હાં રે દોસ્તત હાલો અમારે દેશ -૨) લોક સાહિત્ય અને મેઘાણી !

લોક સાહિત્ય અને મેઘાણી !

“ એ હાલો ભાભી ! આજે તો આપણે જાગરણ કરવાનું છે “ફળિયામાંથી અડોશ પડોશની વહુ – દીકરીઓના સાદ સંભળાતા હતા . અષાઢ મહિનો એટલે વ્રત વરતોલાંનો મહિનો ! એમાંયે સૌરાષ્ટ્ર , અને તેમાંયે અમારી હાલારી ભોમનું આ જામનગર તો સવિશેષ પ્રખ્યાત ! અમારું ઘર ખુબ જ જાણીતા આણંદાબાવા ના આશ્રમ નજીક – ચકલામાં જ ! ગામનું ધબકતું હૈયું ગણાય તેવો જીવંત વિસ્તાર ! હડી કાઢો તો ચાર મિનિટમાં પાંચ મંદિરની પ્રદક્ષિણા થઇ જાય તેમ બરાબર ગામ વચ્ચે જ ! આમ પણ આ શહેરને છોટા કાશીનું બિરુદ કાંઈ અમસ્તું મળ્યું નો’તું ! શેરીએ શેરીએ મંદિરો અને ચૌટે ચૌટે ઘડવીઓ કે કથાકારોથી આ ગામ સમૃદ્ધ !

અહીં, અમારાં ફળિયામાં બધાં જ તહેવારો પુરી ધામધૂમ અને પ્રણાલી પ્રમાણે ઉજવાય ! લોકો પણ જાણેકે ચાર પાંચ પેઢીથી ત્યાંજ વસતાં એટલે બધું વરસોવરસથી ચાલ્યું આવતું !

રાતે જમી પરવારીને બધી સ્ત્રીઓ ભેગી થઇ પછી ગરબાની રમઝટ જામી !

આ એ સમયની વાત છે જયારે ટેલિવિઝનનું અસ્તિત્વ નહોતું ; લોકોની ઘેર ફોન પણ નોંધાવ્યા પછી દશ બાર વર્ષે આવે ! ત્યારે નવરાશના સમયે ગામનો ચોતરો કે ઘરનો ઓટલો જ ટાઈમ પાસનું સાધન હતાં!

સરખે સરખી સહેલડીઓ ભેગી થઈને ટોળટપ્પાં કરતી વાતોએ વળગી .. પછી કાઠિયાવાડી લ્હેકા સાથે મીઠાં મધુરાં અવાજમાં ગવાતાં ગરબા – ગીત – ભજન શરૂં થયાં ..હું વિસ્મયથી સાંભળી જ રહી ! કાંઈક જુદા વસ્તુ વિષયનાં બહુ જાણીતા નહીં એવાં એ ગીતો હશે!

પણ પછી રાત વધી તેમ થોડા સમયમાં તો મહિલા મંડળીમાં ઓર રંગત આવી !

હવે બધી જુવાનડીઓ ગરબે ઘુમવા શેરીની વચ્ચે આવી , વડીલ મહિલાઓ ઓટલે બેસીને સાદ પુરાવતી હતી ….

“ એક ઝાડ માથે ઝુમખડું!

ઝુમખડે રાતાં ફૂલ રે ;

ભમ્મર રે રંગ ડોલરિયો !

આ તો મારું પરિચિત ગીત હતું ! મને અંદરથી જ એક ઝણઝણાટી થઇ ગઈ !

એક સિંધુ – પાળે સાંજલડી,

સાંજલડીએ રાતા હોજ રે

ભમર રે રંગ ડોલરિયો !

“ઝવેરચંદ મેઘાણીનું આ ગીત છે , બહેનો !” હું મનોમન બોલી , જાણે કે પિયરનું પારેવું આંગણે આવ્યું !! મને એટલો બધો આનંદ થયો એ શબ્દો સાંભળતાં!

એક જણે હવે ગરબો શરૂ કર્યો ;

“ અષાઢી સાંજનાં અંબર ગાજે !

અંબર ગાજે મેઘ ડંમ્બર ગાજે ,

“ અષાઢી સાંજનાં અંબર ગાજે !

ભાભીની રાતી ચોળ ચૂંદડી ભીંજે

ચૂંદડી ભીંજે , ખોળે બેટડો રીઝે ..

અષાઢી સાંજનાં અંબર ગાજે !

વાહ ! મારાં પરિચિત ગરબાથી હું આનંદથી ઝૂમી ઉઠી !

મેઘાણીનાં ગીત ગરબા અમે કોલેજ જીવનમાં ખુબ માણ્યાં હતાં! એમનાં ગીતો એટલાં બધાં પ્રચલિત છે કે ક્યારેક એ અજાણ કવિના લોકગીતમાં ખપી જાય ! તો ક્યારેક એ લોક ગીતો મેઘાણીની કૃતિ તરીકે પ્રખ્યાત થઇ જાય !

આમ તો ઝવેરચંદ મેઘાણીએ એમનાં ટૂંકા એકાવન વર્ષનાં જીવનમાં ખુબ લખ્યું છે ; પણ માત્ર એ માટે જ આપણે એમને યાદ નથી કરતાં. એમ તો ગાંધીયુગનાં કવિઓમાં ઉમાશંકર જોશી કે કનૈયાલાલ મુન્શી વગેરેએ પણ માતબર પ્રદાન કર્યું છે . પણ લોકસાહિત્યની સૌ પ્રથમ વાર સમજ સુજ્ઞ સમાજને જો કોઈએ આપી હોય તો તે મેઘાણીએ ! લોક સાહિત્ય એટલે લોકોની જીભ પર જીવંત રહેલું સાહિત્ય ! ઝવેરચંદ મેઘાણીએ ગાંધી યુગના વિદ્દ્વાન સાહિત્યકારો અને શિક્ષિત સમાજને સમજાવ્યું કે ગામડામાં રહેતાં ગ્રામ્ય સમાજમાં પણ સાહિત્ય પડ્યું છે , જેની આપણને ખબર નથી ! અને એ સાહિત્ય પણ મૂલ્યવાન છે !

સૌ પ્રથમ તો એમણે સૌરાષ્ટ્રનાં આ લોક સાહિત્યને સાંગોપાંગ પુરા પ્રેમથી જોયું અને માણ્યું! પછી એને કાગળ પર લખીને અ ક્ષર દેહ આપ્યો ! તે માટે તેઓ ગામડે ગામડે અને નેસડે નેસડે ફર્યા !લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિનો અનમોલ ખજાનો સાચવવાનું ભગીરથ કાર્ય એકલે હાથે કર્યું !

લોકગીતો એટલે લોકોની જીભે સચવાયેલ ગીતો ! એમાં લય હોય , ઢાળ હોય , પ્રાસ હોય , એમાં ગેય તત્ત્વ હોય જે એને ચિરંજીવી બનાવે ! જો કે; ગેય તત્ત્વ ના હોય તોયે એમાં આવતાં અટક – ખટક કે પ્રાસ કે રવ – સ્વરની ગુંથણી પણ આપણને ગમી જાય એવુંયે બને ! ઉદાહરણ તરીકે :

માં મને કોઈ દિ સાંભરે નહીં !

પંક્તિને અંતે જે અટક આવે છે તેનાથી સમગ્ર કાવ્ય કરુણ બની જાય છે .. અથવા તો :

“ચૂંદડી –

ચાર લોકમાં ગોતું ! આભમાં ગોતું ! ..”

અહીં જાણે કે ખોવાયેલ ચૂંદડી સાદ પાડી બોલાવતાં હોઈ એ તેવો સુંદર ભાવ પ્રગટ થાય છે ..

હું એવાં વિચારોમાં ખોવાઈ હતી ત્યાં અવાજ આવ્યો ;

“ ભાભી , હવે તમારો વારો , કોઈ ગીત ગવડાવો!” બધાં ઉમળકાથી ફળિયાની બધી વહુવારુને આગ્રહ કરીને ગીત માટે તૈયાર કરતાં હતાં ..

મારું પ્રિય ગીત ;

“ ભેટે ઝૂલે છે તલવાર , વીરાજી કેરી ભેટે ઝૂલે છે!

ભીંતે ઝૂલે છે તલવાર બાપુજી કેરી ભીંતે ઝૂલે છે !”

મેં ગવડાવ્યું ; અને તેની વાર્તા પણ કહી !

કેડ ઉપર રાખેલી તલવાર રક્ષણ કરવા માટે તૈયાર છે , અને ભીંત ઉપર લટકાવેલી તલવાર શોભામાં અભિવૃદ્ધિ કરવા લટકાવેલ શો પીસ છે!” મેં નાનું લેક્ચર ( સ્વભાવ પ્રમાણે ) આપી દીધું ..

મોટો જીવ્યો છે પાય શત્રુના પુજતો ;

નાનેરો સૂતો સંગ્રામ !

અને પછી

‘ મોટાનાં મોત ચાર ડાઘુએ જાણિયા,

નાનાની ખાંભી પૂજાય ..

મેં મેઘાણીનું આ પ્રચલિત ગીત ગરબાના ઢાળમાં ગવડાવ્યું . આ ગીત માટે કહેવાયું હતું કે એની એટલી બધી રેકર્ડ વેચાઈ હતી કે એ સમયે સમગ્ર સાહિત્ય પુસ્તકોના વેચાણ કરતાં એની વીસ ગણી વધારે આવક થઇ હતી ..

