૧૨ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ ગુજરાતી ગીતકાર, સંગીતકાર તરીકે એક એવું મોખરાનું નામ છે જે આજ સુધી સન્માનીય જ રહ્યું છે. અવિનાશ વ્યાસ બધા કરતા નોખા હતા. પોતે જે સંવેદના જીવતા એ લખતા અને સંગીત પણ એ જ સંવેદના સાથે આપતા. એમની રચનાઓમાં એમણે અવનવી, અનોખી, ભૌતિક સંબંધોની લાગણીઓને પણ વાચા આપી છે. એમની રચનાઓમાં સંબંધોને એટલી સરસ રીતે ઉજાળ્યા છે કે દરેક સંબંધની એક અનોખી ભાત આપણાં મન પર ઊપસ્યાં વગર ન રહે.

માનવી એટલે સંવેદના. વ્યક્તિ જન્મે છે ત્યારથી એક પછી એક સંબંધોના, ક્યારેક લોહીના તો ક્યારેક લાગણીના, ગોફથી એકમેક સાથે ગૂંથાતો જાય. આપણા જેટલા સંબંધોના ગોફની ગૂંથણી અવિનાશ વ્યાસે એમનાં ગીતોમાં ગૂંથી છે એટલી એ જમાનામાં કોઈએ નહિ ગુંથી હોય. ખરેખર જોઈએ તો તે જમાનામાં ગુજરાતીઓ પાસે આવા ભાવ પ્રગટ કરવાની ક્યાં વાચા જ હતી!


એ સમયની વાત કરીએ તો ગુજરાતીઓને પ્રેમ કરતા અવિનાશભાઈએ શીખવ્યું કહેવાય અથવા ગુજરાતીઓના પ્રેમને એમણે વાચા આપી. આજે પણ જ્યારે લત્તા મંગેશકર અને મહેન્દ્ર કપૂર પાસે ૧૯૬૦માં એમણે ગવડાવેલું ગીત ‘પાંદડું લીલું ને રંગ રાતો’ સાંભળીએ તો એની મહેંદીના મદમાતા રંગની ઝલક નજર આગળ તરી આવે અને એની ખુશબો જેમ ધ્રાણેંદ્રિયને સ્પર્શીને મનને તરબતર કરી દે એવી જ આ રચના જોઈએ…


નયન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે

૧૯૬૦ના દાયકાનું આ ગીત અને એ સમયના સમાજની કલ્પના કરો. ગુજરાતી એટલે વેપારી પ્રજા એમને પ્રેમ કરતા, પ્રેમની ભાષા બોલતા જાણે અવિનાશભાઈ એ શીખવ્યું . ૬૦ વર્ષ પહેલાની આ ફિલ્મનાં ગીત પર તો આજે પણ આપણા ઘરના વડીલો સાંભળી ઝૂમી ઊઠશે. તેમની જુવાની પાછી આવી જશે અથવા સાંભળતાં જ એમનાં મોઢાં પર સ્મિત ફરકી જાય તો નવાઈ ન પામતા.


ગુજરાતી ગીતોમાં જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે હંમેશા એને અવિનાશ વ્યાસે કંઇક અલગ અંદાજમાં મૂકી છે. હવે એના સંદર્ભમાં એક આ સૌનું મનગમતું ગીત પણ યાદ આવ્યું છે.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે…
.’


આ ગીત વિષેની વાત કરું તો ઘણાને કદાચ આ બહુ ગમતાં ગીતનો અર્થ કે સંદર્ભ ખબર નહિ હોય.. એવું સાંભળ્યું છે, સૌરાષ્ટ્રની જાતિના એક સિંહને પાતળિયા તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ અને પાછળથી ભરાવદાર હોય અને વચ્ચે કમરથી પાતળો હોય. હવે મઝાની વાત તો એ છે કે, જ્યારે એ સમયે બોડીના વી શેપઅંગે ઝાઝી ગતાગમ નહોતી ત્યારે પણ આ લખાય છે. એનો અર્થ કે ગીતકારના મનમાં ભવિષ્યમાં એક સંપૂર્ણ શરીર સૌષ્ઠવ ધરાવતા, સુદ્રઢ બાંધાની ફ્રેમમાં ફીટ થતા જુવાનની કેટલી સુંદર કલ્પના અકાર લેતી હશે?


