૦૫ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

0AB7B210-CC6C-4EE2-ADCD-A48846225890

સવારે ઊઠીએ ત્યારે મોટાભાગે આપણે કરસંપુટ આંખ સામે રાખીને મનોમન કહીએ છીએ.

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમૂલે સરસ્વતિ
કરમધ્યે તું ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્.

પણ એ કરસંપુટને વળોટીને જ્યારે નજર સામે એક આખું અચરજ ફેલાયેલું દેખાય ત્યારે એ સવાર કેટલી સુંદર બની જાય! બસ બરાબર આજે એવું જ થયું. આજની ઊઘડતી સવાર કલ્પનાની પરે કહી શકાય એવી હતી. આમ તો આ શિયાળાના દિવસોમાં સૂર્યનારાયણ પણ જરા મોડા ઊઠે. કદાચ એમને પણ આ આખી રાતની ટાઢી બર્ફીલી ચાદર ખસેડીને આપણી જેમ બહાર નીકળવાનું મન નહીં થતું હોય! જાણે એમણે જરા અમસ્તુ ડોકિયું કર્યું ને આખું જગ ઝળહળ ઝળહળ…. રાતુંચોળ કંકુ ખર્યું ન હોય! આખું પૂર્વાકાશ. આ તો જાણે બ્રહ્મે પાથરેલા આ ચંદરવાને ઉજાળવા કંકુ છાંટણા થયા કે જગતજનનીએ આ જગતને એક નવી શરૂઆતના એંધાણ આપતા અજવાસ પાથર્યા? અને મનોમન મંદિર સર્જાયું, કાનમાં ઘંટારવ ગાજ્યો, એક દીવડો ઝળહળયો…અને અવિનાશભીઈના શબ્દો સરી પડ્યા;

માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

‘માડી તારું કંકુ’ માત્ર એક ગરબો જ છે એવું નથી પણ આ એક ચિરસ્મરણીય ભક્તિરચના છે. એટલે જ આજે અમેરિકામાં ઊઘડતાં પ્રભાતે કંકુ ખેરવતાં સૂર્યને જોઈએ ત્યારે અવિનાશ યાદ આવે. દરેક વ્યક્તિની એક આભા હોય જેના વિશે વિચારીએ તો પણ એ આભા આપણા સુધી પ્રસર્યા વગર રહે જ નહીં. ‘માડી તારું કંકુ’ જેવી આટલી હૃદયનાં તળ સુધી સ્પર્શતી રચનાની સાથે જ એના રચયિતા અવિનાશ વ્યાસની એક આભા મન પર ઊપસ્યા વગર રહે ખરી? ગીતકારના ભાવ કે ભક્તિ આપણા સુધી પહોંચ્યા વગર રહે ખરા? આજે પણ અનેક સ્વરકારો-ગાયકો તેમાં સૂર-તાલનું તેલ પૂરી ગુજરાતી સંગીતને આગળ લાવી રહ્યા છે. પણ એ દીવડાની જયોત વધુ ઊંચી કોઇએ કરી હોય તો તે અવિનાશ વ્યાસ.

સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસ માતાજીના પરમ ભક્ત હતા.‌ એમણે રચેલા માતાજીના ગરબા પણ આ ભક્તિને લઈને જ સ્ફૂર્યા હશે. અવિનાશ વ્યાસનાં પત્ની ગરબા ખૂબ સારા ગાતા અને ગૌરાંગ વ્યાસે આ ગળથૂંથીના સંસ્કારો જાળવી વારસો દીપાવ્યો છે તે બધા જાણે છે. આમ જોઈએ તો, ગરબો એટલે કે ગર્ભદીપ એ આપણી સંસ્કૃતિનું મંગળ પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને ફાળે જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું કહી શકાય. ગરબા વિશે પણ અવિનાશ વ્યાસના વિચારો-ભાવના અત્યંત સ્પષ્ટ હતા.

અવિનાશ વ્યાસ ગરબાને અનુલક્ષીને કહેતા, ‘ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલમેલ છે.’ વળી સહેજ આગળ વધીને કહેતા, ‘ગરબાને થોડું ઘણું નૃત્ય સાથેય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈપણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ.’ આમ જુઓ તો,ગરબા ગાવાની, ગવરાવવાની, સાંભળવાની આ ભવ્ય પરંપરાને અવિનાશભાઈએ જીવી છે અને એટલે જ ગુજરાતનો લોકપ્રિય અવાજ, અંદાજ, રણકાર-ઝણકાર, તાલ-લય બધું જ એ એમની રચનામાં પરોવીને પીરસતા.

અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’નાં આમુખમાં તેમણે લખ્યું છે, ‘વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્ય રચના તો વર્તુળ ખરી જ પણ એનાથીય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે.’