મને લાગ્યું કે મને જેમ એમનાં ગીત ગરબામાં રસ રુચિ હતાં તેવાં રસ રુચિ એ સૌને મારાં આ ગીત ગરબા પિષ્ટપેશણમાં હતાં . મારી અમદાવાદની બોલીથી ઘડીભર શાંતિ છવાઈ ગઈ હતી પણ હવે મને લાગ્યું કે બસ મને એ સહેલીવૃંદમાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો !  આમ તો અમે વીસેક જુવાનડીઓમાંથી અડધા ઉપરાંત બહેનો હાઈસ્કૂલ પાસ પણ નહોતી ; પણ બધી જ બહેનોના ઉત્સાહ ઉમંગ અનેરાં હતાં , અને ગીતો ગાવામાં જાણેકે બધાં એક બીજાની હરીફાઈ કરતાં હતાં! અને આ બધાં સાથે વડીલ મંડળનાં મંગળાબેન અને દકીબેને પણ મને આશીર્વાદ સહ વધાવી લીધી .

લોકસાહિત્ય ભેગું કરવાના મારાં શોખને અનુકૂળ હવા મળી હતી .. હું ભવિષ્યના વિચારોમાં ખોવાઈ રહી હતી ..રાત હજુ નવોઢાની જેમ ધીમે ધીમે ઘૂંઘટ ખોલી રહી હતી .. મેં નોંધ્યું કે મને આશીર્વાદ આપનારાં મંગળાબેન અને દકીબેન ક્યાંક ગાયબ થઇ ગયાં હતાં .. મારાં આશ્ચર્ય વચ્ચે હવે પછી જે બન્યું તે સુજ્ઞ વાચકો , તમારી કલ્પના બહારનું છે ! એ સુંદર લોકસાહિત્યની રસલ્હાણ આવતા અંકે !

૦૨ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

એ દિવસ મને આજે પણ બરાબર યાદ છે. મારી છ વર્ષની ઉંમર હતી અને પપ્પા અમને એ દિવસે રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’ જોવા લઈ ગયા હતા. ફિલ્મ જોવી એ મારા માટે એ સમયે ખાસ કોઈ મઝાની વાત હતી એવું નહોતું. હા, જરા નવી વાત જરૂર હતી. પણ પછી તો એમાંય ખાસ કોઈ નવિનતા રહી નહી કારણકે પપ્પા એ સમયે પણ જાણીતા પત્રકાર, વિવેચક, સમીક્ષક, નાટ્ય લેખક અને ફિલ્મની સાપ્તાહિક પૂર્તિના સંપાદક હતા.

અમદાવાદ શહેરના અને મુંબઈના કંઈ કેટલાય લેખક, ગાયક, ગીતકાર, સંગીતકાર, કલાકાર, નાટ્યકાર સાથે એમને ઘરોબો એટલે આ બધા કલાકારોને જોતી – ઓળખતી હું મોટી થતી રહી.

ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’ના પ્રિમિયર શોના બીજા જ દિવસની વાત છે. એ સમયના જાણીતા અભિનેતા રાજેન્દ્રકુમારનો મારા પપ્પા ઈન્ટર્વ્યુ લેવાના હતા. આ હિન્દી ચલચિત્રના અભિનેતાએ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું.  ગુજરાતી ફિલ્મમાં અભિનય દરમ્યાનના અનુભવ વિશે જ વાત એના ઇન્ટરવ્યૂમાં હતી. જોકે, ૬ વર્ષની ઉંમરે મને આ પ્રિમિયર શો કે ઈન્ટર્વ્યુની પણ ક્યાં ખાસ સમજ હતી અને એમની સાથેની વાતોમાં ખાસ તો એવું કશું મઝા પડે એવું નહોતું. એ સમયે તો કોઈપણ અભિનેતા કે અભિનેત્રીને મળવું એ પણ મારા માટે ખાસ કોઈ રસપ્રદ વાત નહોતી. રસ હતો તો માત્ર એ જ કે એ ઇન્ટર્વ્યુ હતો અમદાવાદના કાંકરિયાના બાલવાટિકામાં…..

ઇન્ટર્વ્યુ તો ટેપ થવાનો જ હતો સાથે જે ફોટા લેવાય એમાં પણ બેક-ગ્રાઉન્ડ સુંદર હોય તો એ ફોટા પણ શોભી ઊઠે એટલે એના માટે પસંદ કરવામાં આવ્યું એ સમયનું બાળવાટિકા અને એ બાળવાટિકાનો નકશીકામવાળો ઝૂલો.  

એ ઉંમરે બાલવાટિકા, એનું અરીસાઘર, બોટહાઉસ તો મારી પ્રિય જગ્યાઓ અને એનો પેલો નકશીકામવાળો હિંચકો, એ તો મને બહુ જ ગમતો જેની પર બેસી ઝૂલતાં ઝૂલતાં રાજેન્દ્રકુમારનો ઇન્ટર્વ્યુ લેવાનો હતો. આપણા રામને પણ નકશીકામવાળા ઝૂલા પર ઝૂલવામાં જ રસ હતો.

ઈન્ટર્વ્યુ સમયે રાજેન્દ્રકુમારની સાથે વાતોની વચ્ચે એ ગુજરાતી ફિલ્મનાં ગીતો પણ ટેપ રેકોર્ડર પર વાગતાં હતાં. બાકી બધું તો ભૂલાઈ ગયું પણ એ સમયે સાંભળેલો ગરબો આજ સુધી મારી યાદમાં જડાયેલો છે.

મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે….

આગલા દિવસે પરાણે જોયેલી ફિલ્મમાંથી પણ આ ગરબો જ મને બહુ ગમી ગયેલો. ઇન્ટર્વ્યુ સમયે ફરી સાંભળવા મળતા હું તો રાજી રાજી કારણ કે એ ગરબામાં માથે જાગ અને બેડા સાથે સ્ત્રીઓની એન્ટ્રી, એ મારા માટે કંઈક નવું હતું. માથે આવો ભાર લઈને કેવી રીતે ગોળ ગરબે ઘૂમી શકાય? એ સાચે જ મારા માટે કોયડો હતો. પછી તો ત્રણ તાળી સાથેની રમઝટમાં મને ખુબ મઝા પડી ગઈ. ઘરે આવીને અરીસા સામે ઊભી રહીને આપણે તો એ રીતે માથે નાની ઘડૂલી મૂકીને ગરબે ઘૂમી પણ લીધું.

ઘણા બધા સમય પછી સમજાયું કે; જે ગરબો ગમ્યો હતો એ તો લખ્યો હતો કોઈએ, ગાયો હતો કોઈએ અને એના તાલે ઘૂમ્યા હતા અન્ય કોઈ. એ દિવસે ઇન્ટર્વ્યુ દરમ્યાનની વાતોમાં રાજેન્દ્રકુમાર સાથે ઉષા કિરણ, લતા મંગેશકર એવાં બધાં નામો સાથે એક બીજું નામ પણ અવારનવાર સાંભળવાં મળતું. એય યાદ રહી ગયું હતું. એ નામ હતું, અવિનાશ વ્યાસ. એ નામ મને સમજણ આવ્યાં પછી અવારનવાર મારા કાને પડવાં માંડ્યું.  

મારા બાળપણ, કિશોરાવસ્થા, તરુણાવસ્થાથી માંડીને એ નામ સાથેનો જોડાયેલો સંબંધ આજ સુધી અકબંધ છે. જ્યારે હું સપ્તપદીના ફેરા લઈ રહી હતી ત્યારે ગવાતાં મંગળાષ્ટક અને વિદાયગીતમાં અવિનાશ વ્યાસ શબ્દરૂપે ગૂંજતા હતા. એક સરસ મઝાના પત્ર પર લખેલાં એ મંગળાષ્ટક અને વિદાયગીતની નીચે હસ્તાક્ષર સાથે લખેલું હતું, ‘ચિરંજીવ રાજુલ માટે સસ્નેહ, અવિનાશ વ્યાસ’ અને મંગળાષ્ટક કે વિદાયગીત તો હંમેશ માટે કુમકુમપત્રિકા જેટલા જ ચિરસ્મરણીય ને!

મઝાની વાત તો એ પછીની છે. લગ્ન પછી ફરવા જવાં અમે ટ્રેનમાં સફર કરતાં હતા. એ સફરમાં ટ્રેનનાં કંપાર્ટમેન્ટમાં ચાર વ્યક્તિઓ પૈકી એક હતી અવિનાશ વ્યાસ.

બોલો…ચાર દિવસ પહેલા લગ્ન સમયે જે વડીલે સદા સુખી રહે એવા આશીર્વચનો સમાં મંગળાષ્ટક અને વિદાયગીત લખ્યાં હોય એમની સાથેની સફર કેવી હોય! સાચું કહું તો, મને એવું અજુગતું લાગતું હતું પણ શ્રી અવિનાશ વ્યાસ તો એક ધ્યાનસ્થ ઋષિની જેમ શાંતચિત્ત બેઠા હતા.

એમને જોઈને એવી કલ્પના પણ ન આવે કે મને ખુબ ગમતું ‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે’ જેવું મસ્તીભર્યું ગીત  કે ‘હે હૂતુતુતુ’ જેવું ચિંતનાત્મક અને તેમ છતાં ગુજરાતી ભાષાના સૌ પ્રથમ રેપસોંગની કક્ષામાં મુકાય એવું ગીત અને એનાં એ રચયિતા હશે.