હવે એક સાહિત્યની દ્રષ્ટિએ અવિનાશ વ્યાસને સમજવા હોય તો આ ગીતની અંદરનો પ્રાસ સમજવો જોઈએ. પાતળીયાનાં

અંગનું રે અંગરખું તમતમતું રે, પગનું  રે પગરખું ચમચમતુ રે,
મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા તને અમથું રે

નાયિકાના મનોભાવોને અવિનાશ વ્યાસે આ શબ્દોમાં કેટલા સિફતથી મૂક્યા છે. આપણે સંગીતની સામે એમનાં કવિત્વને પણ સમજવું પડશે.

કેટલી મોટી વાત બસ સાવ અમથી, અમસ્તી જ હોય એમ રમતી મૂકી દે છે. આ એક શબ્દને લઈએ “અમથું” પણ આ એ સમયે વપરાતી કેવી બોલચાલની ભાષામાં વાત કહેવી એ અવિનાશભાઈ પાસેથી શીખવાં જેવું છે. અમથું શબ્દનો ભાર કેટલો છે? સામાન્ય બોલચાલની વાતો જલ્દી લોકોનાં મોઢે વહેતી થાય છે એ વાતથી અવિનાશ વ્યાસ જાગરૂક છે એ વાત અહીં છતી થાય છે. સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ દસ હજાર જેટલા) રચ્યાં છે.

સમય પ્રમાણે જેમ રૂખ બદલાતી જાય એમ કાવ્ય રચનાઓ, ગીતો પણ બદલાતાં ગયાં. આ તો સમયની માંગ છે. એને તો સ્વીકારીને અવિનાશ આગળ વધ્યા. ગીતોના લય, સૂર, તાલ બદલાયા, એની શબ્દ રચના બધું બદલી એમાં થોડી આધુનિકતા ઉમેરી અને આ આધુનિકતા ગુજરાતી સંગીતમાં લાવ્યાનો જશ હું અવિનાશ વ્યાસને આપીશ. કોઈપણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિધ્ધિ પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા.
એમણે ગુજરાતી સિવાયના ઘણા કલાકારો પાસે કામ કર્યું અને કરાવ્યું તેની વાત આવતા અંકે ..

આજે સાંભળીએ આ મસ્ત મઝાનું ગીત.

http://www.mavjibhai.com/MadhurGeeto/001_taribankire.htm

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

3 thoughts on “૧૨ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

 1. રાજુલબેન,
  તમારી કલમે અવિનાશ વ્યાસને જાણવાની અને માણવાની મજા આવે છે ને તમારા લેખનો ઇંતેજાર રહે છે. જ્યારે ગીતનો સંદર્ભ સમજીએ તો ગીત વધુ માણી શકાય. જેમ કે આજે તમે “પાતળીયા” નો સંદર્ભ આપ્યો. અને છેલ્લે તો માવજીભાઈની લિંક આપીને ખજાનો ખુલ્લો મૂકી દીધો….વાહ!

  Liked by 1 person

 2. સરસ ,અવિનાશભાઈના કવિ હ્રદયની વાત ખરેખર નોંધનીય છે.તેમણે યોજેલ પ્રાસાનુપ્રાસ અને અમથું શબ્દ -દિલ હરી લે તેવા શબ્દો અને સંગીત પછી તેમના ગીત ,ગરબા અને પ્રાર્થના શાશ્વતી ન બંને તો જ નવાઈ! તેમના ગીતોની ધૂન પરથી એટલેજ કહી કેટલાય બોલીવુડના ગીતોની ધૂન બની છે.આધુનિક યુગના યુવાનોને પણ એટલે જ તેમના ગીતો અને ગરબા વિગેરે ગમે છે.

  Like

 3. નયન ચકચૂર છે, મન આતુર છે
  હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે….. In our yesterday’s senior Zoom meeting someone sang this song! અવિનાશી અવિનાશ આજે પણ જીવંત છે !! Nice going , Rajulben!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.