શ્રી અવિનાશ વ્યાસ નામની મને ઓળખ થઈ ‘મેંદી રંગ લાગ્યો’ ફિલ્મનાં ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’ ગીતથી. પણ એ પછી તો આજ સુધી એમનાં ગીત-ગરબાનો રંગ મારાં મન પર એટલો જ છવાયેલો છે. આ ગીત આજે પણ સ્મૃતિમાં સળવળાટ કરતું બેઠું થાય છે. અવિનાશ વ્યાસ માટે કહેવાયું છે;: એ એક અમરત્વ લઈને ગયા છે. એક ભવ્ય વારસો મૂકીને ગયા છે. વાત એકદમ સાચી છે. કોણ જાણે કેટલાય વર્ષોથી આ મેંદી અસ્ત્તિત્વમાં તો આવી હશે? પણ જાણે એની સાચી ઓળખ, એનો ખરો રંગ પરખાયો અવિનાશ વ્યાસની આ રચનાથી!
‘કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,
ઘુંઘટમાં જોબનની જ્વાળા, ઝાંઝરનો ઝમકાર,
લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,
લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર,
અરે….ભાઈ જુઓ ગુર્જરી નાર…’ના નાદથી શરૂ થતો મારી અંદરની ગુજરાતણને આજે પણ જગાડે આ ગરબો. મેંદીનું ગીત તો મેં, તમે અને કોણ જાણે કેટલાય લોકોએ કેટલીય વાર ગાયું હશે, નહી? મારી જેમ તમે સૌએ પણ આ ગીત કેટલીય વાર ગણગણી લીધું હશે. કેટલીય વાર આપણે એના તાલે ગરબે ઘૂમી પણ લીધું હશે, નહીં? પણ લોકસમાજને હૈયે રમતી રચના જેમ ભૂલાતી નથી તેમ અવિનાશ વ્યાસ યાદ આવ્યા વગર રહેતા પણ નથી.
અવિનાશ વ્યાસે ગાયેલાં ગીત સ્મૃતિમાં આજે પણ તાજાં છે. એમનાં ગીતોમાં એવું તે શું છે કે યાદ કરી, ફરી ફરી વાગોળી, ગાઈ, ગરબે ઘૂમવાનું મન થાય? એના શબ્દો કે એની ધૂન? શબ્દોની કે તેની સાથે જોડાયેલી વાર્તા વિશે તમને આછો પાતળોય અંદાજ હશે? આ આખાં ગીતમાં પ્રિયતમના વિરહમાં ઝૂરતી એક પરણિતાની વાત છે. પતિ પરદેશ છે અને દિયર તેને મેંદી લગાવવાનું કહે છે ત્યારે પત્નીનાં મનમાં ઊઠતા ભાવો તે ગીતમાં વ્યક્ત કરે છે. પણ એ ભાવો પ્રાચીન છે. મૂળ વાત તો ગાયકીની અને સૂરીલા અવાજની છે. એ ક્યાં સૌના નસીબની વાત છે! પણ કેટલાય ગીતો એવા છે જે આજે પણ સામાજિક પ્રસંગોથી માંડીને સ્ટેજ પર ગવાયાં છે અને ગવાતાં રહેવાનાં છે.
જે ગેય છે એટલે કે ગાઈ શકાય છે એવી રચાનાઓનું પણ કેટકેટલું વૈવિધ્ય? નરસિંહ મહેતાનાં પ્રભાતિયાથી માંડીને મધ્યકાલિન ગીતપરંપરા, પ્રાચીન રાસ-ગરબા, સમકાલીન ગુજરાતી ગીતો, આધુનિક જેને રેપ સોંગની કક્ષામાં મૂકી શકાય એવાં ગીતો, ગઝલોની સમૃદ્ધિ, રંગભૂમિને ગજવતાં ગીતોનો વૈભવ અને ફિલ્મો દ્વારા પ્રચલિત ગીત-સંગીત. આ ફિલ્મોને તો એટલે યાદ કરવી પડે છે કે ઘણીવાર વર્ષોથી સાંભળતાં આવેલાં ગીતો કાનની આદત બની જાય. શબ્દો માટે સંગીત પણ એટલું જ અસરકારક માધ્યમ ખરું હો કે. મોઝાર્ટ કે બિથોવનની સિમ્ફની હોય તો એ પણ કાનને તો એટલી જ ગમવાની. કેટલીક વાર એવું ય બને કે જેમાં શબ્દ ન પકડાય કે ન સમજાય પરંતુ એનું સંગીત ચિત્તને, આત્માને ઝંકૃત કરી દે. અવિનાશ ભાઈનાં એવાં કેટલાય ગીતો છે કે જે સીધાં જ આપણી પ્રકૃતિ સાથે આપણને એકાત્મ કરી દે અને એ જાણે આપણાં જ હોય એટલાં સ્વાભાવિક લાગે.
