मेरे तो गिरधर गोपाल – 13 : અલ્પા શાહ

મીરાંબાઈનાં લૌકિક સંબંધો : શ્વશુરપક્ષ સાથેના સંઘર્ષો

મીરાંબાઈનું લગ્ન રાજા ભોજરાજ સાથે રંગેચંગે થઈ ગયું અને મીરાંબાઈ માતા-પિતાની શિખામણોનું ભાથું બાંધી, ગિરિધર ગોપાલને લઈને સાસરે પધાર્યા. મીરાંબાઈનો પતિ ભોજરાજ મહારાણા સંગ્રામસિંહનો જયેષ્ઠ પુત્ર અને પદ ઉત્તરાધિકારી હતો. લગ્ન પછી મીરાંબાઈના શ્વશુરપક્ષની કુળદેવી મા દુર્ગાને પગે લાગવાની રીત-રસમ નિભાવવાની આવી. મીરાંબાઈ તો ગિરિધર ગોપાલની અનન્ય ભક્તિમાં રંગાયેલાં હતાં એટલે તેમણે સાસુમાએ કહેલી રસમ પૂરી કરવાનો વિવેકપૂર્વક ઈન્કાર કર્યો અને કહ્યું કે, “મેં તો મારા ગિરિધર ગોપાલનું શરણું સ્વીકાર્યું છે એટલે આ શિર માત્ર એમના ચરણોમાં જ ઝૂકશે.” આમ, શ્વશુરપક્ષ સાથેના મીરાંબાઈના સંઘર્ષની શરૂઆત થઈ. કોઈકને અહીં એવો તાર્કિક સવાલ થાય કે મીરાંબાઈ તો આટલાં ઉચ્ચ કક્ષાના ભક્ત હતાં તો તેમને જુદા જુદા સ્વરૂપે રહેલા ભગવાન તો એક જ છે એવી સાદી સમજ કેમ નહિ હોય? પણ, મીરાંબાઈ તો એકરૂપ ભક્તિમાં લીન થઈ ગયેલાં હતાં. સગુણ ભક્તિમાં જયારે ભક્ત પોતાનાં મન, બુદ્ધિ અને આત્મા એક સ્વરૂપને સમર્પિત કરે ત્યારે એ ભક્તનું અસ્તિત્વ જ એ સ્વરૂપ સાથે વણાઈ જાય છે. ત્યારે તાર્કિક વિચારોને કોઈ સ્થાન રહેતું નથી. આ બાબત માત્ર ભક્ત અને ભગવાન વચ્ચે જ લાગુ નથી પડતી. જયારે તમે મનથી કોઈ વ્યક્તિની સાથે જોડાઈ જાઓ ત્યારે તેમાં વિચારવાનું કામ હૃદય કરે છે અને બુદ્ધિથી થતા તાર્કિક વિચારો પાછા પડે છે.

મીરાંબાઈના શ્વશુરપક્ષના મોટાભાગના સદસ્ય મીરાંબાઈની ગિરિધર ગોપાલ પ્રત્યેની આસક્તિને સમજવાં અસમર્થ હતા. કહેવાય છે ને કે કુવામાં રહેલો દેડકો સાગરની વિશાળતા શું સમજે? આપણી લૌકિક દુનિયાના આનંદ અને આસક્તિ તો ‘હું’થી શરુ થઈ ‘મારા’માં સમેટાઈ જાય છે. પણ આ તો મીરાંબાઈનો અલોકિક અનંત પ્રેમ હતો જે સામાન્ય સમજથી પર હતો. સાસરે પહોંચ્યાં પછી પણ મીરાંબાઈએ સંત સમાગમ ચાલું રાખ્યો હતો અને સંત-મહાત્મા સાથેનો સત્સંગ એમની દિનચર્યાનો ભાગ બની રહ્યા. આ સત્સંગ દરમિયાન મીરાંબાઈ ગિરિધર ગોપાલની સામે તેમના પ્રેમમાં ગળાડૂબ થઈને કીર્તન અને નૃત્ય કરવાં લાગતાં. હવે આ તો રાજપુતાના ઘરાનાની રાજવી વધૂ! પરપુરુષ સામે પરદા (ઘૂંઘટ) વગર હાજર થતાં, એટલું જ નહિ નૃત્ય પણ કરતાં! આ જોઈને તેમની સાસુ અને નણંદ ઉદાબાઈનો રોષ ભભૂકી ઊઠ્યો. મીરાંબાઈનાં વર્તન સામે તેઓએ કટ્ટર વિરોધ પ્રગટ કર્યો. તેમને આ પ્રવૃતિઓથી તેમના કુળની મર્યાદાઓ ભંગ થતી હોય તેમ લાગ્યું. મીરાંબાઈ અને તેમની નણંદ વચ્ચે આ બાબતનો સંવાદ આ પદમાં પ્રગટ કર્યો છે.

