હાં રે દોસ્ત, હાલો અમારે દેશ : ગીતા ભટ્ટ

 

નાનપણમાં અમે બહેનપણીઓ શાળા-કોલેજમાં વાર્ષિકોત્સવ કે દિવાળી પ્રોગ્રામમાં રાસ-ગરબા રમતાં. પણ પાછળથી સમજાયું કે એમાનાં ઘણાં ગરબા-ગીતો ઝવેરચંદ મેઘાણીનું સર્જન હતાં. દાખલા તરીકે, ત્રણ તાલીના તાલમાં હલકથી ગવાતો આ ગરબો : અષાઢી સાંજનાં અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે…
અષાઢી સાંજનાં અંબર ગાજે! અને જેમાં હલકથી ગવાતા તાળીઓના તાલ નહીં, પણ ઝડપથી ઉછાળા લેતું નર્તન વધારે મહત્વનું હતું એવું બીજું ગીત: મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.….

પણ, એમાંની ઘણી રચનાઓ એમની પોતાની સ્વરચિત કૃતિઓ નહોતી, પણ અન્ય ભાષાની કૃતિઓમાંથી અનુવાદિત કરેલ કવિતાઓ હતી; તેનો ખ્યાલ તો કોલેજમાં વ્યાખ્યાતા બનવાનો મોકો મળ્યો અને વિગતવાર અભ્યાસ કર્યો ત્યારે જ સમજાયું.
તો પછી, ઝવેરચંદ મેઘાણીનાં જ ગરબા-ગીતો આમ અનાયાસે જ પસંદ થઈ જવાનું કારણ શું હશે? પ્રત્યેક કવિ એની કૃતિ માટે શબ્દો તો શબ્દકોશમાંથી જ શોધે છે, પણ એને ક્યાં, કેવી રીતે ગોઠવવો તેમાં જ કવિનું કવિકર્મ છુપાયેલું હોય છે! મને આજે આટલાં વર્ષે સમજાય છે કે, શબ્દો, સૂર અને લયની ગોઠવણીને લીધે જ અમારાં માનસમાં એ ગીતો પ્રિય પસંદગી પામ્યાં હતાં.
 
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને,
મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે  મન મોર બની થનગાટ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ઘૂમરી ઘૂમરી ગરજાટ ભરે નવધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

શબ્દો એક પછી એક સરી જાય છે અને શબ્દોનો નાદ, વરસાદ અને વાદળનો ગડગડાટ, વર્ષાઋતુનું એક ભવ્ય દશ્ય ખડું કરે છે.

ઝવેરચંદ મેઘાણીનું કાવ્યફલક અતિ વિશાળ છે. તેમાંયે માત્ર પ્રકૃતિને જ શોધીએ તો એમાં આકાશ, પવન, ધરતી, પહાડ, દરિયો, વાદળ, વીજળી એમ બધું જ એની ભવ્યતા સાથે એવાં તો ઓતપ્રોત થઈને આવે કે, વાચક કે પ્રેક્ષક સૌને જકડી લે! તેમાંયે મેઘ સાથે મેઘાણીને ખાસ પ્રીતિ. વળી આ બધુંયે માત્ર સાહિત્યકૃતિ તરીકે જ ના રહી જાય એટલે એને લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ પણ એમના દિલમાં સતત ધબકારાની જેમ ધબક્યા કરે! ભગવાને એમને સુંદર અવાજ અને સૂરની સમજ આપી હતી, એટલે એમણે કાવ્યોને લય અને તાલ સાથે સૂરબધ્ધ ગાયાં પણ ખરાં.
 
વાચક મિત્રો, હું તમને ફરીથી યાદ કરાવું કે, મેઘાણી લોકોના કવિ હતા, લોકકવિ હતા. પંડિતયુગમાં એમણે ભારેખમ શબ્દો છોડીને અભણ વર્ગને વાચા આપવા કમર કસી હતી. એટલે એમની તમામ કૃતિઓ લોકભોગ્ય હતી. નાની ઉંમરે આ બધું જ્ઞાન અમારાં બાળમાનસમાં ક્યાંથી હોય? પણ કદાચ તેથી જ, એ ઉંમરેય અમે મેઘાણીનાં અનેક ગરબા શાળા-કોલેજ દરમ્યાન કરેલાં.
 
