કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 14

 

પ્રશ્ન થાય કે, શું મુનશી જેવા સમર્થ વાર્તાકારને ગુજરાતના રસિક વાચકવર્ગ આગળ ઓળખાવવાની કશી જરૂર ખરી? આજે એક શતાબ્દી પછી પણ એમની વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય રહી છે. તે વાંચીને મને જે આનંદ મળ્યો તે આજના પરિપ્રેક્ષ્યમાં નવી પેઢીને અવગત કરાવવાનો આ પ્રયાસ છે. મુનશી  કરતાં પણ વધુ પાંડિત્ય ધરાવતા, વધુ અવલોકનશક્તિ ધરાવતા કે વધુ શ્રમ લેતા વાર્તાકારો થઈ ગયા છે છતાં મુનશીની નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નરૂપ બની છે તેનું કારણ તેમની શૈલી અને કથનરિતી છે.

આપણે લેખમાળાની શરૂઆત મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’થી કરી હતી. ત્યારબાદ, તેમની કેટલીક ઐતિહાસિક નવલકથાઓનો રસાસ્વાદ કર્યો અને હવે, ફરીને જવું છે તેમની આત્મકથા ‘સ્વપ્નસિદ્ધિની શોધ’તરફ. આ એમની આત્મકથાનો ત્રીજો ભાગ છે જેમાં 1923 થી 1926ના સમયખંડની વાત મુનશી કરે છે. તેમના માટે આનું મહત્વ અધિક એટલા માટે છે કે, એ સમયગાળો એમનાં જીવનનો સૌથી અગત્યનો અને સર્જનાત્મક છે. એ વર્ષો દરમ્યાન એમનું નવું જીવન ઘડાયું હતું.

પુસ્તકની શરૂઆત થાય છે, લીલાવતી સાથેના ‘પ્રથમ પરિચય’ પ્રકરણથી. મુનશી કહે છે કે ઘણા વાચકો અને મિત્રોને લાગતું કે, આ ભાગ ન લખાયો હોત તો સારું હતું.  ટીકાકારોને તો ખૂબ મજા પડતી હતી. પણ તેઓ કહે છે કે, તેમનું એકપણ કૃત્ય અથવા વર્તન એવું ન હતું કે જેથી તેમણે શરમાવું પડે કે પશ્ચાતાપ થાય. તેમનાં પ્રથમ પત્ની – અતિલક્ષ્મી જીવિત હતાં ને તેમનાં ત્રણ બાળકો પણ હતાં.  તેમણે બાળપણમાં સેવેલી કલ્પનાના પરિપાકરૂપે આ અનુભવો છે – જે તેમનાં જીવનની શક્તિ અને પ્રેરણા છે. તેમની બાળપણની સખી ‘દેવી’ તેમને લીલાવતી રૂપે મળી હોય તેમ તેમનાં હૃદયનાં તરંગો લીલા સાથે સ્નેહબંધનથી જોડાવા ઈચ્છતા હતા.

1919માં તેઓ પહેલી વાર મળ્યા. 1922માં તેમની વચ્ચે અંતરાયોનો સાગર ઊછળતો હતો. 1922માં મુનશીએ ‘ગુજરાત’ માસિક બહાર પાડ્યું ત્યારે તેના ગ્રાહક બનવા તેમની વચ્ચે પત્ર વ્યવહાર થયો. આ શિષ્ટાચારી પત્ર વ્યવહાર પછી તેમની વચ્ચે સાહિત્ય વિષયક પત્ર વ્યવહાર શરૂ થયો. એમાં એકબીજાની ઠેકડી કરી તેઓ અંતરાયો ભેદી રહ્યા. પછીથી બાબુલનાથમાં ફ્લેટમાં ઉપર નીચે રહેતા થયા.

આઠ વર્ષ બાદ મુનશીને લીલામાં પોતાની ઝંખનાની ‘દેવી’ મળી ગઈ. નાનપણથી જેને જીવનની સ્વામિની માની, જેની કલ્પનાવિલાસની પ્રેરણાથી જીવન વીતાવતા હતા તે સાક્ષાત આવીને ઊભી હતી. આ ભાન તેમનાં મગજનો કબજો લઈ બેઠું. ખરી વાત એ હતી કે, પ્રણયે તેમની બધી શક્તિઓને તીવ્ર અને અસામાન્ય બનાવી દીધી હતી. આથી મુનશીએ ત્રણ સંકલ્પ કર્યા. એક : સંસાર અભેદ્ય રાખી પત્ની અને બાળકોને અન્યાય ન કરવો. બે : પ્રણયધર્મનો દ્રોહ ન કરવો ને કાયેન્દ્રિય શુદ્ધિ પર જ પ્રણયસંબંધ રચવો અને ત્રણ : સંસાર પ્રત્યે કર્તવ્યભ્રષ્ટ થઈ સમાજમાં પ્રતિષ્ઠા ન ખોવી. તો બીજી તરફ, લીલા સાથે અપૂર્વ આત્મીયતાનો સાક્ષાત્કાર હતો. તેમની વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો. મુનશીના પત્રો દ્વારા લીલાએ તેમનું હ્રુદય પારખ્યું. ને લીલાના પત્રોમાં મુનશીએ તેમનાં જીવનમાં પ્રવેશવાની લીલાની ઉત્કંઠા તેમણે વાંચી. સામાન્ય રીતે પ્રેમ શરૂ થાય ત્યારે એક જણ પ્રેમમાં પડે ને બીજું તેને ઝીલે. પણ અહીં તો બંને સાથે જ પ્રેમમાં પડ્યાં ને સાથે જ પ્રેમ ઝીલી રહ્યાં હતાં. એક પ્રબળ શક્તિ તેઓને એકબીજાનાં બનાવી રહી હતી.

