હાં રે દોસ્ત હાલો અમારે દેશ-૧૦) લોકસાહિત્યની ખોજમાં !

લોકસાહિત્યની ખોજમાં !
“ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ; ચાંદો ઉગ્યો ચોકમાં!
એ લે’રીડા! હરણ્યું આથમી રે , હાલાર શે’રમાં , અરજણિયા !”
ઝવેરચંદ મેઘાણીનો આ પ્રચલિત ગરબો હાલાર શે’ર એટલેકે જામનગર વિસ્તારના કોઈ ખોરડાને જીવંત કરતો , અમારો પણ પ્રિય ગરબો રહ્યો છે. કોઈ વ્રત વરતોલાંની જાગરણની રાતે વહુ દીકરીયુંને મોઢેં આ અને આવાં કંઈક ગરબાઓ સાંભળ્યાં છે અને ગાયાં પણ છે ; પણ , આવાં સુંદર ગીતો શોધવા માટે એમને કેટલી મહેનત પડી હતી એનો વિચાર ક્યારેય આવ્યો નહોતો !
આ લેખમાળા લખવા માટે જે રિસર્ચ, જે સંશોધન કામ કર્યું એને કારણે લોકસાહિત્ય માટેનો આખ્ખો અભિગમ બદલાઈ ગયો :કેટલી મહેનત ,કેટલા પરિશ્રમના પરસેવા બાદ આ લોકસાહિત્ય આપણને હાથ લાગ્યું છે !

સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર ડો. બળવંત જાની ‘ ગુજરાતનું ભારતને પ્રદાન:મેઘાણીનું ભ્રમણવૃતાંન્ત’ માં લખે છે તેમ : કેટલાં કષ્ટ વેઠીને એમણે આ બધું ક્ષેત્રીયકાર્ય કર્યું ! મેઘાણીના પ્રવાસ પુસ્તકો ‘સોરઠને તીરે તીરે’; ‘પરકમ્મા’(ત્રણ ભાગ )‘ અને ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ વગેરે લોકસાહિત્ય સંશોધન વિવેચન ગ્રંથોમાંથી એનો આછો ખ્યાલ આવે છે.
પોતાની જૂની નોંધો અને ડાયરીઓનાં પાનાં જે એમણે લોકસાહિત્યમાં ના લીધા હોય એ બધી નોંધને આધારે સમજાય કે આ બધું કેટલું અઘરું ,રઝળપાટનુ કામ હતું ! શનિ રવિ ટ્રંકમાં બધી ચીજ વસ્તુઓ ભરીને વીકેન્ડમાં ઓઉટિંગ કરીને, રખડીને રવિવારે સાંજે ઘેર પધારવા જેવું સરળ કામ નહોતું !
ઝ.મે. એ લખ્યું છે , (હું )પત્રકારત્વનો ધંધાર્થી! એટલે એ ખીલે બંધાઈને ,ગળે રસ્સી સાથે જેટલા કુંડાળા સુધી ભમવા દીધો તેટલો પ્રદેશ ખેડી શકાયો. એકધારું ,અવિચ્છન એ ખેડાણ થઇ શક્યું હોત તો વધુ વાવેતર થઇ શક્યું હોત!
કેટલી તીવ્ર ઈચ્છા હતી એમની લોકસાહિત્યનો ખજાનો ખોળવાની અને સુજ્ઞ સમાજને એની પિછાણ કરાવવાની !
એક જગ્યાએ એમણે કોઈ જૂની નોંધ જોઈને પોતે જ લખ્યું છે : પેન્સિલનો વેગ અને અક્ષરોના મરોડ પરથી લાગે છે કે મેં એ બધું દોડતી ટ્રેનમાં જ ટપકાવ્યું હશે . પ્રવાસે તો દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં ચઢી જતો … અને પછી એમણે પેન્સિલથી નોંધ કરી છે :

