કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 10

                                                                              

ભર્તૃહરિ નીતિશતકના 24મા શ્લોકમાં કહે છે :
जयंति ते सुकृतिनो रससिद्धा: कवीश्वरा:
नास्ति  येषां यश: काये जरामरणजं भयं ।।
એટલે કે મહાન કવિઓ, જેમની કૃતિ રસપ્રચૂર હોય તેઓ હંમેશા લોકોનાં હૃદયમાં સ્થાન પામે છે. તેમના દેહવિલય બાદ પણ તેમની કીર્તિ અને યશ લોકોનાં મન અને હૃદયમાં કાયમ રહે છે. આ વાત મુનશીજીને પણ એટલી જ લાગુ પડે છે. ભલે તેઓ કવિ નથી પણ રસપ્રચુર સાહિત્યના રચયિતા છે.  આજે હું જે નવલકથાની વાત લઈને આવી છું એ ‘ગુજરાતનો નાથ’ પ્રગટ થયે લગભગ એક શતાબ્દી વીતી ગઈ. છતાં, આજે વાંચતાં એટલી જ રસપ્રદ લાગે છે. સર્જક અને સર્જન માટે તે એક બહુ મોટી સફળતા ગણી શકાય. મુનશી એવું કહે કે, નવલકથામાં બીજું કાંઈ હોય કે ન હોય પણ તેમાં રસ પડવો જોઇએ. રસ ન પડે તો એ નવલકથા નથી. ‘ગુજરાતનો  નાથ’ એવી એક ખૂબ જ રસપ્રદ નવલકથા છે. અને એટલે જ આપણે હજુ પણ તેને યાદ કરીએ છીએ.

મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસુલાત’ અને બીજી ‘પાટણની પ્રભુતા’ બંનેમાં લેખક તરીકે ઘનશ્યામ વ્યાસનું નામ હતું. ‘ગુજરાતનો નાથ’ હપ્તાવાર ‘વીસમી સદી’ ગુજરાતી સામાયિકમાં  લખાવાની શરૂઆત થઈ ત્યારે તેમાં પણ ઘનશ્યામ વ્યાસનું નામ હતું પરંતુ એપ્રિલ ૧૯૧૮થી તેમનું સાચું નામ કનૈયાલાલ મુનશી એડવોકેટ તરીકે ‘ગુજરાતનો નાથ’ છપાવવાની શરૂ થઈ. એટલે કે, મુનશીનાં સાચાં નામે પહેલી નવલકથા જે પ્રગટ થઈ તે છે ‘ગુજરાતનો નાથ.’ 1919માં આ નવલકથા પ્રગટ થઈ ત્યારે કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા દોરેલાં 40 ચિત્રો તેમાં મૂકવામાં આવેલાં. કોઈપણ ગુજરાતી નવલકથામાં આટલાં ચિત્રો મૂકવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો જોકે પાછળથી એમાંથી થોડાં ચિત્રો દૂર કરવામાં આવ્યાં. તેની કિંમત હતી, ત્રણ રૂપિયા જે એ જમાનામાં ખૂબ જ મોંઘી ગણાતી.

