ખુલ્લી બારીએથી -રમેશ પારેખ-વાચક-રશ્મિ જાગીરદાર

રમેશ પારેખ 
કવિ સુરેશ દલાલના બે જ વાક્યોમાં, “સર્જકતાથી ફાટફાટ થતો કવિ એટલે રમેશ પારેખ.ગુજરાતી નવી કવિતા પર છવાઈ ગયેલો કવિ.
આપણા સાહિત્ય પ્રત્યે આપણ સૌની એક ખાસ ફરજ છે કે, થઇ ગયેલા  કવિઓ, લેખકો, ગઝલકારો કોઈ પણ ભુલાઈ ન જાય. આપણે એમને એમના શબ્દ દેહે હંમેશા તાદ્રશ રાખીએ. આપણી ભાષા એવા કેટલાયે કવિઓને પામીને ધન્ય થઈ ગઈ છે અને એમાં પણ એક છ અક્ષર નું નામ, જે આપણી ભાષા સાથે જ, ભાષા થકી અમર થઇ ગયું, તે રમેશ પારેખ. અને  છતાં, એવું ઘણું છે જે આપણે એમના વિષે ના જાણતા હોઈએ. અધધધ કહેવાય એટલું!
રમેશ પારેખ 1970 માં પોતાનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ક્યાં’ લઈને ઉપસ્થિત થયા ત્યારે નામાંકિત કવિઓ શ્રી ઉમાશંકર જોશી, સુન્દરમ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત વિગેરેથી ગુજરાતી ભાષા ધબકતી હતી. સાથે સાથે બાળમુકુંદ દવે, પ્રિયકાન્ત મણિયાર વિગેરે પણ સાહિત્યના ફલક પાર છવાયેલા હતા. તો વળી ગઝલ લઈને ‘ઘાયલ’, ‘ગની’ , ‘બેફામ’ ‘શૂન્ય’, ‘મરીઝ’ મુશાયરાઓની શાન હતાં. જયારે લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સિતાંશુ યશશ્ચંદ્ર , શેખાદમ જેવા કવિઓ ગુજરાતી કવિતાની આબોહવા સમૂળગી બદલવા સક્રિય હતા. આ અરસામાં રમેશ પારેખના આગમન સામે મોટી ચુનોતીઓ હોવા છતાં તેઓશ્રીની કવિતામાં રહેલો આગવો આવેગ, હકીકતથી રંગાયેલો નવોન્મેષ, તાજગી અને નવીનતમ અભિવ્યક્તિ તેમના ગીત અને ગઝલને પારંપરિક પરિવેશથી દૂર કરીને નવા જ પરિમાણ અને અદકેરા રણકાર સાથે ગુજરાતી ભાષામાં અનંતનું સ્થાન અપાવી ગયા. 
રમેશ પારેખનો અવાજ એટલે નગ્ન હકીકતનો એક સચોટ રણકો, જે ધ્યાન દઈને સાંભળવો જ પડે. મનુષ્યના આંતરિક ભાવાવેગને, સંવેદનાઓને અને એના લીધે થતી ઝીણી ઝીણી હલચલને કવિએ કેટલી બારીકાઈથી કંડારી છે તે તો જુઓ! 
    ‘લાવો લાવો કાગળિયાનો દોત, સોનલદેને લખીએ રે 
    ‘કૈં ટેરવામાં તલપે કપોત, સોનલદેને લખીએ રે’ 
અહીં ‘ટેરવામાં તલપે કપોત’ માં ગુજરાતી કાવ્યની સૂક્ષ્મ સંવેદન પ્રાપ્તિની અભિવ્યક્તિ, કવિના પોતીકા અને અલગ અંદાજની ઝલક આપે છે.
રમેશ પારેખની એક ખાસિયત એ પણ છે કે પ્રણય હોય, પ્રકૃતિ હોય કે આધ્યાત્મ હોય, કે પછી, સંસ્કૃતિ-ચિંતન; એમની અભિવ્યક્તિ એ દરેક વિષયવસ્તુમાં વિદ્યુત-ગતિએ વિહાર કરે છે અને એમાંથી નીપજે છે ભાષાની વિધ-વિધ રમણા. આ કવિની કવિતાને કોઈ ઢાંચામાં ઢાળવી એટલે સૂરજને એક દાબડીમાં બંધ કરવો! 
‘વૃક્ષો પર ઢોળાતા નભના  છાંયે જંગલ જંપ્યા 
ખુલ્યા ગંધના નેણ , હવાના ઝાંઝર કંઈ જ્યાં કંપ્યા’  
ગીત-કવિતા હોય કે ગઝલ, ર.પા. જે વિષયને સ્પર્શે એને સજીવ કરવાની જડીબુટી તેમના જહનમાં હતી.
એકાદ દસકા પછી 1980 માં કવિના બે કાવ્ય સંગ્રહ ‘ખડિંગ’ અને ‘ત્વ’ પ્રગટ થયા, જેમાં પણ અનન્ય  અભિવ્યક્તિ અને લયનો જાદુઈ આવેગ અકબંધ હતો. એક ઘટના કે પ્રસંગના અંતર્જગતમાં પ્રવેશીને એની ધરોહરનો તાગ મેળવવાના પ્રયત્નમાંથી જન્મે છે, એક નવો આવિષ્કાર એક નવી દિશા તરફના મંડાણ, નવી રીતે લયના  પ્રયોજનો, કલ્પન-પ્રતિકના નિયોજનો, અને અભિવ્યક્તિની એક નાવિન્યસભર છટા!
ર. પા.ના દ્રષ્ટિકોણને છાજે તેવા એમની કવિતાઓના વિષયો પણ વિશેષ અને ક્યારેક અસામાન્ય અથવા આંચકો આપે તેવા. વળી નામ પણ કેવા! ‘ ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ’. ‘ 99 વર્ષના રાજપૂતનું ઊર્મિગીત’, ‘જન્મટીપના કેદીનું (વરસાદી) ગીત’, ’પત્તર ના ખાંડવાની પ્રાર્થના’ આ બધા અને આવા અનેક કાવ્યોમાં ર.પા. પહેલા ક્યારેય ના સાંભળ્યા હોય એવા ગીત-પરિવેશ અને લય-આંદોલનો આપે છે. 1981માં તેમનો અછાંદસ કાવ્યોનો ‘સનનન’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. છાંદસ કવિતાઓ ના સંગ્રહ ‘ખમ્મા આલા બાપુને’ (1985)’ કાવ્ય સંગ્રહમાં ખૂબ જ નજીકથી નિહાળેલા નિરીક્ષણો દ્વારા ઉપહાસમય કથાઘટકોનું  ચિત્રણ છે. જયારે ‘ મીરા સામે પાર’ (1986) માં સચોટ અનુભૂતિ વિશ્વમાંથી જન્મેલી સગુણ-નિર્ગુણની દ્વિરંગી આત્મ-અનુભૂતિ છે.
રમેશ પારેખ વિષે લખતાં લખતાં કાગળ, શાહી અને આપણી લેખનશક્તિ પણ ઓછી પડે એવું વિરાટ એમનું કાવ્ય કવન છે. તેમણે 60 વર્ષની આયુમાં 61 હાઈકુ લખ્યાં. 2002 માં ‘સ્વગત પર્વ’ એમનો છેલ્લો કાવ્ય સંગ્રહ જે એમની હયાતીમાં પ્રગટ થયો. કવિ નો મરણોત્તર અને અંતિમ સંગ્રહ હતો ‘કાળ સાચવે પગલાં’…કેટલું સચોટ નામ! ર. પા. નું ટૂંકું 6 અક્ષરનું નામ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં અનંત કાળ સુધી સચવાઈ ગયું છે. 
લગભગ ચાર દાયકાની સર્જન યાત્રા દરમિયાન તેમણે વાર્તાઓ, નિબંધો, નાટકો અને બાળ-કાવ્યો પણ રચ્યાં છે પણ એમની ગુજરાતી કવિતાનું અતિ વિશેષ સર્જન એમને ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના કવિઓ માં સ્થાન અપાવી ગયું.
ર.પા. ને ગીત જેટલી જ પ્રીતિ ગઝલ પ્રત્યે પણ હતી. તેઓશ્રી એ 1989માં  ઘાયલની ગઝલોનું સંપાદન ‘આ પડખું ફર્યો, લે’ પ્રકાશિત કર્યું. એમના સંગ્રહ ‘ખડિંગ’ની શરૂઆત જ 35 ગઝલથી થાય છે. એમના બીજા સંગ્રહ ‘વિતાન સુદ બીજ’ માં પણ 58 જેટલી ગઝલો છે. આ ગઝલો વાંચતા જ લાગે કે, કવિ સર્જકતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન છે. 1999 માં પોતાની ગઝલોની સંગ્રહ ‘ચશ્માના કાચ પર’ પ્રકાશિત થયો. તેમને સવા ત્રણસો જેટલી ગઝલો લખી છે અને એમાં પણ એમના ગીતોની જેમ જ ‘રમેશાઈ’ કે ‘રમેશ પણું’ છલકાઈ આવે છે. જુઓ!
    ‘થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
    તું એને ધાર કાઢીને પાછો ન  મોકલાવ’
     ‘બહાર ઉભા હોત તો તસ્વીરની ચર્ચા કરત 
    અમે ઉભા છીએ તસ્વીરમાં, શું બોલીએ?’ 
રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિ કે જે ગુજરાતી સાહિત્યમાં ખુદ એક ઘટનારૂપ કવિ છે તેમના વિષે લખવું ઘણી મોટી વાત છે.  
ર.પા.ની સંરચનાઓની કે વિવિધ રચનાઓ દ્વારા કરેલી સન્નિષ્ટ સાહિત્ય સેવાનું સંકલન શ્રી સંજુ વાળા, અરવિંદ ભટ્ટ અને પ્રણવ પંડ્યાએ ‘મનપાંચમના મેળા માં’ ભાગ 1 થી 3 માં કર્યું છે જે દરેક કવિતા પ્રેમી ગુજરાતીએ અવશ્ય વાંચવા યોગ્ય છે. 
રશ્મિ જાગીરદાર 

સવિશેષ પરિચય સંકલન:
શ્રી રમેશ પારેખ નો જન્મ અમરેલીમાં.૧૯૪૦ ની સાલમાં થયો.તેમના કુટુંબમાં કોઈ સાહિત્યકાર થયેલા નથી.રમેશ પારેખે ‘કાન્ત’ના કાવ્યોથી પ્રભાવિત થઇ છંદના છંદે ચડ્યા.તેમણે ૧૯૫૮ મા જીલ્લા પંચાયતમાં  નોકરી સ્વીકારી.શરૂઆતમાં તેમણે ગદ્ય વધુ લખ્યું. ઈશ્વર પેટલીકર ની નવલકથા, ‘ તરણા ઓથે ડુંગર” એક મેગેઝીન મા વાંચીને ખુબ પ્રભાવિત થયા.ને તેમણે લખવા ની ઈચ્છા જોર કરી ગઈ.તેમણે”કાળું ગુલાબ’,’ગુલાબ નો છોડ’,અને ‘પ્રેત ની દુનિયા’લખ્યું.આમ લગભગ ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી.કવિતાઓ લખતા ખરા પણ બરાબર નથી એમ લાગતા છપાવવાનું માંડી વાળતા.૧૯૬૬/૬૭ મા અનીલ જોશી અમરેલી આવ્યાં અને તેમની મિત્રતા અને લખાણ બંનેમાં ચાર ચાંદ લાગ્યા.અનીલ જોશી ની પ્રેરણાથી તેમનું નવતર ‘કાવ્ય સર્જન’ શરુ થયું અને બસ,પછી તો ‘રમેશ પારેખ ની કલમ અવિરત ચાલી.
બાળસાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમાં પણ તાજગી, નવીનતા અને સહજસિદ્ધ પ્રતિભાનાં દર્શન થાય છે,આ સાથે અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ. લોકગીતો-ભજનોને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદતાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે.તેમના ધોધમાર વરસતા સાહિત્ય સર્જનમાં વાચકો ખુબ આનંદ થી ભીંજાયા છે. 