એવું એક પરોઢ, ચાર વાગ્યાનો સમય સાંભરી આવે છે. અંધારિયું હતું. સ્ટેશને ઉભો હતો. ગાડી આવી . અને ઘેરથી પાછળથી સ્વ….. દોડતી આવી .
“ આ લ્યો ઘડિયાળ ! ઘેર ભૂલીને આવ્યા છો !”
પૂછ્યું , ‘અરે , આ ભયાનક અંધકારમાં તું છેક ઘેરથી આવી શી રીતે?’
કહે , ‘ચાલતી આવી , થોડું દોડતી આવી .’
રાણપુરનો ઘરથી સ્ટેશન સુધીનો મારગ ,તે વેળાએ તો આજે ( ૧૯૪૦ /૪૪ વેળાએ ) છે તેથી ય ભેંકાર હતો.
એ દિવસે હું ફાળ ખાતો ગાડીએ ચઢ્યો હતો. ..તાજી પરણેતર , મુંબઈ શહેરની સુકુમારી ,એક નાનકડું બાળક ,બન્નેને ફફડતાં મૂકીને ,નીરસ ધૂળિયા વાતાવરણમાં ધકેલી દઈને , દર અઠવાડીએ ચાલી નીકળતો !’ આ પ્રસંગ વાંચતાં એ નવયુવાન ઝવેરચંદ મેઘાણીની મનઃસ્થિતિનો પૂરો ચિતાર આપણી સમક્ષ ઉપસી આવે છે!
આજના સંદર્ભમાં , અમેરિકામાં કોઈ ધ્યેય માટે ડબ્બલ જોબ કરી કુટુંબ જીવનનો ભોગ આપી મચી પડતા નવયુવાનની જ દાસ્તાન છે ને? પણ ફરક માત્ર એટલોજ છે કે મેઘાણી આ કામ સુજ્ઞ સમાજ માટે , નિઃશ્વાર્થ ભાવે , ઘરનું ગોપીચંદુ કરીને કરતા હતા ! એક ધ્યેય જે એમણે પગ વાળીને બેસવાયે દેતું નહોતું .
પ્રો. બળવંત જાની લખે છે કે આ પ્રસંગ ઉપરથી પત્ની દમયંતીબેનનો સમર્પણ ભાવ દ્રષ્ટિગોચર થાય છે , તો સાથે , પૈસા ,પત્ની , આરામ એ બધાંથી મેઘાણી કેટલા છેટા રહ્યા હશે ( કેટલો ભોગ આપવો પડ્યો હશે ) તેનો અંદાજ આવે છે .
અને આવું લોકસાહિત્ય મેળવવાનો ભેખ લીધો હતો એનું એક પ્રસંગ વર્ણન શ્રી નરોત્તમ પલાણના એક લેખમાંથી મળ્યું ; જે પ્રિય વાચક મિત્રો અહીં રજૂ કરું છું.

‘રઢિયાળી રાત’ (ચાર ભાગ) જેમાં સ્ત્રીઓનાં જ લોકગીતોનો સંગ્રહ કર્યો છે તેમનું એક પુસ્તક ‘બગવદરનાં મેરાણીબેન ઢેલી’ ને અર્પણ કર્યું છે. એક સામાન્ય સ્ત્રીને શા માટે ? વાત જાણવા પોતે એમણે મળવા રૂબરૂમાં ગયા .

‘મને ગીતો બહુ યાદ છે એવું કોઈએ કહેલું’ વાત ડાહ્યાં જાજ્વલ્યમાન મેરાણીએ વાત માંડતાં કહ્યું;
ધોળા લૂગડાં લૂગડાં પે’રેલા , મોટી આંખો નીચી ઢાળીને મારે આંગણે આવીને ઈ ઉભા. ઓટલીએ ગોદડું પાથરીને બેસાડવા ગઈ અને હું હેઠે બેસવા જાઉં ત્યાં ‘ હં હં હં .. તમેય અહીં બેસો નકર હુંયે નીચે બેસું’ કહી મનેય ઉપર બેસાડી .
ઈ પોતે એક લીટી – અર્ધી લીટી બોલે ને હું ગીત પૂરું કરું ! ઈ એ બધુંયે નીચી મુંડકી રાખીને ટપકાવ્યે જાય .. હું ગીત યાદ કરવા રાગડા તાણીને ગાઉં… આજુબાજુનું લોકય ભેગું થયું .. એય છેક બપોર સુધી ગાયું.
રોંઢા ટાણું થયું ,પછી રોટલા ઘડ્યા. અમારા ગાર્યવાળા ઘરમાં ( છાણ માટીથી લીંપેલ ઘરમાં) મને એમના લૂગડાં બગડે એનો ભે હતો તોયે નીચે બેસીને ખાધું… ત્યાં આખું ગામ ઓસરીમાં ભેળું થયું..
ત્યારે ઝવેરચં મેઘાણીએ દૂધમાં સાંકર ભળે તેમ ભળી જઈને એ તળપદી શૈલીમાં એ લોકોને એમનાં જ ગીતો સંભળાવ્યાં!
શા માટે ?
એક માહોલ ઉભો કરવા ! મારા અનુસ્નાતક કક્ષાના પ્રોફેસર સ્વર્ગસ્થ અનિરિદ્ધ ભ્રહ્મભટ્ટએ કહ્યું છે તેમ : મેઘાણી લોકજીવન અને લોકસંસ્કૃતિ સાથે તાદામ્ય સાધી શક્યા ( જે બીજા સાહિત્યકારો માટે શક્ય જ નહોતું .. એ પ્રવાહમાં વહેવા છતાં , એને પીતાં પીતાંયે ભદ્ર સમાજ તાદાત્મ્ય સાધી શક્યો નથી ) મેઘાણી તો એ લોકોમય જ બની જતા હતા !
‘ પછી તો રોંઢો ઢળ્યા સુધી ગીતો ચાલ્યાં. રોણાં અને જોણાંને તેડું થોડું હોય ? ગામ આખું ભેગું થીયું.
ગામની બધી બાયું ઉભી થઇ ને રાસડા લીધા …
શેરી વળાવી સજ કરું ઘેરે આવોને
આંગણીયે વેરું ફૂલ , વાલમ ઘેરે આવોને !
પોતે તો હસીને ઢગલો થઇ ગયા અને બધું કાગળિયામાં ટપકાવ્યે જાય ..
અંધારું થયા લગી રાસડા હાલ્યા !
વાળું કરીને પાછાં ભેળાં થયાં… મધરાત સુધી હાલ્યું. વળી થોડાં ગીત સવારે પણ મેં ગાયાં…
‘આજની ઘડી છે રળિયામણી !
મારો વા’લો આવ્યાની વધામણી જી રે !
વધામણી જી રે ! આજની ઘડી છે રળિયામણી !’
મેરાણીબેને આ આખા પ્રસંગનો સુંદર ચિતાર આપ્યો છે . મેઘાણીનો ઉત્સાહ અને હાડમારી બધું જ આ એક પ્રસંગ કહી દે છે.
‘ સવારમાં શિરામણ કરીને ગાડું જોડ્યું , એમને આગળ બખરલા જવાનું હતું.
પણ મેઘાણી ગાડામાં ના બેઠા , કહે એક જીવ તાણે અને બીજા જીવથી એમ અમથું અમથું નો બેસાય ! સંધાયની આંખમાં પાણી આવી ગયાં..
ઢેલી આઈનો આ પ્રસંગ વાંચતાં આપણને પણ વિચાર આવે કે આમ તો સાહિત્યકાર એટલે ઘરકૂકડી ! ઘરનાં ખૂણામાં બેસીને થોથાંઓ ફમ્ફોળતાં સાહિત્ય સર્જે ! પણ આ સર્જક કોઈ અજબ માટીનો ઘડાયો હતો !
મેઘાણીનો આ ગરબો જાણે કે એમને જ પ્રગટ કરે છે:
‘ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ ઝાંપે તારી ઝૂંપડી,
એ લે’રીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યોરે અરજણિયા !
એ લે’રીડા! હરણ્યું આથમી રે , હાલાર શે’રમાં , અરજણિયા !”
તમે પૂછશો કે સુંદર ઢાળનાં ગરબા ગાઈએ તો છીએ , પણ આ શબ્દો સમજાય તેવા નથી !
તો આ અને આવાં લોકગીતોનો રસાસ્વાદ આવતે અંકે!