એવી જ રીતે, લોકગીતોનો પણ અનોખો ઈતિહાસ છે. ક્યારે, કોણે એ રચ્યા છે એનાં મૂળ સુધી ઊતર્યા વગર સાવ સરળતાથી સ્વીકારી લેવાયેલાં ગીતો. આ લોકગીત માટે એવું કહેવાય છે કે ‘લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત. કંઠસ્થ સાહિત્ય પરંપરાથી ચાલ્યાં આવતાં કે કોઈ અજ્ઞાત ગીતકારે જોડીને વહેતાં મૂકેલાં ગાન.’
એક સમય હતો જ્યારે સ્ત્રીઓને એટલી મોકળાશ ન હતી કે સૌની વચ્ચે આવીને પોતાની વાત કહે. ત્યારે એ ઘરમાંજ રહીને ઘંટી પર ધાન દળતી વખતે, ઘમ્મર વલોણામાંથી માખણ તારતી વખતે કે પછી સરખે સરખી સહિયર સાથે કૂવાના કાંઠે પોતાનો રાજીપો કે વ્યથા વ્યકત કરતી વેળા મનમાંથી આપોઆપ સ્ફૂરી ઊઠેલા શબ્દોને એ એક હલક સાથે ગણગણી લેતી હશે અને સમય જતા એ લોકગીત તરીકે સ્વીકારાઈ ગયાં હશે.
અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. પછી તો તેમના ગીતો અને ગરબા ઘર ઘર સુધી પહોંચ્યાં અને એટલી હદે કે એ સૌને પોતાનાં લાગ્યાં. એના કર્ણપ્રિય શબ્દ અને સંગીતના લીધે કંઠસ્થ થવાં લાગ્યાં. અને પછી તો, એના ગીતકાર-સંગીતકાર કોણ છે એટલાં ઊંડાણ સુધી જવાના બદલે એને લોકગીત માની લેવામાં આવ્યાં અને એ રીતે જ ઝીલતાં રહ્યાં.એનાં તાલે સૌ કોઈ તન-મનના થનગનાટ સાથે ઝૂમ્યા.
એની પરવા ક્યાં આ સંગીતકારને હતી. પોતાનો નિજાનંદ લઈ એક પછી એક રચના કરતા ગયા અને પોતાની સાથે બીજા અનેક કવિઓની રચનાઓને સ્વરબદ્ધ કરીને સમૃદ્ધ કર્યા. પછી તો, એમની ગુજરાતી ગીતોની ધૂનનો પ્રયોગ હિંદી ફિલ્મોમાં પણ થયો. આ ગુજરાતી ગીત-ગરબા શેરીથી માડીને સ્ટેજ સુધી તો પહોંચ્યા જ સાથે એની લોકપ્રિયતાને લઈને કંઈ કેટલીય ગુજરાતી ફિલ્મોમાં પણ એ ગવાયાં. તેમનાં ગીતોમાં સાહિત્યિકતા ઘણાને ઓછી જણાય પણ, વાર્તાને અનુરૂપ, ગીતલેખનની સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ફિલ્મી ગીતોમાં અવિનાશભાઈની કલમ બરાબર નિખરી.
ઉપેન્દ્ર ત્રિવેદી એ કહ્યું હતું કે, “અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.”
ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતાં અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં ‘પાંદડુ લીલુ ને રંગ રાતો, હેજી મારી મેંદીનો રંગ મદમાતો….’ ગીત હોય કે ‘‘નયન ચકચૂર છે’ ગીત પણ આજે ક્યાં ભૂલાય છે? કેવા મઝાનાં ગીતો?
કહેવાય છે કે એ અવિનાશ વ્યાસ હતા જેમણે સુગમ સંગીતને શિખરે બેસાડ્યું. ગુજરાતી સંગીતના ભીષ્મપિતા એમ નેમ કહેવાય છે? આ શિખરને આંબવાનો આયાસ આપણે કરીશું ને?
“કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,
ઘુંઘટમાં જોબનની જ્વાળા, ઝાંઝરનો ઝમકાર,
લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,
લટકમટકતી ચાલ ચાલતી જુવો ગુર્જરી નાર,
કયો ગુજરાતી આ ગીતથી અજાણ હશે ? સુંદર ગીતોની પસંદગી કરી છે !
LikeLiked by 1 person
ગુજરાતી સુગમ સંગીત જેમના નામ અને ગીતો વગર અધૂરું લાગે તેવા અવિનાશભાઈના ગીતોની મઝા માણવાની અને તેને વાગોળવાની તક મળવાથી મન મ્હોરી ઊઠ્યું..તેમના ગીત,ગરબા અને ‘માંડી તારું કંકું ખર્યું “ જેવા મનને મંત્રમુગ્ધ કરનાર માતાજીની સ્તુતિ જેવા ગીતોનું રસદર્શન…..રાજુ ,મઝા પડી જશે…
LikeLiked by 1 person
રાજુલબેન,
તમારી વાત તદ્દન ખરી છે કે અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના ભીષ્મ પિતામહ છે. ફક્ત એક નહિ પણ બે બે પેઢી તેમના રચેલા અને સંગીતબદ્ધ કરેલા ગીતો ગાઈને મોટી થઈ છે. તમે ફરી એ ગીતો યાદ કરાવ્યા. ખૂબ મઝા પડી ગઈ.
LikeLiked by 1 person