૧૦-કબીરા

                       ક્બીરો મારો નિર્ભય 
આદિકાળ સાથે જન્મ આપણા સાથે સંકળાયેલ છે અને જન્મ સાથે મૃત્યુ….અને જીવન સાથે વિસ્મય,અભિપ્રાય અને ભય સંકળાયેલા હોય છે, તો ઘણીવાર પ્રશ્ન થાય ,આ જીવન પાર સહજ કેવી રીતે કરી શકાય? આ મૃત્યુનો ભય તો સુખેથી જીવવા પણ નથી દેતો . આ ભય, સમય અને માણસ બન્નેને ખાઈ જાય છે ત્યારે હું જવાબ શોધવા કબીરા તરફ વળું છુ.આ કબીરની જેમ બેફિકર અને નિર્ભય કઈ રીતે રહેવાય ? 
          કબીરા ઓ કબીરા -આ મૃત્યુ મને સમજાતું નથી.જેની સાથે દિવસ રાત વિતાવ્યા હોય ,આખું જીવન જેમની આસપાસ વિતાવ્યું હોય. કેટલી મહેનતે ઘર વસાવ્યું હોય અને બસ આમ જ એક દિવસ બધું છોડીને ચાલ્યા જવાનું……ઘરને ઉંબરેથી નીકળેલો માણસ સાંજે હેમખેમ ઘેર પહોંચશે કે નહિ ? તે આપણને અચાનક છોડીને ચાલી જાય તે કેવીરીતે સહેવાય? મૃત્યુના ભયનો અતિરેક મુંઝવે  છે મને અને હું કબીરના દોહાનું પુસ્તક ખોલું છુ.અને સામે જ પાનામાં દેખાય છે આ દોહો 
“અનજાને કો સરગ નરક હૈ,હરી જાને કો નાહી,
જે હી ભવ લોગ ડરત હૈ,સો ડર હમરે નાહી.”
         “સો ડર હમરે નાહી” આમ કહેવાથી થોડું નિર્ભય થવાય છે? મારે કબીરની વિચારધારાને જો મારા ગર્ભમાં રોપી ઉછેરવી હોય તો પણ પહેલા આ નિર્ભયતાને અપનાવવી પડશે..આ દુનિયા તો મેળો છે.એમાં જાતજાતનાં અને ભાતભાતનાં લોકોને મળવાનું થાય છે ત્યારે સજાગતા સાથે પોતાની મસ્તીમાં મસ્ત રહેતા શીખી કબીરની જેમ વેળાસર નિર્ભય થવું પડશે.કબીરના દોહા સામાન્ય દેખાય છે.પણ તેના તત્વને પકડીએ તો આપણે પણ કબીરની જેમ ગાઈ ઊઠેએ કે ..
“કોઈ નહી અપના સમઝ મના,ધન દોલત તેરા માલ ખજીના,
દો દિનકા સપના સમઝ મના,નંગા આના ,નંગા જાના,
નહી કપડાં રખના સમઝ મના,ભ્રુકૃટીમેંસે જાન નિકલ ગઈ,
મુંહ પર ડાલા ઢકના……કહે કબીરા સુન મેરે સાધો
  વો હી હૈ ઘર અપના…..”
          કબીર બધી વસ્તુ કેટલી સરળ રીતે ઉઘાડેછોગ મૂકી આપી સત્યને પ્રગટ કરે  છે.વાત એની સરળ છે કે સ્થૂળ ચક્ષુ વસ્તુને વસ્તુ રૂપે જુએ છે. અને આ અભિપ્રાય થકી જ ભય ઉત્પન્ન થાય છે.જે મારું નથી તે મારું ક્યાંથી હોય ?પોતાના મન સાથે વાત કરતા કબીર પોતાને જ ટોકે છે.ત્યારે મને પ્રશ્ન થાય છે કે શું કબીર પોતાને ટોકી ટોકીને નિર્ભય થયા હશે ?કબીરને સંત તરીકે ન લઈએ અને એની નિર્ભયતાને વિચારધારા તરીકે અપનાવીએ તો પણ આવા વિચારોને આપણામાં પોસવા આપણે આપણી જાતને ટોકવી પડે !
          મને કબીરો ગમે છે કારણ એ મારા તમારા જેવો માણસ છે.અને છતાં એ પાણીના વહેણની જેમ સહજ કઈ રીતે જીવે છે ? કશી અપેક્ષા વગરના તમારી પાસે બધું છે તે તમારું નથી તમે માત્ર તેના રખેવાળ છો તેવા સાક્ષીભાવ સાથે કઈ રીતે રહેવાય?  આ આજની પેઢીને પ્રશ્ન  થાય એ સ્વભાવિક છે.તેનો જવાબ પણ કબીર પાસે છે.
      “ઇસ તનધન કી કૌન બડાઈ”ગાનાર કબીર ઘૂંટીઘૂંટીને પોતાને જ કહે છે.આ દોહાના  અને કોઈ પણ ધર્મના અર્થ આવા સીધાસાદા કાઢીએ તો ..”કશું કાયમ ટકતું નથી, કશુંય શાશ્વત નથી, કશુંય કાયમ માટે તમારી પાસે રહેવાનું નથી. આપણું પાંચ તત્ત્વનું બનેલું ખોળિયું; એ પણ ક્ષણભંગુર છે. તો આ ક્ષણભંગુરનું મમત્વ અને મહત્ત્વ શા માટે?”
