હાં રે દોસ્તત હાલો અમારે દેશ-5) મેઘાણીનું મનોમંથન !

મંથનમાંથી જ અર્ક મળે ને?
છાસને વલોવીએ તો જ માખણ નિપજે ને ?
અંધકાર અને પ્રકાશનું એ મંથન જ સંધ્યા અને ઉષાની લાલિમા પ્રગટાવે ને ?
વિરોધી તત્વોના સંઘર્ષમાંથી જ તો સૌંદર્ય પ્રગટે છે!

ઝવેરચંદ મેઘાણીનું જીવન પણ જિંદગીના વિધ વિધ સંઘર્ષોમાંથી ઘડાતું અને વિચાર વલોણામાંથી નિપજેલું જ સાહિત્ય છે!આપણે મેઘાણીનાં સાહિત્ય સર્જનની વાત કરીએ છીએ ; અને પ્રત્યેક સર્જકના સાહિત્યમાં એનાં સંજોગો અને સમાજ અને શિક્ષણની ઘેરી અસર હોય છે.
કલકત્તા એલ્યુમિનિયમના કારખાનામાં ઉચ્ચ પદવી ધરાવતો ,માલિક સાથે યુરોપ જઈ આવેલો,પચ્ચીસેક વર્ષનો યુવાન , પોતાના એક મિત્રને લખે છે ; ‘ અંધકાર અને પ્રકાશની મારામારી વખતે ,મને મારો ગોવાળ બોલાવે છે .. હું રસ્તો નહીં ભૂલું .’ અને એમ કહીને વતન , બોટાદ પાછો આવ્યા !

ઝવેરચંદ મેઘાણીએ ત્યારે સાહિત્ય ક્ષેત્રે કાંઈ જ એવું નજરે ચઢે તેવું સાહિત્ય પ્રસિદ્ધ કર્યું નહોતું ; “ગુજરાતમાં કલમ ઉપર જીવવાના એવા કેવા સંજોગો છે તે તું અહીંની ( કલકત્તાની ) સરસ નોકરી છોડીને પાછો ( એ ગામડાની ધૂળ ખાવા ) જાય છે ?” એમના કલકત્તાના મિત્રોએ પૂછ્યું હતું.
પરદેશમાં વસવાટ કર્યા પછી, વતનનો સાદ આપણને સૌને ક્યારેક ,ક્યાંક, કોઈ પ્રસંગે,કોઈ એક પળે બુલંદ અવાજ બનીને શું હંફાવતો નથી ? વતનનાં આપ્તજનો ,વતનની એ શેરીઓ,ગામ,ઘર ને એની યાદો સાથેનો ઝુરાપો શું આપણે સૌએ અનુભવ્યો નથી?પણ, સુખ સાહેબી અને નોકરી ધંધા એ બધું મૂકીને દેશ પાછાં જનારાં કેટલાં? અહીં કલમ અટકાવી,ઘડીભર,આ જ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ !

“હાં રે દોસ્તત હાલો અમારે દેશ”આ જ વિચાર સાથે મેઘાણી અને તેના મિત્રો સૌરાષ્ટ્ર પાછા આવ્યા. એમના બીજા ત્રણ મિત્રો સાથે એ સૌએ સહ જીવનનું વિચારેલ! -એક જણ વ્યાપાર કરશે, એક મિત્રને શિક્ષણમાં રસ હતો, પોતે ખેતી કરશે ને સાહિત્યમાં સમય આપશે , અને એક મિત્ર પૈસે ટકે સમૃદ્ધ, દરબાર – એણે બધામાં ખૂટતું ,પૂરક કામ કરવાનું નક્કી કર્યું હતું !‘ખેતી કામમાં તો ઘણું વૈતરું કરવું પડે, મેઘાણી હિસાબ કરીને ફરીથી મંથન કર્યું!

તે વખતે ગાંધીજીનો પ્રભાવ વર્તવા લાગ્યો હતો, એટલે બીજો વિચાર ખાદી ભંડાર શરૂ કરી ,લોકોને રેટિયાનું મહત્વ સમજાવવાનું કાર્ય માથે લેવા વિચારે પણ આવ્યો !
મંથન મંથન મંથન!

“ દ્વિધા વચ્ચે બે વાત બની.”
ઉમાશંકર જોશી,મેઘાણીના પરમ મિત્ર ‘ મેઘાણી :કૃષ્ણની બંસરીની સેવા’ માં લખે છે;“ ભીતરની ભોંયમાં લોક્સાહિત્યનાં રસ ઝરણાં વહ્યાં કરતાં હતાં, એ પ્રવાહોને કળનાર પાણીકળો ( ચાવી ) મળી ગયો !”

