मेरे तो गिरधर गोपाल – 15 : અલ્પા શાહ

મીરાંબાઈના લૌકિક સંબંધો : રામ રાખે તેને કોણ ચાખે!

કહેવાય છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ ઉક્તિ મીરાંબાઈનાં જીવનમાં સાંગોપાંગ લાગુ પાડી શકાય. મીરાંબાઈના પ્રાણ પર તેમના પોતાના જ સબંધીઓ દ્વારા એક અથવા બીજી રીતે પ્રહારો થતા રહ્યા અને દરેક વખતે તેમના ગિરિધર ગોપાલે આવીને તેમને ઉગારી લીધાં. મીરાંબાઈનાં નણંદ ઉદાબાઈએ ભાભી પાસે આત્મસમર્પણ કરી લીધું અને મીરાંબાઈની સાથે ભજન-સત્સંગમાં લીન રહેવાં લાગ્યાં. રાણા માટે પછી સમસ્યા ઘણી વિકટ થઈ ગઈ. ભાભીને તો રાણા મારી ન શક્યો પણ, બહેનની પ્રકૃતિ પણ મીરાંબાઈનાં નિર્મળ હૃદયે બદલી નાખી હતી. રાણા મનમાં ને મનમાં ખૂબ અકળાતો હતો અને મીરાંબાઈને કનડવાની નવી તરકીબો શોધવા લાગ્યો. પણ, મીરાંબાઈ સ્થિતપ્રજ્ઞ રહીને ગિરધર ભક્તિમાં લીન રહેવાં લાગ્યાં અને નીચેનાં પદમાં મીરાંબાઈએ રાણાને જવાબ આપ્યો છે:

प्रेम रो प्यालो भर पीधो, राणाजी
मेँ तो प्रेम रो प्यालो भर पीधो
पीवत प्यालो भई मतवाली, प्रेम पंथ भलो लीधो
तन मन की सुध भूल गई मेँ तो कृष्ण कुंवर बार कीधो
जगत जाल को तज आशरो, सार लियो मेँ सीधो
मीरां कहे मन गिरिधर बस गया, राणा ने उतर परो दीधो

પછી તો, રાણાએ માલણ સાથે એક છાબડીમાં બે કાળા નાગ મીરાંબાઈને મોકલ્યા અને કહેવડાવ્યું કે આ છાબડીમાં ફૂલ અને શાલિગ્રામ મોકલાવ્યા છે. પ્રભુસ્મરણ કરી મીરાંબાઈએ છાબડી ખોલી તો એમાં તેમને મંદમંદ મુસ્કુરાતા શાલિગ્રામ ભગવાનનાં દર્શન થયાં. એક કાળો નાગ બહાર આવી, ફેણ ચઢાવી મીરાંબાઈનાં ગળાની આજુબાજુ વીંટળાઈ ગયો. મીરાંબાઈનાં મસ્તક પર ફેણનું છત્ર કરી ડોલવા લાગ્યો. પછી એ નાગ મીરાંબાઈનાં ગળા ફરતો વીંટળાઈને રત્નનો હાર બની ગયો. ફરી એકવાર મીરાંબાઈનો માધવ તેમના પર કૃપા વરસાવી ગયો. આ યુક્તિ અસફળ જવાથી, કોઈનાં કહેવાથી, રાણાએ મીરાંબાઈને વાઘનાં પિંજરામાં જબરજસ્તી ધકેલ્યાં. મીરાંબાઈએ ધૈર્યપૂર્વક ભગવદ્ સ્મરણ કરતાં કહ્યું, “અરે વાહ! આજે મારા શ્યામસુંદર આ દાસીને નરસિંહરૂપે દર્શન દેવા પધાર્યા છે” અને ભાવપૂર્વક નતમસ્તક થયાં કે તરત જડબાં ફાડીને ધસી આવતો વાઘ એકદમ શાંત થઈને મીરાંબાઈની બાજુમાં બેસી ગયો. રાણા અને તેના કપટી સાથીઓ આશ્ચર્યથી વિમૂઢ થઈ ગયા. પછી, રાણાએ લોઢાના તીક્ષ્ણ ખીલાઓનું બિછાનું બનાવી તેની ઉપર કપડું પાથરી મીરાંબાઈ પાસે મોકલ્યું અને કહેવડાવ્યું કે શ્રી દ્વારકાધીશની પ્રસાદીનું વસ્ત્ર બિછાવેલું છે એટલે મીરાંબાઈએ રાત્રે તેના પર શયન કરવું. મીરાંબાઈ તો રાત્રે પોતાના ગિરિધર ગોપાલને સાથે રાખીને ગાદી પર ચડ્યાં તો વસ્ત્રની નીચે કમળ પાંદડીઓ પથરાયેલી હતી. મીરાંબાઈ તેમની સાથે થતા અન્યાયો અને અત્યાચારોથી સુપેરે વાકેફ હતાં પણ તેમને તેમના ભગવદ્ પ્રીતિના માર્ગ પર આગળ વધવું હતું અને ઠાકોરજીમાં દ્રઢવિશ્વાસ સાથે તેઓ આગળ વધતાં ગયાં. ‘હાર્યો જુગારી બમણું રમે’ એમ રાણા બીજા ઉપાયો શોધવા અને અજમાવવા લાગ્યો પણ આ વિપત્તિઓથી મીરાંબાઈનો ભગવદ્ પ્રેમ અધિકાધિક ઉજ્જવળ થતો ગયો. ખૂબ સુંદર રીતે મીરાંબાઈએ આ ભાવ નીચેનાં પદમાં પ્રદર્શિત કર્યો છે.