શ્રી અવિનાશ વ્યાસ એક નથી, અનેક છે. એ ગીતકાર છે, એ સંગીતકાર છે. ગુજરાતી સંગીતને સુગમ બનાવવામાં, સામાન્યથી માંડીને સાક્ષર સુધીની કક્ષાએ લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનન્ય છે. ઘર ઘરમાં વ્યાપેલાં એમનાં ગીતો સદાબહાર છે. એમનાં નામની જેમ જ એમનાં ગીતો પણ અવિનાશી છે. એ અનેક નથી એ એક છે એ અવિનાશી અવિનાશ છે.

મને, તમને, સૌને ગમે એવા શ્રી અવિનાશ વ્યાસ વિશે ખૂબ વાતો કરવી છે.


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

.

“वाचिकं सर्व वाङ्ग्मयम ”

મિત્રો ,

રવિવાર એટલે કશુક નવું કરવાનું ખરું ને ?

તો ચાલો આજે વાચવાની આળસ આવતી હોય તો આજની આ વિડીયો જોઇને સાહિત્યને માણો.

નયનાબેન પટેલ દ્વારા વાર્તા પઠન – ગોડ બ્લેસ હર

(આપણી માતૃભાષા એ વાંચવા, લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ સાંભળવાથી સમજણના અને વિચારોના મૂળ સુધી પહોંચે છે.’બેઠક’નો હેતુ વાર્તાને સાંભળી શકાય,તેને માણી શકાય અને એ રીતે તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી સાહિત્‍યનાં ક્ષેત્રનું પણ આ ઉત્તમ કામ કરવાનો છે.જેમાં નયનાબેનની સહાયતાથી આપણા યજ્ઞને બળ મળ્યું છે માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે.)

“ખુલ્લી બારીએથી”-વાચક -રાજેશભાઈ શાહ

મિત્રો  
બહાર નીકળવાના દરવાજા અનેક હોય છે પણ અંદર પ્રવેશવાનો દરવાજો એક જ હોય છે.લાગણીની અભિવ્યક્તિ હંમેશા ખુલ્લા આકાશની અનુભૂતિ કરાવે છે.વાચક જયારે સર્જક બને છે ત્યારે મનોગત અભિવ્યક્તિ ને શબ્દનો સહારો મળતા અનુભૂતિ પ્રગટ થાય છે.”ખુલ્લી બારીએથી”આજની નવી કોલમમાં રાજેશભાઇએ એમના ગમતા સર્જક હરિભાઈ કોઠારીને પુસ્તકની બહાર કાઢીને અહોભાવ પ્રગટ કર્યા છે.રાજેશભાઈનું સ્વાગત છે.

“શબ્દ બ્રહ્મના સ્વામી પૂજ્યશ્રી હરિભાઈ કોઠારી”
‘બેઠક`- ગુજરાતી લિટરરી ગ્રુપમાં સભ્યોએ નવી શરુ થયી રહેલી કોલમ – “  જે દર શનિવારે રજુ થશે તેને દિલથી આવકારીએ છીએ.મને મારા આદર્શ એવા પ્રિય સાહિત્ય સર્જક પ્રાતઃસ્મરિણય પૂજ્યશ્રી હરિભાઈ કોઠારી માટે વિચારો અને મારા અહોભાવ રજુ કરવાનો આનંદ છે.
          મારે જયારે પણ કઈ રજુ કરવાનું હોય, લખવાનું હોય તો મન માં પ્રથમ વિચાર આવે કે વેદ-ઉપનિષદ, શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને પ્રાચીન ગ્રંથોમાં અને માટે શું કહેવાયું છે…”ખુલ્લી બારીએથી” ની વાત આવી એટલે મને Readers Digest જે વર્ષો થી દર મહિને બહાર પડતું હતું તેનું પ્રથમ પાનું યાદ આવ્યું. ઋગ્વેદ નો વૈદિક મંત્ર જ કહે છે દસેય દિશાઓથી અમને કલ્યાણકારી અને ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ…અને મુંબઈ ના વિનુભાઈ મહેતા યાદ આવ્યા તે કહેતા કે ઉઘાડી રાખજો બારી….ઘર ની અને મન ની પણ,આ માટે ઘર ની જ નહિ પણ મનની બારી પણ ખુલ્લી રાખવી પડશે.
તો ચાલો, આજે હું મારી કલમ અજમાવું….
      જયારે મારી કલમ મારા મન સાથે એક થાય છે ત્યારે વિચારો ની હારમાળા સર્જાય છે..અને એ સમયે હું મારા મન ને Target આપું છું અને મારુ મન એકાગ્ર થયી ધ્યેય પ્રાપ્તિ માટે લાગી જાય છે. જયારે જયારે, જ્યાં પણ કોઈ વ્યક્તિ જે કાંઈ સર્જન કરે છે અને ત્યારે જો તે કાર્યમાં ખોવાઈ જાય છે, તો ઈશ્વરની ખુબ જ નજીક પહોંચી જાય છે અને ઉત્તમ સર્જનની તકો વધી જાય છે.
મારા આદર્શ રૂપ અને પ્રિય સાહિત્ય સર્જક વિષે વિચાર કરતા પહેલા મને મારુ મીઠું મધુરું બચપણ યાદ આવ્યું અને સાથે સાથે બાળકોમાં પ્રિય થયેલા લેખકોની યાદો મન માં જીવતી થયી ગયી.બાબુભાઇ સોની, જીવરામ જોશી, યશવન્તભાઈ નાયક, હરીશ નાયક,ગિજુભાઈ કેટ કેટલા નામો અને બાલ સંદેશ, ઝગમગ, ચાંદાપોળી, બાલ જગત, ચક્રમ, વી.જેવા સામાયિકો માનસપટ પર આવી ગયા.
         બાળપણથી જ ભાષા-સાહિત્ય ગમતું…ખૂબ વાંચન પણ હતું જ.ચાંદાપોળીમાં લખેલી ….’એક રાજા હતો’ વાર્તા હજુ મારી પાસે છે.કવિતાઓ પણ લખતો,આજે પણ તે કવિતાઓ વાંચું છું. પણ લગભગ ત્રણેક દસકાઓનો ગેપ પડી ગયો…ભારત દેશ છોડી ને અમેરિકા વસવાનું થયું. અહેવાલો ખુબ લખ્યા પણ સાહિત્ય સાથે ઘરોબો કેળવવાના સંજોગો ઉભા થયા.’પુસ્તક પરબ’ એજ  ‘બેઠક’ સાથે જોડાયો ત્યારે અને વાંચન વધ્યું…કલમ પકડી અને લખવાનું શરૂ કર્યું.
       અને જિંદગીમાં એક દિવસ અનાયાસે જ વળાંક આવ્યો જેણે મને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પ્રખર અભ્યાસુ, તત્વચિંતક, યુગ પુરુષ, કર્મયોગી, મહામાનવ, પ્રાતઃસ્મરણીય પૂ. હરિભાઇ કોઠારી સાથે મુલાકાત કરાવી દીધી. બે એરિયામાં આવેલી મિલપીટાસની વૈષ્ણવ હવેલીમાં દર્શન કરવા ગયો હતો. ત્યાં પૂ.હરિભાઈ કોઠારીનું વિડિઓ દ્વારા મનનીય પ્રવચન સૌ વૈષ્ણવો સાંભળતા હતા…હું પણ બેસી ગયો…અને આ એક કલાકના પ્રવચને મારુ જીવન બદલી નાખ્યું. હું તેમના વિડિઓઝ, પુસ્તકો અને પ્રોગ્રામોમાં ઊંડો ઉતારતો ગયો…તેમના પ્રવચનો સાંભળતો ગયો….તેમના મનોભાવોને માણતો ગયો…જ્ઞાન સાથે ભક્તિ નો પ્રકાશ મળતો ગયો …અને મન ને નવી દિશા મળી ગયી..વિચારોને પાંખો મળી, મનની પાંખો ફેલાવવાનો અવકાશ મળ્યો…
      આપણી માતૃભાષા ગુજરાતીના પ્રખર જ્ઞાની,વક્તા,તત્વચિંતક પૂ. હરિભાઈ કોઠારી નો જન્મ વર્ષ 1939માં અને  2011ના વર્ષ માં દેહવસાન થયું તે 72 વર્ષના જીવનકાળ દરમ્યાન તેમણે લગભગ સાડા પાંચ દાયકા સુધી સાહિત્યની સેવા કરી અને કરાવી.તેમનામાં સાક્ષાત સરસ્વતીદેવીનો વાસ હતો. તેમની વાણીમાં પણ સાક્ષાત સરસ્વતીદેવીનાં દર્શન થતાં હતાં. આવા મહાન ગુજરાતી પૂ. હરિભાઈ કોઠારી ગુજરાતનાં ગામેગામ ગયા છે, પ્રવચનો કર્યા છે અને એવી જ રીતે સમગ્ર દુનિયામાં પ્રવચનો કર્યાં છે. પણ સફરની શરૂઆત સ્વાધ્યાય પરિવાર અને શાળામાં જઈ જ્યાં તક મળે ત્યાં પ્રવચન આપી કરી.   25000 થી વધુ મનનીય વ્યાખ્યાનો, યુ.કે, મોરેશિઅસ, નેપાળ, દુબઇ, મસ્તક, યુ.એસ.એ, સિંગાપોર, હોંગકોંગ, એન્ટવર્પ (બેલ્જિયમ), જેવા અનેક દેશોમાં પ્રવચનો ની હારમાળા, 550 થી વધુ CD, 51થી વધુ પુસ્તકો, શબ્દો ઓછા પડે અન્ય માટે માર્ગદર્શક બની રહે એવું તેવું વ્યક્તિત્વ.તેમણે આપણી માતૃભાષા ગુજરાતી માટે અસંખ્ય કાર્યો કર્યા છે. વેદો, ઉપનિષદો, ભગવત ગીતા જેવા મહાન ગ્રંથોનું અપાર જ્ઞાન હતું, એમનાં અનુભવમા ઉંડાણ,પરંતુ આલેખનમાં સરળતા અને સહજતા છે. હ્રદયની ઉર્મીઓને સરળ રીતે સમજાવીને વાસ્તવ સાથે જોડીને શ્રોતા-વાચક-ભાવકના મન-હૃદય સુધી વાત પહોંચાડનારા હરીભાઈના ખૂબ જાણીતા વાક્યો…અને સંદર્ભ જેને સૌ આજેય યાદ કરે છે….તે હવે લખું છું…
-જ્ઞાનથી આંખ આંજવી,
  ને માંજવુ મન ભક્તિથી’
– શ્યામ! તારી બંસી થયી ને બજવું છે જગ મારે;
   સુર છેડવા, કેવા, ક્યારે? તે જોવાનું તારે!
– જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે,
  શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે.
– ગાદલાં બિછાવવામાં રાત તો વહી ગયી,      
  ઊંઘવાનું રહી ગયું અને સવાર થયી ગયી..
-પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,
 બનો ઉત્સાહનું એ સ્થાન ને  સૌનો વિસામો હો!
 સુખી ને સાથ એમાં હો, દુઃખી ને પણ દિલાસો હો!
 પ્રભુ, નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો!
– હું તારી બોલાવું જે, પ્રભુ! મારી ખબર તું લે;
 આ તો તારી મારી બે ની વાત છે, કોઈ ત્રીજું ના જાણી લે!
        લગભગ સાડા પાંચ દાયકા સુધી તેમના ચાહકો તેમને સાંભળતા રહ્યા, માણતાં રહ્યા..પ્રત્યેક દિવડીને પોતાનું નિજી અસ્તિત્વ હોય છે. જે પોતાની આગવી અસ્મિતા પ્રગટ કરે છે.શ્રી હરિભાઈ જેવા એક દિવા માંથી હજારો દિવા પ્રગટતા રહ્યા…શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અમૃતરસનું પાન કરતાં કરતાં સૌ કર્મ યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં ખોવાઈ ગયા.
         મારા અદર્શમૂર્તિ, પ્રેરણામૂર્તિ એવા સાહિત્યકાર, તત્વચિંતક અને પ્રવચનકાર પૂ.હરિભાઇ કોઠારી ની યાદો ને તેમના પ્રવચનો અને પુસ્તકોમાં થી બહાર લાવી,મારા મનના અહોભાવો પ્રગટ કરવાની અને આપની સમક્ષ મુકવાની જે તક મળી છે તેને હું મારું અહોભાગ્ય સમજુ છું અને ધન્યતા અનુભવું છું.
  ભારત થી અમેરિકા આવ્યો તેનો ખાસ લાભ એ થયો કે સાહિત્ય સર્જનની મારી સફરમાં મારા મનની યોગ્ય માવજત કરતો ગયો, અમેરિકા નું મનગમતું આકાશ મળ્યું, તકો થી ભરેલી સ્વપ્નમય ધરતી મળી અને ગુજરાતી ભાષા સાહિત્યના આપના જેવા પ્રેમીઓ મળ્યા.
રાજેશ શાહ -પત્રકાર -ગુજરાત સમાચાર