‘ગુજરાતનો નાથ’ જ્યારે લખાઇ ત્યારે મુનશી મુંબઈમાં એક પ્રતિષ્ઠિત વકીલ બની ચૂક્યા હતા. તેઓ તેમનાં વકીલાતનાં કામમાં ગળાડૂબ હતા. આટલી વ્યસ્તતામાં ક્યારે આ નવલકથા લખી તે વિષે શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ જે લેખ લખ્યો છે તેમાંથી આપણને તેની માહિતી મળી શકે છે. ‘વીસમી સદી’ના સંપાદક જ્યારે મુનશી પાસે નવા અંક માટે નવલકથાના હપ્તાની ઉઘરાણી કરે ત્યારે મુનશી બ્રીફકેશ બાજુમાં મૂકીને ખૂબ જ સહજતાથી લખી આપે. એ તેમની તેજસ્વીતા અને કલમનો કસબ નહિ તો બીજું શું છે? આમ તો, વાર્તા અને પાત્રોની દૃષ્ટિએ જોઈએ તો ‘પાટણની પ્રભુતા’નાં અનુસંધાનમાં ‘ગુજરાતનો નાથ’ લખાયેલી છે છતાં એક સ્વતંત્ર નવલકથા તરીકે પણ તે એટલી જ રસપ્રદ છે. સાક્ષર શિરોમણિ નરસિંહરાવની કસોટીએ ચડીને પાર ઉતરેલી છે. મુનશીની વાર્તાકાર તરીકેની પ્રતિભાશક્તિ, કલાસામર્થ્ય અન્ય વાર્તાકારો કરતાં વિલક્ષણ છે. એક લક્ષણ એવું ધ્યાન ખેંચે છે કે વાચકને વૃત્તાંતના ઓઘમાં, રસપૂર્વક, વશે કે અવશે તણાવું જ પડે છે. તેમના વૃત્તાંતનો વેગ એટલો પ્રબળ હોય છે જેમાં વૃથા વર્ણનો, અનાવશ્યક પ્રસંગો કે પાંડિત્યદર્શક અપ્રસ્તુત ચર્ચાઓને કોઈ સ્થાન જ નથી. મુનશી હંમેશા ઔચિત્ય, સંયમ, વિરલતા અને સંતુલન સાચવે છે. એ તેમનો અદભુત ગુણ છે. વાચકવર્ગ પાસે સમય પણ નથી ને નકામા અસંબદ્ધ લખાણો ખમવાની શક્તિ પણ નથી. મુનશી આ વાત સારી રીતે જાણે છે એટલું જ નહિ પણ કલાના ખરા તત્વો પણ જાણે છે.

મુનશીનો બીજો ગુણ અને કળાનું સામર્થ્ય તે છે તેમનાં પાત્રોનું લક્ષણ બાંધવાની અને વિકસાવવાની અનેરી કળા, જે મુનશીની કૃતિઓને વાચકોમાં અતિપ્રિય બનાવે છે. મુનશીનું અસાધારણ સામર્થ્ય, કલા વિધાન, માનવલક્ષણ વિશે ઊંડી અન્વેષણશક્તિ તેમની કૃતિઓને અદકેરી ઊંચાઈ અર્પી વાચકોને મુગ્ધ કરે છે.

નશી કહે છે કે, અનેક ઐતિહાસિક પ્રસંગો અને કથાઓનું સંકલન કરીને આ વાર્તા લખી છે. અને ઐતિહાસિક તત્વ બને ત્યાં સુધી તેવું ને તેવું જ રાખ્યું છે. ચાર વિભાગમાં વહેંચાયેલી આ નવલકથા શરૂ થાય છે ત્યારે જયદેવ ઉંમરલાયક થઈ ગયો છે, મીનળદેવીનું જુવાનીનું જોશ ઊતરી ગયું હતું. મુંજાલ સાથેનો તેનો પ્રેમ અને સત્તાનો સંઘર્ષ શાંત થઈ ગયો છે. પરસ્પર સમાધાન અને સમજણ નો સેતુ રચાઈ ગયો છે. જયદેવ રાજા તો બન્યો છે પણ માત્ર નામનો. સત્તાનું સૂત્ર તો મુંજાલના હાથમાં છે. આથી, ક્યારેક જયદેવ અકળાય છે. એક તરફ માળવા તો બીજી તરફ જૂનાગઢનાં આક્રમણનો ભય સતાવી રહ્યો છે. તે વખતે ભરૂચથી ત્રિભુવનપાળનો સંદેશો લઈને તેનો ખાસ માણસ કાક પાટણ આવે છે. તે પણ પાટણની રાજરમતમાં જોડાઈ જાય છે. શરૂમાં તે જયદેવના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે પણ મુંજાલના હાથે મ્હાત થયા પછી તે મુંજાલ સાથે જોડાઈ જાય છે. અને સંપૂર્ણપણે મુંજાલના પક્ષમાં ભળી જાય છે. રાજનીતિમાં પક્ષપલટો ફક્ત આજની બીના નથી, ત્યારે પણ પક્ષપલટો થતો હતો! પાટણના બે શત્રુઓ છે – કિર્તિદેવ અને ખેંગાર. કાક એ બંનેને મળે છે પણ રાજનીતિની નિર્ણાયક ઘડીમાં એ મુંજાલનું ધાર્યું કરાવી આપે છે.  કાકને જ્યારે આપણે પહેલી વાર મળીએ છીએ ત્યારે એ ત્રિભુવનપાળનો સામાન્ય સંદેશવાહક અને સાધારણ યોદ્ધો છે. જ્યારે નવલકથાના અંતમાં તો જયદેવ પણ ન જીરવી શકે તેવો પ્રતિભાવંત પુરુષ અને યોદ્ધો છે.

