પત્ની ફુલકુંવરને અને તેના પુત્રને ઘરથી દૂર ધકેલી દે છે. ફુલકુંવર ભાઈ સજ્જન મહેતાને ત્યાં દેહ છોડે છે અને તેના પુત્રને સજ્જન મહેતા નબાપા છોકરા તરીકે અવંતિના ઉબક પરમારને  આપે છે, જ્યાં તે મોટો થાય છે. પણ તે પોતાનું કુળ જાણવા ઘણા પ્રયત્નો કરે છે ને છેવટે કાળભૈરવની આરાધના કરે છે. મુંજાલ કીર્તિદેવને જયદેવ મહારાજની સેવા સ્વીકારવાનું અથવા યમસદનમાં – એવો વિકલ્પ આપે છે ને તેને કેદ કરે છે . કીર્તિદેવ તો અડગ છે અને અહી મુંજાલ અને કીર્તિદેવના સંવાદો ખૂબ ધારદાર છે.
કીર્તિદેવ : તમારા જયદેવ મહારાજને કહો કે અવંતીનાથના સામંત થાય એટલે હું તેની સેવા સ્વીકારીશ.
મુંજાલ : મારું કહેવું નહિ માનવાનું પરિણામ શું આવશે તે ખબર છે?
કીર્તિદેવ : પરિણામ જાણવાની મને પરવા નથી.”
મુંજાલ : ઠીક, તું વચન નથી આપતો,એમ?
કીર્તિદેવ : નહીં આપું તો શું કરશો?
મુંજાલ : છોકરા, તારું આવી બન્યું છે.
કીર્તિદેવ : તે તો લલાટના લેખની વાત છે. તેમાં તમે શું કરશો?
મુંજાલ : જો હવે તારે લલાટે શું લખાયું છે!
અને મુંજાલ કીર્તિદેવને મારે એ પહેલા કાકની ખબરદાર બૂમથી રોકાઈ ગયો. કાક કાળભૈરવ પાસેથી કીર્તિદેવનું કુળ જાણીને આવતો હતો.
કીર્તિદેવ : કેવું કુળ છે?
કાક : કુળ પ્રાગ્વાટ, તેની નામના નવે ખંડે પ્રસરે છે. તમારા પિતા છે સુવિખ્યાત પણ એણે બૈરી મારી, બહેન મારી, પુત્રને મારવા તલસી રહે એવા છે. સુરપાલ, હવે શિરચ્છેદ કર.

મુંજાલ તેને રોકી લે છે ને હકીકત જાણે છે. આ સંજોગોમાં પિતા અને પુત્રનું મિલન થાય છે. દરેક ચોધાર આંસુએ રડી પડે છે.

મુનશી ભલે એક નવલકથાકાર કે વાર્તાકાર હોય પણ તેમના પાત્રો અને પ્રસંગો કોઈ કારણ અને દૃષ્ટિબિંદુને આધીન હોય છે. અસ્મિતાના આરાધક મુનશી અહી ત્રણ પગથિયામાં અસ્મિતાને ઉજાગર કરે છે. પહેલા સ્તર પર રેવાપાલ છે જે લાટના માટે કામ કરે છે. બીજા સ્તર પર કાક અને મુંજાલ છે, જે સમગ્ર ગુજરાતને લક્ષમાં રાખીને કાર્યરત છે. ને ત્રીજા સ્તર પર કિર્તીદેવ છે જે અખંડ આર્યાવર્તના સ્વપ્ન જુએ છે. મુનશીના અંગત જીવનમાં પણ આ ત્રણ તબક્કા જોઈ શકાય છે.  પહેલો તબક્કો જેમાં મુનશી ભાર્ગવ અને આર્યપ્રકાશમાં લખે છે. તેમાં તેઓ રેવાપાલ છે. બીજો તબક્કો જેમાં તેઓ સાહિત્ય પરિષદના પ્રમુખ બને છે. અહીઁ તેઓ કાક અને મુંજાલના સ્થાને છે. અને ત્રીજો તબક્કો જેમાં તેઓ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરે છે. અહીં તેઓ કીર્તિદેવની જેમ આંખોમાં વિશાળ સ્વપ્ન સજાવી રહ્યા છે. આજે પણ એ વાત સો ટચનાં સોના જેવી સાચી છે કે સ્વપ્ન ગમે તેટલું હિતકારી કે સારું કેમ ન હોય તે પૂર્ણ થાય એ જરૂરી નથી. અહીં, કીર્તિદેવનું સ્વપ્ન કથામાં સાકાર નથી થતું. મુનશી એને માત્ર સ્વપ્ન જ રહેવા દે છે.

વાર્તાના અંતે એક હોડીમાં લાટ જવા ત્રિભુવનપાળ અને કાક તથા હંમેશનો ખોવાયેલો પુત્ર કીર્તિદેવ સરસ્વતી ઓળંગતા ચાલ્યા ને બીજી હોડીમાં કાશ્મિરાદેવી, મંજરી અને અન્ય યુવતીઓ હતાં. ઓવારા પર બધાયથી નિરાળો, ટટ્ટાર બની, પાટણની સત્તાનો પ્રતિનિધિ, અરણ્યમાં એકલું એક મહાવૃક્ષ ઊભું હોય તેમ,  દુઃખભરી આંખે, દેખીતી સ્વસ્થતાથી નાવડીઓને જતી જોઈ રહે છે. આમ, ‘ગુજરાતનો નાથ’ પાટણનો પ્રતાપ સાચવતો એકલવૃક્ષ પેઠે  ઊભો છે.

મુનશી પોતે પણ સ્વપ્નદૃષ્ટા છે. આઝાદી પહેલાં લખાયેલ આ નવલકથામાં ગુજરાતની વાત કરતાં મુનશી આર્યાવર્તની એકતાનું સ્વપ્ન પણ જુએ છે. ભાવાત્મકતા ઐક્ય માટે આવશ્યક છે. રાજનીતિજ્ઞ અને રાજકર્તાનો ભેદ મુનશી સુપેરે સમજાવી દે છે. કથા રસમય તો છે જ, પણ જ્યારે વાચક તેના રસપ્રવાહમાં તણાય છે ત્યારે જ તેનો રસાસ્વાદ માણી શકાય છે. સમય અને પ્રવાહ ક્યારેય રોકાતા નથી, ચાલ્યા જ કરે છે. મુનશી ભલે સ્પષ્ટ નથી કહેતાં કે કોણ છે ‘ગુજરાતનો નાથ’, પણ વાચક સમજી જાય છે કે ‘ગુજરાતનો નાથ’ કોણ છે – જયસિંહદેવ, કાક , ત્રિભુવનપાળ કે પછી મુંજાલ….

— રીટા જાની