વધુ માહિતી -https://gu.wikipedia.org/

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 10

                                                                              

ભર્તૃહરિ નીતિશતકના 24મા શ્લોકમાં કહે છે :
जयंति ते सुकृतिनो रससिद्धा: कवीश्वरा:
नास्ति  येषां यश: काये जरामरणजं भयं ।।
એટલે કે મહાન કવિઓ, જેમની કૃતિ રસપ્રચૂર હોય તેઓ હંમેશા લોકોનાં હૃદયમાં સ્થાન પામે છે. તેમના દેહવિલય બાદ પણ તેમની કીર્તિ અને યશ લોકોનાં મન અને હૃદયમાં કાયમ રહે છે. આ વાત મુનશીજીને પણ એટલી જ લાગુ પડે છે. ભલે તેઓ કવિ નથી પણ રસપ્રચુર સાહિત્યના રચયિતા છે.  આજે હું જે નવલકથાની વાત લઈને આવી છું એ ‘ગુજરાતનો નાથ’ પ્રગટ થયે લગભગ એક શતાબ્દી વીતી ગઈ. છતાં, આજે વાંચતાં એટલી જ રસપ્રદ લાગે છે. સર્જક અને સર્જન માટે તે એક બહુ મોટી સફળતા ગણી શકાય. મુનશી એવું કહે કે, નવલકથામાં બીજું કાંઈ હોય કે ન હોય પણ તેમાં રસ પડવો જોઇએ. રસ ન પડે તો એ નવલકથા નથી. ‘ગુજરાતનો  નાથ’ એવી એક ખૂબ જ રસપ્રદ નવલકથા છે. અને એટલે જ આપણે હજુ પણ તેને યાદ કરીએ છીએ.

મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસુલાત’ અને બીજી ‘પાટણની પ્રભુતા’ બંનેમાં લેખક તરીકે ઘનશ્યામ વ્યાસનું નામ હતું. ‘ગુજરાતનો નાથ’ હપ્તાવાર ‘વીસમી સદી’ ગુજરાતી સામાયિકમાં  લખાવાની શરૂઆત થઈ ત્યારે તેમાં પણ ઘનશ્યામ વ્યાસનું નામ હતું પરંતુ એપ્રિલ ૧૯૧૮થી તેમનું સાચું નામ કનૈયાલાલ મુનશી એડવોકેટ તરીકે ‘ગુજરાતનો નાથ’ છપાવવાની શરૂ થઈ. એટલે કે, મુનશીનાં સાચાં નામે પહેલી નવલકથા જે પ્રગટ થઈ તે છે ‘ગુજરાતનો નાથ.’ 1919માં આ નવલકથા પ્રગટ થઈ ત્યારે કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા દોરેલાં 40 ચિત્રો તેમાં મૂકવામાં આવેલાં. કોઈપણ ગુજરાતી નવલકથામાં આટલાં ચિત્રો મૂકવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો જોકે પાછળથી એમાંથી થોડાં ચિત્રો દૂર કરવામાં આવ્યાં. તેની કિંમત હતી, ત્રણ રૂપિયા જે એ જમાનામાં ખૂબ જ મોંઘી ગણાતી.

‘ગુજરાતનો નાથ’ જ્યારે લખાઇ ત્યારે મુનશી મુંબઈમાં એક પ્રતિષ્ઠિત વકીલ બની ચૂક્યા હતા. તેઓ તેમનાં વકીલાતનાં કામમાં ગળાડૂબ હતા. આટલી વ્યસ્તતામાં ક્યારે આ નવલકથા લખી તે વિષે શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ જે લેખ લખ્યો છે તેમાંથી આપણને તેની માહિતી મળી શકે છે. ‘વીસમી સદી’ના સંપાદક જ્યારે મુનશી પાસે નવા અંક માટે નવલકથાના હપ્તાની ઉઘરાણી કરે ત્યારે મુનશી બ્રીફકેશ બાજુમાં મૂકીને ખૂબ જ સહજતાથી લખી આપે. એ તેમની તેજસ્વીતા અને કલમનો કસબ નહિ તો બીજું શું છે? આમ તો, વાર્તા અને પાત્રોની દૃષ્ટિએ જોઈએ તો ‘પાટણની પ્રભુતા’નાં અનુસંધાનમાં ‘ગુજરાતનો નાથ’ લખાયેલી છે છતાં એક સ્વતંત્ર નવલકથા તરીકે પણ તે એટલી જ રસપ્રદ છે. સાક્ષર શિરોમણિ નરસિંહરાવની કસોટીએ ચડીને પાર ઉતરેલી છે. મુનશીની વાર્તાકાર તરીકેની પ્રતિભાશક્તિ, કલાસામર્થ્ય અન્ય વાર્તાકારો કરતાં વિલક્ષણ છે. એક લક્ષણ એવું ધ્યાન ખેંચે છે કે વાચકને વૃત્તાંતના ઓઘમાં, રસપૂર્વક, વશે કે અવશે તણાવું જ પડે છે. તેમના વૃત્તાંતનો વેગ એટલો પ્રબળ હોય છે જેમાં વૃથા વર્ણનો, અનાવશ્યક પ્રસંગો કે પાંડિત્યદર્શક અપ્રસ્તુત ચર્ચાઓને કોઈ સ્થાન જ નથી. મુનશી હંમેશા ઔચિત્ય, સંયમ, વિરલતા અને સંતુલન સાચવે છે. એ તેમનો અદભુત ગુણ છે. વાચકવર્ગ પાસે સમય પણ નથી ને નકામા અસંબદ્ધ લખાણો ખમવાની શક્તિ પણ નથી. મુનશી આ વાત સારી રીતે જાણે છે એટલું જ નહિ પણ કલાના ખરા તત્વો પણ જાણે છે.

મુનશીનો બીજો ગુણ અને કળાનું સામર્થ્ય તે છે તેમનાં પાત્રોનું લક્ષણ બાંધવાની અને વિકસાવવાની અનેરી કળા, જે મુનશીની કૃતિઓને વાચકોમાં અતિપ્રિય બનાવે છે. મુનશીનું અસાધારણ સામર્થ્ય, કલા વિધાન, માનવલક્ષણ વિશે ઊંડી અન્વેષણશક્તિ તેમની કૃતિઓને અદકેરી ઊંચાઈ અર્પી વાચકોને મુગ્ધ કરે છે.

નશી કહે છે કે, અનેક ઐતિહાસિક પ્રસંગો અને કથાઓનું સંકલન કરીને આ વાર્તા લખી છે. અને ઐતિહાસિક તત્વ બને ત્યાં સુધી તેવું ને તેવું જ રાખ્યું છે. ચાર વિભાગમાં વહેંચાયેલી આ નવલકથા શરૂ થાય છે ત્યારે જયદેવ ઉંમરલાયક થઈ ગયો છે, મીનળદેવીનું જુવાનીનું જોશ ઊતરી ગયું હતું. મુંજાલ સાથેનો તેનો પ્રેમ અને સત્તાનો સંઘર્ષ શાંત થઈ ગયો છે. પરસ્પર સમાધાન અને સમજણ નો સેતુ રચાઈ ગયો છે. જયદેવ રાજા તો બન્યો છે પણ માત્ર નામનો. સત્તાનું સૂત્ર તો મુંજાલના હાથમાં છે. આથી, ક્યારેક જયદેવ અકળાય છે. એક તરફ માળવા તો બીજી તરફ જૂનાગઢનાં આક્રમણનો ભય સતાવી રહ્યો છે. તે વખતે ભરૂચથી ત્રિભુવનપાળનો સંદેશો લઈને તેનો ખાસ માણસ કાક પાટણ આવે છે. તે પણ પાટણની રાજરમતમાં જોડાઈ જાય છે. શરૂમાં તે જયદેવના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે પણ મુંજાલના હાથે મ્હાત થયા પછી તે મુંજાલ સાથે જોડાઈ જાય છે. અને સંપૂર્ણપણે મુંજાલના પક્ષમાં ભળી જાય છે. રાજનીતિમાં પક્ષપલટો ફક્ત આજની બીના નથી, ત્યારે પણ પક્ષપલટો થતો હતો! પાટણના બે શત્રુઓ છે – કિર્તિદેવ અને ખેંગાર. કાક એ બંનેને મળે છે પણ રાજનીતિની નિર્ણાયક ઘડીમાં એ મુંજાલનું ધાર્યું કરાવી આપે છે.  કાકને જ્યારે આપણે પહેલી વાર મળીએ છીએ ત્યારે એ ત્રિભુવનપાળનો સામાન્ય સંદેશવાહક અને સાધારણ યોદ્ધો છે. જ્યારે નવલકથાના અંતમાં તો જયદેવ પણ ન જીરવી શકે તેવો પ્રતિભાવંત પુરુષ અને યોદ્ધો છે.