‘બેઠક’ના સહસંચાલક 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 01

પ્રસ્તાવના

વ્હાલા વાચકમિત્રો,

સાહિત્ય એ વિશાળ સમુદ્ર છે અને વાચક પોતાની નૌકા લઈને તેના પર સરતો હોય છે. દરેક વાચક માટે સાહિત્યનો પોતાનો અલગ અલગ અર્થ હોય છે. કારણ, દરેક વાચકનું ભાવવિશ્વ અલગ હોય છે. પોતાની નૌકા લઈને તે જેટલું ખેડાણ કરે એટલો ભાગ તેનો.

એક વહેલી સવારે પ્રજ્ઞાબેન ફોન પર રણકયા, ‘તમારા પ્રિય લેખક કોણ? કોના પુસ્તકો વાંચીને તમે મોટા થયા?’ એમનો સવાલ અણધાર્યો હતો પણ મારો જવાબ ખૂબ સહેલો હતો. જરા પણ સમય લીધા સિવાય મારો જવાબ હતો, ‘કનૈયાલાલ મુનશી’.

મુનશીનાં પુસ્તકો એક વખત નહિ પણ દરેક વેકેશનમાં વારંવાર વાંચી મારું મનોવિશ્વ ઘડાયેલું. સાહિત્યના સમુદ્રમાં મેં ખેડાણ કરેલું મુનશી ગ્રંથાવલીનું વડે. પ્રજ્ઞાબેનનાં આહ્વાન પર મુનશીએ સર્જેલું અને મારી નજરે અનુભવેલું સાહિત્ય આપ સૌને પીરસવાનું મેં બીડું ઝડપ્યું.

સ્વાભાવિક છે કે પહેલો પ્રશ્ન એ થાય કે ગુજરાતીમાં ઘણા સાહિત્યરત્નો છે તો શા માટે મુનશી? આજે અસ્મિતા શબ્દ નવો નથી. અસ્મિતા શબ્દ આજે જે સંદર્ભમાં પ્રયોજાય છે તેનો પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય કનૈયાલાલ મુનશીને જાય છે. તેમણે ફક્ત એ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો પણ ગુજરાતની અસ્મિતાને ઈતિહાસનાં પૃષ્ઠોમાંથી બહાર લાવી ઉજાગર કરી છે. પોતાનાં સર્જન દ્વારા પૂરી જિંદગી અસ્મિતાની આરાધના કરી છે, અસ્મિતાના ઉદગાતા બન્યા છે. એકલો અને સીધો ઇતિહાસ શુષ્ક લાગે, જ્યારે ઇતિહાસના આધારે લખાયેલી નવલકથા શુષ્ક અભ્યાસને રસમય બનાવી શકે. ઐતિહાસિક નવલકથાનાં સર્જનમાં ક.મા.મુનશીની તોલે બીજા કોઈ ગુજરાતી લેખક ન આવી શકે.

મારાં જીવનમાં મુનશીનો પરિચય તેમનાં કોઈ પુસ્તક દ્વારા નહિ પણ સોમનાથ મંદિરનાં કારણે થયો. મારી ૧૦-૧૨ વર્ષની ઉંમરે પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા ગયેલ. ત્યારે મારા પિતાએ કરેલ વાતનો મારા બાળમાનસ પર ઊંડો પ્રભાવ પડ્યો. ભવ્ય મંદિરની બહાર સમુદ્રકિનારે આવેલ પૃથ્વીના ગોળા અને તીર સામે ઊભા રહીને કે જ્યાંથી એ દિશામાં સીધા જઈએ તો ઉત્તર ધ્રુવ આવે એ સમજાવ્યું અને મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર ખંડિત કર્યું અને બાદમાં આ નવું મંદિર બન્યું તેની વાત કરી. સાથે ગુજરાતના ભવ્ય વારસાને જાણવા મુનશીની લોકપ્રિય ઐતિહાસિક નવલકથાઓ વાંચવી જ રહી તે પણ કહ્યું. પછી શરૂ થયો એ સિલસિલો કે મુનશીનાં લાઈબ્રેરીમાંના તમામ પ્રાપ્ય પુસ્તકો વંચાઈ ગયાં.

મુનશી મને ગમે છે કારણ કે; તેમના લેખનમાં રસની વિવિધતા છે, બુદ્ધિની કુશાગ્રતા છે તો હ્રુદયની સુકુમારતા પણ છે, રાજકારણના આટાપાટા છે તો પ્રેમની છાલકો પણ છે, તેમનાં પાત્રો તેજસ્વી ને ધારદાર છે તો મહત્વાકાંક્ષી ને માનવતાસભર પણ છે. તેથી જ તેમની કૃતિઓની અનેક આવૃત્તિઓ થઈ છે ને વાચક એક જ બેઠકે પુસ્તક પૂરું કરવા ચાહે તેવી પકડ પણ છે.

મુનશીનાં ખ્યાતનામ પુસ્તકોનો રસાસ્વાદ એટલે બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન. એ રસાસ્વાદ કરાવવા મારી કલમનો પનો ઘણો ટુંકો પડે. ત્યારે યાદ આવ્યો અલાસ્કાનાં આકાશમાંથી આકાશગંગા જોતાં મારા વામન અસ્તિત્વનો એહસાસ. સાથે જ રોમે રોમ અનુભવેલો રોમાંચ અને હર્ષ પણ યાદ આવ્યો. ત્વરિત નિર્ણય લેવાઈ ગયો. મુનશીનાં પુસ્તકો વાંચીને મારાં જેવી એક આખી પેઢી મોટી થઈ છે. મુનશીનાં એ શબ્દવૈભવ, સંસ્કારવૈભવ, સંસ્કૃતિવૈભવની અનુભૂતિ જે મેં કરેલી તેના ઘૂંટડાઓનું રસપાન સૌને કરાવવું.