भाभी बोलो वचन विचारी।
साधो की संगत दुःख भारी, मानो बात हमारी
छापा तिलक गल हार उतरो, पहिरो हार हजारी।
रतन जड़ित पहिरो आभूषण भोगो भोग अपारी
मीराँजी थे चलो महल में थाने सोगन म्हारी।
भाव भगत भूषण तजे शील संतोष सिणगार
ोधी चुनार प्रेम की, गिरधरजी भरतार ।
उदाबाई मन समझ, जावो अपणे धाम
राजपाट भोगो तुम्ही, हमें न तासु काम

ઉદાબાઈ ભાભીને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તેમને તેઓ રાજપરિવારની કુળવધૂ હોવાનું યાદ દેવડાવે છે પણ મીરાંબાઈ ઉત્તરમાં કહે છે, “આ રાજપાટ ભોગવવાનું તમને સોંપ્યું. મેં તો મારા ગિરિધરની ચૂંદડી ઓઢી છે. હવે મારા માટે તો શીલ અને સંતોષ જ શૃંગાર છે.” તો વળી, નીચેનાં પદમાં મીરાંબાઈ તેમનાં નણંદને કૃષ્ણ ભક્તિનું માહાત્મ્ય સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે:

मीरां बात नहीं गज छानी, ऊदाबाई समझो सुधर सयानी।
साधु मात पिता कुल मेरे, सजन सनेही ज्ञानी।
संत चरण की सरण रैन दिन, सत्य कहत हु बानी !

મીરાંબાઈના શ્વશુર પક્ષમાં તેમના ભાગે લોઢાના ચણા ચાવવાના હતા પણ સાથે સાથે તેમના શ્વશુર મહારાણા સંગ્રામસિંહ અને પતિ ભોજરાજ તેમના માટે રણમાં વીરડી સમાન હતા. મીરાંબાઈએ ક્યારેય ભોજરાજને તેમના પતિ તરીકે સ્વીકાર્યા ન હતા અને રાજા ભોજરાજ પણ તેમની પત્નીની અનન્ય કૃષ્ણ ભક્તિથી વાકેફ હતા. મીરાંબાઈના પૂજા-પાઠ, સત્સંગ, સંત-સમાગમ અને ગિરિધર ગોપાલની સેવાથી તેમને કોઈ જ પ્રતિકૂળતા ન હતી અને મીરાંબાઈની આ પ્રવૃતિઓથી કુળનો મર્યાદાભંગ થતો પણ લાગતો ન હતો. કહેવાય છે કે રાજા ભોજરાજ પણ ભક્તિના રંગે રંગાયેલા હતા. રાજા ભોજરાજ, કેટલું મહાન વ્યક્તિત્વ કે જેમણે પોતાની સૌંદર્યવાન પત્ની હોવા છતાં ક્યારેય પોતાનો પતિ તરીકેનો હક જતાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. એક રૂઢિચુસ્ત પુરુષપ્રધાન સમાજ વચ્ચે રહીને પણ પોતાની પત્નીને તેની રીતે જીવવાની અને તેના ભક્તિ માર્ગમાં આગળ વધવાની છૂટ આપી હતી. શું તેમને સમાજનાં મેણાં-ટોણાં નહિ સાંભળવાં પડ્યા હોય? તેમનો પુરુષસહજ અહં નહિ ઘવાયો હોય?  આજના સમાજમાં એવા કેટલા પુરુષો હશે કે જે પોતાની પત્નીની ઢાલ બનીને તેના આકાશમાં મુક્તપણે ઊંચાઈએ વિહરવાની છૂટ આપી શકતા હશે? ખેર, મીરાંબાઈની સાથે સાથે રાજા ભોજરાજનાં વ્યક્તિત્વને પણ શત શત નમન!