અહીં, પાટણને માળવા અને જૂનાગઢ તરફથી આક્રમણનો ડર છે અને એ બંને સાથે યુધ્ધ થાય પણ છે. છતાં આ નવલકથાની કેન્દ્રવર્તી ઘટના આ યુદ્ધ નહિ પણ કાક અને મંજરી વચ્ચે વિકસતો જતો પ્રેમ છે. કાક પ્રત્યેના માંજરીના હાડોહાડ તિરસ્કારથી એ શરૂ થાય છે અને મંજરીની સંપૂર્ણ શરણાગતિથી એ પૂરો થાય છે. શૌર્યની પ્રતિમા સમો કાક, સૌન્દર્ય અને સંસ્કારની સામ્રાજ્ઞી મંજરી, એકલવૃક્ષ જેવો પ્રભાવશીલ મુંજાલ, પ્રૌઢ પ્રેમની દેવી મીનળદેવી, કૂટિલ ઉદો, સ્વપ્નદૃષ્ટા કીર્તિદેવ, ગૌરવશાળી ત્રિભુવનપાળ,  રસિકા કાશ્મીરાદેવી, લાજાળ મુગ્ધા સોમ, અલૌકિક રાણક જેવાં વિવિધ રંગ ધરાવતાં યાદગાર પાત્રોની સૃષ્ટિ મુનશીએ આ નવલકથામાં રચી છે. કોઈ એક જ નવલકથામાં આટલાં બધાં યાદગાર પાત્રો હોય તેવું જવલ્લે જ જોવા મળે. મુનશીની પાત્રગૂંથણીની કળા આ નવલકથામાં સોળે કળાએ ખીલી છે તો તેના સંવાદો પણ સચોટ અને ધારદાર છે. આ નવલકથાની ભાષા અને શૈલી એટલી તો સ્વાભાવિક છે કે તેનાથી ક્યારેય રસક્ષતિ થતી નથી. ગુજરાતનો નાથ કોણ? જયદેવ? ત્રિભુવનપાળ? કાક? કે મુંજાલ? એ કોયડો મુનશી વાચક સમક્ષ મૂકે છે. એ વિષે વિશેષ વાત આવતા અંકે…

રીટા જાની

मेरे तो गिरधर गोपाल – 10 : અલ્પા શાહ

राधा का भी श्याम हैं वो मीरां का भी श्याम....

મીરાં અને રાધાનું જો અનાયાસે થઈ જાય મિલન
થાય એકબીજાની કીકીમાં માત્ર શ્યામનાં દર્શન
મીરાં કહે, આ તો મારા ગિરિધર ગોપાલ પ્રાણજીવન!
રાધા કહે, આ તો મારો કૃષ્ણ અને મારો મનમોહન!

જો રાધાજી અને મીરાંબાઈનું અનાયાસે મિલન થાય તો?  એ પરિકલ્પના ફળીભૂત થાય તો  કેવો અદભુત સંજોગ રચાય! બે મહાન વિભૂતિઓ; જેમનું સમગ્ર અસ્તિત્વ જ શ્યામને સમર્પિત હતું, બંને શ્યામનું નામ શ્વસતી હતી તે જો એકબીજાની સામે આવે તો? તો કદાચ રાધાજીનો દિવ્ય કૃષ્ણપ્રેમ અને મીરાબાઈનો સમર્પિત કૃષ્ણપ્રેમ એકબીજામાં ઓગળી જાય અને કૃષ્ણપ્રેમ રસની ધોધમાર હેલી વરસે. આ લેખમાં મારે રાધાજી અને મીરાંબાઈની સરખામણી નથી કરવી કારણ કે એ મારા માટે શક્ય જ નથી. મારી કોઈ પાત્રતા પણ નથી એ બાબતે.  શ્યામને સમર્પિત બે વિભૂતિઓ, જેમણે શ્યામને જ સર્વસ્વ માનીને પ્રેમ કર્યો હતો, તેમના કૃષ્ણપ્રેમમાં મારે બે ડગલાં ઊંડા ઊતરીને એમના મનોભાવોની ઝાંખી કરવાનો પ્રયત્ન કરવો છે. બાકી પ્રેમ એટલે પ્રેમ. અને આ તો લૌકિક પ્રેમ નહિ પણ શુદ્ધાદ્વૈત પ્રેમ. પ્રેમની કંઈ સરખામણી થોડી થાય?

બરસાનાનાં રાધાજી શ્રીકૃષ્ણ કરતાં અગિયાર મહિના મોટાં હતાં અને જન્મ પછી તેમણે પ્રથમ વખત તેમનાં કમલનયન ત્યારે જ ખોલ્યાં  જયારે લાલાનાં પ્રાગટ્ય પછી યશોદામૈયા લાલાને લઈને તેમની સખીને મળવાં ગયાં હતાં. લાલાએ રાધાજીનાં પારણામાં ડોકિયું કર્યું કારણ કે જન્મથી જ રાધાનું અંગેઅંગ શ્યામનાં દર્શન માટે તરસતું હતું. રાધાજીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હતો અલોકિક પ્રેમ. એવો પ્રેમ જેનું વર્ણન કરવા માટે શબ્દો નહિ, અંતરનો ભાવ અને સંવેદના જોઈએ. રાધાજી અને શ્રીકૃષ્ણ તો એકાકાર જ હતાં, ક્યારેય અલગ હતાં જ નહીં. કહેવાય છે કે, રાધાજીની કૃપા વગર શ્રીકૃષ્ણને પામવા અશક્ય છે. એક સંતે બહુ સરસ લખ્યું છે. ‘રાધે’નો અર્થ થાય છે ‘રાહ દે’ એટલે કૃષ્ણ સુધી પહોંચવાનો રસ્તો એટલે કે રાહ પણ રાધાજી થકી છે. રાધાજી અને શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં અલૌકિક લીલાઓ કરી પણ તેમની વચ્ચેના પ્રેમ પર કોઈ લૌકિક સબંધની મહોર નહોતી લાગી. કવિ દાદ લખે છે, ‘મલક બધાનો મૂકી મલાજો, રાધા બની વરણાગણ.’ રાધાજી શ્રીકૃષ્ણને લૌકિક રીતે પામી શક્યાં નહોતાં છતાંય તેઓ પ્રેમની પરાકાષ્ટાની મિસાલ બની ગયાં. જયારે શ્રીકૃષ્ણ વૃંદાવન છોડીને ગયા ત્યારે કાળજે કટારી મૂકીને રાધાજીએ વિરહની વેદના વચ્ચે તેમનાં શ્યામને પ્રેમભરી વિદાય આપી હતી. એ વિદાય માત્ર શ્રીકૃષ્ણની જ વિદાય ન હતી પણ રાધાજીની આત્માચેતના પણ શ્રીકૃષ્ણ સાથે ચાલી નીકળી હતી. તેમની વચ્ચેના પ્રેમ માટે તો એવું કહી શકાય કે, તેઓ એક પણ ન થઈ શક્યા અને અલગ પણ ન થઈ શક્યા. રાધાજી અને શ્રીકૃષ્ણ વચ્ચેનો પ્રેમ અને મિલન તો કદાચ વિધાતા એ એટલે જ નિર્મિત કર્યું હશે કે જેનાથી દુનિયા ને સાચો પ્રેમ કોને કહેવાય એનું ઉદાહરણ મળી રહે.

મીરાંબાઈનો ગિરિધર ગોપાલ પ્રત્યેનો પ્રેમ? મીરાંબાઈએ જે ઉત્કટતાથી ગિરિધર ગોપાલને ચાહ્યો છે એવો ઉત્કટ અને ઉત્કૃષ્ટ પ્રેમ કળિયુગમાં કદાચ કોઈએ શ્રીકૃષ્ણને નહિ કર્યો હોય. આ પ્રેમ ખાતર તેમણે જીવનમાં ઘણા બધા ઝંઝાવાતો સહન કર્યા અને અડગ રહીને અડચણો સામે શ્રીકૃષ્ણપ્રેમ ખાતર અડીખમ ઊભાં રહ્યાં. મીરાંબાઈનાં જીવનમાં શ્રીકૃષ્ણે સદેહે હાજર રહીને વૃંદાવનમાં કરી એવી લીલાઓ તો ન હતી કરી પણ મીરાંબાઈએ પોતાનાં માનસમાં શ્રીકૃષ્ણ સાથે બધી જ લીલાઓ કરી હતી. એ બધી લીલાઓને પોતાનાં પદો દ્વારા શબ્દોમાં વહાવી દીધી હતી. મીરાંબાઈને લૌકિક પતિ તો હતો પણ તેમનો પતિપ્રેમ તો માત્ર ગિરિધર ગોપાલ માટે જ સુરક્ષિત હતો. મીરાંબાઈનો પ્રેમ, સમર્પિત પ્રેમ કહી શકાય કે જેના ખાતર એ પોતે મહેલ-મહોલાત છોડીને જોગણની જેમ, એક વૈરાગનની જેમ ભટક્યાં. કવિ દાદ લખે છે, ‘ભર્યો ભાદરો મૂકી મેડતો, મીરાં બની વેરાગણ.’ મીરાંબાઈએ ક્યારેય શ્રીકૃષ્ણ પાસેથી વળતા પ્રેમની આશા રાખી નહતી. પ્રેમની આ ઉત્કટતાને સમયનું ગ્રહણ પણ નહોતું લાગ્યું. મીરાંબાઈની શ્રીકૃષ્ણ પ્રેમની ઉત્કટતા તેમનાં જીવનના અંત સુધી અકબંધ રહી અને છેવટે તેમની આત્મજ્યોતિને શ્રીકૃષ્ણ શ્રી દ્વારકાધીશ સાથે એકાકાર કરી દીધી.

રાધાજીના અને મીરાંબાઈના શ્રીકૃષ્ણ પ્રેમ વિષે વાંચ્યું ત્યારે મને થયું કે, શું અત્યારના સમયમાં આટલો સમર્પિત કે આટલો દિવ્ય વિજાતીય પ્રેમ કોઈને પણ કરવો શક્ય છે? પ્રેમ એટલે બે આત્માઓનું મિલન એ સ્વીકારવું શક્ય છે?  જ્યાં ‘મા અને બાળક’ અને ‘બે સાચા મિત્રો’  સિવાયના દુનિયાના બધા જ સંબંધો કોઈક પ્રકારની પરસ્પર અપેક્ષા પર રચાયેલા છે ત્યાં આટલો પારદર્શક, નિસ્વાર્થ અને ઉત્કૃષ્ટ પ્રેમ કોઈને કરવો એ લગભગ અસંભવ છે. મારી દૃષ્ટિએ એ એટલા માટે અસંભવ છે કે આપણે સૌ આપણું હુંપણું છોડવાં તૈયાર નથી. મીરાંબાઈ અને રાધાજી એ તો તેમના શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં સ્વની આહુતિ આપી હતી. સાચો પ્રેમ કરવાની પહેલી શરત છે કે તમારે તમારો અહં ઓગાળવો પડે, તો જ તમે સામેનાં પાત્રના આત્માની નજીક જઈ શકો….

ખેર, આપણે પામર મનુષ્યો એ દિવ્ય પ્રેમની કક્ષાએ તો નહિ પહોંચી શકીએ પણ મીરાંબાઈના સમર્પિત શ્રીકૃષ્ણ પ્રેમ અને રાધાજીના દિવ્ય કૃષ્ણપ્રેમને યાદ કરતાં કરતાં આ એક સુમધુર ગીત સાથે મારી કલમને વિરામ આપું છું.

