ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર, ફિકર કી જો ફાકી કરે, ઉસકા નામ ફકીર.
ફકીરનું નામ સાંભળતા જ આપણા દ્રષ્ટિપટ પર ભગવા વસ્ત્રધારી,સફેદ દાઢી અને લાંબા વાળવાળો, હાથમાં ચીપિયો કે કમંડળ લઈ ભીખ માંગતો સાધુ આવી જાય છે.કબીરો તો ફકીરનો અનોખો અર્થ સમજાવે છે.કબીરો કહે છે ફકીર એટલે “ફિકરને ઘોળીને જે ફાકી કરીને પી જાય તે “.
આજની પેઠીને એક પ્રશ્ન થાય કે ફકીર એટલે શું ? ફકીર એટલે બધી જ જવાબદારી અને સમસ્યાઓની સાથે તાલમેળ બેસાડતાં પ્રભુભક્તિની અંદર લીન રહેવું. નિજાનંદમાં મસ્ત રહે તે ફકીર.
ફકીરી એ મનની નિસ્પૃહ,અનાસક્ત,સ્થિતપ્રજ્ઞ અવસ્થા છે.કબીરજીએ બે જ લીટીમાં આખેઆખી ગીતાનો અનાસક્તિયોગ અને સ્થિતપ્રજ્ઞતાનો સાર સમાવી લીધો છે.ફકીર થવા તમારે તમારા વ્યવસાય કે દુન્યવી જવાબદારીઓને છોડવાની જરુર નથી.બધીજ જવાબદારી સાથે પ્રભુભક્તિમાં લીન રહી,પરમ સાથે તાદાત્મ્ય કેળવવાનું છે.સંસારમાં રહી જળકમળવત રહેવાનું છે.પનિયારી તેની સહેલીઓ જોડે મજાકમસ્તી કરે છે પણ તેના માથે પાણી ભરેલ બે ઘડા પરથી તેનું ધ્યાન હટતું નથી તેમ સંસારમાં રહી પોતાની મસ્તીમાં મસ્ત રહે તે સાચો ફકીર.સંસારની ચિંતાથી ઘેરાઈને પીર,ભૂત-પ્રેત કે બાવાઓ પાસે જવાની જરુર નથી.ફિકરને ઘોળીને પી જવાની જરુર છે.ફકીરીએ મનની સ્થિતિ છે.કબીરદાસ જેવા ફકીર જે કપડાં વણતા-વણતા ફકીર બની ગયાં. રૈદાસ જેવા ફકીર જે જુતા સીવતાં-સીવતાં ફકીર બની ગયાં.
શાશ્વત જીવન પુસ્તકમાં જ્ઞાનદાસજી કહે છે”સ્વજન,પરજન,સમાજ,દેશ તથા વિશ્વના કલ્યાણ માટે પોતાની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરવો તે માણસનું કર્તવ્ય છે પરંતુ સમાધિમાં પહોંચવું તેનું પરમ આવશ્યક કર્તવ્ય છે અને સાચી ફકીરી થકી જ તમે તે સમાધિ સુધી પહોંચી શકો.”
કોઈક કવિએ ફકીરની મોજને સરસ રીતે વર્ણવતા કહ્યું છે કે….,
“જો આનંદ સંત ફકીર કરે , વો આનંદ નાહી અમીરી મેં સુખ દુ:ખ સમતા સાધ રહે,કુછ ખોફ નહીં જાગીરી મેં.”
ફકીર થઈને ગરીબીમાં ગુજરાન કરવું અને માનાપમાનથી રહિત થઈ લોકોની સ્તુતિ અને નિંદાને અવગણીને રહેતા કબીરાએ બધાને અનુભવતા,જોતા,સહન કરતા અને આગળ વધતા એટલે ફકીર થયા. ખુશી કે ગમ મળે એમની એમને પરવા જ ક્યાં હતી ! “કશાની ના ખબર એજ ફકીરી”.કેટલો લઘુતમ ભાવ? એ તો મસ્ત મરજીવા મઝધારેય તરનારા હતા,લેપાયા વગરનું; અનાસક્ત વ્યક્તિત્વ,એ તો હર એક ક્ષણના માણનારા અને બીજાની ઉજળી-મીઠી સવારો થઈને ઉગનારા માટે કબીર એક ફકીર હતા.
