કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 13

ગત ત્રણ અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની પ્રસિદ્ધ નવલકથા ‘ગુજરાતનો નાથ’ની. આ અંકમાં આપણે એક એવા પાત્રનો પરિચય મેળવવો છે જે આમ તો નાનું છે પણ છે ખૂબ તેજસ્વી. માળવી યોદ્ધો કિર્તીદેવ; તેનાં જીવનનું મહાકાર્ય આરંભવા તત્પર થયો હતો. તેનાં જીવનની બે નેમ હતી; તેના પિતાની શોધ અને તેના દેશનું ઐક્ય. એ સિદ્ધ કરવા તે અમાનુષી – અચેતન સૃષ્ટિનાં મહત્વ જેવો નિશ્ચલ – સચોટ બની રહેતો. એક કામ સાધવા તેણે કાળભૈરવને આરાધ્યો હતો, ને બીજું કામ સાધવા રાજખટપટમાં ભૈરવ સમા મુંજાલ મંત્રીને મનાવવા પણ જતો હતો.

કીર્તિદેવ મહાપુરુષ હતો છતાં તેની વય કોમળ હતી. તેની ભાવનામય દૃષ્ટિ, વણઘડાયેલી કલ્પનાશક્તિ – એ બેથી મુંજાલના પૌઢ વ્યક્તિત્વનો ખરો પ્રભાવ તે પારખી શક્યો નહીં . મુંજાલના પ્રભાવમાં જે પ્રતાપી સર્જકશક્તિ હતી એ પણ જોઈ શક્યો નહીં. મુંજાલનાં અદભુત વ્યક્તિત્વનો અસહ્ય પ્રતાપ તેણે જોયો ન હતો. નાનાં ગામડાના માલિકમાંથી આજે પાટણનાં બાર મંડળ ને બાવન શહેર પર એકહથ્થુ સત્તા એને લીધે ચાલતી હતી તેની કીર્તિદેવને ખબર ન હતી. મુંજાલ મનુષ્યોનો હીરાપારખુ હતો. જ્યારથી તેણે કીર્તિદેવને જોયો ત્યારથી તેના પ્રભાવના તેને ભણકારા વાગ્યા હતા. એની મોહક મુખમુદ્રા તેના મનમાં રમી રહી હતી. તેણે આ નવાં ઝગમગતાં રત્નને મીઠાશથી ભરપૂર હાસ્યથી આવકાર આપ્યો. મંત્રીએ કીર્તિદેવને પૂછ્યું,”બોલો શું કામ છે?”
કીર્તિદેવે કહ્યું, “ભરતખંડનું ભાગ્ય તમારા હાથમાં છે. જેમ ગુજરાતનું રાજ્યતંત્ર એક આંગળીએ ધારો છો, તેમ આર્યાવર્તનું રાજ્યતંત્ર પણ ધારો. તમારા જેવાએ માત્ર એક રાષ્ટ્રની રાજનીતિ પાછળ જીવન જીવવું ન જોઇએ. આખા આર્યાવર્તની રાજનીતિ હાથ ધરો. છિન્નભિન્ન થઈ ગયેલાં રાષ્ટ્રોને, કુસંપી બનેલાં રાજ્યોને એક તંતે બાંધો.”

મુંજાલનાં મુખ પર એકાગ્ર થયેલી કીર્તિદેવની આંખોમાંથી તેજના તણખા નીકળવા માંડ્યા. જેમ તેની વાચાનો પ્રવાહ વધ્યો તેમ મુંજાલના પ્રભાવનો ખ્યાલ ઓછો થયો. કીર્તિદેવ એક દેવદૂત હોય તેવો લાગતો હતો. તેની નિર્મળ કાંતિ ભભૂકી ઊઠી. તેણે કહ્યું કે, “આર્યાવર્તને માથે ભય ઝઝૂમે છે મંત્રીરાજ. એટલે આપણા રાજ્યો વચ્ચે સંધિ કરાવી એ અરિદલો સંહારવા છે અને મ્લેચ્છને હાંકી કાઢવા છે.” મુંજાલ મનમાં આ બાલયોદ્ધાની પ્રશંસા કરી રહ્યો હતો. તેણે કહ્યું કે, “તમારી વાત સાચી છે પણ મારાથી કે ગુજરાતથી એમાંનું કંઈ નહીં બને. શક્ય વસ્તુ ન હોય તે હાથમાં ન સાહવી એ મારું સૂત્ર છે.”