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે,

— અલ્પા શાહ

૯ – કબીરા


                     કબીરો મારો અલગારી
એ …..જી સુનતે હો ….ઘરમેં ખાના બનાને કે લીએ અબ કુછ ભી નહીં હૈ .આપ ભજન કરને કે લીએ જિતને લોગ આતે હૈ સબકો રોટી ખાને બિઠાતે હો ,અબ કલ રોટી બનાનેકે લીએ આટા નહી હૈ…..સોક્રેટીસ,નરસિંહ જેવા ભકત કે ફિલૉસોફરની પત્નીઓની જેમ લોઈ,કબીરની પત્ની પણ કબીર સાથે તેના અવ્યવહારિક વર્તનથી અકળાઈ કબીર સાથે બૂમાબૂમ કરતી પરતું આ તો કબીરો હતો કોઈ જુદી જ માટીમાંથી તેને ભગવાને ઘડ્યો હતો. લોઈ, તેના પતિને ,તેની વાતોને ,તેના શબદને જાણતી  પણ વાતોથી પેટ થોડું ભરાય છે! કબીરાે જેટલો સંતોષધનનો માલિક હતો એવા પણ બધા થોડા હોય છે ! એટલે જ તો એ તેના
સાહેબને કહે છે
,
સાહેબ મેરે મુઝકો, લુખી રોટી દે,
ભાજી માંગત મેં ડરું,કે લુખી છીન ન લે.
કબીર તો રાતના અંધારામાં પોતાના દીકરા કમાલને લઈને કરિયાણાની દુકાને ગયા. કમાલને કહે એક બોરી લોટની તું ઉઠાવ અને એક હું ઉઠાવું. કમાલ તો બોરી ઉઠાવવા લાગ્યા ત્યાંજ કબીર કહે બેટા! ઊભો રહે હું જરા દુકાનદારને કહી દઉં કે હું આ બે બોરી લઈ જાઉં છું. કમાલ તો કબીરની વાત સમજી જ ન શક્યો. પહેલા ચોરી કરવાની વાત ન સમજ્યો અને પછી આ તો કેવો ચોર કે માલિકને કહે કે હું તારે ત્યાંથી આ માલ લઈ જાઉં છું.
હા, આ ચોરીની વાતની જેમ જ કબીરને સમજવો એટલો સહેલો નથી. કોઇ સામાન્ય વ્યક્તિ આ રીતે માલિકને કહેવા ન જાય અને જે કહીને લઇ આવે તેને ચોર ન કહેવાય. શું
કબીરને મારી અને તમારી જેમ એવો વિચાર નહી આવ્યો હોય કે દુકાનદાર તેને ચોર સમજીને તેની સાથે કોઈ અજૂગતો વહેવાર કરશે તો!!! અથવા લોકો એને મારશે
તો? 
પણ અહીં જ કબીરો બધાંથી અલગ પડે છે. તેને તો તેના દિલનું જ ,તેની પોતાની વિચારસરણીનું પ્રતિબિંબ જ દુનિયાની દરેક વ્યક્તિમાં દેખાય છે. પોતાના જેવા જ પ્રેમથી લદબદ હ્રદય તેને દરેકમાં દેખાય છે અને કબીરને જે સત્ય લાગે છે તે કોઈની પણ બીક વગર સહજતાથી અને સરળતાથી કહી દે છે. કબીરની સૌથી મોટી અદ્વિતીયતા તો એ છે કે એમણે કોઈની પાસેથી કશું ઉધાર લીધું નથી. જે કંઈ કહ્યું છે તે સ્વાનુભવમાંથી જ કહ્યું છે. એટલે એમનો માર્ગ બહુ સીધો સાદો અને સ્વચ્છ છે. જે માણસનું ચિત્ત  બાહ્ય પદાર્થોમાં આસક્ત નથી એ જ આ રીતે વિચારી શકે. નૈતિક  જીવન જીવવાના  સ્ત્રોત્રમાંથી સાંપડતો  આનંદ કબીર લે છે. સ્વાર્થ , લોભ અને લાભની વૃતિ ,અહંકાર ,રાગદ્વેષ વગરેથી મુક્ત થઈ પોતાનું  કાર્ય કરે છે. તે ચોરી પણ માત્ર પોતાને માટે નહોતો કરી રહ્યો. એને તો એના  ત્યાં ભજન કરવા આવતા તેના મહેમાનને ભૂખ્યા મોકલવા નહોતા. નવાઇ એ વાતની છે કે વેપારી તેને મારવા ને બદલે ચરણ સ્પર્શ કરે છે. જયારે ભીતરમાંથી આત્મ જ્ઞાન પ્રગટે છે,તેનો પ્રકાશ આસપાસ ફેલાતો જ હોય છે. મારાથી ચોરી ન થાય તેમ તેમનું અંત:કરણ  કહે છે કબીર જાણે છે કે અંત:કરણ શુદ્ધ હોય તો જ  આત્મશુધ્ધિના માર્ગે આગળ  ચાલી શકાય છે. માણસને માટે  પોતાની જાતને જાણીને તેમાં સ્થિર થવું અઘરામાં અઘરી સાધના છે. સ્વભાવમાં  સરળતા,સહજતા અને સત્યતા પ્રસ્થાપિત કર્યા હતા કબીરે..માટે પાછા વળ્યા હતા. જયારે જીવન શુદ્ધિ અને  સ્વભાવ શુદ્ધિમાં સ્થિરતા પ્રાપ્ત થાય ..ત્યારે જ…આત્મજ્ઞાન ઉજાગર  થાય છે નહીં તો વાણિયાએ કબીરને મારી મારીને અધમુવા કરી નાંખ્યા હોત….
હવે મુખ્ય વાત જે આજની પ્રજાને સમજાય તે વાત  કરુ તો કબીર તો એક એક વિચારધારા(કૉન્સેપ્ટ )છે. આ કૉન્સેપ્ટ એટલે એક ગર્ભાશયમાંથી વીર્ય લઈ આપણા ગર્ભમાં ધારણ કરી એને જાગૃતિ સાથે ઉછેરવું એટલે  કે કબીર વિચારધારાના બીજને લઈને આપણામાં ઉછેરવાથી આપણામાં જ કબીર જાગૃત થશે.
કબીર તમને  કોઈ યુનિવર્સિટી કે પ્રોફેસર પાસે નહી મળે તેને માટે તો તમારે ખુદને કબીર પાસે જવું પડશે કારણ કબીર સામાન્ય માણસની જેમ જ ખાતો-પીતો અને હસતો- રડતો હતો. જો તમે તેને સુપરપાવર સમજશો તો ક્યારેય કબીરને નહી પામી શકો. કબીરે જે સત્ય જોયું ,જે અનુભવ્યું તે કહેવામાં કંઈ સમાધાન ન કર્યું. એનો અર્થ એ કે તેમણે પોતાના મન ,બુદ્ધિ અને વાસના સ્થિર કર્યા ,શુદ્ધ કર્યા અને સાત્વિક કર્યા એટલે પછી અંદરથી  ઉજાગર થયા .એટલું સમજી લેવું જરૂરી છે કે ધર્મ અને અધર્મથી  તથા સ્થૂળ અને કાળની સાપેક્ષતાથી  પર જ સાચું જીવન છે, મુક્તિ છે , તે કદી પણ  જ્ઞાન અને પરમ સુખની  માણસની ખોજની મર્યાદા બની શકે જ નહી, જો જીવન શુદ્ધ હોય તો જ આત્મ શુધ્ધિના માર્ગે આગળ  ચાલી શકાય છે એની કોઇ થિયરી નથી..કબીરને આપણે શબ્દોમાં ,ભાષામાં શોધી રહ્યા
છીએ પણ કબીરે તો ભાષાનો ચોલો પહેર્યો જ નથી.
 
દરેક માણસમાં કબીર જીવી રહ્યો છે.પણ તેને ઢંઢોળીને જાગૃત કરવાની જરુર છે. આપણી અંદર રહેલા કબીરને જાગૃત કરવા આપણે આત્મમંથન કરી અંતઃકરણને શુધ્ધ કરવું પડશે. આપણે આપણા જીવનમાં અંતરાત્માને પૂછીને જે સત્ય હોય ,જે સહજ હોય, જે કરતા આપણો અંતરાત્મા ડંખતો ન હોય તે શુધ્ધ અંત:કરણની વાત સાંભળીને  દરેક કામ કરીશું અને તે પ્રમાણે જીવન જીવીશું તો કબીરની વિચારધારા આપણો માર્ગ બનશે.
આપણે કબીરાને સાચા અર્થમાં સમજ્વાની  જરૂર માત્ર છે.જે દિવસે આપણે પણ કબીરની જેમ સત્યને સ્વીકારવા નિર્ભીક બની જઈશું ત્યારે આપણા અંતરનો કબીર જાગૃત થઈ જશે. આપણે પણ કોઈ ખોટું કામ કરતાં આપણા માંહ્યલાને પૂછીશું અને તે ના પાડશે તો નિર્ભયતાપૂર્વક સત્યને સ્વીકારીશું. જે દિવસે સત્યને સ્વીકારીશું તે દિવસે આપણો બેડો પાર સમજો!!!! આપણે પણ કબીરને જીવતા શીખી જઈશું.             
ચાલો સાથે મળીને આજથી જ કબીરને અંતરમાં ઉતારી તેની જેમ સત્ય અને સહજતાનાં નિર્ભય રસ્તે
ચાલી કબીર બનવાની કોશિશ તો કરીએ.
જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ-૧૦) લોકસાહિત્યની ખોજમાં !

લોકસાહિત્યની ખોજમાં !
“ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ; ચાંદો ઉગ્યો ચોકમાં!
એ લે’રીડા! હરણ્યું આથમી રે , હાલાર શે’રમાં , અરજણિયા !”
ઝવેરચંદ મેઘાણીનો આ પ્રચલિત ગરબો હાલાર શે’ર એટલેકે જામનગર વિસ્તારના કોઈ ખોરડાને જીવંત કરતો , અમારો પણ પ્રિય ગરબો રહ્યો છે. કોઈ વ્રત વરતોલાંની જાગરણની રાતે વહુ દીકરીયુંને મોઢેં આ અને આવાં કંઈક ગરબાઓ સાંભળ્યાં છે અને ગાયાં પણ છે ; પણ , આવાં સુંદર ગીતો શોધવા માટે એમને કેટલી મહેનત પડી હતી એનો વિચાર ક્યારેય આવ્યો નહોતો !
આ લેખમાળા લખવા માટે જે રિસર્ચ, જે સંશોધન કામ કર્યું એને કારણે લોકસાહિત્ય માટેનો આખ્ખો અભિગમ બદલાઈ ગયો :કેટલી મહેનત ,કેટલા પરિશ્રમના પરસેવા બાદ આ લોકસાહિત્ય આપણને હાથ લાગ્યું છે !

સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર ડો. બળવંત જાની ‘ ગુજરાતનું ભારતને પ્રદાન:મેઘાણીનું ભ્રમણવૃતાંન્ત’ માં લખે છે તેમ : કેટલાં કષ્ટ વેઠીને એમણે આ બધું ક્ષેત્રીયકાર્ય કર્યું ! મેઘાણીના પ્રવાસ પુસ્તકો ‘સોરઠને તીરે તીરે’; ‘પરકમ્મા’(ત્રણ ભાગ )‘ અને ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ વગેરે લોકસાહિત્ય સંશોધન વિવેચન ગ્રંથોમાંથી એનો આછો ખ્યાલ આવે છે.
પોતાની જૂની નોંધો અને ડાયરીઓનાં પાનાં જે એમણે લોકસાહિત્યમાં ના લીધા હોય એ બધી નોંધને આધારે સમજાય કે આ બધું કેટલું અઘરું ,રઝળપાટનુ કામ હતું ! શનિ રવિ ટ્રંકમાં બધી ચીજ વસ્તુઓ ભરીને વીકેન્ડમાં ઓઉટિંગ કરીને, રખડીને રવિવારે સાંજે ઘેર પધારવા જેવું સરળ કામ નહોતું !
ઝ.મે. એ લખ્યું છે , (હું )પત્રકારત્વનો ધંધાર્થી! એટલે એ ખીલે બંધાઈને ,ગળે રસ્સી સાથે જેટલા કુંડાળા સુધી ભમવા દીધો તેટલો પ્રદેશ ખેડી શકાયો. એકધારું ,અવિચ્છન એ ખેડાણ થઇ શક્યું હોત તો વધુ વાવેતર થઇ શક્યું હોત!
કેટલી તીવ્ર ઈચ્છા હતી એમની લોકસાહિત્યનો ખજાનો ખોળવાની અને સુજ્ઞ સમાજને એની પિછાણ કરાવવાની !
એક જગ્યાએ એમણે કોઈ જૂની નોંધ જોઈને પોતે જ લખ્યું છે : પેન્સિલનો વેગ અને અક્ષરોના મરોડ પરથી લાગે છે કે મેં એ બધું દોડતી ટ્રેનમાં જ ટપકાવ્યું હશે . પ્રવાસે તો દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં ચઢી જતો … અને પછી એમણે પેન્સિલથી નોંધ કરી છે :

એવું એક પરોઢ, ચાર વાગ્યાનો સમય સાંભરી આવે છે. અંધારિયું હતું. સ્ટેશને ઉભો હતો. ગાડી આવી . અને ઘેરથી પાછળથી સ્વ….. દોડતી આવી .
“ આ લ્યો ઘડિયાળ ! ઘેર ભૂલીને આવ્યા છો !”
પૂછ્યું , ‘અરે , આ ભયાનક અંધકારમાં તું છેક ઘેરથી આવી શી રીતે?’
કહે , ‘ચાલતી આવી , થોડું દોડતી આવી .’
રાણપુરનો ઘરથી સ્ટેશન સુધીનો મારગ ,તે વેળાએ તો આજે ( ૧૯૪૦ /૪૪ વેળાએ ) છે તેથી ય ભેંકાર હતો.
એ દિવસે હું ફાળ ખાતો ગાડીએ ચઢ્યો હતો. ..તાજી પરણેતર , મુંબઈ શહેરની સુકુમારી ,એક નાનકડું બાળક ,બન્નેને ફફડતાં મૂકીને ,નીરસ ધૂળિયા વાતાવરણમાં ધકેલી દઈને , દર અઠવાડીએ ચાલી નીકળતો !’ આ પ્રસંગ વાંચતાં એ નવયુવાન ઝવેરચંદ મેઘાણીની મનઃસ્થિતિનો પૂરો ચિતાર આપણી સમક્ષ ઉપસી આવે છે!
આજના સંદર્ભમાં , અમેરિકામાં કોઈ ધ્યેય માટે ડબ્બલ જોબ કરી કુટુંબ જીવનનો ભોગ આપી મચી પડતા નવયુવાનની જ દાસ્તાન છે ને? પણ ફરક માત્ર એટલોજ છે કે મેઘાણી આ કામ સુજ્ઞ સમાજ માટે , નિઃશ્વાર્થ ભાવે , ઘરનું ગોપીચંદુ કરીને કરતા હતા ! એક ધ્યેય જે એમણે પગ વાળીને બેસવાયે દેતું નહોતું .
પ્રો. બળવંત જાની લખે છે કે આ પ્રસંગ ઉપરથી પત્ની દમયંતીબેનનો સમર્પણ ભાવ દ્રષ્ટિગોચર થાય છે , તો સાથે , પૈસા ,પત્ની , આરામ એ બધાંથી મેઘાણી કેટલા છેટા રહ્યા હશે ( કેટલો ભોગ આપવો પડ્યો હશે ) તેનો અંદાજ આવે છે .
અને આવું લોકસાહિત્ય મેળવવાનો ભેખ લીધો હતો એનું એક પ્રસંગ વર્ણન શ્રી નરોત્તમ પલાણના એક લેખમાંથી મળ્યું ; જે પ્રિય વાચક મિત્રો અહીં રજૂ કરું છું.

‘રઢિયાળી રાત’ (ચાર ભાગ) જેમાં સ્ત્રીઓનાં જ લોકગીતોનો સંગ્રહ કર્યો છે તેમનું એક પુસ્તક ‘બગવદરનાં મેરાણીબેન ઢેલી’ ને અર્પણ કર્યું છે. એક સામાન્ય સ્ત્રીને શા માટે ? વાત જાણવા પોતે એમણે મળવા રૂબરૂમાં ગયા .

‘મને ગીતો બહુ યાદ છે એવું કોઈએ કહેલું’ વાત ડાહ્યાં જાજ્વલ્યમાન મેરાણીએ વાત માંડતાં કહ્યું;
ધોળા લૂગડાં લૂગડાં પે’રેલા , મોટી આંખો નીચી ઢાળીને મારે આંગણે આવીને ઈ ઉભા. ઓટલીએ ગોદડું પાથરીને બેસાડવા ગઈ અને હું હેઠે બેસવા જાઉં ત્યાં ‘ હં હં હં .. તમેય અહીં બેસો નકર હુંયે નીચે બેસું’ કહી મનેય ઉપર બેસાડી .
ઈ પોતે એક લીટી – અર્ધી લીટી બોલે ને હું ગીત પૂરું કરું ! ઈ એ બધુંયે નીચી મુંડકી રાખીને ટપકાવ્યે જાય .. હું ગીત યાદ કરવા રાગડા તાણીને ગાઉં… આજુબાજુનું લોકય ભેગું થયું .. એય છેક બપોર સુધી ગાયું.
રોંઢા ટાણું થયું ,પછી રોટલા ઘડ્યા. અમારા ગાર્યવાળા ઘરમાં ( છાણ માટીથી લીંપેલ ઘરમાં) મને એમના લૂગડાં બગડે એનો ભે હતો તોયે નીચે બેસીને ખાધું… ત્યાં આખું ગામ ઓસરીમાં ભેળું થયું..
ત્યારે ઝવેરચં મેઘાણીએ દૂધમાં સાંકર ભળે તેમ ભળી જઈને એ તળપદી શૈલીમાં એ લોકોને એમનાં જ ગીતો સંભળાવ્યાં!
શા માટે ?
એક માહોલ ઉભો કરવા ! મારા અનુસ્નાતક કક્ષાના પ્રોફેસર સ્વર્ગસ્થ અનિરિદ્ધ ભ્રહ્મભટ્ટએ કહ્યું છે તેમ : મેઘાણી લોકજીવન અને લોકસંસ્કૃતિ સાથે તાદામ્ય સાધી શક્યા ( જે બીજા સાહિત્યકારો માટે શક્ય જ નહોતું .. એ પ્રવાહમાં વહેવા છતાં , એને પીતાં પીતાંયે ભદ્ર સમાજ તાદાત્મ્ય સાધી શક્યો નથી ) મેઘાણી તો એ લોકોમય જ બની જતા હતા !
‘ પછી તો રોંઢો ઢળ્યા સુધી ગીતો ચાલ્યાં. રોણાં અને જોણાંને તેડું થોડું હોય ? ગામ આખું ભેગું થીયું.
ગામની બધી બાયું ઉભી થઇ ને રાસડા લીધા …
શેરી વળાવી સજ કરું ઘેરે આવોને
આંગણીયે વેરું ફૂલ , વાલમ ઘેરે આવોને !
પોતે તો હસીને ઢગલો થઇ ગયા અને બધું કાગળિયામાં ટપકાવ્યે જાય ..
અંધારું થયા લગી રાસડા હાલ્યા !
વાળું કરીને પાછાં ભેળાં થયાં… મધરાત સુધી હાલ્યું. વળી થોડાં ગીત સવારે પણ મેં ગાયાં…
‘આજની ઘડી છે રળિયામણી !
મારો વા’લો આવ્યાની વધામણી જી રે !
વધામણી જી રે ! આજની ઘડી છે રળિયામણી !’
મેરાણીબેને આ આખા પ્રસંગનો સુંદર ચિતાર આપ્યો છે . મેઘાણીનો ઉત્સાહ અને હાડમારી બધું જ આ એક પ્રસંગ કહી દે છે.
‘ સવારમાં શિરામણ કરીને ગાડું જોડ્યું , એમને આગળ બખરલા જવાનું હતું.
પણ મેઘાણી ગાડામાં ના બેઠા , કહે એક જીવ તાણે અને બીજા જીવથી એમ અમથું અમથું નો બેસાય ! સંધાયની આંખમાં પાણી આવી ગયાં..
ઢેલી આઈનો આ પ્રસંગ વાંચતાં આપણને પણ વિચાર આવે કે આમ તો સાહિત્યકાર એટલે ઘરકૂકડી ! ઘરનાં ખૂણામાં બેસીને થોથાંઓ ફમ્ફોળતાં સાહિત્ય સર્જે ! પણ આ સર્જક કોઈ અજબ માટીનો ઘડાયો હતો !
મેઘાણીનો આ ગરબો જાણે કે એમને જ પ્રગટ કરે છે:
‘ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ ઝાંપે તારી ઝૂંપડી,
એ લે’રીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યોરે અરજણિયા !
એ લે’રીડા! હરણ્યું આથમી રે , હાલાર શે’રમાં , અરજણિયા !”
તમે પૂછશો કે સુંદર ઢાળનાં ગરબા ગાઈએ તો છીએ , પણ આ શબ્દો સમજાય તેવા નથી !
તો આ અને આવાં લોકગીતોનો રસાસ્વાદ આવતે અંકે!

૧૦ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

હમણાં જ ગઈ હોળી અને આપણે દેવરિયાના સંગ હોળી ખેલંત ભાભીના મસ્તીભર્યા સંબંધોને સ્મર્યા. આ દિયર-ભાભીનો સંબંધ જ એવો મીઠો છે. નવપરણીતા સાસરીમાં જો કોઈની સાથે એકદમ સરળતાથી સ્નેહે ગંઠાઈ જાય તો એમાં સૌથી પહેલો તો દેવરિયો જ આવે. ભર્યાંભર્યાં સાસરામાં દેવરિયા સાથેના હેતાળ સ્નેહનું કારણ વિચારતાં, જરા ફરી એકવાર સમજવા પ્રયાસ કરતાં, આ નિર્દોષ સંબંધમાં મને તો મૂળે એનો તાંતણો પિયરની વાટ સુધી લંબાયેલો દેખાયો.

