मेरे तो गिरधर गोपाल – 12 : અલ્પા શાહ

મીરાંબાઈનાં લૌકિક સંબંધો – માં-દીકરીનું ભાવવિશ્વ

આજે મારે મીરાંબાઈ અને તેમની માતાનાં, એટલે એક મા-દીકરીનાં ભાવવિશ્વમાં ડોકિયું કરવાનો પ્રયત્ન કરવો છે. કહેવાય છે કે, દીકરી એટલે ઈશ્વરનો આશીર્વાદ નહિ, પણ આશીર્વાદમાં અવતરેલો ઈશ્વર. દીકરી એટલે હોઠે, હૈયે અને શ્વાસે બારેમાસ વસેલી વસંત. દરેક મા માટે દીકરી એનું આબેહૂબ પ્રતિબિંબ અને બાળપણમાં દરેક દીકરી માટે મા એટલે તેનાં જીવન વર્તુળનું કેન્દ્ર. મીરાંબાઈનાં બાળપણમાં પણ તેમની માતા કેન્દ્રસ્થાને જ હતાં. મીરાંબાઈની માતા વીરકુંવરી ખૂબ સુશીલ, સાત્વિક અને ભક્તિ પારાયણ વ્યક્તિત્વ ધરાવતાં હતાં. જન્મ સમયે મીરાંબાઈનું અપૂર્વ તેજોમય મુખમંડળ જોઈને તેમનું નામ ‘મિહિરા બાઈ’ એટલે કે સૂર્ય સરીખી તેજસ્વી રાખવામાં આવ્યું હતું.

બાળપણમાં મીરાંબાઈ તેમના દાદાજી સાથે ડાકોર તીર્થયાત્રા પર ગયાં હતાં ત્યારે સૌ પ્રથમવાર એક સંત પાસે તેમણે ગિરિધર ગોપાલની મૂર્તિ જોઈ અને એક અભૂતપૂર્વ ખેંચાણ અનુભવ્યું. તેમની બાળહઠનાં લીધે એક સંત પાસે રહેલી ગિરિધર ગોપાલની મૂર્તિની પધરામણી મીરાંબાઈ પાસે થઈ. આમ, મીરાંબાઈનાં મનમાં શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિનું બીજ રોપાયું.

જયારે મીરાંબાઈ બાલિકા હતાં ત્યારે એકવાર તેમણે ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. મીરાંબાઈએ માતાને નિર્દોષતાથી પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેમની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, “તારે તો પહેલેથી શ્રીકૃષ્ણ તારો પતિ છેને!’ આમ, મીરાંબાઈનાં મનમાં કૃષ્ણને મનમીત તરીકે સ્થાપિત કરવામાં તેમની માતા નિમિત્ત બન્યા.

જેમ જેમ મીરાંબાઈ મોટા થતાં ગયાં તેમ તેમ તેમની કૃષ્ણભક્તિ વધુ ને વધુ ગાઢ થતી ગઈ. મીરાંબાઈએ બાલિકામાંથી કુમારિકા અને યુવાવસ્થા તરફ પગરણ માંડ્યા પણ તેઓને સાંસારિક વિષયોમાં કશો રસ જ ન હતો. તે તો તેમનો વધુ ને વધુ સમય ગિરિધર ગોપાલ સાથે અલોકિક ભાવવિશ્વમાં જ વિતાવતાં હતાં. તે જોઈને તેમની માતા અતિચિંતિત હતાં. કઈ માને પોતાની દીકરીને સુંદર સાજ શણગાર સજે એ જોવાની ખેવના ના હોય? પણ મીરાંબાઈ તો વિષયભોગથી સાવ અલિપ્ત. આ જોઈને એક માતૃહૃદય વલોવાતું હતું. માતા વીરકુંવરીએ વિચાર્યું કે, હવે હું મારી વિવાહયોગ્ય દીકરીના વિવાહની તૈયારી કરું. કદાચ વિવાહ પછી તેના પતિના પ્રેમમાં મારી દીકરી આ પાગલપણું વિસરી જશે. એટલે એક દિવસ લાગ જોઈને મીરાંબાઈ સાથે વિવાહની વાત છેડી તો મીરાંબાઈ એ કહ્યું:

ऐसे बर को के बरु, जो जन्मे और मर जाये
वर बरिये गोपालजी म्हारो चुड़लो अमर हो जाये

આવો જવાબ સાંભળી માતા વીરકુંવરીનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમનાં નેત્રોમાંથી અશ્રુધારા વહેવાં લાગી અને મનોમન વિચારવાં લાગી કે, મારી આવી ફૂલ જેવી અલોકિક લાવણ્યમયી દીકરીને પ્રભુએ કેમ આવું નિર્મોહી હૃદય આપ્યું? મારુ હૃદય તો કહે છે કે, તેને તેના ભક્તિના પંથે પ્રગતિ કરવાં દઉં પણ મારું મન સમાજે પાથરેલા ચીલા પરથી હટવાની ના પાડે છે. પોતાની લાડકી દીકરીને વળગી ને કહેવાં લાગ્યાં, “બેટા, તને પામીને જેમ હું ધન્ય થઈ ગઈ તેમ તને પામનારો પણ ધન્ય થઈ જશે. એ કોણ એવો ભાગ્યશાળી હશે જેને તારો હાથ સોંપીશ?” પછી માતાનું મન રાખવાં મીરાંબાઈએ લૌકિક લગ્ન કરવાની મંજૂરી આપી પણ તેમનાં મન અને હૃદયમાં તો તેમનો મનમીત ક્યારનોય પ્રસ્થાપિત થઈ ગયો હતો. લગભગ ચૌદ વર્ષની વયે મીરાંબાઈનું લગ્ન સિસોદિયા કુળના રાજા ભોજરાજ સાથે કરવાની તૈયારી ચાલી. માતા વીરકુંવરી ખૂબ હોંશથી દીકરીને લાલ પીળી ચુનરી ઓઢાડવાં અને હાથે મહેંદી મૂકવાં તત્પર થયેલી હતી. મીરાંબાઈએ માને કહ્યું, “મા, મેં તો સપનામાં જ જગદીશ સાથે લગ્ન કરી લીધું છે.” ત્યારે મા એની બાવરી દીકરીને કહે છે, “બેટા, સપના તો મૃગજળ  હોય છે, હકીકત નહીં.” આમ, મા-દીકરી વચ્ચે જે સંવાદ થાય છે તે નીચેનાં પદ થકી મીરાંબાઈ એ રજૂ કરેલ છે….

माई म्हनै सपने में,परण्या जगदीश
सोती को सपने आवियाजी, सुपनो विश्वबिस
माता : गैली दिखे मीरां बावली, सुपनो आल जंजाल
मीरां :माई म्हनै सपने में,परण्या गोपाल
राती पिली चुनरी ोधी मेहदी हाथ रसाल ।
काई और को बरू भावरी महा के जग जंजाल
अंग अंग हल्दी मैं करीजी, सूधे भिनज्या गात ।
माई म्हनै सपने में,परण्या दीनानाथ
छप्पन कोड जहाँ जान पधारे, दूल्हों श्री भगवान ।
सपने में तोरण बंधियोजी, सपने में आई जान
मीरां ने गिरिधर मिल्याजी , पूर्व जनम के भाग ।
सपने में म्हने पारण गयाजी, हो गयो अचल सुहाग

પછી તો મીરાંબાઈનું લગ્ન રંગે ચંગે રાજા ભોજરાજ સાથે થઈ ગયું. કન્યાવિદાય વેળાએ માતા વીરકુંવરીએ મીરાંબાઈને માસહજ શિખામણો આપી. સાસરે જઈને ત્યાં એકરૂપ થઈ જવાની શીખ આપી અને દીકરીની અંગત સંભાળ લેવાં માટે સાથે દાસી વિદુલાને સાથે રવાના કરી. આમ, અશ્રુભરી આંખે અને સંશયપૂર્ણ હૃદયે દીકરીને વિદાય કરી. કદાચ તેમની એક આંખનાં અશ્રુમાં દીકરી વિદાયની વેદના હશે તો બીજી આંખનાં અશ્રુમાં દીકરીને સામાજિક નિયમો પ્રમાણે જીવવાની ફરજ પડી તેની પીડા હશે?

મીરાંબાઈ અને તેમની માતાના આ મીઠા સંઘર્ષ વિષે લખતાં વિચાર આવ્યો કે મારી આગળની પેઢીમાં (અને કદાચ મારી પેઢીમાં પણ) માતા (કે પિતા)ને સંતાન જેવું છે તેવું જ સ્વીકારતાં ક્યારેક થોડો ખચકાટ થતો હતો. સંતાનની રુચિ અને વિચારો જો માબાપની અપેક્ષા પ્રમાણે ના હોય અને તેમના પોતાના મૌલિક હોય તો માબાપને ખુશીને બદલે ગ્લાનિની લાગણી અનુભવાતી હતી. શું એમને સામાજિક નીતિનિયમોનો ડર હતો? અને માત્ર સંતાનો જ શા માટે? કોઈપણ વ્યક્તિને તે જેવી છે તેવી જ અપનાવવામાં  તમને આનાકાની થાય તો સમજવું કે એ વ્યક્તિ સાથેના તમારા સબંધોમાં તિરાડ પાડવાની શરૂઆત થઈ ગઈ છે. તો પછી સંતાનને તો જે સ્વરૂપે છે તે સ્વરૂપે અપનાવવું જ રહ્યું. જોકે, હવે તો સામાજિક બદલાવની શરૂઆત થઈ ચૂકી છે. માતા-પિતા પોતાનાં સંતાનની મૌલિક ઓળખને, તેમની રુચિને, વિચારોને અને સંતાને પોતે લીધેલા નિર્ણયોને સહર્ષ આવકારે છે. આજનાં પુખ્ત સંતાનો પણ પોતાના વિચારોને અડગતાથી વળગી રહે છે. પોતાની જિંદગીના નિર્ણયોને જાણી-સમજીને પોતાની રીતે જ લે છે. માતાપિતાએ તો દરેક બાબતે હસીને સંમતિ આપવાની હોય છે. માતા-પિતા સમજી વિચારીને સંતાનને પાંખો આપી ઊડતાં શીખવાડે અને સંતાનો પોતાને ઊડવાનું આકાશ પોતે પસંદ કરે તો જ સંબંધોની ગરિમા જળવાઈ રહેશે.

તો ચાલો, આજે મીરાંબાઈનો તેમની માતા સાથેના સંવાદનું એક સુંદર ભજન સાંભળતાં આપણે છૂટા પડીએ.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

— અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.