        કબીરને પણ આપણી જેમ નવાઈ લાગે છે, અચરજ થાય છે, અચંબો થાય છે અને આજ અચરજ એને આત્માની સભાનતા તરફ દોરી જાય છે.તમને મળેલા જીવનને ભયથી વેડફી નાખો તો વાંક કોનો છે ? 
કબીર પોતાને પ્રશ્ન કરે છે અને પછી પોતા ઉપર હસે છે.પોતાની અજ્ઞાનતા ઉપર આપણે હસી પણ ક્યાં શકીએ છીએ ?મને કબીરામાં સદાય જ્ઞાન ભક્તિનો સમન્વય દેખાયો છે..હું એને પ્રશ્ન કરું તો એ ભક્તિરૂપી દોહામાં એના જવાબ પીરસે છે.એના દોહા એટલે ઘૂંટાયેલી અનુભૂતિ.બીજી તરફ કવિ તરીકે કબીરને પોખીએ તો દોહાની બે પંક્તિમાં સમગ્ર અનુભૂતિવિશ્વ કબીર સમાવી શકે છે.સમજણ તો આપણે અર્થ તારવીને ઉત્પન્ન કરવાની છે.મને કબીરની રીત ગમે છે.એ પોતાને ટોકીને પોતાને સુધારે છે.કોઈ તમને ટોકે એ ગમે ખરું? પણ તમે જ તમારી જાતને ટોકીને અનુભવથી જ્ઞાન કેળવો તો ?
      હું પણ કબીરની વિચારધારાને જયારે મારામાં રોપું છું ત્યારે એને પોષવા મારે અનુભૂતિનું ખાતર નાખવું રહ્યું.મને કબીર ની નિર્ભયતા જોઈએ છે.  જે થતું હોય તે થવા કેવી રીતે દેવું. કશામાં દખલ કરવી નહિ. શું આ શક્ય છે ખરું ?કબીર વિચારધારા તો આપણને વિચારવા મજબૂર કરે છે.
       “તારું પોતાનું મન શાંત હોય તો,આ જગતમાં કોઈ દુશ્મન છે જ નહી. પોતાનો મિથ્યા અહંકાર ફેંકી દે અને ખોટા અભિપ્રાય થી બહાર નીકળ અને તારા આત્માને ઓળખ. શરીર અને આત્મા જુદા છે. આત્મા પરમાત્માનો અંશ છે તેનો અનુભવ એકવાર થશે પછી મૃત્યુનો ભય નહી રહે તું  મૃત્યને પણ સહજ સ્વીકારીશ.
        “ એકવાર યોગગુરુ બાબા ગોરખનાથ કબીરને પૂછે છે” કબીર તુમ કબસે ભયે બૈરાગી? તુમ્હારી સુરતી કહાઁ કો લાગી?”તો કબીર કહે છે”મૈં ચિત્રા કા મેલા નાહી,નાહી ગુરુ નાહી ચેલા,સકલ પસારા જિન દિન નાહી,જિન દિન પુરુષ અકેલા,ગોરખ હમ તબકે હૈ બૈરાગી.હમારી પ્રીતિ બ્રહ્મા સો લાગી,હમારી સુરતી બ્રહ્મા સો લાગી.”  આમ જેની સુરતી ને પ્રિતી પરમ સાથે જોડાએલ હોય તેને મૃત્યુનો ડર ક્યાંથી હોય ! હું તો પંદરમી સદીમાં થઈ ગએલ કબીરને શોધી રહી હતી કે જેના ગીત દેશ-વિદેશના દરેક ખૂણામાં ગુંજી રહ્યા છે.મને પણ જાણે કબીરો કહી રહ્યો છે ‘ચલો હમારે દેશ ‘.
       આજે અને આવતી કાલે આપણે કદાચ કબીરને સંત અને મહાત્મા તરીકે ન સ્વીકારીએ તો પણ આજની પેઢી એની વિચારધારાને જો અપનાવે તો કબીર સૌમાં જીવશે જ.બાહ્ય વિજ્ઞાનની શોધો કરી માણસ જયારે થાકશે ત્યારે બહારની દુનિયામાંથી નીકળીને ભીતરમાં એની ખોજ શરુકરશે ત્યારે કબીરો ફરી જીવીત થશે, સમય માણસને ખાઈ શકે છે પણ સારા સાત્વિક વિચારો ક્યારેય નાશ પામતા નથી હું પણ કબીરાને એક કોન્સેપ્ટ તરીકે મારા જીવનમાં સ્વીકારું છું. 
             “સ્વવશતા”નો સંત કબીરનો સિદ્ધાંત તો એવો અનોખો છે કે જે કદાચ વાચકોએ ભાગ્યે જ જાણ્યો હશે જેની વાત આવતા અંકે કરીશું 