સમગ્ર સંસારમાં કોઈપણ નાનકડી બાળકીને સૌથી વહાલો એનો ભઈલો જ હોવાનો ને ભાઈને પણ એની બહેન લાડકી જ હોવાની અને એ એમનું વ્હાલ હંમેશ માટે એવું જ અકબંધ રહેવાનું. સંસારમાં ભાઈ-ભાઈને ક્યારેક લડતાં-ઝગડતાં કે કોઈ કારણસર છૂટા પડતા જોયા હશે પણ ભાઈ-બહેનના પ્રેમમાં સહેજ અમસ્તી તિરાડ ભાગ્યેજ શોધી મળશે.

પરણીને સાસરે ગયેલી કન્યા એટલે જ દિયરમાં પોતાના ભાઈનું સ્વરૂપ શોધતી કે જોતી હશે અને એટલે જ એ બહુ જ સ્વભાવિકતાથી આ નવા સંબંધ સાથે જોડાઈ જતી હશે.

ભાઈ માટેનું મમત્વ તો એટલી હદે એનાં હ્રદયના કણેકણમાં સ્થાયી હોય છે કે જ્યારે એ મા બને ત્યારે પણ એક મા તરીકે એ એના દિકરામાં એના ભાઈની જ છબી શોધે અને જો સહેજ અમસ્તો અણસાર પણ મળતો આવશે ને તો તો એ રાજીના રેડ… અને આ હકિકત તો નજરે જોયેલી અને એકવાર નહીં અનેકવાર અનુભવેલી છે.

ભાઈ બહેનના સંબંધને ઘણા બધા કવિ, ગીતકારોએ શબ્દોથી ઉજાળ્યો છે. ભાઈ-બહેનના લાડને કવિઓએ, ગીતકારોએ પણ લાડેકોડે સજાવ્યો છે. અવિનાશ વ્યાસે તો સવારનાં પ્રભાતિયાથી માંડીને બાળકને સુવાડવાનાં હારલડાં સુધીનાં ગીતોની રચના કરી છે તો એમની રચનામાં ભાઈ-બહેનનું હેત તો હોવાનું જ… આજે એમનું એવું જ, કોઈપણ ભાઇ-બહેનને ગમી જાય એવું અને હંમેશ ગમતું રહેવાનું છે એવું ગીત યાદ આવ્યું. જો કે એમાં યાદ કરવાની પણ કોઈવાત નથી કારણકે એ તો સદાય સ્મરણમાં ગુંજતું ગીત….બરાબર ને?

કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી,

ભાઈની બેની લાડકી ને ભઈલો ઝૂલાવે ડાળખી

હવે તો ક્યાં આ લીંબડી ને ક્યાં પીપળી રહી છે કે એની પર બેસાડીને ભઈલો એની બહેનીને ઝુલાવશે? તેમ છતાં આજે પણ આ ગીત સાંભળીએ તો એ જ લીંબડી કે પીપળી નજર સામે તરી આવે. એની પર ઝૂલતી બેનને હળવેથી ઝૂલાવતો ભઈલોય નજર સામે તરી આવે. કારણ માત્ર એટલું જ કે, અહીં માત્ર ભાઈ કે બહેન જ નથી પણ અવિનાશ વ્યાસના શબ્દોથી જાણે આખું વાતાવરણ આપણી આસપાસ છે એવી લાગણી થઈ આવે છે. આ એ સમયની રચના છે જ્યારે આપણી આસપાસ કુદરતનું સામ્રાજ્ય હતું. મને આજે પણ યાદ છે, ઉનાળાની બપોરે પણ અમારાં ઘરની બહારનાં ઘટાટોપ ઝાડની નીચે ટાઢકનો અનુભવ થતો. રસ્તે જતાં  સરસડા પરથી ખરેલા, વેરાયેલા પીળા રંગના મુલાયમ શિરીષના ફૂલ જોવાં મળતાં. બાકી, આજે આ સિમેન્ટ-કોંક્રીટનાં નગરની બહાર જઈએ ત્યારે માંડ પવનની હળવી થપાટે ઝૂલતાં ઝાડ નજરે પડે.

જોકે, અહીં ભાઈ-બહેનનાં વ્હાલની સાથે પ્રકૃતિ-પંખીઓ સાથેનો તંતુ જોડ્યો છે ત્યારે મને એવું સમજાય છે કે એ સમયનો માનવી સૌને સ્વીકારવાની ઉદારવૃત્તિ ધરાવતો હતો. આપણા આનંદમાં સૌને ભાગીદાર બનવાં વ્હાલથી નિમંત્રતો. સુખને એ વહેંચીને આનંદતો હશે.

મારી બેની તો હીંચકે હીંચે છે પણ સાથે ઓ પંખીડા! ઓરા આવો, અને એ ઝૂલતી ડાળીઓ પર બેસી તમે પણ ઝૂલો. એ ઝૂલો ઊંચકાય અને પવનનો મીઠો વીંઝણો પણ વાય, વળી એની સાથે કોયલનો ટહુકો અને મોરલાનો કેકારવ પણ ભળે ને એ બેની તો જાણે આભને આંબે! ભાઈ અને બહેનના સંબંધની જેમ જ પંખી અને વૃક્ષનો સંબંધ જાણે સાવ સનાતની. એ બંને એકમેક વગર સાવ અધૂરાં. લીંબડીની ડાળીએ ઝૂલતી એ બહેન જ્યારે ડોલીમાં બેસીને વિદાય લેશે ત્યારે એ વિદાયની ક્ષણો કેવી કપરી હશે એની તો એ સમયે ક્યાંથી કલ્પના હોય? એને બસ આજની ક્ષણ માણી લેવી છે, મહાલી લેવી છે. આ સંબંધમાં જેટલી મીઠાશ અને કુમાશ છે એટલી તો ભાગ્યેજ કોઈ સંબંધમાં હશે.

આસમાન તરફ ગતિ કરતાં ઝૂલા પર બેઠેલી બેનને જોઈને હરખાતા ભાઈનાં મનમાં બેન હંમેશા સુખને ઝૂલે એવી ઊંડી આશા હશે. એનો સંસાર સ્વર્ગ સમો હશે અને એ સુખી સંસારના ઝૂલે હંમેશા ઝૂલતી રહેશે એવી ભાવના હ્રદયમાં ભારોભાર હશે. અને પછી બેની મોટી થઈ સાસરે જતી વેળા ભાઈને ઘર, માતા-પિતાને સાચવવાની ભલામણ કરે છે ત્યારે જે હૃદયયંગમ દૃશ્ય સર્જાય છે એનાથી ભાગ્યેજ કોઈની આંખ કોરી રહી જતી હશે.

ભાઈ-બહેનના આવા સનાતની સંબંધને કેટલી મઝાથી અહીં આલેખ્યો છે!

આજ હીંચોડું બેનડી, તારાં હેત કહ્યાં ના જાય

મીઠડો વાયુ આજ બેની, તારા હીંચકે બેસી ગાય

આ ગીત આજ સુધી અનેક ગાયકોએ ગાયું છે અને દરેકના રણકામાં જાણે આ ભાઈ-બેનીનાં હેત ભળ્યાં પણ ગીતના શબ્દોમાં જે મીઠાશ, ભાઈ બહેનનો સ્નેહ રેલાયો છે એ અવિનાશ વ્યાસના શબ્દોની તાકાત છે.

આ ગીતની સાથે સંકળાયેલી ગાયિકા ફોરમ દેસાઈની હમણાં જ વાંચેલી વાત પણ યાદ આવી. આ ગીત વિશે એ વાત કરતાં કહે છે, ‘ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ માટે આશિત દેસાઈ સાથે એને ગાવાનું હતું ત્યારે પ્રથમ તો એક નવી નાનકડી છોકરીને, એક સાવ અજાણ્યા નવા અવાજને તક આપવાં અવિનાશ વ્યાસ તૈયાર નહોતા પરંતુ એકવાર અવાજ સાંભળ્યા પછી તો એ મૂળ ગીત રેકોર્ડ થઈ ગયા પછી બીજું એક કરૂણ ગીત પણ ફોરમ પાસે ગવડાવ્યું. આગળ વાત કરતાં એ કહે છે કે અત્યંત કરૂણતા અને વેદના દર્શાવતી એ પંક્તિઓમાં અવિનાશ વ્યાસે એને વચ્ચે એકાદ ડૂસકું લેવાનું કહ્યું હતું પણ ગીતના ભાવમાં વહી ગયેલી ફોરમથી વચ્ચે બે-ત્રણ વાર ડૂસકાં લેવાઈ ગયાં. જ્યારે રેકોર્ડિંગ રૂમમાંથી એ બહાર આવી ત્યારે સૌ મ્યૂઝિશિયનની સાથે અવિનાશભાઈ, ગૌરાંગભાઈ પણ રડતા હતા. એનાં કહેવાં પ્રમાણે આ એનું પ્રથમ ગીત ચિરસ્મરણીય બની રહ્યું છે. આવાં તો અનેક ચિરસ્મરણીય ગીતોની આપણે આગળ વાત કરીશું.