આ નક્કી કરતાંની સાથે જ મનનો ઘોડો કૂદકે ને ભૂસકે દોડવા લાગ્યો. આપણે ત્રણ કાળમાં જીવીએ છીએ. ભૂતકાળ- જે જ્ઞાત છે, તેનો અનુભવ વર્તમાનમાં કરીને અજ્ઞાત ભવિષ્યનાં સપનાં જોઈએ છીએ. હાલમાં જ દુબઈ ફ્રેમની મુલાકાત વખતે ત્રણ કાળનું સુંદર નિરૂપણ જોયું. મુનશીએ પણ ભૂતકાળમાંથી જીવંત ઇતિહાસના પ્રસંગો લીધા, વર્તમાન સમયને અનુરૂપ રસપ્રચુર ઢાળ્યા અને ભવિષ્યની પેઢી માટે સંસ્કૃતિવારસાનું સર્જન કર્યું. મારે આ લેખમાળામાં ફક્ત તેમની ઐતિહાસિક નવલકથા જ નહિ પણ સમગ્રતઃ તે સંસ્કારપુરુષની બહુમુખી પ્રતિભા, તેમની તેજસ્વી સિદ્ધિઓ, ગુજરાત, રાષ્ટ્ર અને સાહિત્યમાં તેમના પ્રદાનની પ્રસન્નતાપ્રેરક વાતો આલેખવી છે. તો મળીશું, દર શુક્રવારે…..

— રીટા જાની

मेरे तो गिरधर गोपाल -01, મુક્તાત્મા મીરાંબાઈ : અલ્પા શાહ

मेरे तो गिरधर गोपाल दूसरो न कोई॥
जाके सिर है मोरपखा मेरो पति सोई


મીરાંબાઈ – મીરાં એટલે મુક્તાત્મા. માત્ર નારી મુક્તિ નહિ પણ જગત મુક્તિ, મીરાં એટલે અડગ વિશ્વાસ ધરાવતી સ્ત્રી. મધ્યકાલીન યુગનું એક એવું વ્યક્તિત્વ કે જેને કોઈ ઔપચારિક ઓળખાણની જરૂર નથી. મીરાં તેમનાં શબ્દો, સંગીત અને તેમનું સેવ્ય સ્વરૂપ શ્રીકૃષ્ણ – ગિરિધર ગોપાલ પ્રત્યેની અનન્ય પ્રીતથી જ અજરામર થઈ ગયાં. બે મિનીટ માટે મીરાં વગરના કૃષ્ણની કલ્પના કરી તો જુઓ! આપણાં મનમાં અને હૃદયમાં મીરાં એ જ કૃષ્ણને જીવંત કર્યા છે.

આ શ્રેણીમાં મારે મીરાંબાઈની ભક્તિ, મીરાંબાઈનું જીવન અને મીરાંબાઈનાં પદોને એકવીસમી સદીની સ્ત્રીની નજરથી મૂલવવાનો  એક પ્રયત્ન કરવો છે. તમે સૌ આ લેખનયાત્રામાં મારી સાથે રહેશો અને અભિપ્રાય આપી મને માર્ગદર્શન કરતા રહેશો.

મીરાંની જ પસંદગી શું કામ?


મારી દૃષ્ટિએ એ મીરાં – એક એવું સ્ત્રી વ્યક્તિવ છે જેમણે મધ્યકાલીન યુગમાં પણ પોતાનાં જીવનની બાગડોર પોતાના હાથમાં રાખી હતી. મીરાં એક એવું વ્યક્તિત્વ હતું કે જેણે સામાજિક સ્વીકૃતિની ક્યારેય ઝંખના કરી નહોતી. તેઓ એવા સમય થયાં કે જયારે સ્ત્રી સ્વાતંત્ર્ય જેવો કોઈ વિચાર પણ સમાજમાં જન્મ્યો ન હતો. એવા સમયમાં પણ સામાજિક બંધનો અને નિયમોની વચ્ચે રહી, વિરોધો ને પચાવીને પણ મીરાંબાઈ પોતાની શ્રી કૃષ્ણ ભક્તિમાં દ્રઢ રહ્યાં અને આગળ વધતાં ગયાં. એમાં શ્રી કૃષ્ણકૃપાની સાથોસાથ એ મહાન વ્યક્તિત્વનાં મનોબળનો પણ એટલો જ ફાળો કહી શકાય. કોઈને અતોનાત પ્રેમ કરવો એ મોટામાં મોટી ઘટના છે.

બીજી એક ખાસ વાત મીરાંબાઈની જે મને સ્પર્શી ગયેલ છે કે, એ યુગમાં પણ એક સ્ત્રી હોવાં છતાં તેમણે તેમની અંતરની સંવેદનાઓને પદોની રચના કરીને અક્ષરોમાં અભિવ્યક્તિ કરી. મારો પોતાનો અનુભવ એમ કહે છે કે, સંવેદનાઓ તો વહેતી રહે એમાંજ જીવનની ખરી સાર્થકતા છે. પછી એ ભલે ને શબ્દો, સંગીત, નૃત્ય કે પીંછી દ્વારા હોય – પણ સંવેદનાઓ ને તો વહેતીજ રાખવી.

ત્રીજી વાત, કેટલીક વ્યક્તિ કે વિભૂતિઓ એવી હોય છે કે જેને આપણે આપણાં અસ્તિત્વ સાથે કોઈક રીતે સાંકળી લઈએ છીએ. મીરાંબાઈનાં જીવનની સૌથી મહત્વની બાબત જે મને સ્પર્શી ગઈ છે એ એમનો એમના  ગિરિધર ગોપાલમાં અચળ વિશ્વાસ. મીરાંબાઈની સરખામણી તો સાવ ક્ષુલ્લક પણ મારા જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમવામાં મારો પણ મારા ઠાકોરજીમાં રહેલો અતૂટ વિશ્વાસ જ કારણભૂત છે.

મીરાંબાઈનાં જીવન વૃતાન્ત પર જરા અછડતી નજર કરીયે તો, મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં મારવાડનાં એક ગામમાં થયો હતો. જ્યારે મીરાંબાઈ માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનાં ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. પ્રથમ દૃષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંનાં મનમાં વસી ગઈ અને જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. આ રીતે મીરાંબાઈનાં મનમાં શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિનું બીજ રોપાયું.

જયારે મીરાંબાઈ એક નાની બાલિકા હતાં ત્યારે એકવાર તેમણે ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. મીરાંબાઈ એ માતાને નિર્દોષતા ભાવે પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેમની  માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, “તારો તો પહેલેથી શ્રી કૃષ્ણ તારો પતિ છે ને”. અને આમ મીરાંબાઈએ શ્રી કૃષ્ણને પોતાનાં હૃદયમાં મનમીત  તરીકે પ્રસ્થાપિત કર્યો. તેમનું લોકિક લગ્ન ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. પણ લગ્નના થોડા જ દિવસ પછી પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિનું મૃત્યુ તેમનાં જીવનમાં ઘણા ઝંઝાવાતો લાવ્યું. એની સામે મીરાંબાઈની શ્રી કૃષ્ણ ભક્તિ જ તેમનું જીવનચાલક બળ બની રહ્યું. છેવટે તેમણે રાજમહેલનો ત્યાગ કર્યો અને તીર્થાટન કરવાં નીકળી ગયાં. ઘણા લાંબા સમય સુધી વૃંદાવન ની કુંજ ગલીઓમાં કૃષ્ણભક્તિ કરતા રહ્યાં.


મીરાંબાઈ શ્રી કૃષ્ણને એક સાકાર સ્વરૂપે ભજતાં અને હંમેશા શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ હાજરી અનુભવતા. સાચે જ શ્રી કૃષ્ણ – પરમ પરમેશ્વર – છે જ એવું વ્યક્તિત્વ કે જો તમે એને સમજવાનો પ્રયત્ન કરો તો જન્મોજનમ પણ કદાચ ઓછા પડે. તમે એક વખત તેનું શરણું સ્વીકારો એટલે તેને સમજવાની કોઈ જરૂર જ ના પડે કારણ કે તે સતત હાજરાહજૂર તમારી સાથે જ હોય. આ રીતે ભક્તિરસમાં તરબોળ મીરાંબાઈ દ્વારિકામાં ૧૫૪૮માં દ્વારિકાધીશના ચરણોમાં સમાઈ ગયાં  જાણે કહેતાં ના હોય…

શ્યામ ઓ શ્યામ, તને માન્યો મારો મનમિત

તારા ચરણોમાં સમાવી લે તું મુજને નિત

ઓ શ્યામ, ઓ શ્યામ, તને માન્યો મારો મનમીત

— અલ્પા શાહ

કબીરા – ઓળખ

મારા મિત્રો ,હવે હું તમને લઈ જવાની છું એક એવી આધ્યાત્મિક સફરે ……અનહદને પેલે પાર….
અંતરની અનુભૂતિને જેણે સ્વાનુભૂતિથી વાચા આપી એવા રહસ્યવાદી ,સહજ ,સરળ,અનઉપમેય,અવિસ્મરણીય મારા કબીરા પાસે.હા,મને કબીરનું વળગણ લાગી ગયું છે કારણકે તે શબ્દનો નહી અર્થનો કવિ છે. તેની કવિતા ….કવિતાથી આગળ તે વાસ્તવવાદી છે.તેની પાસે ભણતરનું નહી પોતાના અનુભવથી ઊપજેલ સહજ જ્ઞાન છે.