અહીં, પાટણને માળવા અને જૂનાગઢ તરફથી આક્રમણનો ડર છે અને એ બંને સાથે યુધ્ધ થાય પણ છે. છતાં આ નવલકથાની કેન્દ્રવર્તી ઘટના આ યુદ્ધ નહિ પણ કાક અને મંજરી વચ્ચે વિકસતો જતો પ્રેમ છે. કાક પ્રત્યેના માંજરીના હાડોહાડ તિરસ્કારથી એ શરૂ થાય છે અને મંજરીની સંપૂર્ણ શરણાગતિથી એ પૂરો થાય છે. શૌર્યની પ્રતિમા સમો કાક, સૌન્દર્ય અને સંસ્કારની સામ્રાજ્ઞી મંજરી, એકલવૃક્ષ જેવો પ્રભાવશીલ મુંજાલ, પ્રૌઢ પ્રેમની દેવી મીનળદેવી, કૂટિલ ઉદો, સ્વપ્નદૃષ્ટા કીર્તિદેવ, ગૌરવશાળી ત્રિભુવનપાળ,  રસિકા કાશ્મીરાદેવી, લાજાળ મુગ્ધા સોમ, અલૌકિક રાણક જેવાં વિવિધ રંગ ધરાવતાં યાદગાર પાત્રોની સૃષ્ટિ મુનશીએ આ નવલકથામાં રચી છે. કોઈ એક જ નવલકથામાં આટલાં બધાં યાદગાર પાત્રો હોય તેવું જવલ્લે જ જોવા મળે. મુનશીની પાત્રગૂંથણીની કળા આ નવલકથામાં સોળે કળાએ ખીલી છે તો તેના સંવાદો પણ સચોટ અને ધારદાર છે. આ નવલકથાની ભાષા અને શૈલી એટલી તો સ્વાભાવિક છે કે તેનાથી ક્યારેય રસક્ષતિ થતી નથી. ગુજરાતનો નાથ કોણ? જયદેવ? ત્રિભુવનપાળ? કાક? કે મુંજાલ? એ કોયડો મુનશી વાચક સમક્ષ મૂકે છે. એ વિષે વિશેષ વાત આવતા અંકે…

રીટા જાની

5 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 10

  1. Ritaben,
    I immensely enjoy your depiction of Kanaiyaalal Munsi. You inspired me to re-visit Gujarat-no Nath.
    Bharat.

    Like

  2. રીટાબહેન, મુનશીજીએ તો સરસ પાત્રોનું આલેખન કર્યું પણ આપે તો તેને મૂલવીને યોગ્ય જુદા જુદા વિશેષણોથી નવાજ્યાં અને જાણે એ મુલવણી માટે ફરી મુનશીને વાંચવા અમને પ્રેર્યા.ખૂબ સરસ ,અભિનંદન….

    Like

  3. રીટાબેન,
    ‘ગુજરાતનો નાથ’ નવલકથાનો સંક્ષિપ્તમાં અને તેમ છતાં પૂરેપુરો સાર સરસ રીતે મુક્યો છે. આ નવલકથાના તમામ પાત્રો અને તેમાં ય તમે કહ્યું એમ શૌર્યની પ્રતિમા સમો કાક, સૌન્દર્ય અને સંસ્કારની સામ્રાજ્ઞી મંજરી તો જાણે આજે પણ વર્ષો પહેલાં વાંચ્યા હતા એમ જ યાદ છે.
    કનૈયાલાલ મુનશીનો આ કથા વૈભવ તો વર્ષો ના વર્ષ સુધી ચિરંજીવ રહેશે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.