આજે આ લેખમાળાનો અગિયારમો લેખ છે. અગાઉના લેખોમાં આપણે તેમનાં અમુક ચૂંટેલા પદો વિષે ચર્ચા કરી અને તે પદોના સૂક્ષ્મ અર્થને સાંપ્રત સમયના લેન્સથી જોવાનો પ્રયત્ન કર્યો. આ અગિયારમા લેખથી મારે આ લેખમાળાની દિશા થોડી બદલવી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ મીરાંબાઈએ લગભગ ચૌદસો પદોની રચના કરેલ છે. આ પદો થકી તેમની જીવનલીલા તાદ્દશ છતી થાય છે. ગિરિધર ગોપાલ પ્રત્યેનાં તેમનાં પ્રેમ અને સમર્પણનું રસદર્શન થાય છે અને સૌથી મહત્વની વાત કે મીરાંબાઈનાં પદોથી તેમનાં ભાવવિશ્વની ઝાંખી કરવાનો મોકો મળે છે. તેમના મનોભાવોને ખૂબ નિકટથી નિહાળવાનો લ્હાવો મળે છે.
મોટાભાગના સંત મહાત્માઓ ભગવદ્દ લીલા કે તેમની પોતાની ઉપદેશ વાણીને ગદ્ય કે પદ્ય રૂપે કરતાં હોય છે. તે રજૂ કરવાં તેમને સભાન પ્રયાસ કરેલ હોય છે. પણ મીરાંબાઈનાં પદોની એ ખાસિયત છે કે તેઓએ આ પદોની રચના કરવાની કોઈ સભાન ચેષ્ઠા ન હતી કરી પરંતુ તેમના અંતરમાં ચાલતા ભાવોએ જ અનાયાસે પદોનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈ માટે આ પદો તેમનાં મનના વિચારોને વહાવતું એક ઝરણું બની રહ્યાં હતાં. તેમની સુખ અને દુઃખની સંવેદનાઓનું તરણું બની રહ્યાં હતાં. મીરાંબાઈનાં પદોમાં તમને વિવિધ ભાવોનું મેઘધનુષ જોવાં મળશે. તેમાં પ્રતીક્ષા પણ છે તો પ્રેમ પણ છે, વિહ્વળતા છે તો વહાલ પણ છે અને સંયોગ છે તો વિયોગ પણ છે. આ અંતરના ભાવોનું જયારે શબ્દોમાં અવતરણ થયું ત્યારે આપોઆપ પ્રાસ અને છંદનો પણ તાળો મળી ગયો હતો. એટલે જ કદાચ મીરાંબાઈનાં પદોની હસ્તપ્રત ક્યાંય જોવાં મળતી નથી, એમના ભાવો તો માત્ર શબ્દરૂપે એક સદીમાંથી બીજી સદીમાં સરકતા રહે છે.
મીરાંબાઈએ તેમનાં પદો દ્વારા તેમનાં જીવનના ઘણા પ્રસંગોનું નિરૂપણ કરેલ છે. તેમનાં માતા-પિતા સાથેના સંવાદો, તેમના લૌકિક પતિ સાથેનું અલ્પ લગ્નજીવન, વૈધવ્ય પછી તેમના કુટુંબીઓ દ્વારા ઊભા કરેલા ઝંઝાવાતો જેવા વિવિધ પ્રસંગોની સંવેદના પદો દ્વારા તેમણે વહાવી દીધી છે. મીરાબાઈનાં મોટાભાગનાં પદો પ્રિયતમ ગિરિધર ગોપાલ પ્રત્યે પ્રગટ થતા માધુર્ય ભાવનું નીરુપણ કરાવે છે તો સાથે સાથે અમુક પદોમાં પ્રભુ પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા, અફર નિશ્ચયતા, પ્રભુનું નામ મહાત્મ્ય અને તેમનો દર્શનાનંદ પણ છતા થાય છે. અમુક પદોમાં મીરાંબાઈએ સત્સંગ ઉપદેશ કરેલ છે તો ક્યાંક પ્રાર્થના વિનયનું મહત્વ સમજાવ્યું છે. મીરાંબાઈને તેમના ગુરુ પ્રત્યે પણ ખૂબ માન અને આદર હતું. તે પણ તેમનાં અમુક પદોમાં ફલિત થાય છે.
મીરાંબાઈ સાથે ગિરિધર ગોપાલે લીલાઓ સદેહે નહતી કરી પણ મીરાંબાઈએ તેમનાં પદો દ્વારા સર્વે વ્રજ લીલાઓની અનુભૂતિ કરેલ છે. તેમનાં પદોમાં ચીરહરણથી માંડીને ગોવર્ધનલીલાનું આલેખન થયેલ છે. વ્રજમાં ગોપાલના ગો વિચરણથી માડીને મુરલીધરની મુરલીનાં કામણ સુધીના પ્રસંગો વર્ણવેલા છે. ક્યાંક પદોમાં હોળીના રંગોની છોળો ઊડે છે તો કયાંક રાસલીલાના તાલે પગ ઝૂમી ઊઠે છે.
આવું અનેકવિધ સંવેદનાઓનું નિરૂપણ તો માત્ર મીરાંબાઈનાં પદોમાં જ જોવાં મળે છે. આટલી પ્રસ્તાવના સાથે આપણે આગામી લેખથી મીરાંબાઈના ભાવવિશ્વની સફરે નીકળીશું અને તેમનાં પદો દ્વારા તેમનાં મનોભાવોને ખૂબ નજદીકથી (અર્વાચીન યુગના લેન્સ પહેરીને) નિહાળીશું.
મીરાંબાઈનાં આ એક સુંદર ભજન સાથે વિરમું છું.
તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
— અલ્પા શાહ