તેના જન્મ અને મરણ રહસ્યમય હતા.એક હિન્દુ વિધવાની કૂખે જન્મ લીધો.લોકલાજથી બચવા માતાએ ત્યજી દીધો.નીરુ અને નીમા નામના મુસ્લિમ વણકર દંપતીએ તેને ઉછેર્યો.આમ જાણે કુરાન અને પુરાણનો સમન્વય થયો.૧૪મી સદીના અંતકાળથી ૧૬મી સદીના પ્રારંભ સુધી તેમની જીવનલીલા વિસ્તરેલી છે.તેમનાં જન્મ જેટલું જ તેમનું મૃત્યુ પણ રહસ્યમય હતું.તેમના મોત પછી મુસ્લિમો કહે કબીરશાહ ને દફનાવીએ અને હિન્દુઓ કહે અમારા કબીરદાસનેા અગ્નિસંસ્કાર કરીએ. તેમના અંતિમ સંસ્કાર માટે તેમના દેહ પરથી ચાદર હટાવી તો દેહના બદલે ફૂલોનો ઢગલો હતો જે હિન્દુ -મુસ્લિમોએ અડધો અડધો વહેંચી લઈ પોતપોતાની રીતે અંતિમસંસ્કાર કર્યા.તેઓ સંસારી હતા.તેમની પત્નીનું નામ લોઈ અને પુત્ર નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું.

ખરા અર્થમાં તો કબીર આજે પણ જીવે છે,કોઈ સાંપ્રદાયિકતા કે પંથને કારણે નહી પણ તેમની વિચારોની પ્રભાવકતા અને પ્રસ્તુતતાને કારણે.એમની વાણીનો રણકો એવો નિરાળો છે કે તેમની કવિતાના પુષ્પને કાળ પણ કરમાવી શક્યો નહી.કબીર સંગ છતાં નિસંગના કવિ છે.કબીર નિભ્રાંતિના કવિ છે.

જ્યારથી કબીરને જાણવા અને માણવાની કોશિશ કરી ત્યારથી દરેક સ્થિતિમાં કબીર તેમના દોહા ગાતા ગાતા જાણે મારી સમક્ષ ઊભા રહી,મારે ખભે હાથ મૂકી મને જીવન જીવવાનો સાચો માર્ગ દર્શાવે છે.કબીર મારી પાસે મહાન બનીને નહી,મારાં બનીને આપણાં માના એક બનીને આવે છે.

એક વણકર હોવાનો નાતે કબીરે તેમના આધ્યાત્મિક જ્ઞાનને જીવનની દરેક પરિસ્થિતિમાં વણીનેશબ્દોમાં વહેતું કરે છે.કોઈપણ સંજોગોમાં તે આપણને નિરાશ નહી કરે.મન આનંદમાં મત્ત હોય તો કબીરને મળો.ઉદાસીનાં વાદળ છવાઈ ગયાં છે? કબીરનો જીવનદાયી શ્વાસ તેને વિખેરી નાંખશે.વિરક્તભાવમાં ડૂબ્યા છો?કબીર તરતા શીખવશે.માયામાં ઠગાયા છો? જીવનના દુર્ગમ કોઠાને ભેદી કેમ બહાર નીકળવું, તેનો બોધ કબીર કરશે.કવિતાનાં ચરમ શિખર પર અનુભૂતિના પરમ આનંદ સાથે એકાકાર કરી દેશે.કબીર તમે એકલા પડો તો તમારી સાથે વાત પણ કરે છે.

         ૬૦૦ વર્ષ પહેલા જીવેલા કબીર વર્તમાનમાં પણ જીવંત છે આપણી આસપાસ છે કારણ રાજકીય,ધાર્મિક,સામાજિક ડામાડોળ સ્થિતિમાં કર્મકાંડીઓ,તાંત્રિકો,કાજીઓ,મુલ્લાઓ સમાજને તેની ઈચ્છા પ્રમાણે નચાવે છે ત્યારે માનવ સમાજના ઉદ્ધાર માટે કબીર સમાજને શબ્દબાણથી વીંધે છે.અજ્ઞાની સમાજને જગાડે છે અને નવચેતનાની હવા ફેલાવે છે.ધર્મ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ અને સંપ્રદાયની વાડાબંધીથી તે વિરુદ્ધ હતા એટલે તેમણે તેમનો કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી.તેતો કહેતા પરમાત્માને કોઈ પંથ કે સંપ્રદાયથી બાંધી શકાય જ નહી.

         કબીરની વાણીમાં ઉપનિષદના ભણકારા વાગે છે.એમાં ઈશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્ ‘પણ છે. અને”તેન ત્યક્તેન ભૂંજીથા” ની વાત પણ છે. આ ઉપરાંત તેમાં જ્ઞાન,કર્મ,સમાનતા ,અભેદ,નિર્મોહ,સૂફીવાદી,નિમજ્જન એવા કેટલાય તત્ત્વોનો સમન્વય દેખાય છે.                                       

      કબીરવિચારધારાથી પ્રભાવિત કવિવર ટાગોરે તેમના ૧૦૦ દોહાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.તો ગુરુ નાનકે શીખ સંપ્રદાયના તેમના ગુરુ ગ્રંથસાહેબમાં કબીરજીના ૧૦૦ દોહાને સમાવિષ્ટ કર્યા છે.આમ વિશ્વનો સૌથી પહેલો બિનસાંપ્રદાયવાદી ચિંતક કબીરજી છે.

       આઓ નવા વર્ષના નવપ્રભાતે સૌ કબીરમય બની કબીરરસ પીને મારા કબીરાને સાવ નજીકથી જાણી તેના શબદ અને તેના સાહેબની સાહેબીને માણીએ.

જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ 1) વિષય પ્રવેશ.