મેઘાણીના પેલા ચાર મિત્રોમાંનો એક,દરબાર,વાર્તાઓ કહેવામાં હોશિયાર હતો,તે માંગડા ભૂત વગેરેની વાતો દુહા છંદ વગેરે સાથે બીજા ગઢવીને સંભળાવે ! ( એ સમયે ટી વી કે સ્માર્ટ ફોન ક્યાં હતાં? આનંદ પ્રમોદ માટે આ જ તો સાધનો હતાં ? મેઘાણીએ આ બધું એમના મનમાં ઝીલી લીધું !
પચ્ચીસ વર્ષના એ જુવાન ,કવિ હ્ર્દય મેઘાણીની એક બીજી પણ ઈચ્છા હતી !
હું ખેતી કરું, ને મારે તો ખેતરે ભાત લઈને આવે તેવી વહુ જોઈએ !’ જુવાન હૈયાની હોંશ પણ કેવી ( રોમેન્ટિક ) ?એક ખાનદાન ઘરની , મુંબઈમાં એંગ્રેજી પાંચ ધોરણ ભણેલી ( લગભગ એસ. એસ. સી. ) એવી દમયંતી મળ્યા, જેમની માતા ક્ષયની બિમારીમાં પટકાયેલ હતા, ને તેમની અંતિમ ઈચ્છા દીકરીને પરણાવીને છેલ્લા શ્વાશ મુકવાની હતી, તેનાં લગ્ન ઝવેરચં મેઘાણી સાથે થયા .અને થોડા જ સમયમાં માતા મૃત્યુ પામ્યા.

દમયંતીબેન સાથેના ટૂંકા લગ્ન જીવન દરમ્યાન તેઓ લોકસાહિત્યનું ખુબ કામ કર્યું, જે કોઈએ આ પહેલાં ગુજરાતી સાહિત્યમાં કર્યું જ નહોતું એવું કામ! એનાં ભિન્ન ભિન્ન પાસાઓનો અભ્યાસ આપણે આગળ ઉપર વાત કરીશું,અત્યારે આપણે એમનાં જીવનની આછી રૂપરેખા જોઈ લઈએ .

લગ્ન કરીને મિત્ર કુટુંબ સાથે,તેમના અતિશય આગ્રહથી,પોતે દમયંતીબેન સાથે દોઢ મહિનો પ્રવાસે ગયા છે .ગિરનાર પર્વતની આજુ બાજુનાં ગામો-માણાવદર,જૂનાગઢ,થાણા દેવડી,વડિયા ,કુંકાવાવ ચિતળ… વગેરે વગેરે .પાછળથી મેઘાણીએ આ રજવાડાઓની વાતો “ મોતીની ઢગલીઓ” માં લખી પીરસી આ સ્થળોએ ટ્રેનમાં મુસાફરી કરતાં જે સુંદર પ્રકૃતિ સૌંદર્ય અને લોકસાહિત્ય સાંપડ્યું તેને કારણે ‘દાદાજીનો દેશ’ નું સહજ નિર્માણ થયું .. કેટ કેટલા અનુભવોનું ભાથું આપણને સાંપડ્યું !

આપણો દેશ ત્યારે આઝાદ નહોતો ,બ્રિટિશરોનો ત્રાસ , અને તેમાં પાછો પેલાં નાનાં નાનાં રજવાડાઓનો ત્રાસ !બિચારી ગરીબ ,અભણ ,ભોળી પ્રજા જાય તોયે ક્યાં જાય ? કહે તો યે કોને કહે? ઝવેરચં મેઘાણીએ મિત્ર સાથેની દોઢ બે મહિનાની મુસાફરીમાં આ બધ્ધું જ જોયું,અનુભવ્યું અને તેના ફળ સ્વરૂપે ‘અમર રસની પ્યાલી’ અને ‘ચોરાનો પોકાર’ લખાયાં અને એ લેખ નવા શરૂ થયેલ ‘સૌરાષ્ટ્ર’માં પ્રસિદ્ધ થયા, જેને પરિણામે તેઓ એ છાપામાં જોડાયા . ૭૫ રૂપિયાના પગારે મેઘાણી સૌરાષ્ટ્ર છાપામાં જોડાયા પછી એ અનુભવોથી ઘણું બધું સાહિત્ય અને લોક સાહિત્યનું ઝવેરાત ખોળીને અક્ષરદેહ આપ્યો, પણ સ્ત્રી સંવેદનાઓ અને સુધારક વૃત્તિ સ્પષ્ટ રીતે અમુક દાયકા પછી પ્રગટી.

જાણીતા કવિ શ્રી મકરંદ દવેએ (મેઘાણીનાં અવસાન બાદ ) ‘ લિ…હું આવું છું’ ની પ્રસ્તાવના ‘ પિયાળ’ માં એમનાં જીવન વિષે લખ્યું છે ; “ લગ્ન બાદ પ્રથમ રાણપુર અને પછી બોટાદમાં રહીને ‘ જાગેલું ઝરણું’ અને ‘ સિંધૂડો’ ના ઉદ્ઘોષ , ઘરે – બાહિરે તાલ દેવા લાગ્યા. પછી એક દસકા બાદ ગાંધીજીના સત્યાગ્રહ વખતે બે વર્ષ જેલ ભોગવનાર મેઘાણીના ,લાંબા વિયોગના ગાળામાં ,પતિ – પત્ની વચ્ચે સ્નેહ અને સમજણની ધારા એમનાં પત્રોમાં વહેતી દેખાય છે .. મેઘાણીનું મનોમંથન અહીંયા પણ દેખાય છે .. બહારનું વેઠવું પડતું દૂરત્વ ક્યાંક અંદરની નિકટતાનો આંચ લગાડે એની વ્યથા અને બીક અહીં વ્યક્ત થઇ છે .

