૧૧ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ …. આ એક નામ ગુજરાતીઓમાં જ નહીં બિનગુજરાતીઓમાં એટલું જ જાણીતું છે. ગુજરાતી સુગમ સંગીતમાં અવિનાશ વ્યાસનું નામ સદા મોખરે જ રહેવાનું. એમની રચનાઓ પર ઊડતી નજર નાખીએ તોય સમજાઈ જાય કે એમની રચનાઓમાં ભરપૂર વૈવિધ્ય હતું. એમણે ગીત, ગઝલ, ગરબા કે ભજન એમ કોઈ પ્રકાર બાકી રાખ્યો નથી. મહદ અંશે ગીત-સંગીતના ચાહકો પાસેથી એક વાત તો સાંભળવા મળે જ છે કે એમણે ગુજરાતીઓને ગુજરાતમાં જ નહીં ગુજરાતની બહાર પણ ગાતા કર્યા છે.

એમની રચનાઓમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે એનાથી વધારે એને સંબંધિત વિષયોમાં પણ જોવા મળશે. જેમકે, એમણે આ સંસાર અને સંસારના સંબંધોને પણ એમની રચનાઓમાં આવરી લીધા છે.

જ્યારે અવિનાશ વિશે વાતની શરૂઆત કરવી હતી ત્યારે મને મારાં બાળપણનાં સ્મૃતિના પટારામાંથી ખૂલેલા ખજાનામાંથી આગળ એના સંદર્ભ મળતા ગયા અને એકમાંથી અનેક રચનાઓ યાદ આવતી ગઈ. જ્યારે એકવાર આ પટારો ખુલે એટલે એમાંથી અસંખ્ય યાદોનાં પડ એકપછી એક ખૂલતાં જાય એમ બાળપણની યાદ, લગ્નનાં મંગળગીત અને વિદાયગીત સુધી તાજી થઈ અને એ સંબંધના તાંતણે જોડાયેલા, જન્મથી જ લોહીનાં સગપણે બંધાતા ભાઈ બહેનના પ્રેમનીય વાત કરી અને હવે વાત કરવી છે એ ખૂબ હેતે-પ્રીતે ઊછરેલી બેનની. દિકરીના જન્મની સાથે જ સૌને ખબર છે કે એ તો એક દિવસ આ ઘરનું અજવાળું અન્યનાં ઘરને ઉજાળવાનું છે. 

એ વખતે વાતની શરૂઆત તો મારા માટે જ લખાયેલાં વિદાયગીતની હતી પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે વિદાયગીતની સર્જનની વાત આવે એટલે આપોઆપ એની સાથે અવિનાશ વ્યાસનું નામ જોડાઈ જ જાય. યાદ છે એક ખુબ ગવાતું વિદાયગીત?

બેના રે..

સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય.
બેના રે..
રામ કરે સુખ તારું કોઈથી નજર્યું ના નજરાય

દીકરી તો પારકી થાપણ કહેવાય..

ગુજરાતી ફિલ્મ ‘પારકી થાપણ’નું આ ગીત તો લગભગ દરેક કન્યાવિદાય વખતે ગવાતું થઈ ગયું હતું અને કદાચ આજે પણ ગવાતું જ હશે અને હાજર સૌની આંખો અને હૃદયને ભીનાં કરી દેતું હશે. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કરેલું આ વિદાયગીત ગાયું છે લતાજીએ. આ અને મહેંદી તે વાવી માળવે, પાંદડુ લીલું ને રંગ રાતો જેવા બીજા અનેક ગીતો આજ સુધી એટલાં જ લોકપ્રિય રહ્યાં છે જેની રચના અવિનાશ વ્યાસ દ્વારા થઈ હતી.