મુનશીએ કીર્તિદેવનું પાત્રાલેખન અતિસુંદર અને ખૂબ નાટ્યાત્મક ઢબે કર્યું છે. કીર્તિદેવ કોણ છે, કોનો પુત્ર છે, પિતાને શોધવા શું કરે છે ને ક્યા સંજોગોમાં પિતાને મળે છે ને પાછો દૂર થાય છે. તેની કથા થોડી રહસ્યમય અને  નાટ્યાત્મક પણ છે. પણ આપણે તે ટુંકમાં જાણીએ. મીનળના પ્રેમમાં પડેલો મુંજાલ તેની પત્ની ફુલકુંવરને અને તેના પુત્રને ઘરથી દૂર ધકેલી દે છે. ફુલકુંવર ભાઈ સજ્જન મહેતાને ત્યાં દેહ છોડે છે અને તેના પુત્રને સજ્જન મહેતા નબાપા છોકરા તરીકે અવંતિના ઉબક પરમારને  આપે છે, જ્યાં તે મોટો થાય છે. પણ તે પોતાનું કુળ જાણવા ઘણા પ્રયત્નો કરે છે ને છેવટે કાળભૈરવની આરાધના કરે છે. મુંજાલ કીર્તિદેવને જયદેવ મહારાજની સેવા સ્વીકારવાનું અથવા યમસદનમાં – એવો વિકલ્પ આપે છે ને તેને કેદ કરે છે . કીર્તિદેવ તો અડગ છે અને અહી મુંજાલ અને કીર્તિદેવના સંવાદો ખૂબ ધારદાર છે.
કીર્તિદેવ : તમારા જયદેવ મહારાજને કહો કે અવંતીનાથના સામંત થાય એટલે હું તેની સેવા સ્વીકારીશ.
મુંજાલ : મારું કહેવું નહિ માનવાનું પરિણામ શું આવશે તે ખબર છે?
કીર્તિદેવ : પરિણામ જાણવાની મને પરવા નથી.”
મુંજાલ : ઠીક, તું વચન નથી આપતો,એમ?
કીર્તિદેવ : નહીં આપું તો શું કરશો?
મુંજાલ : છોકરા, તારું આવી બન્યું છે.
કીર્તિદેવ : તે તો લલાટના લેખની વાત છે. તેમાં તમે શું કરશો?
મુંજાલ : જો હવે તારે લલાટે શું લખાયું છે!
અને મુંજાલ કીર્તિદેવને મારે એ પહેલા કાકની ખબરદાર બૂમથી રોકાઈ ગયો. કાક કાળભૈરવ પાસેથી કીર્તિદેવનું કુળ જાણીને આવતો હતો.
કીર્તિદેવ : કેવું કુળ છે?
કાક : કુળ પ્રાગ્વાટ, તેની નામના નવે ખંડે પ્રસરે છે. તમારા પિતા છે સુવિખ્યાત પણ એણે બૈરી મારી, બહેન મારી, પુત્રને મારવા તલસી રહે એવા છે. સુરપાલ, હવે શિરચ્છેદ કર.

મુંજાલ તેને રોકી લે છે ને હકીકત જાણે છે. આ સંજોગોમાં પિતા અને પુત્રનું મિલન થાય છે. દરેક ચોધાર આંસુએ રડી પડે છે.

મુનશી ભલે એક નવલકથાકાર કે વાર્તાકાર હોય પણ તેમના પાત્રો અને પ્રસંગો કોઈ કારણ અને દૃષ્ટિબિંદુને આધીન હોય છે. અસ્મિતાના આરાધક મુનશી અહી ત્રણ પગથિયામાં અસ્મિતાને ઉજાગર કરે છે. પહેલા સ્તર પર રેવાપાલ છે જે લાટના માટે કામ કરે છે. બીજા સ્તર પર કાક અને મુંજાલ છે, જે સમગ્ર ગુજરાતને લક્ષમાં રાખીને કાર્યરત છે. ને ત્રીજા સ્તર પર કિર્તીદેવ છે જે અખંડ આર્યાવર્તના સ્વપ્ન જુએ છે. મુનશીના અંગત જીવનમાં પણ આ ત્રણ તબક્કા જોઈ શકાય છે.  પહેલો તબક્કો જેમાં મુનશી ભાર્ગવ અને આર્યપ્રકાશમાં લખે છે. તેમાં તેઓ રેવાપાલ છે. બીજો તબક્કો જેમાં તેઓ સાહિત્ય પરિષદના પ્રમુખ બને છે. અહીઁ તેઓ કાક અને મુંજાલના સ્થાને છે. અને ત્રીજો તબક્કો જેમાં તેઓ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરે છે. અહીં તેઓ કીર્તિદેવની જેમ આંખોમાં વિશાળ સ્વપ્ન સજાવી રહ્યા છે. આજે પણ એ વાત સો ટચનાં સોના જેવી સાચી છે કે સ્વપ્ન ગમે તેટલું હિતકારી કે સારું કેમ ન હોય તે પૂર્ણ થાય એ જરૂરી નથી. અહીં, કીર્તિદેવનું સ્વપ્ન કથામાં સાકાર નથી થતું. મુનશી એને માત્ર સ્વપ્ન જ રહેવા દે છે.

