મારું નાનપણ આમ તો રમતમાં વધારે ગયું પણ મને વાંચન તરફ વાળવા મારા પપ્પા બકોર પટેલ લાવી આપતા. સૌથી વધુ આકર્ષણ મને એમના મોઢાનું હતું અને બીજા મને શકરી પટલાણી ખુબ ગમતા કારણ એ ઉતાવળિયા બકોર પટેલને હરાવતા. ઘર પાસે “બાલોધ્યાન” કરીને એક પુસ્તક કલબ હતી જે દીના પાઠકના ભાઈ ડો.બિપીનભાઈ ચલાવતા,ત્યાં દર રવિવારે તમને એક પુસ્તક મળે જે વાંચીને પાછું લઈ આવવાનું અને હું હંમેશા બકોર પટેલના પુસ્તકો શોધતી,પછી તો રીતસરનું ઘેલું લાગતું. બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે ભુલાતી નથી. તેમના લખાણમાં સરળતા અને શૈલી પણ કેવી રોચક ? વાંચવાની મજા સાથે ઉત્સુકતા કેળવે. બાળકો તો હોંશેહોંશે માણે પણ મોટેરાઓને પણ આમાં એટલો રસ પડે. મૂળ વાત આજે મારે તેના લેખકની કરવી છે. તે વખતે લેખક વિષે જાણવાની ઉત્સુકતા જ ક્યાં હતી ? પણ આજે થાય છે કે આવું પાત્ર શોધનાર લેખકને મારા પ્રણામ,તેની કલ્પનાશક્તિ માટે મને માન ઉપજે છે. ચાલો તો તેના ઈતિહાસને ઉખેડીએ…
મૂળ નામ હરિપ્રસાદ મણિરાય વ્યાસ ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર. તેમણે મોટેભાગે બાળસાહિત્ય જ કર્યું અને એમાં જ તેઓ પ્રસિદ્ધ થયા. હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ,શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું . તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી. બકોર પટેલની ૨૦૦થી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડીવ’ માસિક માટે લખી હતી.આવા અમરપાત્રોની અઢળક વાર્તાઓમાંની એક પણ વાર્તા સંભવતઃ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકમાં નથી એ પણ નવાઈની વાત નથી ? એ સિવાય પણ બાળસાહિત્ય મામલે વર્તમાનમાં આપણી પાસે બતાવવા માટે નોંધપાત્ર કંઇ છે નહીં…..
બકોર પટેલની વાર્તાઓ સામાજિક પાર્શ્વભૂમિ ધરાવતી હતી અને શહેરના ઉપરી મધ્યમ વર્ગની સામાન્ય વિગતો રજુ કરતી હતી. આ વાર્તાઓ મોટા અક્ષરોમાં ચિત્રો સાથે છાપવામાં આવતી હતી. આ લખાણ અને ચિત્રો સુરતના કલાકાર ભાઇઓ તનસુખ અને મનસુખ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા,જોકે મારા ભાગે તો તેમના સંગ્રહ જ આવ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શીર્ષકો હેઠળ લખ્યા હતા પણ મારું આકર્ષણ લેખક કરતા તેના પાત્રો હતા આમ પણ ગુજરાતી બાળસાહિત્યનું સર્વાધિક લોકપ્રિય પાત્ર એટલે બકોર પટેલ જ ગણાય. એમણે હસતા હસાવતા જીવનના પાઠ શીખવ્યા,સાદું સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રોની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવાતા આમલોક સાથેનું પોતાપણું, સંબધોની મીઠાશ ને ગરિમા, ચગળી-ચગળીને જીવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ એટલે બકોર પટેલ ના પુસ્તકો . છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને લેખકે પ્રસ્તુત કર્યા.બધો શ્રેય તેના સર્જક હરિપ્રસાદ વ્યાસને જ જાય.આમ જોવો તો બકોર પટેલ નું પાત્ર ગુજરાતી ભાષામાં બાળસાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય.
હરિભાઈનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.ખાસ તો ગર્વ સાથે જાણવાનું કે International Companion Encyclopedia of Children’s Literatureમાં પણ આ સાહિત્યકાર અને તેના સર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પેરીસના એક કાર્ટૂન ગેલેરીમાં બકોર પટેલનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યું છે. બીજું તારક મહેતા જેવા લેખકને પણ બકોર પટેલે હાસ્ય લેખ લખવાની પ્રેરણા આપી હતી.
વિશેષ નોંધ : ડૉ. રતિલાલ બોરીસાગરે આ કથાઓનું તાજેતરમાં પુન:સંપાદન કર્યું છે જેમાં તેમણે મૂળ કૃતિના ભાવને યથાતથ રાખીને આજની પેઢીને નવા ને અજાણ્યા લાગતા શબ્દોનું સરલીકરણ કર્યું છે; એ સમયના વજનના માપને આધુનિક માપમાં ઢાળ્યા છે ને કર્મણિ વાક્યરચનાઓને કર્તરિમાં રૂપાંતરિત કરી આપી છે. અત્યારે આ વાર્તાઓના કુલ્લ ૩૩ ભાગ ગુર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રાપ્ય બન્યા છે એ આનંદની ઘટના છે.] તેમના બાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ,..બાળનાટકો – ચાલો ભજવીએ( દસ ભાગ),હાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાની આવૃત્તિઓ બહાર પડી છે.
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા
ઘણી વિગતો અહી પણ મળશે-
તેમનો પરિચય – ઘણા ફોટા સાથે
https://sureshbjani.wordpress.com/2012/10/16/vyas-hariprasad/
LikeLike