मीरां मगन भई हरि के गुण गाय
साप पिटारा राणा भेज्या, मीरां हाथ दिओ जाय
नहाय धोय जब देखन लागी, सालिग्राम गई पाय
जहर का प्याला राणा भेज्या, इम्रत दिया बनाय
नहाय धोय जब पिबन लागी, हो गई अमर अंचाय
सूली सेज राणा ने भेज, दीज्यो मीरां सुवाय
सांझ भई मीरां सोवण लागी, मानो फूल बिछाय
मीरां के प्रभु सदा सहाई, राखे बिधान हटाय
भजन भाव में मस्त डोलती, गिरिधर पर बलि जाय

રાણા વિક્રમાદિત્યને હવે મીરાંબાઈ પોતાની સત્તામાં અવરોધક, દુર્ભેદ્ય કિલ્લા જેવાં અગમ્ય અને અવિચલિત લાગવા માંડ્યાં હતાં. રાણાને પોતાનો અહમ ઘવાતો પ્રતીત થયો એથી રાણાએ સ્વયં મીરાંબાઈનો વધ કરવાનો નિશ્ચય કર્યો. એક રાત્રે એક ગુપ્તચરે આવીને સમાચાર આપ્યા કે મીરાંબાઈ કોઈ પુરુષ સાથે હસી હસીને વાત કરી રહ્યાં છે. આ સાંભળી, રાણા ખૂબ ક્રોધે ભરાયો અને ખુલ્લાં ખડગ સાથે મીરાંબાઈના કક્ષમાં ધસી ગયો અને ગર્જના કરતો પૂછ્યા લાગ્યો, “બોલ, તું કોની સાથે વાત કરતી હતી”. મીરાંબાઈ તો આ લૌકિક દુનિયાથી દૂર પોતાના મનમિત સાથેનાં વિશ્વમાં રાચતાં હતાં. તેમને રાણાને ખુબ શાંતિથી કહ્યું, “અરે! મારા પ્રાણેશ્વર હમણાં તો અહીંયા જ હતા. મારી સાથે ચોપાટ રમ્યા, નૈવેદ્ય સ્વીકાર્યું, હવે ક્યાં ચાલી ગયા? તું બે ઘડી વહેલો આવ્યો હોત તો તને પણ દર્શન થઈ જાત”. રાણાની નજર ત્યાં શૈયા પર કોઈ ઓઢીને સૂઈ ગયેલું હતું તેના પર પડી અને ખુલ્લાં ખડગ સાથે અટ્ટહાસ્ય કરતાં કરતાં ચાદર ખેંચી લીધી અને ત્યાં જ વિકરાળ સ્વરૂપે નરસિંહ ભગવાન જેવાં સ્વરૂપનાં દર્શન થયાં. રાણા તો ભયનો માર્યો કક્ષની બહાર દોડ્યો અને મીરાંબાઈને કક્ષની બહાર બોલાવ્યાં. જેવાં મીરાંબાઈ કક્ષની બહાર આવ્યાં કે રાણાએ તેમને મારવાં ખડગ ઉગામ્યું, પણ સામે જુએ છે તો એકને બદલે સેંકડો મીરાંબાઈ મંદમંદ હાસ્ય કરતાં દેખાવાં લાગ્યાં અને રાણાના હાથમાંથી ખડગ પડી ગયું. તે લડખડાતો પોતાના મહેલ તરફ ભાગી છૂટ્યો. મીરાંબાઈના ગિરિધર ગોપાલે ફરી એકવાર મીરાંબાઈની રક્ષા કરી.