કેટલાકને પ્રશ્ન થાય કે ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં કે અન્ય શબ્દો કેવી રીતે આવે? તો એનો જવાબ આ છે. અવિનાશ વ્યાસે એક ગરબો લખ્યો. એમાં ગરબો કહે છે; આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રી કૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ.‌ એટલે જ આજે ગાયકો ફિલ્મોનાં ગીતો પણ ગરબાના તાલે ગવડાવે છે.

ગરબાની સાથે ચાચરના ચોકનો તો જાણે સનાતન સંબંધ. પહેલાં ક્યાં આવા ડીજે કે ધાંધલિયું સંગીત હતું? ત્યારે તો ચાચરના ચોકમાં માતાજીની છબી ગોઠવાય, અખંડ દીવો પ્રગટાવાય અને આરતીની સાથે ગરબાનો ઉપાડ થાય અને પછી રમઝટ જામે.

અવિનાશભાઈએ આ પારંપારિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃતિને અકબંધ રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં.‌ એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે. એ ગરબા છે: ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, ‘હવે મંદિરનાં બારણાં ઉઘાડો’ અને ‘માડી તારાં મંદિરિયામાં ઘંટારવ વાગે.’ સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ કહેવાય છે કે નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ છે.

અવિનાશ વ્યાસનો દર વર્ષે અંબાજી દર્શને જવાનો નિયમ હતો. માતાજીના સન્મુખ ઊભા હોય, દર્શન કરતાં જાય અને આંખમાંથી આંસુનો અભિષેક વહેતો જાય અને ગીતની રચના થતી જાય. મૂળે અવિનાશ વ્યાસ પ્રકૃતિથી જ અત્યંત સૌમ્ય અને સહ્રદયી. અવિનાશ વ્યાસને ઓળખતી એમની પેઢીની સમવયસ્ક વ્યક્તિઓ જ્યારે અવિનાશ વ્યાસ વિશે વાત કરે ત્યારે એમની વાતોમાંથીય એમનું એક ચિત્ર તૈયાર થાય. અવિનાશ વ્યાસને અત્યંત નજીકથી ઓળખતા પત્રકાર શશિકાંત નાણાવટી કહેતા, ‘અવિનાશભાઈ સ્વભાવે અત્યંત મૃદુ અને ઋજુ હૃદયના હતા. કોઈપણ વસ્તુ એમને સ્પર્શે એટલે એમની આંખમાં આંસુ આવી જતા.’

મુંબઈ ભગિની સમાજના કર્તા કલ્લોલીનીબેન હજરત કહેતાં, ‘અવિનાશભાઈ અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. માતાજી પરની અપાર શ્રદ્ધાને લઈને જ્યારે એમની સન્મુખ માતાજીને જોતાં ત્યારે એ અત્યંત ભાવવિભોર બની જતાં. આવી ભાવવિભોર મનોસ્થિતિમાંથી તો જે રચાય એને તો માતાજીના આશિષ જ હોય અને એ રચના ચિરંજીવ જ બની જાય ને? આજે અને આવતા અનેક વર્ષો સુધી અવિનાશ વ્યાસ અને એમના આટલા ભાવવાહી ગીત, ગરબા આપણને પણ ભાવવિભોર બનાવતાં જ રહેશે.

રાસબિહારી દેસાઇ કહે છે, ‘તમે સંશોધન કરો, મારી ખાતરી છે કે આપણી ભાષામાં ઉરચકોટિના કે ગણનાપાત્ર કવિઓની રચના જેટલી – જેવી ગવાઈ છે, જેને ખરેખર કવિતા કહેવાય તેવી કૃતિઓ આપણે ત્યાં સ્વરબદ્ધ થઈ છે તેટલી બંગાળ-મહારાષ્ટ્રને બાદ કરતાં ભારતની અન્ય કોઈ ભાષામાં નથી થઈ.’ લિખિત ગુજરાતી કવિતાઓની જેમ, સ્વરબદ્ધ ગુજરાતી રચનાઓ પણ પાંચ સદી કરતાં વધારે સમયથી આપણી સંગીત તૃષા જ નહીં આપણી પરંપરા અને સંસકતિના ઉપવનને પોષી રહી છે. પ્રથમ સ્વરકાર કોણ? જવાબ સાવ સહેલો છે. નરસિંહ મહેતા. ત્યારબાદ પ્રેમાનંદ અને અન્ય આખ્યાનકારોએ, માણભટ્ટોએ એ પરંપરાને જીવાડી. ત્યારબાદ આવ્યું જૂની રંગભૂમિનું સંગીત અને આઝાદીની ચળવળની પ્રભાતફેરીઓ પરંતુ સંગીતના આ લોકઢાળને આકાશવાણીએ ઘાટ આપ્યો અને શ્રુતિ તથા સૌરાષ્ટ્રની અમે શિવરંજની જેવી સંસ્થાઓએ તેનું પોત ઘડ્યું. સંખ્યામાં થોડા પરંતુ સર્જન-સમજમાં બહોળા કલાકારોએ કાવ્ય સંગીતની બારમાસી સરિતા વહાવી છે. કોઈ દિવસ નહીં વિસરાય એ નામો. ગુજરાતી કાવ્યસંગીતનું સંવર્ધન કરવામાં ત્રણ પેઢીનું પેશન રહ્યું છે પરંતુ તેમાં પણ અવિનાશ વ્યાસનું નામ સદા ઊચા સ્વરે જ લેવાશે. ગીત, ગઝલ, ગરબા, ભજન વગેરે કોઈ પ્રકાર તેમણે બાકી રાખ્યો નથી. સંગીતચાહકો કહે છે તેમણે ગુજરાતને ગાતું કર્યું તે આજે પણ સાચું જ લાગે. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસના સ્વરાંકનો પણ એવાં જ સુરીલા છે.