હાં રે દોસ્ત હાલો અમારે દેશ -વિષય પ્રવેશ.-૧

                                    સોરઠ દેશ સોહામણો , ચંગા નર ને નાર !
                                     જાણે સ્વર્ગથી ઊતર્યાં, દેવ દેવી અણસાર !
કોઇ રાત્રીએ સૌરાષ્ટ્રના કોઇ ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો જાણે લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય ! અને મન મોરની જેમ નાચી ઉઠે ! અને યાદ આવે આપણાં એ લોકગીતો અને તેના અનામી કવિઓ ! આવા અનામી સર્જકોના ભાવની અને તેમના મીજાજની અભિવ્યક્તિ ઝવેરચંદ મેઘાણીએ આપણને કરાવી આજથી લગભગ નેવું વર્ષ પહેલાં ! લોકસાહિત્યની ભવ્યતા અને ગરિમાનો પરિચય સૌ પ્રથમ વાર મેઘાણીએ કરાવ્યો !પણ આજે પણ મને લોકસાહિત્ય અને મેઘાણી આકર્ષે છે તેનું કારણ શું ?
આમ જેવા જઈએ તો લોકસાહિત્ય એ તો એક વિશાળ વટ વૃક્ષ સમાન છે. આ વિશાળ વૃક્ષ તેની વિશાળ ઘેઘુર ડાળીઓ અને પર્ણોથી , ડાળે ડાળે બેઠેલા ભિન્ન ભિન્ન પક્ષીઓથી શોભી ઉઠે છે. લોકસાહિતયનું વિશાળ વટ વક્ષ પણ ગીતો, છંદો, દોહા, સોરઠાઓ, કથાઓ જેવા તેના વિવિધ સ્વરૂપોથી અનેરી શોભા ધારણ કરીને ઉભું છે. પરંતુ એનું સમર્થ સંશોધન કામ લોકકવિ ઝવેરચંદ મેઘાણીએ કયુઁ છે.
ગુજરાતી ભાષા સાથે એમ.એ.કર્યું હોવાથી ઝવેરચંદ મેઘાણીનાં લોકસાહિત્ય પ્રદાન વિષે અને ભાષા વિજ્ઞાન માં આગળ અભ્યાસને લીધે, લોક બોલી વિષે પદ્ધતિસર અભ્યાસની સૂઝ મેં કેળવી હતી. વળી કારકિર્દીની શરૂઆત જ પ્રાધ્યાપક તરીકે તેથી નાની મોટી નોંધ લખવાની ટેવ શરૂઆતથી જ. એટલે અમદાવાદથી જયારે સૌરાષ્ટ્રમાં આવીને વસવાનું થયું ત્યારે ઝવેરચંદ મેઘાણીની જેમ કાઠિયાવાડ ખૂંદવાનું મન પણ ખરું! થયું : હજી પણ અહીં કેટકેટલું લોકસાહિત્ય લોક જીભે અકબંધ પડ્યું છે ! માત્ર એને ઉલેચવાની જરૂર છે. દુહા ,છંદ , લગ્ન ગીતો, ગરબા, ગરબી, ફટાણાં, અહીંનાં લોકોની જીભે રમે છે ,જેમાં સમાજની રહેણી કરણી, માન્યતાઓ અને શ્રદ્ધા – અંધશ્રદ્ધા વગેરેનું પ્રતિબિંબ પડેલું છે તે શું લોક ગીતો નથી ?પરંતુ એ લોકગીતોનો વ્યવસ્થિત સંચય કરવાનો વિચાર તો અનાયાસે જ સ્ફૂર્યો !
તે દિવસે સૌરાષ્ટ્રની હાલારી ભૂમિ જામનગરમાં અમને વરઘોડિયાને જમવા નોંતર્યાં હતાં. રસોડામાં ઘરની સ્ત્રીઓ મોંઘેરા મહેમાનો માટે ગરમાગરમ ભજીયાનો ઘાણ અને તાજી પૂરીઓ વગેરેની તૈયારીઓમાં હતી, પુરુષો આગળના વિશાળ દીવાનખાનામાં વાતોએ વળગ્યા હતા. મેં સંકોચ સાથે દેવ મંદિરમાં પડેલાં થોડાં પુસ્તકો ઉથલાવવા માંડ્યાં..અને એક નાનકડી પુસ્તિકા ઉપર મારી નજર પડી ! ત્યાંનાં કોઈ સ્થાનિક ભજનિક કે કોઈ સાધુ મહારાજ કે કોઈએ ભજન ગ્રુપ માટે છપાવી હોય તેવી જોડણીની અસંખ્ય ભૂલોવાળી એ પુસ્તિકા હતી ! પણ તેમાં એક ગરબો હતો ,જેને હું ઘણા વખતથી શોધતી હતી એ જડી ગયો. અમારાં પ્રોફેસર (શ્રી અનિરુદ્ધભાઈ બ્રહ્મભટ્ટે ) એ અલભ્ય ગરબાનો ક્યાંક ઉલ્લેખ કર્યો હતો.
મેં ઝડપથી,રસથી એ પાંચ પાનાંનો લાંબો ગરબો વાંચવા માંડ્યો! તરસ્યાને પાણીનું આખ્ખું ઝરણું મળી જાય તેમ,એક શ્વાસે એ ગરબો હું વાંચી રહી હતી…અને સૌથી વધુ આનંદ આશ્ચર્યની વાત એ હતી કે મેં ધાર્યું યે નહોતું , મારે ખાંખાખોળાં કરીને શોધવા જવાનીયે જરૂર નહોતી; ને મને અનાયાસે એ સાંપડ્યું હતું !અહીં કોઈ લોકસાહિત્ય ભેગું કરવા માટેની શિબિરો કે સંશોધન કાર્ય માટે પ્રોજેક્ટ કે પરિસંવાદો કે ફિલ્ડ વર્ક કરવાનું નહોતું. બસ , મારે દ્રષ્ટિ જ કેળવવાની હતી ! અનાયાસે જ , સહજતાથી હું આ લોકસાહિત્યનો ખજાનો માણી રહી હતી .. મેં પર્સમાંથી પેન્સિલ કાઢીને એ ગરબો મારી ડાયરીમાં ટપકાવવા માંડ્યો અને કોલેજમાં ભણેલી,જાણેલી,માણેલી મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર ફરીથી યાદ આવી ગઈ! મારાં જીવન સાથે એ દિવસથી હાલારી કે ઝાલાવાડી કે ગોહિલવાડી ,સોરઠી – કાઠિયાવાડી સાહિત્યને એક નવું સ્થાન મળ્યું
ત્યાં જ જમવાનાં ભાણા મંડાઈ ગયાં હતાં;પાટલા મુકાઈ ગયા હતા.જમવાનું તૈયાર હતું,વળી વાતાવરણ નવું અને માણસોએ નવાં એટલે એ વાત ત્યાંજ અટકી. હું એક ઇતિહાસનું પાનું જીવી રહી હતી! ઝવેરચંદ મેઘાણી ફરી જાણે જીવંત થયા. મને લાગ્યું કે આજે પણ દુલા ભાયા કાગ , કે પીંગળશીભાઈ કે ગંગા સતી અને પાનબાઈ અને કૈક જાણ્યાં અણજાણ્યા કવિઓનો અમૂલ્ય ખજાનો છુપાયેલો પડ્યો છે ! મેઘાણી ગયા પછી ગુજરાતનું લોકસાહિત્ય આજે પણ આવા જ મેઘાણી જેવા બીજા ટપાલીની રાહ જોતું આજ સુધી ઉભું છે.
ઝવેરચંદ મેઘાણીએ પોતે જ લોકસાહિત્ય માટે કહ્યું છે કે “ ચારણો, લોક કથાકારો , લોકગીતો – ગાયકો કેળનાં ઝાડવાં જેવાં રસ સભર છે, પણ એમનાં હ્ર્દય સ્ત્રોતને ખોલવા માટે પ્રેમ સગાઈની જુક્તિ જોઈએ ! પાણીના નળની જેમ ચકલી ફેરવતાં જ એમાંથી દરેડા નથી પડતા .. જામનગરના એ બહોળા કુટુંબનાં સભ્યો સાથે વાર્તાલાપ દરમ્યાન મને થયું કે અહીંના સમાજમાં ઓતપ્રોત થઈને હું પણ એ રસધારા પ્રાપ્ત કરી શકીશ !
મેઘાણીનું એ શરૂ કરેલ કાર્ય બીજ હજુ પણ ત્યાં એ ધરતીની માટીમાં અંકુર સહ હાજર છે ; ઉત્સાહથી મેં વિચાર્યું .. અને મેં મારી કલમ સાબદી કરી .. કેવો સુભગ સમન્વય ! જાણે કે ભાવતું’તું , ને વૈદે કીધું !મિત્રો આવી તો કેટ કેટલી વાતો મારે તમારી સાથે કરવી છે.બસ આજથી શરુ થતી મારી કોલમ “હાં રે દોસ્તત હાલો અમારે દેશ!”માં  વાંચતા રહેજો.
કાઠિયાવડના એક એક  ગામમાં અને એક એક ઘરમાં હજી આજે પણ લોકસાહિત્ય જીવે છે. ચાલીશ વરસથી પરદેશમાં વસવાટ પછી પણ ગુજરાતી લોકસાહિત્યનું આકર્ષણ ક્યાં ઓછું થયું છે?  બલ્કે , હવે આ સોસ્યલ મીડિયા અને સુવિધાઓને કારણે .. તો જાણે કે સોનામાં સુગન્ધ ભળી છે !
સૌરાષ્ટ્રી ધરતીની અવનવી વાતો લોકસાહિત્યનું માધ્યમ લઈને ,અને ઝવેરચંદ મેઘણીની આંગળી પકડીને કરીશું .. નીચે કોમેન્ટ વિભાગમાં આપના અભિપ્રાય જરૂરથી જણાવશો ..
ગીતા ભટ્ટ

 

01 – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ, પ્રસ્તાવના’ : રાજુલ કૌશિક

પ્રિય વાચક મિત્રો,

૨૦૨૦નું હમણાં જ શરૂ થયેલું નવું વર્ષ સૌના જીવનમાં નવી આશા, નવો લક્ષ્ય અને એ નિર્ધારિત લક્ષ્યને આંબવાનું અનેરુ જોશ લઈને આવ્યું છે. એ લક્ષ્ય સિદ્ધ થાય એવી સૌને દિલથી શુભેચ્છા પાઠવું છું.

છેલ્લા બે વર્ષથી આપણે ‘બેઠક’ના ઉપક્રમે એકમેકને મળતા અને ગમતા રહેવાનો સરસ મઝાનો અભિગમ આપનાવ્યો છે. દરેક પાસે પોતાનો એક વિષય છે, પોતાની અભિવ્યક્તિ છે અને સૌની એ અભિવ્યક્તિને આપણે સૌએ બિરદાવી છે, વધાવી છે.

આમ તો એમ કહેવાય છે કે, જે પાછળ છૂટી ગયું છે અથવા જે ભૂતકાળ પાછળ છૂટી ગયો છે એને વળી વળીને પાછી નજર માંડીને જોવાના બદલે દૃષ્ટિ ભાવિ તરફ રાખવી એ સફળતાની સાચી કેડી તરફ આગળ વધવાની નિશાની છે. પરંતુ, ભૂતકાળનનાં મીઠ્ઠા સંસ્મરણો વાગોળવાં કોને નથી ગમતાં? આજે હું પણ વીતેલાં વર્ષો પર એક મીટ માંડુ છું. મારા ‘કવિતા : શબ્દોની સરિતા’ના લેખોને આપ સૌએ જે રીતે વધાવ્યા એની યાદ આવે છે તો મનમાં ઉમંગની છોળ તો ઊઠે જને!

એક સવારે જ્યારે પ્રજ્ઞાબેને ‘કવિતા : શબ્દોની સરિતા’ વિષય પર વિચારવાનું, લખવાનું કહ્યું ત્યારે પદ્યનાં ઊંડાણને સમજવાની, એમાંથી જીવનનાં અર્થ-અર્ક પામવાની તક સમજીને એ સૂચન સ્વીકારી લીધું હતું. એનો આજેય મને આનંદ છે. એક નવા વિષયને અનોખી રીતે સમજવાની એમાં જે વાત હતી એ સાચે જ અત્યંત મઝાની હતી.  એ ‘કવિતા : શબ્દોની સરિતા’ની સફર પણ સાચે જ અત્યંત મઝાની રહી.

‘કવિતા : શબ્દોની સરિતા’નાં સમાપન સમયે મેં એક વાત એ પણ કહી હતી કે, એ એક વહેણ હતું જેના રસ્તા-વળાંકો બદલાશે, આપણે નહીં. આપણે તો મળતા જ રહીશું. કોઈ અન્ય સફરે, કોઈ અન્ય મુકામે અને સાથે એ પણ કહ્યું હતું કે, આપણી હવેની સફરનું નિમિત્ત ફરી કોઈ કવિ કે લેખકનું સર્જન જ હોવાનું કારણ કે આપણાં જીવનમાં કવિતાઓ જે રીતે વણાયેલી છે એ તો આપણા અંત સુધી સાથે રહેવાની છે, સાથે જ વહેવાની છે.

પણ આ કવિતા એટલે શું? જેમાં પ્રાસ હોય એ? જેને લય, છંદમાં બાંધી હોય એ કવિતા? તો પછી અછાંદસ કવિતા એટલે શું? શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે એમ કવિતાના ત્રણ પ્રકાર, છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.

અછાંદસ અને છાંદસ કવિતા વચ્ચેના તફાવત વિશે એક સરસ વાત સાંભળી હતી. એક થાળીમાં સરસ મઝાનાં રંગબેરંગી ફૂલો મૂક્યાં હોય તો એ ફૂલો સરસ લાગવાનાં પણ એ જ ફૂલોને એક માળામાં પોરવીને એની વેણી બનાવી હોય તો વધુ શોભી ઊઠેને? કદાચ અછાંદસ અને છાંદસ કવિતા વચ્ચે આ જ ફરક હોવાનો.