 

-જિગીષા પટેલ

 

3 thoughts on “૧૦-કબીરા

  1. આ દોહાના અને કોઈ પણ ધર્મના અર્થ આવા સીધાસાદા કાઢીએ તો ..”કશું કાયમ ટકતું નથી, કશુંય શાશ્વત નથી, કશુંય કાયમ માટે તમારી પાસે રહેવાનું નથી. આપણું પાંચ તત્ત્વનું બનેલું ખોળિયું; એ પણ ક્ષણભંગુર છે. તો આ ક્ષણભંગુરનું મમત્વ અને મહત્ત્વ શા માટે?”

    કબીરને આટલામાં જ સમજી સકાય..એક એક દુહો કબીરે તે વખતે આજ જોઈ ને લખ્યાો છે

    Like

  2. જિગીષાબેન,
    એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય જેને મૃત્યુ વિશે કોઈ અદૃશ્ય લાગણી કે ભય ન હોય. જીવનના આ નિશ્ચિત પડાવને કઈ રીતે સહજ રીતે સ્વીકારવો તેની ચાવી કબીરના ગહન ચિંતન દ્વારા આપે સરળ રીતે વાચક સમક્ષ રજૂ કરી છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન.

    Liked by 1 person

  3. કબીર કહે છે એમ કશું ય શાશ્વત નથી. જન્મની સાથે મળલા આ પાંચ તત્વોના ખોળિયાથી માંડીને જીવનના અંત સુધી મેળવેલું તમામ – નામ, દામ, ખ્યાતિ સંપત્તિ કે સંબંધો પણ ક્ષણભંગુર છે એ વાત સાચા અર્થમાં અને સાવ સહજતાથી
    સમજી લઈએ, સ્વીકારી લઈએ તો જ કદાચ આપણામાં કબીર જેવી સ્થિરતા, નિર્ભયતા, નિસ્પૃહતા કેળવાય…

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.