પ્રેમનાં બે સ્વરૂપ છે; એકમાં વ્યક્તિ પ્રેમ દ્વારા કંઇક પ્રાપ્ત કરવા માંગે છે, પ્રેમનાં સ્વપ્ન જુએ છે ને એમાં સુખ શોધે છે, બીજા પ્રકારના પ્રેમમાં ફક્ત આપવું છે – પ્રેમ આપવો છે, સુખ આપવું છે, સર્વસ્વ સમર્પિત કરવું છે ને સ્વપ્ન સાકાર કરવું છે. મુનશીને પ્રિયજનની હાજરી એ જ સૌથી મોટું સુખ છે. તેઓ જે વાત સ્પષ્ટ રીતે બોલી ન શકતાં તે સાહિત્ય દ્વારા ઉચ્ચારતા થયા. ઘણીવાર તેઓ એકબીજાને વસિષ્ઠ અને અરુંધતીનાં નામે સંબોધતાં. આ રીતે તેમની મૈત્રીની આસપાસ રસનું એક વર્તુળ રચાતું ગયું. વફાદાર પ્રેમનું પોત ક્યારેય પાતળું નથી હોતું. પ્રેમની તાકાત એવી છે કે, એક વ્યક્તિના પ્રવેશથી આખી સૃષ્ટિ હરી ભરી થઈ જાય તો ક્યારેક વ્યક્તિનાં જવાથી પૂરી દુનિયા ખાલી લાગે. પ્રિય વ્યક્તિનું સાંનિધ્ય પ્રેમને સબળ કરે છે. આ વાત સો વર્ષ પહેલાં મુનશીના સમયમાં જેટલી સત્ય હતી એટલી આજે પણ છે અને આજથી સો વર્ષ પછી પણ રહેશે. બધો આધાર પ્રેમની ઉત્કટતા પર છે.

એક વળાંક જેમ દિશા બદલી નાખે છે, એ જ રીતે કોઈ એક સ્વપ્ન કે જીવનલક્ષી વિચાર જીવનની દશા બદલી નાખે છે. મુનશી પોતે સ્વપ્નદૃષ્ટા તો છે જ પણ અહીં એ સ્વપ્ન સિદ્ધિની શોધમાં નીકળ્યા છે. આપણને એ પ્રશ્ન જરૂર થાય કે, મુનશીનું સ્વપ્ન શું છે? મુનશીને તેમનાં સ્વપ્ન દ્વારા કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે? સ્વપ્નને સિદ્ધ કરવાની શોધમાં ક્યાં નીકળ્યા છે? તેમની શોધની ફલશ્રુતિ શું?  આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ માટે મળીશું આવતા અંકે…..

રીટા જાની

 

https://youtu.be/z815Gbei4G8

7 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 14

 1. અતિલક્ષ્મી એટલે સાંસારિક પત્ની,લીલાવતી એ પ્રેમ દર્શીની …કદાચ વધુ નજીકથી ચર્ચા સાંભળેલી અતિસક્ષ્મી મારી ખાસ સખીના ફોઈ..તેઓ સાહિત્યને ન ઓળખી શક્યા પણ પતિ તરીકે મુનશીની ક્યારેય અવહેલના પણ કરનારી વ્યક્તિ..એક ગલી છોડી તેમનું પિયર ..તે જરૂર સમજતા..તેથી મુંબઈ ના વસવાટ ને ટાળતા..
  લીલાવતી મુનશી બન્યા પછી અતિલક્ષ્મી માંદગી માંજ રહ્યા ને જીવન પૂર્ણ કર્યુ…

  જ્યારે આત્મકથા રચાય ને પ્રકરણ વંચાયું ત્યારે ટીકાકારોની ટીકાની તેમણે ચિંતા નહોતી કરી..
  સરસ અભિવ્યક્તિ મુનશી પ્રત્યેની…

  જયશ્રી પટેલ

  Like

 2. રીટાબહેન, મુન્શીજીની આત્મકથામાં ડોકિયું કરાવી ,તમે તેમના અંગત જીવનની જાણકારી પણ તમારા ઉચિત શબ્દપ્રયોગ દ્વારા કરો છો. જે મુન્શીજી જેવા લેખકની ગરિમાને પણ સુંદર રીતે જાળવે છે.જ્યારે બે વ્યક્તિની કેમેસ્ટ્રી મેચ ન થતી હોય ત્યારે લગ્ન બહારના સંબંધો વિકસે છે તે સ્વાભાવિક છે. સુંદર આલેખન….

  Like

  • આભાર, જિગીષા બેન. જ્યારે આત્મકથા પર લખતા હોઈએ ત્યારે એ વ્યક્તિની ગરિમાને હાની ન પહોંચે કે કોઈ વિવાદ ઊભો ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવો પડે. એ માટે મેં કાળજી લીધી છે અને જયશ્રીબેન અને આપે પણ એ નોંધ્યું એ માટે આભાર..

   Like

  • આભાર કલ્પનાબેન. આપણા પ્રતિભાવ મને પ્રોત્સાહન પૂરું પાડે છે.

   Like

 3. Hello rita ben, khub saras article che,kanaiya lal munshi vishe atli saras jankari apvava badal khub abhar ,navi generation ne pan vachvu game evu lekhan che apnu..nava lekh ni wait karu chuu.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.