કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 15

સ્વપ્ન એ માનવીની મનોભૂમિના પ્રદેશમાં લહેરાતું વૃક્ષ છે. જ્યારે માનવીની દૃષ્ટિ ક્ષિતિજને આંબે છે ત્યારે સ્વપ્નપ્રદેશ શરૂ થાય છે. સ્વપ્ન એ વર્તમાનથી કંઈક વિશેષ છે. અને તેથી જ, માનવી સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળી પડતો હોય છે. સ્વપ્નસિદ્ધિ એ આકાંક્ષા અને વાસ્તવનું મિલનબિંદુ છે. ગત અંકમાં આપણે વાત શરૂ કરી હતી મુનશીની આત્મકથા ‘સ્વપ્નસિદ્ધીની શોધમાં’ પુસ્તકની. ત્યારે આપણા મનમાં જે અનેક પ્રશ્નો ઉદભવ્યા, તેના જવાબો એક પછી એક જોઈએ.

અખો કહે છે એમ, ‘હસવું ને લોટ ફાકવો’ એ બે સાથે ન બને. પ્રેમમાં પણ એવું જ છે. પ્રેમમાં લોકલાજનો ભય ન હોય અને લોકનિંદાંની શરમ ન હોય. ઉત્કટતા અને તીવ્રતા વગર પ્રેમ શક્ય નથી. પ્રણયના અનુભવે સ્વૈરવિહારી મુનશીનાં જીવનમાં મેઘધનુષના રંગ લાવી દીધા હતા. યુરોપનો મોહ તો હતો જ, ત્યાંના સાહિત્યસ્વામીઓએ મુનશીની કલ્પના અને કલાદૃષ્ટી સમૃદ્ધ કર્યાં હતાં. મુનશી, તેમની પત્ની લક્ષ્મી અને પ્રિયતમા લીલાવતી સાથે સ્ટીમરમાં બેસી યુરોપના પ્રવાસે નીકળ્યા. લીલાએ પોતાની નોંધમાં લખ્યું, “થોડા મહિના માટે સંવાદી આત્મા સાથે સહજીવન. આવું સુખ થોડા દિવસ મળે તોય બધું હોમી દીધેલું સાર્થક”. મુનશીની સૌંદર્ય અનુભવવાની શક્તિ – રસવૃત્તિ – સુક્ષ્મ બની ગઈ હતી. જગત ક્ષણે ક્ષણે નવીનતા પ્રાપ્ત કરતું હતું. ચારે તરફ સમુદ્ર અને વ્યોમ એક થયેલાં દેખાય, એ પર કૌમુદી મીઠી અસ્પૃશ્ય મોહકતા પ્રસારે, એ મોહકતામાં સૂર્યાસ્તનાં સૌંદર્યનો અનુભવ- ભૂમધ્ય સમુદ્રના ઉછાળામાં પણ અદ્ભુત આનંદ હતો. ત્યાં વાયુ મદમત્ત થઈ વાતો, ત્યાં ફીણના પ્રવાહમાં મેઘધનુષ્ય દેખાતું, ત્યાં સ્વર્ગનું વાતાવરણ પ્રસરતું ને અવર્ણનીય આહ્લાદ રગરગમાં પ્રસરતો. સમુદ્રના તરંગોમાં મુનશીને કલ્પનાતરંગોના પડઘા સંભળાતા. સ્થૂળદેહે મુનશી, લક્ષ્મી અને લીલાવતી – ત્રણે જણ સવાર-સાંજ ફરતાં, વાતો કરતાં, ખાતાં-પીતાં ને મોજ કરતાં. ને મુનશીનો સુક્ષ્મદેહ ઉલ્લાસની પાંખે સ્વૈરવિહાર કરતો. યુરોપની મુસાફરીમાં રૂપાળી લક્ષ્મીના શ્વેત રંગમાં મોહક લાલાશ આવી જતી.