4 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ-૧૦) લોકસાહિત્યની ખોજમાં !

 1. ઝવેરચંદ મેધાણીને ખૂબ વાંચ્યા અને ખૂબ માંણ્યા છે.
  હમણાં થોડા વર્ષ થયા જયહિંદ કોલેજના પ્રિન્સપલ ને મળવાનો મોકો મળ્યો પછી તો ઘણાં સાંનિધ્યમાં આવી..
  એમની હિમ્મત તો જુઓ કાંખમાં નાનું બાળ ને એમના પતિ દેવનો સાથ નાની ઉંમરે આમ જ નીકળી પડ્યા હતાને હાલરડા પર સાત આઠ વરસ ને નાના બાળકો
  ને જાતજાતના રસ્તાની મજુરણના પણ હાલરડા લખ્યાને પીએચડી પૂર્ણ કર્યુ.ઈંદોરના મૂળ ભાષા હિન્દીને છતાં પીએચડી ગુજરાતી હાલરડા પર..નામ હંસાબેન પ્રદીપ..
  જેને ધ્યેય છે તેને કોઈ વાડા નથી નડતા…

  Liked by 1 person

 2. Thank you Jayshreeben !જયહિન્દ કોલેજ વિષે ઝાઝો ખ્યાલ નથી અને ચાલીસ વર્ષથી શિકાગો (અને લોસ એન્જલ્સ ) રહેવાને લીધે હંસાબેન પ્રદીપ વિષે વધુ જાણકારી મેળવવાની ઈચ્છા છે .. મેઘાણી જેવી મહાન પ્રતિભા વિષે લખવાનો મને મોકો મળ્યો છે ને તમારા સૌ સાથે મળવાની તક ! 🙏

  Like

 3. લોકગીતો-લોકસાહિત્ય માટે એવું કહેવાય છે કે
  અભણ બોલે ને ભણેલા સાંભળે, હ્રદય બોલે ને બુદ્ધિ સાંભળે, ગામડું બોલે ને શહેર સાંભળે પણ ગીતાબેન તમે તો એને છેક વિદેશમાં રહેતા સાહિત્ય રસિકો સુધી પહોંચાડ્યું.

  Liked by 1 person

 4. Thanks Rajulben ! ગુજરાતી સાહિત્ય જગતમાં અમરત્વ પામેલા આગળીને વેઢે ગણાય એવા અમુક સાહિત્યકારોમાંના એક મેઘાણી જ્યાં જ્યાં એક ગુર્જર છે ત્યાં અમર રહેશે તેમાં શંકા નથી .. એમનાં અમુક ગીતોનો રસાસ્વાદ પણ એટલો જ અવિસ્મરણીય છે ..

  Like

Leave a Reply to geetabhatt Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.