કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 09

ગુજરાત હંમેશા વ્યક્તિવિશેષથી સભર રહ્યું છે. વ્યક્તિવિશેષ પણ કેવી વિશિષ્ટ! પછી તે મૂળરાજ સોલંકી હોય કે જેણે ગુજરાતનો પાયો નાખ્યો કે પછી મહાત્મા ગાંધી હોય. ગુજરાતની ભૂમિની તાસીર છે કે અહીં એવા રાજકારણીઓ, મુત્સદ્દીઓએ જન્મ લીધો છે જેનો સમાજજીવન, પ્રજાજીવન અને ઈતિહાસ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. આવી વ્યક્તિવિશેષનો પ્રભાવ અને વર્ચસ્વ આત્મસાત કરીને લોકોએ કઈંક નવું પ્રાપ્ત કર્યું છે. એની વાત મારે આજે કરવી  છે. આ વાતનું મહત્વ એ સમયે તો હતું જ પણ આજે પણ એટલું જ  છે. ગુજરાતની ગરિમાનું ગાન પાટણની પ્રભુતાનાં પદ વિના અધૂરું છે.

સરસ્વતી નદીના કિનારે વસેલ અને ગુજરાતના સ્વર્ણિમ યુગનું સાક્ષી પાટણ, ગુજરાતને ગુજરાત નામ મળ્યું તે પછી લગભગ છસો પચાસ વર્ષ સુધી પાટનગર રહ્યું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર – પાટણ એક કાળે વિસ્તાર અને વાણિજ્યમાં, શોભા અને સમૃદ્ધિમાં, વૈભવ, વીરતા અને વિદ્યામાં અગ્રેસર હતું. 2014માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું. આવું પાટણ કનૈયાલાલ મુનશીની વિખ્યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ અને જય સોમનાથ નવલકથાઓનાં કેન્દ્રમાં છે.

આ એ નવલકથા છે, જેની અનેક આવૃત્તિઓ થઈ ગઈ છે. આ એ નવલકથા છે, જે ઐતિહાસિક નવલકથાઓમાં ફક્ત તેની લોકપ્રિયતાને કારણે જ નહિ પરંતુ તેની અનેકવિધ ગુણવત્તાના લીધે સર્વોત્તમ પુરવાર થઈ છે. આ એ નવલકથા છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રની શાળા-કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતી રહી છે.

તેના પાત્રો સોલંકી યુગનાં વંશજો છે. રાજા કર્ણદેવ અને મીનળ રાજ ચલાવી રહ્યા છે. દેવપ્રસાદ જે પોતાના જ કુળનો છે તેને દૂર કરી દીધો છે. એટલું જ નહિ પણ, રાજખટપટના ભાગરૂપે તેની પત્ની હંસાથી છૂટો પડી દીધો છે. તેને સત્તાથી બાકાત કરવામાં આવે છે. અહમથી દાઝેલા માણસને ચંદનલેપ પણ શાતા નહિ આપે. છતાં દેવપ્રસાદ અને તેના પુત્ર ત્રિભુવનને માટે પાટણનું હિત સર્વોપરી છે. મીનળને સત્તાનો ગર્વ છે કે પાટણ તે ચલાવી રહી છે. હકીકતે તે બુદ્ધિશાળી, તેજસ્વી, બાહોશ, દ્રઢ અને મુત્સદ્દી મંત્રી મુંજાલની બુદ્ધિથી રાજ ચલાવી રહી છે. પણ સમય બદલાય છે અને કર્ણદેવ મૃત્યુ પામે છે ત્યારે મીનળ મુંજાલ ને પણ દૂર કરીને એકલા હાથે રાજ કરવાં માગે છે. મુંજાલ અતિ બુદ્ધિશાળી ને પ્રતાપી વ્યક્તિ છે. એ મીનળને ચંદ્રાવતીથી અહીઁ લાવે છે. કર્ણદેવ સાથે પરણાવે છે અને તેને પ્રિય બનાવે છે. તે વ્યક્તિગત રીતે આત્મત્યાગી છે. તે પોતાની પત્નીનો ભોગ આપે છે. પોતાની બહેન હંસા જેણે દેવપ્રસદ સાથે પ્રેમલગ્ન કર્યા હોય છે તેને પણ કેદમાં નાખે છે. માત્ર મીનળ અને ભરતખંડમાં પાટણની ધજા ફરકતી રાખવાં બધું જ કરી છૂટે છે.

મુંજાલના બધા ઉપકાર ભૂલીને મીનળ જતિની વાતમાં આવી ને સત્તાના નશામાં મુંજાલને પણ દૂર કરે છે. પણ પછી હાથમાંથી બાજી સરકતી લાગે છે ને ડર લાગે છે કે ક્યાંક મુંજાલ અને દેવપ્રસાદ મળી ન જાય. દેવપ્રસાદ અને મુંજાલને મળતા અટકાવવા તે હંસાને દેવપ્રસાદ પાસે મોકલે છે. વર્ષો પછી બે પ્રેમી જ્યારે મળે છે ત્યારે બધી રાજખટપટ ભૂલી એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. ત્યારે તેઓ જે મહેલમાં છે તે મહેલને આનંદસુરી આગ લગાડે છે ને બંને એકબીજાને ભેટીને સરસ્વતી નદીમાં કૂદી પડે છે ને જાન ગુમાવે છે. આ સમાચાર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનને મળે છે. મીનળ મુંજાલને મનાવવા નગર બહાર હોય છે. અહીં ઉંમરમાં નાનો પણ તેજસ્વી  ત્રિભુવન પાટણ સંભાળે છે. મીનળ મુંજાલને મનાવે છે. મુંજાલ ત્રિભુવનને સમજાવે છે ને રાણી મીનળ પાટણમાં પાછી ફરે છે. મુંજાલ આવતા જ પાટણનું બધું તંત્ર નિયમિત અને વિનયશીલ બની જાય છે, એ મુંજાલની ધાકનો પ્રતાપ છે. મુંજાલની નજર નીચે કર્ણદેવનાં મૃત્યુને સવા મહિનો પૂરો થતાં જયદેવ પરાક્રમી ગુર્જરેશોનાં સિંહાસન પર બેસે છે. જયદેવના રાજ્યાભિષેકને ભૂલી જાય એવા દબદબાથી દંડનાયક ત્રિભુવનપાળ અને પ્રસન્નમુખીનાં લગ્ન થાય છે.