પેટ સમાતા અન્ન લે,તન હી સમાતા ચીર. અધિક હી સંગ્રહ ના કરે,તિસકા નામ ફકીર.
એમના પદો અને વિચારો જ એમના ફકીરીપણાને છત્તા કરે છે.
ફકીરની ફકીરી સમજાવતા કબીરજીએ જીવન જીવવાનો સાચો માર્ગ સમજાવ્યો છે.બીજું તેમના જ્ઞાન અને ભક્તિના આ પ્રવાહમાં કોઇ જાતિ કે વર્ણનો ભેદ ન હતો. કોઇ ચોક્કસ વિધિ-વિધાન કે બાહ્ય ક્રિયાકાંડનું પણ તેમાં વિશેષ મહત્વ ન હતું. નામ સ્મરણનો મહિમા અને પરમ તત્વ તરફની ગતિ એજ તેની ચાવીરૂપ બાબત હતી. કબીરે ભક્તિ અને સમર્પણના નવા ચીલા પાડ્યા અને એકતારો વગાડતા અમર સાહિત્યનું સર્જન કર્યું. આખા જગતને આ આશા-તૃષ્ણા રુપી ઝેરી નાગણે ડંખ માર્યો છે તેનું ઓસડ-દવા- સંતોષ જ છે .કબીર જીવનના અનેકવિધ રંગોમાં પ્રભુની પ્રસાદીરુપ જીવનને માણતા રહ્યા,સુખદુખમાં સમાન અવસ્થા,નિરહંકારી સંતોષે તેમને ફકીરના સ્થાને મૂકી દીધા.એમના એક એક પદની રચના તો જુઓ ..
જે ક્યારેય સ્કુલમાં ભણવા નથી ગયા એવા કબીરજીની વાણીમાં મને ગીતાનાં બારમા ભક્તિયોગ અધ્યાયના ૧૮ ને ૧૯ શ્લોકનાં પડઘા સંભળાય છે.
કબીરા બધા જ ધર્મના સારતત્વને અપનાવ્યું અને લેપાયા વગરનું અનાસક્ત જીવન કબીરો જીવ્યો ફકીર કહેવાયૌ.એમણે અનેક પદો રચ્યા પણ ક્યાંય દુનિયાને આકર્ષિત કરવા માટે નહી.અહીં કબીરની પ્રાણ ઉર્જાનું વિજ્ઞાન સમજવા જેવું છે .એ નિર્લેપ રહી બધું જ કાર્ય કરતા,વણકર ખરા પણ ક્યાંય લોલુપતા તેમને ન સ્પર્શી, કર્મ કરતાં નિર્લેપ રહીને પ્રાણ ઉર્જા પોતાની અંદર વહેતી કરી.આ પ્રાણશક્તિથી પોતાના આવરણ તો હટાવ્યા અને મુક્ત થયા પણ સાથે સાથે બીજાને પદો દ્વારા જાગૃતતા આપી.કબીરાને શત્રુ-મિત્ર, માન-અપમાન,ટાઢ-તાપ અને સુખદુ:ખ સરખા જ લાગ્યા અને આસક્તિરહિત,નિંદા અને સ્તુતિને સમાન સમજી દ્રષ્ટા બની જીવ્યા.જે મળ્યું તેને સહજપણે સ્વીકારી સંતોષના ઓડકાર લીધા.આને શું કહેવો? મમતારહિત સ્થિર બુધ્ધિવાળો ભક્તિમાન પુરુષ કે ફકીર અને આજ ફકીરીએ એમને સંત બનાવ્યા અને માટે જ તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ શીખ ધર્મમાં તથા બીજા અનેક સૂફી-પંથમાં જોવા મળે છે.કબીર અહિંસા,સત્ય,સદાચાર આદિ ગુણોના પ્રશંસક હતાં.આમ ફકીરે પોતાની સ્વાનુભવની સરળ અને સહજ ભાષામાં જીવનના અણમોલ સિધ્ધાંતો વર્ણવ્યા.
