मेरे तो गिरधर गोपाल -16 : અલ્પા શાહ

મીરાંબાઈ રચિત પ્રાર્થના સુમન પ્રભુચરણે અર્પણ……

हानि, लाभ, जीवन, मरण, यश, अपयश सब विधि हाथ

શ્રી ગોસ્વામી તુલસીદાસનાં ઉપરનાં પદમાં કહ્યું છે તેમ ગમે તેવો સત્તાધારી, બુદ્ધિશાળી કે બળવાનને પણ એક દિવસ એવી પ્રતીતિ થાય છે કે, ઈશ્વરેચ્છા સામે તે કશું જ નથી. અત્યારે કોરોનાના કાળમાં સમગ્ર વિશ્વને તેની અનુભૂતિ વધતે-ઓછે અંશે થવાં માંડી છે. અત્યારે એક સૂક્ષ્મ વિષાણુ સામે આજનો સક્ષમ મનુષ્ય કેવો લાચાર બની ગયો છે! હવે સમજાય છે કે, ‘હું’ અને ‘મારુ’ એ માત્ર મિથ્યાભિમાન છે. જયારે ચારેબાજુ વિહ્વળતા અને લાચારીનો માહોલ ઊભો થાય ત્યારે મનુષ્ય માટે માત્ર ‘પ્રાર્થના’નો જ દરવાજો ખુલ્લો રહે છે. મીરાંબાઈ માટે પણ તેમની પ્રભુ પ્રાર્થના જ તેમનું ચાલાકબળ હતું. પ્રાર્થનાની શક્તિએ જ મીરાંબાઈને તેમનાં જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમવાની શક્તિ આપી. મીરાંબાઈએ ભક્તિરસનાં ઘણાં પદોની રચના કરી છે. તેમનાં અમુક ચૂંટેલાં પદો વિષે આપણે લેખમાળાના આ મણકામાં ચર્ચા કરીશું.

મીરાંબાઈ પર રાણાનો અત્યાચાર જયારે ચરમસીમા પર પહોંચ્યો ત્યારે તેમણે સંત તુલસીદાસને પોતાની દુવિધાથી વિદિત કરાવતાં પોતાના પ્રભુ પ્રત્યેનાં કર્તવ્ય અને નિષ્ઠાને કેન્દ્રમાં રાખી, શું કરવું તે માટે સલાહ માંગી. સંત તુલસીદાસે આ પદ દ્વારા પોતાનો ઉત્તર આપ્યો અને પછી, મીરાંબાઈએ મેવાડનો ત્યાગ કરવાનું નક્કી કર્યું.

जाके प्रिय न राम वैदेही।
सो छॉँड़िये कोटि बैरी सम, जद्यपि परम सनेही।।

મેવાડ છોડીને મીરાંબાઈ પોતાનાં જન્મસ્થળ મેડતા પધાર્યા અને શાંતિથી પોતાનાં સંત્સંગ-કીર્તન ચાલું રાખ્યાં. પણ આ શાંતિભર્યું જીવન બહુ લાબું ન ટક્યું અને ફરી એકવાર મીરાંબાઈનાં જીવનમાં સંઘર્ષની પરંપરા શરૂ થઈ. મેડતાના રાજા અને જોધપુરના રાજા વચ્ચે સબંધો બગડતાં યુદ્ધનો માહોલ સર્જાયો. તેથી મીરાંબાઈ મેડતા છોડીને ગામે-ગામનો પ્રવાસ કરતાં કરતાં, પ્રભભક્તિમાં લીન રહેતાં રહેતાં વૃંદાવન તરફ પ્રયાણ કર્યું. મીરાંબાઈનો હવે સંસારનો મોહ છૂટી ગયો હતો. અને તેમને માત્ર પ્રભુ જ નિત્ય અને સત્ય, શરણ્ય અને સાધ્ય છે તેનો દ્રઢ અનુભવ થઈ ગયો હતો. તેથી, મીરાંબાઈનાં પ્રાર્થના સ્વરૂપે લખાયેલાં પદોમાં મીરાંબાઈનાં હૃદયના ઉદગારોનું શબ્દોમાં રૂપાંતર થયેલું છે. મીરાંબાઈનાં અમુક પદોમાં મીરાંબાઈએ માત્ર શ્યામસુંદરને પોતાના સર્વસ્વ સમજીને, એમના ચરણોમાં સમર્પિત થઈ એક અનન્ય વિશ્વાસનો ભાવ વ્યક્ત કર્યો છે. તો અમુક પદોમાં એ અનન્ય પ્રેમિકા રૂપે, ક્યાંક પ્રભુની અનન્ય દાસી તરીકે છલકાઈ ગયાં છે. અમુક પદોમાં પ્રભુ ભક્ત પાસે માત્ર અનન્ય નિષ્ઠા અને સાચા પ્રેમની જ ખેવના કરે છે તેવી વિશ્વાસપૂર્વક ઘોષણા કરે છે. તો અમુક પદોમાં પોતાનો પ્રભુ પ્રત્યેનો નિષ્કામ સેવાભાવ વ્યક્ત કરે છે.