કમનસીબે મીરાંબાઈનું લોકિક લગ્નજીવન અલ્પજીવી રહ્યું. અને દસ વર્ષમાં રાજા ભોજરાજ વીરગતિને પ્રાપ્ત થયા. ત્યારબાદ, મીરાંબાઈનાં જીવનમાં ઝંઝાવાતોની ખરી શરૂઆત થઈ. આપણે એની ચર્ચા આગળના લેખમાં કરીશું.

આજે આપણે મીરાંબાઈ રચિત આ સુંદર પદ કે જેમાં તમે તેમનાં હૃદયના ભાવ તેમના શબ્દો અને સૂરમાં અનુભવી શકશો. એ સાંભળવાં વિરામ લઈએ.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

— અલ્પા શાહ

3 thoughts on “मेरे तो गिरधर गोपाल – 13 : અલ્પા શાહ

 1. બાઈ અમે બાળ કુંવારા,

  કાનુડો શું જાણે મારી પીડ ,હે….બાઈ અમે બાળ કુંવારા.

  જળ રે જમુનાના અમે,પાણીડે ગ્યા’તાં રે,

  કાનુડે ઉડાડ્યાં આછાં નીર,

  હે ઉડ્યા ફરરર રરરર રે….કાનુડો શું જાણે….

  હુ રે વેરાગણ કા’ના,તમારે નામની વ્હાલા,

  કાનુડે માર્યા છે અમને તીર,

  હે વાગ્યા અરરર રર રર રે…કાનુડો શું જાણે…

  વૃંદા તે વનમાં વા’લા રાસ રચ્યો રે,

  સોળસે ગોપીના તાણયાં ચીર,

  હે ફાડ્યા સરરર રર રર રે…કાનુડો શું જાણે..

  બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર ના ગુણ વ્હાલા,

  કાનુડે બાળીને કીધા રાખ,

  હે ઉડી ફરરર રર રર રે…કાનુડો શું જાણે…

  રાખ થઈ ઊડવાની ભાવના મીરાં જ રચી શકે

  રજવાડા છોડી વૈરાગી મીરાં જ બની સકે

  લોકલાજ છોડી એક તારે મીરાં જ નીકળી શકે

  સુંદર અભિવ્યક્તિ..🙏

  Like

 2. ખરેખર જ્યારે મનથી, લાગણીથી કોઈ વ્યક્તિ ની સાથે જોડાઈ જઈએ ત્યારે એમાં બુદ્ધિ એક કોરાણે જ રહી જાય છે અને મીરાં તો અનન્ય ભક્તિભાવથી રંગાયા હતા ત્યાં બૌદ્ધિક કે તાર્કિક વિચારોનું શું મહત્વ?

  Like

 3. અલ્પાબેન,
  આપના આજના લેખમાં બે વાત ખૂબ ગમી એકતો ભોજરાજા મીરાંબાઈ અને તેમની ભક્તિને સન્માનતા હતા તેમજ સગુણભક્તિ કરનાર વ્યક્તિ એકરુપમાં લીન અને સંપૂર્ણ સમર્પિત હોય છે તેથી તેને માટે બીજા સ્વરુપનો વિચાર શક્ય જ નથી. સુંદર અભિવ્યક્તિ….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.