ઓશો જેવી મહાન વ્યક્તિને પણ કબીર અત્યંત પ્રિય છે તેથી જ તે કહે છે કે,“મહાવીર અને બુધ્ધ રાજમહેલનાં ઉપવનના ફૂલ છે પણ કબીર તો હિમાલયના જંગલની શોભા વધારતું અપ્રાપ્ય અનોખું સહજ કુદરતની દેનરુપ ફૂલ છે.”.
કબીરાની પોતાની સરળતા,ફકીરી સ્વભાવ તથા સંત પ્રવૃત્તિના કારણે આજે વિદેશોમાં પણ તેમનો આદર થઈ રહ્યો છે.તેમની અણમોલ વાણીના મનન થકી હું પરમની નજીક મારી જાતને અનુભવું છું. તમને પણ તેમાં ભીંજવી તરબતર કરવા મળીશું આવતા અંકે……
કબીરજીનો આ ફકીર અને ફકીરીનો અનોખો અર્થ જે પામે એને તો અહી જ જીવનનો સાચો મર્મ મળી જાય. આમ પણ
કોઈપણ ધર્મમાં ક્રીયાકાંડ કરવા સંસારથી અલગ થવાની વાત કરી જ નથી સંસારમાં જ રહીને જે બધી જવાબદારી અને સમસ્યા સાથે તાલમેળ સાધીને પ્રભુભક્તિમાં લીન રહે ત્યારે નીજાનંદ અને પરમાનંદ પામે.
જિગીષાબેન,
કબીરના જીવન અને કાર્યના સુંદર આલેખન દ્વારા આપ વાચકને પણ જીવન વિશે વિચારતા કરી રહ્યા છો. એટલું જ નહિ પણ જો આત્માના ગુણો ખીલવવા હોય તો એક સુંદર પ્લેટફોર્મ પૂરું પડી રહ્યા છો. તમારા નવા લેખની રાહ જોઈશું….
કબીરને ફકીર તરીકે સરસ પોખ્યાં….. કબીરને વાંચવાની મજા આવે છે. ચાલુ રાખો ..
LikeLiked by 1 person
કબીરજીનો આ ફકીર અને ફકીરીનો અનોખો અર્થ જે પામે એને તો અહી જ જીવનનો સાચો મર્મ મળી જાય. આમ પણ
કોઈપણ ધર્મમાં ક્રીયાકાંડ કરવા સંસારથી અલગ થવાની વાત કરી જ નથી સંસારમાં જ રહીને જે બધી જવાબદારી અને સમસ્યા સાથે તાલમેળ સાધીને પ્રભુભક્તિમાં લીન રહે ત્યારે નીજાનંદ અને પરમાનંદ પામે.
કબીરો તારો સાચા અર્થમાં ફકીર જિગીષા..
LikeLiked by 1 person
જિગીષાબેન,
કબીરના જીવન અને કાર્યના સુંદર આલેખન દ્વારા આપ વાચકને પણ જીવન વિશે વિચારતા કરી રહ્યા છો. એટલું જ નહિ પણ જો આત્માના ગુણો ખીલવવા હોય તો એક સુંદર પ્લેટફોર્મ પૂરું પડી રહ્યા છો. તમારા નવા લેખની રાહ જોઈશું….
LikeLiked by 1 person
Very deep and meaningful introduction to Kabir and his Fakiri! Very nice Jigishaben!
LikeLike