કવિતાઓ વાંચવી સાંભળવી સૌને ગમે છે પણ એને જો સૂર અને તાલમાં ઢાળવામાં આવે તો એ વધુ કર્ણપ્રિય બની જાય. કવિતામાં ગીતનો લહેકો ભળે, સંગીત ભળે તો? સરસ મઝાના સૂર-તાલમાં ગવાતું ગીત સાંભળીને તો કોઈપણ ઝૂમી ઊઠે. કદાચ સાથે સાથે ગણગણી પણ ઊઠે. અંગ્રેજ કવિ જહોન કિટસે કવિતા માટે કહ્યું છે કે, ‘The poetry comes out naturaly as leaves come to a tree.’ કોઈ વૃક્ષમાં કૂંપળ એકાએક ફૂટી નીકળે તે રીતે અચાનક કવિતાનો છોડ કવિનાં મનમાં અને હ્રદયમાં ઊગી નીકળે છે.

કવિતા જો વૃક્ષ પર એકાએક ફૂટી નીકળેલી કૂંપળ હોય તો ગીત એ કૂંપળને ફૂલમાં પરિવર્તિત થવા જેવી સુંદર ઘટના જ તો…જેને મધુર સ્વરોમાં ગાઈ શકાય એવી તાલબધ્ધ, સુંદર કર્ણપ્રિય શબ્દરચના એટલે ગીત.

ગીત સંગીતના પણ કેટલા પ્રકારો? સામાન્ય રીતે પ્રચલિત કહી શકાય એવા સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. એમાં આ સુગમ ગીત-સંગીત માટે તો કહેવાય છે કે એ ભારતીય સંગીત વિદ્યાનું એક એવું અંગ છે જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય અને દરેક જણ નિરાંતે ગાઈ શકે.

આવતી કાલનો સૂર્ય ઉત્તરો ઉત્તર ઉત્તર તરફ ઢળીને દિવસને વધુ ઉજાસમય બનાવતો જાય એવી રીતે આપણા મનને વધુ ઉજાસમય, ઊર્જાવાન, આંદોલિત બનાવતા આપણા ગીત-સંગીત જીવનના અવિભાજ્ય અંગ તો ખરા જને?

આવા જ, તન-મનને તરંગિત કરી મૂકે એવાં ગીતો અને એના ગીતકારની છે. મારા-તમારા-સૌના મનમાં વસેલા અને ઘર ઘરને ગૂંજતું કરનાર ગીતકારની છે. આપણાં જીવનના દરેક શુભમંગલ પ્રસંગને યાદ કરીએ તો મનમાં કોઈ સૂરીલા ગીતનો ગુંજારવ થાય છે.  

તો બસ, મળીએ સાવ નજીકના સમયમાં એક નવા સૂર-તાલ સાથે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

નવી કોલમ -“वाचिकं सर्व वाङ्ग्मयम “-નયનાબેન પટેલ

“આંગીકામ ભુવનમ યસ્ય વાચિકમ સર્વ વાંગ મયં
આહાર્યમ ચંદ્ર તારાદી તમનુંમહ સાત્વિકમ શિવમં”
       
મિત્રો.. ફરી એક વાર ‘બેઠક’ નવીન અભિગમ સાથે આપની સમક્ષ કથા પઠનનો પ્રયોગ રજુ કરશે આપણે આ પહેલા દીપા પટેલ દ્વારા અનેક વાચિકમ youtube પર મુક્યા હતા. તો હવેથી દર રવિવારે નયનાબેન પટેલ લંડનથી કથા પઠન કરતી “वाचिकं सर्व वाङ्ग्मयम “કોલમ ચલાવશે. જેમાં પોતાની સ્વ રચિત વાર્તાઓ સાથે બીજા લેખકની શ્રેષ્ઠ વાર્તા પણ સુંદર રીતે પઠન કરીને મુકશે આપ સૌએ જેટલાં પ્રેમથી બીજી કોલમ વધાવી એટલાં જ પ્રેમથી આ નવા પ્રયત્નને પણ વધાવશો.
       નયના બેનના પરિચયમાં ઘણું કહેવાનું થાય ,યુ.કે.ના સમાચારપત્રમાં સાપ્તાહિક ધારાવાહી ’કેડી ઝંખે ચરણ’નાં લેખિકા નયનાબેન પટેલ હાલ લંડનમાં રહે છે. ૧૯૪૭માં ભારતમાં જન્મ અને ઉછેર પામી તથા ગુજરાતી વિષયમાં બી.એ. કરીને ૧૯૬૮માં પતિને પગલે ઇંગ્લૅન્ડ સ્થાયી થયાં. પરદેશમાં રહીને દેશના ઝુરાપાની પોટલીમાં પોતાના અને અન્યોના અગણિત અનુભવોને સમેટતાં રહ્યાં, જે પ્રતિબિંબિત કરવા માટે તેમણે કલમ ઉપાડી અને પ્રથમ વાર્તા આકાર પામી- ‘આરંભ કે અંત ?’ અને યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રથમ વાર્તાહરીફાઈમાં દ્વિતીય સ્થાન પામી. ત્યારપછી એમની કલમે કાંઈ કેટલીય લાગણીઓને શબ્દદેહ આપવા માંડ્યો અને લખાઈ ટૂંકી વાર્તાઓ : ‘રીડ ગુજરાતી’ની ૨૦૧૧ની વાર્તા હરીફાઈમાં પ્રથમ આવી-‘ડૂસકાંની દીવાલ’, પછી ‘મોનિટર’ મેગેઝિનમાં પ્રગટ થઈ ‘કોણ ન્યાય કરે અને કોને’- ૨૦૧૨, ‘ભીષ્મ થવું પડ્યું’- ત્યારબાદ ૨૦૧૨માં ‘સંદેશ’માં, ૨૦૧૩માં ‘પીળાં આંસુની પોટલી’ પ્રગટ થઈ ‘ફીલીંગ્સ’ મેગેઝિનમાં; અને હવે આપ સમક્ષ આવી રહી છે, ‘આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે ?’.૨૦૧૪થી એમણે રેડિયો પર પોતાની પ્રસ્તુતિની શરૂઆત કરી,વર્ષા અડાલજની “મારે પણ એક ઘર હોય”, કિશોરલાલ મશરૂવાળાની ‘ગીતા ધ્વીવની’અને “ડોક્ટરની ડાયરી” જેવી અનેક નવલકથા પઠન કરી અને લોકપ્રિયતા પણ મળી.સંસ્કાર રેડિયો પર આજે પણ પ્રસારણ કરી રહ્યા છે.  
      હું એમને મળી ત્યારે એક સરળ સાદું વ્યક્તિત્વ જોઇને અંજાઈ હતી. કોઈ પણ જાતના પ્રયન્ત વગર લખવું અને પ્રસિદ્ધિ પામ્યા માત્ર કલમના બળ પર. અવાજ પણ એવો જ સરસ અને વાર્તાની રજૂઆત -પ્રસ્તુતિ પણ ઘણી સુંદર. એમણે લંડનના રેડિયો પર પોતાની વાર્તાની રજૂઆત કરી છે. અભિનયનું પહેલુ ચરણ છે વાચિકમ – સ્‍વર અભિનય-નાટ્યાત્મક પઠન,શબ્દો કઈ રીતે, કયા ટોનમાં, કેટલા ઊંચા કે નીચા સ્વરમાં બોલાવા, માત્ર બોલવાની જ કલા નહિ, બલકે સાંભળવાની પણ કલા છે. એક માયાવી વાર્તા એને કહી શકાય તેનો અંત જ રસપ્રદ હોય અને અંતથી જ વાચકોના મનમાં નવી વાર્તાનો જન્મ થતો હોય છે. આ અનુભવ મેં જયારે નયનાબેનને સાંભળ્યા ત્યારે થયો હતો.અન્યની સંવેદનાઓને ઝીલી અને પ્રસ્તુત કરવી એમનું સબળ પાસું છે.અને માટે જ આ કોલમ એમને સોંપતા આનંદ સાથે ગૌરવ અનુભવું છું.
        વિસરાતી ગુજરાતી ભાષાને વાચા આપવાનો આ ‘બેઠક’નો એક નમ્ર પ્રયત્ન છે.આપણી માતૃભાષા એ વાંચવા, લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ સાંભળવાથી સમજણના અને વિચારોના મૂળ સુધી પહોંચે છે.’બેઠક’નો હેતુ વાર્તાને સાંભળી શકાય,તેને માણી શકાય અને એ રીતે તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી સાહિત્‍યનાં ક્ષેત્રનું પણ આ ઉત્તમ કામ કરવાનો છે.જેમાં નયનાબેનની સહાયતાથી આપણા યજ્ઞને બળ મળ્યું છે માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે.નયનાબેન ‘બેઠક’માં તમારું સ્વાગત છે બધા સર્જકો અને વાચકો પણ આપની કોલમને આવકારે છે.

   ‘બેઠક’ આપણું ગુજરાતીપણું છે અને આપણું ગુજરાતી હોવાનું ગૌરવ વધારે છે.આપણા સર્જકોને પ્રોત્સાહન આપવાની જવાબદારી સર્વે ગુજરાતી વાચકોની છે.નયનાબેન ‘બેઠક’ આપની કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.

પ્રજ્ઞા  દાદ્ભાવાળા– નિમિત્ત