ગુજરાતી ભાષાનું શિરમોર સમું આ ‘મન મોર બની થનગાટ કરે‘ ગીત રવીન્દ્રનાથ ટાગોરનાં મૂળ બંગાળી ગીતનું અનુસર્જન છે. ૧૯૨૦માં મેઘાણી જયારે કલકત્તા હતા ત્યારે એમણે રવીન્દ્રનાથ ટાગોરનાં સ્વમુખે એમને ઘેર ‘નયાવર્ષા’ ગીત સાંભળ્યું હતું. ત્યારબાદ લોકસાહિત્યનાં સંશોધન માટે જ જાણે કે મેઘાણી કલકત્તા છોડીને વતન પાછા આવે છે, અને સાથે સાથે બંગાળી અને અંગ્રેજી સાહિત્યને ગુજરાતી ભાષામાં પોતાની સૂઝ પ્રમાણે પીરસવાની શરૂઆત કરે છે.
ટાગોરનું ગીત ‘નયાવર્ષા’
નાચે રે હ્રિદય આમાર નાચે રે, હ્રિદય આમાર નાચે રે,
ઘૂરું ઘૂરું મેઘ ઘૂમરી ઘૂમરી ગગને ગગને ગરજે રે,
કે બીજાં ગીતો જેમ કે,
ઝારું ઝારું બરસે બારિસ ધારા આધિર હાય ગ્રિહો આધિરા,
પગલા હવાર બાદલ દિલે,પાગલ અમાર મોર જોગી ઉઠે….
વગેરે ઉપરથી અનુસર્જન મેઘાણીએ ઘણું પાછળથી કરેલું, ટાગોરનાં અવસાનનાં ત્રણ વર્ષ બાદ છેક ૧૯૪૪માં. જે ‘રવીન્દ્રવીણા’માં ૬૪ કાવ્યોમાં સચવાયેલ છે.
‘મન મોર બની થનગાટ કરે’માં મૂળ ગીતની સૌમ્યતાને સ્થાને ચારણી લય પસંદ કરીને વર્ષાઋતુ અને વર્ષાનું તાંડવ ગમે તે હૈયાને સ્પર્શી જાય એ રીતે રચ્યું છે. મેઘાણીએ પોતે પણ આ ગીત એમનાં અન્ય ગીતોની જેમ ગાયું છે, પણ હેમુ ગઢવીનું સ્વરાંકન વધુ લોકભોગ્ય બન્યું. પાછળથી ‘રામલીલા’ ફિલ્મમાં પણ નવા શબ્દોનાં ઉમેરણ સાથે એ ફરીથી આજની યુવા પેઢીમાં પણ પ્રિય બની રહ્યું છે. 
 
ચારણી કવિતાને આત્મસાત કરી તેના લય, સૂર, શબ્દોનાં વળ-વળોટાં, ત્વરિત પુનરાવર્તન વગેરે વગેરે આ કાવ્યમાં મેઘાણીએ ખૂબીથી વણી લીધાં છે. તેનાથી અત્યારનો સુજ્ઞ સમાજ ચારણ સાહિત્યને ઓળખતો થયો છે અને સાથે સાથે ચારણ સમાજને પણ ભણેલ વર્ગમાં પોતાનું મહત્વ જોઈને ગૌરવ થાય છે. મેઘાણીએ જીવનપર્યન્ત બસ આ જ કામ કર્યું છે; બંને વર્ગને સાહિત્યસેતુ બની જોડવાનું. ગાંધીજી જેવા મિતભાષીએ તેમને ‘રાષ્ટ્રીય કવિ’નું બિરુદ એટલે આપ્યું હતું.  હા, એમણે રાષ્ટ્રભક્તિનાં ગીતો પણ ઘણાં લખ્યાં છે, એમાં પણ ઘણાં અનુસર્જનો છે. ‘કોઈનો લાડકવાયો’ પ્રસિદ્ધ કાવ્ય ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’. તેની વાત આવતે અંકે… 

-ગીતા ભટ્ટ 

 

6 thoughts on “હાં રે દોસ્ત, હાલો અમારે દેશ : ગીતા ભટ્ટ

  1. મન મોર બની થનગાટ કરે…
    ગીત તો ગઈકાલ અને આજ સુધી સૌનું મનભાવન ગીત હતું અને આવતીકાલે પણ આ ગીત પર સૌના મન મોર બનીને થનગાટ કરશે એ વાત પણ નિશ્ચિત છે.

    Liked by 1 person

  2. ગીતાબેન,મને તો એવું લાગે છેકે મેઘાણીનું અનુસર્જન તેના મૂળ સર્જન કરતા પણ કદાચ વધુ ચોટદાર,લાગણીથી લથબદ અને હ્રદયગંમ છે. બહુ સરસ રજૂઆત…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.