૦૭ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

હું અમદાવાદનો રિક્ષાવાળો,
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ….અમદાવાદ બતાવું ચાલો
એવી રિક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો.

એકવાર આ ગીત સાંભળો. પાંચ મિનિટનાં આ ગીતમાં અમદાવાદની સરસ રીતે સાચુકલી ઓળખ ગીતકાર અવિનાશ વ્યાસે આપી છે. આ..હા..હા, જાણે આખેઆખાં અમદાવાદની સિકલ નજર સામે આવી જાય. રીચી રોડના અડ્ડા પર ગરમ ફાફડા-જલેબીની સુગંધ, રાતના સમયની માણેકચોકની વાનગીઓની જ્યાફત, લવ ગાર્ડન કે લૉ ગાર્ડનમાં બેઠેલા છોરા-છોરીની  ઘૂટરઘૂ જેવી મસ્તીભર્યા અમદાવાદની વાત કરવાની સાથે ભદ્રકાળી મંદિર અને સાબરમતીનાં પાણીની પરખ કરાવનારા બાપુનેય એમણે સ્મર્યા છે. એમાંય આ ગીતની સાથે જ્યારે કિશોરકુમારનો રમતિયાળ, જરા તોફાની કહી શકાય એવો સ્વર જોડાય ને ત્યારે આપણે પણ એમની એ રીક્ષામાં ફરતાં હોઈએ એવું લાગવા માંડે.

બે દિવસ પછી ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદ દિન આવશે અને સૌને ફિલ્મ ‘માબાપ’નું આ ગીત જરૂર યાદ આવશે. આ એક જ ગીત કેમ? એની સાથે બીજુંય એટલું જ પ્રસિદ્ધ ગીત પણ યાદ આવશે-

અમે અમદાવાદી,
જેનું પાણી લાવ્યું ભારતની આઝાદી
અમે અમદાવાદી

આ ગીતમાં પણ અમદાવાદની તાસીર અને અમદાવાદીઓની ખુબીઓને સરસ રીતે વણી લીધી છે. ગીત સાંભળીએ ને નજર સામે અમદાવાદની મિલોથી માંડીને અમદાવાદની પોળ, શેરી, ગલી, ખડકી તરવરવા માંડે. પણ, આજે તો અવિનાશ વ્યાસની નજર સામે દ્દશય ઊભું કરતી કલમના જાદુની સાથે આજે એમના વ્યક્તિત્વના જાદુ વિશે વાત કરવી છે.


‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ ગીત કિશોરકુમારે ગાયું છે ઉપરાંત, આજે વેટ કરવી છે કિશોરકુમાર દ્વારા ગવાયેલુ ફિલ્મ ‘લાખો ફુલાણી’નું  સૌ પ્રથમ ગુજરાતી ગીતની.

ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે,
શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે.

કિશોરકુમાર કેવા મુડી હતા એ તો સૌને ખબર જ છે. કદાચ ક્યારેક તો એમને સનકીની કક્ષાએ મૂકી શકાય એવા મુડી હતા. બોલીવુડની ફિલ્મો માટે પણ એમની પાસે ગીત ગવડાવવામાં નવ નેજા પાણી ઊતરતું એવું સાંભળ્યું છે. તો આ તો  કિશોરકુમાર પાસે ગુજરાતી ગીત ગવડાવવાની વાત હતી. લોઢાના ચણા ચાવવા જેવી અઘરી વાત એ તો…


અવિનાશ વ્યાસને કિશોરકુમાર સાથે ગાઢ પરિચય. હવે એ સમયે બનતી ગુજરાતી ફિલ્મના કૉમેડી ગીત માટે દિગંત ઓઝાને કિશોરકુમાર યાદ આવ્યા. હિંદી ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોના ઓછા બજેટ પ્રમાણે એ તૈયાર થશે કે કેમ એ સૌથી પહેલો સવાલ હતો. તેમ છતાં અવિનાશ વ્યાસ જેમનું નામ.. હાથમાં લીધેલું કામ પાર પાડવાની એમનામાં દ્રઢતા હતી. કિશોરકુમારનું રેકૉર્ડિંગ જ્યાં ચાલટુંબહતું ત્યાં ફિલ્મના પ્રોડ્યુસર દિગંત ઓઝા અને નિરંજન મહેતા સાથે પહોંચી ગયા.


અહો આશ્ચર્યમ! કિશોરકુમાર અવિનાશ વ્યાસને અત્યંત અહોભાવ અને લાગણીથી પગે લાગ્યા. એ જોઈને તો દિગંત ઓઝા અને નિરંજન મહેતાય નવાઈ પામી ગયા. કિશોરકુમાર જેવા ભારતભરના લાડીલા ગાયક વળી એક ગુજરાતીને પગે લાગે? હા, પણ એમણે જે જોયું એ હકિકત હતી. આ પ્રભાવ અવિનાશ વ્યાસનો હતો, એક અદની વ્યક્તિનો હતો.