પણ આ કન્યાવિદાયના ગીત સાથે સંકળાયેલી વાત તો વળી એકદમ અનોખી છે. વાત જાણે એમ બની કે, આ ગીત અલકા યાજ્ઞિક ગાશે એવું નિશ્ચિત હતું પણ ગીતની શબ્દરચના અને એમાં ગૂંથાયેલી ભાવના, એ સંવેદનાને તો લતાજીના કંઠે વ્યક્ત થાય એવી ફિલ્મ દિગ્દર્શક અરુણ ભટ્ટની મરજી. આ વિદાયગીત તો જાણે પોતાની દિકરી માટે જ લખાયું હોય એટલું પોતીકું લાગે. આવાં હૃદયસ્પર્શી ગીત માટે લતાજીના અવાજથી વિશેષ બીજો કયો અવાજ હોઈ શકે?

લતાજી તો અત્યંત વ્યસ્ત. એમની ડાયરીમાં તો કેટલાય સમય પહેલાથી દિવસો નિશ્ચિત થઈ ગયા હોય એટલે એમનો સમય તો કંઈ એકદમ તો ના જ મળેને? પણ, ક્યારેક એવું બને કે ઈતિહાસ સર્જાવાનો હોય તો કલ્પના પણ ન કરી હોય એવો તાલ મળી જાય. આ ગીતના સંગીતકાર અને અવિનાશ વ્યાસના સુપુત્ર ગૌરાંગ વ્યાસ લતાજીને મળવા ગયા અને આ ગુજરાતી ગીત માટે એમણે સમયની સાથે પોતાનો કંઠ પણ આપ્યો. સામાન્ય વાયકા એવી છે કે લતાજી ક્યારેય સાંજે ગાતાં નથી પણ આ ગીત માટે સાંજનો સમય અને સ્ટુડિયો નિશ્ચિત થયો હતો એ એમણે વિફળ ન જવાં દીધો. ખૈયામ સાહેબ માટે મુકરર થયેલો સમય લતાજીએ આ ગીત માટે ફાળવ્યો અને જે ઈતિહાસ સર્જાયો એ આજે પણ અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ અને લતાજીના નામે અંકિત છે..

આમ તો, હવે દુનિયાની કોઈપણ દીકરીની ગાય સાથે સરખામણી થઈ શકે એમ નથી પરંતુ મારું મન એવું માનવાં પ્રેરાય છે કે જ્યારે આ ગીતની રચના થઈ ત્યારનો સમય એવો હતો કે દીકરી પિતાની કે પછી પતિની આંગળીએ દોરાઈ દોરાતી. એનું અલગ અસ્તિત્વ હોય એવી ભાગ્યેજ વિચારસરણી એ સમયે કેળવાઈ હશે એટલે જ કદાચ આ ગીતમાં પણ દીકરીની વિદાય વસમી હોવાં છતાં એને પતિગૃહે જતી વેળાએ આંસુ પાંપણે બાંધી રાખવાં કહેવાયું હશે. એ વિદાય લે ત્યારે ઘડી પહેલાં ભીંતે ચીતરેલા ગણપતીને પગે લાગતી વેળા એના કંકુવર્ણા હાથની છાપ ઘરની ભીંતે મૂકીને જાય છે. આ ગીત સાંભળું છું ત્યારે એક વિચાર એવો ય આવે છે કે દીકરીને પારકી થાપણ કહીને કેમ એને જુદાગરો આપવામાં આવ્યો હશે? કાળજાનાં ટુકડા સમી દીકરી એકવાર ઉંબરો ઓળંગી જાય પછી એનું ભાવિ એના હાથમાં જ નહીં રહેતું હોય એટલે? હાથે બાંધેલાં મીંઢળ કે પતિ સાથે પાનેતરના છેડા સાથે ગંઠાયેલી એ ગાંઠ સાથે જીવનભરનું એવા તે ક્યું બંધન હશે?

