લોકગીતના શબ્દાર્થ !
હે … નળિયું હતિયું નકોર , તે દિ’ બોલાવતો બરડા ઘણી ;
( હવે ) જાંઘે ભાંગ્યા જોર , તે દિ’ જાતાં કીધાં જેઠવા !”
આપણે આવો કોઈ દુહો સાંભળીયે એટલે ‘વાહ ગઢવી વાહ !’ એમ દાદ આપવા બેસી જઈએ ! એનો અર્થ શું છે તે તો રામ જાણે !
નાનપણનાં ઘણી વાર એવું બન્યું છે કે કોઈ ગરબો કે ગીત પૂરું આવડતું ના હોય અને કોઈ શબ્દો બરાબર સમજતા ના હોય તો ગીતના ઢાળમાં આવે તેવા પ્રાસમાં શબ્દો બેસાડીને ગીત પૂરું કરી દઈએ! અને એ બધું ત્યારે ચાલતુંયે ખરું ! એ વખતે ગીતના શબ્દો શોધવા માટે કોઈ પદ્ધતિએ ક્યાં હતી ? પુસ્તકાલયો પણ ક્યાં એટલા બધાં હતા ?
એ સમયે ટેપ રેકોર્ડર અને ટી વી પણ નહોતાં. જે પ્રોગ્રામ કરીએ તેમાં ત્યારે જ હાર્મોનિયમ તબલાં સાથે ગાવાનું હોય અને રેકોર્ડિંગ પણ થતું નહીં, એટલે તમે
‘ કાનુડાને મિસરી ભાવે;’ એમ ગાઓ , કે
‘ કાનુડાને ખીચડી ભાવે ;’ એમાં કોઈ ફરક પડતો નહીં !
કોઈને એનો વાંધોય નહોતો!
આ અર્ધી સદી પહેલાંની વાત છે. તો,એનીયે પહેલાં,આજથી સો વર્ષ પૂર્વે , મેઘાણી જયારે લોકસાહિત્યની ખોજમાં નીકળતા,ને ત્યારે તો આપણો દેશ ગુલામ હતો,ત્યારની પરિસ્થિતિ તમે કલ્પી શકો છો !
લોકસાહિત્ય એટલે લોક જીભે જ જીવતું રહેલું સાહિત્ય !
આ સાહિત્ય જે પેઢી દર પેઢી જીવતું રહ્યું હોય તે સાહિત્ય ! એ અપભ્રંશ ન થાય તો જ નવાઈ ! એટલે એમાં સાચું શું છે તે જાણવા માટે બે ચાર જણને મળીને પછી તેમાંથી સાચી વાત શોધવી પડે , સમજવી પડે!
અને પછી એને સુજ્ઞ પ્રજા સમક્ષ જીવંત કરીને મૂકવું : તે પણ એકલે હાથે! કેટલું અઘરું કામ !
મેઘાણી એક જગ્યાએ ( ‘ચારણો અને ચારણી સાહિત્ય’-માં) લખે છે;
‘ એ ના ભૂલો કે આપણે સુવર્ણની શોધે ચાલ્યા છીએ!
રતિભાર સારુંયે ઢગેઢગ ધૂળ પોપડા ધોવા પડશે! એ માટે જીવતાં જાગતાં જે થોડાં ઘણાં ભાટ ચારણ છે તેમનાં ઉર કપાટ હળવે હાથે જુગતીપૂર્વક ઉઘાડજો .. એ પાણીની ચકલી નથી તે કળ ફેરવતાં જ દરુડી પડવા માંડે ; એ તો સૂર્યમુખી છે,ખીલશે,જો આપણે સૂર્યકિરણ બનીએ તો ! અને એટલે તો એ પોતે જાણેકે સૂર્યકિરણ બનીને એ લોકો પાસે જાય છે અને ખજાનો મેળવે છે ! અને આપણને સુંદર લોકવાર્તાઓ , વ્રતકથાઓ ,લોકગીતો ,ગરબા ,છંદ ,દુહા વગેરેનો ખજાનો મળે છે . ક્યારેક એ આપણને એ વાર્તા ,કથા ,ગીત પાછળનું રહસ્ય સમજાવે છે અને પછી તો એ કૃતિ કંઈક ઓર જ રસસપ્રદ બની જાય છે .. હા ,એમાં ક્યારેક જુગુપ્સાપ્રેરક ,અનૈતિક , અજુગતું સાહિત્ય પણ આવી જાય ..
પણ સુજ્ઞ સમાજને આ બધું જ રુચિકર હોવું જરૂરી નથી .