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com


બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 08 : નયનાબેન પટેલ

મિત્રો, આજની વાર્તા પ્રસ્તુત છે; ડૂસકાંની દીવાલ

ખુલ્લી બારીએથી -રાજેશ વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા

Image result for રાજેશ વ્યાસ મિસ્કીન
રાજેશ વ્યાસ
           લખવું અને જીવવું બે અલગ વાત છે. આ શાયર કહે છે કે તે તેમના ઉપનામ .”મિસ્કીન” થી વધુ ઓળખાય છે .”મિસ્કીન” નો અર્થ ગરીબ માણસ થાય છે. શ્રી વ્યાસે ગઝલ, ગીત, બાળકાવ્યો, બાળવાર્તા, ચિંતનાત્મક લેખ, વાર્તા, ગઝલ વિષયક સંશોધન લેખ જેવા સાહિત્યપ્રકારો ખેડ્યાં છે.તેમણે ગુજરાતી ગઝલો અને તેના છંદ વિજ્ઞાન પર સંશોધન કર્યું છે, તે ગરીબ કઈ રીતે હોય શકે ? જાણીતા શાયર જલનમાતરીએ મિસ્કીનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન કહેવાય. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને ‘મિસ્કીન’નો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘મિસ્કીન’ એટલે ખૂણો અને ‘મિસ્કિન’ એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી કરનારો ઓલીયો ફકીર.કેટલા લઘુતમ ભાવ સાથે આ કવિ લખે છે તે જુઓ નહી તો માણસ નામ માટે વલખા મારતા હોય છે.
                   કોઈ પણ લેખક કે કવિ અથવા સાહિત્યકાર તેમના સર્જન થકી ઓળખાતા હોય છે. રાજેશ વ્યાસ ની એક રચના મને ઘણી સ્પર્શી ગઈ.વાંચતા વાંચતા હું ગઝલ સાથે વહેવા લાગી….સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં મને અજવાળું દેખાયું.
              “તારા નામના અજવાળા” 
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું”
                 “ત્યજીને પામવાની વાત” એવી સરળ રીતે રજુ કરી છે કે હું તો પુસ્તકો અને ગુગલમાં આ કવિને શોધવા માંડી.કોણ છે આનો સર્જક ? કેવી અદભુત તાકાત હોય છે વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની ! મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઊંડા તત્વચિંતક મને વધારે લાગે છે. ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી ઉતરી આવેલો અલૌકિક સંકેત.પછી તો તેમની અનેક રચના મેં વાંચી અને શબ્દો દ્વારા રચાતા ભાવવિશ્વમાં મને એમની સચ્ચાઇ અને અચ્છાઇના પડઘા દેખાણા,એમને જાણવાની ઉત્સુકતાએ મેં એમની youtube પણ જોઈ,આધ્યાત્મિક પ્રભાવનો પડછાયો એમની ગઝલોમાં અને વાતોમાં સાફ નીતરતો તમને પણ દેખાશે જ.એમની ગઝલમાં અશબ્દ અનુભૂતિનો એક નોખો સ્પર્શ આપણને સતત વાંચવા ખેંચે છે.ક્યાંક ક્યાંક એમાં છુપાયેલા ઈશ્વરના હસ્તાક્ષરના અણસાર આવે. .
                રાજેશ વ્યાસ મુખ્ય તો ગઝલકાર તે ઉપરાંત કવિ, વિવેચક, કટાર લેખક,સંપાદક, એ સિવાય નવનીત સમપર્ણ ,ગુજરાત સમાચાર,અને જનકલ્યાણ જેવા સામયિકોમાં નિયમિત રીતે લખે છે.રાજેશ વ્યાસ જન્મ : ૧૬-૧૦-૧૯૫૫ .”મિસ્કીન”આપમેળે અને આપબળે ગુલમહોરના વૃક્ષની જેમ મ્હોર્યા એના કાવ્યસંગ્રહમાં -પોતે લખ્યું છે કે :“પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.. મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ છે.તેમની ૧૯૦૦ થી આરંભાયેલી તેમની ગઝલયાત્રા અવિરત પણે નવીન રૂપ ધારણ કરતી રહી છે. તેનું ઉતમ ઉદાહરણ ૨૦૦૦ માં પ્રગટ થયેલ આ ગઝલસંગ્રહ છે.
                  એમની ‘આભાર માન’ ગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન બાદ ઓડીટોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્યાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું ? તમે કોઈની રાહ જૂઓ છો ?’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું…’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કીનની કલમે ‘આભાર માન…’ ગઝલ સરી પડી.

“કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા

શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન

કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,

ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન”

                રાજેશ વ્યાસે અનેક મુશાયરાનું સફળ સંચાલન કર્યું છે પણ “મિસ્કીન”ની ગઝલ કેવળ મુશાયરાની ચીજ નથી કે નથી માત્ર મનોરંજન,એમને સંભાળવા એક લ્હાવો છે.શ્રોતાઓને એમની ગઝલનું મુલ્ય છે.કવિ વાંચે છે ત્યારે પણ સ્વમાં ઠરીઠામ હોય એવો અનુભવ થાય છે.એમની ગઝલમાં ગહનતા છે પણ સઘન અનુભૂતિનો અહેસાસ પણ વર્તાય છે.આપણે ત્યાં એવું મનાતું કે કવિ દુઃખી જ હોય અને એમના દુઃખમાંથી જ કવિતા સર્જાય પણ આજના આ નવા કવિ એ આ નદીની જેમ હવા તટ પર તટસ્થ રહીને ઈશ્વરને અનુભવ થકી જાણ્યો છે.ક્યારેક પોતાને જ પડકાર કરીને જવાબ મેળવે છે તો ક્યારેક પ્રશ્ન કરીને ઉત્તર જાણી લે છે.કવિની પરિપક્વતા એની સરળ ભાષામાં છતી થાય છે.ક્યાય ભક્તિવેડામાં પડ્યા વિના એમના શબ્દો આંતરિક ભક્તિના પર્યાય છે.
અને એટલે જ કહે-
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,”

મને એમની ઓળખ એમની  ગઝલો થકી જ છે.આખી વાતનું મૂળ છે કે રાજેશ વ્યાસને એમની ગઝલો થકી જ જાણું છું માણું છું અને સમજુ છું એ રીતે આખી વાત લખી છે બાકી એમને પ્રત્યક્ષ વાંચવાનો અને સંભાળવાનો લહાવો જ નોખો છે.

-પ્રજ્ઞા દાદભાવાળા
વિશેષ પરિચય સંકલન- રાજેશ વ્યાસનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જટાશંકર અને વિજ્યાબેનને ત્યાં થયો હતો. તેમણે અમદાવાદની શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે મેટ્રિક શારદાગ્રામ, માંગરોળમાંથી પસાર કર્યું. ૧૯૭૮માં માનસશાસ્ત્ર અને ૧૯૮૧માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને ૧૯૮૩માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ૧૯૮૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો
૨૦૦૫માં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર,
૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર,
૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક “છોડીને આવ” તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક “લલિતસહશસ્ત્ર” નામ ને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૧માં અને ૨૦૧૨માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.

જેમની કવિતા સાંભળીને શ્રોતાઓ ઝૂમી ઊઠે છે, એવા ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીનની જાણીતી રચનાઓ અહી સાંભળો…. 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 09

ગુજરાત હંમેશા વ્યક્તિવિશેષથી સભર રહ્યું છે. વ્યક્તિવિશેષ પણ કેવી વિશિષ્ટ! પછી તે મૂળરાજ સોલંકી હોય કે જેણે ગુજરાતનો પાયો નાખ્યો કે પછી મહાત્મા ગાંધી હોય. ગુજરાતની ભૂમિની તાસીર છે કે અહીં એવા રાજકારણીઓ, મુત્સદ્દીઓએ જન્મ લીધો છે જેનો સમાજજીવન, પ્રજાજીવન અને ઈતિહાસ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. આવી વ્યક્તિવિશેષનો પ્રભાવ અને વર્ચસ્વ આત્મસાત કરીને લોકોએ કઈંક નવું પ્રાપ્ત કર્યું છે. એની વાત મારે આજે કરવી  છે. આ વાતનું મહત્વ એ સમયે તો હતું જ પણ આજે પણ એટલું જ  છે. ગુજરાતની ગરિમાનું ગાન પાટણની પ્રભુતાનાં પદ વિના અધૂરું છે.

સરસ્વતી નદીના કિનારે વસેલ અને ગુજરાતના સ્વર્ણિમ યુગનું સાક્ષી પાટણ, ગુજરાતને ગુજરાત નામ મળ્યું તે પછી લગભગ છસો પચાસ વર્ષ સુધી પાટનગર રહ્યું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર – પાટણ એક કાળે વિસ્તાર અને વાણિજ્યમાં, શોભા અને સમૃદ્ધિમાં, વૈભવ, વીરતા અને વિદ્યામાં અગ્રેસર હતું. 2014માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું. આવું પાટણ કનૈયાલાલ મુનશીની વિખ્યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ અને જય સોમનાથ નવલકથાઓનાં કેન્દ્રમાં છે.

આ એ નવલકથા છે, જેની અનેક આવૃત્તિઓ થઈ ગઈ છે. આ એ નવલકથા છે, જે ઐતિહાસિક નવલકથાઓમાં ફક્ત તેની લોકપ્રિયતાને કારણે જ નહિ પરંતુ તેની અનેકવિધ ગુણવત્તાના લીધે સર્વોત્તમ પુરવાર થઈ છે. આ એ નવલકથા છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રની શાળા-કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતી રહી છે.

તેના પાત્રો સોલંકી યુગનાં વંશજો છે. રાજા કર્ણદેવ અને મીનળ રાજ ચલાવી રહ્યા છે. દેવપ્રસાદ જે પોતાના જ કુળનો છે તેને દૂર કરી દીધો છે. એટલું જ નહિ પણ, રાજખટપટના ભાગરૂપે તેની પત્ની હંસાથી છૂટો પડી દીધો છે. તેને સત્તાથી બાકાત કરવામાં આવે છે. અહમથી દાઝેલા માણસને ચંદનલેપ પણ શાતા નહિ આપે. છતાં દેવપ્રસાદ અને તેના પુત્ર ત્રિભુવનને માટે પાટણનું હિત સર્વોપરી છે. મીનળને સત્તાનો ગર્વ છે કે પાટણ તે ચલાવી રહી છે. હકીકતે તે બુદ્ધિશાળી, તેજસ્વી, બાહોશ, દ્રઢ અને મુત્સદ્દી મંત્રી મુંજાલની બુદ્ધિથી રાજ ચલાવી રહી છે. પણ સમય બદલાય છે અને કર્ણદેવ મૃત્યુ પામે છે ત્યારે મીનળ મુંજાલ ને પણ દૂર કરીને એકલા હાથે રાજ કરવાં માગે છે. મુંજાલ અતિ બુદ્ધિશાળી ને પ્રતાપી વ્યક્તિ છે. એ મીનળને ચંદ્રાવતીથી અહીઁ લાવે છે. કર્ણદેવ સાથે પરણાવે છે અને તેને પ્રિય બનાવે છે. તે વ્યક્તિગત રીતે આત્મત્યાગી છે. તે પોતાની પત્નીનો ભોગ આપે છે. પોતાની બહેન હંસા જેણે દેવપ્રસદ સાથે પ્રેમલગ્ન કર્યા હોય છે તેને પણ કેદમાં નાખે છે. માત્ર મીનળ અને ભરતખંડમાં પાટણની ધજા ફરકતી રાખવાં બધું જ કરી છૂટે છે.

મુંજાલના બધા ઉપકાર ભૂલીને મીનળ જતિની વાતમાં આવી ને સત્તાના નશામાં મુંજાલને પણ દૂર કરે છે. પણ પછી હાથમાંથી બાજી સરકતી લાગે છે ને ડર લાગે છે કે ક્યાંક મુંજાલ અને દેવપ્રસાદ મળી ન જાય. દેવપ્રસાદ અને મુંજાલને મળતા અટકાવવા તે હંસાને દેવપ્રસાદ પાસે મોકલે છે. વર્ષો પછી બે પ્રેમી જ્યારે મળે છે ત્યારે બધી રાજખટપટ ભૂલી એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. ત્યારે તેઓ જે મહેલમાં છે તે મહેલને આનંદસુરી આગ લગાડે છે ને બંને એકબીજાને ભેટીને સરસ્વતી નદીમાં કૂદી પડે છે ને જાન ગુમાવે છે. આ સમાચાર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનને મળે છે. મીનળ મુંજાલને મનાવવા નગર બહાર હોય છે. અહીં ઉંમરમાં નાનો પણ તેજસ્વી  ત્રિભુવન પાટણ સંભાળે છે. મીનળ મુંજાલને મનાવે છે. મુંજાલ ત્રિભુવનને સમજાવે છે ને રાણી મીનળ પાટણમાં પાછી ફરે છે. મુંજાલ આવતા જ પાટણનું બધું તંત્ર નિયમિત અને વિનયશીલ બની જાય છે, એ મુંજાલની ધાકનો પ્રતાપ છે. મુંજાલની નજર નીચે કર્ણદેવનાં મૃત્યુને સવા મહિનો પૂરો થતાં જયદેવ પરાક્રમી ગુર્જરેશોનાં સિંહાસન પર બેસે છે. જયદેવના રાજ્યાભિષેકને ભૂલી જાય એવા દબદબાથી દંડનાયક ત્રિભુવનપાળ અને પ્રસન્નમુખીનાં લગ્ન થાય છે.