तुम सुणो दयाल म्हारी अरजी
भवसागर में बही जावत हूँ काढ़ो तो थारी मरजी
यो संसार सगो नहीं कोई साँचा सगा रघुवरजी
मात पिता सुत कुटुंब कबीलो सब मतलब के गरजी
मीरां की प्रभु अरजी सुणलो चरण लगावो थारी मरजी

ઉપરનાં પદમાં મીરાંબાઈનો અનન્ય વિશ્વાસ સુપેરે પ્રગટ થયો છે. મીરાંબાઈ વિષે હું જેટલું સમજી છું તેમાં, તેમનો પ્રભુ પ્રત્યેનો અનન્ય વિશ્વાસ, મને તેમનાં વ્યક્તિત્વનું સૌથી વધુ સ્પર્શી ગયેલું પાસું છે. તેમનાં જીવનમાં થયેલી ભયંકર ઉથલપાથલ પણ તેમના આ અનન્ય વિશ્વાસને તસુભાર પણ ડગાવી શકી નથી.  મીરાંબાઈએ તેમનાં જીવનના લોકિક સંબંધોની મર્યાદા પામી લીધી હતી અને તેથી જ આ પદમાં મીરાબાઈ નમ્રતાપૂર્વક પ્રભુને તેમનાં જીવનનું સુકાન સોંપીને પોતે નિશ્ચિંત બની જાય છે. શ્રી મહાપ્રભુજીએ પણ ‘શ્રીનવરત્નમ્ સ્તોત્ર’માં એવું જ સૂચવ્યું છે.

चिन्ता कापि न कार्या निवेदितात्मभिः कदापीति |
भगवानपि पुष्टिस्यो न करिष्यति लौकिकीं च गतिम् ||१||

निवेदनंतुस्मर्तव्यं सर्वथा तादृशैर्जनेः |
सर्वेश्वरश्चसर्वात्मा निजेच्छातः करिष्यति ||२||

આવા દ્રઢ વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થનાનાં બળ પર જીવનમાં આવેલા વિપરીતમાં વિપરીત સંજોગો સામે પણ મનુષ્ય ટકી જાય છે. પ્રાર્થના કરવા માટે ભાષા કે સ્થળ મહત્વનાં નથી. આ તો હૃદયનો વિષય છે. Mother Teresa એ કહ્યું છે કે “Prayer is, not asking. Prayer is, putting oneself in the hands of GOD at His disposition and listening His voice in the depth of our hearts”. સાચા હૃદયથી કરેલી પ્રાર્થનામાં પ્રભુ પાસે કશું માંગવું જ જરૂરી નથી. પ્રાર્થના દ્વારા આપણે આપણી જાતને પ્રભુના હાથમાં સોંપી દેવાની છે. પ્રાર્થના તો આપણા અંતરાત્મા અને પરમાત્મા વચ્ચેનો સીધો સંવાદ છે. એ રીતે પ્રાર્થના દ્વારા આપણી અંદર રહેલા પ્રભુનો અવાજ સાંભળવાનો છે. અને સાથે સાથે એ દ્રઢ વિશ્વાસ પણ રાખવાનો છે કે, પ્રભુએ જે યોજના આપણા માટે કરી છે તે જ આપણા માટે શ્રેષ્ટ છે. God makes better choices for us than we could have made for ourselves.

ચાલો તો પ્રભુ પ્રત્યેના આ દ્રઢ વિશ્વાસને અકબંધ રાખીને હું અત્યારે મારી કલમને વિરામ આપું છું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે....

— અલ્પા શાહ

1 thought on “मेरे तो गिरधर गोपाल -16 : અલ્પા શાહ

  1. હું મીરાં જોગન હરિની
    સંસાર ન ભાયો મ્હને
    તરીહી બાલકુંવારી…

    જયશ્રી પટેલ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.