વાર્તાના અંતે એક હોડીમાં લાટ જવા ત્રિભુવનપાળ અને કાક તથા હંમેશનો ખોવાયેલો પુત્ર કીર્તિદેવ સરસ્વતી ઓળંગતા ચાલ્યા ને બીજી હોડીમાં કાશ્મિરાદેવી, મંજરી અને અન્ય યુવતીઓ હતાં. ઓવારા પર બધાયથી નિરાળો, ટટ્ટાર બની, પાટણની સત્તાનો પ્રતિનિધિ, અરણ્યમાં એકલું એક મહાવૃક્ષ ઊભું હોય તેમ,  દુઃખભરી આંખે, દેખીતી સ્વસ્થતાથી નાવડીઓને જતી જોઈ રહે છે. આમ, ‘ગુજરાતનો નાથ’ પાટણનો પ્રતાપ સાચવતો એકલવૃક્ષ પેઠે  ઊભો છે.

મુનશી પોતે પણ સ્વપ્નદૃષ્ટા છે. આઝાદી પહેલાં લખાયેલ આ નવલકથામાં ગુજરાતની વાત કરતાં મુનશી આર્યાવર્તની એકતાનું સ્વપ્ન પણ જુએ છે. ભાવાત્મકતા ઐક્ય માટે આવશ્યક છે. રાજનીતિજ્ઞ અને રાજકર્તાનો ભેદ મુનશી સુપેરે સમજાવી દે છે. કથા રસમય તો છે જ, પણ જ્યારે વાચક તેના રસપ્રવાહમાં તણાય છે ત્યારે જ તેનો રસાસ્વાદ માણી શકાય છે. સમય અને પ્રવાહ ક્યારેય રોકાતા નથી, ચાલ્યા જ કરે છે. મુનશી ભલે સ્પષ્ટ નથી કહેતાં કે કોણ છે ‘ગુજરાતનો નાથ’, પણ વાચક સમજી જાય છે કે ‘ગુજરાતનો નાથ’ કોણ છે – જયસિંહદેવ, કાક , ત્રિભુવનપાળ કે પછી મુંજાલ….

— રીટા જાની

6 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 13

 1. મુનશીના પરિચયને ફરી ફરી વાગોળવાનું મન થાય તેવી સુંદર અભિવ્યક્તિ કરી છે.
  જન્મથી એવું લાગ્યું છે કે મુનશીની સાથે જ જીવ્યા છીએ ભરૂચની મારી શેરીના નાકે જ તેઓની હવેલી હતી જ્યાં તેઓ જન્મ્યા હતા..મોટા થતા ભાર્ગવ સખીઓ મળી તેમના પહેલા પત્નીના ભાઈની દીકરી મારી ખાસ મિત્ર છે આજે તે હ્યુસ્ટનમાં વસે છે…
  આમ તેમની જંયતીએ ગુલાબદાસ બ્રોકરના કહેવાથી પિતાજીએ મિનળ /કાક / મુંજાલ વગેરેના વાર્તાને યોગ્ય ચિત્રો બનાવી ભવન્સ કલચરલ ચોપાટી પર ભરૂચના કલાકારની દ્રષ્ટિએ ચિત્રિત કરી આપ્યા છે …મારી પાસે આઠ ભાગ તેમની વાર્તાઓના સુંદરરીતે સચવાયા છે ને વારંવાર વંચાય પણ છે..

  Liked by 1 person

  • જયશ્રીબેન,
   ખૂબ આનંદ થયો જાણીને કે આપનો મુનશી સાથેનો પરિચય કઈ વિશિષ્ટ છે. અત્યારે આ લેખમાળા માટે ફરીને મુનશીના પુસ્તકો વાંચતા અત્યંત આનંદ થાય છે. આભાર.

   Like

 2. કનૈયાલાલ મુનશીની નવલકથાઓનું સૌથી મહત્વનું પાસુ એ એમની કલમ અને સચોટ સંવાદો..
  રીટાબેન, તમે એ નવલકથાઓના સંવાદો ફરી એકવાર અહીં મુકીને જાણે નવલકથાની યાદ તાજી કરાવો છો.

  Like

 3. રીટાબહેન ,મુનશીજીને વાંચ્યા તો બધાંએ છે પરંતુ તેમના એકએક પાત્રોની મુલવણી તમે જે તમારી ઝીણી આંખે કરો છો તે કાબિલેદાદ છે. મારી પાસે અહીં આ પુસ્તકો છે નહી પણ ફરી વાંચવાનું મન કરાવી દીધું તે વાત નક્કી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.