આ તો થોડી ઝાંખી આ નવલકથાની… મુનશીજીએ  કર્ણદેવ, મીનળ, મુંજાલ જેવાં ઐતિહાસિક પાત્રો લઈ તેમાં આનંદસુરી જેવાં કાલ્પનિક પાત્રો ઉમેરી કથાની એવી સુંદર ગૂંથણી કરી છે કે વાચક પોતે પણ એ કથાનો એક ભાગ બની જાય છે. મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ અને પ્રસન્ન-ત્રિભુવનની પ્રણયકથા એટલી તો સંવેદનાસભર છે કે વાચક એ પ્રેમરસમાં ન ભીંજાય તો જ નવાઈ. મુનશીની મહત્તા એ છે કે તેઓ  ફક્ત શુષ્ક ઇતિહાસ પીરસતા નથી કે પછી તેમનાં પાત્રો દ્વારા નથી નીતિ કે સદગુણોનો કોઈ સંદેશ આપવા માગતા. તેમણે તો પોતાની કલ્પનાનું સુંદર, રસપ્રચુર, ભાવપૂર્ણ વિશ્વ રચ્યું છે. તેમની કથાનાં પાત્રો તેજસ્વી, શૌર્યવાન, વીરતાનો દાવાનળ પ્રગટાવતાં, પ્રતાપી, અતુલ પરાક્રમી, પ્રેમઘેલાં ને પ્રણયી છે. તેમની કથામાં રાજરમતના આટાપાટા છે, ઘનગર્જના સમા શબ્દના પ્રવાહો છે ને ચોટદાર સંવાદો પણ છે. પાત્રો ઇતિહાસમાંથી લીધાં હોવાં છતાં મુંજાલને રાજનીતિ કરતાં જોઈએ તો આજનાં રાજકારણની યાદ આવી જાય. તો પ્રસન્ન અને ત્રિભુવનની પ્રણયકથા જાણે આજના સમયની જ હોય તેવું વાચક અનુભવે એ મુનશીની કલમનો કસબ નહિ તો બીજું શું છે?

અહી એક વાત ઊડીને આંખે વળગે છે કે, રાજકીય અંધાધુંધીમાં પણ દરેક પાટણવાસી ધર્મ કે જાતિના બધા મતભેદ અને વેરભાવ ભૂલીને પાટણની અખંડિતતાને ઊની આંચ ન આવે માટે એક થઈને ઊભા રહે છે અને એ જ છે પાટણની પ્રભુતા. આ વાત કોઈપણ રાષ્ટ્ર માટે આજે પણ એટલી જ સાચી છે. જ્યારે પટ્ટણીઓ એક થઈને ઊભા રહે છે ત્યારે જ અકબંધ રહે છે પાટણ ની પ્રભુતા.

રીટા જાની

मेरे तो गिरधर गोपाल – 09 : અલ્પા શાહ

મીરાંબાઈ – પૂર્વ જન્મની ગોપી?

એવું માનવામાં આવે છે કે મીરાંબાઈ તેમના પૂર્વજન્મમાં લલિતા, વિશાખા કે બીજી કોઈ પ્રમુખ ગોપી હતાં. રાધાજીનાં ગામ બરસાનામાં કોઈક સંત મહાત્માએ તે બાબતે આવી એક રસપ્રદ અને તર્કબદ્ધ કથા કરી હતી. મેં એક પુસ્તકમાં વાંચી હતી. તે આજે અહીં રજૂ કરું છું.

બરસાનામાં એક ગોપીનો વિવાહ શ્યામસુંદનાં નંદગાંવનાં સખાવૃંદના એક ગોપ સાથે થયો હતો. જયારે આ ગોપ નંદગાંવથી બરસાના ગોપીને આણાં વખતે લેવા ગયો ત્યારે ગોપીની માતાએ ગોપીને શીખ આપતાં કહ્યું, “બેટા, નંદગાંવમાં એક શ્યામસુંદર કનૈયો છે, જે ખૂબ નટખટ અને ચંચળ છે અને એક વખત તેની સાથે જેની નજરો મળી જાય તેનું બીજા કોઈ કામમાં ચિત્ત ચોંટે નહિ. એનું મન કનૈયાના વશમાં થઈ જાય છે, માટે તેનાથી ચેતીને રહેજે અને ક્યારેય નજર મેળવીશ નહિ. તું ઘૂંઘટ ઊઠાવજે નહીં.” ગોપીએ માની શિખામણ ગાંઠે બાંધી અને ગોપ સાથે નંદગાંવ જવાં રવાના થઈ. જેવો રથ નંદગાંવના સીમાડે પહોંચ્યો ત્યાં શ્યામસુંદર પ્રગટ થયા. સખાને કહેવાં લાગ્યા કે “કેમ સખા, ભાભીને લઈ આવ્યો? મને ભાભીનાં સુંદર મુખનાં દર્શન તો કરાવ.” ગોપે નિર્દોષ ભાવે કહ્યું, “લાલા, તારાથી પરદો કેવો! તું જાતે જ રથનો પડદો ખોલીને જોઈ લેને.”  ઘૂંઘટમાં રહેલી ગોપી આ વાર્તાલાપ સાંભળતી હતી તે એકદમ સતેજ થઇ ગઈ. તેને માની શીખામણ યાદ આવી ગઈ. શ્યામસુંદરે રથ પર ચઢીને ભાભીને મુખદર્શન કરવાં દેવાં માટે વિનંતી કરી પણ ગોપી ટસની મસ ના થઈ. ત્યારે શ્યામસુંદર હસતાં હસતાં બોલ્યા, “કંઈ વાંધો નહીં. અત્યારે તમે ભલે તમારું મુખદર્શન ના કરાવો પણ એક દિવસ તમે જ મારું મુખદર્શન કરવાં સામેથી આવશો.” અને રથ પરથી ધીમે રહી એ ઊતરી ગયા.

થોડા સમય પછી જયારે ઇન્દ્ર કોપાયમાન થયા,  મેઘનાં ધણનું આક્રમણ થયું અને વ્રજ પર પ્રલયનાં વાદળો મંડાયા ત્યારે સૌ વ્રજવાસીઓની રક્ષા કરવાં, આપણે સૌ જાણીએ છીએ તેમ, શ્રીકૃષ્ણે શ્રીગિરીરારાજજીને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યા. ત્યારે સૌ ગોપ-ગોપીઓ અને વ્રજવાસીઓ આશરો લેવા ગિરિરાજજીની છાયામાં દોડી આવ્યા. “આપદકાલે મર્યાદા નાસ્તિ” એ નિયમે પેલી બરસાનાવાળી ગોપી પણ દોડી આવી અને ભયભીત હરણીની જેમ તેની આંખો ચારેકોર ફરતી ફરતી સીધી આપણા કનૈયા પર જઈ પડી. શ્યામસુંદર મુખકમળ, પિતાંબરધારી અને બંસીધર કનૈયાને ટચલી આંગળી પર ગિરિધર ધારણ કરેલ જોઈ ગોપીનાં મનમાં એક અણદીઠી પીડા ઊપડી કે, અરેરે! મને મારી માએ આ મનમોહનનું મુખ જોવાની મનાઈ કરેલી? આ તો કેવી આત્મઘાતી શિક્ષા? મારા આટલા દિવસો વ્યર્થ ગયા. આવા વિચારો સાથે તેની આંખોમાંથી પશ્ચાતાપનાં અશ્રુ દડદડ વહેવાં લાગ્યાં. તેનાં જીવમાં તાપ ઉત્પન્ન થયો કે આ શ્યામસુંદર મારું મુખદર્શન કરવાં સ્વયં રથ પર મારી પાસે આવ્યા હતા અને મેં તેમની અવગણના કરી હતી. તે દોડીને શ્યામસુંદરના ચરણોમાં પડી ગઈ અને અંતકરણપૂર્વક માફી માંગવાં લાગી. શ્યામસુંદર એ ગોપીને ઓળખી ગયા અને તેમની આંખોમાં ચમક અને હોઠો પર મુસ્કાન સાથે તેઓ બોલ્યા, “આ દેહ દ્વારા તે મારું અપમાન કર્યું છે એટલે આ દેહમાં તો તું મને નહિ પામી શકે પણ આગળના કોઈક જન્મમાં અવશ્ય તારી સાધના સફળ થશે અને તું મને પ્રાપ્ત કરીશ.”

આ જ બરસાનાવાળી ગોપી એ ૧૪૯૮માં મેવાડમાં મીરાંબાઈ તરીકે જન્મ લીધો. પૂર્વજન્મમાં તે જે ઘૂંઘટ, સામાજિક લોકલાજ અને કુળ-મર્યાદાનાં લીધે પ્રભુનાં દિવ્ય દર્શનથી વંચિત રહ્યાં હતાં તે જ ઘૂંઘટ અને લોક-લાજનો વિરોધ કરવાનો ભાવ મીરાંબાઈ તરીકેના જન્મમાં પ્રદર્શિત થયો. વળી, તેમની સ્મૃતિમાં પૂર્વજન્મના ગિરિધરની છબી જે અંકિત થયેલી હતી તે આ જન્મમાં પણ અકબંધ રહી હતી. તેથી જ તેમનાં દરેક પદનાં અંતમાં ‘ગિરિધર’ના હસ્તાક્ષર શબ્દો રૂપે રહેલા હોય છે. ખરેખર મીરાંબાઈ તેમના પૂર્વજન્મમાં શું હતા એ તો શ્યામસુંદર જ કહી શકે પણ એ વાતમાં તો બે-મત નથી જ કે મીરાંબાઈ એક શુધ્ધાત્મા હતાં. માત્ર અને માત્ર શ્રી કૃષ્ણ તેમનું સર્વસ્વ હતા અને શ્રી કૃષ્ણના ચરણોમાં જ તેમનું શરણ હતું.

તો ચાલો, આજે મીરાંબાઈના પૂર્વજન્મની કથા મમળાવતાં મમળાવતાં અને એક પદ સાંભળતાં સાંભળતાં વિરમું છું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

— અલ્પા શાહ

નોંધ : પ્રસંગ સ્વામી આનંદ સ્વરૂપજી લિખિત “મીરા સુધા સિંધુ” નામનાં હિન્દી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.