જે જોયું એ સપનાં સમાન વાસ્તવિકતા હતી પણ સમસ્યા હવે આવતી હતી. કિશોરકુમારને ગુજરાતી તો આવડે નહીં. અવિનાશ વ્યાસના પુત્ર ગૌંરાગ વ્યાસ સૌ પ્રથમ સંગીતકાર તરીકે ઓળખ પામવાના હતા. આ વાતને લઈને અવિનાશ વ્યાસે કિશોરકુમારને આગ્રહપૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો. અવિનાશ વ્યાસના આગ્રહ અને સમજાવટના લીધે હવે કિશોરકુમાર થોડા ઢીલા પડ્યા અને બીજા દિવસે ડીટેલમાં વાત કરવા ઘરે તેઓને ઘરે બોલાવ્યા.

બીજા દિવસે  સવારે દસ વાગ્યે કિશોરકુમારના ઘરે પહોંચ્યા તો ચોકીદાર થકી જાણવા મળ્યું કે કિશોરકુમાર તો સવારના બહાર નીકળી ગયા હતા. અવિનાશ વ્યાસની સાથે નિરંજન મહેતા, દિગંત ઓઝા, અરૂણ ભટ્ટ અને ગૌરાંગ વ્યાસ હતા. ચોકીદારની વાત સાંભળીને સૌ નિરાશ થયા સાથે કિશોરકુમારના ધૂની સ્વભાવ વિશે જે જાણકારી હતી એનાં પર મત્તુ લાગી ગયું.  હવે કિશોરકુમાર પાસે ગુજરાતી ગીત ગવડાવવાની ઈચ્છા પૂરી નહીં થાય એમ માનીને પાછા વળ્યા.  બીજા દિવસે અવિનાશ વ્યાસે કિશોરકુમારને ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ તો ઘરમાં જ હતા પણ બારીમાંથી અવિનાશ વ્યાસ સાથે અન્ય પાંચ જણને જોઈને એ થોડા મૂંઝાઈ અને ગભરાઈ ગયા હતા એટલે નીચે નહોતા આવ્યા.


અંતે અવિનાશ વ્યાસે કિશોરકુમારને સમજાવી જ લીધા અને કિશોરકુમાર દ્વારા ગવાયેલું ફિલ્મ ‘લાખો ફુલાણી’નું  સૌ પ્રથમ ગુજરાતી ગીત ‘ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે, શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે.’ રેકૉર્ડ થયું. કિશોરકુમારે ફિલ્મ ‘સંતુ રંગીલી’નાં ‘લોકો તો કહે છે મુંબઈમાં છે બહુ કમાણી’ ગીત માટે પણ પોતાનો સ્વર આપ્યો છે. જોકે, અવિનાશ વ્યાસે ૧૯૫૪માં ‘અધિકાર’ ફિલ્મ માટે લખેલાં ગીત માટે પણ કિશોરકુમાર-ગીતા દત્તે પોતાનો સ્વર આપ્યો હતો. કહે છે કે ગીતા દત્તને પણ અવિનાશ વ્યાસ માટે અત્યંત માન હતું. કિશોરકુમારની જેમ ગીતા દત્ત પોતે બંગાળી હોવા છતાં એમણે બંગાળી કરતાંય ગુજરાતી ગીતો વધારે ગાયાં છે.

અરે ! એક ગુજરાતી ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ માટે સ્વરની દુનિયાના દિગ્ગજ કહેવાય એવા મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, તલત મહેમુદ, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર પણ પોતાનો સ્વર આપી ચૂક્યા છે.

વાત ક્યાંથી ક્યાં પહોંચી નહીં? આવું જ થાય જુની યાદોની વાત કરીએને તો એમાં પોળ, એમાંથી ગલી અને ગલીમાંથી શેરી, ખડકી અને એના કોઈ ઝરૂખે બેસીને જોઈએ તો આવા કેટલાય કિસ્સાઓ મનમાં તાજા થાય. અવિનાશ વ્યાસે તો અમદાવાદ ઉપરાંત બીજા અનેક શહેરોની વાતો પોતાનાં ગીતોમાં વણી છે. જેની વાત ફરી આજ-કાલ કે ભવિષ્યમાં કરીશું


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

2 thoughts on “૦૭ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

 1. રાજુલબેન, ખૂબ સુંદર લેખ. તમે યાદ કરાવ્યા એ બધા ગીતો હજુ હોઠ પર રમે છે. કાલે સ્વરોત્સવમા અસરાનીએ પણ રિક્ષાવાળાનું ગીત ગાયું. તો ગૌરાંગ વ્યાસે સુંદર ગીતગુચ્છ રજૂ કર્યો “અવિનાશી અવિનાશ”. અને તમારું શીર્ષક સાર્થક થતું લાગ્યું- સદાબહાર સૂર.

  Liked by 1 person

  • અરે વાહ રીટાબેન,

   મઝાની વાત કરી. આ તો અનાયાસે ય અમદાવાદ અને અમેરિકાએ અવિનાશી અવિનાશનું એક સાથે સ્મરણ કર્યું.

   અમદાવાદમાં આ બધા જ સાંસ્કૃતિક, સાહિત્યિક અને સંગીતના કાર્યક્રમોની આ સીઝન ચાલે છે ને?
   એમાં તો અવિનાશ વ્યાસ શબ્દરૂપે હાજર તો હોવાના જ .એ એક એવા સદાબહાર ગીતકાર, સંગીતકાર છે કે જ સૌને વર્ષોના વર્ષ યાદ રહેશે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.