પતિનો પડછાયો બનીને રહેવાની શીખામણમાં એટલું તો સમજાય કે સપ્તપદીનાં પગલાં જેની સાથે ભર્યા છે એનો સાથ નિભાવવો પણ સાથે પતિના પડછાયા સમી એને કહીને ગીતકાર શું કહેવાં માંગતા હશે? કદાચ એ એવું કહેવાં માંગતા હશે કે પતિ છે ત્યાં સુધી તારું અસ્તિત્વ હેમખેમ છે? સેંથામાં સિંદુર અને હાથમાં કંકણ હશે ત્યાં સુધી તું સલામત છે. કદાચ એટલે જ કન્યાને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવામાં આવતા હશે.

આ કરૂણમંગળ ગીતમાં એક વાત ખૂબ ગમી. ગીતકાર અવિનાશ વ્યાસ કહે છે કે, આમ જુઓ તો સૌનું આંસુ પાણી જેવું પાણી. એ સુખનું છે કે દુઃખનું એ કોઈ ના શક્યું જાણી. માતા-પિતાનાં આંસુ પણ સુખ-દુઃખ એમ બંને લાગણીને લઈને વહી જાય છે. એનો એક અર્થ એવો પણ કરી શકાય કે બેના, આજ પછી સાસરીમાં તું તારું સુખ-દુઃખ કોઈ કળી ના શકે એમ તારી જાતને સંભાળી લેતાં શીખી જજે. તારા મનની વાતને ગોપિત રાખીને જીવી લેતાં શીખી જજે. શક્ય છે, કારણ કે એ સમયે દીકરીને સાચે જ સાવ નરમ પ્રકૃતિની માનીને જ એનો ઉછેર કરવામાં આવતો.

અવિનાશ વ્યાસે એમનાં આ અમર અવિનાશી ગીતની  ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ પંક્તિઓમાં એ સમયની લોક-કહેવતને વણી લીધી છે. આમ પણ અવિનાશ વ્યાસે સંસારના તમામ સંબંધો પર અત્યંત ભાવવાહી રચનાઓ કરી કારણકે એ પોતે જ ભાવનાના, લાગણીના સંબંધની વ્યક્તિ હતી અને દિકરીની વિદાયથી વધીને તો અન્ય કયો ભાવવાહી કે કરૂણમંગળ અવસર હોઈ શકે?

જો કે આજની દીકરી તો નારાયણી બની રહી છે. તેમ છતાં, કોઈપણ દીકરીની વિદાય સમયે અવિનાશ વ્યાસનું આ ગીત આજે પણ સૌની આંખ અને હૃદય ભીના કરી દે એટલું ભાવવાહી બન્યું છે. પણ જો જો હોં આ ગીત સાંભળો ત્યારે ભલે આંખમાં આંસુ હોય પણ કોઈપણ દીકરીને કલ્યાણ આશિષ આપવાનું ચૂકી ના જતા.


http://www.mavjibhai.com/MadhurGeeto/158_dikarito.htm

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

8 thoughts on “૧૧ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

  1. રાજુલબેન, સુંદર લેખ. મોટાભાગે દરેક કન્યાવિદાય વખતે આ ગીત તો હોય જ. ભલે આજે કન્યાની
    મન: સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે પણ વિદાઈનું આ ગીત સાંભળી આજે પણ આંખ ભીની થઇ જાય છે એ અવિનાશ વ્યાસનો જાદુ છે.

    Liked by 1 person

  2. સ્મૃતિના પટારામાંથી સરસ ખજાનો વેરી રહ્યાં છો. આવાં જૂના ગીતોના અર્થ નવા સમયમાં નથી જણાતા ત્યારે યુગના બદલાવાનો કેવો ચિતાર મળી રહે છે!
    તમે બહુ સાચું જ લખ્યું કે, “આમ તો હવે દુનિયાની કોઈપણ દીકરીની ગાય સાથે સરખામણી થઈ શકે એમ નથી.” એના અનુસંધાનમાં હું તો એમ પણ ઉમેરીશ કે હવે કોઈ દીકરી સાસરે જતી જ નથી. એ હવે પહેલાં પોતાનું ઘર વસાવીને તૈયાર કરે છે અને પછી પરણે છે!!!! વિદાયના એવાં ગીતો હવે લખાશે?!!!