આ તો થોડી ઝાંખી આ નવલકથાની… મુનશીજીએ  કર્ણદેવ, મીનળ, મુંજાલ જેવાં ઐતિહાસિક પાત્રો લઈ તેમાં આનંદસુરી જેવાં કાલ્પનિક પાત્રો ઉમેરી કથાની એવી સુંદર ગૂંથણી કરી છે કે વાચક પોતે પણ એ કથાનો એક ભાગ બની જાય છે. મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ અને પ્રસન્ન-ત્રિભુવનની પ્રણયકથા એટલી તો સંવેદનાસભર છે કે વાચક એ પ્રેમરસમાં ન ભીંજાય તો જ નવાઈ. મુનશીની મહત્તા એ છે કે તેઓ  ફક્ત શુષ્ક ઇતિહાસ પીરસતા નથી કે પછી તેમનાં પાત્રો દ્વારા નથી નીતિ કે સદગુણોનો કોઈ સંદેશ આપવા માગતા. તેમણે તો પોતાની કલ્પનાનું સુંદર, રસપ્રચુર, ભાવપૂર્ણ વિશ્વ રચ્યું છે. તેમની કથાનાં પાત્રો તેજસ્વી, શૌર્યવાન, વીરતાનો દાવાનળ પ્રગટાવતાં, પ્રતાપી, અતુલ પરાક્રમી, પ્રેમઘેલાં ને પ્રણયી છે. તેમની કથામાં રાજરમતના આટાપાટા છે, ઘનગર્જના સમા શબ્દના પ્રવાહો છે ને ચોટદાર સંવાદો પણ છે. પાત્રો ઇતિહાસમાંથી લીધાં હોવાં છતાં મુંજાલને રાજનીતિ કરતાં જોઈએ તો આજનાં રાજકારણની યાદ આવી જાય. તો પ્રસન્ન અને ત્રિભુવનની પ્રણયકથા જાણે આજના સમયની જ હોય તેવું વાચક અનુભવે એ મુનશીની કલમનો કસબ નહિ તો બીજું શું છે?

અહી એક વાત ઊડીને આંખે વળગે છે કે, રાજકીય અંધાધુંધીમાં પણ દરેક પાટણવાસી ધર્મ કે જાતિના બધા મતભેદ અને વેરભાવ ભૂલીને પાટણની અખંડિતતાને ઊની આંચ ન આવે માટે એક થઈને ઊભા રહે છે અને એ જ છે પાટણની પ્રભુતા. આ વાત કોઈપણ રાષ્ટ્ર માટે આજે પણ એટલી જ સાચી છે. જ્યારે પટ્ટણીઓ એક થઈને ઊભા રહે છે ત્યારે જ અકબંધ રહે છે પાટણ ની પ્રભુતા.

રીટા જાની

8 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 09

 1. જરૂરી હતું કે રાજકીય અંધાધુંધીમાં પણ દરેક પાટણવાસી ધર્મ કે જાતિના બધા મતભેદ ને વેરભાવ ભૂલી પાટણની અખંડિતતા માટે એક થઈને ઊભા રહે અને ત્યારે જ જળવાઈ પાટણની પ્રભુતા.

  વર્તમાન રાજકીય સંજોગોને ધ્યાનમાં લઈએ તો પણ આ એક વાત તો આજે પણ એટલી જ વાસ્તવિક લાગે છે કે જ્યારે પટ્ટણીઓ ( દરેક દેશવાસીઓ) એક થઈને ઊભા રહે છે તો જ ભારતની ભવ્યતા ય પાટણની પ્રભુતાની જેમ અકબંધ રહેશે..

  Liked by 1 person

  • આભાર, દર્શના.. લેખમાં નવલકથાની ઝાંખી આપી છે. પૂરો રસાસ્વાદ લેવા તો આખી નવલકથા વાંચવી જ રહી.

   Like

  • આભાર, પ્રજ્ઞાબેન. ખરેખર આ એવું સાહિત્ય છે જેનો રસાસ્વાદ ક્યારેય કમ નહિ થાય.

   Like

 2. મુનશીની નવલકથાઓ ભૂતકાળમાં વાંચી છે , હવે રિલેક્સ વાતાવરણમાં તમારી કલમે એ યાદ આવી જાય છે .. પાટણનો પોતાનો એક અનોખો ઇતિહાસ છે .. સરસ રીતે સમજાવ્યું

  Like

  • આભાર, ગીતાબેન. મે પણ પહેલા વાંચેલી. પણ અત્યારે ફરી વાંચીને લખું છું તો એમાં ઘણા નવા વિચાર, અર્થઘટન, ઊંડાણ મળી રહ્યા છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.