ગુજરાતી ફિલ્મોના સંગીતને તો બેશક અવિનાશી યુગનું નામ આપી શકાય. ગુજરાતને સંગીત અને સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર અને અસરમાં પણ કવિતાની ‘લોકપ્રિય’ અને ‘લોકશ્રવણીય’ વિરાસત અવિનાશભાઈએ આપી. આ જ વાત એમને સોળે કળાએ નખશિખ કલાકાર બનાવે છે. ‘રાખનાં રમકડાં’, ‘પાટણથી પટોળાં’, ‘ઝૂકી પડ્યો ઊચો હિમાલય’, ‘ઝમકે ના ઝાંઝર’, ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવી રચનાઓ આજે ૪૦ વર્ષનાં વહાણાં વાયાં પછી પણ તાજી છે. ચાલો એના વિષે આવતા અંકે વાત

અત્યારે તો એકવાર નહીં અનેકવાર સાંભળેલી આ ભાવભક્તિસભર રચનાને સાંભળીએ. અવિનાશ વ્યાસની આ રચના ક્ષણવારમાં તમારા માટે અશ્રુધાર વહાવવાનું માઘ્યમ બની શકે. આંખ આપોઆપ બંધ થઈને કોઈક ઉજ્જવળ, ધવલ કપાળમાંથી કંકુનાં ખરતા કણને ઝીલવા માટે મારી જેમ જ ખોબો ધરશે.

http://www.mavjibhai.com/MadhurGeeto/178_maditarukanku.htm

Rajul Kaushik

http://www.rajul54.wordpress.com

3 thoughts on “૦૫ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

 1. આ ગીત માટે તો કાન અને નિરાંત ની જરુર છે
  આવું સરસ આકાશ હોય અને ઉગતો સૂરજ …અને યાદ આવે …..માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો……. અદકેરો આનંદ તો ખરો જ! લાલાશ ભર્યા સોનેરી સૂર્યના પ્રકાશમાં જેના સપ્ત રંગી કિરણો ધરતીના પટને ચેતનવંતો ને આનંદમય કરે ત્યારે .. ચારે બાજુ ઉષ્મા ભર્યું વાતાવરણ સર્જાય અને થાય… જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો…. કવિ અવિનાશ વ્યાસની આ ઉત્તમ કાવ્ય કૃતિ છે. સદાય સ્મૃતિમાં રહેલું ગીત ઉપસી આવે એ સ્વાભાવિક છે.
  આજે ખૂબ મજા આવી રાજુલબેન

  બ્રહ્માંડના અસ્તિત્વને ધરતી તથા સૂર્ય,ચંદ્ર અને તારાના શણગારને માના આભૂષણ તરીકે વર્ણવ્યા છે. અને આ ભાવ ભર્યા શબ્દો

  Liked by 1 person

 2. નવરાત્રીના દરેક દિવસના આરંભમાં ગવાતી આ માની અદ્ભૂત સ્તુતિના શબ્દો માની સાથે તાદાત્મ્ય સાધવા માટે જ ન સર્જાયા હોય તેવા છે! તારા સુંદર શબ્દોના ભાવાર્થથી તેને ચાર ચાંદ લાગી ગયા.અવિનાશભાઈએ આપેલ ગરબાની નવીન વ્યાખ્યા અને તેમના માતાજી સાથેના તાદાત્મ્યથી સર્જાએલ સર્જન અંગેની જાણકારી ખૂબ સરસ રહી…..

  Liked by 1 person

 3. અવિનાશ ભાઈની જેટલી સુંદર રચના, જેટલા સરસ શબ્દો,તેવું જ તરબોળ કરતું રાજુલ બેનનું લખાણ! આહાહા….જાણે વાંચ્યા જ કરીએ.મારો પ્રિય ગરબો જાણે રગેરગમાં જીવંત થઈને વહેવા લાગ્યો!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.