    Liked by 1 person

    • વિદાયના એવા ગીતો હવે લખાશે કે કેમ એ નક્કી નહીં પણ હજુ આજે ય દીકરીની વિદાય સમયે આવા ગીતો યાદ તો આવશે જ.

      Like

  3. ઘણાને ખબર નહિ હોય પણ આ ગીત બનતી વખતે રસપ્રદ અનુભવોમાંથી પસાર થયું છે.આ ગીત ફિલ્મ ‘પારકી થાપણ’-માટે અવિનાશ વ્યાસે લખેલું. જેના સંગીતકાર ગૌરાંગ વ્યાસ છે. અરુણ ભટ્ટ અને ગૌરાંગ વ્યાસ તથા અવિનાશ વ્યાસની ત્રિપુટીએ ગુજરાતી ફિલ્મોમાં ઇતિહાસ સર્જ્યો છે.આ ગીત ‘પારકી થાપણ’ ફિલ્મનું ટાઇટલ સોંગ છે.. ટાઇટલ સોંગ કરવાનું અને વળી લોકોને ગમે એવું કરવાનું અને વળી લખાય અને રેકોર્ડિંગ થાય પછી શૂટિંગ કરવાનું.અને અવિનાશ વ્યાસે “દીકરી તો પારકી થાપણ કહેવાય” એવી પંક્તિઓ લખી.
    ‘પારકી થાપણ’ – આ શબ્દો છેલ્લે રાખીએ તો એના પ્રાસમાં શબ્દો ગાઈ શકાય. એ યાદગાર રહી જાય એવા ના પણ બને! પણ, અવિનાશ વ્યાસની સર્જકતાએ એમની સ્વર સજ્જતાએ કવિતામાં પ્રાણ પૂર્યો ‘કહેવાય’-ના પ્રાસમાં-કાફિયામાં ગીતને આગળ વધાર્યું અવિનાશ વ્યાસે.
    અરુણ ભટ્ટની સામે જ પ્રથમ સીટિંગમાં જ ગીતનું મુખડું અને એક અંતરો લખાઈ ગયા! ગુજરાતી ફિલ્મનું આ ગીત સંગીતની મહેફિલોની આગવી ઓળખ બની ગયું . ફિલ્મ પારકી થાપણનું આ ગીત જ્યારે થિયેટરમાં સ્ક્રીન ઉપર આવતું ત્યારે લોકો સિક્કાઓને વરસાદ વરસાવતા…

    રાજુલબેન ખુબ સરસ લેખ
    અમે પણ તમારી જેમ અવિનાશભાઈમાં ખોવાઈ ગયા છીએ ..

    Liked by 1 person

  4. વિદાયગીતનો ઇતિહાસ જાણવાની મઝા આવી. આજના સમયમાં દીકરી પોતાની રીતે પોતાના ઘરમાં જશે પણ માતા-પિતા અને કુટુંબીજનોથી જુદા પડવાનું દુ:ખ તો હશે જ .એટલે વિદાયગીતનાં શબ્દો કદાચ બદલાશે.

    Liked by 1 person

  5. Very nice , Rajulben !આજે સમય ભલે બદલાયો છે , પણ સ્ત્રી સહજ પ્રેમ તો એ જ છે .. દીકરી વિદાયની રીત આજે પણ એટલી જ હ્ર્દયન્ગમ લાગે છે અવિનાશભાઈના આ ગીતથી !
    હા , નવા યુગના આવા સુંદર ગીતો માટે કોઈ બીજા અવિનાશિની ઈંતેજારી રહેશે ..

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.