યુરોપ પાસે કુદરતી સૌન્દર્ય છે, સમૃદ્ધ સાહિત્ય અને કલાનો વારસો છે, ધાર્મિક અને ઐતિહાસિક સ્મારકો ને મહાલયો છે, જગવિખ્યાત ચિત્રો, સ્થાપત્યો અને ઓપેરા પણ છે. પ્રવાસ માટેનું એક મોહક અને આકર્ષક સ્થાન. મેં અને તમે પણ યુરોપ જોયું હોય, પણ મુનશીની દૃષ્ટિએ યુરોપ જોવું ને તેમના શબ્દો દ્વારા તેને માણવું એ એક લ્હાવો છે. એડન, બાબેલમાંડલની સમુદ્રધુની, વિશ્વકર્માને ટપી જવાનો ઉત્સાહ દેખાડતી સુએઝ કેનાલ, બ્રિંડીસી, ગ્રીક ને રોમન શિલ્પકૃતિઓનો અદ્ભુત કલા ઇતિહાસ ધરાવતું યુરોપનું રમણીયતમ નગર નેપલ્સ, જ્વાળામુખી વિસુવિયસ અને લાવારસમાં દટાયેલાં પોંપીઆઈની મુલાકાત બાદ તેઓ રોમ પહોંચ્યા. સનાતન રોમ વિશે તેમણે ઇતિહાસ ને નવલકથામાં જે વાંચ્યું હતું તે જોઈ મુનશીની ઐતિહાસિક કલ્પનાના ઘોડા ચારે પગે ઉછળતા ચાલ્યા. પીટરનાં દેવાલયનું સ્થાપત્ય જોઈ સૌન્દર્ય અને ભવ્યતા વચ્ચેનો ભેદ સમજાયો. વેટિકનમાં કલાસ્વામીઓનાં સૈકાઓ જુનાં ચિત્રો, શિલ્પકૃતિઓ ધરાઈને જોઈ. ઉપરાંત, નામદાર પોપનાં દર્શન પણ કર્યા.

રોમથી તેઓ પહોંચ્યા ફ્લોરેન્સ જે મુનશીને મન પ્રણયનું પાટનગર હતું. રોમિયો ને જુલીયટની ભૂમિ, મહાકવિ દાંતે, રસગુરુ ગોએટ, જગદગુરુ માઈકલ એન્જેલો ને સર્વગ્રાહી સ્વામી લિયોનાર્ડો દ વિન્ચીની ભૂમિ. બહુ જોયું, બહુ ફર્યા ને આખરે નોંધ્યું : “દેવાલયોનો અભરખો ને અપચો. કલાદૃષ્ટીની એકદેશીયતા. ખ્રિસ્તની મૂર્તિના એકધારાપણાથી આવેલો કંટાળો.” ત્યાંથી વેનિસ, મિલાન અને કોમો ગયા. મુસાફરીનો પ્રથમ ઉત્સાહ જતો રહ્યો હતો. નવા નવા દ્રશ્યોની મોહિની પણ ઓછી થઈ હતી. સાહચર્યમાંથી ઘણીવાર નિરાશાના કરુણ સૂર સંભળાતા ગયા. કોમોનું રમણીય સરોવર, લ્યુગાનોનાં નાનાં શ્રુંગોના રંગની રમણીયતા માણતા, આત્માનાં સંગીત અને અવાજનાં સંગીતની તુલના કરતાં તેઓ લ્યુસર્ન આવ્યા, જેને તેઓ તેમની યાત્રાનું પરમધામ માનતા હતા.

…. અને સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળેલ મુનશીની સહયાત્રામાં આપણને પણ પ્રશ્ન થાય કે, શું ઇતિહાસની અટારી સ્વપ્નપ્રદેશનો અંત છે? ઇતિહાસયાત્રાના અંતમાં સ્વપ્નની પૂર્ણતા મળી શકે?
સ્વપ્ન એ ક્ષિતિજ છે જ્યાં માનવી ઝંખે છે પૂર્ણતા .. પણ પૂર્ણવિરામ અનેક અલ્પવિરામોનો સરવાળો હોય છે અને તેથી જ, મુનશીની સાથે આપણે પણ એક અલ્પવિરામ પર છીએ પણ મંઝિલ છે સ્વપ્નની પૂર્ણતા તરફ,
સ્વપ્નસિદ્ધિ તરફ… આવતા અંકે એક નવા પ્રદેશ તરફ…

રીટા જાની

 

https://youtu.be/FqClev1ETCA

6 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 15

 1. સરસ
  મુનશી નો યુરોપનો પ્રવાસ ને તેમની ત્રણેયની મનોભાવના..👌

  Like

  • જયશ્રીબેન,
   આપના પ્રોત્સાહક પ્રતિભાવ માટે આભાર.

   Like

 2. મુનશીની સમુદ્રમાર્ગના પ્રવાસનું અહ્લાદક વર્ણન જાણે.
  મુનશીને કલ્પનાતરંગોની જોડે આપણે પણ એમની સાથે જ સફરમાં હોઈએ એવું તાદ્રશ્ય વર્ણન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.