આમ મેવાડમાં મીરાંબાઈનું જીવન સંઘર્ષોની પરંપરા બની ગયું હતું. તેમની ભગવદ્ ભક્તિ અને ભગવદ્ પ્રાપ્તિનો માર્ગ સંઘર્ષોથી ભરેલો હતો. છતાંયે મીરાંબાઈ અવિચલ રહી નિર્ભયતાપૂર્વક પોતે સ્વીકારેલી સાધનાના પથ પર આગળ વધતાં ગયાં. વિષમમાં વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ સત્ય પર અવલંબિત રહી, પોતાના સિદ્ધાંતોની રક્ષા કરતાં કરતાં, રાણાના વિરોધોનો સામનો કરતાં રહ્યાં અને આગળ વધતાં ગયાં. કદાચ એટલે જ મીરાંબાઈ વિશ્વનાં સમસ્ત સાધુ જગતમાં આદરનાં હકદાર બન્યાં. માત્ર મીરાંબાઈ જ નહિ, ઈતિહાસમાં ગાંધીજીથી લઈને વોરન બફે સુધીના એવા ઘણા ઉદાહરણો છે કે જેમનું સમગ્ર જીવન જ સંઘર્ષોનો પર્યાય હોય પણ તેઓ એક પછી એક સંઘર્ષોને પાર કરતા ગયા અને પોતાના ધ્યેય તરફ આગળ વધતા ગયા. કહેવાય છે ને કે “Not all storms come to destroy you, some come to clear your path”. આપણાં જીવનના બધા જ વળાંકો આપણને ઉથલાવી પાડવાં નથી આવતા, કેટલાક જીવનને એક સાચી દિશા, એક નવો અર્થ આપવા આવે છે. આપણે બસ હિંમતથી અને નિષ્ટાથી એ બધા વળાંકો વચ્ચે પણ ધ્યેય તરફ આગળ વધતા રહેવાનું છે.

મીરાંબાઈએ પોતાના લૌકિક સંબંધો અને જીવન સંબંધી અગત્યના પ્રસંગોને લઈને એકયાસી પદોની રચના કરેલ છે. આ સર્વે પદો મીરાંબાઈનાં જીવનનાં પદ તરીકે ઓળખાય છે. એમાંથી આપણે ચૂંટેલા થોડાં પદોની લેખમાળાના છેલ્લા ત્રણ-ચાર મણકાઓમાં રસાસ્વાદ કર્યો. લેખમાળાના હવે પછીના મણકામાં આપણે મીરાંબાઈએ પ્રાર્થના-વિનય પર રચેલાં પદોનો આસ્વાદ અને ચિંતન કરીશું. ત્યાં સુધી તમારી સૌની રજા લઉ છું. અને હા, આજે તો તમે આ મણકાને વાંચવાની સાથે સાથે સાંભળી પણ શકશો. આશા રાખું છું કે તમને ગમશે.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે....

— અલ્પા શાહ

6 thoughts on “मेरे तो गिरधर गोपाल – 15 : અલ્પા શાહ

 1. Nice article , Alpa !
  “Not all storms come to destroy you, some come to clear your path”! So true ! Waiting for the next one ..

  Like

 2. અલ્પા ,મીરાંબાઈનાં જીવનની વાતો અને ઝંઝાવાતો સામે તેમણે આપેલી લડત આપણને પણ જીવનની વિકટ પરિસ્થિતિઓ સામે લડવાની પ્રેરણા આપે છે.સુંદર પઠન અને આલેખન…..

  Like

  • સાવ સાચી વાત – મહાનુભાવો ના જીવન પર થી આપણને ઘણું શીખવા મળે છે. આભાર જિગીષાબેન

   Like

 3. “આપણા જીવનના બધાજ વળાંકો આપણને ઉથલાવી પાડવા નથી આવતા, કેટલાક જીવનને એક સાચી દિશા, એક નવો અર્થ આપવા આવે છે. માત્ર આપણે હિંમતથી અને નિષ્ટાથી એ બધા વળાંકો વચ્ચે પણ ધ્યેય તરફ આગળ વધતા રહેવાનું છે.”
  સાંપ્રત સમય માટે ખૂબ સુંદર આશા આપતો સંદેશ .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.