આ લેખમાળામાં કંઈક મહત્વનું પણ ચર્ચાસ્પદ પણ રજૂ કરું છું , કારણકે સામાન્ય રીતે વાર્તાઓ ,નવલકથાઓ , વગેરે તો આપણે પુસ્તકાલયમાંથી લઈનેય વાંચતાં હોઈએ છીએ .જે થોડું વિચિત્ર છે, ઓછું ખેડાયેલું છે તેવું કંઈક પીરસવાનો પ્રયાસ છે.દા. ત. આ દુહો આપણે એમને એમ ગાઈએ તોયે મઝા આવે છે , પણ અર્થ સમજાય તો ત્યારની સમાજ પરિસ્થિતિનો ખ્યાલ આવે અને … ? અને રસનો આસ્વાદ ઊડી જાય !
‘ચૂંદલડી રે ઊડી,પાભાંડલી રે ઊડી… ‘ ગીતનો દુહો :
હે … નળિયું હતિયું નકોર , તે દિ’ બોલાવતો બરડા ઘણી ;
( હવે ) જાંઘે ભાંગ્યા જોર , તે દિ’ જાતાં કીધાં જેઠવા !”
અર્થ સમજાયો અને દુઃખ , જુગુપ્સા , ગુસ્સો બધાં ભાવ લાગણીઓ ધસી આવ્યાં! આપણો દેશ અંગ્રેજોના શાસન હેઠળ ગુલામ હતો ; દેશની રક્ષા કરનાર કોઈ નહીં , ને તેમાંયે આ તો અભણ પ્રજા ! કોઈ અંગ્રેજ ગોરો કોઈ લાલચ આપીને આ નાવિક કન્યાનો ઉપભોગ કર્યા બાદ તરછોડી દે છે , ત્યારે ‘ શ્રુંગારની એ ભ્રષ્ટતા , છેતરામણીનું આ દર્દ ગીત છે !
જયંત કોઠારી મેઘાણીનું લોકસાહિત્ય વિવેચન માટે લખે છે :
‘જાંઘોના જોર ભાંગી ગયાં છે , એમાં એ ગુપ્ત કરુણતાનો ઈશારો છે .
‘ નળિયું હતું નકોર ..’ જયારે એ યુવાન સ્ત્રી નિરોગી હતી … ત્યારે એ બરડા ડુંગરનો ગોરો અમલદાર એને બોલાવતો ,હવે જંઘાઓ કામની નથી રહી ..આ બધું વાંચીને સુજ્ઞ સમાજ તો જુગુપ્સા જ પામે ને ? એટલે લોકસાહિત્યમાં આવું તેવું નૈતિક અનૈતિક પણ આવે ..
જો કે આડ વાત પર જઈને કહીશ કે, આપણે ભદ્ર સમાજે સંસ્કારના ધોરણો તો બહુ ઉંચા રાખ્યા હતા,પણ આ બિચારા કચડાયેલા વર્ગને દિશા સુઝાડવાં એમણે શું કર્યું ? કાંઈ જ નહીં !હા , ગાંધીજી , રવિશન્કર મહારાજ અને મેઘાણી જેવાઓએ દલિત વર્ગ સામે જોયું , એમને પ્રેમ કર્યો ! આમ જોઈએ તો પ્રેમી અને પ્રેમિકાનાં ગીતો જે આપણે સૌ માણીએ છીએ તેમાં ઊંડા ઉતરીએ તો તેમાં પણ વફાદારીનો પ્રશ્ન થાય છે ..આપણું સૌનું જાણીતું આ લોકગીત કેવું છે તે તમે જ નક્કી કરો :
‘’ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ;
એ લે’રીડા! હરણ્યું આથમી રે , હાલાર શે’રમાં , અરજણિયા !”
હરણી નક્ષત્રમાં ચાંદો ઉગ્યો છે . કોઈ પરણેલી પ્રેમિકા ગોવાળિયા અરજણયાને ચેતવણી આપીને મોહ પામતી સંબોધી રહી છે .
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી!
આવતાં જાતાંનો નેડો લાગ્યો રે અરજણિયા !
નેડો = સ્નેહ !
પાવો વગાડયમાં ઘાયલ પાવો વગાડયમાં!
પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે..
અને પછી પ્રેમિકા એને કહે છે કે વર અને પછી સાસુડી બધાં સાંભળી જશે .. વગેરે વગેરે અને છેલ્લે કહે છે કે ઉનાળુ પાક જુવાર જે ૬૬ દિવસમાં તૈયાર થાય છે તે છાસઠયો – સાહટિયો – થાય ત્યારે ત્યાં આવજે.
લીલો સાહટિયો ઘાયલ લીલો સાહટિયો,
લીલે સાહટિયે મોજું માણશું રે અરજણિયા!
મેઘાણીનાં લોકસાહિત્યની કેટલીક અમર કૃતિઓ : વહુએ વગોવ્યા મોટા ખોરડાં ,
માડી હું તો બાર બાર વર્ષે આવીયો ,
સોના વાટકડી ,
બાર બાર વર્ષે નવાણ ગળાવ્યાં ,
વગેરે વગેરેની રસપ્રદ વાતો આવતે અંકે !
Very nice Geetaben 👌
LikeLike