પત્નીના અકાળ અકુદરતી મૃત્યુ પછી ફરીથી મંથન મંથન અને મંથન !

“જેને ભાગે કોઈ મિશન કોઈ જીવન કાર્ય કે અવતાર કૃત્ય આવે છે તેને એ એવો તો બાહુપાશમાં બાંધી રાખે છે કે એનાં નિકટતમ સ્વજનોને સોસવું પડે છે” મકરન્દ દવે લખે છે .

મેઘાણી વર્ષો પછી પોતાના આ મંથનોને, કરુણતાઓના વંટોળ વચ્ચે કાંઈ શોધતા રહ્યા … પુત્ર મહેન્દ્રને લખેલ પત્ર જુઓ :The devastation of my life should be looked at from the view point of a careful wise man ..My shipwreck ought to guide aright a new navigator ..
મિત્રો ! મેઘાણીનું સાહિત્ય સર્જન આ બધાં જ અનુભવો અને વિચાર સંઘર્ષને ક્યાંક ને ક્યાંક ,કોઈ પાત્ર દ્વારા ,પરિસ્થિતિ દ્વારા ,પણ પોતાને મન ગમતાં પરિણામ દ્વારા વાચક સમક્ષ ફરીથી જીવંત કર્યું પણ સૌથી મહત્વનું તો તેઓ અનુભવની એરણ પર ઘડાયા બાદ પોતાનાં સંતાનોને નિખાલસ રીતે આ જ્ઞાન આપ્યું!
પરોપ દેશે પાંડિત્યમ નહીં!
વરસો બાદ પુત્ર મહેન્દ્રનાં લગ્ન વખતની એમની શીખ જુઓ !‘નિરીક્ષક’ મેગેઝીનના ,પ્રોફેસર પ્રકાશ શાહ મેઘાણીના પત્રોનો અભ્યાસ કરતાં ‘સ્નેહાધીન ઝવેરચંદ’ પત્ર સંગ્રહ માટે લખે છે ;” હજુ પુત્ર મહેન્દ્ર અને નિર્મળા અહરાયાં નથી.દરખાસ્ત ચાલે છે ત્યારે સંભવિત શ્વસુર સૂચિત પુત્રવધૂને લખે છે, “ સામા પાત્રનો ઉમળકો ન હોય તેવા કોઈ લગ્નને તું સ્વીકારતી નહીં.કોઈનો પ્રેમ તારા પ્રેમના દબાણ વડે પ્રાપ્ત કરતી નહીં .મહેન્દ્રને જો તું એ ઉમળકાની શરતે જ જો ના મેળવી શકે તો જતો કરજે !”
કેટલી સાચી શિખામણ !”લગ્ન કરવા તો ખરેખર પ્રેમ હોય તો જ કરવા”.
(આજના જમાના માટે કહેવું હોય તો ,એક કામ પતાવવા માટે કે એની પાસે ગ્રીનકાર્ડ છે એટલે કે મારા વિઝા પુરા થાય છે એટલે હવે ગમે તેને પરણી જાઉં એમ ખોટા કારણથી લગ્ન કરવાના નહીં. )

પ્રથમ લગ્ન જે રીતે નંદવાયું તેનું દુઃખ મેઘાણીની ભિતરમાં કાયમ રહ્યું .
મેઘાણીના પુત્રવધુ સાથેના,પુત્રી સાથેના, અરે તમામ સંતાનો અને કુટુંબ સાથેના પત્ર વ્યવહારમાં જીવન અને તેમાં ઉદ્ભવતાં કે ઉદ્ધભવવાની શક્યતાઓના પ્રશ્નો અને સમસ્યાઓનો ઊંડાળથી વિચાર વિમર્શ જોઈ શકાય છે …જે જીવન પોતાનાથી જીવાયું છે તેનો પ્રામાણિક એકરાર અને ‘પરમ સમીપે’ ની ખોજ માટેનું મંથન છે !

3 thoughts on “હાં રે દોસ્તત હાલો અમારે દેશ-5) મેઘાણીનું મનોમંથન !

  1. ખૂબ સરસ ગીતાબેન,મેઘાણીનાં જીવનની કેટલીયે અણજાણી વાત જાણવા મળી.આ થકી હવે જ્યારે મેઘાણીની કૃતિઓ વાંચીશું તો નવા દ્રષ્ટિકોણથી વાંચવાની જુદી મઝા આવશે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.